Wheels keep spinning - 11 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | પૈડાં ફરતાં રહે - 11

Featured Books
Categories
Share

પૈડાં ફરતાં રહે - 11

11

ચાલો, આજથી ઇ સાચી ભાષા બોલવાનું નક્કી. પણ પડી ટેવ એમ ઝટ છૂટે? હવે તો સાચું જ બોલવાનું નક્કી કરી હું મારી સાપુતારાની ટ્રીપ માટે નીકળ્યો.

માતાજી સામે નીચા વળી મેં અગરબત્તી કરી, માતાજી આગળ લાલ લાઈટ કરી ને 'જે માતાજી' કરતો મારી સીટ પર ગુડાણો ને બસ સ્ટાર્ટ કરી. આ વખતે ઓલો છોકરો કાર્તિક ફરી મારો કંડકટર હતો. નાથગર બાવાજી ક્યાં? વડોદરાથી ઈને ક્યાં મોકલ્યા?

મેં મારી વહાલી 1212 ઉપાડી ત્યારે સુરજ મહારાજ રન્નાદેને મળવા ઉતાવળા ઉતાવળા ભોં માં થઈ ઇમના મહેલે જતા હતા.

નવસારીથી જેમ આગળ જઈએ એમ જંગલ જેવો વિસ્તાર આવતો જાય. રસ્તા સાંકડા થતા જાય. બેય બાજુ ઊંચાં તાડનાં ઝાડ, વારેવારે નાળાં, કોઝવે ને ઢાળ આવ્યા કરે. બસ નીચે ઉતરે ને ધબડ.. ધબડ.. કરતી ઉપર ચડે. વળી કોઈ વાહન આવે એટલે સાઈડ દબાવે. વાહનોમાં પણ મોટાં લાકડાં ભરીને આવતી ટ્રકો ઘણી હતી. આ બાજુ ઈમારતી લાકડું સારું થાય છે. બેય બાજુ વાંસના ઝાડની હારની હાર પણ આવતી જાય.

સંધ્યા ટાણું થયું ને જોતજોતામાં અંધારુંયે પ્રથવીને ગળી ગ્યું. ઈ હારે વાહનો ઓછાં થવા માંડ્યાં. વાંસદા આવ્યું. થોડા આદિવાસીઓ ચડયા. ધોતિયાં જેવી લાલ ને ભુરી સાડી, પેટ ખુલ્લું દેખાય એવી બાઇયું ને અર્ધા સાથળ દેખાય એટલી ટૂંકી પોતડી વાળા, ઉપરથી ઉઘાડા કે સફેદ કફની પહેરેલા પાતળા ને લાંબા પુરુષો.

અમે બસસ્ટોપની બહાર છેલ્લાવેલી ચા પીવા ઉભા. અમારી હારે ઉપરથી આવતા પેસેન્જરોમાં એક ભાઈ ત્યાં સાપુતારામાં ઉડનખટોલો કહેવાતી રોપવેની ટ્રોલીમાં કાંઈંક રીપેર કરવા આવતા હતા. એક ત્યાં આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડર હતા. એક બેન ત્યાંની પ્રાથમિક શાળાનાં ટીચર હતાં ને એક ઓલું લોક મ્યુઝિયમ સે -સોરી, છે, ન્યાં સોરી, ત્યાં ટિકિટ ફાડવાનું કામ કરતા ક્લાર્ક. ઈ મ્યુઝિયમ મોટા કંપાઉન્ડમાં છે. ત્યાં આદિવાસીઓ કેવી રીતે રહે છે, શું ખાય છે, શું કામધંધા કરે છે ઈ બધું બતાવતાં સાચા માણસ લાગે એવાં પૂતળાં રાઈખાં સે. સોરી, રાખ્યાં છે.

તો ટૂંકમાં બધા એવા નોકરિયાતો હતા જેને રાતે પોંચવું જરૂરી હતું.

અમે બસ ઉપાડી ત્યાં રાત પડી ગયેલી.આમેય આસપાસ ઊંચાં ઝાડ ને પર્વતો શરૂ થાય એટલે અંધારું વહેલું થઈ જાય. અમે અંધારું કાપતા ગીચ જંગલ સોંસરવા જવા લાગ્યા.

