Ek Chutki Sindur ki kimmat - 30 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 30

Featured Books
Categories
Share

એક ચુટકી સિંદૂર કી કિંમત - 30

પ્રકરણ- ત્રીસમું/૩૦

પણ મિલિન્દ એક ગુત્થી નથી ઉકેલાતી. હજુ એક રહસ્ય નથી સમજાતું.’
‘ગુત્થી ? રહસ્ય ? શું ? વિસ્મય સાથે મિલિન્દે સવાલ પૂછ્યો

એટલે દેવલ બોલી...
‘શું સમજવું ?

‘અભિમન્યુના કોઠા જેવો કુદરતનો કરિશ્મા.. કે કરામાત ? કે પછી નિયતિની યુતિ ?
તમારા અને વૃંદા વચ્ચે અસીમ આર્થિક અસમાનતા હોવા છતાં, તેમણે તમારી જીવનસંગીની બનવા માટે એકતરફી અને એ પણ તટસ્થ અફર નિર્ણય લઇ લીધા સુધીની નિકટતાની નિર્માણ સ્થિતિ સર્જાયા પછી પણ કેવો જોગાનુજોગ કે, તે તેની પ્રસ્તાવના રજુ કરે તેના એક દિવસ પહેલાં જ અચનાક આપણા બન્નેના મળવાના યોગ ઊભા થાય ? અને મારું છેક દિલ્હીથી એવાં ઘોડાપુર પીડાની પરિસ્થિતિમાં પરત આવવું કે, જેના પ્રચંડ પ્રવાહના શમનની કોઈ દિશા નહતી. છતાં કલાકોમાં કરોડોના કોયડા જેવી ગૂંચનો ચપટી વગાડતાં ઉકેલ આવી જાય અને એ પણ એક અજનબીના ભરોસા પર ? અને પછી લગ્નની પ્રથમ રાત્રીએ વૃંદાનો મારી સાથે જ કેમ સત્સંગ થાય ? અને આજે અમારી આ મેગા મિરેકલ જેવી મુલાકાત ? મને તો આ ભગવાનની ભુલાભુલામણી જેવા ભેદભરમ ફરતે કોઈ ઊંડા રહસ્યનું જાળું ગોઠવાયેલું હોય એવું લાગે છે. મારું મન કહે છે કે, નક્કી આ ઋણાનુબંધ જેવો અજાણ્યો અનુબંધ કોઈ વણ ઉકેલ્યા મર્મ તરફ માર્મિક સંકેતનો અંગુલીનિર્દેશ કરી રહ્યું છે.’

‘અચ્છા દેવલ, રાત કાફી ગાઢ થઇ ગઈ છે, આપણે હવે નીચે જઈશું ?’
ઝૂલા પરથી ઊભાં થતાં મિલિન્દ બોલ્યો.

રાતની શીતળતાને પણ દજાડતી દહેક્તી દાસ્તાન સાંભળ્યા પછી પણ મિલિન્દનો સાવ વિપરીત અને અનપેક્ષિત ઠંડા પ્રતિસાદ જેવો પ્રત્યુતર દેવલને વધુ દજાડી ગયો. છતાં મન મારી વાતને વાળતાં બોલી...
‘અચ્છા ચલો પણ, મને તો ગાઢ રાત કરતાં રાઝ વધુ ગૂઢ લાગે છે.’

‘કેવું રાઝ ? ક્યુ રાઝ ? કોનું રાઝ ? નીચે આવતાં મિલિન્દએ પૂછ્યું..
‘એ તો હું વૃંદાને મળીશ પછી જ માલૂમ પડશે.’ દેવલ બોલી..

એમ કહી બન્ને..નીચે બેડરૂમમાં આવી મનોમન પોતપોતાના અંદાજ મુજબ આંકેલા પૂર્વાનુમાનના સંભળાતા પડઘા સાથે પડખા ફેરવતાં ફેરવતાં સુઈ ગયાં.

દેવલના આત્મવિશ્વાસ અને પારદર્શક પરિસંવાદથી સવારે માનસિક રીતે આંશિક હળવોફૂલ લાગતો મિલિન્દ નિત્યક્રમ પતાવી તેના કામે વળગી ગયો.

