VEDH BHARAM - 51 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 51

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

વેધ ભરમ - 51

ચેક પર કબીરનુ નામ વાંચી વિકાસ એકદમ ચોંકી ગયો હતો. વિકાસ અને દર્શને કબીર સાથે જે પણ કર્યુ તેના પછી તે લોકોને એમ હતુ કે કબીર તેની સાથે સંબંધ જ નહી રાખે પણ કબીરે તો મિત્રતા રાખી હતી. પણ ત્યારે તેને એ નહોતી ખબર કે કબીર મોકાની રાહ જોઇને બેઠો હતો. આજે તેને સમજાયુ હતુ કે કબીરે તેનો બદલો લીધો હતો. અત્યારે વિકાસને કબીર પર એટલો બધો ગુસ્સો આવતો હતો કે જો તે સામે હોય તો તેને સૂટ કરી દે. એક તો કબીર અને અનેરી વચ્ચે પ્રેમ છે તે તેને ખબર પડી ત્યારથી જ તેને કબીર પર ગુસ્સો આવ્યો હતો. તેમાં વળી આ ચેક જોઇને તો તેને સમજાઇ ગયુ હતુ કે તેનુ અપહરણ કરાવવામાં કબીરનો હાથ હતો. અત્યારે તેના મગજમાં પેલી ભુતકાળની ઘટના ઘુમી રહી હતી. જેને લીધે દર્શન અને વિકાસ સાથે કબીરના સંબંધ બગડ્યા હતા. તે હજુ ભુતકાળની યાદમાં ખોવાઇ રહ્યો હતો ત્યાં બહાદુર સિંહ બોલ્યો “સર, આ કબીર તો એકદમ હરામી નીકળ્યો. મે તમને હજુ એક વાત કહી નથી. સર.” બહાદુરસિંહની વાત સાંભળી વિકાસ વિચાર યાત્રામાંથી બહાર આવી ગયો અને બોલ્યો “કઇ વાત?”

“સર, તમારા મિત્ર દર્શનનું પણ તેના ફાર્મ હાઉસ પર ખૂન થઇ ગયુ છે અને તેના શકમંદ તરીકે પોલીસે કબીરને અરેસ્ટ કર્યો હતો. પણ તે તેની લાગવગનો ઉપયોગ કરી જમાનત પર છુટી ગયો છે.”

આ સાંભળી દર્શનનો પિતો ગયો અને તેણે કબીરને ખૂબ ગાળો આપી અને બોલ્યો “આ કબીરને તો હું છોડીશ નહીં. તેને તો કુતરાના મોતે મારીશ. પણ તે આ વાત મારાથી કેમ છુપાવી?”

