૨૦૧૭
‘તમે મેં કહ્યું એટલું સાચવી લેજો.’, મનહર પટેલે તેના સાથીદારોને સમજાવ્યું.
મનહર પટેલે હાર્દિકને મળવા બોલાવ્યો હતો. સાંજના ૦૬:૩૦ કલાકે. પટેલ અને તેના ત્રણ સાથીદારો, તેના ઘરના દિવાનખંડમાં હાર્દિકની પ્રતીક્ષામાં હતા. ચારેય જણા રાજસ્થાન સ્થિત આર્કીઓલોજીને લગતી શૈક્ષણિક સંસ્થા દ્વારા પાઠવેલ પ્રત્યુત્તર વિષે ચર્ચા કરી રહેલા. ડોરબેલ રણકી.
‘હું... જોઉ છું...’, સમીરા મુખ્યદ્વાર તરફ ગઇ.
‘જી... હું હાર્દિક...હાર્દિક મિસ્ત્રી...! પટેલ સાહેબે મળવા બોલાવ્યો છે...’, સમીરાના દરવાજો ખોલતાંની સાથે જ હાર્દિકે ઓળખાણ આપી.
‘અંદર આવો...ભાઇ...!’, સમીરાએ હાર્દિકને આમત્રંણ આપ્યું.
હાર્દિક દિવાનખંડમાં દાખલ થયો. તેની નજર સમક્ષ સોફા પર બે વ્યક્તિઓ અને તેની પાસે જ ગોઠવેલ બે ખુરશીઓ પર અન્ય બે વ્યક્તિઓ બિરાજેલ. પટેલે હાર્દિકને સ્થાન ગ્રહણ કરવા ઇશારો કર્યો.
‘આપે મને યાદ કર્યો... કોઇ ખાસ કામ સાહેબ...!’, હાર્દિકે સાહજીકતા દર્શાવી.
‘હા... જો હું સીધી જ કામની વાત કરૂં તો... તું તારા ભાઇને તેની શોધને લગતું કામ અટકાવા જણાવી દે...’, પટેલે સાફ શબ્દોમાં આદેશ આપ્યો.
‘તમે વિનંતી કરો છો કે હુકમ કરો છો?’, હાર્દિકે પટેલની આંખોમાં જોયું.
હાર્દિકનો સામો સવાલ સાંભળી પટેલની આંખો લાલ બની. તેની આંગળીઓ હાથમાં રાખેલ ચાના કપ પર કસાઇ, ‘હુકમ કરૂં છું.’, પટેલે કપ ટિપોઇ પર મૂક્યો, ‘અને હા...! બીજી વાત... જો તારો ભાઇ નહિ સમજે તો તે ક્યાંય ગાયબ થઇ જશે, ખબર પણ નહિ પડે...’
‘સાહેબ... હવે તો તમે ધમકાવી રહ્યા છો.’, હાર્દિકે પાણીનો પ્યાલો ઉઠાવ્યો, જે સમીરા ટિપોઇ પર મૂકી ગયેલી, ‘તમારા જેવા વ્યક્તિ... ચાર માણસોની હાજરીમાં મને ધમકી આપી રહ્યા છે, તો ચોક્કસ મારા ભાઇની શોધમાં કંઇક તો છે, મને ગર્વ છે તેના પર.’
‘ગર્વ નહિ... તું શોક મનાવીશ...’, આ વખતે ભટ્ટ ગુસ્સામાં સોફા પરથી ઊભા થયા.
‘તને ખબર છે... તું કોની સાથે વાત કરી રહ્યો છે...’, અવાજ હતો ખુરશી પર બિરાજેલ, શ્વેત વસ્ત્રોધારી, સામાન્ય દેખાવ ધરાવતા, સરસપુર વોર્ડના કોર્પોરેટર વિજય બારોટનો. ચશ્માના કાચ સાફ કરતા કરતા તે હાર્દિકની નજીક આવ્યો, ‘જો બેટા...! તારી ઉંમર ઘણી નાની છે, સામે આખી જીંદગી પડી છે... જીવો અને આનંદ માણો... આ બધી માથાકૂટમાં પડ્યા વિના, તારા ભાઇને સમજાવ.’, વિજયે ચશ્માના કાચ પર ફૂંક મારી.
