Paida Farta rahe - 1 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | પૈડાં ફરતાં રહે - 1

Featured Books
Categories
Share

પૈડાં ફરતાં રહે - 1

સુનીલ અંજારીયા

1

" અંબે માત કી જે. હાલો તારે. અંબાજીનાં સોનું મઢેલાં શિખર ઉપર સુરાજદાદાનું પે'લું કિરણ પડે ઈ પેલાં. આ ટાઢા પોરે નીકળી જાઈં. એ.. હાલો આ માતાજીનું નામ લઈ આ મુસાફરી ઈસ્ટાર્ટ કરી.

ભાઇયું, આ જીવતર એક મુસાફરી સે. માંહ્લલો રાજીના રેડ થઈ જાય એવો ઈનો મારગ સે. ઈ મારગ લાંબો સે. ઈ મનને ગમે ઈમ ને હેમખેમ કાપવો હોય તો નજર હામે જોઈએ ને સ્ટિયરિંગ, બ્રેક પર કંટ્રોલ જોયે ભાઈ! ક્યારે ધીમા પડવું, ક્યારે ભાગવું ને જરૂર પડે આગળ જવા પહેલાં ક્યારે ને કેટલું રિવર્સમાં લેવું એની આવડત ને સમજ જોઈએ. ડ્રાઇવિંગમાં ને જીવતરમાં હોત.

હઇમજા ને, તમે ભૂમિપાલસિંહ જાડેજા હાર્યે હાલ્યા સો. ભૂમિપાલસિંહ તો ફોઈએ પાડેલું નામ. નિહાળના રેકોર્ડ પર. મને બધા ભોમિયો કે' છ. મારાં ઘરવાળાં હોત ને. હા. ગુજરાતના હંધાય મલકનો ભોમિયો સું. એસટીનો ડ્રાઈવર ખરો ને? આખું ગુજરાત ઘમરોળી ચુક્યો સું. એસટીની બસું હલાવતાં. એસટી, ઈનું પૂરું નામ જી.એસ.આર.ટી.સી. સે. ઈવું લાબું નામ આલ્યું સે. એનું પૂરું ફોરમ બોલવું હોય તો ઈ બોલતાં ગીતામંદિરથી પાલડી તો મારી બસ પુગાડી જ દઉં હોં! 'ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન.'

ઇ.. ને આ બધી પ્રાઇવેટ સર્વિસ બહુ હાલે, માંય ફિલમુ બતાવે ને માણા દીઠ હો (સો) મીલી પાણીની ટબુકડી બોટલું આપે. પણ અમારી હારે ફરી તો જુઓ! એક ઘા ઘસરકા વનાના ધીરે પુગશો ને હરખું હાલ્યું તો વેલા હોત પુગશો. ઈમાં યે આ ભોમિયા ડ્રાઈવર હારે તો વાતુંવાતુંમાં રસ્તો ક્યાં કપાઈ ગ્યો ઈની સુવાણ નોઈં ર્યે.

તો બેહો આ 1212 પડી ઈમાં. પૂરો નંબર જીજે 01 પીઓ 1212. પો બારા બારા. હું અડધી ચા ઠઠાડતો આવું. તમારે આવવું હોય તો હાલો ભેળા. નથ આવવું? તો જાવ, બેહો. ને જોજો, બસમાં બીડી એલાવ નોય. હુંયે નોય પીવું ને તમે કોઈ હોત નોય પીવો. હેડો. બેહો ત્યારે. આ આઇવો."

**

તો આ પુરાણ હતું મારા માલિક ભૂમિપાલસિંહ જાડેજા ઉર્ફે ભોમિયા ડ્રાઈવરનું. એની ગામઠી ભાષા સાંભળી તમે ખીલી ઉઠશો. એની ભાષામાં 'ટેસમાં આવી જશો'. પણ જેને એ ભાષા ખાસ સમજાતી ન હોય કે કાનને ગમતી ન હોય એને માટે હું છું ને, એના કાળજાનો કટકો, એના પંડથી પણ એને વહાલી એની બસ PO 1212.