વૃંદા સાથે નક્કી કર્યા મુજબ બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે દેવલ વૃંદાના મલાડ સ્થિત ફ્લેટ પર આવી પહોંચી.

ડોરબેલ પ્રેસ કરતાં થોડી ક્ષ્રણો બાદ વૃંદાની માતા વિદ્યા બારણું ઉઘાડતાં સસ્મિત બોલ્યાં..
‘આવો.. વેલકમ, મને હમણાં જ વૃંદાએ કહ્યું કે, તેમની એક સહેલી મળવા આવી રહી છે. આવો.. આવો..’

કોણી સૂધીના લંબાઈના સ્લીવ વાળા સિલ્કના લાઈટ યેલ્લો કલરના એમ્રોડરી બ્લાઉઝ પર. ગોલ્ડન કલરના બોર્ડર વાળી મરૂન કલરના સિલ્કની સાડી, કપાળની વચ્ચે મધ્યમ કદની બિંદી, છુટ્ટા કેશ, અને તેના સમગ્ર અસ્તિત્વ પર ભારે પડતા ચહેરા પરના મિલિયન ડોલર સ્માઈલ સાથે....
સ્હેજ સંકોચ અને વિનમ્રતા સહિત બે હાથ જોડી
‘નમસ્તે’

બોલી, દેવલ બેઠકરૂમમાં એન્ટર થઇ.
ઉડીને આંખે વળગે તેવી સુઘડતા સાથેની સુવય્વસ્થિતા. હજુ દેવલ પુરા બેઠકરૂમમાં નજર ફેરવે એ પહેલાં વિદ્યા જમણી દિશા તરફ તેનો હાથ લંબાવી બોલ્યાં..
‘પેલી તરફ સામે દેખાય તે વૃંદાનો બેડરૂમ છે, આપ જઈ શકો છો.’
‘થેન્કયુ આંટી.’
કહી દેવલ વૃંદાના બેડરૂમ નજીક આવી હળવેકથી બારણું ઉઘાડી અંદર દાખલ થઇ....

વિશાળ બેડરૂમ પણ, બેઠકરૂમ અને બેડરૂમના રખરખાવ વચ્ચે જળ અને સ્થળ જેટલો તફાવત નજરે પડ્યો. અંશત: બધું જ અવ્યવસ્થિત. દેવલને જોઈ બાલ્કનીમાં ઉભેલી વૃંદા પ્રફુલ્લિત ચહેરા અને ઉમળકા સાથે ધીમે ધીમે દેવલ નજદીક આવતાં બોલી...

‘સુસ્વાગતમ... સુસ્વાગતમ.... આવ આવ.. એક મિનીટ’
આમ બોલ્યાં બાદ વૃંદા બે પાંચ પળો દેવલને પગથી માથા સૂધી ઉપર નીચે નજર ફેરવીને જોયાં કર્યા પછી બોલી..
‘મને મિર્ઝા ગાલિબનો એક શેર યાદ આવે છે.

‘ઈર્શાદ’ સસ્મિત દેવલ બોલી
એટલે વૃંદા બોલી...

‘વો આયે ઘર મેં હમારે
ખુદા કી કુદરત હૈ
કભી હમ ઉન કો
કભી અપને ઘર કો દેખતે હૈ.’

વૃંદાના ઉષ્માભર્યા ઉમળકાથી દેવલ આનંદિત થઇ ગઈ. વૃંદાના હાથમાં તુલીપ ફ્લાવર્સનું બૂકે આપી..
રૂમની મધ્યમાં ગોઠવેલાં સોફા પર આસાન જમાવતાં દેવલ બોલી..
‘થેન્ક્સ..’

