ખાલી જગ્યા
પહેલો સગો પાડોશી કહેવાય એટલે કઈંપણ કામ હોય તો શંકોચ રાખ્યા વગર કહી દેવાનું એવું કહેનાર પાડોશી પણ ક્યારેક નાની વાતનું વતેસર કરી નાખે. રૂમીની સાથે પણ આજે એવુંજ કંઈક થયું.
અચાનક બાજુ વાળા માસી જાણે ઝગડો કરતા હોય એમ આવી ગયા અને બોલવા લાગ્યા, આ સ્કૂટર અહીં કોણે મૂક્યું છે??? ખબર નથી ?? અહીંથી અમારું ઘર ચાલુ થાય છે.
રૂમી આમપણ ચિંતામાં હતી. એને ઘણા દિવસથી એવું લાગતું જાણે વિરાટ એનાથી દૂર જઈ રહ્યો છે અને બીજા કોઇની નજીક. આ બધા વિચારો અને શંકાના વાદળોથી ઘેરાઈ ગઈ હતી.
એટલેજ અચાનક થયેલા હુમલાથી રૂમી જાણે ગભરાઈ ગઈ. રૂમી કંઈપણ કહેવા જાય એ પેહલા તો માસી ફરીથી ધડાકા કરવા માંડ્યા અને ગમેતેમ બોલવા લાગ્યા. જાણે વિનયની હદ ભૂલી ગયા.
રૂમી હાથ જોડીને માત્ર એટલું કહી શકી, માસી વિરાટ બાથરૂમમાં છે. વિરાટ બહાર આવે એટલે તરત ખસેડી લેશે.
માસી હજી ધરાયા ના હોય એમ ...."પાંચ મિનિટમાં સ્કૂટર અહીંથી હટી જવું જોઈએ નહીતો મજા નહીં આવે." આમ બોલતા બોલતા એમના ઘરે પાછા ગયા.
વિરાટ જેવો નાહીને બહાર આવ્યો એટલે રૂમીએ એને બધી વાત કરી.
વિરાટે તરત સ્કૂટર પોતાના ઘર બાજુ ખસેડી દીધું. સાથે સાથે બાજુવાળા માસીને કહેતો પણ આવ્યો કે સ્કૂટર ખસેડી દીધું છે માસી. સોરી માસી, ઓફીસથી આવી ને ઉતાવળમાં મુક્યુંતું એટલે જરા તમારા ઘર બાજુ રહી ગયું. હવે નહિ થાય. હું ધ્યાન રાખીશ.
માસી હજી આમ જાણે તાનમાં હોય એમ કહેવા લાગ્યા....હા હવે..જવા દુઉ છું આ વખતે.....કરીથી મારા ઘર બાજુ જરાબી હશે તો હવા કાઢી નાખીશ.
વિરાટ પણ મોટા અવાજે બોલતો ગયો ..."એ એનો વારો નહીં આવે માસી".
વિરાટ જેવો ઘરે પાછો આવ્યો તો રૂમી પૂછવા લાગી વિરાટને કે, કેમ આમ મૂકે છે સ્કૂટર? અહીં આપણા ઘર આગળ ઘણી જગ્યા છે તો અહીં મુકોને.
રૂમી : લે આટલી બધી જગ્યા છે આપણા ઘર પાસે ત્યાં કેમ મુકે છે સ્કૂટર?
વિરાટ: પણ ત્યાં તો આપણે ગાડી મૂકીએ છીએને!
રૂમી: હા પણ ગાડી હાલ તો પપ્પા લઈ ગયા છે ગામડે. એપણ છેલ્લા એક મહિનાથી.
વિરાટ : અરે હાં સાચી વાત તારી. એવોતો વિચાર જ ના આવ્યો.
પછી થોડીવાર માં બંને જમવા બેસી ગયા સાથે.
જમતા જમતા રૂમીએ પુચીજ લીધું હિંમત કરીને કે વિરાટ તું મારી જગ્યાએ બીજા કોઈને .....મારો મતલબ બીજા કોઈની સાથે....
રૂમી વાક્ય પૂરું કરે એ પહેલાજ વિરાટે એને પાસે બેસાડી વ્હાલથી એનું માથું ચૂમી લીધું.
વિરાટ: ના રૂમી હું એવું વિચારી પણ ના શકું.
અરે જે માણસ ગાડી જે જગ્યા એ પડી રહેતી હોય એ જગ્યા ખાલી હોવા છતાં સ્કૂટર ત્યાં પાર્ક ના કરે...કે કરવાનો વિચાર પણ જેને ના આવે....
તો તને તો હું ચાહું છું, તું મારી જીવનસંગીની છે અને મારા જીવનમાં સાક્ષાત હાજર છે.
અરે હું ગાડી પાર્ક કરવાની ફિકસ જગ્યાએ સ્કૂટર પાર્ક કરવાનું વિચારી ના શક્યો ...તો તું તો મારી જીવનસાથી છે, મારા જીવનનો શાશ્વત પ્રેમ છે....તો તારી જગ્યા કેવીરીતે કોઈને આપી શકું.
તારો જ છું અને તારો જ રહીશ. તું છે ત્યારે પણ અને તું ના હોય ત્યારે પણ.
રૂમીના વહેમ ની અસર ઉડી ગઈ અને ભીની આંખે વિરાટને ભેટી પડી. બાજુવાળા માસીના કકળાટે વિરાટ અને રૂમીનાં જીવનમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી લાગણીઓ જીવંત કરી દીધી.
બંને જાણે એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા.
........................................પૂર્ણ....................................
પ્રસ્તુતિ : સંદિપ જોષી ( સહજ )