૨૬.એક તું જ સહારો
રાહીએ સુવાની કોશિશ કરી. પણ ઉંઘ નાં આવી. રાધિકા મોડી રાત્રે રાહી સુતી કે નહીં, એ જોઈ ગઈ. ત્યારે રાહીએ પોતે સૂઈ ગઈ છે. એવું નાટક કરી લીધું. જ્યારે રાહી રડીને જાગતી પોતાનાં આંસુઓથી ઓશિકું ભીંજવી રહી હતી. દુનિયાની એક હકીકત એ પણ છે. જેવું વિચારીએ એવું કદી થતું નથી. જે દરેક વ્યક્તિએ સ્વીકારવું પડે છે.
સવારે આર્યન રાહી માટે નાસ્તો લઈને તેનાં રૂમમાં જ આવી પહોંચ્યો. રાહી રાત્રે સૂતી જ ન હતી. એ વહેલી જ તૈયાર થઈને પોતાનાં રૂમની વિંડો પાસે બેસી ગઈ હતી. બહાર ઉડતાં પક્ષીઓને જોઈ રહી હતી.
"હેય, ચલ નાસ્તો કરી લે." આર્યને વિચારોમાં ખોવાયેલી રાહી સામે જઈને ચપટી વગાડીને કહ્યું.
"મારું મન નથી." રાહીએ આર્યન સામે જોવાની તસ્દી લીધાં વિના જ કહી દીધું.
"જો હું સ્પેશિયલી તારાં માટે અહીં રોકાયો છું. તો તારે મારી વાત માનવી જ પડશે." આર્યને નાસ્તાની પ્લેટ લઈને રાહી સામે બેસતાં કહ્યું.
"તો જતો રહે." રાહીએ આર્યન સામે ગુસ્સાથી જોઈને કહ્યું, "જેમ એ જતો રહ્યો. એમ તું પણ જતો રહે." રાહી ઉભી થઈને ચાલવા લાગી. અત્યારે તેની આંખોમાં આંસું નહીં. પણ અંગારા વરસી રહ્યાં હતાં.
"તું પાગલ થઈ ગઈ છે?" આર્યને રાહીનો હાથ પકડીને તેને પોતાની તરફ ફેરવીને કહ્યું, "તું તો ક્યારેય ગુસ્સે નથી થતી. તો આજે કેમ?"
"હાં, હું પાગલ થઈ ગઈ છું." રાહીએ આર્યનનો હાથ ઝાટકી દીધો, "અત્યાર સુધી ક્યારેય ગુસ્સો નાં કર્યો. મતલબ મને ગુસ્સો કરતાં આવડતું જ નથી. લોકો એવું સમજી બેસે. તો એમાં મારો કંઈ વાંક નથી." કહેતાં રાહી બેડ પર બેસી ગઈ.
"જે વાતની હકીકત ખબર નાં હોય. એ વાત ઉપર ગુસ્સો કરે. તો લોકો પાગલ જ સમજે. આપણો જ વાંક કાઢે." આર્યન પણ રાહીનું એ રૂપ જોઈને થોડો ગુસ્સે થઈ ગયો.
"તો દુનિયાને જે કરવું હોય એ કરે. આઈ ડોન્ટ કેર, પણ હું પાગલ નથી." રાહીનો ચહેરો તંગ થઈ ગયો, "કેટલો સમય લડવાનું મારે? ક્યારેક દુનિયા સાથે, ક્યારેક પોતાનાં જ પરિવાર સાથે, ક્યારેક ખુદની જ સાથે અને હવે...હવે પોતાનાં જ પ્રેમ સાથે લડું. આખરે શાં માટે?" રાહી ખૂબ જ ગુસ્સે હતી. તે બસ મનમાં આવે એ બોલ્યે જતી હતી, "હવે બહું થયું. રાહીએ પ્રેમ પૂરી ઈમાનદારીથી કર્યો. હવે નફરત પણ એટલી જ ઈમાનદારીથી કરશે. હવે હું તેની રાહ નહીં જોવ. હવે હું તેને નહીં શોધું." કહેતાં રાહી બેડ પરથી ઉભી થઈ ગઈ.
"ઓહ રિયલી?" આર્યન રાહીને એકીટશે જોઈ રહ્યો.
"હાં, હવે હું મારાં માટે જીવીશ. મારાં કામ પર ધ્યાન આપીશ." રાહી વિન્ડોની બહાર જોઈ રહી, "હું મારું દેશ-વિદેશમાં ખૂણે ખૂણે પોતાનાં ડિઝાઈન્સ પ્રખ્યાત કરવાનું સપનું પૂરું કરીશ. હવે હું શિવાંશને યાદ પણ નહીં કરું." રાહીએ જવાબ આપ્યો. ત્યાં જ આર્યનનાં મોબાઈલની રિંગ વાગી. અજાણ્યાં નંબર પરથી કોલ આવી રહ્યો હતો.
