Morality in Gujarati Motivational Stories by vaibhav patel books and stories PDF | નૈતિકતા

Featured Books
  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

  • Wheshat he Wheshat - 1

    Wheshat he Wheshat - Ek Inteqami Safar
    ترکی کی ٹھٹھورتی ہوئی...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودفیصل ایک ایسے گھر...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودرضوان ایک ایسے گھر...

  • صبح سویرے

    رجحان ہم ہمت کے ساتھ زندگی کا سفر طے کر رہے ہیں۔ کندھے سے کن...

Categories
Share

નૈતિકતા

આજની પોઝિટિવ સ્ટોરી

રેલવેના પ્લેટફોર્મ પર ફેરિયાને 20 રૃપિયા માટે 200 રૃપિયાની નોટ આપી,
ફેરિયો પૈસા પરત કરે તે પહેલાં ટ્રેન ઉપડી ગઈ.. પછી જે થયું તેની તમે કલ્પના પણ નહીં કરી શકો...

આલેખનઃ રમેશ તન્ના

આ આખી સત્ય ઘટના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારી અને તેલુગુ લેખક આઇ. પી. શર્માએ વર્ણવેલી છે. તેમાં રહસ્ય છે, માનવતા છે, કરુણા છે અને એક જબરજસ્ત પોઝિટિવ સંદેશ છે.

તેમના જ શબ્દોમાં આખી પોઝિટિવ સ્ટોરી માણીએ. ઓવર ટુ આઇ. પી. શર્મા....

વિશાખાપટનમ સ્ટેશન આવી પહોંચેલી જન્મભૂમિ ટ્રેનમાં હું અને મારાં પત્ની બેઠાં. અમારે rajahmundryમાં મારા એક મિત્રની પુત્રીના લગ્નમાં જવાનું હતું. વહેલી સવારનો ઠંડો પવન અને ટ્રેનના ગતિમય પ્રવાહે અમે ઝોકે ચડ્યાં. એક નાનકડા ટુની સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે અમારી આંખ ઊઘડી.

સવાર થવામાં હતું એટલે મેં પ્લેટફોર્મ પર આમતેમ ફરી રહેલા ફેરિયાઓ તરફ નજર દોડાવી. મેં એક ફેરિયાને બે કપ કોફી આપવા માટે કહ્યું. તેણે કોફી ભરીને કપ લંબાવ્યા એટલે એક કપ મેં મારાં પત્નીના હાથમાં આપ્યો અને બીજો કપ મારા હાથમાં લઇ કોફીની ચૂસ્કી ભરી. કોફી બહુ સરસ હતી એટલે મેં વખાણ કરતાં તે ફેરિયાને કહ્યું "ભાઈ કેટલા પૈસા?" મેં ગજવામાંથી મારુ વોલેટ કાઢ્યું અને 200 રૂપિયાની નોટ તેના તરફ લંબાવી.

ફેરિયાએ કહ્યું, "સાહેબ 20 રૂપિયા છુટા નથી?" મેં નકારમાં માથું હલાવ્યું એટલે તેણે કોફીનું flask નચે મૂકીને પોતાના શર્ટના ઉપરના ગજવામાં ફંફોસવાનું શરૂ કર્યું, પરંતુ તેટલી વારમાં ટ્રેન ચાલવા લાગી. ફેરિયો પોતાના ગજવામાંથી છુટા પૈસા કાઢે તે પહેલાં તો ટ્રેને ઝડપ પકડી લીધી. ફેરિયો દોડતો દોડતો જોતો રહી ગયો.

