પ્રકરણ-એકત્રીસમું/૩૧
તે પછી લંચ માટે ઊભા તથા દેવલની પીઠ પાછળની દીવાલ પર ટીંગાળેલી તસ્વીર જોતા દેવલની નજર તેના પર ચોંટી ગઈ.. એટલે વૃંદા સામે જોઈ દેવલે પૂછ્યું..
‘આ છબી... કોની છે ?’
‘મારા પપ્પાની. એડવોકેટ શશાંક જુગલદાસ સંઘવી.’
સોફા પરથી ઉભા થઈ તસ્વીર નજીક આવતાં વૃંદા બોલી..
‘અત્યંત આકર્ષક પોટ્રેટ છે, એકદમ જીવંત.. એવું લાગે કે, જાણે હમણાં જ તસ્વીર બોલી ઉઠશે..પણ તેમની આંખો..’ આગળ બોલતાં દેવલ અટકી ગઈ..
‘તેમની આંખો શું ? આશ્ચર્ય સાથે વૃંદાએ પૂછ્યું..
‘તેમની આંખોમાં મને ખાલીપાના શૂન્યાવકાશનો ભાસ દેખાઈ રહ્યો છે.અદ્દલ તારી આંખો જેવો. પણ કદાચ એ આ મારો દ્રષ્ટિભ્રમ પણ હોઈ શકે ?
દેવલ બોલી.
‘ના..એ દ્રષ્ટિભ્રમ નથી, વાસ્તવિક છે. અને શૂન્યાવકાશ વારસાગત છે. પણ તારી દ્રષ્ટિ એ કઈ રીતે જોઈ શકી, એ મને આશ્ચર્યજનક લાગે છે .’ વૃંદા બોલી.
‘આઈ ડોન્ટ નો બટ, પણ તેમની આંખો કશુંક કહી રહી છે, એવું હું ફીલ કરી રહી છું.’
ફરી શશાંકની તસ્વીરને એકધારું જોયા કરી એટલે વૃંદા બોલી.
‘અચ્છા ચલ.. આપણી છેડા વગરની વાતોમાં હવે રોટલા ભૂખ્યાં થયાં હશે.. લેસ્ટ ગો ફોર લંચ,’ એ પછી હસતાં હસતાં બન્ને આવ્યાં ડાયનીંગ ટેબલ પર.
લંચ દરમિયાન મજેદાર વાનગીનો લુફ્ત ઉઠાવતાં અચાનક વૃંદાએ પૂછ્યું..
‘માનસી, માની કે, તું દેવલના સ્થાને હોય તો શું કરે ?
એ જ પળે દેવલ સ્થિર થઇ ગઈ. કોળીયો હાથમાં અને મોં ખુલ્લું રહી ગયું. પણ બીજી જ ક્ષ્રણે જાતને સંભાળી, હસતાં હસતાં બોલી...
‘વૃંદા, મારી દ્રષ્ટિએ આમાં દેવલએ કશું કરવાનું રહેતું જ નથી. મારા મતે તેણે તેનું કર્તવ્ય નિભાવ્યું જ હશે. સમગ્ર પરિસ્થિતિ જાણતા હોવા છતાં સીધી લીટીના બદલે ત્રિકોણનો ત્રીજો કોણ તો તેના પતિએ ચીતર્યો છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ જોતાં ખરો ઉત્તરદાયી તો તે જ બને છે,’
ખુબ સિફતથી દેવલે વાત વાળી લીધા પછી આગળ બોલી..
‘પણ, વૃંદા હજુ તે મને તારી પૂરી વાત જણાવી નથી. ક્યાંથી ક્યાં, કેમ અને શું થયું હતું ?
એ પછી ટૂંકમાં વૃંદાએ તેની પ્રશ્નાર્થ સાથે અલ્પવિરામ પણ અટકેલા અનુબંધની આરંભથી અંત સૂધીની દાસ્તાન દેવલને સુણાવી પણ, મિલિન્દનું નામ લીધા વગર.
એ પછી વૃંદાએ પૂછ્યું..
‘મને બાદ કરતાં સમગ્ર ઘટનાક્રમમાં તારી દ્રષ્ટિએ શું નજરે પડે છે. ?
