Wheels keep moving - 12 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | પૈડાં ફરતાં રહે - 12

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

પૈડાં ફરતાં રહે - 12

12

અમે આકાશના તારા ગણતા પડ્યા હતા. કાર્તિક કહે, 'મોટાભાઈ, આ જે પરાક્રમ આપણે કર્યું અને જે મેં જીવણ મારાજ સાથે મળીને કર્યું એનો રિપોર્ટ કરીએ તો મને કાંઈ લાભ કે ઇન્ક્રીમેન્ટ જેવું આગળ જતાં મળે કે નહીં?'

મેં કહ્યું, 'કેમ નહીં? ઇન્ક્રીમેન્ટ ને એની વાત તો તું કન્ફર્મ થઇ જા પછી આવે. પણ ઉપરીને રિપોર્ટ આપતા પહેલાં કોઈ સિનિયરને પૂછી લેવું કે કોઈ રુલ તોડ્યો નથીને? નહીં તો લાભ ઘેર ગયો, ઉપરથી ખુલાસો પુછાય.'

'તે આ બે કેઇસમાં રૂલ તોડ્યા છે?' તેણે પૂછયું.

'આમ તો નહીં ને આમ તો હા. તમે બીજે રસ્તે બસ લઈ ગયા અને માણસો ઉપર બસ ધસાવી ઈ ગંભીર ગુનો ગણાય. પણ એ સંજોગોમાં તમારું પરાક્રમ ઘણું મોટું કહેવાય. જો ટોળાને બસનું બારણું ખોલવા દીધું હોત તો પેસેન્જરો બાનમાં મુકાઈ જાત. ટોળું સરકાર ઉપરનો ગુસ્સો તમારી ઉપર ઉતારત. તમે જે કર્યું એ સારું જ કર્યું.

આપણા આજના કેઇસમાં જો ફોરેસ્ટ ઓફિસરે કીધું એટલે ત્યાં ઉભી ગયા હોત અને બસને એના મુકામે ન લઈ ગયા અને ગમે ત્યાં રાખી મૂકી એમ કોઈ ફરિયાદ કરત તો પણ આવી બનત અને લાઈટ વગરની બસને ઘાટ ચડાવતાં કાંઈ થયું હોત તો તો આપણે મર્યા જ હોત. આપણે લોકોની સગવડ પહેલી જોઈ અને જોખમ લઈ સફળ થયા એટલે જે બન્યું એનો આપણે જ રિપોર્ટ કરશું જ. આપણે મરદનું કામ કર્યું છે. એસટીનો ડંકો વગાડ્યો છે.' મેં એને સમજાવવા ખુલાસો કર્યો.

'તે એ રિપોર્ટ પરથી એસટી આપણને શું ફાયદો કરશે?' કાર્તિકની આંખો ઉંચાં સપનાં જોઈ રહી.

'એપ્રીસીએશન લેટર. પ્રશંસા પત્ર. સાથે કઈંક રોકડ અને હા, સર્વિસ રેકોર્ડમાં ખાસ એન્ટ્રી જે ખૂબ મોટું કહેવાય.' મેં કહ્યું.

'મોટાભાઈ, તમને અગાઉ આવો કોઈ લેટર મળ્યો છે?' કાર્તિક પૂછી રહ્યો.

'ઘણા. પહેલો તો તારી જેમ નોકરીમાં નવો જ રહેલો ત્યારે. મારે માટે આ પણ નવું નથી ને આપણા સ્ટાફમાં 'ચિઠ્ઠી મળી' કહેવાય છે એ મેમો કે ખુલાસો કરવાનો લેટર પણ મળ્યો છે. હું સાચો હતો એટલે છૂટી ગયેલો.'

'તો કહો તો ખરા, નોકરીમાં નવા હતા ત્યારે એવું તે શું કરેલું કે એપ્રિસીએશન લેટર મળેલો?' તેણે પૂછ્યું.

મારી આંખ સામે 2002 નું દ્રશ્ય તરી રહ્યું. મેં વાત કરવા માંડી.

'તોફાનો આખા ગુજરાતમાં બધે ફેલાઈ ગયેલાં. કોમી રમખાણો ભયંકર રીતે ફાટી નીકળેલાં. આમ તો ગુજરાતમાં બધા ધરમના લોકો ખભેખભા મિલાવી ધંધો રોજગાર કરતા હતા. પણ ઈ ટાઈમે સંજોગો એવા ઉભા થયા કે બંને ધરમના લોકો ગઈકાલ સુધી ભાઈબંધ હતા ઈ આજે એકબીજાને શંકાથી જોવા લાગ્યા. રમખાણોએ જ્યાં કોઈએ આજ સુધી સપનામાં વિચાર ન કઈરો હોય એવા સારા સારા, છેલ્લા 10 કે 15 વર્ષમાં જ ઉભા થયેલા એરીયાઓને ભરડામાં લઈ લીધા. જ્યાં જુઓ ત્યાં ધડાકા ભડાકા સંભળાવા લાગ્યા અને અફવાઓ તો દાવાનળની ઘોડ્યે ફાટી નીકળી.

