કોરોના કથા 15
બંધ રૂમમાં જંગ
મને ખબર નહોતી કે નવો ભાગ મારી પોતાની વાત હશે. મારે અને સહુ માટે ખૂબ નવાઈ ની વાત. બધી સાવચેતીઓ છતાં, કલ્પના ન હતી કે હું ખુદ કોરોના માં સપડાઈશ.
ઓચિંતો સાંજથી તાવ ચડ્યો. 100 જેવો જ. બીજી સાંજે 100.5. સાથે બે-ચાર સૂકી ઉધરસ. અગમચેતી વાપરી લેબ વાળાં ને ઘેર બોલાવી rt pcr કરાવ્યું. હું પોઝિટિવ. વેકસીનના બે ડોઝ લીધા હોવા છતાં. વાયરસ લોડ 19.9 એટલે વચ્ચેનો. હોમ ક્વોરાન્ટાઇન. છાતીનો સ્કેન રિપોર્ટ નોર્મલ, ચેપ વગર આવ્યો.
એક ક્ષણ તો છાતીનાં પાટિયાં બેસી ગયાં. હવે શું? જીવન વેગે તો વટાવ્યું પણ ઉપરનું દ્વાર ખટખટાવવું નથી જ. 'હું રીકવર થઈશ, થઈશ ને થઈશ.' મેં જોરથી મને કહ્યું.
બસ. એક રૂમ બંધ કરી એક બેડ પર સુઈ ગયો. લાગણીઓને બહાર ધકેલતો, શ્વાસને કોઈ પણ ભોગે અંદર રોકતો.
ફેબી ફ્લ્યુ, એરીથ્રોરોસીન, ઝીંક ટેબ્લેટ અને એવી દવાઓનો પાસેનાં ટેબલે ઢગલો થઈ ગયો. નાકમાં બે વખત પતંજલીનું અંજની તેલ તથા 4 વખત નાસને સહારે. પીવાની બોટલનું પાણી પણ ગરમ થઇ જાય. ભલે.
એક રૂમમાં 10 દિવસ કેદ! જરૂર. પછી હું ઉડીશ આખું વિશ્વ. મેં ફરી મને કહ્યું. શ્રીમતી દિવસમાં કુલ 10 વખત દાદરો ચડ ઉતર કરી ચા, દવાઓ, જમવાનું, નહાવાના કપડાં આપી જતાં. નહાઈને હું મારાં કપડાં ગરમ પાણી અને ડેટોલમાં પલાળી બહાર મુકતો. શ્રીમતી પોતે દવાઓ પણ એક ટીસ્યુ પેપરમાં વીંટી ટ્રેમાં મૂકી આપતાં. પાણીની બોટલ પણ ખાલી થાય એટલે હું જાતે સેનિટાઈઝર છાંટી બહાર મુકતો. આમ મારો ચેપ ફેલાય નહીં એની કાળજી લીધેલી.
તાવ રાત્રે ખાસ તો પોણા ત્રણ આસપાસ ખૂબ વધતો. 102 પહોંચતો. પાપડની જેમ શરીર શેકાય. શેકાય તો શેકાય. રાક્ષસ લોહી ચૂસતો હોય એમ લાગે. જૈનો પીડા વેઠવાને તપ કહે છે ને? આ મારું તપ.
બીજી રાત્રે જીભ કડક થતી લાગી અને કલ્પના બહારની કડવી થતી જ ગઈ. હિમાલય પીલ દાંત અને જીભ વચ્ચે દાબી રાખી. ચૂસવાની હતી પણ એ ઓગળે એટલે કડવાશ ઓછી થાય. જીભ અને લાળ વચ્ચે યુદ્ધ. જીભે હારવું જ પડશે. વળી મેં આદેશ આપ્યો. આખરે એ ઓગળી રહી એટલે કડવાશ ઘટી.
તાવ ચડવું હોય ત્યારે ચડી જાય. આંખ બંધ કરી મેં જાતે મને પોતાં મૂક્યાં.
ઓક્સિ લેવલ પણ દિવસમાં 4 કે 5 વાર માપતો. સદ્ભાગ્યે 97 થી નીચે ન ગયું.
મને સૂચના હતી કે ઊંઘ આવે ન આવે પણ પડખું ફરું તો પણ ઓશીકું સાથળ નીચે ને બને તો વચ્ચેવચ્ચે પગ નીચે રાખવું. અમલથી ફાયદો રહ્યો.
સવારે નહાઇને ગાયત્રી માળા અને હનુમાન ચાલીસા તથા સાંજે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, મૃત્યુંજય 15 મિનિટ પાઠ ચાલતો. ગમે તે સ્થિતિમાં.