અહીંથી વઘઈ ને પછી 42 કિ. મી. સીધો ઢાળ ને ઘોર જંગલમાંથી થઈને જતો એકાંત સાંકડો રસ્તો છે. આંય ઉભા તો લૂંટાયા. ન ઉભો તો યે ઉભાડીને લૂંટે છે એમ કહેવાય છે. હું તો અહીંથી કેટલીયે વાર ગ્યો છું, એવું બન્યું નથ. પણ ક્યારેય નહીં જ બને એમ ન કહી શકાય.

1212 કોઈ દીવસે નહીંને આજે ડચકાં ખાવા લાગી. ડિઝલમાં કચરો આવી ગ્યો હશે. પણ અટાણે પંપ પણ ક્યાં ગોતવા બેસે?

મેં બસને થોડી રેસ કરી. એક્સેલરેટર વધુ જોશથી આપ્યું ને સાથે ક્લચ પણ થોડો વધારે દાબી રાખ્યો. સામાન્ય રીતે એમ કરવાથી તો ક્લચ પ્લેટને ઘસાઈને નુકસાન થાય પણ આજે એમ કર્યા વિના છૂટકો નો'તો.

સોરી. નહોતો.

જીવણ મહારાજ સાચા હતા. પણ એમ આવડતી હોય તો પણ, જલ્દીથી સાચી ભાષા જીભે નહીં આવે. અવરાવીશ. કોશિશ કરે એની હાર ન થાય.

એક તો સીધો ચડતો ઢાળ, આસપાસ ખીણ અને જંગલ અને નિર્જન રસ્તો. પાછી ઘોર અંધારી રાત.

મેં બસને હાથ જોડી પ્રાર્થના (શાબાશ કહો, હું જોડાક્ષર સાચા બોલ્યો) કરી. 'બાઈ મારી, દીકરી મારી, માવડી મારી, 1212, લાજ રાખ. તારે બીજે ક્યાંય નહીં ને આંય જ રીસાવું હતું!' એમ કયો, મારી ફાટી પડી.

કાર્તિક વગર કીધે સમજી ગ્યો કે દાળમાં કાળું છે. મારી પાસે આવ્યો.

મને કહે, 'બસ થોડી ઠંડી પાડીએ? કોઈને કહેતા નહીં, એસટી પહેલાં મેં કોલેજમાં ભણવાની સાથે ટ્રાવેલ કંપનીમાં થોડી નોકરી કરી છે એટલે આવા મુશ્કેલ ટાઈમનો પણ મને અનુભવ છે. એટલે જ મહારાજને કામ લાગેલો.'

મને લાગ્યું કે કાંઈંક કરવું તો પડશે. અમે ચડતા ઢાળે એક વાર તો ગિયરમાં ઝટ્ટ કરતી આંચકો મારી ગાડી બંધ કરી. ન્યુટ્રલમાં નાખું તો પેસેન્જરોનાં વજનથી જ સડેડાટ નીચે ભાગે. આંય પણ શાર્પ વળાંક હતો ને બાજુમાં પથરાળ જમીન પછી મોટી ખીણ હતી. બધાના રામ રમી જાય.

પાર્કિંગ બ્રેક તો લગાવી. પાછળ બે મોટા પથરાયે મુઈકા. સોરી,મુક્યા.

બસ ખાલી કરાવી. અમે આગલું પડખું ખોલી નાખ્યું. કાર્તિક પાસે ટોર્ચ હતી ઈ એક હાથે ધરીને બીજે હાથે ઢાંકણું પકડી ઉભો રહ્યો. મેં ધગધગતી ટ્યુબ ઠંડી થાવા દીધી. પછી એમાં ગિયર વાયર નાખી જોયો. ડીઝલ આવે ઈ તરફ ફૂંક મારી. થોડું ડીઝલ ચુસ્યું ને કોગળો કરી નાખ્યો.

આમ કહેવું સહેલું છે. ઈ બધું બહુ જોખમી છે. પેટ્રોલ હજી ચાંગળું પેટમાં જાય તો ખાસ વાંધો નહીં. ડીઝલમાં તો એકદમ ભડકો થાય. ભૂલથી યે મોઢામાં બીડી પીધાનો ધુમાડો હોય તો અંદરથી સળગે. ડિઝલમાં પેટ્રોલ કરતાં કાર્બન પણ વધારે હોય. એ પેટમાં ન જવા દેવાય. આ તો આ નોકરીમાં જોખમ લેવાલેવામાં ક્યારેક વધુ પડતું જોખમ પણ લઈ લીધેલું એટલે આજે પણ લઈ લીધું.