તોફાનો તો થયે રાખે. એસટીનાં પૈડાં ફરતાં જ રહે. જોખમ લાગે તો એમાંથી તો ખાસ 'યા હોમ' કરીને નીકળીએ. એક પણ પેસેન્જર ઘેર પહોંચ્યા વિના ન રહે ઈ જોવાનું કામ અમારું, ખાસ તો મારું કામ મને લાગતું. હતો પણ તું આજે છો એનાથીયે નાનો.

એક વાર હું મારી આ 1212 ની પહેલાંની બસ લઈ રાજકોટ અમદાવાદ એક્સપ્રેસ રોડ, જે પાંચેક વર્ષથી જ અસ્તિત્વમાં આવેલો, ત્યાંથી પોરબંદર થી અમદાવાદ બાપુનગર જતો હતો.

લીંબડી બસ સ્ટોપમાં બેઠો હતો ત્યાં ઓચિંતું કોઈ અફવાનું પડીકું આઇવું. કોઈ ડ્રાઈવરોએ બસમાંથી સરખેજ બાવળા વચ્ચે ભડકા જોયેલા. અમને કહ્યું કે નજીક રહેતા તોફાની તત્વોએ આગ લગાડી છે અને બસોને રોકે છે. બાવળાથી આગળ જવાનું જોખમ લેવાય એમ નથી.

એક અફવા તો એવી આવી કે તોફાની ટોળાં સરખેજ તરફથી આ તરફ બગોદરા સુધી આવી રહ્યાં છે અને બસો ઉભાડી એમાંથી જુવાન બાઈ માણસુને ખેંચીને લઈ જવાનું કરે છે.

મેં કહેનારને જ ખખડાવ્યો. હવે જે લોકો એકલી પડેલી છોકરીનું બગડેલું સ્કૂટર જોતજોતામાં ઠીક કરતા હોય, જે સોસાયટીના નાકે બાઈઓને મા બેન માની તાજું શાક ને ફ્રુટ વેંચતા હોય ઈ લોકો આવું ન જ કરે. એની વાત હું માનતો નહોતો પણ એ બસમાંથી ઉતરેલા અને હવે ખૂબ જ ફફડતા, અમારી આસપાસ ફરતા લોકો હિંદુઓ જ હતા. ઈ બધા ખૂબ બી ગયેલા હતા.

મેં પૂછ્યું, 'અરે રે, બસમાં ભાયડાઓએ બેનોનું રક્ષણ કરવા કાંઈ નહીં કર્યું હોય?'

ઈ ડ્રાઇવર કહે 'ભાઈ, બધાએ બધું કરવા જેવું કરેલું. સામનો કરવા ભાઈઓ બારણાં પાસે આગળ આવીને બેસી ગયા હતા ને બેનુંને અંદર તરફની સીટોએ મોકલી દીધી હતી. પણ નવી અફવા આવી કે એ લોકો પાસે આગ લગાડવાની વસ્તુઓ અને ઘાતક હથિયારો છે. આપણે જોયા ન કરીએ પણ પહોંચી પણ ન વળીએ.

બસમાં હતા ઈ બધા સુધરેલા, ભણેલા લોકો હતા. એમણે અમને તરત પાછા જતા રહેવા કીધું.

મેં તો ખાવાનું નામ લઈને બેઠેલો એટલે થોડું ખાઈ લીધું ને હડેડાટ કરતો થયો ઉભો. બાપુ ભૂમિપાલસિંહની બસને અડી તો જુએ! ઘાસની જેમ વાઢી નાખું.

મેં બસ ઉપાડી. ઓલાએ કીધેલું એમ બાઈઓને વચ્ચે બેસાડી દીધી. બધાને સાબદા રહેવા ને મારી ઉપર ભરોસો રાખવા કીધું.

એમાં ને એમાં બસ બગોદરા ઠેકાવી બાવળા આવી પુગી. સોરી, આવી પહોંચી. બગોદરા ઠેકાવી એમ કીધું એટલે કોઈ ઉતરનારું નહોતું ઈ પૂછી લીધું. બસસ્ટોપની બહાર જ બસ ધીમી પાડી જોઈ લીધું કે કોઈ હાથ કરતું ઉભું તો નથી. ક્યાંથી હોય આવાં તોફાનો વચ્ચે?