"હેલ્લો." આર્યને કોલ રિસીવ કરી કાને લગાવતાં કહ્યું. ત્યાં જ તે રાહી સામે જોઈને મૌન થઈ ગયો. પણ રાહીનું ધ્યાન આર્યન તરફ ન હતું. આર્યન મોબાઈલ કાને લગાવીને જ રાહીનાં રૂમની બહાર જતો રહ્યો. રાહી આર્યનનાં જતાં જ બુટિક પર જવાં તૈયાર થવા લાગી. આર્યન ગયો તેને ખાસ્સો એવો સમય થઈ ગયો હતો.
"હેય, તું ક્યાંય જાય છે?" આર્યન આવ્યો ત્યાં સુધીમાં રાહી તૈયાર થઈ ગઈ હતી.
"હાં, બુટિક પર જાવ છું." કહેતાં રાહી તેનું હેન્ડ બેગ અને મોબાઈલ લઈને નીકળી ગઈ. આર્યન કંઈક વિચારીને તેની પાછળ દોડ્યો. રાહીએ બહાર જઈને કારમાં બેસવા દરવાજો ખોલ્યો. ત્યાં જ આર્યન તેની આગળથી પસાર થઈને ડ્રાઈવર સીટ પર બેસી ગયો.
"આ તું શું કરી રહ્યો છે?" રાહીએ થોડો ગુસ્સો કરતાં આર્યનની સામે જોયું. આર્યન ચુપ જ રહ્યો. આખરે રાહી કંટાળીને તેની બાજુની સીટ પર બેસી ગઈ. આર્યન કાર ડ્રાઈવ કરવાં લાગ્યો.
"બુટિકનો રસ્તો જોયો છે?" રાહીએ વિન્ડોની બહાર નજર કરતાં પૂછ્યું. આર્યને એક નજર રાહી પર કરી. તેનું ધ્યાન આર્યન તરફ ન હતું.
"નહીં." આર્યને ટૂંકમાં જવાબ આપી દીધો. રાહી વિન્ડોની બહાર જોતાં જોતાં જ આર્યનને કાર કંઈ દિશામાં વાળવાની એ વિશે ગાઈડ કરતી રહી. થોડીવારમાં બંને બુટિક પર પહોંચી ગયાં. રાહી આર્યનને કંઈ પણ કહ્યાં વગર જ જતી રહી.
"આ તો સાચે જ મુવ ઓન કરી રહી છે. હવે શું કરું?" આર્યન મનોમંથન કરી રહ્યો. રાહી તો તેની કેબિનમાં જઈને કામ પણ કરવાં લાગી. આર્યન પણ અંદર ગયો. રાહી તેની કેબિનમાં લેપટૉપ લઈને બેઠી હતી. તે જાણે કંઈ થયું જ નાં હોય. એવું વર્તન કરવાં લાગી.
"આનો સાચે જ છટકી ગયો છે કે શું!?" આર્યન કેબિનનાં દરવાજે ઉભો આરપાર જોઈ શકાય એવાં દરવાજાનાં કાચમાંથી રાહીને જોતાં મનોમન જ વિચારી રહ્યો. ત્યાં જ તેનાં મોબાઈલમાં મેસેજની નોટિફિકેશન પોપ અપ થઈ.
"કોઈ કામ હોય તો અંદર આવી જા. બાકી પહેરેદારની જેમ મારી કેબિનનાં દરવાજા આગળ ઉભો નાં રહે." મેસેજ રાહીનો હતો. આર્યન મેસેજ વાંચીને સીધો અંદર ગયો.
"હું અહીં બેસી શકું?" આર્યને રાહીની સામે પડેલી ચેર પર હાથ મૂકીને પૂછ્યું.
"મારો છટકી નથી ગયો." રાહીએ કહ્યું, "તો એવાં વિચાર મનમાંથી કાઢી નાંખ. હવે તમારી ઈચ્છા હોય. તો હું બસ થોડો સમય એકલી રહેવા માંગું છું." રાહીની નજર હજું પણ લેપટૉપની સ્ક્રીન પર જ મંડાયેલી હતી.. આજે એ એક પછી એક શબ્દોનાં તીર ચલાવી રહી હતી. કોઈનો ચહેરો જોયાં વગર જ ફેસ રીડિંગ કરી રહી હતી.
"તું આજે પણ મારાં મનની વાત જાણી ગઈ." કહેતાં આર્યન રાહીની સામેની ચેર પર બેસી ગયો.
"વર્ષોથી એ ટેલેન્ટ હતું અને રહેશે. બસ થોડાં સમય પૂરતો રસ્તો ભટકી ગઈ હતી." રાહી આર્યનને ઉંડા વિચારોમાં ખોવાયેલી જણાઈ. એ બસ રાહીને જોતો તેની સામે બેસી રહ્યો. રાહી છેલ્લે જે બોલી. એ પછી એક પણ શબ્દ નાં બોલી. તેણે કામ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્યન તેની સામે ખાલી બેઠો કંટાળી ગયો. એ બપોર થતાં જ રાહીની ઘરે આવી ગયો. મહાદેવભાઈ રાજેશભાઈ સાથે હૉલમાં જ બેઠાં હતાં. આર્યન કોઈ સાથે વાત કર્યા વગર જ દાદરા ચડવા લાગ્યો.
