“આ વખતે તમારે આમ કરવું જ પડશે! ગુંજનને તમારે આંતરિક પૂરા ગુણ આપવા જ પડશે !! ક્યારેક આપણાં સિધ્ધાંતો સાથે બાંધછોડ કરવી પડે!” જિંદગીમાં ક્યારે પણ સાચી બાબતમાં બાંધછોડ ન કરનાર એવા આચાર્ય અને એ બાબતમાં મારા આદર્શ એવા બહેનના આ વાક્યથી મને બહુ આઘાત લાગ્યો. હું બહેનના મોઢા સામે જોઈને એમનું માનસિક તાગ મેવવાનો પ્રયત્ન કરતી રહી, પણ દર વખતની જેમ એમાં આ વખતે સફળતા ન મળી ! બહેને બીજા કામનું બહાનું કાઢી મને વધુ ચર્ચા ન કરવાના સંકેત સાથે વાત પૂરી કરી. આને હુકમ માનવો કે કોઈ કારણસર બહેનની મજબૂરી? એ ગડમથલ સાથે હું કમને ઓફિસ બહાર નીકળી ગઈ.
વાત જાણે એમ હતી, કે ધોરણ 10 માં અભ્યાસ કરતી ગુંજન નામ પ્રમાણેના ગુણ નહોતી ધરાવતી! વર્ગમાં ગણગણાટમાં ભાગ પણ ન લેતી અને સંગીત ગુંજન પણ કદી ન કરતી, તે શાંત હતી.ગણિતમાં અત્યંત રસ હોવાને કારણે તેમાં પ્રતિભા ધરાવતી, ગણિતજ્ઞ તરીકે અમે તેને ઓળખતા.તો આટલી નાની ઉમરે ખૂબ પુસ્તકોનું વાંચન કરી રહી હતી, એ બાબતે અમે આખી શાળામાં સહુને એનું ઉદાહરણ આપતા અને સહુને વાંચન માટે પ્રેરતા. પ્રથમ કસોટીમાં માત્ર એકાદ બે ગુણ ઓછા મેળવ્યા ને હવે તો બીજી કસોટીની તૈયારી ચાલી રહી હતી. આ બે કસોટીના અમુક ટકા માં રૂપાંતર કરી અને વર્ષ દરમ્યાન કરેલ વર્ગકાર્ય અને ગૃહકાર્યને આધારે વાર્ષિકમાં શાળા કક્ષાએ આંતરિક ગુણ મૂકી બોર્ડને મોકલીએ એટલે તે બોર્ડના 80 માં આ 20 ઉમેરાઈ કુલ 100 ગુણ માથી બોર્ડ પરિક્ષાર્થીના આખરી ગુણ ગણાય એ નિયમ મુજબ પ્રથમ કસોટી અને દ્વિતીય કસોટીમાં જો 45 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તથા ગૃહકાર્ય અને વર્ગકાર્ય નિયમિત કરનાર વિધ્યાર્થીને મોટા ભાગે જે તે વિષયમાં પૂરા આંતરિક ગુણ લગભગ મળી રહેતા. એ અનુસાર ગુંજન પ્રથમ કસોટીમાં સારા ગુણ મેળવ્યા, પણ એ કદી ગૃહ કાર્ય પૂર્ણ ન કરે. મારા સ્વભાવ મુજબ 3 થી 4 વખત માફી આપ્યા પછી મૂળ વાત જાણવા એને બોલાવીને પુછ્યું તો જાણવા મળ્યું કે શાળા સમય બાદ બીજી એક જરૂરી પ્રવૃતિમાં તે રોકાઈ હોવાથી તેને શાળાની નોટબુક પૂર્ણ કરવાનો સમય જ ન રહેતો. મે એ પ્રવૃતિ અંગે એની સફળતા વિષે સાંભળ્યુ હતું ને વધુ વિગતે જાણતા એણે જણાવ્યુ કે તે પ્રવૃતિમાં તે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા સુધી પ્રતિનિધ્ત્વ કરતી હોવાથી હવે તેને એમાં વધુ પ્રેક્ટિસ કરવાની હોવાથી શાળા બાદ નો બધો જ સમય એ એમાં વિતાવે છે. આમ તો આવી વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વિધ્યાર્થિનીઓને અભ્યાસ બાબતે અમે જરૂર અનુકૂળતા કરી આપીએ અને વર્ગની બીજી વિધ્યાર્થિનીઓ કરતાં ગૃહકાર્ય બતાવવા વધુ સમય આપતા હોઇએ કે જેથી તેનો બધી જ રીતે વિકાસ થવા સાથે તે તેના પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવાની તક પણ મળી રહે.