આ સાંભળી બહાદુરસિંહ બોલ્યો “સાહેબ મને એમ કે તમને ખોટુ ટેન્સન ક્યાં આપવુ? અમે મને ક્યાં ખબર હતી કે તમારા અપહરણ પાછળ પણ કબીરનો હાથ છે.” પણ હવે વિકાસનુ ધ્યાન બહાદુરસિંહની વાતોમાં નહોતુ. તે તો ક્યાંક દૂર ભુતકાળમાં ખોવાઇ ગયો હતો. આ ત્યારની વાત હતી જ્યારે ત્રણેય મિત્રો પોતપોતાના ધંધે લાગી ગયા હતા. દર્શન તો તેના પપ્પાના જ બિઝનેસમાં લાગી ગયો હતો. વિકાસ દર્શનની મદદથી પોતાનો બિઝનેસ ચાલુ કરવા જઇ રહ્યો હતો. અને કબીર પણ આઇ.ટી કંપની માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એ વખતે ત્રણેય મિત્રો સુરતમાં જ પોત પોતાનુ ભવિષ્ય બનાવવા વિચારતા હતા. દરરોજ રાત્રે તે ત્રણેય મળતા અને વાતો કરતા. એક દિવસ કબીરે આવીને વાત કરી કે તેને એક છોકરી પસંદ છે અને તેને મનોમન પ્રેમ કરે છે પણ તેને કહેવાની હિંમત થતી નથી. આ છોકરી કબીરના ઘરની બાજુમાં રહેતી હતી અને તેનુ નામ શિવાની હતુ. આ સાંભળી દર્શન અને વિકાસ ખુશ થયા અને કબીરને કહ્યું “શુ વાત છે અમને બતાવ તો ખરો. અમે પણ જોઇએ કે તારી પસંદ કેવી છે.” બીજા દિવસે કબીરે તે બંનેને દૂરથી શિવાની બતાવી. પણ આ કબીરની જીંદગીની સૌથી મોટી ભૂલ હતી. શિવાનીની સુંદરતા જોઇ દર્શન તેનાથી આકર્ષિત થઇ ગયો. આમપણ શિવાની દર્શનની જ્ઞાતિની છોકરી હતી. દર્શનને શિવાની એટલી બધી ગમી ગઇ હતી કે કબીરને ખબર ન પડે તે રીતે તેણે શિવાની વિશે તપાસ શરુ કરાવી. દર્શનને ખબર પડી કે શિવાનીને પણ કબીર ગમે છે પણ બે માંથી એક પણે હજુ સુધી પ્રપોઝ કર્યુ નથી. શિવાની વિશે બીજી જે વાત ખબર પડી તે દર્શન માટે ખૂબ અગત્યની હતી. દર્શનને ખબર પડી કે શિવાનીના પિતાની આર્થિક સ્થિતી ખૂબ નબળી છે. આ ખબર પડતા જ દર્શને એક ચાલ રમી. દર્શન શિવાનીના એક દૂરના કાકાને ઓળખતો હતો. તેને મળ્યો અને શિવાનીના પપ્પાને સારા પગારે નોકરી આપવાની વાત કરી. દર્શને વાત એ રીતે કરી કે જાણે તે તેની જ્ઞાતિના એક વ્યક્તિને મદદ કરતો હોય. આ વાત પેલા ભાઇએ શિવાનીના પપ્પાને કરી અને પછી શિવાનીના પપ્પા દર્શનની હિરાની ઓફિસમાં નોકરીમાં જોડાઇ ગયા. ત્યારબાદ દર્શન વારંવાર તેને મળતો અને બહુ સારી રીતે તેની સાથે વર્તતો. થોડા સમય પછી દર્શને તેના ઘરમાં શિવાની વિશે વાત કરી અને કહ્યું કે મને આ છોકરી ગમે છે. છોકરી સુંદર હતી અને સારા ઘરની હતી સૌથી અને અગત્યની વાત એ હતી કે તેનીજ જ્ઞાતિની હતી. દર્શનના પપ્પાને તો એવી આશા જ નહોતી કે તેનો આ બગડેલ છોકરો તેની જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરશે. દર્શનની વાત સાંભળી તે મમ્મી પપ્પા ખૂબ ખુશ થયા. દર્શનનો વિચાર બદલે તે પહેલા જ તે લોકો આ સંબંધ પાકો કરી નાખવા માંગતા હતા એટલે તે શિવાનીના ઘરે જઇને માગુ નાખતા આવ્યા. શિવાનીના પપ્પાએ તો સ્વપ્નમાં પણ ક્યારેય આટલુ પૈસાવાળું ઘર શિવાનીને મળશે તેવુ વિચાર્યુ નહોતુ. તે દર્શનને પણ મળ્યા હતા અને છોકરો તેને સારો લાગ્યો હતો. તેના મતે તો શિવાનીને માટે ક્યારેય આનાથી સારુ ઘર મળવાનું નહોતુ એટલે તેણે શિવનીને વાત કરી. શિવાનીએ શરુઆતમાં થોડો વિરોધ કર્યો. શિવાનીને કબીર ગમતો હતો પણ કબીરને તે ગમે છે કે નહીં તે તેને ખબર નહોતી. શિવાનીના મમ્મી પપ્પાએ તેને ખૂબ સમજાવી અને આખરે તે માની ગઇ. બંનેના મમ્મી પપ્પાએ મળી તે બંનેની સગાઇની તારીખ નક્કી કરી નાખી. દર્શને વિકાસને આ વાત કરી પણ તે બંનેએ કબીરથી આ વાત છુપી રાખી. કબીરને સીધો સગાઇમાં જ બોલાવ્યો. કબીર સગાઇમાં ગયો અને જ્યારે તેણે આ જોયું કે દર્શનની સગાઇ શિવાની સાથે જ થઇ છે ત્યારે તેને આઘાત લાગ્યો. તે શિવાનીને સાચો પ્રેમ કરતો હતો. તેને દર્શન પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે ત્યાંથી જવા માટે નીકળતો હતો. ત્યા વિકાસે તેને રોક્યો ધરારથી દર્શન પાસે લઇ ગયો. દર્શને કબીરની મજાક કરતા કહ્યું “શુ કબીર તારી ભાભી કેવી લાગી?” અને પછી વિકાસ અને દર્શન તેના પર હસ્યા. આ જોઇ કબીરના દિલમાં આગ લાગી.તેનુ રોમેરોમ સળગી ઊઠ્યુ. તેને દર્શન પર એટલો ગુસ્સો આવતો હતો કે અત્યારે જો તેની પાસે ગન હોતતો તે એક આખો રાઉન્ડ દર્શન પર ખાલી કરી નાખત. પણ તે અત્યારે હવે કાંઇ કરી શકે એમ નહોતો. પણ તેણે મનોમન નક્કી કર્યુ કે આનો બદલો હું એક દિવસ જરુર લઇશ. તેના રોમેરોમમાં આગ લાગી હતી. કબીરે શિવાનીની સામે જોયુ અને શિવાનીની આંખમાં તેને જે નિ:સહાયતા દેખાઇ તે જોઇ કબીરથી રહેવાયુ નહી અને તે બોલ્યો “આ તમને બહુ ભારે પડશે. આની કિંમત તમારે ચુકવવી પડશે.” અને પછી તે ત્યાંથી ચાલ્યો ગયો.

તે દિવસ પછી કબીર ક્યારેય દર્શન અને કબીરને મળ્યો જ નહી. તેણે સુરતને બદલે બોમ્બે રહેવાનુ નક્કી કર્યુ અને તે બોમ્બે જતો રહ્યો. બોમ્બે જઇ તેણે પોતાની કંપની ઊભી કરી. તે પછી તે સુરત દર્શન અને વિકાસને મળવા આવ્યો ત્યારે એકદમ પ્રેમથી તે બંનેને મળ્યો હતો. દર્શન અને વિકાસ એવુ સમજ્યા હતા કે તે ભુલી ગયો છે. પણ અત્યારે વિકાસને સમજાયુ હતુ કે તે ભુલ્યો નહોતો પણ બદલો લેવાનો મોકો શોધતો હતો.

“સાહેબ હોટલ આવી ગઇ છે.” બહાદુર સિંહે કહ્યું ત્યારે વિકાસ એકદમ જબકી ગયો. તેણે આજુબાજુ જોયુ તો કાર હોટલના કમ્પાઉન્ડમાં ઊભી હતી. વિકાસ ધીમેથી નીચે ઉતર્યો અને પછી હોટલના તેના રુમમાં ગયો. અત્યારે તેના મનમાં એક આગ લાગી હતી. આ આગ હવે કબીરને મારીને જ શાંત થાય એમ હતી. કબીરે તેનો બદલો લીધો હતો. કબીરે વિકાસને મરણતોલ ફટકો માર્યો હતો. કબીરે તેની પત્ની છીનવી લીધી હતી અને જીંદગી પણ બરબાદ કરી નાખી હતી. હવે તે કબીરને મારી નહીં નાખે ત્યાં સુધી ચેન નહી પડે. આમ વિચારતા વિચારતા જ વિકાસે કપડા બદલ્યાં. તે કપડા બદલીને બેડ પર બેઠો ત્યાં જ દરવાજા પર ટકોરા પડ્યાં. વિકાસે ઊભા થઇ દરવાજો ખોલ્યો. સામે બહાદુરસિંહ હતો તેને જોઇને વિકાસ પાછો બેડ પાસે આવીને બેઠો. બહાદુરસિંહ અંદર આવ્યો અને રુમનો દરવાજો બંધ કરી ધીમેથી બોલ્યો.

“સાહેબ હવે શું કરવાનું છે?”

“હવે શું કરીશું? મારે ગમે તેમ કરી કબીર સામે બદલો લેવો છે. જ્યાં સુધી હું તે હરામીને મારી નજર સામે તડપી તડપીને મરતો નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે.” વિકાસે ગુસ્સામાં સ્વરે કહ્યું.

“સાહેબ, તમે જે કહો તે પ્રમાણે કરીએ. પણ પછી તમે પણ શાંતિથી રહી શકશો નહીં. પોલીસ તમને છોડશે નહીં.” બહાદુરસિંહ હવે વિકાસ શું વિચારે છે તે જાણવા માંગતો હતો.

થોડુ વિચારી વિકાસ બોલ્યો “જો હવે તેણે અનેરી મારી પાસેથી છીનવી લીધી છે. મારી જીંદગી તેણે નર્કથી પણ ખરાબ કરી નાખી છે. હવે મારી પાસે ગુમાવવાનુ કંઇ નથી. હવે મારુ ભલે ગમે તે થાય હું તેને નહીં છોડું.” આટલુ બોલીને તે રોકાયો અને થોડો વિચાર કરી આગળ બોલ્યો “બહાદુરસિંહ, તુ મને કબીરની ક્ષણેક્ષણની ખબર આપ. મારે તેને એવા સમયે મારવો છે જ્યારે અનેરી પણ તેની સાથે હોય. અનેરીને પણ તેની ભૂલ સમજાવી જોઇએ.”

આ સાંભળી બહાદુરસિંહ બોલ્યો “સાહેબ આને બદલે આપણે પોલીસને જાણ કરીએ તો.”

“ના, પોલીસ તેને કાંઇ કરી શકશે નહીં. આપણી પાસે આ ચેક અને પેલી ટેપ સિવાય કોઇ સબૂત નથી. નાનુસિંઘ અને પેલો દાસ પણ આપણા હાથમાંથી છટકી ગયા છે. પોલિસ તેને એક દિવસ પણ રોકી શકશે નહીં. અને તે પછી કબીર સાવચેત થઇ જશે. આપણે તો તેને ખબર પડે તે પહેલા જ તેનુ કામ પુરૂ કરી દેવુ પડશે.”

“ ઓકે સાહેબ પણ આપણે આ કામ કોઇ માણસને સોપી દઇએ તો.”

“ના, ના. જ્યાં સુધી હું કબીરને મારા હાથેથી સજા નહીં આપુ ત્યાં સુધી મને ચેન નહીં પડે. તું મને કબીરની પળેપળની ખબર આપજે.”

“ઓકે સાહેબ. હું કબીર પર વોચ રાખીશ અને યોગ્ય મોકો મળશે ત્યારે તમને જાણ કરુ છું.”ત્યારબાદ બહાદુરસિંહ ત્યાંથી નીકળી ગયો.

રિષભ તેની ઓફિસમાં ફોનની આતુરતાથી રાહ જોઇને બેઠો હતો. ત્યાં તેના મોબાઇલમાં અભયનો કોલ આવ્યો. રીષભે તરતજ ફોન ઉપાડ્યો.

“સર, મહેમાન આવીને જતા રહ્યા છે. તેની સરભરા સારી રીતે થઇ ગઇ છે. મહેમાનને ગીફ્ટ પણ આપી દીધી છે. આપણું કામ સારી રીતે પૂર્ણ થઇ ગયું છે.” અભયે સમાચાર આપતા કહ્યું.

“ઓકે, પણ યજમાનને વધુ તકલીફ તો નથી થઇને?” રિષભે પૂછ્યું.

“ના, થોડો મુંઢ માર લાગ્યો છે અને પેહેલા માળેથી કુદવાના કારણે નાનુ એવુ ફ્રેક્ચર થઇ ગયું છે.” અભયે પરિસ્થિતિ સમજાવતા કહ્યું.

“ઓકે તો તેની સારવારની વ્યવસ્થા કરજે. અને સંજય મહેતા પર નજર રાખજે.”

“ઓકે, સર.” કહી અભયે કોલ કટ કર્યો.

રિષભે ફોન પૂરો કરી મોબાઇલ સાઇડમાં મૂકયો. ત્યાં તેના બીજા બેનંબરી મોબાઇલમાં રીંગ વાગી. રિષભે મોબાઇલ પર નંબર જોયા એ સાથે જ તેના ચહેરા પર સ્મિત આવી ગયુ. તેની આખી યોજનાનો આધાર આ નંબરવાળા વ્યક્તિ પર હતો. રિષભે ફોન ઉંચકી વાત કરી. સામેવાળી વ્યક્તિએ જે વાત કરી તે સાંભળી રિષભે ફોન મુકી દીધો. ફોન મૂકી રિષભે તરત જ બીજા ફોન લગાવવાની શરુઆત કરી હવે તેની યોજનાના બીજા ચરણની શરુઆત થવાની હતી. હવે પછીની યોજનાનુ ચરણ જો વિના વિઘ્ને પાર પડી જાય તો રિષભે ધારેલી આખી યોજના પાર પડવામાં કોઇ અડચણ રહે નહીં. પણ બીજુ ચરણ પાર પડવામાં કેટલીક શકયતાઓ રહેલી હતી. આ ચરણમાં કેટલાક જો અને તો હતા. આ જો અને તો તરફેણમાં કામ કરે તો જ આખી યોજના સફળ થાય એમ હતી. જો કે રિષભે આ જો અને તો ને બંને તેટલા તેની તરફેણમાં ફેરવી દીધા હતા પણ આમ છતા આખી યોજના માણસના મગજ સાથે જોડાયેલી હતી. માણસનુ મગજ ક્યારે શું કરે તે કંઇ કરી શકાય એમ નહોતુ. હવે પછીની યોજના એક માઇન્ડ ગેમ હતી. જો કે રિષભને આ ગેમ ગમતી પણ આ યોજનામાં પાસા ઉંધા પડે તો આખી યોજના ફોક જતી હતી. એટલે રિષભે દરેક પગલે સાવચેતી રાખવી પડે એમ હતી.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM