City was established - what is about Jungle - Divyesh Trivedi in Gujarati Science by Smita Trivedi books and stories PDF | નગર તો વસ્યું, જંગલનું શું? - દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

નગર તો વસ્યું, જંગલનું શું? - દિવ્યેશ ત્રિવેદી

૬. નગર તો વસ્યું, જંગલનું શું?

6. City was established, what is about Jungle?

આપણે ત્યાં આઝાદી આવી ત્યારે આપણે ટાંકણીની પણ આયાત કરતા હતા. આજે રેલવેનાં એન્જિનો અને વિમાનોની નિકાસ કરતા થઇ ગયા છીએ. ઉદ્યોગોએ દેશની સૂરત પલટી નાંખી છે એનો કોણ ઇનકાર કરશે?

પરંતુ સૂરતને પલટવા જતાં સીરત પણ પલટાઇ ગઇ છે એનું શું? વિકાસની દોટમાં આપણે જે કંઇ ગુમાવવાનું આવે એને ‘કોમ્પેન્સેટ’ કરવાની કોઇ વાત જ નહિ?

પોલાદ-નગરી જમશેદપુર તો જગપ્રસિદ્ધ છે. એ નગરની થોડીક વાત કરવા જેવી છે. અહીં ૨૭૦૦ કામદારો રોજી મેળવે છે. અદ્યતન પ્લાન્ટ, મજબૂત રસ્તા અને વસાહતોનો નકશો બની ગયેલા આ નગરને જોઈને કોણ માનવા તૈયાર થાય કે વીસમી સદીના આરંભે અહીં ઘનઘોર જંગલ હતું?

જમશેદપુર તો વસ્યું, પરંતુ કુહાડી, કેન અને બુલડૉઝરોને હવાલે થઈને શહીદ થઇ ગયેલા એક જંગલનું શું?

૭. શોધી તો કાઢ્યું, પણ પછી શું?

7. We found it, but what is after?

પંચ, કમિટિ, શોધ, સંશોધન અને કમિશન એ આપણી ટેવ છે, કુટેવ છે, આવડત છે કે નબળાઇ છે એ નક્કી કરવા માટે કદાચ બીજું એક પંચ નીમી દઇએ તોય જવાબ ભાગ્યે જ મળે.

આવા જ કેટલાક અભ્યાસોનું તારણ છે કે આપણા દેશના કુલ ૨૩ ટકા વિસ્તારમાં વન સંપત્તિ છે. પરંતુ ઉપગ્રહોની ઇલેકટ્રોનિક આંખો આ તારણ સાથે સંમત નથી. ઉપગ્રહો કહે છે કે આપણા દેશના ૧૦ થી ૧૨ ટકા વિસ્તારમાં જ જંગલો રહ્યાં છે. એમાંથી મોટા ભાગના વિસ્તારમાં તો વૃક્ષો માત્ર કહેવા પૂરતાં જ ઊભાં છે.

અંદાજો કહે છે કે દર વર્ષે દસ લાખ હેક્ટરથી વધુ જમીનમાંનાં વૃક્ષોની ક્ત્લેઆમ થાય છે. આશ્ચર્ય સાથે આઘાતની વાત એ છે કે આમાંથી દોઢ લાખ હેકટર જેટલાં વન તો દર વર્ષે વિકાસ યોજનાઓના યજ્ઞમાં જ હોમાઇ જાય છે.

પર્યાવરણના સંતુલન માટે આપણે ઓછામાં ઓછા ૩૩ ટકા વનની જરૂર છે. આ તો સંશોધનોનાં તારણો થયાં, પરંતુ એનો મતલબ શું?

મતલબ એક જ. વ્યક્તિ દીઠ ઓછામાં ઓછું એક વૃક્ષ!

૮. વૃક્ષ તો વૃક્ષ, આપણે કોણ?

8. Tree is tree, who are we?

ઊભાં ઝાડ કરવતોનો શિકાર બનતાં જ રહે છે. દર સેકંડે એક હેક્ટર જમીન નગ્ન થતી જાય છે. સરકારો બહુ મોટું વ્યવસ્થાતંત્ર ગોઠવે છે, પરંતુ જંગલ-કટાઇમાં કોઇ ફેર પડતો નથી.