‘તને બાદ કરવાનું કારણ ? દેવલે પૂછ્યું..
‘હું તો હવે ચિત્રમાં ક્યાંય છું જ નહીં, હવે આ એકપાત્રીય એકાંકીનો અંત તો મારે જ લાવવાનો છે એટલે.’
‘અંત ? કેવો અંત ? અને શા માટે ?
લંચ ફિનીશ કરતાં ડાયનીંગ ટેબલ પરથી ઊભા થતાં દેવલે પૂછ્યું..
‘એ પછી કહીશ પણ, એ પહેલાં મારા પ્રશ્નનો ઉત્તર આપ,’ ઊભા થતાં વૃંદા બોલી.
થોડીવાર ચુપ રહ્યાં પછી.. બન્ને બેઠકરૂમના સોફા પર ગોઠવાતાં દેવલ બોલી..
‘સાચું કહું વૃંદા તો, ગૂંચવાયેલી વૃતાંતનો કોઈપણ છેડો પકડો પણ, અંતે આજ સુધીની દશા માટે દિશાનિર્દેશ નિયતિના કોઈ ગૂઢ રહસ્ય તરફ જ અંગુલીનિર્દેશ કરે છે.’
દેવલ આટલું બોલતાં વૃંદા તાળીઓ પાડતાં બોલી..
‘યસ... રાઈટ... હન્ડ્રેડ એન ટેન પરસેન્ટ રાઈટ. માનસી તે સચોટ તારણ કાઢ્યું..
કેમ કે જો ને... હજુ હું અમારા અંતિમ નિર્ણય પર મહોર માર્યાની ખુશખબર તેને સંભળાવું તે જ સમયની અણી પર અચાનક જ તેનું ગાયબ થઇ જવું, અને પળે પળે પરિવાર અને કારકિર્દી જેની પ્રાથમિકતા હતી, તેણે રાતોરાત લગ્ન પણ કરી લીધા, કેમ ? તેમના એક અંગતથી પણ વિશેષ મિત્ર છે, તેમણે પણ જાણ કર્યા વગર ? અને એ પછી મારો કોઈની જોડે નહીં અને તેની પત્ની જોડે જ કેમ સપર્ક થાય ? અને તેની પત્નીને કોઈ અન્ય સ્ત્રી સાથેના તેના પતિના આટલાં ઘનિષ્ઠ સંબંધની આ રીતે જાણ થયાં પછી પણ બન્ને તરફથી એક અંશ માત્રનો પ્રતિભાવ નહીં એ કઈ રીતે શક્ય છે ? તેના ગાઢ મિત્રના ભરોસે ભાન ભૂલીને હું સાતમાં આસમાને વિહરતા ભૂંડે હાલ પટકાઈ એ મિત્રએ પણ એક કોલ સુદ્ધાં કરવાની તસ્દી ન લીધી કેમ ? અરે... જેના રક્તમાં સ્હેજે માનવતા હોય તો અણજાણ્યાના મૃતદેહ સામે પણ નમન કરી નનામીની આમન્યા જાળવે...અને હું તો જીવિત છું માનસી. કેમ.. કેમ સહન કરું, એ કહે મને ?
વૃંદાની અસ્ખલિત અંતર્દાહ જેવી વાણી સાંભળી દેવલ થીજી ગઈ. ક્યા શબ્દોમાં પ્રત્યુતર આપવો એ વિષે દેવલને વિચારતી કરી દીધી કારણ કે, વૃંદાની વાત તથ્ય સભર અને સત્યની લગોલગ હતી. જે આશંકા અને રાઝનું જાળું દેવલના ચિત્તની ચારે તરફ વીંટળાયેલું હતું, તેની પ્રતીતિને વૃંદાના સચોટ પ્રશ્નોથી ઠોસ આધાર મળી રહ્યો હતો.
અંતે અકળ અને અંતહીન લાગતી લાગણીની ધારાને કોઈ યોગ્ય દિશા આપવાં હળવેથી દેવલ બોલી.
‘તું એ વ્યક્તિને માફ ન કરી શકે ?’