પણ લગભગ 6 માહિનામાં એક પણ વખત તેણે નોટ પૂર્ણ ન કરી ઉપરાંત વર્ગમાં કરવવામાં આવતા દાખલા રફનોટમાં પણ ન કરતી.પરિણામે મે એણે વર્ગમાં પ્રેમથી ટકોર કરીને બોર્ડનો નિયમ સમજાવ્યો કે, પેપરમાં ભલે પૂરા ગુણ મેળવો, બોર્ડમાં 80 માથી 80 મેળવશો, પણ એ સાથે ગૃહકાર્યના પણ ગુણ છે,જે ન કરેલ હોય તો એ આંતરિકના ગુણ ન મળે તો તમને બોર્ડમાં ગણિતમાથી 100 માથી પૂરા ગુણ નહીં મળે! ને જે બોર્ડમાં પૂરા 80 ન મેળવી શકે પણ વર્ષ દરમ્યાન પૂરી મહેનત સાથે, નિયમિત નોટ પૂરી કરી આપી હોય એવી વિધ્યાર્થિનીઓને આંતરિક પૂરા ગુણ મળી શકે છે. એટલે નોટ પૂર્ણ કરવાની ટેવ પાડજો. આ વાતથી એને ચિંતા થઈ કે નોટ પૂરી કરવી પડશે ને હવે બીજી પ્રવૃતિના બહાના હેઠળ નોટ ન બનાવવાની કુટેવ પડી ગઈ હતી! પણ હમેશની આદત મુજબ એ વર્ગમાં કઈ ન બોલી, ને ઘરે જઈને ખબર નહીં, શુ કહયું હશે કે તેના પિતા મારા વિષે ફરિયાદ લઈને આચાર્ય પાસે આવ્યા,કે બહેન આંતરિક પૂરા ગુણ ન આપવાની ધમકી આપે છે મારી દીકરી આટલી હોશિયાર છ્તાં તમે કેમ નોટનો આગ્રહ રાખો છો?!!ને સાથે ચેલેન્જ પણ કરી ગયા કે બીજી કસોટીમાં તમે એના એક ગુણ પણ નહીં કાપી શકો, જોજો એ પૂરા ગુણ મેળવી બતાવશે જ. વગેરે... બહેન સાથે એમણે બીજી શું વાત કરી હશે કે બહેને મને વર્ષના અંતે એ દીકરીને પૂરા ગુણ આપી દેવા આગ્રહ કર્યો? મે મારી રીતે બધુ જાણવાની કોશિશ કરી, પણ નિષ્ફળ જતાં છતાં મે મારૂ સત્ય પકડી રાખ્યું એટકે બહેને મારી પાસે શરત કરી કે જો એ બીજી કસોટીમાં પૂરા ગુણ મેળવે તો મારે એનું ગૃહકાર્ય માફ કરી ( નિયમોમાં છૂટછાટ ન જ આપું, પણ બેનના આગ્રહ કે હુકમ ને માન આપવા કદાચ ) આંતરિક પૂરા ગુણ આપવા !!
ગુંજનને બહેને પણ સમજાવી, એટલે મહેનત કરવાની અને નોટ પૂર્ણ કરવાનું બહેનને વચન આપ્યું. પણ એમાથી મહેનત કરવાનું એક વચન પૂર્ણ કર્યું ને નોટ પૂર્ણ કરવાનું નહીં, કેમકે એમાં હવે એને આળસ ચડી ગઈ હતી. એ તો ઠીક કદાચ માફ કરી શકું, પણ એની અપ્રમાણિકતા અને અસત્યને માફ ન કરી શકું. એ કારણે ફરી એક વાર મારે એણે વર્ગમાં ટકોર કરવી પડી જે તેના પિતાને ન ગમ્યું. બહેનને વચન આપ્યા પછીના થોડા દિવસો બાદ ગૃહકાર્ય ચેક કરવાના તાસમાં ગૃહ કાર્ય બાકી હોય એવી એના સિવની બાકીની વિધ્યાર્થિનીઓ અમારા નિયમ મુજબ પ્રમાણિકતાથી ઊભી થઈ. ગુંજન ઊભી ન થતાં હું ખુશ થઈને મે એના વખાણ કર્યા ને એની નોટમાં સહી કરવાનો વારો આવતા જોયું તો એની નોટમાં અધુરાશ હતી. તે ખોટું બોલી હતી.
અસત્ય બાબતને લઈને મને એના પર ગુસ્સો આવ્યો ને મે એના વાલીને મળવા બોલાવ્યા અને બહેનને આ બાબતની જાણ કરી. એ દિવસોમાં મારૂ બહુ વ્યસ્ત શિડ્યુયલ રહેતું હતું. હું એ દિવસે સામાજિક કાર્યક્રમોને કારણે બપોરે જમી નહોતી, ને બપોર પછી સતત વ્યસ્તતાને કારણે થાકીને ઘરે આવી જ હતી ને કકડીને ભૂખ પણ લાગી હતી. નાહીને ફ્રેશ થઈને જમવા બેસતી હતી,ત્યાં સાચી માહિતી જાણતા હોવા છતાં અને શાળામાં બોલાવ્યા હોવા છતાં એ વાલી મારી રજા વગર સાંજે 7.30 એ ઘરે આવી ગયા.વિવેક ખાતરઅને અમારા જૂના સંબંધો હોવાને નાતે મે એ માતા પિતાને આવકાર આપ્યો.(ક્રમશ:)