જોયા કરું છું...
એ મને જોવે હું એને જોયા કરું છુ
આંખમાં એની હું ખુદને ખોયા કરું છું.
ઝળઝળીયાં જોઇને આંખે દર્પણની
ડૂસકે ને ડૂસકે ખુદ રોયા કરું છું.
છેક તળિયે લીલ બાઝી છે યાદની
કાંકરી ચાળો કરીને ડોયા કરું છું.
પાંપણે ચિતરેલ ઝાંકળ ને લૂંછવા
આંસુઓથી આંસુઓને ધોયા કરું છું.
કે કહી ના દે ચહેરો હાલ દિલનો
આંસુ એ મારા હું એના લોહ્યા કરું છું.
- વેગડા અંજના એ.
વહી ગઈ છું....
સમયનાં વહેણે વહી ગઈ છું
હવે થોડી શેષ રહી ગઈ છું.
નિશાની છોડી મુજ અતીતની
થઈને ઝાંકળ હું ઉડી ગઈ છું.
કિનારે પરત ફરવું શક્ય નથી
મઝધાર લગી હું તરી ગઈ છું.
મુઠ્ઠીનાં બંધન તો બે ઘડીનાં
રેતની જ માફક સરી ગઈ છું.
રડી ને રેત આ હું ભીની કરું
આંસુઓ થઈને ઝરી ગઈ છું.
ભર વસંતે જ હું પાનખર થઈ
શુષ્ક પલ્લવ જેમ ખરી ગઈ છું.
સાબિતી શું મુજ હોવાપણાંની
છું જીવિત કે પછી મરી ગઈ છું.
- વેગડા અંજના એ.
નજરમાં....
સહેજ કિનારો કરી લો નજરમાં
દરેક નઝારો ભરી લો નજરમાં,
સીમિત રહે ના મિલન શબ્દો લગી
મળવું હોય અગર મળી લો નજરમાં,
રગેરગમાં વસવું તુજ નયનો થકી
છબી આ મારી જડી લો નજરમાં,
ભય મને વિખૂટાં થવાની વાતનો
સદાને માટે વણી લો નજરમાં,
શું આપું પુરાવો કહો લાગણીનો
ગઝલ આ મારી લખી લો નજરમાં.
- વેગડા અંજના એ.
હૃદય ઘવાય છે...
ના પૂછ ક્યારે હૃદય ઘવાય છે
હા વારંવારે હૃદય ઘવાય છે.
ડૂબી રહ્યું દિલ મઝધારે ને
પેલાં કિનારે હૃદય ઘવાય છે.
સવાલો કદી ઘેરી વળે ને
કદી વિચારે હૃદય ઘવાય છે.
કલમ અને કાગળના સહારે
શબ્દોની પારે હૃદય ઘવાય છે.
ન તીરે ખંજરે ન તલવારે
જીભની ધારે હૃદય ઘવાય છે.
- વેગડા અંજના એ.
થૈ ગયાં
સપના સમી વાત થૈ ગયાં
અમાસ તણી રાત થૈ ગયાં.
ગણ્યા ગાંઠ્યા હતા બે ચાર
સ્વાર્થ કેરી જાત થૈ ગયાં.
સબંધોમાં છેદ થઈ ને
અહમની એ ઘાત થૈ ગયાં.
એક જ સરવાળો માંડતા
ચોખ્ખાં સૌ હિસાબ થૈ ગયા.
માણસે માણસ ઉમેરતાં
માણસથી જ બાદ થૈ ગયા.
- વેગડા અંજના એ.
ખોવાનું શુ!
કોઇને પામ્યાં વિના ખોવાનું શું!
હાથની રેખા ઉપર રોવાનું શુ!
નીકળી પડ્યાં ફના થાવાને
પાછળ વળીને પછી જોવાનું શુ!
આંખમાં એની પડતું મૂકીએ
છીછરા સાગર મહીં હોવાનું શુ!
સ્મરણો ધોવાય જો અશ્રુઓથી
તો વહેતાં આંસુને લ્હોવાનું શુ!
ડાઘ ના ઝાંખા પડે એમ દિલે
આંસુઓથી આંસુઓને ધોવાનું શુ!
- વેગડા અંજના એ.
આવ્યા....
નેનથી નીકળી ને ગોખ સુધી આવ્યા
ઘેરથી નીકળી ને ચોક સુધી આવ્યા.
ઓળંગી ઉંબરો અને ચાલી નીકળ્યાં
પાંપણેથી વહી ને હોંઠ સુધી આવ્યા.
ઝાલ્યા ન ઝલાયા કેમેય આંસુ મારા
આસ્તે રહીને છેક ડોક સુધી આવ્યા.
ખારાશ આંસુની પ્રસરી ગઈ ભીતરે
સ્પર્શ હૂંફાળો લઈ ચોટ સુધી આવ્યા.
કેદ તોડી બંધ આંખની ફરાર થયાં
ડૂસકે ડૂસકે થૈ પોક સુધી આવ્યા.
હતા સીમિત મુજથી જ મુજ લગી
લાંઘી મર્યાદા અને લોક સુધી આવ્યા.
- વેગડા અંજના એ.
ઠીક લાગે છે....
હવે તો ક્યાં કંઈ ઠીક લાગે છે,
મને સુખ પણ હવે ક્ષણિક લાગે છે.
રખે ને ક્રોધિત થયો હશે એ ખુદા,
પળેપળ પતન નજદીક લાગે છે.
કડવું સત્ય સમક્ષ છે છતાંય મને
વહેમ કોઈ, ભ્રમ કદીક લાગે છે.
બંને હાથે સમેટી લઉં જિંદગી,
હવે શ્વાસો પણ જરીક લાગે છે.
અવિરત મુસાફરીનું ચાલે ચક્ર,
મનુષ્ય એક પથિક લાગે છે.
દશા ભૂંડી જગતની થઈ જોજો,
મનખને મનખની બીક લાગે છે.
- વેગડા અંજના એ.