‘ઊઊઊઊ.. વાઉ...વ્હોટ એ બ્યુટીફૂલ બૂકે.. થેન્ક્સ... પણ આ ઔપચારિકતા જરૂરી હતી ? ’ દેવલની બાજુમાં બેસતાં વૃંદા બોલી.
‘ઔપચારિકતા નહીં પણ, આત્મીયતા. આ પુષ્પ આપણા અવિસ્મરણીય મિલનના પરિચયની પરિભાષાનો પમરાટ અને પ્રતિક છે. એક અરસા પછી પણ આ તુલીપની મહેક આપણી મૈત્રીની મધુરતાનું સ્મરણ કરાવશે.’

‘સુમનના સહજ સૌરભ પ્રકૃતિ સમાન.’ દેવલ સામું જોઈ વૃંદા બોલી.

‘માનસી, તે દિવસે મોલમાં આપણે જે રીતે અનાયસે પૂર્વજન્મ જેવા ઋણાનુબંધમાં બંધાયા, અને પછી રાત્રે પણ તારા કોલ આવ્યો, ત્યારબાદ મેં મારી એકમાત્ર ખાસ સહેલી ચિત્રાને કોલ પર આ જોગાનુજોગની જાણ કરી.. ચિત્રાને પણ ખુબ નવાઈ લાગી કે, કોઈનું મારી જોડે આટલું જલ્દી એટેચમેન્ટ થઇ જાય અને એ પણ આ હાલતમાં.’
‘પણ, મારા માટે તો સૌથી સુખદાશ્ચર્યની વાત એ છે કે, મુંબઈમાં પહેલી સહેલી મળી અને એ પણ એકે હજારા જેવી.’
બોલ્યાં પછી હસતાં હસતાં દેવલને રૂમમાં નજર ફેરવતાં જોઈ વૃંદાએ પૂછ્યું.

‘કેટલું અસ્તવ્યસ્ત અને વેરવિખેર લાગે છે બધું નહીં ? તું મનોમન વિચારતી હોઈશ કે, આ કેવી લેઝી અને ફૂવડ લેડી છે ?’ બોલી, વૃંદા હસવાં લાગી.

‘હમમમ.. વિચારું શું કામ સીધે સીધું પૂછી જ લઉંને. અને જે તમને તમારી મસ્તીમાં મસ્ત રાખે તેને સુવ્યસ્થિત જ કહેવાય.’ દેવલ બોલી.
‘મને લાગે છે તું સંજોગોને આધીન થઈ સમય સરિતાની ધારના પ્રવાહને સમજી તારી જાતને તરતી મૂકી દે છે. રાઈટ ?’ વૃંદાએ પૂછ્યું.

‘હા, કેમ કે, કિનારે પહોંચવું હોય તો, પ્રવાહની સાથે તરવામાં શાણપણ છે. સામે નહીં. નહીં તો પાણી જ તમને ડૂબાડી દે.’ દેવલ બોલી.
‘ના.. માનસી.. મને પાણી નહીં ડૂબાડે. હું તો એટલે ડૂબીશ કે, મને તરતા આવડે છે છતાં મારે તરવું નથી એટલે. અને આળ પાણી પર આવે તેથી.’ વૃંદા બોલી.

‘પણ, તેમાં પાણીનું શું જાય ? એ તો તેની પ્રકૃતિ અને પ્રવાહની ગતિમાં વહેતું જ રહેશે અવિરત.’ દેવલે પૂછ્યું.

બે ક્ષણ સુધી દેવલની આંખોમાં જોઈ વૃંદા બોલી,

‘માનસી, કોઈ મનગમતા જળસ્થળ પર કોઈ આપણું વ્હાલું ડૂબી મર્યું હોય તો.. એ સ્થળ ફરી પર જવું ગમે ? વરસોથી મનગમતું સ્થળ અચનાક અણગમતું કેમ થઇ જાય ? એ ઘાટના પાણીની ઘાતના આઘાતની ઘટના માટે એ જળ જવાબદાર બની જાય. એ જળનો કોઇપણ ઘાટ પછી કોઈપણ સ્વરૂપે, કયાંય પણ, તમારા માટે સ્મરણઘાત બની જાય.’

આટલું સાંભળતા અતળ તળમાં રહેલી વૃંદાની ગૂંગણામણનો અહેસાસ દેવલને થવા લાગ્યો.
દેવલે નક્કી કર્યું કે, આજે યેનકેન પ્રકારે વૃંદાને આ ઉત્પીડનની પીડામાંથી છુટકારો અપાવીને જ રહીશ.