‘ક્યા ગુના સબબ ? શા માટે ? માણસાઈ જતાવીને, કોઈ એક ઠોસ કારણ તો જણાવે. અરે યાર... સ્નેહ પણ હું કરું, સજા પણ હું જ ભોગવું અને ક્ષ્રમા પણ હું જ આપું એમ ? ’ પ્રેમ છે કે, કઠપુતળીનો તમાશો ?
આટલું બોલી, હસતાં હસતાં વૃંદાની આંખો ભરાઈ આવી.
દેવલને થયું કે, હવે વાત વણસી, વંટોળ બની અર્થહીન થઈ ઉલટી દિશામાં ફંટાઈ જાય એ પહેલાં આજના ગહન વાર્તાલાપ પર હાલ પુરતું અલ્પવિરામ મૂકવું આવક્શ્ય છે, એટલે.. ઊભા થતાં બોલી ..
‘અચ્છા..વૃંદા હવે હું ઘરે જવાની અનુમતિ લઈશ. એક જરૂરી કામ યાદ આવી ગયું એટલે.’
નવાઈ સાથે વૃંદા બોલી..
‘અરે.. પણ કેમ અચાનક ? મારી કોઈ વાતનું દુઃખ લાગ્યું કે શું ?
‘હા, મને દુઃખ જ એ વાતનું છે કે, હું કેમ તારું દુઃખ નથી લઇ શકતી ?’
‘ના, હો જરા પણ નહીં, આ તો મારી એકમાત્ર અમુલ્ય એસેટ છે, કંઇક અનમોલ અરમાનોના અસબાબ વેંચીને ખરીદ્યો છે, આ સંજીવની જેવો સદમાનો સમાન. તેમાં હું તને ભાગીદાર ન બનવું, બાકી જોઈએ તે માંગી લે. હસતે મોઢે ન્યોછાવર કરી આપીશ.’
હવે દેવલનો અશ્રુબાંધ તૂટી પડતાં વૃંદાને વળગી પડી.
‘માનસી, જયારે થોડામાં ઘણું કહેવું હોય ત્યારે મને મારી બેડ હેબીટ કામ આવે છે.’
‘મતલબ.. હું કંઈ સમજી નહીં ? અચરજ સાથે દેવલે પૂછ્યું..
‘હું એક ગીત સંભળાવું.’ તકિયા કલામ જેવી મારી આ પંચ લાઈન છે. છુટા પડતાં પહેલાં આજે સાંભળેલી કરમકહાનીનો સારાંશ હવે આ ગીત મારફતે સાંભળ..
‘કઈ બાર યૂં ભી દેખા હૈ,
યે જો મન કી સીમારેખા હૈ,
મન તોડને લગતાં હૈ,
અનજાની આસ કે પીછે
મન દૌડને લગતા હૈ.’
ગીત પૂરું કર્યા પછી વૃંદા બોલી..
‘અચ્છા, હવે ફરી ક્યારે મારી બકબક સાંભળવા આવીશ ?
‘જલ્દી આવીશ, અને હવે ફરી આવીશ ત્યારે આપણે તારી આ બકબક રેકોર્ડ કરીશું’
દેવલ બોલી..
‘હા.. એ તો કરીશું જ પણ હાલ આજની મહેફિલ જેવી મધુર પળોને કેમેરામાં કૈદ કરી લેવી જોઈએ એવું હું માનું છું. મોબાઈલ હાથમાં લેતાં વૃંદા બોલી..
‘હાસ્તો વળી જરૂર, કેમ નહીં ?’ દેવલ એવું બોલતા વૃંદાએ તેના મોબાઈલમાં આઠથી દસ સજોડે સેલ્ફી લઇ યાદગાર પળોને કેમેરામાં કેપ્ચર કર્યા બાદ...
જતાં જતાં ફરી એકવાર ગર્મજોશીથી વૃંદાના ગળે વળગ્યાં બાદ બહારથી હળવાં પણ, ભીતરથી ભારે લાગતાં હૈયે બન્ને છુટા પડયા.
