અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ઊંટવડ ગામ જેમાં નિલરાજ નામનો જુવાન રહે. હાલ તો પરિસ્થિતિ એવી કે માતા-પિતાનું કોઈ ઠેકાણું નહિ. માં છે નહીં અને પિતા કમાવા ગામતરા કરે અને છોકરો ભણે બાપ વરસે દા’ડે આવે દિકરાનું મોઢું જોવા અને દિવાળીની મીઠાઈઓ લાવે. બાપ આવે ત્યારે આખા વરસનો ઘરખર્ચ આપી જાય પણ છોકરો હવે મોટો થવા લાગ્યો ખર્ચો પણ વધ્યો પણ બાપનો પગાર નહિ. દિકરા ગામમાંને ગામમાં મજૂરી ચાલુ કરી સાથે ભણવાનુંય છતાંય અમુક દિવસો આવે જ્યારે બાપ-દિકરા બન્નેની કમાણીથી પૂરું ન પડે ત્યારે જીવણ શેઠ જાણીતો દિકરો એને ત્યાંથી ઓછી ઉધારી કરી પૂરું કરી લ્યે. આમને આમ નિલરાજ ઉમરલાયક થયો એના બાપે એક બેસતાવર્ષે એક જગ્યાએ સગપણ નક્કી કર્યું. છોકરી પણ જાણે હીરાનો ટુકડો નામ શૈલી બન્ને સાવ સાધારણ કુટુંબથી શરીરે વર્તાય જાય આમ ભેગા ઉભે ત્યારે એક ઉભા હોય એવું લાગે.
પણ નિલરાજના બાપને સારો સમય આવ્યો જ નહીં અને બન્નેના લગ્ન પાછળ ઠેલતા જાય દિકરીના અને બાપની હૈયાવરાળ વધતી જાય. નિલરાજે હૈયાવરાળ ઠારવાનું નક્કી કર્યું. નિલરાજ જીવણશેઠ પાસે ગયો પણ જીવણશેઠને ત્યાં બધું ગીરવી હતું – મકાન સહિત. જીવણશેઠ પાસેથી આ વખતે નિરાશા મળી. પણ નિલરાજની આજીજીથી પથ્થર દિલ શેઠ પીગળી ગયો. પણ એક શરત મૂકી કે જ્યાં સુધી આ બોજો ન ઉતાર ત્યાં સુધી વંશ આગળ વધારવાનો નહિ. નિલરાજ શેઠની શરત માની ગયો પણ મનોમન નક્કી કર્યું કે આ વાત શૈલીને કે બીજા કોઈને ન કહેવી. નિલરાજ અને શૈલીના લગન લેવાના બન્ને વરઘોડિયા ઘરે આવ્યા પણ નિલરાજ શૈલીને રૂમમાં એકલી રાખી બહાર સુઈ ગયો. શૈલીને એમ કે કદાચ અનકમ્ફર્ટેબલ લાગતું હશે.પણ આવું લગભગ એક મહિનો ચાલ્યું નિલરાજ શૈલીને અડે પણ નહીં. શૈલીને પહેલાં નિલરાજ પર ડાઉટ ગયો. પછી અઠવાડિયા બાદ લાગ્યું તેની કોઈ ભૂલ છે. બીજું એક અઠવાડિયું રાહ જોઈ. હવે શૈલી કંટાળી ગઈ આખરે નિલરાજને પૂછ્યું લગ્નના આટલા સમય બાદ પણ એ કેમ આમ આઘો ભાગે છે? વાંધો છે કાંઈ? ઉત્તરમાં મૌન જ મળ્યું સ્ત્રી તેની સહનશક્તિ બતાવે જ છે તેમ શૈલી એ પણ બતાવી. અંતે આ સહનશક્તિ ખૂટી અને શૈલીના આ અનોખા મિજાજને જોઈ નિલરાજે બધી હકીકત કહી એને એમ કે શૈલીને ખબર પડતાં તે મૂકીને ચાલી જશે પણ આ તો ભારતવર્ષની પતિવ્રતા સ્ત્રી હતી. નિલરાજનો સાથ દેવા તૈયાર થઈ સાથે મજૂરીમાં અને બધે હાથ દેવડાવે અને જ્યાં લાગે ત્યાં ખોટો ખર્ચ બચાવે પણ તોય ભેગું નહોતું થતું.
એકવાર કામ કરતાં કાને વાત પડી કે બાબરા ગામના એક કારખાનેદાર શેઠને માણસોની જરૂર છે બન્ને એ ત્યાં જવાનું નક્કી કર્યું અને શૈલીએ પુરુષ વેશ ધારણ કર્યો. શરૂઆતમાં કારખાનમાં મજૂરી કામ કર્યું જ્યારે શેઠનો વિશ્વાસ જીતી લીધો એમના ઘરમાં નોકર બની બધું કામ સંભાળવા લાગ્યા. સમય જતો ગયો બન્નેના પગારમાંથી બેયનું ગુજરાન ચાલતું અને જે બચત થતી એ જીવણશેઠના વ્યાજની ચુકાવણીમાં જતી.
અચાનક એક દિવસ શેઠ-શેઠાણી અને બાકી બધા નીંદરમાં હતા અને ચોર ઘરમાં આવ્યા. પણ ચોરથી એક ઝીણો અવાજ થઈ ગયો અને શૈલીની નીંદર તૂટી ગઈ નિલરાજને હળવેથી કીધું કોક ચોર આવ્યા અને બન્ને ચોરને પકડવા ગયા. શેઠ શેઠાણી પણ જાગી ગયા. ભલે શૈલીએ પુરુષ વેશ લીધો પણ શરીર મૂળ રૂપે તો સ્ત્રીનું જ હતું. તેને પોતાના સ્ત્રીત્વએ રોકી કેમકે એનું માસિકચક્ર ચાલુ હતું એટલે તે જઈ ન શકી પરંતુ નિલરાજ પોતાના શેઠના મીઠાનું ઋણ અદા કરવા નીકળી પડ્યો. એ દરમ્યાન શેઠાણીએ શૈલીને પ્રાર્થના કરતા સાંભળી લીધી “હે પ્રભુ! મારા એમની રક્ષા કરજો બીજું કોઈ નથી આ અબળાનું.” “અબળા કો અરી રહી દુનિયા સઘળી માઈ, ભ્રાત પિત ઓર કંથમે તાકી દુનિયા સમાઈ” ચોર પકડાઈ ગયો પણ બીજે દિવસે શેઠાણીએ જ્યારે શેઠને વાત કરી ત્યારે બન્નેને બોલાવ્યા, ખુલાસો પૂછ્યો નિલરાજે બધી વાત કરી.
બધું જાણી શેઠ શેઠાણી આશ્ચર્યમાં મુકાય ગયા કે બન્ને એ લગ્નના 3 વર્ષ વિત્યા છતાં એકબીજાને સ્પર્શ પણ નથી કર્યો શેઠ આ દંપતીની વાત સમજી પોતે નિલરાજ સાથે જઈ જીવણશેઠની બધી ઉધારી નિલરાજ માથેથી ઉતારી અને કાયમી તેમને ત્યાં નોકરી પર રાખી લીધા. “પરમાણિકતા જગમે સબસે બડી ભાઈ, જિન જીવન આઈ તે ઉનકી હોય ભલાય.”