‘અચ્છા ચલ છોડ, પહેલાં કંઇક ગરમ કે ઠંડા પીણાંની ચુસ્કીઓ મારતાં મારતાં વાતો કરીએ, બોલ શું ફાવશે તને ?’ વૃંદાએ પૂછ્યું.

‘ના.. વાતો કરતાં કરતાં ચુસ્કીઓ મારીશું.’
પછી હસતાં હસતાં હસતાં દેવલ આગળ બોલી..
‘કોઈ ગમતાંના સાનિધ્યમાં પસંદગી ગૌણ બની જાય, વૃંદા. ક્યાં, કેમ, ક્યારે, કેવું, કેટલાંનો છેદ ઉડી જાય જો, ‘કોણ’ નો ભેદ ન હોય તો.’
જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે..’ દેવલ બોલી.

મેડને બે કોફી લાવવાની સૂચના આપ્યાં પછી વૃંદાએ પૂછ્યું..
‘કોણ..? માનસી એટલે કોણ ? અને મારા માટે કોણ ?
વૃંદાએ અચાનક આવો સવાલ પૂછતાં દેવલને સ્હેજ આશ્ચર્ય થયું.. એટલે પૂછ્યું.

‘તારી અભિવ્યક્તિના આઇનામાં મને મારું પ્રતિબિંબ ઉજળું લાગ્યું એટલે, એ પ્રતિબિંબથી પ્રભાવિત થતાં તે ઓળખને વધુ ઉજાગર કરવાં તારું સાનિધ્ય ઈચ્છું છું.’

‘પણ, માનસી હવે હું ખરેખર ગંભીરતા સાથે ઉત્સુક છું, તારા પારદર્શક પરિચય માટે.’ વૃંદા બોલી.

‘મારો પરિચય શું આપું ? થોડો સમય પહેલાં જ લગ્ન સંબંધમાં બંધાઈ છું, એક ગૃહિણી છું, એ કોમન હાઉસ વાઈફ. દાદરમાં રહું છું. પતિ ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટનો બિઝનેશ કરે છે. અમે બે અને મારા સાસુ સસરા. સ્મોલ ફેમીલી, હેપ્પી ફેમીલી.’ ટૂંકમાં વાત વાળતાં દેવલે કહ્યું.

‘પણ, આ તો સાર્વજનિક પરિચય છે, મને તો તારો અંગત પરિચય જોઈએ.’
વૃંદા બોલી.

‘શું જાણવું છે તારે, બોલ ?’ દેવલે પૂછ્યું.

‘લવ મેરેજ કે એરેન્જડ મેરેજ.’ ફરી વૃંદાએ પૂછ્યું.

‘મેરેજ થઇ ગયાં.. હવે થશે તો લવ એરેન્જડ કરી લઈશું.’
બોલતાં દેવલ હસવાં લાગી.

ત્યાં, મેડ કોફી મૂકીને જતી રહી.

‘હાઉ.. સ્ટ્રેન્જ. કઈ રીતે દિમાગમાં બેસે, આ ગણિતના પ્રમેય જેવા પ્રેમવીહીન સંબંધના સમીકરણ ? કોઈ વ્યક્તિ જોડે તમારે તમારી અનિચ્છાએ સમગ્ર અસ્તિત્વ મિટાવીને બધું જ શેર કરવાનું ? પ્રેમની આશમાં તન, મન, ધનથી પ્રેમની પથારી પાથરી, એકતરફી પ્રેમથી, પોતીકા પ્રેમની પથારી ફેરવી નાખવાની એમ ? આઈ કાન્ટ બીલીવ ધીઝ. માનસી મારી દ્રઢ માન્યતા મુજબ એક નગ્ન સત્ય કહું, આ દુનિયામાં સૌથી વધુ ગરીબ કોણ છે, ખબર છે ?

‘કોણ ?’ દેવલે પૂછ્યું.

