“બીજી બા”
DIPAKCHITNIS(dchitnis3@gmail.com)
પીતાંબરનો નાનો ભાઈ કાંતિને હડકાયું કૂતરું કરડવાથી ૨૨ વર્ષની નાની ભર યુવાનીની ઉંમરે ગુજરી ગયો ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત રુદન કરી મૂક્યું તે છાતી માથાકૂટ નાખ્યા તે ઉપરથી સૌ કોઈને એમ જ લાગી આવે કે તે તેના પેટ નો દીકરો જ ગુમાવી બેઠી હશે અને તે અનુમાન ઘણું ખોટું પણ ન હોઈ શકે.
૧૫ વર્ષની ઉમરે અંબા પરણીને સાસરે આવી ત્યારે તેના સસરા ગુજરી ગયેલા હતા. સાસુને ક્ષય રોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાંસુએ તેને પોતાની પથારી પાસે બોલાવીને બેસાડી અને તે સમયે કાંતિ ફક્ત બે વર્ષનો હતો પગ આવી ગયા હતા, પણ બોલતા પુરુ શીખ્યો ન હતો સાસુએ કાંતીને પાસે બોલાવી અંબાના ખોળામાં બેસાડયો અને કહ્યું : “જો બેટા કાંતિ આ તારી બીજી બા.”
“બીજી બા,” કાંતિ પોપટની જેમ બોલ્યો. ખોળામાં બેઠેલા બચુંકડા દિયર પ્રત્યે અંબા ને ખૂબ વહાલ ઉપજ્યું. તેને પ્રેમપૂર્વક કાતિને માથે હાથ ફેરવીને કહ્યું : બા હું જરૂર એની બીજી બા થવા મથીશ.”
અંબાના ચહેરા ઉપર તે બાળક પ્રત્યે પ્રેમની કુમાશ ફરી વળેલી જોઈ, સાસુએ વહુને પારખું કરી લીધું અને છુટકારાનો દમ ખેંચ્યો. પોતાના લગ્નજીવનની લુપ્ત થતી સંધ્યાએ જન્મેલો આ બાળક, બાર મહિનાના ખૂણા દરમિયાન આંસુની ધારે ઉછરેલો આ કાંતિ- તેને માટે હવે સાસુ નિશ્ચિત બની ગયા.
સાસુનો રોગ વધતો ચાલ્યો. ચાકરી કરવામાં વહુએ પાછી પાની ન કરી. દવા કરવામાં પિતાંબરે પણ દીકરા તરીકે કોઈપણ કસર ન કરી : પણ જેને આવરદાની દોરીમાં દાંતી પડેલી, તે શરીર કેટલું ટકે ? પીતાંબરના લગ્ન પછી બારે મહિને તેની માતાનું મૃત્યુ નીપજ્યું. ત્રણ વર્ષનો કાંતિ મા-બાપ વિહોણો બની ગયો, પરંતુ તેની બીજી બા અંબાએ તેને મા-બાપની ખોટ એક ઘડી પણ પડવા ન દીધી.
પીતાંબરને મનને ખૂણે આ નાનકડા ભાઈ પ્રત્યે ઈર્ષા હતી. તેને થતું કે નવવધુ અંબાના પ્રેમાળ હ્ર્દયનો ઘણોખરો ભાગ આ બાળકે કબજે કરી દીધો હતો. અને સાચે જ વાંદરીનું બચ્ચું જેમ પોતાની માતા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી તેને વળગેલું રહે, પછી વાંદરી એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કુદકા મારે તો પણ બચ્ચું લેશમાત્ર ડરતું નથી, તેમ જ કાંતિ અંબા ઉપર પ્રેમ પૂર્વક વિશ્વાસ મૂકી, તેને વળગીને જીવતો હતો. અંબા તો એવી ચતુર ગૃહિણી હતી કે પીતાંબરને ફરિયાદ કરવાની તક કદી પણ સાંપડતી જ નહીં. પીતાંબરની ઝીણામાં ઝીણી સગવડ તે કુનેહથી સાચવતી અને પીતાંબર એમ તો શી રીતે કહી શકે, કે ‘મારા નમાયા બાળક ભાઈ ઉપર તું પ્રેમ રાખે છે, તે મારાથી નથી ખમાતું ?’