‘તમે તો... વિજય મહેતા છો... પ્રજાના હિતમાં કામ કરનાર... કોર્પોરેટર’, ભાવિને પાણીનો પ્યાલો ટિપોઇ પર મૂક્યો.
‘હા...હું એ જ છું. આજે તારા અને તારા ભાઇના હિતમાં વાત કરવા આવ્યો છું.’
‘તમે જે પણ કહો... હું મારા ભાઇને કંઇ પણ સમજાવીશ નહિ. તે તેનું કામ ચાલું જ રાખશે...’, હાર્દિકે ઊભા થવા પ્રયત્ન કર્યો, પરંતુ તેના ખભા પર દબાણ આવ્યું અને તેને ફરીથી ખુરશી પર બિરાજવું પડ્યું. દબાણ આપનાર તે ચોથા વ્યક્તિને હાર્દિક ઓળખતો નહોતો.
‘આ આપણી વાત સમજે તેવી પ્રકૃતિનો માણસ નથી...’, ચોથા વ્યક્તિએ પટેલ સામે જોયું, ‘તને ખબર નહિ હોય માટે જણાવી દઉં કે અમે ચાર વ્યક્તિઓ અમદાવાદ માટે ચાર સિંહ બરાબર છીએ, જેને તે હંમેશા રાષ્ટ્રીય મુદ્રામાં જોયા હશે... અમારી મહોર જ્યાં વાગી જાય, ત્યાં સામાન્ય શબ્દો પણ આદેશમાં રૂપાંતરીત થઇ જાય છે. એટલે તારા માટે આ છેલ્લી તક છે... તે તારા અત્યાર સુધીના જીવનમાં નહિ જોયા હોય તેટલા પૈસા મળશે...’
હાર્દિકે તે વ્યક્તિનો હાથ ખભા પરથી ખસેડ્યો, ‘મારા અને મારા ભાઇ પૂરતું હું કમાઇ લઉ છું. મારી જરૂરીયાતો અત્યંત ઓછી છે... માટે પૈસાનો મને કોઇ મોહ છે જ નહિ.’
પટેલ સોફા પરથી ઉઠી, ટીવીની પાસે ખૂણામાં રાખેલ ટેબલ પાસે ગયો. ખાનામાંથી પિસ્તોલ કાઢી અને હાર્દિક તરફ તાકી, ‘સામ અને દામ, તું માનતો નથી. તો હવે ત્રીજો રસ્તો, દંડ ભોગવવા તૈયાર થઇ જા.’, પટેલે સાયલેન્સર લગાડ્યું અને ટ્રીગર દબાવ્યું. ગોળી છુટી.
પટેલના દિવાનખંડમાં અજબની શાંતિનું આવરણ પથરાઇ ગયું. હાર્દિક સ્તબ્ધ હતો. ભટ્ટ અને ચોથો વ્યક્તિ પણ એકતરફ ચૂપચાપ ઊભા હતા. પટેલના હાથને વિજયે પકડીને ઉપરની તરફ કરી ગોળીની દિશા બદલી હતી. શાંત વાતાવરણમાંથી અચાનક હાર્દિકે ભાગવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભટ્ટ અને ચોથા વ્યક્તિએ તેને દબોચી લીધો, અને ખુરશી પર બેસાડી દીધો.
*****
પટેલ અને હાર્દિકની મુલાકાતના બીજા દિવસે,
‘સર... હાર્દિક કાલ રાતથી ઘરે નથી આવ્યો...’, ભાવિને મુકેશ પટેલને જણાવ્યું.