‘જેને કોઈ પ્રેમ નથી કરતું. લવ કે લિયે સાલા કુછ ભી કરેગા, પર લવ નહીં કરેગા.’
ગરમ કોફીનો મગ ઉઠાવી, ઉકળાટનો ઉભરો ઠાલવતાં વૃંદા બોલી.

‘એમ સમજી લેવાનું કે આપણામાં પંડમાં જ કોઈનો પ્રેમ નહીં પાંગરવાની કોઈ ઉણપ હશે,બીજું શું ? દેવલ બોલી.

‘આ સમજણના શાસ્ત્રો સ્ત્રીઓ માટે જ લખાયા છે ? બધું સ્ત્રી એ જ સમજવાનું ?
વૃંદા બોલી.

‘પણ, તને કોણ પ્રેમ ન કરે ? અને તે કહ્યું કે તે કોઈને ડીસ્ટર્બ કરવાના કોપીરાઈટ આપ્યાં હતા, કોણ છે, એ કહીશ ?
દેવલે વૃંદાની દુઃખતી રગ દબાવતાં પૂછ્યું.

એટલે વૃંદા ચુપ થઇ ગઈ..નીચી નજરો ઢાળી ચુપચાપ કોફીના ઘુંટડા ભરતી રહી.
દેવલ પણ કશું ન બોલી..ખામોશી સાથે બન્ને એ કોફી ખતમ કરી... એટલે ગળગળા સ્વરમાં વૃંદા બોલી..

‘એવું થાય છે માનસી કે, આજે અનરાધાર વરસીને ખાલીખમ થઈ જવું છે, પણ મને અહીં ગભરામણ થશે..ચલ આવ, આપણે ત્યાં બાલ્કનીમાં જઇને બેસીએ.’
એટલે બન્ને ઊભા થઇ આવ્યાં બાલ્કનીમાં. શીતળ પવનની લહેરખીઓ વચ્ચે ઊંડો શ્વાસ લઇ વૃંદા બોલી...
‘બેસ.’

‘માનસી... મને નથી ખબર કે તું કેમ મારા મૌનની વાચાના અનુવાદની અનુગામી છો. મારી અંગતથી પણ વિશેષ કહી શકાય એવી દોસ્ત, ચિત્રા પણ મને આ સ્થિતિની સમાંતર લાવવામાં નિષ્ફળ રહી. અને એ પછી મારા ડેડ.. કે, જેમના શબ્દકોશમાં મારા માટે અશક્ય શબ્દ નથી. તેની પાસે પણ હું જાત ન ઉઘાડી શકી.’

‘માનસી.. મારે ફરિયાદ નથી કરવી, વેદના કે વ્યથા નથી ઠાલવવી, કે નથી કોઈ પીડાનું પ્રદર્શન નથી કરવું. બસ, મારી અવ્યક્ત અભિવ્યક્તિનો તારા જેવા યોગ્ય પાત્ર સામે શણગાર કરવો છે. કોઈ પ્રતિભાવ કે પ્રત્યુતરની અપેક્ષા વગર. હું માત્ર ઈશ્વર પાસે ઉત્તરદાયિત્વ ઝંખું છું. કારણ કે આ નિયતિના રચયતા જગત નારાયણ છે.’

‘માનસી.. કોઈ વિશાળ ખાલી ખંડ હોય...ત્યારે ત્યાં પડેલી સિતાર પર ભૂલથી પણ આંગળીઓ ફરી વળે તો... પુરા ખંડમાં કયાંય સુધી તેની સુરાવલીના સુમધુર પડઘા પડઘાયા કરે... બસ હું એ ખાલી ખંડ જેવી જ હતી, ચાર મહિના પહેલાં તે જોયેલી વૃંદા. એ પડઘા હજુ શમ્યા નથી. અજાણતામાં કોઈ અડકી ગયું... અને હું ભટકી ગઈ, શરમાઈ ગઈ, પેલા લજામણીના છોડની માફક. ‘કાશ....’