પછી તો વર્ષો વહી ગયા. અંબાને પોતાને પણ બાળકો થયા. પરંતુ કાંતિનું સ્થાન તેના હૃદયમાં ધ્રુવવત અવિચર જ રહ્યું. લગ્નજીવનને પહેલે દિવસે ‘બીજી બા’ કહી પોતાના ખોળામાં બેસી ગયેલ તે બાળક અંબાના હૃદયમાં પ્રેમસિંહાસન ઉપર આરુઢ થયો હતો. અંબાના બાળકો કાંતીને કાકા નહીં પણ ‘મોટાભાઈ’ કહી બોલાવતા અને અંબાને તેના બે છોકરા પણ ‘બીજી બા’ને નામે સંબોધતા.
કાંતિ ને ભણાવ્યો ગણાવ્યો અને તે જોતજોતામાં ૨૧ વર્ષનો થયો, ત્યારે અંબાએ તેના લગ્નની વાત ઉપાડી. પીતાંબર કહે : “બે વર્ષ ખમી જઈએ. લગ્નનો ખર્ચ કરવા જેટલી હાલ સગવડ ક્યાં છે ? કન્યાને આપવા ખોબો ભરાય એટલું નગદ સોનું જોઈશે, ઉપરાંત કપડાં વગેરેનો ખર્ચ થશે તે જુદુ.”
અંબા બોલી ઊઠી : “મારું પલ્લું અનામત પડ્યું છે, તે કાંતિની વહુને ચઢાવીશું.‘‘
પીતાંબર આશ્ચર્ય ચકિત થઈ બોલ્યો: “વાહ, તારી દેરાણીને તારું પલ્લું આપી દઈશ ?- નથી આ કાંઈ દીકરાની વહુ આવવાની ; આ તો મારું તારું કરતી દેરાણી ઘરમાં આવશે, જાણતી નથી ?”
છેવટે અંબાની જીત થઈ. સારી કન્યા શોધવાનું પણ તેણે જ માથે લીધું. એક નહિ પણ એકવીસ કન્યાઓ તેણે જોઈ નાખી. પીતાંબર ચિઢાઈને કહેતો : “તારા કાંતિ માટે તો સ્વર્ગની કોઈ અપ્સરા ઉતરી આવશે, તો જ તારું મન માનશે.”
ઠંડી રીતે અંબા બોલી : ‘‘તે કાંતિ પણ દેવના દીકરા જેવો ક્યાં નથી ?”
છેવટે કરુણા નામની કન્યા ઉપર અંબાની નજર ઠરી. તે છોકરીના રૂપરંગમાં જાણે કાંઈ કહેવાપણું બાકી ન હતું, તેના આંખ નાક અને ચામડીનો રંગ તથા દેહઘાટ ખરેખર અનુપમ સુંદર હતા. તે સાત ચોપડી ભણેલી પણ હતી અને ઉંમરમાં સોળ વર્ષની હતી. “દરેક રીતે મારા કાંતિ ને લાયક ની છે,” અંબા સૌ કોઈને હરખાઈને કહ્યા કરતી હતી. અંબાએ તો ખૂબ જ હોંશથી કાંતિને પરણાવ્યો ને કરુણાને ઘરમાં આણી.
પીતાંબરે મનમાં ગણતરી કરી હતી કે દેરાણી બની આવેલી કરુણા અંબાની પાસે સમાન હકકની માગણી કરશે ત્યારે અંબા રૂઠયા વગર નહી રહે, અને આટલા વર્ષથી પોતીકો કરી લીધેલો કાંતિ હવે આ રૂપાળી વહુ બની જશે અને તે અંબાજી કદી સહન નહીં થાય. શાંત સંસારસાગરમાં તરતા પોતાના જીવન-હોડકાંમાં આગનું છમકલું જોવાની અને તે જોઈ મનને એક છૂપે ખૂણે રાચવાની અવળી ઈચ્છા પીતાંબરના અસંતુષ્ટ દિલમાં જાગી. માણસ પોતે જ્યારે કોઈ કારણસર હૈયાને એકાદ ખૂણે પણ દુઃખી કે અસંતુષ્ટ હોય, ત્યારે બીજાને ડામવા ને દુઃખી જોવા તે ઇન્તજાર બને છે ; એવું જ પિતાંબરને થયું. પરંતુ ૨૦ વર્ષથી ઘરમાં આવેલી ગૃહિણીને પીતાંબર ઓળખી શકેલો નહીં, તેથી તેની ગણતરી ઊંધી વળી.
