GUMRAH in Gujarati Short Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | ગુમરાહ

Featured Books
Categories
Share

ગુમરાહ

ગુમરાહ

ગઈકાલે ફરીથી શાળાના માસ્તર મનુભાઈએ મને ખબર આપી કે “ તમારો રાજકુમાર પંકજ શાળામાં છેલ્લા ચાર દિવસથી હાજર રહેતો નથી. દીકરો ક્યાંક ગુમરાહ થઈ જશે.” એટલે આજે ભોજન પછી પંકજે શાળામાં જવા માટે પોતાનો થેલો લટકાવ્યો અને શાળાએ જવા નીકળ્યો તેને કોઈપણ રીતે ખ્યાલ ન આવે તે રીતે હું પણ તેની પાછળ ચૂપકીદી સેવીને પાછળ પાછળ ચાલ્યો જતો હતો. પણ આ શું ! મેં જોયું તો મારો રાજકુમાર શાળામાં જવાના રસ્તાને બદલે બીજા જ રસ્તા પર જઈ રહેલો હતો !

ચાલતાં ચાલતાં અમે ગામ બહાર નીકળી ગયા. એ એની ધૂનમાં જ આગળ ચાલે જતો હતો. એણે પાછા વળીને એક વાર જોયું પણ નહીં, સીટી વગાડતો, ક્યારેક પથ્થરને બૂટ વડે ઠોકરો મારતો આગળ વધે જ જતો હતો. મનમાં ને મનમાં, હું બોલ્યો ! સુવ્વરનો બચ્ચો ! એ નહોતો જાણતો કે એના આ બુટ ખરીદવા એના બાપને સવારથી સાંજ સુધી ફાઇલોની સાથે કેટલા માથા ફોડવાં પડતા હતાં !

મદારીઓના ડેરા તંબુ નજીક એ પહોંચ્યો, તો પાંચ-છ કૂતરા જોરશોરથી ભસતા એની નજીક લપકયાં. તે જોઈ હું ગભરાઈ ગયો- ક્યાંક એ મારા દીકરાને પગે બચકું ભરી લે તો ! પણ જેવો એ કુતરાઓની નજીક પહોંચ્યો કે તેઓ દુમ (પુછડી) હલાવવા લાગ્યા. ઓહ ! મતલબ કે કૂતરા સાથે આ ભાઈને જૂની ભાઈબંધી હોય તેવું લાગ્યું.

હું ઝાડની આડશે જોઈ રહ્યો હતો. મદારીના એક છોકરાએ ચાર-પાંચ સાપ પંકજના ગળામાં લટકાવી દીધા. આ જોઈ મારો તો શ્વાસ જ અધ્ધર થઈ ગયો ! દિલ ધડકતું હતું. પણ ધીરે ધીરે સાપ ગળેથી સરકીને બદન પર થઈ ઘાસ ઉપર રમવા માંડયા.

પછી પંકજ ત્યાંથી આગળ વધ્યો. નહેરના કિનારે કેટલાક બંગાળી છોકરાઓ માછલાં પકડી રહ્યા હતા. આ બધું એ એકીટશે જોઈ રહ્યો હતો. જોવામાં એકલો મશગૂલ હતો કે હું એનો બાપ એની અડોઅડ જઇને ઊભો રહ્યો તેમ છતાં એ ભાઈ સાહેબને ખ્યાલ ન રહ્યો. એની આંખોમાં ઉત્સુકતા હતી, જીવન પ્રત્યેનો પ્યાર હતો, એ ત્યાંના વાતાવરણમાં લીન થઇ ગયો હતો.

એકાએક પંકજની નજર મારા ઉપર પડી અને મને જોઈ એનું મોં પડી ગયું. આખરે એને કાંઈ ન સૂઝ્યું એટલે એણે આંગળી ચીંધી કયું, “ પાપા, આ લોકો માછલી પકડી રહ્યા છે.” હું પણ એની સાથે બેસી ગયો. ના એની સ્કૂલની વાત નીકળી, ના મારી ઑફિસની ! ના મેં એને પૂછ્યું કે, તુ શાળાને બદલે આ બાજુ કેમ આવ્યો. ન એણે મને પૂછ્યું કે હું ઓફિસને બદલે આ બાજુ શી રીતે આવી પહોંચ્યો. મિત્રોની જેમ અલક મલકની હાંકતા રહ્યા. “ચાલો પાપા, નદીની પેલે પાર જઈએ.” કહી એ બૂટની દોરી છોડવા લાગ્યો.

“ ના બેટા, જો પગ ભીના થશે તો તને શરદી થશે.” કહી મેં એને મારી પીઠ ઉપર બેસાડ્યો અમે એના હાથ મારા ગળે લપેટી દીધા.

