લગભગ ફેબ્રુઆરી મહિનો આવે એટલે એ લોકો આવી જતા. તેમનું ઠેકાણું સરકારી ઓફિસની દિવાલ. તે લોકો રોડ કાંઠે ફૂટપાથ પર સરકારી ઓફિસની દિવાલની આગળ કપડાનાં માંડવા જેવું કરે. તેમાં જથ્થાબંધ તરબૂચ ઉતારે. રોડે આવતાં જતાં લોકો તાજા તરબૂચ લેતાં જાય.લગભગ છેલ્લાં ચારેક વર્ષથી આ લોકો આ સિઝનેબલ ધંધો કરવા અહી આવે છે.તે વડોદરા બાજુંથી આવે. આ ખુલ્લી દુકાનમાં વેપાર કરે ને રાત્રે માંડવા ફરતે કપડું બાંધી ને પેક કરી દે. તેમાં જ રસોડું ને તરબૂચના ઢગલાંની બાજુમાં પથારી કરી સૂઈ જાય.એજ તેમનો બેડ રૂમ.
એક માડી,દાદા ને પંદરેક વર્ષનો એક છોકરો.આવડો પરિવાર આખો દિવસ તરબૂચનો વેપાર કર્યા કરે.જેમ જેમ ઉનાળો જામતો જાય તેમ તેમ તરબૂચની ઘરાકી પણ જામતી જાય.ને તડકો પણ પોતાનો પ્રભાવ બતાવતો જાય. આવા બળબળતા તડકામાં પણ ત્રણેય ખાલી કપડાના માંડવાના છાયડે બેઠાં હોય.
મારે પણ તેમની સાથે પરિચય થઈ ગયો હતો. હું અવાર નવાર તરબૂચ લેવાં જાવ એટલે તેઓ મને ઓળખે. હું જાવ એટલે દાદા કાંઇને કાંઈ વાતો કરે. તેણે જ મને પરિચય આપ્યો હતો કે આ અમારો ભાણો છે. દાદા તેની બોલી માં મને કહે,
" આ ભાનો નાનકડો હટો ટે દિવસથી અમારી ભેગો રેટો. હું ટેને ભણવાનું કેટો પણ ટેનું ધ્યાન નહિ લાગતું."
હું ભાણા ને ભણવાની ભલામણ કરતો. ભાણો હસી ને મારી સામું જોઈ રહેતો.
" લે સાબને એક મીઠું તડબૂચ કાઢી આલ...".
પછી ભાણો તરબૂચ કાઢે, તે તરબૂચ દાદા પોતાનાં હાથમાં લઈ તપાસતાં ને તેને પાછું ઢગલામાં મૂકતાં.બીજા બે ચાર તરબૂચને થપથપાવી ને તેમાંથી એક આપી ને કહેતાં,
" આ એકદમ જ સરસ છે. તમને મોલું ના અલાય ને..."
એમ કહી દાદા મારી સામે જોઈ હસી પડતા. ભાણો વજન કરે, થોડું નમતું હોય તો પણ દાદા કહે,
" ભઈ, આલી દે ને ટુ ટો ઘી ની માફક જોખ્ટો છે. સાહેબ આપનું કાયમી ગ્રાહક છે."
વળી મારી સામે જોઈ દાદા હસી પડતાં.ધોળા વાળ ને કરચલી વાળું મોઢું. દાદા હસે ત્યારે પાતળું મોં ભર્યું ભર્યું લાગતું. દાદા ખૂબ વાતુડા હતાં. હું જ્યારે જાવ ત્યારે તેની પહેલી ફરિયાદ હોય,
" ટમે ટો હમના દેખાતા જ નહીં ને!!".
પછી દાદાની વાતો નો દોર ચાલુ થાય.
" આ વખટે ટો મહારાષ્ટ્રમાંથી તરબૂચ લાવેલા. ભઈ ગાડી ભાડું ખૂબ મોંઘું પડેલું. પન તરબૂચ બહું મિથા હો સાહેબ.."
હું પૂછું, " દાદા તડકો નથી લાગતો આ માંડવામાં?"
" અરે સાહેબ અમે ટો ટેવાય ગયેલાં. ટ્યા પન અમારે ક્યાં બંગલા હટા. ટયાં પણ અમે ઝૂંપડામાં જ રેહવી સી.ટડકો ટમને લાગે સાહેબ.અમારાથી ટો આઘો ભાગે."
એમ કહી પેલું કરચલિવાળું હાસ્ય કરતાં. વાતો વાતોમાં પોતાનાં ગામની,પરિવારની,સગા વ્હાલા,બધી જ વાતો કરે.
મેં એક દિવસ તેમનાં છોકરાઓ વિશે પૂછ્યું.કે તમારે આ ઉંમરે કેમ ધંધો કરવા આવવું પડે? છોકરાઓ તમને ન રાખે?
તો દાદાનાં મોઢાં પર ઉદાસી આવી ગઈ, " છોકરાં બચાડા મજૂરી કરી તેનાં પરિવારનું માંડ ભરણપોષણ કરી શકે. ટેનો એક નાનકો ડીકરો બીમાર રેટો છે. તેં બિચાડો ડવાખાનામાં બહું ખર્ચાય ગયેલો છે.આપડે ટેના પર ભાર સુકામ કરવો.જ્યાં સુધી હાથ,પગ હાલતાં છે ટયા સૂઢી કામ કરીએ.પછી ટો બચાડા રાખવાનાં જ છે."
