Reincarnation - 2 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 2

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 2

પુનર્જન્મ 02

બિપિન સચદેવાએ એક કવર અને કાર્ડ ટેબલ પર મુક્યું. અનિકેતેએ કવર અને કાર્ડ લઈ ગજવામાં મુક્યું. જમવાનું પતી ગયું હતું.
' મી.સચદેવા , એક રિકવેસ્ટ છે. '
' બોલો... '
' મારે કોઈ હોટલમાં થોડા દિવસ રોકાવું છે. એનો કોઈ આઈડિયા ? '
' મી.અનિકેત , કોઈપણ હોટલમાં આપ રોકાઈ શકો છો. એક વાર તમારી હા આવ્યા પછી અમે કંઈક કરીશું. '
' ઓ.કે. '
બન્ને બહાર નીકળ્યા. સચદેવા ગાડી લઈ ચાલ્યો ગયો. અનિકેત સચદેવાનું રુક્ષ વર્તન જોઈ રહ્યો. એના ચહેરા પર હાસ્ય આવ્યું. હવે કોઈના પણ આવા વર્તન થી ટેવાવવાનું હતું. અને પોતાની સમસ્યાઓ સામે એકલે હાથે લડવાનું હતું.
એ સીધા રોડ પર ચાલ્યો. ધરાઈને જમ્યો હતો. હવે જમવાની જરૂર ન હતી. રોડ પર ટ્રાફિક યથાવત હતો. એણે સીધા રસ્તે ચાલવા શરૂ કર્યું. મેઈન રોડ ઉપર અમુક હોટલો હતી. એક રોડ ઉપરની હોટલ પર નજર નાખી. હોટલ સાનિધ્ય... એરકન્ડિશન્ડ.
અનિકેત અંદર ગયો. કાઉન્ટર પર એક 45 વર્ષનો વ્યક્તિ હાથમાં મોબાઈલ લઈને બેઠો હતો. અનિકેતના જવાની સાથે એણે મોબાઈલ મૂકી દીધો.
' યસ સર , વોટ કેન આઈ ડુ ફોર યુ. '
' આઈ વોન્ટ વન રૂમ ફોર થ્રી ઓર ફોર ડે. '
' યસ સર ,એ.સી.ઓર નોન એ.સી. '
' આઈ વોન્ટ રૂમ ઓન રોડ સાઈડ. વિચ ઇઝ અવેલેબલ. '
' સર , બોથ અવેલેબલ. ફર્સ્ટ યુ સી રૂમ. ધેન ડીસાઈડ. '
એણે બેલ વગાડ્યો. કાઉન્ટર ઉપર મુખવાસ પડ્યો હતો. અનિકેતે મુખવાસ લઈ મોમાં મુક્યો. હોટલ પર નજર નાંખી. નીચે આગળ એક કાચનો વિશાળ દરવાજો હતો. ત્યાં કદાચ જમવાની સગવડ હશે એવું લાગ્યું. સામે એક પહોળી આરસની સીડી ઉપર જતી હતી.
' મોહન , સાહેબને રોડ સાઈડ નો એ.સી. , નોન એ.સી. રૂમ બતાવ. '
અનિકેતે બન્ને રૂમ જોયા. બન્ને રોડ સાઈડના રૂમ હતા. બન્ને સારા હતા. ગરમી ઘણી હતી. અનિકેતે એ.સી.રૂમ પસંદ કર્યો. એ.સી રૂમના રોજ ના 1500 રૂપિયા હતા. સાથે બે ટાઈમ ચ્હા , નાસ્તો , જમવાનું. અનિકેતે ગજવામાંથી લાઇસન્સ આપ્યું . જેની ઝેરોક્સ એણે બનાવી એન્ટરી કરી , અનિકેતની સહી કરાવી. અનિકેત 3000 રૂપિયા ડિપોઝિટ પેટે આપી , રસીદ લઈ એ રૂમ તરફ ચાલ્યો.
રૂમ ન.204. મોહન સાથે એ રૂમ માં આવ્યો. રૂમ માં બેડ પર નવી ચાદર બિછાવી એ ઉભો રહ્યો.
' સર , જમવા નું હમણાં કે પછી ? '
' મોહન અત્યારે જમવું નથી. પણ કદાચ હું સુઈ જાઉં તો ચાર વાગે મને જગાડજે. ચ્હા સાથે.. '
' ઓ.કે..સર..સાથે કંઈ નાસ્તો ?'
' કંઈ પણ.'
મોહન જતાં પહેલાં ટી.વી.ઓન કરી રિમોટ અનિકેત ને આપતો ગયો..
મોહન ચાલી ગયો. અનિકેત બારણું બંધ કરી બેડમાં આડો પડ્યો. ટી.વી.માં એને કંઈ રસ ના પડ્યો. એણે ટી.વી.બંધ કર્યું.
એક જ દિવસ માં એ જેલની ગંધાતી ,અંધીયાર, મચ્છરયુક્ત કોટડીથી તદ્દન વિપરીત વ્યવસ્થામાં આવી ગયો હતો. મગજમાં ઘણા વિચારો આવતા હતા. એ વિચારોની વચ્ચે એ સુઈ ગયો. કાલ ની ચિંતા થી મુક્ત.

