Darr... in Gujarati Horror Stories by Jasmina Shah books and stories PDF | ડર...

Featured Books
Categories
Share

ડર...

અંકિતાને ટીવી જોવાનો ખૂબજ શોખ હતો, એ સ્કૂલેથી ઘરે આવે પછી ટીવીનું રીમોટ તેનાં હાથમાં જ હોય.

અંકિતા દશ વર્ષની હતી. ભણવામાં, રમત-ગમતમાં બધામાં તેનો પહેલો જ નંબર આવે.

પણ ટીવી જોવાનો તેને ગજબનો શોખ, તે ટીવી જૂએ એટલે જાણે ટીવીમાં જે પણ ઘટના બની હોય તે બિલકુલ તેની પોતાની સાથે જ બની હોય તેવું જ તે અનુભવ કરતી હતી.

સામાન્ય રીતે તે બાળકોની સિરિયલ જોવાનું જ વધુ પસંદ કરતી પરંતુ આજે શું થયું ખબર નહીં તો તે હોરર સિરિયલ જોવા લાગી. જેમ જેમ તે આગળ જોતી ગઈ તેમ તેમ તેને તેમાં વધુ ને વધુ રસ પડતો ગયો. તેણે આખી સિરિયલ પૂરી જોઈ.

તે દિવસે તો તે શાંતિથી રાત્રે સુઈ ગઈ પણ અડધી રાત્રિએ તે ઊંઘમાંથી ઝબકીને ઉઠી ગઈ અને જાણે તેને કોઈએ સખત માર માર્યો હોય તેમ તે જોર જોરથી, ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

મમ્મી-પપ્પાની અને નાના ભાઈ સાથે તે એકજ રૂમમાં સૂતી હતી. અચાનક અંકિતાને આમ ધ્રુસકે ને ધ્રુસકે રડતી જોઈને મમ્મી-પપ્પા બંને સફાળા બેઠાં થઈ ગયા અને અંકિતાને અચાનક આમ શું થયું..?? તે વાતને લઈને ખૂબજ ગભરાઈ ગયા.

મમ્મી યશોદાબેને અંકિતાને છાની રાખી અને રડવા માટેનું કારણ પૂછ્યું. પણ અંકિતા કેમ રડી રહી હતી..?? તેની તેને પોતાને પણ ખબર ન હતી..??

યશોદાબેન અંકિતાને અડ્યા તો તેમને ખબર પડી કે તેનું શરીર તો ગરમ લાહ્ય હતું અને તાવથી ધગધગતું હતું. અંકિતાના પપ્પા અશોકભાઈએ થર્મોમીટરથી તાવ માપ્યો તો અંકિતાને ચાર તાવ હતો.

આટલા મોડા રાત્રે કયા ડૉક્ટર પાસે અંકિતાને લઈ જવી તે વિચારે તેને પપ્પા અશોકભાઈએ ઘરમાં પોતાની પાસે તાવની જે દવા હતી તે આપી અને મમ્મી યશોદાબેને અંકિતાને માથે પાણીના પોતાં મૂકવાના શરૂ કર્યા.

પરંતુ અંકિતાને તો તાવ ઉતરવાનું નામ જ લેતો ન હતો. બીજે દિવસે સવારે અંકિતાને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી.‌ ડૉક્ટરે અંકિતાને આમ અચાનક તાવ આવવાનું કારણ પૂછ્યું પરંતુ કારણની કોઈને પણ ખબર ન હતી. ડૉક્ટર સાહેબે અંકિતાને બે દિવસની દવા આપી અને બે દિવસમાં જ તેને સારું થઈ જશે તેમ પણ કહ્યું. ડૉક્ટર સાહેબે બે દિવસ તેને સ્કૂલે ન મોકલવા કહ્યું.

બે દિવસ, ચાર દિવસ આરે, અઠવાડિયું થઈ ગયું. ડોક્ટરસાહેબની દવા ચાલુ હતી પરંતુ અંકિતાને તો તાવ ઉતરવાનું નામ જ લેતો ન હતો. હવે શું કરવું..?? તે અંકિતાના મમ્મી-પપ્પા તેમજ ડોક્ટર સાહેબ બધાને માટે એક પ્રશ્ન હતો.

ત્યારબાદ ડોક્ટર સાહેબને વિચાર આવ્યો કે અંકિતાને કોઈએ મારી કે ધમકાવી તો નથી ને..?? તેમણે તેના મમ્મી-પપ્પાને પૂછ્યું મમ્મી-પપ્પા બન્નેએ ""ના" પાડી. મમ્મી યશોદાબેન સ્કૂલમાં પણ તપાસ કરી આવ્યા કે, તેની સાથે કંઈ અજુગતું તો બન્યું નથી ને..?? પણ તેની સાથે કોઈ ખરાબ બીના બની ન હતી. હવે અંકિતાને તાવ ક્યારે ઉતરશે..?? તે પ્રશ્ન હતો.

ત્યારબાદ ડોક્ટરે યશોદાબેનને અંકિતાને આ બાબતે થોડા પ્રેમથી પૂછપરછ કરવા કહ્યું યશોદાબેને અંકિતાને માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને તેને શાંતિથી પૂછ્યું કે તને અચાનક શું થઈ ગયું છે..?? તને કોઈએ ખખડાવી હોય કે માર માર્યો હોય કે કોઈ છોકરો તને હેરાન કરતો હોય... તેવું તો કંઈ નથીને..?? આમ અચાનક તને તાવ આવવાનું કારણ શું છે બેટા..??

પહેલા તો અંકિતા મમ્મીની સામે એકીટશે જોઈ જ રહી પણ પછી તે મમ્મીને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. યશોદાબેને તેને શાંત પાડી અને તેને શું થયું છે તે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, યશોદાબેન અઠવાડિયા પહેલાં એક દિવસ જ્યારે ઘરે ન હતાં ત્યારે પોતે ટીવીમાં સિરિયલ જોતી હતી અને આ સિરિયલ ભૂતની હતી. અંકિતાના જણાવ્યા પ્રમાણે આ ભૂત ખૂબ જ ડરામણું અને બિહામણું હતું જે તેને વારંવાર, " મેં તુજે માર ડાલૂંગી, મેં તુજે માર ડાલૂંગી.. " કહી રહ્યું હતું.અને અચાનક એકદમ શું થયું તો આ ભૂત જાણે તેના શરીરમાં ઘૂસી ગયું અને ત્યારથી તે ખૂબજ ડરી ગઈ અને બીમાર પડી ગઈ.

પણ આજે હવે તેણે પોતાની મમ્મીને જ્યારે આ બધી જ વાત કહી દીધી ત્યારે મમ્મીએ તેને ખૂબજ પ્રેમથી સમજાવી કે ટીવી સિરિયલમાં આ બધી વાતો ફક્ત એક નાટક જ હોય છે હકીકતમાં ભૂત જેવું કે ભૂત એવું કંઈ જ હોતું નથી માટે તારે તેનાથી ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી.

આમ યશોદાબેને અંકિતાને પ્રેમપૂર્વક સમજાવવી ત્યારે તેની સમજમાં આખીયે આ વાત આવી ગઈ અને આપોઆપ તેનો ડર ચાલ્યો ગયો તેમજ તેને તાવ પણ ઉતરી ગયો.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/2/2021