Swing in Gujarati Motivational Stories by Meera Soneji books and stories PDF | હીંચકો

Featured Books
Categories
Share

હીંચકો

હીંચકો


મેઘા આજે સવાર સવારમાં બહારના ફળિયામાં રાખેલા હીંચકે બેઠા બેઠા કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. મેઘાને હીંચકા પર બેસવું ખૂબ ગમતું. લગ્ન પછીના પહેલા જન્મદિવસે પારસે તેના માટે આ હીંચકો ભેટ સ્વરૂપે આપ્યો હતો. જ્યારે પણ એ ખુશ હોય કે ઉદાસ હોય હીંચકે આવી ને બેસી રહે. આ હીંચકો હવે એના સુખ દુઃખનો સાથી બની ગયો હતો. આજે પણ એ ખૂબ ભારે હૃદયે હીંચકા પર બેઠી પાસે રાખેલા તુલસીના ક્યારાને એક ધારો જોઈ રહી હતી. એને જોઈને એવું લાગતું હતું જાણે મનમાં રાખેલી તમામ પીડાઓની ફરિયાદ તુલસીમાંને કરતી હોય. મેઘાને તુલસીજી પર અપાર શ્રદ્ધા હતી. નાની હતી ત્યારથી જ તેના દાદીમા સાથે તુલસીમાંની પૂજા કરતી. સવારમાં વહેલા ઊઠીને નિત્ય કામ પતાવીને પહેલું જ કામ તે તુલસી પૂજા કરવાનું કરતી પરંતુ આજે તેનું મન ક્યાંય લાગતું ન હતું. મનની પીડા આંખોમાં અમી બની વરસી રહી હતી. તેની આવી હાલત જોતા જ તેના પતિ પારસે જાણે તેના મનની પીડાને પારખી ગયો હોય તેમ તેની સામે જોતો રહ્યો. થોડીવાર પછી તે પોતે જ સ્વસ્થ થઈ ને બોલ્યો "અરે મેઘા કેમ આમ ઉદાસ બેઠી છો કંઈ થયું છે?"

મેઘા પારસ ને જોય ને આંખોમાં આવેલા આંસુ છુપાવતા બોલી" અરે ઉઠી ગયા તમે હું હમણાં ચા લઈ આવું છું" એટલું કહેતાં તે હીંચકા પર થી રસોઈ ઘરમાં ચા બનાવવા જતી હોય છે ત્યાં જ પારસ તેનો હાથ પકડી ફરી હીંચકા પર બેસાડે છે ને પૂછે છે "શું થયું છે મેઘા કંઇક કહીશ મને? શું વાત છે તે આજે તુલસીમાં ની પૂજા પણ નથી કરી? કોઈએ કંઇક કહ્યું છે તને? મમ્મી પપ્પા કંઇક બોલ્યા તને?

"ના પારસ, ભગવાનની કૃપા થી મને સાસુ સસરા એટલા સારા મળ્યા છે કે ક્યારેય મને કંઈ જ નથી કહેતા હું નસીબદાર છું કે મારા માતા પિતા થી પણ વિશેષ મને સાસુ સસરા મળ્યા છે" મેઘા એ કહ્યું

"તો પછી તારા આ ઉદાસ થવાનું કારણ હું જાણી શકું? જો મેઘા આપણે પતિ પત્ની પછી પહેલા એક સારા મિત્ર છીએ. તું તારા મિત્રને તો તારા મનની વાત કહી જ શકે છે."

એટલું જ સાંભળતા જ મેઘાની આંખો ભરાઈ આવી. પારસ ને ભેટીને રડી પડી અને બોલી "જો ને પારસ થાકી ગઈ છું હું હવે લોકો નું સાંભળી ને. શું મારે બાળક નથી તો એમાં મારો વાંક છે. શું હું નથી જાણતી કે મે કેટલા પ્રયત્ન કર્યા છે. કોઈ દવા કે દુઆ બાકી નથી રાખી. હવે એમાં મારો શું વાંક છે?"

પારસ એ મેઘાની આંખોમાં આવેલા આંસુ લૂછતાં કહ્યું "ના એમાં તારો વાંક નથી એ તો નસીબ ની વાત છે. પણ એમાં તું શું કામ દુઃખી થાય છે. જો લોકો તો કહે એ લોકો ની માનસિકતા જ એવી છે. આજે બાળક નથી એના માટે સંભળાવશે. કાલે જો સંતાન ના નામે દીકરી હશે તો દીકરા માટે સંભળાવશે. ને જો એ જ સંતાન મોટું થાય, કોઈ ખોટું કામ કરે તો પણ માં બાપ એ સંસ્કાર જ ખરાબ આપ્યા છે એમ કહેશે. પણ તું શું કામ લોકો નું સાંભળી ને માનસિક રીતે પીડાઈ છે. તું લોકો નું સાંભળી ને દુઃખી થાય છે તો એમાં તારો જ વાંક છે. એ તારો પ્રોબ્લેમ છે. તમને કોઈ બોલી ને પીડા આપે ને તમને પીડા થાય તો તમે જ મૂરખ છો કરણ કે તમે જ લોકો ને તમારા મગજ પર નો કંટ્રોલ ગુમાવવાનો હક્ક આપો છો કે લોકો જ તમારું મગજ ચલાવે છે. એના કરતાં સ્વયમ સાથે કનેક્ટ રહો. પોતાનું કર્મ કરતા રહો ભગવાન ને જે મંજૂર હશે તે કરશે. ભગવાન પર ભરોસો રાખ. એ બધાનું સારું જ કરશે. એમને પણ આપણા માટે કંઇ તો વિચાર્યું હશેને!..