****************************

એની આંખ ખુલી ત્યારે ચાર વાગવામાં પાંચ મિનિટ ની વાર હતી. એ ભૂતકાળને વાગોળતો પડ્યો રહ્યો. થોડીવારે બારણાંને કોઈએ નોક કર્યું. એણે દરવાજો ખોલ્યો. મોહન ટ્રે લઈને ઉભો હતો.
ટીપોઈ પર ટ્રે મૂકી એ ચાલ્યો ગયો. ટ્રે માં ચ્હા અને સેન્ડવીચ હતા. ટી.વી. ઓન કરી એ ચ્હા નાસ્તો કરતો હતો. પણ મન ક્યાંક ભૂતકાળ માં ફરતું હતું.
ચ્હા પી એ થોડી વાર સૂતો રહ્યો. એ નાનો હતો ત્યારથી એને સવાર સાંજ ચ્હાની આદત હતી. આજે વર્ષો પછી એને સારી ચ્હા મળી હતી અને એ પણ એના સમયે.
એ ઉઠ્યો. રૂમ નું બારણું બંધ કરી એ સ્નાન કરવા ચાલ્યો ગયો. બાથરૂમ આધુનિક સુવિધા વાળો હતો. એક રોયલ ટબ હતું. ગરમ પાણી માટે ગીઝર હતું. અલગ અલગ સાબુ અને શેમ્પુ હતા. નાના વોર્ડરોબમાં ટુવાલ હતા. એક વિશાળ અરીસો હતો. સ્નાન કરી , તૈયાર થઈ પાંચ વાગે એ બહાર નીકળ્યો.
કાઉન્ટર પર એ જ માણસ બેઠો હતો. જમવા નો સમય ન હતો એટલે એ તદ્દન ફ્રી મૂડ માં બેઠો હતો.
' હેલો... '
' યસ સર , વોટ કેન આઇ ડુ ફોર યુ ? '
' હું બહાર જાઉં છું. જમવાનું કેટલા વાગ્યા સુધી ચાલુ હોય છે? '
' સર , અગિયાર વાગ્યા સુધી. જો આપને મોડું થાય તો થાળી અલગ રખાવીશ અને આપ આવો ત્યારે તમારા રૂમમાં મોકલી આપીશ. '
આ પૂછવાનું તો એક બહાનું હતું. અનિકેત બીજા કામથી વાત કરી રહયો હતો. જો પરિચય થઈ જાય તો વધારે રોકાવાનું થાય તો સરળ રહે.
'એસ.ટી.સ્ટેન્ડ સાથે વાત થઈ શકશે ? '
' ચોક્કસ સર , અને જો આપને કોઈ બસના ટાઈમ જોવા હોય તો , એક ટાઇમટેબલ પણ આપણી પાસે છે. એમાં પણ ઘણા રૂટના ટાઈમ છે.'
' ઓહ.. સરસ. આપનું નામ ? '
ટાઇમટેબલ આપતા એ બોલ્યો. ' ઘનશ્યામ.'
' થેન્ક્સ ઘનશ્યામભાઈ. '
દરેક વ્યક્તિને પોતાનું નામ પસંદ હોય છે. અનિકેત ટાઇમટેબલમાં જોતો રહ્યો. સંતરામપુર... એનું ગામ... એનું હદય જોર થી ધડકવા લાગ્યું. એનો અવાજ એ અનુભવી શકતો હતું. ત્રણેક સંતરામપુર હતા. પણ પોતાનું સંતરામપુર , એણે શોધી કાઢ્યું. એક કાગળ ઘનશ્યામ પાસે થી લઈ ટાઈમ લખ્યા. ઘનશ્યામ ને થેંક્યું કહી કાગળ ગજવા માં મૂકી એ નીકળી ગયો. મેઈન રોડ પર આવી એ ડાબી બાજુ વળી ગયો. ગામના નામની યાદ સાથે એની આંખ માં રોકી રાખેલા આંસુ એણે લૂછયા.
*************************

