આજે મીરાં ખૂબ ખુશ છે. વરસો રાહ જોઈ છે એણે કિશનની. ખબર હોવા છતાં કે એ આ શહેર છોડી ચૂક્યો છે પણ એના દિલની આશ કદી તૂટી ન હતી. અને આખરે આજે એ મળશે કિશનને, અને એ પણ એના જન્મ દિવસે.
યાદ છે આજે પણ મીરાંને એ દિવસો, જ્યારે કિશનની એક ઝલક જોવા માટે એ બે બે કલાક ઓટલા પર બેસી રહેતી અને જ્યારે એ આવતો ત્યારે જાણે એને કિશન સિવાય બીજું કંઈ દેખાતું જ નહીં. આમ જ એને જોઈ ખુશ થતાં એણે સાત વર્ષ કાઢી નાખ્યા. કોઈ દિવસ હિંમત ન થઈ એની સાથે વાત કરવાની. સમજી પણ ન શકી કે આ રોજ રોજ એને જોવાની તડપ, એના વિશે બધું જ જાણવાની જીજ્ઞાસા એ બીજું કંઈ નહીં પણ પ્રેમ છે. બસ એક જ વાત વિચારતી કે ભણી લઉં પછી જ્યારે મમ્મી પપ્પા મારા લગ્નની વાત કરશે ત્યારે કહીશ કે જાવ કિશનને પૂછી લો તમારો જમાઈ બનવા તૈયાર છે કે નહીં ?
વળી, પાછી એને ખાતરી હતી કે કિશન ના નંઈ જ પાડે. કારણ, એણે કિશનની આંખોને પણ મીરાં ને શોધતાં જોઈ છે. એણે જોયું છે કે પોતાની નજીકથી પસાર થતાં કિશનની હાલત પણ પોતાના જેવી થઈ જાય છે, એના કદમ પણ લડખડાય છે જ્યારે નજીકથી પસાર થાય છે. અને એનો આ વિશ્વાસ ખોટો સાબિત થયો જ્યારે એના ઘરે કિશનના લગ્ન નક્કી થયાના પેંડા આવ્યા. એના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ન સમજાયેલો પ્રેમ એને ત્યારે સમજાયો. ત્યારે એને ખબર પડી કે ન કહેવાયેલો એનો પ્રેમ અધૂરો રહી ગયો. કોઈને કહી પણ ન શકી અને અંદર ને અંદર એ તૂટી ગઈ. અને પછી એને આ હકીકત સમજતાં પાંચ વરસ નીકળી ગયા. ધીમે ધીમે એ વાસ્તવિક દુનિયામાં આવી. એના પિતાએ કહ્યું ત્યાં લગ્ન પણ કરી લીધાં. પણ એના દિલમાંથી કિશન ક્યારેય ન નીકળી શક્યો. રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે એકવાર ખાલી એને મળાવી દે. અને આજે એ પ્રાર્થના જાણે ભગવાને સાંભળી લીધી. ટેક્નોલોજીના જમાનામાં સોશિયલ મિડિયા થકી એને કિશન મળ્યો. વાત કરતાં કરતાં ખબર પડી કે પ્રેમ તો કિશને પણ એને કરેલો પણ એની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એણે કદી હિંમત ન કરી કહેવાની. ધીમે ધીમે બન્ને વચ્ચે વાતચીત થવા લાગી અને બંનેને એકબીજાને જોવાની તડપ આજે રુબરુ મળવામાં પરિણમી. પણ સવારથી વરસાદ એવો શરુ થયો છે કે રોકાવાનું નામ જ નથી લેતો. છતાં બંનેએ મળવાનું નક્કી કર્યું એક પબ્લિક પ્લેસ માં જેથી કંઈ પણ અજુગતું ન બની જાય જે એમના સંસારને અસર કરે. મીરાં ઊભી છે વરસતાં વરસાદમાં રેઈનકોટ પહેરી કિશનની રાહ જોતી અને એને દૂરથી છત્રી લઈ ચાલતો આવી રહેલો કિશન દેખાય છે. એ જ વરસો પહેલાની એની ચાલ જેને જોવા એ કલાકો રાહ જોતી. જેમ જેમ કિશન નજીક આવ્યો મીરાંની આંખો શ્રાવણ ભાદરવાના વરસાદની જેમ વરસવા લાગી. એની સામે એનો કિશન ઊભો હતો પણ એ કંઈ જ બોલી ન શકી બસ વરસતી આંખે એને જોઈ રહી. કિશન પણ જાણે પોતાના આંસુ છુપાવતો હોય તેમ એનાથી નજર ચુરાવી રહ્યો. મીરાં કિશનને એના જન્મદિવસની શુભકામના પણ ન આપી શકી એટલી હદે એનું હ્રદય રડી રહ્યું હતું. વરસસોની કિશનને જોવાની તરસ એણે બુઝાવવાની છે થોડીવારમાં. ફક્ત પાંચ મિનિટ બંને એકબીજાને જોઈને કંઈ પણ બોલ્યા વગર છૂટા પડી ગયા. થોડે દૂર જઈ એકવાર બંનેએ પાછા વળી જોયું, જાણે બંને એકબીજાને મનભરીને જોઈ લેવા માંગતા હોય અને ફરીને ચાલવા માંડ્યા. મીરાં ને લાગ્યું જાણે ભગવાન પણ એની અવિરત વરસતી આંખો દુનિયા ન જુએ એટલે અનરાધાર વરસાદ વરસાવી રહ્યા છે.