"તું રાહીને હકીકત જણાવી કેમ નથી દેતો?" અચાનક જ રાજેશભાઈ અને મહાદેવભાઈ વચ્ચે ચાલતી વાતો આર્યનનાં કાને પડી. આર્યનનાં પગ આપમેળે જ દાદરા પર થંભી ગયાં. તે ત્યાં ઉભો વાતો સાંભળવા લાગ્યો.
"એ વાત મારાં લગ્ન પહેલાં જ પૂરી થઈ ચુકી છે. ફરી તેને બધાંની સામે લાવવાનો મતલબ નથી." મહાદેવભાઈ ગંભીર જણાતાં હતાં. તેમની સામે વર્ષો જૂનાં ઘાવ તાજાં થવા લાગ્યાં.
"આ વખતે સવાલ રાહીની જીંદગીનો છે." રાજેશભાઈ મહાદેવભાઈને સમજાવવા લાગ્યાં. પણ મહાદેવભાઈ પર જાણે કોઈ અસર નાં થઈ.
"રાહીની જીંદગીનો સવાલ છે. એટલે જ હકીકત જણાવવા નથી માંગતો. વર્ષો જૂનો બંધ પડેલો કિસ્સો ફરી ખોલવા નથી માંગતો." મહાદેવભાઈ એટલું કહીને જતાં રહ્યાં. આર્યન પણ પોતાનાં રૂમમાં આવી ગયો.
"હવે પ્લાન A શરૂ કરવો જ પડશે." આર્યન રૂમમાં આવીને ખુદ સાથે જ વાતો કરવાં લાગ્યો.
આર્યનનાં મનમાં અનેક સવાલો ચાલી રહ્યાં હતાં. તેને બરાબર જાણ થઈ ગઈ હતી. મહાદેવભાઈ સાથે જોડાયેલી કોઈ તો એવી કહાની હતી. જેનો એક સમયે અંત થયાં પછી આજે ફરી એ કહાનીની કિતાબ ખુલી હતી. એ જ રાહીને આજે દુઃખ તરફ હડસેલી રહી હતી. એણે જ શિવાંશને અહીં આવતાં રોક્યો હતો. હવે શતરંજની રમત રમાઈ રહી હતી. જેમાં કોને ક્યાં સમયે માત આપવી અને ખુલ્લાં પાડવાં એ જ આર્યન વિચારી રહ્યો હતો.
રાધિકા કોલેજેથી છૂટીને સીધી જ શ્યામ સાથે એક કેફેમાં આવી ગઈ હતી. તેની ઘરે જઈને મહાદેવભાઈને ફેસ કરવાની ઈચ્છા ન હતી. કાલ જે બન્યું. એ પછી રાહીએ તો બધું સ્વીકારી લીધું હતું. પણ રાધિકા કંઈ સ્વીકારવા તૈયાર ન હતી.
"આખરે એક દિવસમાં એવું શું થઈ ગયું? કે બધાંનો મોબાઈલ બંધ આવવાં લાગ્યો." રાધિકાએ પરેશાન ચહેરે પોતાનાં મનમાં ચાલી રહેલી વાત શ્યામ સમક્ષ રજૂ કરતાં કહ્યું, "દીદુ તો કહેતાં હતાં. શિવાંશ અમદાવાદ તેનાં નાનાની ઘરે આવી ગયો છે. તો પછી ઘરે કેમ નહીં આવ્યો હોય? આમ અચાનક તે અને તન્વી મોબાઈલ બંધ કેવી રીતે કરી શકે?" રાધિકાએ પૂછ્યું.
"આપણે તેનાં નાનાની ઘરે જઈએ?" શ્યામે ચહેરાં પર ચમક લાવતાં કહ્યું, "શિવાંશ ત્યાં આવ્યો હતો. તો એ કંઈક જાણકારી આપી શકે." શ્યામે કહ્યું.
"માત્ર નામ ખબર છે, નાનાનું !" રાધિકાએ નિઃસાસો નાંખતા કહ્યું, "આટલાં મોટાં અમદાવાદમાં એડ્રેસ વિના કોઈને કેવી રીતે શોધી શકાય!?" રાધિકા વિચારી રહી.
"એ પણ છે." રાધિકાની વાત સાંભળીને શ્યામનાં ચહેરાની ચમક પણ ઓસરી ગઈ.
"અત્યારે દીદુની હાલત પણ ખરાબ હશે." રાધિકાએ ફરી પરેશાન અવાજે કહ્યું, "તે કોઈને કહેશે નહીં. પણ મેં તેમને કહ્યું હતું. આ વખતે પપ્પાએ કંઈ કર્યું. તો હું ઓછી નહીં ઉતરું." એણે ગંભીર થઈને ખુદને જ સવાલ કર્યો, "પણ આ બાબતે હું કરું તો શું કરું?" રાધિકા ફરી વિચારોમાં ખોવાઈ ગઈ.
"દીદુની સાથે રહે. તેમને ખુશ રાખવાની કોશિશ કર." શ્યામે રાધિકાનાં હાથ પર હાથ મૂક્યો, "તે ડિપ્રેશનનો શિકાર નાં થાય. એની પૂરતી તકેદારી રાખ." શ્યામે કહ્યું.