એક ઊંડો શ્વાસ ભરી કારમાં રવાના થયાં બાદ પાંચ મિનીટના ડ્રાઈવ પછી રોડની ડાબી તરફ કાર થંભાવી, તેની બંને હથેળી વચ્ચે મોં દબાવતાં અત્યાર સૂધી માંડ માંડ દબાવેલો દેવલનો પ્રચંડ રુદનબાંધ તૂટી પડતાં મનોમન બોલી ઉઠી...
‘આઆઆ...આ તમે શું કર્યું મિલિન્દ આ શું કર્યું ? કુદરતે કઈ કિન્નાખોરીથી અમારા ત્રણેવની તકદીર લખી છે ? હે, ભગવાન, ભારેલાઅગ્નિ જેવા ભાગ્ય લખીને તું શું સાબિત કરવા માંગે છે ? સીધા ફરતાં ભાગ્યચક્ર ઉલટી દિશા તરફ કેમ ઢસડી જાય છે ? કોઈ એકથી અજાણતામાં થયેલા કર્મોની સજા કોઈ બીજું જાણી જોઇને ભોગવી રહ્યું છે, પણ શા માટે ?
મેરેથોન જેવા મનોમંથનના અંતે આવા સવા મણના કંઇક સવાલોનો ભારેખમ ભારો લઇ, ભારે હૈયે દેવલ ઘરે આવી.
રાત્રે આશરે સાડા દસ વાગ્યે ડીનર બાદ, તેના બેડરૂમના બેડ પર મિલિન્દ તેના લેપટોપ પર કોઈ ફ્યુચર પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં મશગુલ હતો.. અને બેડથી થોડે દૂર આવેલી વિન્ડો પાસે ઉભેલી વૃંદા બારી બહારથી આવતી શીતળ પવનની લહેરખીઓમાં પણ ઉકળાટ અનુભવતી હતી. તેનું મન ઉદ્વેગથી વ્યાકુળ અને વિચારો તંગ અને ઉગ્ર હતા. અંતે બિન્દાસ અને બેફીકર મિલિન્દને જોઈ દેવલનું દિલ અને દિમાગ દ્રવી ઉઠતાં સળગતાં સંવાદને ઠારવા હળવેકથી બોલી...
‘એક ગીત સંભળાવું ?’
દેવલનું આ ત્રણ શબ્દનું વાગ્બાણ જેવું વાક્ય મિલિન્દનું તપ જેવું ધ્યાન વિચલિત કરવા માટે પર્યાપ્ત હતું..
તરત જ લેપટોપ પરથી નજર દેવલ તરફ લઇ જઈ મિલિન્દ બોલ્યો..
‘આ વાક્ય તો..વૃંદાનું છે.’
પછી અચાનક કંઇક યાદ આવતાં આગળ બોલતાં મિલિન્દે પૂછ્યું..
‘કયારે મળી વૃંદાને ? શું કરે છે એ ?
‘હજુ જીવે છે.’
તીક્ષ્ણ ધાર કાઢી રાખેલા શસ્ત્ર જેવા ઉત્તરથી પ્રહારરૂપી પ્રત્યુતર આપતાં દેવલ બોલી
‘દેવલ... આ કંઈ જાતનો જવાબ છે ? સંયમથી સંવાદ સાંધી અને વિવેક, વિનમ્રતા અને વિનયવાણીના વાર્તાલાપથી સમાધાન શક્ય છે, વાકયુદ્ધથી નહી.’
‘સત્ય વચન પ્રભુ, સત્ય વચન. ભૂખ પર પણ ભાષણ, ભરપેટ ભોજન પછી જ આપી શકાય. હમણાં તમે સંતવાણી જેવી જે સુફિયાણી વાતોમાં સંવાદ કર્યો એ, ચાર મહિના પહેલાં વૃંદા સાથે કર્યો હોત તો.. કદાચ આજે એ મારવાના વાંકે ન જીવતી હોત મિલિન્દ.’
‘એટલે.. ?’
તેના ખોળામાંથી લેપટોપ ઉઠાવી બાજુ પર મૂકી, બેડ પરથી ઊભા થતાં મિલિન્દે પૂછ્યું..
