Khuddari in Gujarati Moral Stories by Yuvrajsinh jadeja books and stories PDF | ખુદ્દારી

Featured Books
Categories
Share

ખુદ્દારી

ખુદ્દારી

રોજબરોજના વર્તમાનપત્રો સમાચાર વગેરેમાં આપણે જોઈએ જ છીએ કે સમાજમાં કેટલી ખુદ્દારી કે પ્રામાણિકતા રહી છે . જેમ આપણે સતયુગના લોકોના બળ વીશે વાતો કરીએ છીએ એમ જ ભવિષ્યમાં માણસની પ્રામાણિકતા વીશે વાતો થાય તો નવાઈ નહીં . સદનસીબે હજુ તો પ્રામાણિકતા જોવા મળી જાય છે . આજે મારે એવાં સાચા પ્રસંગોની વાત કરવી છે જેમાં મેં મધ્યમવર્ગીય કે ગરીબ લોકોમાં ખુદ્દારી અને પ્રામાણિકતા જોઈ . આ પ્રસંગો મારી જ સાથે બનેલા અને તદ્દન સાચા છે .

હું જ્યારે કોલેજમાં અભ્યાસ કરતો ત્યારે કોલેજની હોસ્ટેલમાં જ રહેતો હતો . અમારી કોલેજનું કેમ્પસ વિશાળ હતું અને સાથે જ હોસ્ટેલ હતી . ત્યાં કંઈ કેટલીયે જાતના કામો ચાલુ જ હોય એટલે ત્યાં કારીગરો , મિસ્ત્રી વગેરેનાં નાના નાના બાળકો રમતા રખડતા મળી જ જાય . હું જ્યારે સ્ટેશનરી માંથી કોઈ વસ્તુ લેતો ત્યારે છુટા પૈસા ના બદલે ચોકલેટ લેતો અને મને મળતા શ્રમિકોના બાળકોને આપતો . મારા ખિસ્સામાં કાયમ ચોકલેટ રહેતી . એક દિવસ મને એજ બાળકો માં ની એક છ-સાત વર્ષની દિકરી મળી . જેને મેં ક્યારેક ચોકલેટ આપી હશે . એની પાસે જમરૂખ હતાં એને મને જમરૂખ આપ્યા . મેં કહ્યું ના મારે નથી જોતાં તું ખા . તો એને મને કાચી કેરી આપી . હું જોતો જ રહ્યો કેમ કે મેં આપેલી ચોકલેટના બદલામાં એ દિકરી મને ઘણી કિંમતી વસ્તુઓ આપતી હતી . એને ખબર પણ નહીં હોય કે સાંજે એના ઘરે જમવાનું બનશે કે નહીં ? અથવા આ જમરૂખ રાખી મુકી કાલે ખાઈશ એવો પણ એને વિચાર ન કર્યો એની ઉદારતા જોઈ મને મારી ચોકલેટ અને મારી જાત ખૂબ નાના લાગતા હતા .

બીજો પ્રસંગ છે ડબ્બાવાળા ભાઈ નો . આ ડબ્બાવાળા ભાઈ એટલે તેલનાં ખાલી ડબ્બા લઈ જતાં ભાઈ . હું નાનપણથી એમને જોતો આવ્યો છું અથવા સાંભળતો આવ્યો છું "તેલનાં ખાલી ડબ્બા..." મને એમનુ નામ નથી ખબર . અમે એમને ખાલી ડબ્બાવાળા ભાઈ તરીકે જ ઓળખીએ છીએ . વર્ષો મેં એમને આ કામ કરતા જોયા છે . હવે એમના દેહના ઝરુખે એમની ઉંમર ચોખ્ખી દેખાય છે . ઉંમરના હિસાબે એમને દેખાતું ઓછું થઈ ગયું છે . એક દિવસ તેઓ અવાજ કરતાં નીકળ્યા "તેલનાં ખાલી ડબ્બા..." હું તેમને ડબ્બો આપવા ગયો . ડબ્બાના કંઈક સત્તર રૂપિયા થયા . તેઓ મને પંદર રૂપિયા આપી છુટા પૈસા શોધવા લાગ્યા . મેં કહ્યું " રેવા દ્યો ચાલશે.." એમને મને કહ્યું ના "થાતું હોય તે આપવાનું જ" અને એમણે મને ઉપરના છૂટા રૂપિયા આપ્યા . "થાતું હોય તે આપવાનું જ" આ વાક્ય મને સીત્તેર વર્ષે પણ મહેનત કરતાં આંખે બરાબર જોઈ ન શકતા શ્રમિકે મને કહ્યું . જે વાક્ય મોટા મોટા મિલમાલિકો કે કરોડપતિઓ નથી બોલી શકતા .

આ પ્રસંગ એક ગલ્લાનો છે . હું એ ગલ્લા પર બિસ્કીટ વગેરે કંઈ લેવા ગયો હતો . ખોબા જેવડી જગ્યામાં સાવ ખખડધજ હાલતમાં એ ગલ્લો હતો . મારા આશ્ચર્ય વચ્ચે ગલા પર આંઠ-દસ વર્ષની કોઈ દિકરી હતી . આ ઉંમરે એ દિકરીને ગલ્લો સંભાળતા જોઈ હ્રદય ધ્રુજી ગયું . પછી જોયું એના પપ્પા પાછળ જ રહેલા રૂમમાં રસોઈ બનાવતા હતા . રૂમ રસોડું જે કહો તે એ નાનકડી ઓરડી જ હતી . મેં દસ રૂપિયાની નોટ આપી એ દિકરીએ મને બાકીના પાંચ રૂપિયા પાછાં આપ્યા . મેં કહ્યું બેટા રાખી લે . એને પૈસા લેવા ઉચિત નહીં લાગ્યા હોય એને તરત એનાં પપ્પાને કહ્યું "પપ્પા , આ ભાઈ વધારે પૈસા આપે છે" . કદાચ એણે પપ્પાને કંઈ કહ્યું ન હોત તો એ દિકરી એ પાંચ રૂપિયા વાપરી શકી હોત પણ એ દિકરીએ પપ્પાને કહ્યું અને પછી પણ મેં એને એ પાંચ રૂપિયા આપ્યા જે એને પૈસાના ગલ્લામાં રાખ્યા . એ પાંચ રૂપિયા વીશે પપ્પાને કહી એ દિકરીએ પોતાની જવાબદારી પૂરી કરી અને લાખો રૂપિયાની પ્રામાણિકતા કમાણી .

ઉપરોક્ત દરેક પ્રસંગમાં દરેક વ્યક્તિનું જીવન આપણા કરતાં વધુ મુશ્કેલી ભરેલું છે . છતાં તેઓ પ્રામાણિકતા અને માણસાઈની કસોટીમાં ખરા ઉતર્યા . આપણું જીવન તો એમના કરતાં ઘણું સારું છે . આપણે એટલું જ સમજવાનું છે આ જગતમાં કંઈ મફત નથી હોતું . આજની અપ્રામાણિકતા કે અણહક્કનો પૈસો ખૂબ મોટા વ્યાજ સાથે ચુકવવો પડશે . સંતોષ વગર કરોડો રૂપિયા પણ આપણને સુખ નહીં આપી શકે . ચાલો મિત્રો ફરી મળીશું આવી જ કોઈ નવી વાત સાથે....