બન્ને સ્કુલ ઓફ સાયન્સના કેમેસ્ટ્રી વિભાગમાં મુકેશના કાર્યાલયમાં હતા. મુકેશે ફોન ટેબલ પર મૂક્યો, ‘તે એને કોલ કર્યો?’
‘હા...સર...! એક વખત નહિ, કેટલાય પ્રયાસ કર્યા, સ્વીચ ઓફ છે.’, ભાવિને મુકેશની સામે જોયે રાખ્યું, ‘હું વિચારૂ છું કે પોલીસ ફરીયાદ કરી દઉ.’
‘ના... જરા થોભ... મને લાગે છે ત્યાં સુધી હાર્દિક આવ્યો નથી, એવું નથી. એ ક્યાંક ફસાયો છે.’, મુકેશે બન્ને હથેળીઓને ચહેરા પર ફેરવી, ‘મને ખબર છે, તેની ભાળ કોની પાસેથી મળશે?’
‘તો, ચાલો સાહેબ... આપણે તેમની પાસે જઇએ.’
‘આપણે જઇ શકીએ તેમ નથી. તેઓ બહુ મોટા માથાઓ છે... મને પણ ધમકી આપી ચૂક્યા છે...’, મુકેશે ભાવિન સામે જોયું.
‘સર... તમે કેમ ડરો છો? હું પૂછીશ... તમે મને ફક્ત જાણ કરો કે કોણ છે?’, ભાવિને મુકેશને હાથ જોડ્યા.
મુકેશ ગુસ્સે થયો, ‘હું ડરતો નથી. મને તારી ચિંતા છે. હાર્દિકની કોઇ ખબર નથી અને તું પણ અમદાવાદ આવ્યો છે... હવે મને તારી ચિંતા વધુ થઇ રહી છે.’
‘તમે ચિંતા ના કરશો... હું ભાઇ માટે કોઇ પણ જાતના ખતરા માટે તૈયાર છું.’
‘સારૂં... તું લેબમાં મારી રાહ જો. હું થોડી વારમાં આવું છું.’
‘ના...સર...! આપણે હમણાં જ જઇએ. મને ભાઇની ચિંતા મારા કરતા વધુ છે.’, ભાવિને મુકેશનો હાથ પકડી લીધો.
‘અત્યારે નહિ... હું તને જાણ કરીશ ક્યારે જવું જોઇએ તે અર્થે.’, મુકેશ આટલું બોલી, તેનો હાથ છોડાવી કાર્યાલયમાંથી બહાર નીકળી ગયો. ભાવિન તેમની પાછળ પાછળ બહાર આવ્યો અને મુકેશને ઝડપભેર નિસરણીઓ ઉતરતા જોઇ રહ્યો.
‘હે...! કાલ રાતથી મારો કોલ ઉપાડતો કેમ નથી?’, ભાવિનની પીઠ પર દિપલે મુક્કો માર્યો.
‘તું જા...યાર... અત્યારે મને મારા હાલ પર છોડી દે.’
‘કેમ? શું થયું? તારી આંખો પણ થાકેલી દેખાય છે. બધું બરોબર તો છે ને?’, દિપલે ભાવિનનો હાથ તેના હાથમાં લીધો.
‘હા...’, ભાવિન હાથ છોડાવી ચાલવા લાગ્યો.
‘અરે.... ઊભો રહે... મને જણાવ શું થયું છે? કદાચ હું તારા પ્રશ્નનો જવાબ શોધવામાં તને મદદ કરી શકું?’, દિપલે ફરીથી ભાવિનનો હાથ પકડ્યો.