પર્યાવરણ પ્રેમીઓ બૂમો પાડતા હતા અને સરકારો આંકડા ગોઠવી ગોઠવીને એમને સધિયારો પણ આપતી હતી. પરંતુ અવકાશમાં બેઠેલા ઉપગ્રહે તસવીરો માથામાં મારી ત્યારે ખરેખર ચક્કર આવવા જેવી હાલત થઇ.

દર વર્ષે ૧૫ લાખ હેકટર જમીનમાંથી જંગલોનો નાશ થાય છે. દર પાંચ વર્ષે હરિયાણા જેવા એકાદ રાજ્યના વિસ્તાર જેટલી જમીનનું કોઇક નિ:સહાય અબળાનાં ચીરની માફક હરણ થતું રહે છે.

ક્યાં સુધી કૌરવ બની ગયાનો ક્ષોભ આપણાથી દૂર રહેશે ?

૯. ધાર્યું હોય તો અચૂક થાય!

9. When decided, it happens!

જંગલોનો વિનાશ અટકાવવાની અને નવાં જંગલો ઊભાં કરવાની સૂફિયાણી વાતો આપણા કાને અથડાતી જ રહે છે, પણ આંખને કોઇ જ તફાવત દેખાતો નથી.

તામિલનાડુ સરકારે ખાનગી કંપનીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી નીલગીરી અને કોડાઈ કેનાલ વિસ્તારની ૩૫,000 હેક્ટર જેટલી સપાટ મેદાન જેવી જમીનને છેલ્લાં ૨૫ વર્ષના સઘન પ્રયાસોથી હરિયાળા જંગલોમાં ફેરવી નાખી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ ઔદ્યોગિક ગૃહોના સહકારથી શહેર વચાળે હરિયાળી લાવવાની સફળ ઝુંબેશ આદરી છે.

ભાવનગર શહેરના મુખ્ય માર્ગોની વચ્ચે ઝાડવાં રોપીને વેપારી ગૃહોના સહકારથી એમનું જતન થઇ રહ્યું છે. આશા જગાવે એવા દીવડા જેવી આ ઘટનાઓ છે. ભલે આ કંઈ બહુ મોટું કામ નથી થયું, છતાં જે થયું છે તે ઓછું નથી.

પ્રશ્ન ધારવાનો છે. ધાર્યું હોય તો અચૂક થાય!

૧૦. રણથંભોરની શાન ઝાંખી પડી રહી છે!

10. The Glamour of Ranthambhore is diluting!

લગભગ ૩૦ ક્લિોમીટરના વિસ્તારમાં પથરાયેલા દેશના એક આગળ પડતા અભ્યારણ્યની આ વાત છે. નામ એનું રણથંભોર છે.

રણથંભોર તબાહીના કગાર પર ઊભું છે. પર્યાવરણ દિન, સપ્તાહ અને માસની ઉજવણીઓ થતી રહે છે, માઇક ગજાવાતાં રહે છે, થોકબંધ લેખો લખાય છે અને ટી.વી.ના પડદાને ખીચોખીચ ભરી દેવાય છે, છતાં તબાહીના તાંડવને હાથ દઈ શકાતો નથી!.

રણથંભોરનો કિલ્લો અને જોગી મહેલ એક વખત જેણે જોયો એના મનમાં સદાકાળ એની છબિ કંડારાઈ જાય છે. દેશી-વિદેશી મહાનુભાવો માટે એ એક અનિવાર્ય આકર્ષણ છે.

અહીં ખરેખરો ઝઘડો વન અધિકારીઓ અને પોતાનાં ઢોર -ઢાંખર ત્યાં જ ચરાવવાનો આગ્રહ સેવતા ગ્રામવાસીઓ વચ્ચે છે. આવો ઝઘડો જો કે અનેક જંગલ વિસ્તારોમાં છે.

પરંતુ આપણી મત-બેંક્ની રાજનીતિ આવા ઝઘડા નિપટાવવાને બદલે દૂર બેઠી બેઠી ખંધુ સ્મિત વેર્યા કરે છે. નથી તો તેઓ ગ્રામવાસીઓને વિકલ્પ આપી શકતા કે નથી તો જંગલોને બચાવી શકતા.

મૂળ સવાલ જ કદાચ દાનતનો છે!