રાત્રે એ આવ્યો ત્યારે લગભગ દસ વાગવા આવ્યા હતા. હજુ નીચે જમવાનું ચાલુ હતું. એ સીધો રૂમ પર ગયો . બેગ મૂકી નહાવા ગયો. ફટાફટ સ્નાન કરી એ જમવા ગયો. જમી ને હાથ ધોઈને એ બહાર આવ્યો. કાઉન્ટર પર માણસ બદલાઈ ગયો હતો.
' હેલો , ઘનશ્યામભાઈ છૂટી ગયા. '
' યસ , સર. '
' આઈ એમ અનિકેત. રૂમ નમ્બર 204 . '
' સર , આઈ એમ માઈકલ. રાત્રે કંઈપણ જરૂર હોય તો કોલ કરજો... '
' ઓ.કે. થેન્ક્સ. '
******************************

અનિકેત રૂમ પર આવ્યો. એ રસ્તામાં એક સલુનમાં જઈ વાળ વ્યવસ્થિત કપાવી , થોડી ખરીદી કરીને આવ્યો હતો. નાઈટ ડ્રેસ પહેરી , રૂમનું બારણું બંધ કરી ગેલેરીમાં જઇને એ બેઠો.
રસ્તા પર વાહનોની અવરજવરને એ જોઈ રહ્યો. મનમાં આ વાહનોની જેમ વિચારોની હારમાળા ચાલતી હતી. ભૂતકાળના વિચારો જેટલા સતાવતા હતા એટલા જ ભવિષ્યના વિચારો પણ સતાવતા હતા. એણે ખોળામાં મૂકેલું પાકિટ હાથ માં લીધું . એને ખોલ્યું અને અંદરના ફોટાને એ જોઈ રહ્યો. એ ફોટો જ હતો ? ના , પોતાની વિખરાયેલી જીદંગી હતી. મન ઢીલું થઈ ગયું. ના.. ના.. રડવા નું નથી. સામનો કરવાનો છે. જે ગુમાવ્યું છે એનાથી વધારે પ્રાપ્ત કરવાનું છે.
એ ગેલેરીનું કાચનું બારણું બંધ કરી અંદર આવ્યો ત્યારે લગભગ બાર વાગ્યા હતા. એ બેડ પર આડો પડ્યો. પાકિટ ઓશિકા નીચે મુક્યું.
મન માં વિચારો આવતા હતા. કાલે ગામડે જઈશ . મારા ઘરે જઈશ. મારા પૂર્વજો ના ખોરડા માં જઈશ.. પણ પ્રશ્ન એ થતો હતો કે ત્યાં શું થશે ?
આખરે એ થાક્યો અને એને ઉંઘ આવી ગઈ.