ભાવિનની આંખો ભીની થઇ. દિપલ સમજી ગઇ કે કંઇ અજુગતું બન્યું હતું. તે ભાવિનને ચાની હાટડી પાસે ખેંચીને લઇ ગઇ. ત્યાં તેઓ બેઠા. ભાવિને દિપલને આગળની રાતની સંપૂર્ણ બાબત જણાવી. ભાવિનનો હાથ દિપલે હજુ પણ પકડી રાખેલો. તેના હાથ પર દિપલે બીજો હાથ રાખ્યો, ‘ચિંતા ના કરીશ... હમણાં જ આપણે પોલીસને જણાવી દઇએ...’
‘મુકેશ સરે... તેના માટે ના પાડી છે.’, ભાવિને હાથ છોડાવ્યો.
‘ભલે ના પાડી... આપણે ફરીયાદ નહિ નોંધાવીએ. સરને ખબર પણ નહિ પડે.’, દિપલે ભાવિનને ચાનો પ્યાલો આપ્યો, ‘વગર ફરીયાદે કામ થશે...’
‘કેવી રીતે?’
‘તું હજી દિપલને સંપૂર્ણરીતે જાણી શક્યો નથી.’, દિપલે ભાવિનને બિશ્કીટ આપ્યા, ‘મારૂં પૂરૂં નામ દિપલ વિજયકુમાર બારોટ છે... અહીં કોઇ જાણતું નથી કે મારા પિતા સરસપુર વોર્ડના કોર્પોરેટર છે. તેમના દ્વારા આપણે તપાસ કરાવીશું.’, દિપલે ભાવિનનો હાથ પકડ્યો અને તેને સાથે લઇને ચાલવા લાગી.
*****
‘ડેડ...! મારા મિત્રને આપની મદદ જોઇએ છે.’, દિપલના ઘરમાં દાખલ થતાં જ તેણે વિજયને કહ્યું. દિપલનું ઘર ઝવેરીવાડની બાજુમાં જ હાજા પટેલની પોળમાં આવેલું. રીલીફ રોડ તરફ આવેલ પોળના દરવાજાથી અંદર દાખલા થતાં જ ડાબી તરફની ગલીમાં ઘર હતું. ઘરમાં દાખલ થતાં જ સામેની તરફ જ ખુરશી ઢાળેલી હતી. ખુરશી પર વિજય બિરાજેલો.
‘હા... કેમ નહિ?’, વિજયે દિપલના માથા પર હાથ મૂક્યો. ભાવિને વિજયની સામે આવતાં જ હાથ જોડી નમસ્કાર કર્યા. વિજયના ઇશારા સાથે જ ભાવિન, તેની સામે ગોઠવેલી ખુરશી પર બિરાજ્યો.
‘આ મારો મિત્ર ભાવિન છે. તેનો ભાઇ કાલ રાતથી ઘરે નથી આવ્યો?’, દિપલે પાણીનો જગ ભાવિનને આપ્યો.
‘તો પોલીસ ફરીયાદ કરો ને?’
‘પણ ડેડ... તેના ગાઇડ ના પાડે છે...’
‘કોણ છે તેના ગાઇડ?’
‘ડૉ. મુકેશ પટેલ...સર...’, આ વખતે જવાબ ભાવિને આપ્યો.
‘ઓહ... મુકેશ... હું ઓળખું છું... શું નામ છે આપના ભાઇનું...?’, વિજયે આંગળીઓ ખુરશીના હાથ પર રમાડી. થોડો સાવચેત બન્યો.
‘સર... હાર્દિક મિસ્ત્રી...’
‘ઠીક છે... તેમનો તાજેતરનો એક ફોટો મને આપી રાખ...હું મારી રીતે તપાસ કરાવું છું.’, વિજયે ભાવિનની આંખોમાં જોયું.
ભાવિનને તુરત જ ફોટો આપ્યો, ‘સર... ઉતાવળ કરાવજોને...’
‘ચિંતા ના કરીશ... અરે… બેટા...! ભાવિનને પોળ તો બતાવો... સાચું અમદાવાદ તો બતાવો...’, વિજયે દિપલ દ્વારા ભાવિનને ઘરની બહાર મોકલાવાનો પ્રયાસ કર્યો.