‘આ ‘કાશ’ પણ કેવો શબ્દ છે નહીં, માનસી ? છેક ઊંડે સુધી પેધી ગયેલી વાંસની ફાંસ જેવો. ‘કાશ’... ગમતા સરગમની ધૂન છેડવાની ધુન ન લાગી હોત..
‘કાશ’.. શબ્દ, સૂર, સ્વર કે સંગીતના સંગતની અસરમાં કોઈ કસર રહી ગઈ હોત.. ‘કાશ’..લાગણીના પૂર બંને કાંઠે સમાંતર હોત.. ‘કાશ’... એ મજબૂર ન હોત..
‘કાશ’.. આ બધું હું તેને કહી શકતી હોત.’

ધીરે ધીરે, ધીમે આંચે તપતો વૃંદાનો પરિતાપનો તાપ તેના ભારેલા અગ્નિ જેવા આક્રંદની અગનજાળ ફેલાવી રહ્યો હતો. પરિતાપનો તાગ મેળવી દેવલ તેનું મનોબળ મક્કમ કરતી રહી અને વૃંદા તેના વૃતાંત વાટે વ્યથાની વરાળ ઠાલવતી રહી.

‘કોણ છે એ જાણી શકું ?’ દેવલે પૂછ્યું

‘છે નહીં, હતું. કોઈ હમસફર, સફરની અધ્ધ વચ્ચે છોડીને આગળ જતું રહે તો.. આપણે તેના માટે ભૂતકાળ બની જઈએ પણ, આપણે તો ત્યાં જ છીએ. એટલે એ આપણો તો વર્તમાન જ થયોને ? છતાં હું તો ત્રણેય કાળને એક જ પળમાં જીવું છું.
એવું લાગે છે, કોઈ મહેમાન બનીને આવ્યું હતું..જિંદગીમાં હવે.. હું ખુદને
ઘરમાં મહેમાન મહેસૂસ કરું છું. હવે પ્રત્યક્ષને ભૂલી અપ્રત્યક્ષરૂપની અનંત અવસ્થામાં જ પ્રિતના પડછાયાની જ પ્રતીતિ કરવાની છે, એ વાત જાતને સમજાવતાં સમજાવતાં હૈયાંને હાંફ ચડી જાય છે.’
‘પણ, વૃંદા મારા મતે તું, હાલાત કરતાં ખ્યાલાતનો વધુ શિકાર બની રહી છે.’
દેવલ બોલી..

માર્મિક સ્મિત સાથે દેવલ સામું જોઈ વૃંદા બોલી..

‘આ હાલાત અને ખ્યાલાત પણ તેની જ સૌગાત છે ને ? હું આવી તો નહતીને ?
હજ્જારોની મેદની અવિરત તેની તાલીઓના ગડગડાટ અને અશ્રુથી રંગમંચ પરના અદાકારને તેના અવિસ્મરણીય અભિનયને ત્યારે વધાવે, જયારે તે કલાકારે સ્વને ભૂલી, ભૂંસીને તે પાત્રને આત્મસાત કર્યું હોય.. માત્ર બે કલાકના અભિનયની આટલી ઊંડી અસર હોય તો....આ રંગમંચ નથી માનસી, અને આ અદાકારી પણ નથી. આ હાલાત અને ખ્યાલાત માટે ખુદને મિટાવીને કોઈને જીવવું પડે.’

આટલું સાંભળતાં દેવલની સોચ અને સમજણ શક્તિ શિથિલ થઇ ગઈ. છતાં દેવલને થયું કે, આજે વૃંદાની ચિત્કાર જેવી ચિક્કાર વેદના વરસી પડે તે સૌને માટે લાભદાયક છે. અત્યારે વૃંદાની મનોસ્થિતિનો તાગ લગાવતાં, મિલિન્દમય વૃંદાના પંડમાં કેટલી વૃંદા બચી છે, એ દેવલ માટે કળવું કઠીન હતું. અંતે મનોમન દેવલે નક્કી કર્યું કે, હાલ દાવાનળ જેવા પ્રશ્નો વૃંદાનો દમ ઘૂંટી રહ્યાં છે, તેનો ઉભરો ઠાલવ્યા પછી જ વૃંદા સાથે વાસ્તવિકતાનો વાર્તાલાપ શક્ય બનશે.