મેઘાના સાસુ સવિતાબહેન આ બધી વાતો રસોઈઘર ની બારી માંથી સાંભળી રહ્યા હતા. સવિતાબહેન બંને માટે ચા લઈને બહાર આવ્યા ને કહ્યું "હા મેઘા પારસ સાચું કહે છે. લોકો તો કહશે જ લોકોની વાતો સાંભળીને દુઃખી ના થવાય હા અમે લોકોએ તને કંઈ કહ્યું હોય તો ઠીક છે પરંતુ લોકોની વાતો સાંભળીને તું તારી આટલી સરસ સવાર બગાડે છે. ને એ પણ તારા જેવી ભણેલી ગણેલી છોકરી આવું વિચારે એ તો બઉ કહેવાય! દીકરા ભગવાને જે નસીબમાં લખ્યું હશે ને તે જ થશે. ખોટું વિચારીને આમ ઉદાસ થઈને તું બીમાર પડી જઈશ. એના કરતાં ખુશ રહે અને બધી ચિંતા ભગવાન પર છોડીદે ભગવાન સૌના સારાવાના કરશે.

" હા ને જો બાળક ના પણ થાય તો પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે કોઈ બાળક દત્તક લઈ લેશું. એમાં શું થઈ ગયું? કદાચ ભગવાને આપણા માટે એ વિચારીને રાખ્યું હશે. કદાચ આપણા નસીબમાં કોઈ અનાથ બાળકનું ભવિષ્ય સુધારવાનું લખ્યું હશે." પારસ એ ખૂબ સહજતા થી કહ્યું

" હા મેઘા દીકરા પારસ સાચું કહે છે. દુનિયામાં કેટલા અનાથ તરછોડાયેલા બાળકો છે. આવા બાળકો પોતાના માતા પિતાની કોઈ ભૂલ કહો કે પછી કોઈ પણ કારણ સર તેના માતા પિતા અનાથ આશ્રમ માં મૂકી ને જતા રહે છે. પોતાના માતા પિતાની ભૂલની સજા બિચારા બાળકને ભોગવી પડે છે. આવા તરછોડાયેલા બાળક ને દતક લઈ ને તેને માતા પિતાનો પ્રેમ આપવો એ તો પુણ્યનું કામ છે. મને અને તારા પપ્પાજી ને તો કોઈ વાંધો જ નથી કે તમે કોઈ બાળક દત્તક લ્યો. દીકરા અમે તો ભગવાન ને પ્રાર્થના કરીએ જ છીએ કે ભગવાન જલ્દી તારી ખોળો ભરીદે હજુ તારી એવી કોઈ ઉંમર નથી થઈ અને ડોક્ટરે પણ એવું નથી કહ્યું કે તું ક્યારેય માં નહિ બની શકે આશા અમર છે દીકરા આશા ક્યારેય નહિ છોડવાની પણ જો ક્યારેય ભવિષ્યમાં આવો વિકલ્પ પસંદ કરવો પડે તો પણ અમે તારી સાથે જ છીએ. તું હવે કોઈ ખોટા વિચારો નહિ કર. બસ તું ખુશ રહે એમાં જ અમે ખુશ છીએ" સવિતાબહેને મેઘાને સમજાવતા કહ્યું

" બસ હવે તમારા આ સાસુ વહુ નો પ્રેમ પત્યો હોય તો ચા પી લઈએ નહિ તો ઠંડી થઈ જશે" પારસ વાત બદલતા મજાકના મૂડમાં બોલ્યો

" હા ચાલો આજે આપણે હીંચકે બેઠા બેઠા ચા પાર્ટી કરીએ" સવિતાબહેન પણ પારસને સહમતી આપતા મસ્તીના મૂડમાં બોલ્યા.

"ના મારે પહેલા તુલસીમાં ની પૂજા કરી તેમનો આભાર માનવો છે કે તેમને મને આટલું સરસ પરિવાર આપ્યું છે" મેઘા તુલસી ક્યારો પાસે જતા બોલી.


સમાપ્ત

_Meera soneji



મિત્રો મારી વાર્તા લખવા માં જો કોઈ ભૂલ રહી હોય તો અચૂકથી ધ્યાન દોરવા વિનંતી.તમારા કીમતી રેટિંગ અને પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ 🙏