એના ચિંતા-ભય બધું જ ગાયબ થઈ ગયું. એ બોલ્યે જતો હતો : “પાપા નદીની પેલી બાજુ એક પથ્થરફોડો છે. દિવસ આખો બસ પથ્થર પડ્યા કરે છે. વળી ત્યાં એક સ્વામીજી પણ છે.”

નદી પાર કરી સામે જ સ્વામીજીને મળ્યા, સ્વામીજીએ કહ્યું “ તમારો દીકરો છે કે ?”

“હા.”

“ ઘણો ડાહ્યો અને ભોળો છે. ચોક્કસ તમારું નામ રોશન કરશે.”

ન જાણે આટલી વાત પણ મને એવી ખુશી થઇ કે શાળાએથી ભાગેલા એ દીકરાને વિશે મને ગર્વ થવા લાગ્યો.

નજીકમાં જ થોડા ઝુંપડા હતા. વાસણ માંજતી એક ભરવાડણે કહ્યું, “ ઘણા દિવસે આવ્યો, પંકજ !”

પંકજ એની નજીક જઈ લાડમાં બોલ્યો, “ હા, માસી ! આજે તો મારા પપ્પા પણ આવ્યા છે.” પંકજની માસી અમને ચા પીવડાવવા માગતી હતી પરંતુ અમે ના કહી.

મનોમન હું પંકજને શાળામાંથી ન ભાગી જવાનું સમજાવવા કોશિશ કરતો રહ્યો; પરંતુ કાંઇ ન કહી શક્યો. આખરે મેં નક્કી કર્યું કે આજે નહિ, પરંતુ એકાદ બે દિવસમાં એને સમજાવી દઈશ.

વરસાદે જોર કર્યું હતું. અમે જેમ તેમ કરી અમારા ઘરે પહોંચી ગયા. ત્યાં તો ઘરના આંગણામાં જ ધુવાંપૂવાં થતી એની મા સામે ઉભી હતી. એણે મારો ઊધડો જ લીધો ; “આખો મહોલ્લો ઘૂમી વળી. પહેલા તો બેઠો જ ભાગતો હતો. હવે તો બાપે ભાગવા લાગ્યો કે શું ?”

બની શકે કદાચ એને કચેરીમાંથી જાણ થઈ ગઈ હશે કે હું પણ આજે ઓફિસે ગયો નથી. પંકજ મારી સોડમાં ભરાયો- પણ જાણે એ મને એની સોડમાં લઈ લેવા માંગતો ન હોય ! એને થતું હશે કે એને થતું હશે કે એને કારણે જ એના પાપાને આ બધું સાંભળવું પડે છે. કદાચ મારા મનની અંદર સૂતેલા પુત્રને જાગૃત થયેલો જોઈ એના મનની ભીતરનો સૂતેલો બાપ જાગ્યો હતો. પળ બે પળ રહી એ બોલ્યો, “ પાપા, હવે હું ડાહ્યો થઈ ભણ્યા કરીશ હોં !”

ઉપર મુજબની બની ગયેલ બીનાની કેટલાય મહિના વીતી ગયા. હવે એ નિયમિત શાળાએ જાય છે. પહેલા કેટલીય વાર શાળાના માસ્તરની અને એની માની ધમકીઓની કોઈ અસર એના પર નહોતી થઈ. પણ છેલ્લા પ્રસંગની એના ઉપર ઘેરી અસર થઈ. એને થઈ ગયુ કે, એના પાપાને ઠપકામાંથી બચાવવા એણે શાળાએ જવું જ જોઈએ.

બધા ખુશ છે, શાળાના માસ્તર મનુભાઈ પણ ખુશ હતા, એને જન્મ આપનાર એની મા પણ ખુશ છે અને હું પણ....હા, પહેલા પહેલા મનેય ખુશી થઇ હતી. પં હવે....

રાતના નવ વાગી ચૂક્યા છે. બારીમાંથી વીજળી ચમકતી દેખાઈ રહી હતી. આગિયા ઝબૂકી રહ્યા છે, પંકજ ટેબલ લેમ્પ પાસે પુસ્તકોમાં આંખો પરોવી બેઠો છે. પણ મારા મનમાં અંતરમાં હલચલ મચી રહી છે. જીવને થાય છે કે શાળા માંથી ભાગી છૂટે, હું ઓફિસમાંથી, અને હમે બાપ-દીકરો આખી દુનિયાને અંગૂઠો દેખાડી જંગલોમાં ઘૂમતા રહીએ ! પણ આ વાત હું કોઈને કહી શકતો નથી, પહેલા સમય એવો હતો કે, દીકરો ‘ગુમરાહ’ હતો- હવે સમય બદલાઈ ગયો....- દીકરાને બદલે તેનો બાપ ગુમરાહ થઈ ગયો હતો.

----------------------------------------------------------------------------------------------------------------

DIPAKCHITNIS(DMC) dchitnis3@gmail.com