રૂપરાશિ સરખી સોળ વરસની સુંદરીને પોતાના પ્રાણપ્રિય કાંતિની વહુ તરીકે ઘરમાં હરતીફરતી દેખીને અંબાનું હૈયું તો હરખાઈ જતું. અંબાના હૃદયમાં પ્રેમનું પાત્ર જેવું તો છલકાઈ જતું હતું કે તેના સંપર્કમાં આવનાર સૌ કોઈને તે પાત્રમાંથી જેટલો જોઈએ એટલો પ્રેમ મળી શકતો. જ્યારે સૌની માફક કરુણાએ પણ તેને ‘બીજી બા’ કહી બોલાવવા માંડી ત્યારે આંબને ખૂબ આનંદ થયો.
અંબાને માથે સ્વર્ગ અડકવામાં માત્ર એક જ વેંત બાકી છે, એમ તેને લાગવા માંડ્યું. પણ એવું સંપૂર્ણ સુખ ભાગ્યે જ કોઇનું ટકી શકે છે; અંબાનુ પણ ન ટક્યું.
બજારમાંથી ઘર બાજુ આવતા કાંતીને એક રખડતું કૂતરું કરડ્યું, ત્યારે કોઈને કલ્પના ન થઈ કે કૂતરું હડકાયું હશે અને આઠ દિવસે કુતરાના દાંત પડવાથી પડેલો ઘા રુઝાઈ ગયો. તે સાથે સૌ કોઇના મનમાંથી પણ એ વાત ભુલાઈ ગઈ. પરંતુ કુદરતે પોતાનું કામ કર્યું, કુતરુ કરડયા પછી મહિને દિવસે કાંતિને હડકવા ઉપડ્યો અને બે દિવસમાં જુવાનજોધ કાંતિ ખલાસ થઈ ગયો. બાળક- અવસ્થામાં જ વિધવા બનેલી કરુણા કરતાં પણ અંબાનું રુદન વધુ હૈયાફાટ હતું.
દુઃખના દિવસો ધીમે ધીમે જાય છે, તે ન્યાયે દિવસોનું ધીમું ધીમું વહેણ વહી જતું હતું. સવાર પડતી ત્યારે અંબાનું બેચેન ઉદાસ મન રાત્રીની શાંતિ ઝંખતુ અને રાત્રીનું શાંત અને નિરવ વાતાવરણ તેના નિદ્રાહીન મનને અસહ્ય લાગતું. ત્યારે તે ઉગમણી દિશા ભણી મોઢું રાખી ઉગતા દિવસની રાહ જોતી. કાંતિના મૃત્યુનો વાંક કરુણા ઉપર ઢોળી પાડવા જેવી તે મૂરખ કે વહેમી નહોતી, એ તો પીતાંબર પણ જાણતો હતો. છતાં કદાચ કાંતિના ગયા પછી તેની વહુ પ્રત્યે અંબા ને જાણે અજાણે પણ અણગમો ઉત્પન્ન થશે એવી પીતાંબરની ગણતરી હતી. તે પણ ખોટી પડી. કાંતિ ઉપરનું તમામ હેત અંબાએ કરુણા પર કેન્દ્રિત કરીને ઘણી વાર સમીસાંજે કામથી પરવારી દેરાણી-જેઠાણી એકલા પડે ત્યારે અંબા કહેતી : “મારા સાસુ એક પહેલે દિવસે જ મારે ખોળે છૈયો મૂકી દીધો. ભગવાનની કૃપાથી મેં તેને નાનેથી મોટો કર્યો પણ ખરા વખતે હું ભાન ભૂલી. કૂતરું કરડ્યું ત્યારે ત્યારે તે હડકાયું હશે એ ખ્યાલ મને હૈયાકૂટીને કેમ ના આવ્યો ? મેં સાચવ્યો નહીં તેથી જ મારો રતન એવો દીકરો કાળે કૂતરાનું રૂપ લઈ ભરખી ગયો ! અને વહુ ! મારે વાંકે આજે તારે પણ આ બાળવયે રંડાપો વેઠવાનો આવ્યો. ભગવાનને ઘેર મારા સાસુજીનો મેળાપ થશે, ત્યારે હું શું મોઢું દેખાડીશ ?” આક્રંદ કરતાં અંબા બોલે જતી અને આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી. નવયૌવનસંપન્ન વિધવા કરુણા મૂંગે મોઢે સાંભળી હતી.