**************************

આઠ વર્ષનો પોતે ફળિયા માં રમતો હતો. પોતાના જોડીદારો સાથે. મા ક્યારનીય જમવા માટે બુમો પાડતી હતી. પણ મિત્રો આગ્રહને કરી રોકી રાખતા હતા. પોતાને આવા મિત્રોને છોડીને જવાનું મન થતું ન હતું. આખરે મા કંટાળી. એ ધોકો લઈ ને આવી. પોતે દોડ્યો. પાછળ મા બુમો પાડતી આવતી હતી. પણ પોતે પાછળ જોયા વગર દોડતો હતો. કશું જ જોયા વગર દોડતો હતો. આખરે એ થાક્યો. એનો શ્વાસ ફુલતો હતો. એ ઉભો રહ્યો. પણ પાછળથી કોઈ અવાજ ના આવ્યો. એણે પાછળ જોયું. પાછળ કોઈ ન હતું. મા ન હતી. ના મિત્રો હતા. લોકો એના ઉપર હસતા હતા. એ લજ્જા અનુભવતો હતો. એ પાછો વળ્યો. જે રસ્તે થી આવ્યો હતો એ રસ્તે એ દોડ્યો. એ દોડતો જ રહ્યો. દોડતો જ રહ્યો. પણ ના ગામ આવ્યું. ના મિત્રો આવ્યા. ના મા આવી. એ આ વિશાળ સૃષ્ટિ માં ભૂલો પડી ગયો હતો.
એની આંખ ખુલી ગઈ. સવારના સાત વાગ્યા હતા. એણે કોલ કરી ચ્હા મંગાવી. ચ્હા પી એ કલાક માં ફટાફટ તૈયાર થઈ ગયો. નવ વાગ્યાની બસ હતી. એ આઠ વાગે નીચે આવ્યો. ચ્હા અને નાસ્તો કરી , રિક્ષા કરી બસ સ્ટેન્ડ પર પહોંચ્યો. એના મનમાં ઘણી શંકાઓ હતી. એટલે એણે નક્કી કર્યું હતું કે આજે એક આંટો મારી પાછો આવી જશે.. પછી એ વિચારશે કે શું કરવું.

*****************************

સંતરામપુર... એનું ગામ. એના માં બાપ નું ગામ. એના પૂર્વજો નું ગામ. એના મિત્રો નું ગામ. એ બસ માંથી ઉતર્યો. સાત વર્ષે એ આવ્યો હતો ગામમાં. ગામના પાદરે બસ માંથી ઉતરી એણે ચારે બાજુ જોયું. એ જ ગામ હતું. બસ લાઈટ અને ટી.વી.ચેનલ ના લટકતા દોરડા ગામ માં વધેલી સુવિધા ની ચાડી ખાતા હતા. પાદરે ત્રણ પાન ના ગલ્લા દૂર દૂર હતા. ત્યાં કેટલાક લોકો ટોળે વળેલા હતા. લગભગ દસ માણસો બસ માંથી ઉતર્યા અને સાત આઠ ચઢ્યા. એની તરફ કોઈ નું વિશેષ ધ્યાન ન હતું.
ગામમાં પાકા ડામરનો રસ્તો હતો. આગળ જઇ બે રસ્તા જતા હતા. એ પોતાના ઘર તરફ ચાલ્યો. આગળ જઇ એ મહોલ્લામાં વળ્યો. મહોલ્લામાં ઓટલે બેઠેલા વૃધ્ધો અને કામ કરતી બહેનો એને કુતુહલ થી જોઈ રહયા. એ એના ઘર આગળ જઇ ઉભો રહયો. ઘરના દરવાજા ને તાળું ન હતું. ફક્ત સ્ટોપર મારેલી હતી. એણે સ્ટોપર ખોલી. દરવાજો ખોલી એણે અંદર જોયું અને સ્તબ્ધ થઈ જોઈ રહ્યો..

( ક્રમશ : )