Wheels keep spinning - 4 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | પૈડાં ફરતાં રહે - 4

Featured Books
Categories
Share

પૈડાં ફરતાં રહે - 4

4

'તો સાયબને સમજાવી આવી પુગ્યો મારી 1212 પર. આ 6 કલાકની ધૂળ ઝાટકી, આ પાણીથી ધોઈ, આ ટાયર પર થઈ ડોર ખોલી ચડ્યો. સીટ સરખી એડજસ્ટ કરી, મીરર ગોઠવ્યો, પેસેન્જરનું ડોર પણ બંધ સે ઈ ચેક કરી ઇગનીશનમાં સાવી ફેરવીને ક્લચ, ગિયર પાડી બસ શરૂ કરી. પૈડાં ફરતાં રહે. એક્સપ્રેસ હાઇવે થઈ વે'લું આવે વડોદરા.

પાછા કમસેકમ સુરત સુધીના પેસેન્જર ચઇડા 'તા. અંબાજીથી નીકળ્યા તારે બે ત્રણ રાજસ્થાની, એક કપલ મહેસાણી બોલતું હતું. ત્રણ લોકો સુવા કે વાંચવામાં હતા. પછી મહેસાણી કાને પડતી 'તી. બસ ભરાઈ ગઈ તારે હંધીય કોરની ભાષામાં ગણગણાટ હાલતો 'તો. ઈ હવે તોતડી પણ મીઠી લાગે એવી હુરતી શરૂ થઈ ગઈ તી.

બપોર પડી ચુકેલી. મેં બસનાં સ્ટીરીઓ પર વિવિધભારતી મુઇકું.

આ બસ અમદાવાદ આવી ત્યારે આંય હુધી એક્સપ્રેસ હતી હવે ગુર્જરનગરી થઈ 'તી એટલે વધુ ઝડપ ને સગવડ ધરાવતી. એમાં ટીવી સોત હોય. આમાં પણ હતું પણ હાલતું નો'તું. હુરતીઓ પણ જમી ખાઈને બેઠા હશે 'તી બસે જશોદાનગર છોડ્યું ત્યાં ઝોકાં ખાવા લાઈગા તા.

હું તો વડોદરે ટેમ મળે તો જમી લઈશ. દૂધ ને નાસ્તો પેટમાં હતાં ને ઉપરથી ખુદ રૂપાણી સાયેબની શાબાશી. પેટ ભેગું મન પણ ભરાઈ ગ્યું તું.

અમે એકસપ્રેસ હાઇવે પઈકડો. ઇ.. ને મારી 1212 ભાગી 80, 90.. બસ. પસી બસમાં જીપીએસ સે. વધુ સ્પીડ લઈએ તો પણ દંડ ને હાવ ગાડાંની ઘોડયે હાકું તો ય દંડ. જોતજોતામાં મહેમદાવાદ પસાર થઈ ગ્યું. એક સરખી સ્પીડ.

એક્સપ્રેસ હાઇવે ઉપર બે બાજુ પટ્ટા ને વચ્ચે બોગમવેલ ને એવું કેમ વાવે સે, ખબર સે? ડ્રાઇવરની નજર એક સરખો ગ્રે કલરનો ડામર રોડ જોયા કરી થાકી નો જાય. ડ્રાઇવરની સાઈડે ઈ લીલો રંગ દેખાય એટલે ઈની આંખ્યુંને ટાઢક ર્યે. એવી જ રીતે, આંય ઓલા સાઈડના સફેદ પથરા ને બદલે બ્લુ કલરનાં મોટાંમસ બોર્ડ હોય ઈટલે દૂરથી ફાસ્ટ જાતા હોઈએ તો પણ ડિસ્ટન્સ વંચાય. ને આંખ્યુંને એકધારું જોવું નઈં. તો ઈ રસ્તો જોતાં મટકું માઈરા વગર આંખ્યું ખોડી રાખો તોય થાકે નોઈં.

ઈની જરૂર સે. પૂરું ધિયાન (ધ્યાન) રે' તો એક્સિડન્ટ નો થાય. એકની એક પટ્ટી આંખ હામે આઈવા કરે તો ઊલટું ધિયાન રે'વા ને બદલે ઝોકું બોકું આવી જાય. અમુક ટાઈમે તો ખાસ. ભર બપોરે કે વે'લી પરોઢે.