કોઇ ભૂંડી પડોશણ કદાચ એવો ઇશારો કરે કે, “વહુને નઠારે પગલે તમારો કાંતિ ગુજરી ગયો તો,” અંબા કહેતી : અરેરે વહુ તો મારી કંકુ પગલાંની, પણ મારા નસીબ ફૂટી ગયા તે કાંતિ કશું ભોગવ્યા વગર ચાલતો થયો હતો. વહુએ તો અમૃતનો પ્યાલો એના મોઢા આગળ ધર્યો, પણ કાળે ઝાપટ મારી તે ઢોળી નાખ્યો ; તેથી આ કાચી કેરી જેવી છોકરી નું અસહ્ય દુખ મારે દેખવાનું રહ્યું.”
અંબાના પોતાના છોકરા મોટા થવા લાગ્યા હતા. અને વળી કાંતિની નવજુવાન વિધવા ઘરમાં ફરતી હતી તેથી, અને ખાસ કરીને તો પોતાનું દિલ જ ભાંગી પડેલું હોવાથી, અંબાએ પતિ સાથેનું સહજીવન કાંતિના મૃત્યુ પછી પૂરું કર્યું હતું. સંસારસુખ ઉપરથી તેનો મન ઉઠી ગયું હતું કાંતિના મૃત્યુ પછી કપડાં વિશે અંબા બેપરવા બની ગઈ હતી. માથું ઓળે ત્યારે પણ કદી સામે આરસી ન રાખે માત્ર હેવાતનની નિશાનીનો ચાંદલો કપાળમાં કરે ત્યારે એક ક્ષણ આરસીમાં કપાળનો ભાગ જોઈ લેતી અને ચાંદલો તો કરવો જ પડે એટલે તે કરતી. બાકી કરુણાનું રૂપાળું ઘાટીલું કપાળ ઉજ્જડ ઓરસીયા જેવું અને પોતાના કપાળમાં ચાંદલો કરતાં પણ તેનું દિલ ક્ષોભ પામતું હતું.
પીતાંબરને કાંતિના અકાળ મૃત્યુનો નહોતો લાગ્યો એમ તો ન જ કહેવાય; પણ તે ઝટ રુઝાઈ ગયો. અને તેથી કાંતિના મૃત્યુ પછી છ મહિને તેનો મન વિષય સુખની ઝંખના કરવા માંડ્યું, ત્યારે અંબાએ કહ્યું ; “આપણે બહુ વર્ષો સુખ ભોગવ્યું, અને સંસારના મંદિરમાં પ્રવેશતાં પહેલાં જ ઉંબરા પર પગ મૂકતાં જ કાંતિ બિચારો-“ રુદનના સ્વરમાં અંબાના શબ્દો ગૂંગળાઈ ગયા. અંબાની દલીલ તથા આંસુનો જવાબ પીતાંબર પાસે નહોતો, પરંતુ તેથી તેનું મન વાનપ્રસ્થ બનવા તૈયાર થયું એમ તો ન જ કહેવાય. અને તેથી અંબા પ્રત્યે બેપરવા બન્યો ખરો, પણ તેના બદલામાં તેની નજર હવે યુવાનીને પહેલે પગથિયે ઊભેલી કરુણાની પાછળ પાછળ ભમવા લાગી.
અને વળી બે વર્ષ એમ વહી ગયા. પીતાંબરનો મોટો દીકરો દશરથ હવે પરણવાં જેટલો થયો હતો. સુરતમાં એક સારી કન્યા હતી તેને જોવા માટે અંબા તથા દશરથ સુરત જવાના હતા નવા જમાનાની સુરતી કન્યાએ મુરતીયાને જોયા વગર લગ્ન કરવાની અનિઇચ્છા બતાવી હતી. અને આ તરફ હશે પણ કન્યાને જોયા પછી જ ‘હા-ના’ નો જવાબ દેવાની શરત રજૂ કરી હતી ઘર રસોડું અને બાળકોની જવાબદારી કરુણા ઉપાડી લેશે એવી ખાતરી હોવાથી અંબા નિશ્ચિત જીવે દશરથને લઈ કન્યાને જોવા સુરત ગઇ.