‘મને હવે એવું લાગે છે મિલિન્દ કે, અજાણ્યાં બનવા માટે સંકટ સમયની સાંકળ જેવો આ ‘એટલે’ શબ્દ તકિયા કલામની માફક તમારી ઓળખ બની ગયો છે. હવે ફરી ના પૂછતાં.. ‘એટલે ?’ મિલિન્દની સામું જોઈ દેવલ બોલી.
‘પ્લીઝ, વૃંદા કંઈક સમજાય એવું બોલ. શું વાતચીત થઇ તમારા બન્ને વચ્ચે ? શું કહેવું છે, વૃંદાનું ? શું ચાહે છે, એ ? અધીરાઈથી મિલિન્દે
સ્હેજ માર્મિક હાસ્ય સાથે દેવલ બોલી..
‘બસ, એ વાતનો તો રંજ છે કે. હવે એ કશું જ નથી ચાહતી. અને જે ચાહ છે, તેની રાહ નથી. પળે પળે તેના શ્વાસ રૂંધાય છે, મિલિન્દ. કેમ કે, વૃંદાએ પ્રાણવાયુના પર્યાયમાં તમને રાખ્યાં છે. ખુદ કરતાં તમને વધુ જીવે છે. તમારા સ્થાને કોઈ પત્થરની પૂજા કરી હોત એ પણ પ્રસન્ન થઇ જાત, એ હદે હજુએ તમારા એકતરફી અનુબંધની આરાધના કરે છે એ સ્ત્રીએ. મિલિન્દ સતત બે કલાક તમામ તથ્યસભર દલીલો દ્વારા મેં ખૂબ સમજાવવાની કોશિષ કરી, પણ અંતે મારું ધૈર્ય ખૂટી ગયું.
‘આઆ...આ તમે શું કર્યું મિલિન્દ, શું કર્યું તમે ?
આટલું બોલતાં દેવલની અશ્રુધારા ફૂટી નીકળી.
‘આઆ...આ શું કર્યું મિલિન્દ.’ અદ્દલ કેશવના આ જ શબ્દો પડઘા રૂપે પરિવર્તિત થઇને મિલિન્દના કાને પડઘાયા.
જાત સાથે સંવાદ સાંધતા મિલિન્દ મનોમન બોલ્યો..
વૃંદાને અજાણતામાં થયેલા અન્યાયની અગનજ્વાલાની દાઝ પ્રત્યે કેશવ અને વૃંદા બન્નેની એકસમાન પ્રતિક્રિયા છે. ફરી કેશવના શબ્દો સાંભરતા.. મિલિન્દને ઝીણી કંપારી સાથે ભાસ થયો કે, પળમાં પ્રારબ્ધને પલટાવી નાખવાની જીદ્દમાં, નક્કર ભરોસાના જોરે જાતે આંખે પાટા બાંધી થોડો સમય માટે ધૃતરાષ્ટ બની જુગટું રમતાં સબ સલામતની ભ્રમણા પછી, જયારે આજે આંખો ઉઘડી ત્યારે..
નગદ નારાયણના બળે જગ જીતવાની રેસમાં આંધળી દોટ મૂકી, કોઈ અંગતના લાગણીની સ્હેજે પરવા કર્યા વગર ખુદ એકલો એટલો આગળ નીકળી ગયો કે,કોઈ પોતીકાના સ્પર્શ, સ્પંદન કે સહવાસ માટે તેની લાગણી સાવ કુંઠિત થઇ ગઈ હતી. અને હવે, રાતોરાત હદથી વધારે મળેલી અમર્યાદિત આર્થિક ધનરાશીની ઉષ્માના ઓવરડોઝની આડ અસરથી તેનું ઉર્મીતત્વ પક્ષઘાતની પીડાથી પીડાતું હતું.
તંદ્રા જેવા મિલિન્દના મનોમંથનના મૌનને તોડતાં દેવલ બોલી..
‘તમને ખબર છે, અવિરત બે કલાક મેં તમારા અનન્ય સહિયારા સ્નેહગ્રંથનો સત્સંગ સાંભળ્યો, એ પણ તમારા નામ વગર. તમારું નામ તેના હોઠો પર રમતું હતું પણ, વૃંદાએ એટલી સભાનતા રાખી કે, તેનો ઉચ્ચાર ન થાય.. તમે જે અંદાજ નહીં લગાવી શકો, એ હું જોઇને આવી છું, મિલિન્દ. જળ વિના તરફડતી મીન જેવી મનોદશા છે, વૃંદાની.’