ડ્રાઇવરને એક હરખો અવાજ આવે ને એકનું એક જોવાનું થાય તો હાલરડાં જેવી અસર થાય. એટલે જ ડ્રાઇવરો કેસેટ વગાઈડા કરે સે. ટ્રકના કે પોતાની કારના કે આવી બસના બધા ડ્રાઇવરે વગાડવું પડે. લાંબી મુસાફરીમાં. ને રાતે તો ખાસ વગાડવું પડે.

મંદિરમાં માં'રાજ ચાલુ કથાએ ઓચિંતી જે બોલાવે કે તાળીયું પડાવે, ચાલુ ભજને વચ્ચે જોરથી ઢોલ વગાડે કે આદિવાસીના નાચમાં વચ્ચે હે.. કરી ચિચિયારી પાડે એ એટલા માટે જ કે એક સરખા અવાજમાં ઊંડું ધિયાન લાગી જાય તો ઊંઘ જેવું થઈ જાય. ને ડ્રાઇવિંગ માટે તો ઈ સો ટકા જોખમી.

લોકો આરામથી સુઈને મુસાફરી કરે એટલે તો અમે જાગતા રિયે! અરે, આવું તો કાંક મોદી સાયેબ પણ બોલેલા. હાસ્તો. ઈ દેશનું ડ્રાઇવિંગ કરે સે તો અમે બસનું. પોતાને મળેલી જવાબદારી સૌએ હમજવાની. ઈને જ ધરમ કે'વાયસે. સાસ્તર હું ભઈણો નથી પણ ઇમ જ કે'તું હશે.

આણંદ ગ્યું. થોડી વારમાં બીજું ટોલબુથ પસાર કઈરું. હમણાં ઓરું આવે ઓલું વડોદરાનું બુથ.

બે વાગેલા. ઈ બુથ પર આગળ જઈ પેસેન્જરોને એકીપાણી કરવા ઉભી રાખી.

ઓચિંતી પોલીસની સાયરન મારતી બે ચાર ગાડીયું વડોદરા કોરથી મારમાર આવી ને અમદાવાદ કોર ગઈ. થોડી વાર પેલાં મોટી જીપ ને એક સફેદ ગાડી પવનના ઝપાટા મારતી નઈં નઈંતો 130 જેવી સ્પીડે ગઈ 'તી એની વાંહે આ લોકો મારમાર જતા 'તા.

એકાદ પોલીસ જીપ અમારી બસ પાહે ઉભીને એણે એકદમ રિવર્સ લઈ સાઈડમાંથી જીપ લેવા માંડી. એટલી વારમાં ઈને પુસતાં ખબર પડી કે કોઈ બેંકનું એટીએમ લૂંટી ઈ ઓલા સફેદ કાર વાળા લોકો ભાગતા 'તા.

મેં પોલીસ સાયબને પુઈસું કે હું કાંઈ મદદ કરું. ઈ કે' જોખમ લેવાય ઈમ નથી. ઓલાવ ફાયરિંગ કરી ચુઈકા સે. કદાચ ટેરરીસ્ટ પણ હોઈ શકે.

સાયેબ પણ બાપુ ને અમે પણ બાપુ. અમે કીધું અમે ધાંય ધાંય કરતા ગોળીબાર કે હળગતા કાકડા વસેથી ગાડી કાઢી આઈવા છીએ. આ 1212 મારો રથ સે. એને તક તો દ્યો!

મેં કીધું મને જાવા દ્યો. વીસ પસીસ મિનિટથી વધુ ઈને પુગતાં મને નો લાગે. સાયેબ એગ્રી થ્યા.

મેં પેસેંજરુંને ઉતાર્યા ને બસ ચીં.. કરતી ચિચુડાટ કરતી ટર્ન મારી ભગાવી. પોલીસ કારુંની વાંહે વાંહે જાવા દેતાં ઈ હંધાયની આગળ હોત (પણ) થઈ ગ્યો.