એટલે દેવલ બોલી...

‘જો..વૃંદા તને એવી પ્રતીતિ થતી હોય કે, હું તારી અકળ મનોવ્યથાના મર્મનો અનુવાદ કરી શકીશ અથવા તને એવું લાગે કે, તારા પાવન અજીજ અતીત સ્નેહ સારાંશને સમજવાનું સામર્થ્ય મુજમાં છે, તો પ્લીઝ...વૃંદા આજે હૈયું વલોવીને વરસી જા બસ. તારી દ્રષ્ટીએ અંધકારમય લાગતી જિંદગીમાં આશાનો એક દીવડો જગાવી શકું તો પણ મારું જીવન ધન્ય થઇ જશે.’


આટલું બોલતાં...તો વૃંદા.. દેવલના ગળે વળગી પડતાં તેનો અશ્રુબંધ તૂટી પડ્યો..
ખુદ વૃંદાની વ્યથાકકથાથી વ્યાકુળ હોવા છતાં, દેવલે સહાનુભુતિ ભર્યા સ્પર્શ અને સાંત્વનાસભર શબ્દોના સહારે વ્હાલ કર્યા પછી માંડ શાંત, સ્વસ્થ અને સામાન્ય થયાં પછી વૃંદા બોલી..

‘માનસી, આજે ચારેક મહિના બાદ જીવિત હોવાના સંચારનો મને અહેસાસ થાય છે. મારી રગે રગના રક્તકણમાં ભળીને ભમતું મૌનનું ઘોડાપુર મારા મન, મસ્તિષ્ક અને ચેતાતંત્રને રીતસર ધમરોળી નાખતું’તું. બંધની પાળ તૂટે એમ પીડાની પરિસીમા સાથે ગળામાં જ ડૂબી જતી. અને કહું, તો પણ કોને ?’

‘કોઈ મારી જેવું સન્યાસી કે પ્રેમ પ્યાસી તો આવે તો કહું, હું રહી અનુબંધથી અજાણ અને અભણ કોઈ તારા જેવો અનુરાગનો અભ્યાસી આવે તો કહું, મલકની વાતો ઉભડક શ્વાસે બેઠી છે હૈયે, પણ તારા જેવું કોઈ વિશ્વાસી આવે કહું, આવે સૌ વાસ્તવિકતાના વાઘા પહેરી પણ તારા જેવું કોઈ આભાસી આવે તો કહું.’

ત્રાસદી લાગતી તેની વ્યથાકથાને વૃંદાએ પ્રાસમાં હ્રદયસ્પર્શી શબ્દ દ્વારા રજુ કરતાં તાળીઓથી વધાવતાં ભીની આંખોની કોર સાથે દેવલ બોલી...
‘આફરીન’

‘અને... માનસી કેવો જોગાનુજોગ.. મારી વાર્તાનું મુખ્ય કિરદાર એ શખ્સ બની ગયો.. જેને વાર્તામાં વિશ્વાસ જ નહતો.’

‘તમારા બન્નેની કોઈ તસ્વીર છે. ?’ દેવલે પૂછ્યું..
માર્મિક સ્મિત સાથે વૃંદા બોલી...

‘તસ્વીર ? હા છે ...મારી સૌથી વધુ ફેવરીટ તસ્વીર.. એ તમામ ક્ષ્રણોની તસ્વીર, જે હું કયારેય કેમેરામાં કૈદ ન કરી શકી. જેણે ફક્ત મેં જ જોઈ છે અને જીવી છે. માનસી, આ મુંબઈ શહેર મારો પહેલો પ્રેમ.. અને મરીન ડ્રાઈવ મારી ધડકન. આજે હું મરીન ડ્રાઈવ નથી જઈ શકતી..કેમ ? કેમ કે, મને ડર છે કે, ભૂલેચુકે હું જઈશ અને મરીન ડ્રાઈવની સડકો મને સવાલ કરશે કે, શું ભૂલી ગઈ છો ? શું છૂટી ગયું છે ? આજે એકલી કેમ છો ? કોને શોધે છે ? તો.. હું શું જવાબ આપીશ ?
આટલું બોલતા વૃંદાનો અવાજ ભારે થઈ ગયો..

