Tomorrows worries are today – Divyesh Trivedi in Gujarati Science by Smita Trivedi books and stories PDF | આવતીકાલની ચિંતા આજે – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

આવતીકાલની ચિંતા આજે – દિવ્યેશ ત્રિવેદી

રર. ઇતિહાસની ચાદરનાં લીરાં ઊડે છે!

22. The prestige of History evaporates!

વિકાસના નામે પર્યાવરણ પર કેવો બળાત્કાર થઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રાજસ્થાનનો માળવા પ્રદેશ.

અહીંના ઈતિહાસની ગૌરવપ્રદ ચાદરનાં લીરાં ઊડી રહ્યા છે. જંગલો આડેધડ કપાતાં એની ધરતીની લીલીછમ ચુંદડી બેશરમીથી ઉતારી લેવાઈ છે. એ ચુંદડીમાંથી આ ધરતીનું શર્મિલું સ્મિત ડોકાતું હતું. એની ગોદમાં ખુશી અને આનંદ લાડકાં બાળની જેમ ખેલતાં હતાં.

અહીંના ખેતરોમાં જાણે સોનું ઊગતું હતું. એના દિવસો ઉજાસથી સભર સભર હતા અને રાતો રંગથી ભરપૂર હતી. અહીંની સવાર ‘બનારસની સવાર’ કરતાં અને સાંજ ‘અવધની સાંજ' કરતાં પણ વધુ મદમાતી હતી.

પરંતુ પગલે પગલે પાણી પાતાં માળવાનું હૈયું આજે ટીપાં ટીપાં પાણી માટે તરસ્યું થઈ ગયું છે. એની મલકાતી લચકાતી કાયા રણના ઢૂવા અને ઢગલાઓમાં ફેરવાતી રહી છે. શહેર, કસ્બા અને ગામડાં ઠેર ઠેર તરડાતી ત્વચાની જેમ સુકાઈ રહ્યાં છે.

અહીં ટેન્કરો અને બળદગાડાં પર સવાર થઈને પાણી આવે છે, આવતાં થોડુંક ઢોળાય છે અને ધરતીનું તરસ્યું ગળું છમકારો કરી ઊઠે છે.

આ પાણી આવે ત્યારે જ દેવાસ, ઈન્દોર, ધાર, ઝાબુઆ, રતલામ, મંદસૌર અને ઉજ્જૈન જેવાં ગામ-શહેરોની અનેક વસ્તીઓમાં ચૂલો જલે છે. પાણી માટેની આ તડપ જંગલોના વિનાશને પગલે જો માળવાની છે, તો આવતીકાલે દેશના કોઈ પણ ખૂણે આવેલા કોઇક તાળવા કે બાવળાની પણ થઈ જ શકે છે!

૨૩. સ્વાર્થ પણ ઓળખાતો નથી!

23. Selfishness is not even recognized!

સ્વાર્થને કદી સીમાડા હોતા નથી. સ્વાર્થ વકરીને ઊભો રહે છે ત્યારે એ પોતાનાં અને પારકાંના ભેદ પણ ભૂલી જાય છે. ઉપકારનો બદલો અપકારથી વાળતાં કોઈ ખચકાટ પણ થતો નથી.

જન્મથી મૃત્યુ સુધી સાથ આપતા વૃક્ષનું જતન કરવું એ બાળકને ઉછેરવા જેવી પ્રાથમિક ફરજ હોવા છતાં સ્વાર્થનો માર્યો માનવી કુહાડીઓ આમથી તેમ ફંગોળ્યા કરે છે. જંગલો ઉશેટીને ત્યાં એને ધુમાડા ઓકતી મસમોટી ચીમનીઓનાં સપનાં આવે છે.

આપણા કર્યા કરાવ્યાનાં ફળ આપણે ભોગવીએ છીએ એથી વધુ આપણા પછીની પેઢી ભોગવે છે. આપણા પછીની પેઢીનો વિચાર કરવો એય એક સ્વાર્થ હોવા છતાં એ સ્વાર્થ પણ ઓળખાતો નથી એટલા તો આંધળી ભીંત થઈ ગયા છીએ આપણે!

હજુ ય નહિ ચેતીએ તો આવતી પેઢીના લોકો આપણને માફ નહિ કરે!

ર૪. આવતીકાલની ચિંતા આજે!