ઈ મને નંબર કીધેલી એવડી ઈ કાર તો જે ભાગી? 150 ઉપર હશે. પસી તો 180 યે હોય. પવનથી પણ વધુ ઈસ્પીડે. બીજાં વાહનો વચ્ચેથી વાંકીચૂંકી રસ્તો કરતી જા..ય ભાગી. એની વાંહે મારે યે ઇમ ભાગ્યા વના સૂટકો નો'તો. એસ.ટી. ના ડ્રાઇવિંગના અમુક નિયમો હોય. હું ઈ પરમાણે જ જાઉં. જાવું પડે. પણ અટાણે મારી જેટલી આવડત હોય ઈ દાવ પર લગાવવાની હતી. જીતું તો હેનું રાજ મળે ઈ નક્કી નઈં પણ એક સેકંડ માટે હારું તો મોત તો ખૂબ ખરાબ રીતે થાય. તોય મેં બસ જાવા દીધી. ખેંચાય એટલી મારી 1212 ને ચીસો પાડતી દબાવીને. મારી સ્પીડ 110 તો હતી પણ ઈ થી આગળ નો જઈ હકે.

બસને એક જમાનામાં તો સ્પીડ બાંધતા એટલે કે એક્સીલરેટર અમુકથી વધુ દબાય જ નહીં ને દબાય તો એન્જીનના આરપીએમ કે' સે ઈ વધે જ નોય. આ હંધુય ડ્રાઇવર રેવું હોય તો યાદ રાખવું પડે. તમે ખાલી હાંભળો.

ના. હવે મને વાતનો ટેમ નથ. ઓલી કાર તો ઉતરી એક પુલ પાહેથી નીસે. બાજુની કેડીએ થઈને ઊંઘી બાજુ સર્વિસ લેનમાં દોડવા માંડી. પોલીસની ગાડી હજી થોડી દૂર હતી. મારી બૂમ પણ ઈ લોકોને પુગે એમ નો'તી.

મેં રીયર વ્યુ મીરરમાં જોયું. મારું મન મારાં મગજને હુકમ કરી ર્યું. મેં બસને એકદમ બ્રેક મારી ઉભાડી અને કર્યું રીવર્સ ગીયર. ઝટકા સાથે. મારું ધ્યાન પૂરેપૂરું મીરર અને સહેજ બાર્ય મારી બારીમાંથી રસ્તા કોર હતું. પછી મેં રીવર્સમાં પણ સ્પીડ વધારી. પુરી તાકાત વાપરવી પડે. સહેજ પણ સ્ટીયરીંગ આમ થી તેમ થયું તો કાં તો સાઈડમાં બોગનવેલ અને કરેણ તોડી, પથરા પર ચડી સામે પડો ને કાં તો લોખંડના પાટાનું ડિવાઈડર તોડી સર્વિસલેનમાંથી નીચે ખાબકો. બાર ફૂટ જેવા નીચે એવા ખાબકો કે બસની કમાન ને એક્સેલ તૂટી જાય. તમારાં પણ એકેય હાડકાં સલામત નો ર્યે.

પુરા કન્ટ્રોલ સાથે મેં બસને થાય એટલી ઝડપથી રીવર્સમાં લીધી. એ કાર રીવર્સમાં ભાગતી 'તી એને પકડી પાડવા. તરત થોડી આગળ પાછળ કરી બસનું મોઢું ઈ જીપ કોર ફેરવ્યું. ઓલા યો મારી ઉપર ચડી જવાના હોય એમ એકદમ રીવર્સમાં આવ્યા. મેં પણ એકદમ ટર્ન લઈ બસ આડી કરી રસ્તેથી ઉતારી ફરી રીવર્સમાં લઈ ચડાવી ને એમ ને એમ ઈ સર્વિસ લેનમાં સાત આઠ કિલોમીટર રીવર્સમાં સારી એવી સ્પીડમાં ગ્યો.

એકદમ મારા ટાયર કોર ઈ જીપ વાંહેથી ગોળી છૂટી. મેં એકદમ બસ સાઈડે દબાવી. થોડી ધડામ કરતી નીચે ઉતરી ને પસી જોરથી ફરી રસ્તા ઉપર ઊંઘી, રીવર્સમાં જ ચડી. હું બે ચાર સેકન્ડ ઉભો ર્યો ને પાસી સીધી કરી દોડાવી ઈ જીપ કોર.

એકાએક કોઈ જગ્યાએ આગળ ડાકોર કે કોઈ તરફનો એપ્રોચ રોડ આવતો હશે ઈ એની પહેલાં રસ્તા આગળ ડિવાઈડર વગરની જગ્યા જોઈ. બસ જેટલી પહોળી હશે? વિચારવાનો ટૅમ નો'તો. મેં બસ આડી કરી. વાંહેથી આવતી બીજી કોઈ એસ.ટી. બસ જોરથી બ્રેક મારી કરેણવાળી સાઈડે ફંટાઈ. એ પણ થોડી ખેંચાઈ, ઘસડાઈ ને રીવર્સમાં ગઈ. એની વાંહે ખુદ એક પોલીસ જીપ અને એની વાંહે બે ચાર બસ ભટકાતાં રહી ગઈ.