એની ગ્રામ્ય ભાષાનું તમને ભાષાંતર કરી આપતી, એના વિચારો વાંચી લેતી 1212. તો બેસો. એ આ આવ્યો ડાંફ ભરતો, કોઈનું પીધેલું ઠૂંઠું પગ નીચે કચરતો મારો ને સહુનો ભોમિયો ડ્રાઈવર.

આજે તો આ અંબાજીથી ઉમરગામ લાંબી 16 કલાકની ટ્રીપ છે.

ભોમિયો બોલકો બહુ છે. પાછું હું મોટેથી બોલું એ એને ન ગમે. મારા એન્જીનનો અવાજ તો એને બને એટલો સાયલન્ટ જ જોઈએ.

તો હું હવે એના શબ્દોમાં 'મૂંગી મરૂં' ને જરૂર પડ્યે શુદ્ધ ભાષામાં તમારી સાથે વાત કરું. એના મનના વિચારોની ને આપણી મુસાફરીની વાતો. બાકી એને બોલવા દઈશ. જરૂર પડ્યે હું એના શબ્દો બોલવા લાગીશ. તો ચાલો થોડી વાર હું મારું કામ કરું ને એ એનું.

**

"બેઠા ને? એઈ..ને લાંબો રસ્તો સે. આ મેં ઊંચાં વ્હીલ પર ચડી ડ્રાઇવર સાઈડનું બારણું ખોલ્યું. ગમછાથી મોઢું લોયું, અરીસામાં મારું ઇ નું ઇ થોબડું જોઈ મૂછ હરખી કરી. મૂછ આમળી. આમળું જ ને! બાપુ સું. હું મરું પણ મારે ભરોસે હોય ઇનો વાળ વાંકો નો થવા દઉં. મેં અરીસામાંથી જ પાછળ જોયું. માંડ હાત આઠ પેસેન્જર સે. વેલી સવારે 6 વાગે અંબાજીથી ઉપડે તો હજી રાત રોકાયેલા લોકો તો ઉઇઠા નઈ હોય. ને ઉઠીને પસી આરતી એટેન્ડ કરીને જ નોં આવે! આગળ જોજો જે હકડેઠાઠ ગરદી થાય ઇ.

મેં આ અગરબત્તી કરી, મારી હામેનો ઇલેક્ટ્રિક દીવો હળગાવ્યો. 'જે માતાજી. હેમખેમ પુગાડજે. વેલાસર પુગાડજે.'

હું બોલ્યો.

તમે મારી હારે બોલો, 'અંબે માતકી.. જય.' મેં ઇગનીશનમાં ચાવી ઘુમાવી, ક્લચ પેડલ હાવ થોડું દબાવી એક્સેલરેટર આપ્યું ને આ મારી 1212 નાં પૈડાં ફર્યાં. માડી, તોફાન હોય કે ભૂકંપ કે બારે મેઘ ખાંગા થ્યા હોય, બસ આ પૈડાં ફરતાં રહે. એટલી કિરપા કરજે.

આ મેં ટાંટિયો દબાવ્યો, લાઈટ જરીક વાર ફૂલ કરી હોર્ન માર્યું ને આ બસ ડીપોની બાર્યે નીકળી. '

અંબાજી મંદિર ઉપર સોનાનો કળશ સે. આખું મંદિર સોને મઢયું સે. સુરજ મા'રાજ ઉગ્યા ને આ મંદિરના શિખર પર ઈનું પે'લું કિરણ ચમકી ર્યું. ઇનો પ્રકાશ બસમાં મારા આગળના કાચ પર પડ્યો. મેં એક હોર્ન માર્યું. માતાજીને વંદન માટે. અંબાજી બેઠાં સે ઇ દાંતા ગામ હજી આળસ મઇડી ઉભું થાય સે. આ બસ ગામ બાર નીકળી ને ચડી એને મારગ.'