24. Tomorrow's worries are today!

વિવેકની રેખા ચૂકી ગયા છીએ આપણે.

તોતિંગ મકાનો, બહુમાળી ઈમારતો, રાક્ષસી ઉદ્યોગો, અજગરી સડકો અને ફેફસાં તથા કાનની એરણ પર આક્રમણ કરતાં વાહનોનાં જંગલમાં પ્રકૃતિ તો જાણે ખોવાઈ જ ગઈ છે!

વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે આ બધું જ જરૂરી છે. પરંતુ એકને અપનાવવા જતાં બીજું સદંતર ખોઈ બેસવાથી દાખલો સાવ ખોટો નથી પડતો?

આધુનિકતાના જંગલમાંથી પ્રકૃતિનો ટીલો ઉખાડી ફેંકવામાં કોઈ ડહાપણ નથી. આમ જ ચાલ્યું તો એક દિવસ આ દુનિયા ‘પ્રકૃતિ’ને જ ખોઈ બેસશે!

શાળાના પ્રારંભિક શિક્ષણમાં આપણે ‘પર્યાવરણ’નો એક વિષય તો દાખલ કર્યો, પરંતુ એમાં આપણે ખરેખર શું શીખવીએ છીએ એનો વિચાર કર્યો છે ખરો? આવતીકાલની ચિંતા આજથી જ જાગે એવો ધક્કો ન આપે એવા શિક્ષણને શું મધ મૂકીને ચાટીશું?

૨૫. એક સાદો સીધો સવાલ!

25. One simple straight question!

બીજા વિશ્વ યુદ્ધની વિભીષિકા પછી પણ માનવીનું મન યુદ્ધથી થાક્યું નથી. નિઃશસ્ત્રીકરણની સંધિઓએ કંઈક આશા જરૂર જગાવી છે. તો ય દુનિયાના કોઈક ને કોઈક ખૂણે તો ખાંડા ખખડતાં જ રહે છે.

માણસનો યુદ્ધખોર સ્વભાવ ધરતી અને પાણીની સીમાઓ વટાવીને આકાશ અને અવકાશ સુધી પહોંચી ગયો છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ૮૧ દેશો ૧૦ લડાઈઓ લડી ચૂક્યા હોવા છતાં જાણે હજુ ધરાવો જ થયો નથી. અમેરિકા-ઇરાક યુદ્ધનો નંબર ૧૩૧મો આવે છે. અંતરિક્ષમાં લડાઈ લડવા માટેનાં શસ્ત્રો, લડાયક વિમાનો, રોકેટો અને પ્રક્ષેપાસ્ત્રોના ખડકલા હજુ ય એકબંધ છે.

આ યુદ્ધખોર દિમાગને આપણે એક સાદો સીધો સવાલ પૂછવો છે:

તમે આકાશને પણ તમારા ઘાતકી દિમાગ વડે અભડાવશો પછી બિચારાં પક્ષીઓ ક્યાં વિહાર કરશે? એમનો જ્યાં અબાધિત અધિકાર છે ત્યાં યે ઘૂસણખોરી કરવાનો તમને કયો અધિકાર છે?

૨૬. ટચૂકડા પ્રાણીનો વિકરાળ પંજો.

26. The fierce claw of a small animal.

કદમાં તો એ પ્રાણી સાવ નાનું છે, ચપટીમાં મસળી નાખી શકાય એવું – ને તોય એણે આપણને પરેશાન કરી મૂક્યા છે.

એ મચ્છર છે. આપણી કુટેવો, શિક્ષણનો અભાવ, સ્વચ્છતા તરફની ઉપેક્ષા, પર્યાવરણ પ્રત્યેની ઘોર બેદરકારી અને સામાજિક બેજવાબદારીમાંથી આ પ્રાણી દરરોજ હજારો અને લાખોની સંખ્યામાં જન્મ લીધે રાખે છે.

મેલેરિયા અને હાથીપગા જેવા રોગોનું કારણ બનેલા મચ્છર જેવા તુચ્છ જંતુનેય આપણે નાથી શક્યા નથી. મિસાઈલો હવામાં ફંગોળીએ છીએ, પણ મેલેરિયાને દેશવટો આપી શકતા નથી.

આપણે જ એને ફૂલવા-ફાલવાની અનુકૂળતા કરી આપતા હોઈએ તો પછી દોષ કોને દેવાનો?