અશોક પોતાના પરિવાર સાથે એક નાનકડી ઓરડીમાં ભાડે રહેતો હતો. તેને એક ખૂબજ ડાહ્યો, હોંશિયાર, ચપળ, ચબરાક અને બુદ્ધિશાળી એવો દશ વર્ષનો દિકરો હતો. તેનું નામ અલય હતું.
તેની ઓરડીની પાછળ જ બીજી એક ઓરડી હતી જેમાં એક રમેશ નામનો છોકરો ભાડે રહેતો હતો. અને ઉપરના પહેલા માળે મકાનમાલિક રહેતા હતા.
અશોક રિક્ષા ચલાવતો હતો અને તેની પત્ની ચેતના ત્રણ-ચાર ઘરનાં કામ કરતી હતી તેથી આખો દિવસ બંનેમાંથી કોઈ ઘરે રહેતું ન હતું.
અલય પણ સવારે સ્કૂલે જતો અને બાર વાગ્યે ઘરે આવી જતો પછી આખો દિવસ તે એકલો જ ઘરે રહેતો.
નાના બાળકોને સ્વાભાવિક રીતે જ જીગ્નાશાવૃત્તિ હોય તેથી તે એકલો ઘરમાં હોય ત્યારે બારણાંની તિરાડમાંથી પાછળની ઓરડીમાં જોયા કરતો હતો.
એક દિવસ પાછળની ઓરડીમાં તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને તે નાનો બાળક જાણે હેબતાઈ જ ગયો હતો. પણ તેણે જે કંઈપણ જોયું તે વિશે તેણે કોઈને પણ કશું જ કહ્યું નહીં.
એક દિવસ તે એરિયામાં પોલીસ એક ખૂનના ગુનેગારને શોધતી શોધતી આવી. ખૂબ તપાસ કરી પરંતુ ખૂનની કંઈજ બાતમી મળી નહીં તેથી પોલીસ નિરાશ થઈને પાછી વળી.
બીજે દિવસે ફરીથી પોલીસ કૂતરાઓને લઈને તપાસમાં આવી અને ખૂનના ગુનેગારને શોધવા લાગી.
પરંતુ ખૂની તો એરિયા છોડીને જ ક્યાંક ભાગી ગયો હતો તેથી આજે પણ તે પોલીસનાં હાથમાં આવ્યો નહીં. હવે શું કરવું..?? તે પોલીસ માટે એક પ્રશ્ન હતો.
એટલામાં દશ વર્ષના અલયને લાગ્યું કે પોલીસ જે ખૂનીને શોધી રહી છે તે મેં જે જોયું છે તે જ હોઈ શકે છે. તેથી તેણે પોતે જોયેલી બધી જ વાત પોતાની મમ્મી ચેતનાને કરી.
ચેતનાએ આ વાત પોતાના પતિ અશોકને કરી. અશોકે હિંમત કરીને આ વાત પોલીસને જણાવી.
પોલીસે અલયને પોલીસ સ્ટેશને બોલાવ્યો અને બધું જ પૂછપરછ કરી.
અલયે કહ્યું કે, " અમારી પાછળની ઓરડીમાં જે રમેશભાઈ રહે છે તે એક દિવસ હાથમાં લોહી-લુહાણ મોટું ચપ્પુ લઈને આવ્યો હતો તેના કપડાં પણ લોહીથી લથબથ હતાં. તેણે પોતાના કપડાં બદલી કાઢ્યા અને તે લોહીવાળું ચપ્પુ અને લોહીવાળા કપડાં ઘરમાં એક ખૂણામાં ખાડો ખોદીને દાટી દીધા છે.
મેં આ બધુંજ મારા ઘરની તિરાડમાંથી જોયું છે. "
અલયના કહેવાથી પોલીસે બધી જ તપાસ હાથ ધરી અને રમેશ પકડાઈ ગયો. રમેશને પોતાના મિત્ર સાથે પૈસાની લેવડદેવડની બાબતમાં થોડા દિવસ પહેલાં જ ઝઘડો થયો હતો અને તેનો ગુસ્સો મનમાં રાખીને તેણે પોતાના મિત્ર મુકેશનું ખૂન પોતાને હાથે જ કરી નાખ્યું હતું.
પરંતુ ચેતના,અશોક અને અલયની બહાદુરીને લીધે ખૂની રમેશ પકડાઈ ગયો હતો.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/2/202
વ્હાલી માતૃભાષા...
જેટલી વ્હાલી મારી "માં" , તેટલી જ વ્હાલી મને મારી માતૃભાષા.... આપણને જે ભાષામાં સપના આવે તે આપણી માતૃભાષા....
અને હું જે ભાષામાં લખી શકું અને તમે તેને સમજી શકો તે મારી અને તમારી માતૃભાષા....ગુજરાતી.
આજે વિશ્વ માતૃભાષાના દિવસે હું આપણી માતૃભાષા ગુજરાતી વિશે કંઈક લખવા ઈચ્છું છું.
દરેકને પોતાની માતૃભાષા વ્હાલી હોય જ, પણ આપણાં ગુજરાતીઓની તો કંઈક વાત જ ઓર છે.
" જ્યાં જ્યાં એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત " દરેક ગુજરાતીના જીવનમાં ગુજરાતી ભાષા વણાઈ ગઈ છે. એક ગુજરાતી ગમે ત્યાં વસતો હશે પરંતુ તેના મનમાં તેના જીવનમાં ગુજરાતી ભાષા સદા ધબકતી રહે છે. અને તેના હ્રદયમાં એક ગુજરાતી જીવતો રહે છે પછી ભલેને તે યુ.એસ.એ. માં જ કેમ સેટલ ન હોય..!!
ગુજરાતી જેટલી સીધી અને સરળ ભાષા બીજી કોઈ હોઈ શકે તેમ મને લાગતું નથી અને તેના જેટલી અઘરી ભાષા પણ હોઈ શકે તેમ પણ મને લાગતું નથી. કારણ કે એવો પણ આખો એક વર્ગ છે જેને ' ઉમાશંકર જોષી ' કોણ તેની પણ ખબર નથી.
આ બાબતની ચિંતા કરતાં શ્રી ઉદયન ઠક્કરનો એક શૅર મને યાદ આવે છે જે હું અહીં આપની સમક્ષ રજૂ કરું છું.
" ખોવાઈ છે, ખોવાઈ છે, ખોવાઈ છે
કૉન્વેન્ટ સ્કૂલમાં ભણતી, સંચાલકો અને માતા-પિતાની બેદરકારીને કારણે ગુજરાતી ભાષા વાંચતી-લખતી એક આખી પેઢી ખોવાઈ છે. "
ખરેખર આ એક લાલબત્તી સમાન વાત છે કે આપણે જ આપણાં બાળકોને ઈંગ્લીશ મીડીયમની સ્કૂલમાં ભણાવવાનો ખોટો હઠાગ્રહ રાખીએ છીએ.
" બાર ગામે બોલી બદલાય " આ વાત પણ એકદમ સાચી છે. અને જો આટલી વૈવિધ્યસભર મારી ભાષા હોય અને આટલી ઉત્તમ મારી બોલી હોય તો મને મારી ભાષા માટે ગર્વ કેમ ન હોય..?? હોય જ તે સ્વાભાવિક વાત છે.
આપણી ભાષા એ તો આપણી સંસ્કૃતિનું પ્રતિક છે....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/2/2021