છોકરાની ચિંતામાં આંખોમાં ઝળઝળિયા આવી ગયાં. મારી સામે જોઈ સ્મિત કર્યું.
આવી બધી વાતો ચાલ્યાં કરે. હું રસ્તે નીકળું ત્યારે ડોશી મા તરબૂચનાં ઢગલાની પાછળની જગ્યાએ ત્રણ ઈંટોનો ચૂલો બનાવી રસોઈ બનાવતાં હોય.દાદા તરબૂચ પર લાગેલી ધૂળ ઝાપટીયાથી ઉડાડતાં હોય.ને ભાણો બેઠો બેઠો આવતાં જતાં વાહનો જોયાં કરતો હોય.ભાણો રોજ એક તરબૂચનો અડધો ભાગ કરી, તેમાં સ્માઇલ ફેસ બનાવી રોડથી આવતાં જતાં લોકોને લાલ ચટ્ટક જેવું તરબૂચ દેખાય તેમ રાખતો. તરબૂચના બી આંખો બની જતાં. હું આવતાં જતાં આ તરબૂચ અને દાદાનો smiling ફેસ જોઈ રાજી થતો. મને જતો જોઈ દાદા ને ભાણો રોજ ઊંચો હાથ કરે. મારે તરબૂચ લેવું હોય તો અથવા ટાઇમ હોય તો વાતો કરવાં ઉભો રહું નહિતર ખાલી હાથ ઊંચો કરી નીકળી જાવ.
હમણાં થોડાં દિવસથી હું જોતો હતો, દાદા પહેલાં જેટલાં ખુશ નહોતાં દેખાતાં તેનાં મોઢાં પર ઉદાસી રહેતી હતી. મેં એકાદી વખત પૂછ્યું પણ ખરું,
" કે કહી ચિંતા જેવું છે દાદા?"
તો મને કહે, " ના સાહેબ કશું નહિ."
તરબૂચ પણ ખૂટવા આવ્યાં હતાં. હજી તો ઉનાળાની અડધી જ સીઝન પૂરી થઈ હતી.મને એમ હતું કે હવે થોડાં દિવસોમાં તરબૂચની ગાડી મંગાવશે. હું બે ત્રણ દિવસ બહાર ગામ ગયો. આવી ને હું એક દિવસ મારી બાઈક લઈ નીકળ્યો તો તરબૂચના ઠેલાવાળી જગ્યા ખાલી ખમ્મ. મેં બાઈક ઊભી રાખી જોયું તો માંડવાનું કાપડ તો છોડી લીધું હતું.પરંતુ ઉતાવળમાં આડી ઊભી બાંધેલી બાવળની સોટી તો એમ જ ઊભી મૂકી નીકળી ગયાં હતાં.રોજ જ્યાં રસોઈ બનતી તે ચૂલામાં કાળા મેશ લાકડાંનાં કોલસા શાંત થઈ પડ્યાં હતાં. બાજુમાં ફૂટી ગયેલી તાવડી પડી હતી. હવે પછીનાં ટંક માટે રસોઈ બનાવવાં બળતણની ભારી તૈયાર પડી હતી. તેલનાં ખાલી થયેલાં કેનમાં માડી પાણી ભરાતાં હતાં. તે કેન પણ અડધું ભરેલું આડું પડ્યું હતું.લાકડીને છેડે કપડું બાંધી દાદાએ ધૂળ ઝાપટવાનું બનાવ્યું હતું. જે લઈ દાદા આખો દિવસ તરબૂચ પર ચોટતી ધૂળ ઝાપટે રાખતાં તે પણ એક બાજુ પડ્યું હતું.તરબૂચ સાથે આપતાં તે સંચળનાં મસાલાની પડિકી પણ આમ તેમ રખડતી હતી.
થોડે દૂર ભાણો રોજ અડધું તરબૂચ કાપી તેમાં સ્માઇલ ફેસ બનાવતો તે તરબૂચ ઊંધું પડેલું હતું.મે બાઈક પરથી ઉતરી તરબૂચ સીધું કર્યું.બે ત્રણ દિવસ તડકામાં સુકાઈ ગયું હોવાથી રોજ હસતાં ચહેરા વાળું તરબૂચ આજે ઉદાસ ચહેરાંવાળું લાગતું હતું.મને દાદાનો કરચલીવાળો ઉદાસ ચહેરો તેમાં દેખાવા લાગ્યો. હું ત્યાં ઘડિક ઉભો રહ્યો.આ લોકો કેમ આમ અચાનક જતાં રહ્યા હશે? કાયમ કરચલીવાળા હસતા ચહેરાવાળા દાદા કેમ હમણાંથી ઉદાસ રહેતાં હતાં? મને એક પણ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો.
હું નિઃસાસો નાખી મારી બાઈક લઈ નીકળી ગયો.મારાં મનને ઉદાસી ઘેરી વળી.....
લેખક: અશોકસિંહ ટાંક
તા. ૯/૬/૨૦૨૧
9428810621