મારી બસ આડી થઈ શકી. મેં ફરી ગીયર ફર્સ્ટમાં નાખ્યું અને એ ડિવાઈડર વગરની જગ્યામાં લઈ ચોથા ગીયરમાં જાવા દીધી. આવડીક જગ્યામાંથી મેં ઝડપથી બસ ઘુસાડી. સાવ કટોકટ જગ્યા હતી. એક બે સેકંડ બ્રેક મારી બસને લગભગ સીધી કરી જાવા દીધી નીચે. ઉતરતો ઢાળ, કપચી વાળી જગ્યા. સાવ બાજુમાં ઉતારવાનાં પગથિયાં.

મેં બસ થોડી બ્રેક, થોડો ક્લચ, સાવ થોડું એક્સીલરેટર અને ઓલું હું કે', પુરા આત્મવિસવાસ હારે બસને નીચે જાવા દીધી.

બહુ જોખમી કામ હતું. બસ આખી નીકળી ગઈ પણ પાછલું ઠાઠું (બેક લાઈટ પાસેનો ભાગ) સે'જ ઘસાણું. ઘરર.. કરતો પતરું ચીરાવાનો અવાજ આઇવો. અટાણે હું થ્યું ઈ જોવાનો વિચારેય કરવો પોસાય ઈમ નો'તો. બસ ઢાળ ઉતરી સામેની સર્વિસલેન પણ ક્રોસ કરી ઓલી કારની હામે યમદૂત જેવી ઉભી રઈ ગઈ. બાકી હતું તો મેં ફૂલ લાઈટ મારી. એના ડ્રાઇવરની આંખ્યું એકાદ મિનિટ અંજાઈ હશે પણ એણે કાર મારી સામે ભગાવી. કારમાંથી મારી બસ પર 'ધાંય' કરતી બીજી ગોળી સુટી. મેં બસને ફૂલ ટર્ન મારી લીધી. મારી છાતી સામે આવતી ગોળી બાજુના મીરર હારે ભટકાઈ ત્યાં જ ફૂટી. મીરરના કાચના કટકા એવા ઉડયા જાણે પીચકારીમાંથી પાણીનો ફુવારો. હારું હતું ઈ મારી હામેની બાજુ, પેસેન્જર ડોર કોર નો મીરર હતો.

હવે મેં જીવ પર આવી ફૂલ એક્સેલરેટર આપ્યું. ફૂલ લાઈટ સોતે મારી.

ઈ કાંઈ ઓસી માયા નો'તી. ઈવડા ઈ એ ફરી ફૂલ સ્પીડમાં કાર સહેજ રીવર્સ લીધી, ઓચિંતી સીધી કરી મારી બાજુમાંથી ભાગવા દોડાવી. તો આ ભૂમિપાલસિંહ બાપુ ઓસો સે? મેં સાવ થોડી, પાંચ છ ઇંચ ડાબી સાઈડે બસ ફંટાવી ને ફરી ઇની હામે દોડાવી.

અમે ભટકાવાના જ હતા. મારે તો એરબેગ પણ નો'તી. ત્યાં ફરી ગોળી છૂટી. ઈ લાગી મારી ડાબી બાજુના ટાયરને. એક ધડાકો ગોળીનો, બીજો મારું ટાયર ફાટવાનો. એના ધક્કાથી ઊલટું મારી બસ જમણે, મારી બાજુ ફંટાઈ. ગોળીના ધક્કાથી જ હું એ કારથી આગળ નીકળી ગ્યો. ઈની ડ્રાઈવરની જ સાઈડ થી.

મને ઓચિંતું સૂઝ્યું. કોઈએ સૂઝાડયું નો'તું. ભગવાને જ કરાઈવું. મેં ફરી જેમ થોડી ત્રાંસી હતી એમ ને એમ જ બસને રેવા દઈ, એકદમ રીવર્સમાં લઈ ફૂલ સ્પીડમાં ઊંઘી ને ત્રાંસી જ જાવા દીધી. એના રસ્તા વચ્ચે એમ જ ત્રાંસી આડી રાખી ઉભાડી જ દીધી. સ્ટિયરિંગ ને બ્રેક જોરથી પકડી રાખ્યાં ને ભગવાનનું નામ લીધું.