મિલિન્દને થયું કે, જુગટું મેં નહીં પણ કુદરતે મારી સામે રમ્યું છે, ઘણું આપ્યાની ભ્રમણામાં બધું છીનવી લીધાની લાગણી થવાં લાગી. દેવલનો હાથ ઝાલી બેડ પર બેસાડતાં ગમગીન સ્વરમાં મિલિન્દ બોલ્યો..
‘શું વૃંદાની અંતર્દાહના શમનનો કોઈ ઉપાય નથી ? પારાવાર પીડતી પ્ર્યાસ્ચિતનો કોઈ પર્યાય નથી ? હું કંઈપણ કરવાં તૈયાર છું, દેવલ.’
‘મિલિન્દ, કોઇપણ સ્ત્રી પ્રેમમાં પરાયા કે પોતાના પુરુષ સાથે તેનું પડખું શેર કરી શકે, પણ તેના સનમ કે સુહાગને કોઈ અન્ય સ્ત્રી સાથે તલભાર પણ શેર ન કરી શકે. અને બદનસીબે એ પરિસ્થતિનું નિર્માણ થતાં એ સ્ત્રી જાન આપી દે યા તો કોઈની જાન લઈ લે. શબ્દે શબ્દે ટપકતી તેની આપવીતીનો સાવ સરળ ભાષામાં અનુવાદ કરતાં કહું તો,...વૃંદા રોજ હસતાં હસતાં વ્યથાવિષના ઘૂંટડા ગળી ધીમે ધીમે ખુદને ખતમ કરી રહી છે. આ અંતિમ અને નગ્ન સત્ય છે.’
દેવલે વાસ્તવિકતાના વાઘા ઉતારતા મિલિન્દને એમ થયું કે જાણે તેના મન, મસ્તિષ્ક પર માનસિક બળાત્કાર થઇ રહ્યો છે.
થોડો સમય રૂમમાં ચુપકીદીનો ઓછાયો રહ્યો. એ પછી દેવલ બોલી..
‘બીજી એક વાત મિલિન્દ.. મારી અને વૃંદા બંનેની આશંકામાં એક સામ્યતા જોવા મળી.’
‘આશંકા ? કઈ આશંકા ? કુતુહલ સાથે મિલિન્દ બોલ્યો..
‘મારા મનની વાત દોહરાવતા મેં કહ્યું કે..ગૂંચવાયેલી વૃતાંતનો કોઈપણ છેડો પકડો પણ, અંતે આજ સુધીની દશા માટે દિશાનિર્દેશ નિયતિના કોઈ ગૂઢ રહસ્ય તરફ જ અંગુલીનિર્દેશ કરે છે. તો તરત જ આ વાત પર તે સહમત થઇ ગઈ. એટલે કોઈ ગૂઢ રહસ્ય પ્રત્યેની મારી શંકાને ઠોસ આધાર મળી ગયો. હવે મારું દિમાગએ દિશા તરફ દોડે છે. ઊંડે ઊંડે મારું મન કહે છે કે, હવે કુદરત તરફથી જ આ અભિમન્યુના કોઠા જેવા કોયડાનો કોઈ ઉકેલનો સંકેત મળશે.’
‘સાંકેતિક અંત કેવો હશે ? તને શું લાગે છે, વૃંદા મને માફ કરશે ? ક્ષ્રમાની શક્યતા કેટલા પ્રતિશત હશે ? અજાણતામાં છુટેલું તીર કોને તારશે કોને મારશે ?
અંધકારમય ભાવીના ભયથી અણધણ સવાલો પૂછતાં મિલિન્દ બોલ્યો..
એટલે માર્મિક સ્મિત કરતાં દેવલ બોલી..