કચરો સાફ કરી બસ ઉપાડવા ગયો તો ચાલુ જ ન થઈ. મારી હવે સાચે ફાટી પડી. નહીંનહીંતો ચાલીસ માણસોનું પેસેન્જર હતું. અમે સીધા ઢાળ પર હતા ને કોઈ વાહન મદદે આવે એમ ન હતું.

કાર્તિક કહે ધક્કા મારો. ચોક્કસ ચાલશે. પણ ચાલુ કરવામાં આ ક્યાં એન્જીનને ધક્કો લગાવવાનો હતો? ઈ તો બરાબર હતું. કચરો હવે ફ્યુએલ ટ્યુબમાંથી ક્લિયર થ્યો હશે ઈ કાર્બ્યુરેટર માં પહોચી ગ્યો એમ લાગ્યું. તોય, કાર્તિક અને બીજા બે ચાર આદિવાસીઓ અને એક સારા શરીરવાળા સરકારી બાબુએ 'હેઇસો..' કરી ધક્કા માર્યા. મેં એક્સલેરેટર બરાબર જોરથી આપ્યું. બસ 'ભ્રાઓ..' કરતી ચાલુ થઈ ને થોડી આગળ જઈ વળી ઉભી રહી ગઈ. હું સમજી ગયો. ઈ ગરમ થઈ ગઈ હતી. એન્જીનને ડીઝલ પહોંચતું નહોતું. ફરી પાછલાં વ્હીલ પાસે પથરા મુક્યા, ફરી ફર્સ્ટ ગિયરમાં નાખી ઉભાડી, અમે બેએ ટોર્ચના અજવાળે પડખું ખોલી થોડું સખળડખળ કર્યું. હવે એન્જીન બરાબર ચાલુ ને ચાલુ રહ્યું.

મેં ફરી બધા પેસેન્જરોને બેસાડ્યા અને 'જય માતાજી' કહી બસ સ્ટાર્ટ કરી.

હે ભગવાન, પહેલેથી ડીમ થઈ ગયેલી ફૂલલાઈટ થઈ જ નહીં. એકલી ડીમ લાઈટ જ ચાલુ હતી.

નીકળ્યા ત્યારે જ મને લાઈટ ઓછી લાગેલી. ઈ ખ્યાલ નહોતો આવ્યો કે ફૂલ લાઈટનો વાયર જ ઢીલો છે.

ચાંદાના ઝાંખા ભૂરા પ્રકાશમાં ડામરનો રસ્તો આંખ ખેંચો તો દેખાતો રહે એમ હતું. મેં 'વઘઈ 10' નું બોર્ડ જોયું. બસ થોડી ધીમે ધીમે આગળ જવા દીધી. તોય, સાવ ખાલી ને ઢાળ વિનાનો સીધો રોડ દેખાય ત્યાં મેં 45-50 ની સ્પીડ તો લીધી જ.

વઘઈ આવ્યું. વાગેલા તો પોણા આઠ જ. પણ ઘોર અંધારું. બસ ડીપોના રસ્તે એકેય દુકાન ખુલ્લી નહોતી. બસસ્ટેન્ડ પણ ભેંકાર, સુમસામ. નહેરુનગર-સાપુતારા તો છ વાગે નીકળી જાય. પછી મોડી રાતે શિરડી જતી બસ નીકળે ઈ આંય ઊભે નહીં. એટલે કોઈ ચડવાવાળું હશે ઈ યે વયું ગ્યું હશે. એક આદિવાસી જેવાં વરવહુ ઊતર્યાં. મેં પાછળ વર્કશોપ દેખાય તો ઈ બાજુ બસ લીધી. ત્યાં પણ કોઈ નહોતું.

બહાર નીકળતા હતા ત્યાં ખાખી કપડામાં ફોરેસ્ટ ખાતાના સાહેબ મળ્યા. કહે કે આમ લાઈટ વિના ઉપર ઘાટ ચડવો જોખમી છે. હું ન જાવા દઉં. અમે કીધું કે તો એસટી વાળા કોઈકને બોલાવો.

બસના ઓલા કાલે નોકરીએ ચડવાવાળા બાબુઓએ સાહેબને સમજાવ્યા. કાર્તિકે કીધું, 'સમજો સાહેબ, આટલું માણસ રાતે સુશે ક્યાં?'

મેં દલીલ કરી કે અમને એસટી કહે તો જ અધવચાળે ઉભા રહી જવાય. આંયથી તો કોઈને વાંસદા પણ કહેવા જવાય એમ નથી. આગળ જવું એ જ એક રસ્તો છે.

સાહેબ કહે 'અને ઘાટ પરથી બધા ખીણમાં ખાબકો તો? જવાબદારી કોની?'

મેં કીધું, 'એની ચિંતા ન કરો સાહેબ. મેં ભલભલા ઘાટ ચડાવ્યા છે. હા, આમ લાઈટ વિના નહીં. જિંદગીમાં ક્યારેક તો જોખમી સાહસ કરવું પડે. આ તમારા સરકારી નોકરિયાત પેસેન્જરોને ખાતર આજે કરીશ. જોજો, કાલે સવારે પાછો અહીં તમારી સામેથી નીકળીશ.'

સાહેબ થોડી વાર કઈંક વિચારતા મારી સામે જોઈ રહ્યા. આખરે કહે 'હું જ્યાં વાયરલેસ કરાય એમ છે એ ઢાળ પરનાં ગામના પોલીસવાળાને એલર્ટ કરી દઉં છું. તમે જાઓ. તમારા જોખમે.'

મેં બસ ફર્સ્ટમાં અને પછી હળવેથી સેકન્ડ ગીયરમાં નાખી ઢાળ ચડવા માંડ્યો.

આ શું? હવે સાઈડની ડીમ લાઈટ પણ બંધ થઈ ગઈ હતી.

આગળ ઘોર અંધારું. રસ્તો આમ તો વળાંક વગરનો સીધો પણ એકદમ સીધા ચડાણ વાળો. ચાંદનીનો પ્રકાશ કેટલું અજવાળું આપે?

મેં કાર્તિકને બોલાવ્યો. કીધું હવે તારે ટિકિટ ફાડવાની છે નહીં. બારણા બરાબર બંધ છે. તું આંય મારી બાજુમાં આવ ને તારી ટોર્ચ ચાલુ ને ચાલુ રાખ. પાવર બે કલાક તો હાલવા જોઈએ.

બે બાજુ સાવ ટોર્ચની જ લાઈટ જે બસની સાઈડ જ બતાવે, એ કહેવા પૂરતું અજવાળું આપતી સતત ચાલુ હતી. વચ્ચે વચ્ચે સામે રસ્તા ઉપર કાર્તિક ટોર્ચની લાઈટ ફેંકતો જતો હતો. સીધો ચડતો ઢાળ ને કોઈને પોતાનું મોઢું કે શરીર સુધ્ધાં ન દેખાય એવું બસમાં ને બહાર ઘોર અંધારું. બધું ભેંકાર ને બિહામણું લાગે.

ટોર્ચના પ્રકાશના શેરડે ને ચાંદનીના ભરોસે અમે વીસ બાવીસ કિલોમીટર કાપી નાખ્યા.

રોડની સાઈડે એક ઝૂંપડી જેવું આવ્યું. ત્યાં ફાનસ સળગતું હતું. બહાર ખાટલો પાથરી બેચાર આદિવાસીઓ દારૂ પીતા હોય એવું લાગ્યું. તેઓ બસ સામે તાકી રહ્યા. તેઓ પીધેલા હતા. સારા માણસો ન લાગ્યા.

કાર્તિક કહે, 'મોટા ભાઈ, ભગાવો. નહીંતર આ લોકો આપણને લૂંટી લેશે ઈ નક્કી.'

મેં કહ્યું, 'તારી વાત સાચી પણ ભગાવવું કેમનું? આગળ કાંય દેખાતું જ નથી. સીધો રસ્તો હોય તો કાંઈંક પણ કરું, આ તો ચડતો ઢાળ ને ઈ પણ સીધા ચડાણ વાળો!'

કાર્તિક કહે, 'તમે જરૂર આવામાં પણ ડ્રાઈવ કરી શકશો મોટા ભાઈ! બહાદુરના બાપ છો. શાબાશ મોટાભાઈ! કરો, કરો સાહસ. ગયે રાખો આગળ. ટોર્ચ હું ધરું છું.'

સાચી વાત. આ તો રથ હાંકતાં કૃષ્ણને અર્જુને પોરો ચડાવ્યો!

હું બહાદુર નામના ટેણીયાનો બાપ છું ઈ તો વાત થઈ ગઈ 'તી. થાઉં ત્યારે ભડ. બહાદુરનો બાપ.