આઠ દિવસે તે પાછી ફરી ત્યારે પીતાંબર સ્ટેશન ઉપર લેવા આવેલો દેખી પહેલા તો અંબાના પેટમાં પડી કે જરૂર કાંઈ માઠું બની ગયું હશે- બીજું તો શું, પણ જરૂર કોઈ માંદું-સાજું થઇ ગયું હશે. પણ જ્યારે પિતાંબરે હસતે મોઢે સૌને ખુશ ખબર આપ્યા ત્યારે અંબાનો જીવ હેઠો બેઠો પણ તેને નવાઈ ખૂબ લાગી. મનમાં ને મનમાં પૂછવા લાગી : “આ સ્ટેશન પર આવ્યા જ કેમ ?” ઘેર બધા બાળકો કુશળ હતા, પણ આઠ દિવસમાં કરુણાનો તો જાણે અવતાર ફરી ગયેલો લાગ્યો. તે ફિક્કી, ગભરાયેલી અને દુબળી પડી ગયેલી જણાય. બપોરે નવરાશની વેળાએ અંબાએ કરુણાને વાંસે હાથ ફેરવી પૂછ્યું : “કેમ, બીજી બા વગર તારી કોઈ એ ભાળ ન રાખી કે શું ? આમ કેમ ઢીલી પડી ગઈ ?” અંબાના પ્રેમાળ શબ્દો સાંભળી કરુણા ખૂબ જ રોઈ પડી ખૂબ જ ખૂબ રોઈ પણ મોઢેથી એક શબ્દ પણ ના બોલી. અંબાના પેટમાં ધ્રાસકો પડ્યો. પોતાની ગેરહાજરીમાં શું બન્યું હશે. એ વિશે તેને વહેમ પડ્યો, પણ તેણે પોતાના મનમાં વસવા ના દીધો. થોડા દિવસ એમ જ વીતી ગયા. પીતાંબર કદી નહીં ને હવે અંબાની જાણે ખુશામત કરતો ન હોય એવો વર્તવા લાગ્યો ; અને પીતામ્બરને દેખી તે ભૂત હોય તેમ છળીને કરુણાને ભાગતી બે-દુ-ચાર નો હિસાબ ગણતા અંબા જેવી ચતુર સ્ત્રીને વાર ન લાગી. તેણે કરુણાને બોલાવી એકાંતે વાત પૂછી લીધી, અને અંબાની ગેરહાજરીમાં પિતાંબરે પોતાની ઉપેર કરેલા બળાત્કારની વાત કરુણાએ અક્ષર એ અક્ષર કહી દીધી હતી. જતે દિવસે જ્યારે કરુણાને ગર્ભ રહ્યાની ખાત્રી થઇ ત્યારે પણ અંબા શાંત જ રહી. રહીને અખૂટ ઉદારતાનો સાગર હૈયે ભરીને જ અંબાએ જન્મ લીધો હતો. તેને પતિ ઉપર ધૃણા ન ઊપજી. અને પુત્રીવ્રત દેરાણી ઉપર તો સહાનુભૂતિ અને અનુકંપાથી તેનું હૃદય ભરાઈ ગયું. દુઃખદ પરિસ્થિતિ માટે તે પોતાની જવાબદારી ગણતી. તેમ આ વખતે પણ તેને પોતાના મનને કહેવા લાગી ; વાંક મારો ગણાય. તે સંસારમાંથી જીવ ખસેડી લીધો, પણ એ બિચારા પરાણે વૈરાગ શી રીતે પાળે ? વળી ભલ ભલા ઋષિમુનીઓનું પણ મન ન ચળાવે એવું અપ્સરા જેવું રૂપ આ કરુણાનું છે, તે જોઈ એમનું પરાણે રોકી રાખેલું મન હાથમાં ન રહ્યું તેમાં એમનો શો દોષ ?”
અંબાએ તો દશરથનું લગ્ન ઝડપટ આટોપી લીધું. તે છોકરાને તેના સસરાએ મુંબઈમાં પોતાના ધંધામાં ભેગો લઇ લીધો, એટલે પરણીને ગયો મુંબઈ, તેણ અરસામાં અંબાની મોટી છોકરી કાશીના પતિને ત્રણ વર્ષ માટે આફ્રિકા જવાનું થયું. ત્યાં ઠરીઠામ થયા પછી કાશીને તેડાવી લેવાનું નક્કી કરી પીતાંબરને ઘરે મૂકી જમાઈ પરદેશ ગયા. કાશી ઘરમાં આવી એટલે અંબાને ખૂબ નિરાંત થઈ. તેણે અનેક રાતના ઉજાગરા કરી મનમાં એક યોજના ગોઠવી કાઢી : કરુણાની વાતનો તોડ કાઢવાની તેને સરસ યુક્તિ સુઝી. તેણે, અલબત્ત પીતાંબરને તથા કરુણાને તે યોજના સમજાવી.