‘મારા ધર્યા મુજબ ભાવિનો તાગ મેળવતાં એવું લાગે છે કે, હવે તીરથી માછલીની આંખ નથી વીંધવાની પણ, જળ વિના તરફડતી માછલીએ તેની આંખ તીરમાં ભોંકીને લક્ષ્યવેધનું નિમિત બનવાનું છે, એવી સ્થિતિનું સર્જન થતાં જોઈ રહી છું. અને અંતે અમારા બન્નેની હાર નિશ્ચિત છે, કેમ કે, અમને બન્નેને મિલિન્દ તરફથી માત્ર અમારા નિસંદેહ સ્નેહની સ્તુતિ સાંભળવી છે, પણ મિલિન્દ તો હવે ફક્ત સંપતિના સંવાદ જ બોલે છે.’
હવે મિલિન્દ સદંતર નિશબ્દ થઇ ગયો. થોડીવાર માથું પકડીને બેસી રહ્યાં પછી
બેડ પર લંબાવ્યું એટલે, દેવલ લાઈટ સ્વીચ ઓફ કરી, ફરી વિન્ડો પાસે આવી
સ્ત્રી સન્માનના સળગતાં અંગારા જેવા અરમાન અને ઊના અશ્રુ સાથે ઠંડા પવન સામે જુગલબંધી કરતી કયાંય સુધી આકાશમાં તરફ જોઈ મનમાં ગણગણતી રહી..
‘ઘર સે ચલે થે હમ તો ખુશી કી તલાશ મેં,
ગમ રાહ મેં ખડે થે વહી, સાથ હો લિયે
ખુદ સે દિલ કી બાત કહી, ઔર રો લિયે.. યૂં...હસરતો કે દાગ.’
તો એ તરફ...
વૃંદાએ કોલ જોડ્યો ચિત્રાને.. સમય થયો હશે આશરે રાત્રીના બારેક વાગ્યાનો..
અંગ્રેજી નોવેલ વાંચતી ચિત્રા, બૂક બાજુ પર મૂકી કોલ રીસીવ કરતાં બોલી.
‘હા, બોલ ડીયર, આટલી મોડી રાત્રે..? એવરીથીંગ ઈઝ ઓ.કે. ?
તેની અલાયદી અને મસ્તીની અદામાં વૃંદા બોલી..
‘મોડી રાત ? હજુ તો મારો સુરજ ઉગ્યો છે, આજે મારી દિલોજાન દોસ્ત માનસી દોશી સાથે લોંગડ્રાઈવ પર નીકળી ગઈ હતી, ફલેશબેકમાં. અરે યાર..ટૂ મચ ઇન્ટરેટીંગ એન્ડ સસ્પેન્સ કન્વર્સેશન. હવે સાંભળ હું જે કહું એ તારે કરવું જ પડશે... ઇટ્સ સ્ટ્રીકલી ઓર્ડર બાય વૃંદા સંઘવી, સમજી. ’ બોલતાં વૃંદા હસવાં લાગી.
‘આને ફરી શું નવું ગાંડપણ સુજ્યું હશે ? એવું મનોમન બોલ્યાં પછી ચિત્રાએ પૂછ્યું..
‘દેવદાસ પર ઓલરેડી ત્રણ મૂવી બની ચૂકી છે, હવે અડધી રાત્રે તને ‘દેવદાસી’ બનાવાવનું ફિતૂર ચડ્યું છે કે શું ?
એટલે હસતાં હસતાં વૃંદા બોલી...
‘હા... પણ એનાથી અનેક ગણું ચડીયાતું સમથીંગ ડીફરન્ટ. લિસન હવે હું કહું એ શાંતિથી સાંભળ..’
એ પછી વૃંદાની પંદર મિનીટ સૂધી નોનસ્ટોપ વાતચીતના અંતે ચિત્રા બોલી..
‘હેય...વૃંદા આર યુ મેડ ? આઆ...આ બધું કરવાની શું જરૂર છે, એકતરફ તું જાણીજોઈને તારી ખૂબસૂરત જિંદગી અલ્મોસ્ટ બરબાદીના પંથે લઇ ચુકી છે, અને આવા સમયે તને આવી મસ્તી સૂજે છે. સોરી.. વૃંદા હું તારા આ ભવાઈમાં ભાગીદાર નહીં બનું, સોરી.’
-વધુ આવતાં અંકે.