હવે ઈ ટાઈમે સૌરાષ્ટ્ર, કચ્છથી આવતો બસરૂટ વાસણા, પાલડી થઈને અમદાવાદ ગીતામંદિર બસસ્ટોપ જાય. વચ્ચે પહેલાં જુહાપુરા આવે. ત્યાં તો તોફાનીઓ, એ પણ ભડકાવેલા. હું કહું છું એમ ઠાંસી ઠાંસીને ઝેર પાએલા. એ લોકોએ ટાયરો સળગાવી, આડશો મુકી એ રસ્તો બંધ કરેલો. મારી બસ ત્યાં આવી. મેં હોર્ન વગાડ્યા કર્યું. મેં ઈ ટોળાંની આગળ ઉભેલા ગુંડા જેવા લાગતા કોઈ જણને કીધું કે તમે ખસી જાઓ. સળગતાં ટાયરો વચ્ચેથી હું બસ તારવી લઈશ. મને કે મારા કોઈ પેસેન્જરોને તમારી સાથે વેર નથી. જે લોકોને જેની સામે વાંધો હોય ઈ ભલે અંદરોઅંદર કપાઈ મરે. અમને જાવા દ્યો. મેં પહેલાં હાથ જોડ્યા પછી કડકાઈ કરી જોરથી હોર્ન મારી બસ સળગતાં ટાયરોની બાજુમાંથી લીધી.

ઈ જણ તો માથાભારે નીકળ્યો. બળતું ટાયર બસ તરફ રોડાવ્યું ને મને કહ્યું કે 'જોયા કરો. કેવી રીતે અમદાવાદમાં ઘુસી શકો છો. અમે બદલો લેશું. કોઈ નીકળી તો જુએ?

ઈ વખતે સમય જોઈ પાછા વળવામાં જ સારાવાટ જોઈ. મેં બસ રીવર્સ લઈ બગોદરા તરફ વાળી. થોડીક વાર પછી પાછો આવીશ. એ લોકો કેટલું ઉભશે? કેટલાં ટાયરો બાળ્યા કરશે?

પાછા તો વળ્યા પણ બાવળા ચાંગોદર આસપાસ અમારી બસો લાઈનબંધ ફસાઈ.

મેં બાવળા બસસ્ટોપ પર બસ લઈ ત્યાં ઉભાડી. નીચે ઉતરી ત્યાંથી અમદાવાદ કંટ્રોલર સાહેબને બાવળાના સાહેબે લગાડી આપ્યો એ ફોન કર્યો. એ વખતના સાહેબને મેં રસ્તો સુચવ્યો કે જુહાપુરા આવતા પહેલાં, વિશાલા પણ આવતા પહેલાં, એક નાનો, બે બસ સામસામે નીકળી શકે એવો, ટુ ટ્રેક કે'છે એવો રોડ છે. એના ઉપરથી જોધપુર બિગબઝાર તરફથી આવું. તમે પરમિશન આપો. મેં રસ્તો જોયો છે. ક્યારેક ટ્રકમાં ત્યાંથી નીકળ્યો હતો.

સાહેબે થોડો વિચાર કરી જો સલામત લાગે તો જ આવવું નહીંતર પાછા વળી જવું એમ કીધું.

શાબાશ. એવા હિંમતથી પાછળ ઉભે એવા સાહેબ જ જોઈએ.

મેં એ કોઈ તોફાની ટોળાંને ખબર પડે ઈ પહેલાં બસને વિશાલા આવતા પહેલાં જ, ત્યારે એક બાજુ સાણંદ તરફ એરો હતો ને બીજી બાજુ ગાંધીનગર, એ ટુ ટ્રેક પણ ડામરના પાકા અને હજી અજાણ્યા રસ્તે બસ દોડાવી. મારી પાછળ ઓલી ફસાયેલી બસોની હાર. કીડીઓ ગોળ પાસે જાય એમ એક પાછળ બીજી, વીસેક બસો એ રસ્તે મારી પાછળ પાછળ નીકળી આવી. ત્યાં દિવ્યભાસ્કરનું મકાન હજી બંધાતું હતું. આગળ જતાં બિગ બઝાર આવી. ઈસ્કોન ઈ વખતે હજી જાણીતું નહોતું. કદાચ હતું જ નહીં.

ઈ બાજુ રહેતા લોકોને અમે ઉતાર્યા પણ ખરા. ત્યાંથી હું ગીતામંદિર પહોંચી ગયો. કંડકટર બસ લખાવવા ગયો ત્યાં સાહેબ મોટા સાહેબને લઈને અમારી પાસે આવ્યા. અમને ડીસી સાહેબ પાસે લઈ ગયા. ત્યારે ને ત્યારે સાહેબે મારી પીઠ થાબડી મેં એક સારું કામ કર્યું એવો લેટર તો આપી જ દીધો.