‘ના... સર...! આભાર...’, ભાવિને હાથ જોડ્યા અને ઘરની બહાર નીકળ્યો. દિપલ પણ તેની પાછળ જ તેને પોળના નાકા સુધી મુકવા બહાર નીકળી.
આ દરમ્યાન, વિજયે પટેલનો ફોન જોડ્યો, ‘હેલો પટેલ...! આપણે જેને કાલે ધમકાવા બોલાવ્યો હતો, તેનો ભાઇ તેને શોધી રહ્યો છે.’, હાથમાં રાખેલ હાર્દિકના ફોટાનો ડૂચો વાળી નાંખ્યો.
‘તારી પાસે આવ્યો હતો...?’, પટેલે પ્રશ્ન કર્યો.
‘હા... દિપલનો મિત્ર છે.’
‘ઓહ... ધેટ્સ ગ્રેટ...! તો હવે, આપણા માટે માર્ગ મોકળો થયો.’, પટેલના અવાજમાં આનંદ પ્રતીત થયો.
‘કેવી રીતે?’, વિજયે માથું ખંજવાળ્યું.
‘તે છોકરાને કાલે સવારે મારા ઘરે આવવા માટે સંદેશો આપ. આપણા સાથીઓને હું જાણ કરી દઇશ...’, પટેલે વિજયને બીજા દિવસના કાર્યને સમજાવ્યું.
‘ચોક્કસ, અને તેના ગાઇડનું શું?’
‘તેના ગાઇડની વ્યવસ્થા હું કરી દઇશ.’, પટેલે ફોન કાપ્યો.
‘ડેડ...યુ આર સો હેલ્પફૂલ...’, દિપલ ભાવિનને વિદાય આપીને ઘરમાં આવતાની સાથે જ વિજયને ભેટી પડી.
‘અરે...એમાં શું? મારૂ તો કામ જ છે પ્રજાની સેવાનું.’
‘મારો તમને એક વાત કરવી છે.’, દિપલ થોડી ગભરાઇ, અવાજ પણ ધીમો પડ્યો.
‘બોલ ને...બેટા...!’
‘તમે ના તો નહિ પાડોને?’
‘અરે... બેટા...! તને આજ સુધી મેં કોઇ પણ બાબત માટે ના પાડી છે.’
‘તમે જેના ભાઇને શોધવામાં મદદ માટે તૈયારી બતાવી… તે ફક્ત મારો મિત્ર જ નથી, હું તેને પ્રેમ કરૂં છું.’, દિપલની આંખો જમીન તરફ હતી. ચહેરા પર એક નાનકડા સ્મિતે દેખા આપી.
‘શું?... તને ભણવા મોકલી...આટલી છુટ આપી... આના માટે’, વિજયે દિપલને તમાચો ચોડી દીધો. જેના અવાજને લીધે દિપલની માતા દોડી આવી. રડતી દિપલને સાંત્વના આપતા આપતા તેણે વિજયની સામે જોયું, ‘હું તેના લગ્ન પટેલના છોકરા રોહન સાથે કરાવા માંગું છું, અને તે આવા સામાન્ય છોકરાના પ્રેમમાં પડી છે.’
‘હું તેને સમજાવી દઇશ... તમે નાહ્કનો ગુસ્સો કરશો નહિ.’, દિપલની માતા તેને લઇને રસોડમાં ચાલી ગઇ.
વિજય ખુરશી પર બિરાજ્યો. તેના ગાલ ગુસ્સામાં લાલ થઇ ગયેલા. જીવનમાં પહેલી વખત તેણે દિપલ પર હાથ ઉપાડ્યો હતો. તેણે મુઠ્ઠી વાળી. દાંત ભીંસ્યા, ‘ભાવિન...! કાલે તારા જીવનનો ખેલ ખતમ...’
*****