ડિપ્રેશન શબ્દ સાંભળતાં જ રાધિકાનાં ચહેરાં પર ગંભીરતા આવી ગઈ. રોજ કેટલાંય લોકો ડિપ્રેશનનો શિકાર બનીને પોતાનું જીવન ટૂંકાવી દે છે. જેમાં વધું પડતાં પ્રેમ પ્રકરણ અને પરિવારને લગતી પ્રોબ્લેમ જ જાણવામાં આવતી. એ વિચારે જ રાધિકાનાં મનને નકારાત્મક વિચારોથી ઘેરી લીધું. રાધિકાનો ચહેરો અચાનક જ તંગ થઈ ગયો. કોઈ પણ વાતે ફડાકે જવાબ આપતી રાધિકા પાસે આજે સવાલો જ હતાં. જવાબ જાણે તેનાંથી નારાજ થઈને બેઠાં હતાં. મહાદેવભાઈ પ્રત્યે તો તેને પહેલેથી જ શંકા હતી. તેઓ કોઈ તો પ્લાન કરીને બેઠાં છે. એ રાધિકા અગાઉ જ જાણી ગઈ હતી. પણ વાત શું છે? એ જાણવામાં નિષ્ફળ નીવડી હતી. બસ એ વાતે જ હંમેશાં ગમે તેવી પરિસ્થિતિમાં અડીખમ ઉભી રહેતી રાધિકાને કમજોર કરી દીધી હતી.
"ક્યાં ખોવાઈ ગઈ?" રાધિકાને ચૂપ જોઈને શ્યામે તેનાં ચહેરાં આગળ હાથ હલાવ્યો, "તું કંઈપણ કરે. મારી જાણ બહાર નાં કરતી." શ્યામે કહ્યું.
"એ કંઈ કહેવા જેવી વાત છે." રાધિકાએ અણગમો જાહેર કર્યો, "હજું કંઈ વિચાર્યું જ નથી. કંઈ પ્લાન બનાવું, તો જાણ કરું ને." રાધિકા શ્યામ સામે જોઈ રહી.
"કોઈ બહું મોટી ચાલ ચાલી ગયું છે." શ્યામ અચાનક જ વિચારે ચડ્યો, "આ રમત નાની નથી. કોઈ શતરંજની બાજી રમી ગયું છે." શ્યામે ફોડ પાડી.
"મતલબ?" રાધિકા કંઈ સમજી નહીં.
"શિવાંશ આપણાં પછી પણ બનારસ હતો." શ્યામે સમજી વિચારીને કહ્યું, "આપણાં અમદાવાદ આવ્યાં પછી જરૂર ત્યાં કંઈક થવું હોવું જોઈએ." શ્યામ વિચારે ચડ્યો.
"માન્યું, ત્યાં કંઈક થયું હશે." રાધિકા પણ વિચારીને બોલી, "પણ આપણને એ અંગે જણાવશે કોણ?" રાધિકા પૂછી રહી.
"શુભમ." શ્યામનાં મોંઢેથી એક જ નામ નીકળ્યું.
"લગાવ તેને ફોન." રાધિકાએ ઈશારા સાથે કહ્યું.
રાધિકાનો ઈશારો મળતાં જ શ્યામે શુભમને ફોન જોડ્યો. બનારસમાં રહેલાં શુભમે તરત જ ફોનની રિંગ વાગતાં સ્ક્રીન પર શ્યામનું નામ ચમકતાં જોયું, ને કોલ રિસીવ કરીને મોબાઈલ કાને લગાવ્યો, "હેલ્લો."
"થોડી માહિતી જોઈએ છે. શિવાંશ વિશે!" શ્યામે મુદ્દાની વાત જ કરી. પાક્કો અમદાવાદી શ્યામ મુસીબતનાં સમયે ગુજરાતી જ બોલવાનો આગ્રહી! હવે શુભમ પણ ગુજરાતી શીખી રહ્યો હતો. તે આખી વાત સમજી ગયો.
"તમારાં બનારસથી ગયાં પછી..." શુભમે બધું જ શ્યામને જણાવી દીધું. રાધિકા પણ કોઈ થ્રીલર સ્ટોરી સાંભળતી હોય. એમ બધી વાત સાંભળતી રહી.
"અત્યારે શિવાંશ ક્યાં હશે?" શ્યામે હાલની પરિસ્થિતિ જણાવતાં પૂછ્યું, "કોઈ જાણકારી? તને." શ્યામે પૂછ્યું.
"નહીં." શુભમે અલગ જ સ્વરમાં જવાબ આપ્યો. જે રાધિકાથી અજાણ નાં રહી શક્યો. પણ શુભમે ચોખ્ખી નાં કહી. તો આગળ પૂછવાનો ફાયદો ન હતો. બધાં એક પછી એક પાસાં ફેંકી રહ્યાં હતાં. રાધિકા હજું સુધી પોતાની ચાલ સમજી શકી ન હતી. હવે મેદાને બીજાં જ ઉતર્યા હતાં. શ્યામે ફોન ડિસકનેક્ટ કર્યો. જે નવાં પાસાં ખુલ્યાં. એમાં કંઈ ખાસ જાણવાં નાં મળ્યું. કેમકે બનારસનો ખેલ તો સારી રીતે પૂરો થઈ ગયો હતો. બધું સમું સૂતરુ પાર પડ્યું હતું.
"જૂનાં પાસાં ખોલવા પડશે." રાધિકાએ શ્યામ તરફ નજર કરી.
"આપણું કામ પૂરું થયું." શ્યામે રહસ્યમયી સ્મિત વેર્યું, "ખેલમાં નવાં ખેલાડી આવી ગયાં છે. જે તને આમાં ઈનવોલ્વ કરવાં નથી માંગતા. આપણે કોલેજ અને સ્કુલ પર ધ્યાન આપીએ." શ્યામ જાણે શુભમનાં 'નહીં' કહેલાં એક શબ્દમાં જ બધું સમજી ગયો હતો. તેને શિવાંશ વિશે જે કહેવાનું ન હતું. એ બધું કહ્યું હતું. પણ શ્યામને જે સાંભળવું હતું. એ જ એણે કહ્યું ન હતું. અચાનક શિવાંશ અને તન્વી બંનેનાં મોબાઈલ બંધ આવવાં. એ પાછળ એક જ લોજીક હતું. શિવાંશ ખુદ જ રાહી સામે આવવાં માંગતો ન હતો. તે ખુદ જ આખાં ખેલનો મહત્વનો ખેલાડી હતો. બાજી આખી પલટી ગઈ હતી.
"તો હું દીદુને એકલાં છોડી દઉં એમ?" રાધિકા શ્યામ પર થોડી ગુસ્સે થઈ.
"નહીં! તે જે કરે એમાં તેમનો સાથ આપ." શ્યામે રાધિકાને સમજાવી જોઈ. રાધિકા તરત જ સમજી ગઈ. બંને એકબીજાને ગળે મળીને છૂટાં પડ્યાં. રાધિકા પોતાની ઘરે અને શ્યામ પોતાની ઘરે જતો રહ્યો.
રાધિકા ઘરે આવી ત્યારે કાલે કંઈ થયું જ નાં હોય. એવો માહોલ હતો. તેનાંથી આ બધું સહન નાં થયું. અને તેની સમજમાં પણ કાંઈ નાં આવ્યું. એટલે તે તરત પોતાનાં રૂમમાં જતી રહી. રૂમમાં આવીને તેને એક નવો રસ્તો મળ્યો. તેણે અંકિતાને ફોન જોડીને શિવાંશનાં ઘરનો નંબર, તેનાં અમદાવાદમાં રહેતાં નાનાનું એડ્રેસ અને શિવાંશનાં મુંબઈ વાળાં ઘરનું એડ્રેસ લીધું. પછી તરત જ શિવાંશની ઘરે ફોન જોડ્યો.
"હેલ્લો." સામેથી એક સ્ત્રીનો અવાજ રાધિકાનાં કાને પડ્યો.
"શિવાંશ પટેલ સાથે વાત થઈ શકશે?" રાધિકાએ પૂછ્યું.
"અહીં કોઈ શિવાંશ પટેલ નથી રહેતાં. અહીં હું અને મારાં પતિ અરવિંદ રહીએ છીએ." એ સ્ત્રીએ તોછડાઈથી જવાબ આપીને ફોન ડિસકનેક્ટ કરી નાંખ્યો. રાધિકા કંઈ સમજી નાં શકી. અંકિતા શિવાંશને ઓળખતી હતી. તો એ જુઠ્ઠુ બોલે એ શક્ય ન હતું. મતલબ આમાં કંઈક લોચો છે. એમ વિચારીને રાધિકાએ આગલાં દિવસે શિવાંશનાં નાનાની ઘરે જવાનું વિચાર્યું. ત્યાં જ આર્યન તેની પાસે આવ્યો.
રાહી બુટિકની વિન્ડો પાસે ઉભી બહાર સડક પર થતી વાહનોની અવરજવર જોઈ રહી હતી. પોતે એ ભીડ વચ્ચે એકલી પડી ગઈ છે. એવું તેને લાગવા લાગ્યું. બધાંની સામે હિંમત બતાવીને, પોતે મુવ ઓન કરવાં માંગે છે. એવું જણાવી તો દીધું. પણ રાહીનું દિલ એ વાત સ્વીકારવા તૈયાર ન હતું. આમ અચાનક બધું બદલી જાશે. એવો તેને અંદાજ પણ ન હતો. જેમ શિવમની વખતે થયું. એમ જ આજે પણ બધું ફંગોળાઈ ગયું હતું. શિવમની વખતે તો રાહીએ પોતાની જાતને સંભાળી લીધી હતી. પણ કોણ જાણે કેમ? આ વખતે સંભાળી શકતી ન હતી. રાહી શિવાંશ વિશે વિચારી રહી હતી. એ સમયે જ તેનાં મોબાઈલ પર ૪૪ વાળાં કોડ સાથેનો એક નંબર ફ્લેશ થયો. રાહી એ નંબર જોઈને વિચારી રહી. તેનાં મગજમાં ઘણું એવું ચાલતું થઈ ગયું. જે ઘણાં સમયથી બહેર મારી ગયું હતું. રાહીએ તરત જ કોલ રિસીવ કર્યો.