એક મોટો ભડાકો થ્યો, ને મારી બસનો થોડી વાર પેલાં, હમણાં જ ગોબાઈ ગે'લો ભાગ ઈ મને અથડાવા જોશભેર આવતી કારને જે લાગ્યો! જે જોરની ટક્કર લાગી! કાર બે ગડથોલાં ખાઈ ગઈ ને ઊંઘી પડી.

જે વધુ સ્પીડમાં હોય એને જ નુકસાન વધુ થાય. હું ઉભો હતો ને ઈવડો ઈ ફૂલ સ્પીડે ધસી આવતો 'તો. કારના આગળથી કુચા થઈ ગ્યા. ઈ લોકો ફસાઈ ગ્યા તા. બાર નીકળે ઈ મોર તો પોલીસની જીપું ઓલા ઢાળ કોર થી આવી ચૂકી.

ઈ લોકોને બાર કાઈઢા. ઈમનાં હાડકાં ભાંગી ગ્યાં તાં. એક મોટી ને એક નાની ટ્રંક ખુલી ને પૈસા ફિલમમાં પણ જોવા ન મળે એમ ચારે બાજુ ઉડયા. ઈ લોકોની પિસ્તોલ પણ આ ધક્કામાં ઉડી ગઈ 'તી. ઈ પેલાં એનો માણહ ત્રીજું ફાયરિંગ કરવાની તૈયારીમાં હતો પણ એટલે હજી એક ત્રીજો થેલો એણે બે પગ વસે દબાવેલો ઈ સુટી ગ્યો. ઈ ખુઈલા વનાનો હતો.

મેં ને પોલીસવાળાઓએ નોટું ભેગી કરી. ઈ લોકોનું થવાનું હતું ઈ થાહે.

પોલીસના સાહેબે મારો બરડો થાબડયો. કયે, "તને ખબર છે, તેં કેટલા રૂપિયા બચાવ્યા? પુરા એક કરોડ વીસ લાખ ને ઉપર બીજા. આખેઆખી બધાં એટીએમમાં પૈસા લોડ કરવાની કેશવાન જ લૂંટેલી એ લોકોએ. વાનનો કેશિયર તો એ લોકોએ છરી કે તલવારનો ઘા કરી લોહીલુહાણ કરી નાખ્યો છે. અમે છેક પાદરારોડથી મુંજમહુડા થઈ મેઇનરોડથી એનો પીછો કરતા હતા. થોડું અંતર કપાતું નહોતું. તેં ભારે જોખમ ઉઠાવ્યું.

અમે સરકારને કહેશું તને ઇનામ આપે."

હું જોઈ જ ર્યો. આ ભવમાં ઘરની ટ્રાવેલ એજન્સી ખોલી આખી જિંદગી હલાવું તોય એટલા નો' કમાઉં.

મને સાહેબ એની જીપમાં ઓલી હું કયે, વૉશરૂમ વાળી જગ્યાએ ટોલબુથ પાસે લઈ ગ્યા. ઈ હંધાયને મારી બહાદુરીની વાત કરી તો મને તાળીથી વધાઈવો. કોઈએ મારા ફોટા પાડી ચેનલું ને મોઇકલા.

મારે ગામડે ઈ બતાવે ઈ ટાઈમે લાઈટ હશે તો ટીવી પર ઠકરાણાં (એટલે મારે ઘેર થી, મારી પરણેતર) જોશે. મારાં સોરાં માં સોડી સાત વરહની સે ઈ રાજી થાશે કે બાપે કઈં મોટું કામ કર્યું. મારો બાદુર તો હજુ ઘોડિયામાં થી ઉભો થ્યો સે. ઈને નોંય ખબર પડે.

બીજા કોઈ જોવે ન જોવે, ઉપરવાળા ઠાકોરજીએ જોયું. વટ સે આ ભૂમિપાલસિંહ બાપુનો.

1212 ગઈ બીજા ખટારામાં ચડીને વર્કશોપમાં. બીજી લક્ઝરી બસ આવી ઉમરગામ જવા. એમાં ટીવી ચાલતું 'તું. મેં ફિલમ મૂકી ન્યા વડોદરા આવી પુગ્યું.

ક્રમશઃ