10
'તો પુત્રનાં લક્ષણ પારણામાંથી. છોકરાએ તો જબરી બહાદુરી બતાવી. ખૂબ આગળ આવશે.' જીવણ મા'રાજ બોલ્યા.
'જીવણકાકાએ પણ જબરી ડેરીંગ બતાઈ. પેલી રઈસ ફિલ્મમાં કહે છે મિયાંભાઈની ડેરીંગ. બામણભાઈની ડેરીંગ કહો. એ પણ આ ઉંમરે.' કાર્તિકે પ્રતિ વખાણ કર્યાં.
'કોઈ નાતનો હારા કે નરસા ગુણ પર ઇજારો નથ ઈ હું પોકારી પોકારીને કઉં સું.
બાકી વખત આવે ભલભલાની ડેરીંગ ફૂટી નીકળે.' મેં કીધું.
'મારો છોકરો હોત તો કેવી હિંમત બતાવત એ ખબર નથી. આમ તો એને જીંદગીમાં પડે એવા દેવા શીખવ્યું છે.' જીવણ મારાજમાંનો બાપ બોલી ઉઠ્યો.
'અરે એણે તો પડતા પહેલાં જ દીધા. મારી બસમાં હતો. એક બાઈને ઘોર અંધારા રસ્તે વેણ ઉપડી. એણે તો એક નર્સ હારે મળીને બાઈને અર્ધે રસ્તે ડિલિવરી કરાવી. પસી મારે ઓળખાણ થૈ.' હું બોલ્યો.
'શું વાત કરો છો ભોમિયા બાપુ?' હરખથી મારાજનું મોઢું મઈં લાડુ ઓર્યો હોય એવું થૈ ગ્યું.
'સોકરો હારો દાક્તર બનશે. તમને મેડીકલમાં મળી ગ્યું ઈ હારું કેવાય.', મેં કીધું.
'ભલું થાજો ઇકોનોમિક બેકવર્ડ કલાસ કેટેગરીનું. નકર અમુક લોકો પંચાવન ટકાએ ભણવા જાય એ અમે પંચાસી ટકાએ પણ ન પામીએ. એ આરક્ષણ ને એ બધું પંચોતેર વરસથી ચાલ્યું આવે છે ને વધતું જાય છે. પ્રથવીનો અંત આવશે પણ ભારતમાં આરક્ષણનો નહીં.' વળી મા'રાજે ગુસ્સો ઠાલવ્યો. ભૂદેવો ઘડીમાં રીઝે ને ઘડીમાં ખીજે.
'સોરી કાકા, પણ માનો કે અમારા લોકોને એ મળ્યું..' કાર્તિક બોલ્યો.
'ઓય કારતિક, હવે જો અમારા ને તમારા લોકો બોલીશ તો મોંમાં સાચે જ મગ ભરી દઈશ.' મારાથી નાના ભાઈને વઢાઈ જવાયું. એટલે જ બીજું કાંઈ બોલવા કરતાં મોઢામાં મગ ભરવાની વાત સુઝી.
'મારું એમ કહેવું છે કે આરક્ષણમાં પણ અંદરોઅંદર ખૂબ ગળાકાપ હરીફાઈ જેવું હોય છે. કોઈ ઊંચા ટકાએ પણ આરક્ષણની સીટ નથી જવા દેતું. ઘણા તો ખોટી રીતે કાસ્ટ સર્ટિ લઈને પણ ઘુસી જાય છે.' કાર્તિક બોલ્યો.
'એના કરતાં કાસ્ટ કે ઇકોનોમિક કે કોઈ પણ આધારે આરક્ષણ નામનો શબ્દ જ બંધ થવો જોઈએ.' રફીક બોલ્યો.
'જે વસ્તુ 75 વરસથી કમાઉ દીકરો છે એ કોઈ સરકાર બંધ કરે?' વળી ભુદેવ બોલ્યા.
દીકરો દાક્તર સે તોય હું સે?
'જો, મારો બાદુર પંદર વરહ કેડે 2035 માં હારી લાઈન લેવા લાઈનમાં ઉભશે. તા'રે બંધ થયું હોય તો હારું. લાગતું તો નથ. હંધાયને પોતાની પડી સે. હું થોડી બિન ઉપજાઉ જમીન સે ઈટલે મારાજની ઘોડ્યે બેકવર્ડમાં ન આવું. રાજપૂતના દીકરાને બેકવર્ડ કેવરાવવું ગમેય નોય. પણ ઈ કોને કયે કે ઓલાવ બોકાહા નાખે સે ઇમ એનો હક્ક ગ્યો? અમારે તો જે મળે ઈ લઈ લેવાનું. આજકાલ ઉજળિયાત વરણ હોવું અને પૈસે ટકે પહોંચતા ન હોવું એ ગનો સે.' મારાથી નિહાકો નંખાઈ ગ્યો.
"કોઈ પણ, બેકવર્ડ કલાસ ને સુપર કલાસ, સવર્ણ કે અવર્ણ બધું નાટક હવે બંધ થવું જોઈએ. ભગવાને બધાને સરખા ઘડીને મોકલ્યા છે તો તક પણ સરખી મળવી જોઈએ." મેં મનમાં વસાર્યું. (વિચાર્યું.)
વળી કાર્તિક તલવાર ઉગામત પણ ત્યાં મને કંટ્રોલર સાયેબે બોલાવ્યો.