"આઈ સ્પીક હૅરી ફ્રોમ લંડન. આઈ હેવ હર્ડ અ લોટ ઑફ પ્રૅઈસ ફોર યૉર ડિઝાઈન. ધૅયર ઈઝ લિટલ ટૂ ડિસ્કસ અબાઉટ ધી લાર્જર ઑર્ડર, ઈફ યૂ ડૉન્ટ માઈન્ડ." સામે છેડેથી હૅરીનો અવાજ અને તેની વાતો સાંભળીને અમદાવાદમાં રાહીની ખુશીનો પાર નાં રહ્યો. વિદેશથી આવેલો મોટાં ઑર્ડર માટેનો પહેલો કોલ જાણે તેને એક અલગ જ દુનિયામાં લઈ ગયો. થોડીવાર પહેલાં હૅરીનો નંબર જોઈને રાહીને જે કંઈ પણ વિચારો આવ્યાં. એ બધાં મોટી ખુશીમાં પરિવર્તિત થઈ ગયાં.
રાહીએ પછી તો મન મૂકીને હેરી સાથે વાત કરી. લંડનનો જાણીતો ફેશન ડિઝાઈનર, હૅરી. અમદાવાદની રાહી સાથે તેની ડિઝાઈનને લઈને અમુક સમજણ સાંભળીને રાહીથી પ્રભાવિત થઈ ગયો. થોડાં દિવસોમાં લંડનમાં એક હૉલીવુડ મુવી બનવાની હતી. તેનાં બધાં જ કૅરૅક્ટરનાં કપડાં ડિઝાઈન કરવાનો મોકો રાહીને મળ્યો. ખરેખર, ઑર્ડર ખૂબ મોટો હતો, અને સાથે કામ પણ મહેનતવાળું હતું. છતાંય રાહીએ તરત જ હાં પાડી દીધી.
રાહીએ હૅરી સાથે વાતચીત કર્યા પછી આખાં સ્ટાફને આ વિશે જાણ કરી. બધાં બહું ખુશ હતાં. રાતે રાહી ઘરે જવાં નીકળી ત્યારે પરિવાર માટે મીઠાઈ લઈને ગઈ. કાર ચલાવતી વખતે રાહીએ આદત મુજબ મ્યુઝિક સિસ્ટમ પર ગીત વગાડવાનું શરૂ કર્યું. 'યહાં સે કહાઁ જાઉં, કહાઁ મૈં છુપ જાઉં, યે આધા સા દિલ, મૈં કૈસે લગાઉં' મ્યુઝિક સિસ્ટમ પર રાહીનાં દિલનો હાલ બયાં કરતું ગીત વાગ્યું. અનાયાસે જ રાહીની આંખો સમક્ષ બનારસનાં ઘાટ પર શિવાંશ સાથે વિતાવેલી પળો તરવરવા લાગી. રાહી ખુદ પર કંટ્રોલ કરી શકે. એ પહેલાં જ તેની આંખમાંથી એક આંસુ સરકીને તેનાં સ્ટૅયરિંગ વ્હીલ પકડેલા હાથ પર પડ્યું. રાહી ખુદ પરથી કાબૂ ગુમાવી બેસે. એ પહેલાં જ તેણે ગીત બંધ કરી દીધું. એ સાથે જ તેનું ઘર પણ આવી ગયું. રાહી કાર પાર્ક કરીને અંદર ગઈ. એ સમયે બધાં ડાઇનિંગ પર બેઠાં હતાં. રાહીએ ઘરની દિવાલ પર લટકતી ડંકા ઘડિયાળ તરફ નજર કરી. રાતનાં નવ થયાં હતાં. આ સમયે રોજ બધાંએ ડીનર કરી લીધું હોય. જ્યારે આજે હજું જમવાનું પીરસાઈ રહ્યું હતું.
"રાહી, કમ ઑન!" આર્યને ડાઇનિંગની ચેર પર બેઠાં બેઠાં જ રાહીને હાથ વડે આવવાં ઈશારો કર્યો, "તું પણ આજે અમારી સાથે ડીનર કર." રાહી આર્યન સામે જોઈ રહી. રાહીને એમ હતું, કે આર્યન અત્યાર સુધીમાં તો તેનાં પરિવાર સાથે જતો રહ્યો હશે. પણ એ ગયો ન હતો. તેનાં મમ્મી-પપ્પા પણ ડાઇનિંગ પર જ મોજુદ હતાં. રાહી બધાં પર એક નજર કરીને આગળ વધી. તે ચેર પર નાં બેસીને બધાંને જમવાનું પીરસી રહેલાં ગૌરીબેન પાસે જઈને ઉભી રહી ગઈ.
"મમ્મી, મને આજે લંડનથી એક મોટો ઑર્ડર મળ્યો છે." રાહીએ ગૌરીબેનનાં હાથમાં મીઠાઈનું બોક્સ પકડાવ્યું, "હવે વિદેશમાં પણ લોકો મારી બનાવેલ ડિઝાઈનનાં કપડાં પહેરીને શૂટિંગ કરશે." રાહીની વાત સાંભળીને બધાંને ખુશી થઈ. આર્યને તો સીધી મીઠાઈનાં બોક્સ પર જ તરાપ મારી. તે આખું બોક્સ લઈને ફરી પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો.
"સ્ટોપ!" રાહીએ આર્યનનાં મીઠાઈ લેવાં માટે આગળ કરેલાં હાથ પર થપાટ મારી, "એ બધાં માટે છે. તારાં એકલાં માટે નહીં." કહેતાં રાહીએ બોક્સમાંથી કલાકંદનો એક ટુકડો લઈને ગૌરીબેન તરફ લંબાવ્યો. ગૌરીબેને રાહીનો હાથ પકડીને એ ટુકડો ફરી બોક્સમાં મૂકી દીધો. પછી આખું બોક્સ લઈને કિચનમાં જતાં રહ્યાં. ત્યાં જઈને તેમણે કલાકંદને એક ત્રાંબાની ડીશમાં મૂક્યો ને એ ડીશ સહિત બહાર આવ્યાં. પછી રાહીનો હાથ પકડીને ઘરમાં આરસથી બનેલાં મંદિરમાં આવેલી શંકર પાર્વતીની મૂર્તિ સામે ઉભાં રહી ગયાં. એ ડીશ તેમણે મૂર્તિની સામે મૂકી અને બંને હાથ જોડી લીધાં. રાહી પણ ગૌરીબેનને અનુસરીને હાથ જોડીને ઉભી રહી ગઈ. રાહી પાસે આજે માંગવા માટે કંઈ ન હતું. તેણે બધું ભગવાન ઉપર છોડી દીધું હતું.
"તે જ સપનાં બતાવ્યાં. તે જ અમને મળાવ્યાં. તે જ કોઈ કારણથી અલગ કર્યા. હવે આગળ પણ તું જ સંભાળજે." રાહીએ બંધ આંખોએ માત્ર એટલું જ કહ્યું.
ગૌરીબેને આંખો ખોલી ત્યારે રાહી તેમને જોતી ઉભી હતી. ગૌરીબેને કલાકંદનો એક ટુકડો રાહીનાં મોઢામાં મૂક્યો, "આમ જ આગળ વધતી રહે. ખુબ ખુશ રહે." ગૌરીબેને રાહીનાં માથાં પર હાથ મૂક્યો. ત્યારે તેમની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં. જે રાહીની નજરથી છૂપાં નાં રહી શક્યાં.
"હવે તો અમને મીઠાઈ આપો." ડાઇનિંગ પર બેઠો બેઠો આર્યન સ્માઈલ કરતાં બોલ્યો. તેની ગાલ સુધી ખેંચાતી સ્માઈલ જોઈને ગૌરીબેન તરત જ તેની પાસે ગયાં. તેમણે બધાંને કલાકંદ આપ્યો. શંકર પાર્વતીને ધરાવ્યા પછી એ એક પ્રસાદ બની ગયો હતો. તો બધાંએ આંખે લગાડીને પ્રસાદ સ્વરૂપે રહેલો કલાકંદ મોંમાં મૂક્યો.
"તો હવે શું કરવાનું છે?" મહાદેવભાઈએ રાહી સામે જોયું. રાહી મહાદેવભાઈનો સવાલ સમજતી હતી. પણ જવાબ તેની પાસે ન હતો. તે તો થોડીવાર પહેલાં જ મંદિરમાં બિરાજમાન શંકર પાર્વતીનાં ભરોસે પોતાનું જીવન સોંપીને આવી હતી.
"પહેલાં તેને જમી તો લેવાં દો." ગૌરીબેને રાહીની પ્લેટમાં જમવાનું પરોસ્યુ. ક્યાંકને ક્યાંક ગૌરીબેન પણ મહાદેવભાઈનો ઈશારો સમજી ગયાં હતાં. જેનાં લીધે તેમણે અત્યારે વાતને ટાળી દીધી. રાહીએ તરત જ ગૌરીબેન તરફ ગરદન ઘુમાવી. તેમણે આંખનાં ઈશારે જ રાહીને સધિયારો આપી દીધો. રાહી બધું સમજી ગઈ. હવે કદાચ ગૌરીબેને મહાદેવભાઈનાં વિરોધી બનવું પડે. તો પણ એ બનવા તૈયાર હતાં. નીલકંઠ વિલાનો નકશો બદલવાની તૈયારીમાં હતો. કારણ કે તેની અંદરનાં લોકોનાં મન બદલવાની તૈયારીમાં હતાં.
"તો હવે મારી દીકરી વિદેશમાં પણ પોતાનો ઝંડો લહેરાવશે. એમ ને!" બધાનાં તંગ થયેલાં ચહેરાં જોઈને પાર્વતીબેન આખરે બોલ્યાં, "હવે તો તારાં નિર્ણય પર બધાંને ગર્વ હોવો જોઈએ." તેમણે મહાદેવભાઈ તરફ તીરછી નજર કરી. મહાદેવભાઈ ચૂપ હતાં. તે કંઈ બોલ્યાં પણ નહીં. પાર્વતીબેનનો ઈશારો એ સમજતાં હતાં. પણ તેમનાં દિમાગમાં ચાલતાં વિચારોએ તેમને ચૂપ રહેવા મનાવી લીધાં. તેમણે પાર્વતીબેન તરફ નજર કરવાની પણ તસ્દી નાં લીધી.