મેં થોડી એટલે કે 25 થી 30 ને પછી 35ની સ્પીડ કરી. એ લોકોને લૂંટવા દોડવું હોય તોયે ન પુગી શકે. અમે સરખા એવા આગળ નીકળી ગ્યા.

કાર્તિક કહે, 'પાછળ કોઈ પાસે મીણબત્તી હોય તો અહીં લાવીને કરૂં?'

મેં કીધું, 'મીણબત્તી ભૂલથીયે નહીં. લાક્ષાગૃહની વાત યાદ છે ને? એમાં પણ લાખ એટલે મીણ જેવું જ હતું. સળગે એટલે એક સેકન્ડમાં બધું રાખ થઈ જાય. એટલે જ બસમાં બીડી પીવાની મનાઈ હોય છે.'

મેં, મારી જબરી ફાટી પડેલી છતાં કોઈ કાળરાક્ષસનાં મોઢામાં કીડી જતી હોય એમ કાળું ડિબાંગ અંધારું ચીરતાં ક્યારેક માત્ર અટકળે આગળ ગયે રાખ્યું. ઉપર ગણ્યા ગણાય નહીં એટલા તારા દેખાતા હતા. ચાંદો અમારી ડાબે પડખે આવતા ખડકો પાછળ ઢંકાઈ ગયો હતો.

કાચની આગળ અને અમારી સાઈડમાં મોટા તણખાઓ જેવા આગીયા ઉડતા ઉડતા ઘુમવા લાગ્યા.

નીચે કોઈ ગામ હજી સૂતું નહીં હોય કે શેરીઓની રોડલાઈટ હશે. ખૂબ નીચે એની લાઈટોનાં ભૂરાં ટપકાં દેખાણાં. નજીકમાં કોઈ ચેકપોસ્ટ જેવું લાગ્યું. મેં બસ ચાલુમાં જ ઉભી રાખી. કાર્તિકે પાછળ પૂછ્યું કે બધા પેસેન્જર સલામત છે ને? આવામાં પણ એક કાકા ને બે કાકીઓને 'ત્યાં જવા ની' લાગી. હશે. વાંસદા છોડે સવાબે કલાક જેવું થયુ હતું. મેં ચાલુમાં જ ધીમો ઘરઘરાટ કરતી બસ ઉભી રાખી 'જલ્દી આવજો' કહીને તેમને ઉતાર્યાં. કાકા તો બસની પાછળ જ ખડકની ધારે ઊંધા ફરી ઉભી ગયા. કાકીઓ બેય આવાં, કોઈ પણ છળી મરે એવાં અંધારામાં થોડી આગળ ગઈ ને કોક ઝાડ પાછળ ઊંચું ઘાસ ઉગેલું એની ઓથ લીધી. કાકા તો તરત આવી ગ્યા. એ બે પણ દોડતી ચાલતી આવી ગઈ.

ઘડપણ છે ભાઈ. આપણે પણ ઘરડા થાશું.

મેં ઈ સિવાય કોઈ નહોતું ઉતર્યું (કોણ ઉતરે! આવામાં તો ભૂતને પણ બીક લાગે એવું બિહામણું એકાંત ને ઘોર અંધારું હતું.) તોય 'આજુબાજુમાં જોઈ લ્યો. કોઈ રહી નથી જાતું ને?' રાડ નાખી પૂછ્યું. મારો ઘાંટો આગળ ખડકો પર પડઘા પાડી રહ્યો.

મેં ફરીથી બસ ઉપાડી. ફરી એ જ ઘોર નો યે દાદો કે'વાય એવું અંધારું, કલ્પના ન આવે એટલા તારાઓનાં ઝૂમખાં ને આગળ લાલ પીળો પ્રકાશ ફેંકતા આગીયાઓ. ચારે બાજુ નિરવ શાંતિ. મને મારા શ્વાસ સંભળાતા હતા. મારા ધબકારા ઢોલની જેમ વાગતા હતા. આગળ રસ્તો દેખાતો ન હતો. કાર્તિક ટોર્ચ કરી ફેંકે તેનો શેરડો એ જ રસ્તો.

કાર્તિક બોલ્યો, 'મોટા ભાઈ, કેટલી વાર છે? ટોર્ચ ખૂબ ગરમ થઇ ગઇ છે અને પાવર ગમે ત્યારે જશે.'

મેં કીધું, 'હું થાય એટલી ઝડપ કરું છું. દસ થી પંદર મિનિટ હોવી જોઈએ. હવે તો માઈલસ્ટોન પણ કાં તો નથી ને કાં તો દેખાતા નથી એટલે કેટલું રહ્યું ઈ ખબર પડે એમ નથી.'

માઈલસ્ટોન નહોતા જ. મેં હનુમાનજીનું નામ લેતાં હજી વધુ એક્સેલરેટર દબાવ્યું. સાવ સીધા ઢાળે ઉપલાં ગીયરમાં નખાય એમ નહોતું. ગીયર પાડવામાં જ ખૂબ જોખમ હતું. ગીયર બદલો એટલી વારમાં પણ બસ ઊંઘી બાજુ સરકતી એકદમ નીચે જતી રહે એવું હતું.

એમને એમ પંદર કે વીસ મિનિટ થઈ. દૂર તળેટીમાં સાપુતારા ગામની લાઈટો દેખાણી. થોડે ગયા ત્યાં તો હોટલોની ચમકતી લાઈટો દેખાણી. પેસેન્જરોએ રાજી થઈને તાળીઓ પાડી.

મેં શ્વાસ હેઠો મુક્યો. બસ સાવ નાનાં એવાં બસ સ્ટેશનમાં લીધી. પેસેન્જરો ઉતર્યા ભેગા કોઈ મને ભેટ્યા તો કોઈએ હાથ મિલાવ્યા. ટોર્ચ પકડી ઉભેલા કાર્તિકને પણ બધાએ શાબાશી આપી. એમાં પણ મેં કીધું કે આ નવો ભરતી થયેલો કંડકટર છે તો લોકોએ એને ઉંચકીને ઉછાળ્યો ને ઝીલ્યો.

બધા જતા રહેતાં અમે બસસ્ટેન્ડની બાજુમાં ઢાબા જેવી એક નાની હોટલ છે ત્યાં ગયા. જમવાનું ખલાસ હતું. અત્યારે કોઈ બસનો ટાઈમ ન હતો. મને કકડીને ભૂખ લાગેલી. અમે ભિખારીઓ ભીખ માંગે એમ નજીકના પોણા કિલોમીટર પાસેની હોટલોમાં ફરી વળ્યાં. બધે જમવાનું નહોતું.

કોઈ બાઈ મધપૂડો કે એવું કંઈક લઈને જતી મળી. મેં ડૂબતો તરણું ઝાલે એમ એને જ પૂછ્યું , 'ક્યાંય ખાવા મળશે અત્યારે? અમે બસના ડ્રાઇવર ને કંડકટર છીએ ને બપોરથી ભૂખ્યા છીએ.'

બાઈ કહે અત્યારે રાતે દસ વાગે કોઈ ઢાબો કે હોટલ ખુલ્લી નહીં હોય. ઈ અમને એક સર્કલ પર નવરા, દાદાઓ જેવા દેખાતા લોકો પાસે લઈ ગઈ અને મરાઠીમાં કાંઈંક વાત કરી. એક પડછંદ માણસ અમારી સાથે બસસ્ટેન્ડ સુધી આવ્યો. એની અંદર આવેલા ઢાબાના સુવાની તૈયારી કરતા માલિકને હુકમ કરતો હોય એમ કાંઈંક વાત કરી. ઓલાએ અમને એક ખાટલે બેસવા કીધું ને નજીકના ઝુંપડામાંથી પેલી કછોટો વાળીને સાડલો પહેરેલી બાઈ મકાઈના બે રોટલા અને મરચાં વાળી ચટણી આપી ગઈ. કહે કે મારું ઘર બાજુમાં જ છે પણ રાતે તમને નહીં ફાવે. ભાઉએ કીધું કે ગામના કોઈ મહેમાનને ભૂખ્યા સુવાડીએ તો ગામનું ખરાબ લાગે. ભાઉ એટલે અમારી સાથે બસસ્ટેન્ડમાં આવેલો પેલો પડછંદ પુરુષ.

એ રોટલાની સુગંધ, એનો સ્વાદ એટલાં તો ભાવ્યાં કે ન પૂછો વાત.

અમે મનોમન એ અજાણી અન્નપૂર્ણાને વંદન કરી એસટીના બાંકડે જ લંબાવ્યું. વહેલી પડે સવાર.

**

ક્રમશઃ