નહેરુનગર સાપુતારા ખોટકી 'તી. નવસારીમાં અમારી જેમ એક ખૂણે પડી 'તી. મારી 1212 તો ડીઝલ ભરાવવા ને સાફ થવા ગઈ 'તી તે ઈને જલ્દી બાર કાઢી મને ઈ ટ્રીપ 1212માં નવસારીથી સાપુતારા કરવા કીધું. હવારે દાહોદ-નવસારી તો ફેરો કરી આવેલો. કંટ્રોલર સાયેબ કયે રાતનો ટૅમ સે ને રસ્તા જોખમી સે. તું જ હેમખેમ જઈને પાસો આવી શકીશ. આવી જા એટલે ઓવરટેમ હારે તને તારા કાઠિયાવાડ, રાજકોટ મોકલી દઈશ. જે એક ઉપર બીજો અર્ધો પોણો દી વધારે ઓફ મઈળો.
ઈ બંધ બસ વાળા લોકોને પણ કોઈ ને કોઈ નાની ટ્રીપ આપી હશે. નવરા બેઠા ર્યે ઈ હાલે?
હારું. આ હંધી સરકારી પોલિસી હાટુ આપણે બાજી મરવું? મારો બાદુર હું કામ મેડિકલમાં યે જાય, આર્મીમાં ન મોકલું? ન્યાં બંદૂક ને તોપ હામે ઉભા રેવા કોઈ આરક્ષણ નઈ માંગે. ભેંસ ભાગોળે કે'વત જેવું. સોડી ને પણ મેટ્રિક થાય તા'રે જોશું. પડશે એવા દેવાશે.
મેં બધું ભૂલી બસ સેક (ચેક) કરી. લાઈટ, બ્રેક, ક્લચ, ગિયર પડવાં, ટાયરમાં હવા, સ્પેરવ્હીલ- હંધું બરાબર હતું. લાઈટ થોડી ઓછો પરકાશ આપતી લાગી. હાલે. વાયર હલી ગ્યો હશે. લાઈટ થાય સે ને, એટલે ઘણું.
જીવણ મા'રાજ આંય રાતવાસો કરી વહેલી સવારે નીકળવાના હતા. મને કયે, 'તું આમ તો હોંશિયાર માણસ છે. એક તારી બોલી વધુ પડતી ગામઠી છે. તને તો સાચી બોલી ફાવે છે. ટેવ પાડ તો લોકો તને સમજે.'
મેં કીધું 'આંય કણે નાનપણથી ટેવ પડી ઈ કેમ જાય?'
મારાજ કયે 'ચોખ્ખા શબ્દો બોલવા ને લખવા એ જ ગુજરાતીને જીવાડી કહેવાય. આજકાલ સરકારી માન અકરામ લેવા ધરાર પોતે ગામડાંની ધરતીના છે એ બતાવતા ને ગામઠી ભાષામાં જ લખતા બોલતા લોકો ગુજરાતીની સેવા નહીં, કુસેવા કરે છે. તું 'છે' બોલી શકે તો 'સે' શું કામ બોલવું? પ્રદેશ પ્રમાણે લહેકો બદલાય એ ચાલે પણ જાણીજોઈને ઉભડ ભાષા બોલીશ તો તારી વાત લોકો અને આપણા ઉપરી અધિકારી સમજશે નહીં. સાચી રીતે બોલવા કોશિશ કર.'
મેં કીધું 'પસી ઓલી સંતુ રંગીલી જેવું થાય.. ઈના લોક વસે ઈ પાસી ગઈ તારે કોઈએ સંઘરી નહીં..'
મારાજે મને વચ્ચેથી કાપ્યો. કહે, 'આ જ વાક્ય "પછી પેલી સંતુ રંગીલી જેવું થાય. એના લોકો વચ્ચે" એમ ફરીથી બોલ.
મારે બોલવું પડ્યું. આ બામણ માસ્તર થવાને જ લાયક હતો. કાંઈ નહીં. મને સાચું કહી સુધારે છે.
મહારાજ કહે, 'જો, હું પણ ગામડાનો જ છું. હું બોલું છું એવું? કાર્તિક તો પોતે જ કહે છે કે તે દલિત કહેવાતા વર્ગમાંથી આવે છે. બોલે છે ને ચોખ્ખું? નિશાળે ગયા હોઈએ તો એ ગામઠી ભાષા ન બોલવી. ત્યાં જે શીખવે એ બોલવી. કહેવાતી અંતરિયાળ ગ્રામ્ય ભાષા સરકારી મેગેઝીનોમાં વાર્તા તરીકે અમુક જ લોકો લખે ને એની જેવાઓ જ એ વાંચે.
તો આજથી તારી ટ્રીપમાં સાક્ષરી નહીં પણ ચોખ્ખી ભાષા જ બોલજે.''
કાર્તિકને કહે 'તું એની ભાષાનું ધ્યાન રાખજે. એ તને એસટીની નોકરીનું ઘણું શીખવશે.'
મને વાત માનવા જેવી લાગી. હું બોલીશ એવું મારી દીકરી સોના ને મારો બહાદુર શીખશે.
**
"આ શબ્દો મારા ભોમિયાના. હું ખુશ થઈ. હવે મારે એની દુભાષીયણ નહીં બનવું પડે. હું મને થોડી માંદી લાગી. નવસારીનાં વર્કશોપમાં કાંઈક તો ગરબડ થઈ છે મારી સાથે. જે હોય તે. હું મારા કાયમી સાથી ભોમિયાનું નામ ખરાબ નહીં થવા દઉં. ચાલો, તો કપરાં ચડાણ સાથે લાંબી ખેપ- કરવાની છે. ચાલો તો નીકળું. રામરામ."
એમ PO 1212 બોલીને હેડલાઈટમાં દેખાતાં તેનાં ચક્ષુઓ નીચે ઢાળી જાણે ધ્યાનમાં સરી ગઈ.
ક્રમશ: