આગળ જોયું કે દેવેન કાવ્યાએ આપેલી બુક વાંચવા બેઠો. જોઈએ હવે આગળ...
દેવેને શરૂઆત કરી જેમાં એક પાત્ર હતું મોહન. જેના જન્મથી લઈને યુવા અવસ્થા સુધીમાં એના જીવનમાં આવેલી એક પરી જેવી છોકરી જેનું નામ હતું માધવી. આ બન્નેની પ્રેમ કથા લખેલી હતી. જેમાં માધવીના માતાપિતાનું માન સન્માન સાચવવા માટે મોહન પોતે માધવીના લગ્ન બીજા સાથે કરાવે છે. છતાં પોતે માધવીને પોતાના છેલ્લા શ્વાસ સુધી સાચા હૃદયથી પ્રેમ કરે છે. આ તરફ માધવી પણ મરે ત્યાં સુધી મોહનને પોતાના હૃદયના શ્વાસે શ્વાસે વસાવીને જીવે છે. બંને એકબીજાના હૃદયમાં જીવતા રહ્યા અને એ બંને આ સર્વજગતના ભગવાન બન્યા.
કાવ્યા મનોમન દેવેનને ચાહતી હતી. પણ ક્યારેય એણે પોતાની ભાવનાને વ્યક્ત કરતી નહીં જે એનો હંમેશનો સ્વભાવ રહ્યો છે. કાવ્યા ના મતે આ પોતાની કહાની નો મોહન એટલે આપણો દ્વારિકનો નાથ અને આ માધવી એટલે બરસાણાની રાધારાની.
રાધાકૃષ્ણની આ અલગ નામથી લખેલી કાવ્યાની કહાની દેવેનને કંઈક અલગ જ અસર કરી ગઈ. આખરે તે પ્રિયાની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરે છે અને કાવ્યા પાસે આવે છે. અને કાવ્યાને એની બુક આપતા કહે છે, " કાવ્યા, આ લે તારી બુક. થેંક યુ સો મચ, તે મારી મદદ કરી. હું જે ભ્રમમાં જીવતો હતો એ ભ્રમ તે દૂર કર્યો છે. પ્રિયા તો મારા હૃદયમાં હમેશા રહેશે. પણ હું જે તારા માટે વિચારતો હતો એ તદ્દન ખોટું હતું. પ્લીઝ મને માફ કરી દે."
" કઈ નહિ દેવેન, બસ તું સમજી ગયો એથી વધારે સારું શું હોય શકે." - કાવ્યા એકદમ સહજતાથી અને હળવા હાસ્ય સાથે જવાબ આપે છે.
કાવ્યાના આ વર્તનની અસર દેવેનના હૃદયને સ્પર્શી ગઈ હતી. આથી દેવેન થોડા દિવસો પછી કાવ્યાને પોતાના જીવનમાં સામેલ કરવા જવા નીકળે છે. એ કાવ્યા પાસે પહોંચે છે અને એને પોતાના હૃદયની વાત કરવા જવા માટે માત્ર એક રોડ ક્રોસિંગ જ કરવાનું રહ્યું હતું. એ ચાલીને રોડ ક્રોસ કરવા જાય છે ત્યારે એક ટ્રક સાથે અચાનક એનું એક્સીન્ડટ થાય છે. આ જોઈને કાવ્યાને હૃદયને ધ્રાસકો પડે છે. એ થોડા સમય માટે તો ભાનમાં જ ના રહી.
માણસોનું મોટું ટોળું દેવેનને ઘેરી વળ્યું. આ ટોળામાં કાવ્યા ધીરેથી જગ્યા કરીને અંદર ગઈ અને જોયું તો દેવેનના શ્વાસ હજી ચાલતા હતા. દેવેનના હાથમાં રહેલ ગુલાબનું કચડાઈ ગયેલું ફૂલ જોઈ કાવ્યા દેવેનના મનની વાત સમજી ગઈ. એ કંઈ બોલી શકે તે પહેલાં જ ટોળામાંથી એકાદ વ્યક્તિ એમ્બ્યુલન્સને બોલાવે છે અને તાત્કાલિક દેવેનને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે. દેવેનનું ઓપરેશન કરવામાં આવ્યું. દેવેનના ઘરમાં જાણ કરવામાં6 આવી. કાવ્યા પહેલેથી દેવેન પાસે હતી. એ જોઈને ઘરના સભ્યો એને ઓળખવાની કોશિશ કરવા લાગ્યા. એવામાં ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે, " દેવેનનો જીવ બચી ગયો છે. પણ દેવેન એનો એક પગ ગુમાવી ચુક્યો છે. તમે એને મળી શકો છો."
બધા એકસાથે દેવેનનો મળવા ગયા. ત્યારે દેવેન કાવ્યાને એકવાર મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એટલે કાવ્યા તરત દેવેન પાસે જાય છે. કાવ્યાની આંખમાં આંસુની ધારા હતી. દેવેન કાવ્યાને કહે છે, " કાવ્યા હું તને પસંદ કરું છું. પણ હું તારી સાથે લગ્ન નહિ કરું ચિંતા ન કરીશ. તું જા અને આઝાદ જિંદગી જીવજે. જે જગ્યા આ હૃદયમાં તે બનાવી છે એ કોઈ નહિ લઈ શકે. "
આટલું સાંભળતા કાવ્યા પોક મૂકીને દેવેનને ભેટીને રડી પડી. અને કહેવા લાગી, " દેવેન, આ પ્રેમ કઈ એમજ ન થાય. હું તને દરેક પરિસ્થિતિમાં સ્વીકારવા તૈયાર છું."
આ દરેક દ્રશ્ય દેવેનના પરિવારે જોયું અને દેવેન સાજો થાય એટલે કાવ્યા અને દેવેનના લગ્ન લેવાનું નક્કી કર્યું.
◆સમાપ્ત◆
પ્રેમની પરાકાષ્ઠા... કદાચ આ જ સાચો પ્રેમ હોય શકે.
🙏મારી નાનકડી વાર્તા વાંચીને અમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.🙏