અમારો ડબ્બો એન્જિનથી બીજો જ હતો એટલે અમે ઝડપથી પ્લેટફોર્મથી બહાર નીકળી ગયા. હું તેને માથે હાથ દઇ ઓહો કરતાં જોઈ રહ્યો. હું પણ ખિસ્સામાં છુટા પૈસાની ખાતરી કર્યા વિના જ કોફીનો ઓર્ડર કરવા બદલ મારી જાતને કોસતો રહ્યો. ત્યાં સુધીમાં મારાં પત્નીએ ગુસ્સાથી બોલવાનું શરૂ કરી દીધું હતું. "અરે ભગવાન તમે કેવા મુરખ છો? ફેરિયા પાસેથી છુટા લીધા વિના જ તેના હાથમાં 200 રૂપિયાની નોટ પકડાવી દીધી? બેંકમાં નોકરીના તમારા અનુભવ કે ઉંમરનો કોઈ અર્થ ખરો?

હાથમાં રહેલી કોફીનો સ્વાદ ખાટો થઈ ગયો. જેમતેમ કોફી પૂરી કરી મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો."માની લે કે તેણે મને છુટા પૈસા આપી દીધા હોત અને હું તેને નોટ આપું તે પહેલાં જો ટ્રેન ચાલુ થઈ ગઈ હોત તો તે ફેરિયાને નુકસાન ના ગયું હોત?"
"શાનું નુકસાન ? અરે એને તો સવારથી અત્યાર સુધીમાં જ દસ મૂરખ મળી ગયા હશે એટલે એકાદ ગ્રાહકના 100- 200 રૂપિયા જાય તો પણ છેવટે તો તે સાંજ પડે હજાર બે હજારના નફામાં જ રહેવાનો છે." મારાં પત્નીએ મોં મચકોડતાં ઊંચા અવાજે કટાક્ષભર્યું હસતાં મને ગણિત સમજાવ્યું.

"આપણે આવું ન વિચારવું જોઇએ. નાના માણસો પર ભરોસો મૂકવો જોઈએ. તેણે તો છુટા પૈસા આપવા હાથ લંબાવ્યો હતો, પરંતુ ટ્રેન ચાલવા લાગી તેમાં તેના બિચારાનો શું વાંક? આપણા પૈસા ખાઈ જવાનો તેનો ઈરાદો થોડો જ હતો?" ફેરિયાનો બચાવ કરતો જોઈ મારાં ધર્મપત્ની મારા પર તાડૂક્યાં. "અરે આ લોકો આવી તકની રાહ જ જોતા હોય છે. એમને દિવસમાં તમારા જેવા દસ-બાર બકરા મળી જાય એટલે ઘણું થયું. આખા દિવસની કમાણી થઈ ગઈ."

મારાં પત્ની મારી સામે આંખો કાઢીને બોલી રહ્યાં હતાં અને હું બાઘો બનીને ચૂપચાપ બેઠો હતો. "તમે પ્રામાણિક અને સિદ્ધાંતવાદી છો એટલે બધા તમારા જેવા જ હોય એવું માની લેવાની જરૂર નથી". તેણે સહ પ્રવાસીઓ ઉપર આસપાસ નજર ફેરવી અને ચૂપ થઈ ગયાં. બધા મારી તરફ જોઈ રહ્યા હતા. ટ્રેન ગતિ પકડી ચૂકી હતી અને અમે ત્યાર પછીનું અનાવરમ સ્ટેશન પણ વટાવી ચૂક્યા હતા. મેં પણ મારા બાકીના છુટા પૈસા પાછા મળવાની આશા છોડી દીધી હતી.

મારાં પત્ની માને છે કે માનવજાતમાં આંધળા વિશ્વાસના કારણે લોકો દ્વારા હું ઘણીવાર છેતરાઉ છું. જોકે તેમના આવા ઠપકાથી હું હવે ટેવાઈ ગયો છું અને તેઓ જ્યારે ઠપકો આપે છે ત્યારે હું ચૂપ રહેવાનું પસંદ કરું છું. જોકે તેમાં તેમનો પણ કોઈ વાંક નથી અને તે દર વખતે ખોટાં પણ નથી હોતાં. હું દ્રઢપણે એવું માનું છું કે આપણે બીજામાં સારપ જોવી જોઈએ. કેટલાક લોકો સારા ના હોય તો પણ લોકોમાં વિશ્વાસ મૂકવાનું બંધ કરી દેવું ન જોઈએ. કોઈ વ્યક્તિમાં સારપનો અભાવ હોય તો તે માટે તેની આસપાસનું વાતાવરણ અને ઉછેરની પરિસ્થિતિ પણ જવાબદાર હોઈ શકે છે. હું માનું છું કે દરેક વ્યક્તિમાં સારાપણું અને નબળાઈઓ સુષુપ્ત અવસ્થામાં પડેલાં જ હોય છે, પરંતુ સંજોગોના લીધે આપણે તેમાંથી એકને પસંદ કરીએ છીએ. જોકે આજના જેવા અનેક પ્રસંગોએ હું ખોટો પુરવાર થયો છું. અલબત્ત, તેનાથી મારા વિશ્વાસ પર કોઈ અસર થઇ નથી. હું માનું છું કે ધર્મ અથવા પ્રામાણિકતા એ વિશ્વાસના ચોથા પાયા પર અવલંબિત છે.

"છોડ ને હવે! ગરીબ માણસો છે. આપણા પૈસાથી તે કાંઈ મહેલ થોડા જ ચણી લેવાના છે? ભૂલી જા હવે!" મેં તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતા વાત પૂરી કરી. તેઓ શાંત રહ્યાં અને મારા પ્રત્યેના પોતાના પ્રેમના કારણે ચૂપ રહ્યાં. હું પણ વાત ટૂંકી કરવાના મૂડમાં હોવાથી શાંત રહયો.

ડબ્બો ચિક્કાર હતો અને ઘણા મુસાફરો ઊભા હતા. મેં મારી નજર પસાર થઈ રહેલાં લીલાછમ ખેતરો પર દોડાવી, પરંતુ હજી પણ ઘણા મુસાફરો મારી તરફ જોઈ રહ્યા હતા અને પોતપોતાની ધારણા મુજબ મારું મૂલ્યાંકન કરી રહ્યા હતા. કેટલાક મને મૂર્ખ માનતા હતા તો કેટલાક મારા તરફ સહાનુભૂતિ અને દયાની દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. કેટલાકને વળી વગર પૈસાનું મનોરંજન મળ્યું હતું અને તે લોકો મલકાતા મોંએ મને જોઈ રહ્યા હતા.

કેટલાકને વળી એ જાણવાની ઉત્સુકતા હતી કે હવે આગળ શું થાય છે. ત્યાં સુધીમાં આગળનું સ્ટેશન પણ નજીક આવી ગયું હતું અને ગાડી પિતાપૂરમની નજીક પહોંચી ગઈ હતી એટલે બધા અમારામાંથી રસ છોડીને પોતપોતાના વિચારોમાં ખોવાઈ ગયા હતા.

ત્યાં જ ભીડ વચ્ચેથી મને એક અવાજ સંભળાયો . "સાહેબ 200 રૂપિયાની નોટ આપીને બે કોફી તમે જ લીધી હતી ને?" મેં તે અવાજ તરફ મોં ફેરવ્યું. જોયું તો એક કિશોર ભીડમાંથી જગ્યા કરતો મારી તરફ આવી રહ્યો હતો. આવીને તે મારી સીટ સામે ઊભો રહ્યો. અચાનક મને લાગ્યું કે જે ફેરિયા પાસેથી મેં કોફી લીધી હતી તે તો આવો નહોતો. એ તો આધેડ વયનો હતો. "હા, બેટા ફેરિયા પાસેથી કોપી લઈને 200 રૂપિયાની નોટ મેં જરૃર આપી હતી, પરંતુ તે છુટા પૈસા આપે ત્યાં સુધીમાં ટ્રેન ચાલુ થઈ ગઈ હતી, પરંતુ એ કોફી આપનાર તું હતો એવું યાદ નથી." મેં પ્રામાણિકપણે તેને કહ્યું.

"બરાબર છે સાહેબ, પણ ટુની સ્ટેશને કોફી તો તમે જ લીધી હતી ને?" તેણે મને ફરી સવાલ પૂછયો.

"મારે ખોટું શું કામ બોલવું જોઈએ? તારે ખાતરી કરવી હોય તો આ બધા લોકોને તું પૂછી શકે છે."

"ના,ના, એવું નથી સાહેબ. મને તમારા પર શંકા નથી, પણ મારાથી કોઈ ભૂલ ન થાય એટલા માટે જ હું ખાતરી કરવા પૂછી રહ્યો છું."આટલું કહી તેણે તેના ખિસ્સામાંથી 180 રૂપિયા કાઢીને મારા હાથમાં પકડાવી દીધા.

"ભાઈ તું કોણ?".

"સાહેબ, હું કોફીવાળાનો દીકરો છું." મેં નવાઈપૂર્વક તેની સામે જોયું તો તેને મારી શંકા શું છે તેનો ખ્યાલ આવી ગયો.

"સાહેબ રોજ એકાદ-બે આવા બનાવ બને જ છે. કારણ કે ટુની સ્ટેશન ગાડી થોડીવાર જ ઊભી રહે છે અને ઉતાવળમાં બે-ચાર મુસાફરોના છુટા પૈસા આપવાનું રહી જાય છે. એટલે હું પહેલેથી જ ટ્રેનમાં ચડી જાઉં છું અને જેમને જેમને છુટા પૈસા આપવાના બાકી રહી ગયા હોય તેમનો સંદેશો મારા પપ્પા મને મોબાઈલ ફોન થી આપી દે છે તેમાં કયા ડબ્બામાં કઈ બારી પાસે તે મુસાફર બેઠા હશે તેનું ઠેકાણું પણ આપે છે. આ બધા જ મુસાફરોને હું ખાતરી કરીને છુટા પૈસા આપી દઉં છું અને એકાદ-બે સ્ટેશન પછી ઉતરીને ફરી બીજી ટ્રેનમાં ટુની પહોંચી જાઉં છું. એ માટે મારા પપ્પા મને અગાઉથી જ છુટા પૈસા આપી રાખે છે."

હું નવાઈ થી અવાચક બનીને તેની સામે જોઈ રહ્યો હતો. થોડો સ્વસ્થ થઈ મેં તેને પૂછ્યું "ભાઈ તું ભણે છે?" "હા સાહેબ હું 10મા ધોરણમાં ભણું છું. મારે બપોરની સ્કૂલ હોવા થી હું સવારે મારા પપ્પાને મદદ કરું છું અને બપોર પછી મારો મોટો ભાઈ તેમને આ રીતે મદદ કરે છે."

આ સાંભળી મને તેના પિતા સાથે વાત કરવાનું મન થયું એટલે મેં તેને તેના પિતાનો મોબાઈલ નંબર આપવા કહ્યું. તેણે નંબર આપ્યો એટલે મેં તેના પિતા સાથે વાત કરી. "ભાઈ તમારા દીકરાએ મને 180 રૂપિયા આપી દીધા છે અને તમારો આભાર માનવા જ હું તમને ફોન કરી રહ્યો છું. મને ખુશી છે કે તમે તમારાં બાળકોને માત્ર ભણાવી જ નથી રહ્યા, પરંતુ તેમનામાં પ્રામાણિકતા અને સદ્ભાવનાનાં મૂલ્યોનું સિંચન કરી રહ્યા છો" મેં તેમનાં વખાણ કરતાં કહ્યું.