થોડી ભસ્ત્રિકા, કપાલભાતિ, પાંચ પ્રાણાયામ અને 3 ભ્રમરી ગમે તે સ્થિતિમાં રોજ સવારે અને સાંજે ચાલુ. સદ્ભાગ્યે સવારે તાવ ઓછો રહેતો ત્યારે ઉઠી, બ્રશ કરી તરત એ કરી લેતો.
હું મને જોરથી કહેતો રહ્યો- મન, તું મક્કમ રહે. શરીર, તું સાથ આપ.
આમ પાંચમે દિવસે રાત્રે તાવ આખરી વાર ચડ્યો. એક જૂની exorcist ફિલ્મમાં સ્પિરિટ બાલિકાનું ગળું દબાવે છે એમ મારી છાતીનાં પાટિયાં કોઈ ભીંસતું હોય એમ લાગવા માંડ્યું. હું તરત ઊંધો સુઈ ઓશીકું છાતી સાથે દબાવી શ્વાસ લેવા માંડ્યો. ઓક્સિજન એ ટાઈમે માપવાની તાકાત કે હિંમત ન હતી. થોડી વારમાં પગ ખેંચાવા, વાંસમાં જોરદાર કળતર ને સાથે તાવ ચડતો લાગ્યો. હાથ પણ ગરમી ફેંકે. મેં નીચોવી નીચોવીને કપાળ, પેટ પર ને બે ચાર વાર પગને તળીએ પોતાં મુકવા માંડ્યાં. આખરે તાવ મારાથી થાક્યો અને હું તાવથી થકી ક્યારે સુઈ ગયો એ ખબર ન રહી. સાતમે દિવસે પરસેવાની જાણે નદી ફૂટી.ખાસ તો વાંસા અને ખભા તરફ. પછી ઓમ શાંતિ. મગજમાં.
આખરે મનોબળ જીત્યું. આઇસોલેશન 10મે દિવસે પૂરું. ઘરમાં પણ રૂમની બહાર આવવાની મુક્તિના આનંદ સામે એ કોરોનાની વ્યથા હારી.
બધા જ દિવસ ટેસ્ટ બડઝ બરાબર ચાલતાં હતાં. સુગંધ પકડાતી હતી.
મગની દાળના ઢોકળા , પુલાવ, ટોમેટો સૂપ કે મસ્તી દહીં જેવી ભાવતી વસ્તુ ખાઈ શકેલો.
એકલતા સાથે સંપૂર્ણ બંધ રૂમમાં દસ દિવસ વેદનાઓ સાથે પસાર કર્યા એ ક્રેડિટ હતી. અરે રાત્રે નીરવ શાંતિમાં ક્યારેક કોઈ અવાજ સાંભળ્યાની ભ્રાંતિ થાય. ડરામણું. ગરમીમાં પંખો પણ લુ ફેંકે. સહન કર્યે રાખવાનું. મારે બચવું જ છે. ઇન્ફેક્શન ગળેથી નીચે ન જ જવું જોઈએ. ન ગયું. વચ્ચે વચ્ચે ઉજ્જયી કરે રાખી.
સવારે માંડ ઉઠી કોગળા બ્રશ ને બહાર મુકેલી ચા પીઉં એટલે પ્રાણાયમો. તાકાત આવી એટલે સૂક્ષ્મ ક્રિયાઓ. પછી નહાઈને પૂજા સાથે ઈશ્વરનો આભાર. પછી આમેય તાકાત ન હોય એટલે શવાસન સાથે કલાક જેવી ઊંઘ, છાપું વાંચવું, હળવી ઇ બુકસનું વાંચન. મોબાઈલમાં એક બે ફિલ્મ. મગજને પીડાની વ્યથાથી સભાનપણે દૂર રાખ્યું.
સાંજે રેડિયો અને ફેસબુક પરની 'લાયા બાકી' કહેવાનું મન થાય એવી ખડખડાટ હસાવતી પોસ્ટ અને જેશ્રી કૃષ્ણ ના મૅસેજ - એમાં સમય પસાર થઈ ગયો.
કેટલાક મિત્રોના એમ જ ફોન આવ્યા એ વાત કરવી સારી રહી.
આમ એ અજ્ઞાતવાસ પૂરો કર્યો.
'એ' સામે આવે ત્યારે હું 'કોરોના ની લાજ કાઢું'.
આખરે કોરોનાએ ન ઓક્સિજન માટે તડપાવ્યો ન હોસ્પિટલ બતાવી. સુળીનો ઘા સોયથી ગયો.
તો આ છે મારી કોરોના વ્યથા સામે જંગની કથા.
તો સર્વ જનોને સુખ શાંતિ થાઓ. હું 'ઓમ શાંતિ' માંથી બચી ગયો.