"બીજાંને હોય કે નહીં. મને તો દીદુ પર પૂરો ગર્વ છે." રાધિકાએ દાદીની વાતમાં સૂર પૂરાવ્યો, "હું પહેલાં પણ દીદુનાં દરેક નિર્ણયમાં તેમની સાથે હતી. અને ભવિષ્યમાં તે જે પણ નિર્ણય કરે. એમાં પણ સાથે રહીશ." રાધિકા મહાદેવભાઈને ઉકસાવતી હતી. પણ તેમણે તેમનો સંયમ જાળવી રાખ્યો.
રાહી જમીને દાદરા તરફ આગળ વધી. ત્યાં સુધીમાં મહાદેવભાઈએ પણ જમી લીધું હતું. તે તરત જ રાહી સામે જઈને ઉભાં રહી ગયાં, "બે દિવસમાં તારો જવાબ જોઈએ, મારે." મહાદેવભાઈએ એકદમ શાંતિથી કહ્યું, "સવાલ જણાવવાની જરૂર હોય. એવું મને લાગતું નથી." મહાદેવભાઈ વાત પૂરી કરીને સોફા પર બેસવા ચાલતાં થયાં. તેમણે ભલે ગમે તેટલી શાંતિથી રાહી સાથે વાત કરી હોય. પણ તેમાં જે અણગમો હતો. એ બધાં જાણી સમજી શકતાં હતાં. તેઓ ડાઇનિંગ પરથી ઉભાં થઈને રાહી પાસે ગયાં. ત્યારે બધાંની નજર એ તરફ જ હતી. મહાદેવભાઈની વાત બધાંએ સાંભળી હતી. મહાદેવભાઈ તો વાત કહીને આરામથી સોફા પર બેસી પણ ગયાં હતાં. પણ રાહી હજું દાદરા પાસે જ ઉભી હતી. તેને શું બોલવું? એ કંઈ સમજમાં આવતું ન હતું. સવાલ તો ખબર હતી. પણ જવાબનું શું? રાહી ફરી શિવાંશ દ્વારા કહેલી વાતોમાં ખોવાઈ ગઈ.
"અંકલ! મારે કોઈ ઉતાવળ નથી." અચાનક જ આર્યન ઉભો થઈને મહાદેવભાઈ તરફ ધસી ગયો, "રાહીને આરામથી વિચારવા દો. આ બાબતે પ્રેશર આપવું તેનાં માટે અઘરું પડી જાશે." આર્યને કહ્યું.
"આ મારો નિર્ણય છે. એ નહીં બદલી શકાય." મહાદેવભાઈએ રાહી તરફ તિરછી નજર કરી, "બધાંએ રાહીની બધી વાતો બહું માની. હવે બહું થયું. આ મારો અંતિમ નિર્ણય છે. આમ પણ તેનું વિદેશમાં પોતાનાં ડિઝાઇન પ્રખ્યાત થાય. એ સપનું તો પૂરું થઈ જ રહ્યું છે. હવે હું તેનો કોઈ બાબતે સાથ નહીં આપી શકું. આ વખતે.."
"તમે ક્યારે દીદુનો સાથ આપ્યો?" રાધિકાએ મહાદેવભાઈનું વાક્ય વચ્ચે જ કાપી નાખ્યું. તેનાં ચહેરાં પર ગુસ્સો સાફ વર્તાતો હતો. રાહી તેનું મગજ એટલી આસાનીથી નાં ગુમાવતી. પણ રાધિકા તેનાં મગજ પર કંટ્રોલ નાં કરી શકતી, "દીદુએ આજ સુધી એકલાં જ બધી લડાઈ લડી છે. ફેશન ડિઝાઈનર પણ એ તેમની મહેનતે બન્યાં હતાં. તમે આજે તેમનો સાથ આપવા તૈયાર નથી. તો ત્યારે ક્યાં વળી સાથ આપ્યો હતો? તો બધાં સામે આ સાથ આપવાનું નાટક કરવાનું રહેવા દો." રાધિકાએ રાહી પાસે જઈને તેનો હાથ પકડી લીધો, "હું દીદુની સાથે છું. કોઈ તેમની સાથે જબરદસ્તી કરી તો જુએ. હું તેમની ઢાલ બનીને ઉભી રહીશ." કહેતાં રાધિકાએ તેની વાત પૂરી કરી.
"બસ કરો તમે બધાં." રાહી અચાનક જ જોરથી બોલી ઉઠી. તેનો ફાટેલો અવાજ આખી નીલકંઠ વિલામાં ગુંજી ઉઠ્યો, "હવે મારે કંઈ સાંભળવું નથી. આ વાતનો નિર્ણય હું આર્યનનાં હાથમાં સોંપું છું." કહીને રાહીએ મહાદેવભાઇ સામે ઉભાં આર્યન તરફ નજર કરી. આર્યન કંઈ બોલી નાં શક્યો. પણ તેણે તેનાં તરફથી બધું વિચારી લીધું હતું. રાહીની વાત પછી બધાં શાંત થઈ ગયાં. બધાંને ચુપ જોઈને રાહી તેનાં રૂમમાં જતી રહી.
(ક્રમશઃ)
_સુજલ બી.પટેલ