બીજી બસો પણ ઈ પછી રોજ જ આ નવા રસ્તે આવવા માંડી. બીગબઝાર આગળ ઉભવા પણ માંડી. એ સ્ટોપ ઇસ્કોન તરીકે ઓળખાવા માંડ્યું.

બસો ત્યાંથી આવવા લાગી અને.. પાલડી વાસણાના રસ્તાઓ ઉપરનો એસટીનો ટ્રાફિક ઓછો અને પછી બંધ જ થઇ ગયો. બસો અડધો કલાક જેવી વહેલી પહોંચવા લાગી. મોટા ભાગના પેસેન્જર સેટેલાઇટ, બોપલ, વસ્ત્રાપુર બાજુ અને 132 ફૂટ રોડથી જવાય એવી જગ્યાએ રહેતા હતા. એ લોકો ખૂબ વહેલા ઘેર પહોંચવા લાગ્યા. એ નવી વ્યવસ્થા પબ્લિકને ખૂબ ફાવી ગઈ. એને કારણે એસટીની આવક વધી એની કોઈએ નોંધ નહોતી લીધી.

એ પછી જ ઝાંસીની રાણી પાસેનું બસસ્ટોપ બન્યું અને તરત જાણીતું બન્યું. સેટેલાઇટ રોડથી હાઇવે પકડતી બસો બીગબઝાર ઉભી પેસેન્જર લેવા માંડી.

એનો ટ્રાફિક વધ્યો એટલે એસ જી હાઇવે તરત ભપકા વાળો થઈ ગયો. ત્યાં સુધી એ આટલો ભરચક્ક નહોતો રહેતો. 

'જોયા કરો' કહેનારા જોતા રહ્યા અને મારે લીધે એસટી સાથે પ્રાઈવેટ ટ્રાવેલ પણ ઈ રસ્તે આવવા જવામાં જોડાઈ ગઈ.

જોતજોતામાં એ રસ્તો જ કાયમી થઈ ગયો અને વાસણાવાળો રસ્તો ભુલાઈ ગયો. એ સ્ટેન્ડ પહેલાં બીગબઝાર કહેવાતું, પછી ઇસ્કોન કહે છે. આજની ઘડી ને કાલનો દી. ઓલો રસ્તો બંધ.

એની આડપેદાશ એ થઈ કે સાઉથ બોપલ, પ્રહલાદ નગર, વેજલપુરનો પાછલો ભાગ, મિરચી ટાવર, દિવ્યભાસ્કર આસપાસ જેવા પૈસાદાર એરિયાનો એ રોડ નજીક ખૂબ ઝડપથી વિકાસ થયો. એ વિકાસ
'જોયા કરો આવવા દઈએ તો' ચેલેન્જ ને આભારી છે. 

'જોયા કરો' કહેનારા જોતા રહ્યા અને એ બાજુનું અમદાવાદ એવું તો વિકસિત થઈ ગયું કે બસ જોયા કરો.

ઈ બાજુ પેલાવેલી (સહુ પ્રથમ) બસ લાવવાનું કોણે કર્યું? તારા મોટા ભાઈ ભૂમિપાલસિંહ બાપુએ.

મને ઓલો એપ્રિસીએશન લેટર ને ઇનામ મળેલ ઈ ગામડે બેગમાં સાચવ્યાં છે.

ઈતિહાસ કોઈ નામ કાયમ યાદ રાખતો નથી. હું તો એક અદનો ડ્રાઇવર! એક મોટો રોડ મેં શરૂ કર્યો એના ઈ કટકાને એસજી હાઇવે ને બદલે 'ભૂમિપાલસિંહ માર્ગ ' નામ આપે એમ ઈચ્છા તો થાય. બાકી યાદ કરીને આનંદ.'

મેં જોયું તો છોકરું વાર્તા સાંભળતાં સુઈ જાય એમ કાર્તિક સુઈ ગયો હતો. એના ઊંડા શ્વાસ ચાલતા હતા ને પેટ ઊંચુંનીચું થતું હતું.

મેં પણ માતાજીનું નામ લઈ ઊંડા શ્વાસ ખેંચ્યા ને ભર નીંદરમાં પોઢી ગયો.

(આ વાત સંપૂર્ણ સાચી છે. એ ડ્રાઇવર કે એ વખતે તેને નવા રસ્તે આવવા પરમિશન આપનારા અધિકારી અજ્ઞાત રહી ગયા છે. ભોમિયાએ આ રસ્તો શોધ્યો એ વાર્તાકરણ છે, ઘટના સાચી છે.)

ક્રમશઃ