અંબા પોતે સગર્ભા છે, તેવી વાત તેણે જાણે કેટલી શરમ સાથે પાડોશમાં તેમાજ સગા સંબંધીઓમાં ફેલાવી દીધી. “બળ્યું, બહેન ! માયા છોડવા માટે ઘણુંય મથીએ, પણ આ દેહની વાસના કેડા છોડતી જ નથી. જુવાનજોધ દેરાણી રંડાપાનું ઢગલા ભર દુઃખ ખમતી ઘરમાં ફરે છે, કાશી બે છોકરાની માતા થઈ છે, કાલ સવારે દશરથને ઘેર છોકરા થશે, ત્યારે પણ અમારો સંસાર સંકેલાતો જ નથી ! એમાં એકલા પુરુષનોય કેમ વાંક કઢાય ?” પ્રૌઢાવસ્થાને આરે આવેલી સ્ત્રીઓને પણ બાળકો જન્મે તેની નવાઈ નથી. તેથી અંબાની વાત સૌએ સ્વાભાવિક માની લીધી. પછી અંબાએ મુંબઈ જવાની વાત છેડી: “દશરથ બોલાવ બોલાવ કરે છે. બિચારી કરુણા પણ કેટલા વર્ષથી ઘરની ચાર દીવાલો વચ્ચે ગૂંગળાઈ રહી છે. અને હું વળી પાછી બાળકના જન્મ પછી બંધાઈ જઈશ, તો હમણાં જ જરા સ્થળફેર કરી આવીએ.” પછી કરુણાની સગર્ભા સ્થિતિ કોઈને પણ વર્તાય તે પહેલા અંબા કરુણાને લઈ મુંબઈ ગઈ. દશરથને ઘેર આઠેક દિવસ રહ્યા પછી દેરાણી-જેઠાણી કોઈ અજાણી જગ્યાએ ચાલ્યા ગયા.
દીકરો પરદેશ ગયો છે અને આ દીકરાની વહુ છે- એમ અંબાએ તે અજાણી જગાએ ચલાવે રાખ્યું. કરુણાને સૌભાગ્યવતીનો વેશ પણ તેને પૂરેપૂરો પહેરાવી દીધો હતો. અને પૂરા દિવસ થતાં તે ગામની હોસ્પિટલમાં કરુણાએ પુત્રને જન્મ આપ્યો ! “નર્યો મારો કાંતિ જ !” અંબાએ છોકરાને જોતાંવેંત જ છાતીએ વળગાડી દીધો, દેરાણીનો બાળક જેઠાણીએ લઈ લીધો. અને થોડા દિવસમાં બાળકને લઈ બંને ઘેર આવ્યા.
પડોશણોથી ઘર ભરાઈ જવા લાગયું : “ધાર્યા કરતા છોકરો જરા વહેલો અવતર્યો,” અંબાએ સૌને જણાવ્યું. પડોશણો બોલી , “દીકરો નર્યો પીતાંબરદાસનો નમુનો છે.” “એમ ?” અંબા જરીક દુઃખી થઈને બોલી : “હશે, બાપ જેવો બેઠો એમાં શી નવાઈ ? બાકી મને તો આ તદન મારા કાંતિ જેવો જ લાગે છે.”
પછી સૌના દેખતાં તેણે કરુણાને બોલાવી. તેના હાથમાં બાળક સોંપતા તે બોલી : આમ એક વાર મારા સાસુએ મારો કાંતિ મને સોંપ્યો હતો. આ કિશોર તને સોંપું છું- આધેડ વયે મારાથી તેની વેઠ થાય નહીં, અને તારુંય ચિંત આમાં પરોવાયેલું રહેશે. મારાથી કાંતિ ન સચવાયો, પણ તું આને જરૂર સાચવજે.”
આંખોમાં વહેતાં આંસુ લૂછી નાખતાં તેણે કરુણાનો છોકરો કરુણાના હાથમાં સોંપી દીધો.