"આપનો પણ ખૂબ આભાર સાહેબ, કોઈકે તો મારી કદર કરી ખરી, નહીંતર અત્યારે આવો ફોન કરીને આભાર વ્યક્ત કરવાની કોને પડી હોય છે ? તેમને તો તેમના પૈસામાં જ રસ હોય છે. હું તો પાંચમા ધોરણ સુધી જ ભણેલો છું, એ જમાનામાં બાળકોને ભણવામાં નાની-નાની બોધ-કથાઓ આવતી હતી અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આ કથાઓ દ્વારા જ અપાતું હતું જેથી અમે સારું અને ખરાબ, સાચું અને ખોટું વિશે ફરક શીખી શકતા હતા. બસ આ સિદ્ધાંતોએ જ એક પ્રામાણિક અને સરળ જિંદગી જીવવાનું માર્ગદર્શન પુરુ પાડ્યું હતું." માત્ર પાંચ ચોપડી ભણેલા એ માણસની વાત અને વિચારો સાંભળીને હું આભો થઈ ગયો હતો.

તેણે પોતાની વાત ચાલુ રાખી" સાહેબ આજની નિશાળોમાં તો આવાં મૂલ્યો શીખવવામાં આવતાં નથી અને બાળકોને જે શીખવાય છે તે પેલા મસાલેદાર ખોરાક જેવું જ હોય છે. મારાં બાળકો જ્યારે ઘરમાં ભણતાં હોય છે ત્યારે હું તેમને સાંભળું છું અને જોઉં છું કે આપણા ભણતરમાં નૈતિક મૂલ્યોની કથાઓ કે પ્રેરણાદાયક કે સદાચારી કવિતાઓ જેવું કાંઈ હોતું જ નથી. તેથી જ હું તેમને આવાં નાનાં નાનાં કામ સોંપીને જે મૂલ્યો હું જાણું છું તે તેમનામાં ઉતારવા પ્રયત્ન કરું છું. બસ એટલું જ" આ નાના માણસની મહાનતા અને દીર્ઘદૃષ્ટિએ મને સ્તબ્ધ કરી દીધો.

મેં કંઈ પણ બોલ્યા વગર તેના દીકરાનો ખભો થપથપાવીને શાબાશી આપી. પેલા છોકરાએ પાછા આપેલા 180 રૂપિયા હું જ્યારે મારા પાકીટમાં મૂકતો હતો ત્યારે મારા ચહેરા પરનું તેજ જોઈને મારાં પત્ની પણ અવાક થઈ ગયાં. તેમણે મનોમન માફી માગતાં હોય તેવું સ્મિત આપ્યું કારણ કે તેઓ જાણતાં હતાં કે મારા ચહેરાનો આનંદ પૈસા પાછા મળ્યા તેનો નહોતો.

મને યાદ છે કે તથાગત બુદ્ધે બતાવેલા ધમ્મમાં ધમ્મને પ્રામાણિકતા અથવા ધર્મને નૈતિક સ્વરૂપે વર્ણવવામાં આવેલો છે. જે માર્ગ પવિત્રતા, સ્વચ્છતા, દયા, કરૂણા, સદાચાર અને વિશ્વાસના પગ પર ઊભો છે. વિશ્વાસ કે વિશ્વસનીયતા ધર્મ અથવા પ્રામાણિકતાના સ્વરૂપ તરીકે બાકી રહે છે.

કોફી વેચીને પોતાના કુટુંબનું ગુજરાત ચલાવનારા આ ફેરિયાના નૈતિક કાર્યથી એટલું તો સાબિત થાય છે કે આગાહી પ્રમાણે આજે પણ દુનિયામાં ધર્મ પ્રામાણિકતા, નૈતિકતાના સ્વરૂપમાં ટકી રહ્યો છે. સ્ટેશન આવતાં ટ્રેન ઊભી રહી એટલે પેલો કિશોર નીચે ઉતર્યો. મેં તેને જોઈને મનોમન તેના પિતા એટલે કે કોફી વેચનારા ફેરિયાને વંદન કર્યાં.