**

તો ફરી હું, પાણીના રેલાની જેમ સરકતી 1212. ભોમિયાએ બસમાં સ્ટીરીઓ પર કોઈ ભજન મુક્યું છે. 'હે સખી મુને વાલો રે.. સુંદર શામળો રે..'

પ્રભાતનો શીતળ પવન વાઈ રહ્યો છે. જે સાતઆઠ પેસેન્જર ચડેલા એ બારીનો ટેકો કરી સુઈ ગયા. ઝોકાં ખાવા લાગ્યા.

અંબાજીથી પાલનપુરનો રસ્તો એકદમ ઉતરતા ઢાળ વાળો છે. બેય બાજુ ઊંડી ખીણ અને તેમાં ગાઢ જંગલો છે. હવે તો ગરવી ગુજરાતમાં ઘણી પ્રગતિ, સમાજના દરેક વર્ગમાં થઈ છે. વીસેક વર્ષ પહેલાં તો એ જંગલમાંથી આદિવાસીઓ તીર લઈ રસ્તા પર આવી લૂંટ પણ ચલાવતા. અત્યારે તો એ ઝાકળથી નહાએલી લીલોતરી જે જાગતા હોય તે માણી શકે. અભાગીયા છે ઊંઘવાવાળા. ગુજરાતની આ લીલુડી ધરતીનાં સૌંદર્યનું પાન અંબા માતાનાં દર્શન જેટલો જ આનંદ આપે હોં!

ભોમિયાએ પગનો અંગૂઠો હળવો ભાર આપતાં એક્સેલરેટર પર રાખેલો. સસ્તા ટેન બ્રાઉન શૂઝમાંથી હળવું પ્રેશર આવી રહ્યું હતું. બ્રેકને તેનો પગ અડાડવા ખાતર અડી રહેલો. હું 1212 પ્રભાતનો પવન કાપતી એકધારી ભાગતી હતી, નૃત્ય કરતી કુશળ નૃત્યાંગનાની જેમ આમથી તેમ વળાંક લેતી, ઝૂમતી. વળાંકદાર રસ્તો ને બેય બાજુ ખાખરાનાં મોટાં પાનવાળાં ઝાડ. નીચે બધાં ગામનાં સાવ નાનાં છાપરાં દેખાતાં હતાં. કીડીબાઈઓનાં ઘર હોય એવાં. હું પણ જાણે ધ્યાનમાં ઉતરી ગઈ. એક સરખી ઝડપ, જરાય જર્ક વગરના વળાંક અને મારું ધીમેધીમે નીચે ઉતરવું. હું જાગું છું એ બતાવવા મારો એક સરખો ધીમો ઘુરકાટ એ જ આ જંગલમાંથી જતા રસ્તે અવાજ.

સામાન્ય રીતે અકસ્માતો માટે કુખ્યાત ત્રિશૂળીયા ઘાટ પરથી હું પસાર થતી હતી. અહીં તો ધીમા જ જવું પડે. ખૂબ સાચવીને ઘાટ પસાર કરવો પડે. સીધો ઢાળ અને આગળ હંમેશાં ટ્રાફિક હોય જ. કોઈ આગળથી ઓચિંતી બ્રેક મારે તો કાં તો તેમાં ઘુસી જઈએ ને કાં તો સીધા ખીણમાં.

ઓચિંતી ભોમિયાએ એકદમ ત્વરાથી સ્ટિયરિંગ ઘુમાવી મને એક બાજુ તારવી. મારાં ટાયર પર ઉભા રહેવા માંગતો હોય એમ જોરથી દબાણ થયું. દુઃશાસન દ્રૌપદીને વાળ પકડી ઘસડતો હશે ત્યારે તે આર્તનાદ કરતી ચીસ પાડતી હશે તેવી મેં ચીં.. કરતાં ચીસ પાડી. હું ગભરાઈને એક આંચકા સાથે બંધ પડી ગઈ. બંધ હોઉં તો તમારે ભોમિયાને જ સાંભળવો પડે ને!

**

"ઓય તારી મા ના .. *** (ભયંકર ગાળ)! સાલા રસ્તા વચ્ચે હાલવાનું? આ હમણાં બસ ઉલળીને પડી હોત ખીણમાં. તારી કહું તે.. ઉભો ર્યે." હું ગાળ નથી બોલતો. ગાળ બોલવાથી તમે ઝેર ઓકો છો ને ઈ હામેવાળાને ચડતું નથ. પણ હું કરું? આમ તો હું બસ સેક (ચેક) કરીને જ ઇસ્ટાર્ટ થાઉં પણ ઓલા રાંડના વર્કશોપમાંના ટ્રેઇની સોકરાઓનો વસવાસ નોય. ખરે વખતે બ્રેક ફેલ જાય તો હંધાય મરીએ. ને મારી તો નોકરી ને આબરૂ બેય જાય.

કોઈ ડોબીનો આદિવાસી ભૂંડ મારીને એક લાકડી પર લટકાવી લઈ જતો હતો. ભૂંડ મઈરું નોતું તે લાકડી પર તરફડવા માઈંડુ. ઓલાનું બેલેન્સ જતાં રઈ ગ્યું. ઇવડો ઇ સાઈડે જતો 'તો ન્યાં રસ્તા વચ્ચે, ફાટી મરવાનો થ્યો તો તે બસની હાવ હામે ગુડાણો. મેં બ્રેક સજ્જડબમ દબાવી. ક્લચ પણ પુરા જોરથી દબાવી ઝટકાથી ગિયરનો દાંડો ખેંચી બસને ફર્સ્ટમાં લાવી દીધી. ક્લચ ઉપરનું પ્રેશર ઓસું થ્યું એટલે બસ ઘચ્ચ.. કરતી ઉભી રહી. સહેજ જ માઈલસ્ટોન કોર ફંટાઈ. નકર જરાક વધુ ટર્ન થ્યો હોત કે જોરથી બ્રેક લાગી હોત તો આ આઠ માણા, હું ને કંડકટર બસ સોતા જાત ખીણમાં.

સીધા ઉતરતા ઢાળે બ્રેક મારી ઉભવું ઈ પણ આવડતનું કામ સે.

મેં હવારના પો'રમાં બસમાંથી નીસે કૂદી ઇવડા ઇને ઝાલ્યો. બે બુસટ મારી દીધી. પછી કીધું "અલા ભઈ, ભૂંડ પણ જીવ સે. અલા તને કે તારાં સોકરાંને કોઈ આમ મારીને આગ પર લટકાવી ખાવા લઈ જાય તો? મેલ એને."

એણે તો હાથ જોઈડા. ઈ બવ ગરીબ આદિવાસી લાગ્યો. રાંડનો આ જનમમાં નહીં નાહયો હોય એવો ગંધાતો હતો. એક જ પોતડી, ઈ યે પીળી પચ્ચ ને ફાટલી. મને કે' 'બાપલા સોડી દ્યો. માતાજીને ભોગ હાટુ સે.' મને દીયા આવી.

મેં કીધું, 'મા કોઈ દી' જીવતાનો ભોગ લઈ ખુશ નો થાય. તારી મા તું ખા છ ઈ જ ખાય સે ને? ઇ જ રાંધે સે ને? તો આ હંધાની મા પણ હંધા ખાતા હોય ઈ જ ખાઈને રાજી થાય. ઈ તારા જી ભુવાજી કે મુવાજી જે હોય એને કઈ દે. ગામવાળા બધા ખાલી ટોપરું ને એવું હોય તો લોટનું સીધું ને ચૂંદડી ચડાવો માતાજીને. છોડ આ ભૂંડને.'

ઈ કઈં બોલે ઈ પેલાં મેં જ મારી પાહે ડુંગળી કાપવા રાખેલી છરીથી લાકડી ઉપરનું દોરડું તોડ્યું. ભૂંડ પેલાં તો મારી હામું થ્યું પણ મેં એક ઝાડની ડાળી ધરી રાખી. ઈ ખીણ કોર્ય ધોડતું જઈ ઢાળ ઉતરી ગ્યું.

ઓલા ગરીબ આદિવાસીને મેં બસના કોઈ પેસેન્જરને કહી લોજની ભાખરીનો કટકો નાખ્યો. બીજા કોઈએ એને સફરજન આપ્યું. એણે સફરજન ગોળ ફેરવી જોયું ને દાંત માંડ્યા. કદાચ ઈણે સફરજન ક્યારેય ખાધું નઈ હોય. ઈ ભુઈખો હતો. વસ્સે આઈવો એટલે માર્યો બાકી અમે રાજપૂત તો પ્રથવીપતિ કે'વાઈએ. ગરીબને વધુ દંડ ન દીયે. બે બુસટ મારી ને ઘઘલાવ્યો એટલે હાઉં થ્યું.

હું પાસો ટાયર પર થઈને બસમાં ચઈડો. ફરી ચાલુ કરી. 30.. 40.. 60.. સીધો રસ્તો આઇવો. 80 ની સ્પીડ. હવે અજવાળું પણ હરખું હતું. સવાસાતે તો પાલનપુરમાંથી પેસેન્જર લીધા ને બસ સ્ટાર્ટ. વે'લું આવે મહેસાણા.

અહીંથી તો સ્ટેન્ડીંગ પેસેન્જર હતા. ગિરદી તો એકબીજાની છાતી ભીંસાય એવી.

મહેસાણા પાંચ મિનિટ હોલ્ટ સે. અમે દસેક મિનિટ આપીએ. નીકળે બે કલાક થ્યા હોય તી' એકી પાણી કરવા તો લોકોને જાવું હોય ને?

કંડક્ટરે તો બે બેલ મારી. મેં પૂઇસું, 'બધા આવી ગ્યા?' એક માજી કયે ઈના વાળા દાદા એકી માટે ગ્યા સે. મેં હોરન માઈરું.

કંડકટર રાજસ્થાન કોર્યનો હતો. મને કે' જાવા દ્યો. ડોહા ભલે પાસળ આવે. મેં કીધું 'એલા તું યે ઘઈડો થઇશ. કોઈ કીધા વગર સા (ચા) પીવા બેહે તો ઈને હીધો કરવા કદાચ આગળ જઈ ઉભાડું પણ મોટી ઉંમરના માટે તો હું હંધું કરી સુટું. ઈ યે એક સેવા સે. પુઈણ મળે. કંડકટર હારે થોડું બોલવાનું થ્યું . મેં કીધું જા કર ફરિયાદ. નકર હું તારી પેસેન્જરને અગવડ આપવા માટે ફરિયાદ કરીશ. તારો રિપોર્ટ થાસે ને તું મરીશ.

એણે કાંઈક બબડાટ કર્યો. મેં એઈ..ને એક્સેલરેટર દબાવ્યું. ઈ પાંચ મિનિટ હામે અમદાવાદ દસ મિનિટ વેલી પુગાડીશ.'

**

'ભોમિયાએ કંડક્ટરની ખીજ મારી, એની 1212 પર કાઢી. થોડી દાંત પીસી એને અટકાવતાં વાહનો પર ખીજ કાઢતો, ઝટકા માર્યા વગર પણ સાઈડ દબાવી બાજુમાંથી કાઢતો, કોઈને જોરથી હોર્ન મારતો ને પાસ લાઈટ મારતો મને ભગાવવા લાગ્યો. મને હું ઘોડો હોત તો ચાબુક પણ મારત. હું મશીન છું પણ મારા ચાલકની વહાલી છું. એનો વણકહ્યો હુકમ એટલે એક્સિલરેટર પરનું એના પગનું પ્રેશર અને એના હાથનું ગિયર પર પ્રેશર. એનો હુકમ માની હું પુરપાટ ભાગી. હવે તો સિક્સ લેન એક્સપ્રેસ હાઇવે હતો. હું પંદર મિનિટ વહેલી અમદાવાદ પહોંચી ગઈ.

(ક્રમશઃ)