સવાલ પૂછવા પાછળ દેવલનો ઈરાદો વૃંદાની હૈયાંવરાળને હળવો કરવાનો હતો.. વૃંદાનો ઉત્તર સાંભળી દેવલ એક પળ માટે આંખો મીંચી મનોમન બોલી...
‘હજુએ કેટલું જીવે છે, મિલિન્દને.’

અચનાક વૃંદાએ પૂછ્યું..’ માનસી, તું ખુશ છે, તારા લગ્નજીવનથી ?’
વૃંદાને સાંત્વના આપવા દેવલ બોલી...
‘સેંથામાં સિંદૂરથી ભરવાથી રુદિયાનો ખાલીપો ન ભરાઈ વૃંદા, પ્રેમસંબંધ અને લગ્નસંબધ બે વિભિન્ન અભિગમ અને અવસ્થા છે.’

સ્હેજ હસતાં વૃંદા બોલી..

‘સૌથી દુઃખદ બાબત એ છે કે, સંબંધ હોવા છતાં નજર સમક્ષ રોજ ધીરે ધીરે પ્રેમને ખત્મ થતો જોવો. જિંદગીમાં કૈંક સંબંધ કેવા હોય છે નહીં..?’

‘પહેલાં પહેલાં.. પ્રેમની પગદંડી પર પા પા પગલી માંડતા મસ્તીમાં અમસ્તી સ્હેજ ઠેસ વાગતી તો.. એકબીજાના રાતોની ઊંઘ હરામ થઈ જતી, અને આજે,


એ પાત્ર મૃત:પ્રાય અવસ્થામાં મારવાના વાંકે જીવે છે, એવી અનાયાસે ખબર પડે ત્યારે, ઔપચારિકતા ખાતર ભિક્ષાપાત્રમાં ‘ટેક કેર ઓફ યોર સેલ્ફ.’ જેવા બે-ચાર શબ્દો નાખતાં પણ સ્વાભિમાન ઘવાય જાય ?

દેવલ ચડી મનોમંથનના માર્ગે..
બહારથી આભાસી પણ ભીતરથી સો ટચના સોના જેવી વૃંદાના વાસ્તવિક વેદનાની એક પછી એક દર્દીલી દાસ્તાન સાંભળતા મનોમન સિસકારા સાથે દેવલને ભાન થયું કે, મિલિન્દે, વૃંદાને વિશ્વાસમાં લઇ અથવા તેનો વિચાર સુદ્ધાં કર્યા વગર આંખ મીંચીને ઉતાવળે લીધેલો અણધણ નિર્ણય અંધાધૂન સીરીયલ બ્લાસ્ટનું કામ કરી રહી છે. હવે યેનકેન પ્રકારે વૃંદાને મિલિન્દની અસલી હકીકતથી વાકેફ કરાવવી અથવા તો તકદીરે ચીતરેલા ત્રિકોણને તોડીને વૃંદાના મનોવાંછિત સમાધાન માટે એક સમાંતર રેખાનું રૂપ આપી, શક્ય એટલું જલ્દી ભ્રાંતિની ભીતિથી ભડકકીને ભાન ભૂલેલી ભભૂકતી ભાવનાના ભડકાનું શનમ કરવું અનિવાર્ય છે.

‘વૃંદા, સાચું કહે તું શું ઈચ્છે છે ? દેવલે પૂછ્યું.

‘માનસી, પ્રેમમાં પડેલી સ્ત્રી નાના બાળક જેવી હોય.. આંખો મીંચીને વિશ્વાસ કરી લે. પણ પ્રેમમાં વિશ્વાસઘાત પામેલી સ્ત્રી પત્થર બની જાય... પછી તેના પર કોઈ ઋતુની અસર ન થાય.. તમે પરથી તું, અને તું પરથી આપણેની સફર આસાન હશે.. પણ આપણે માંથી, ફરી તમે પર આવવું અશક્ય છે. જે કૈદીને સાંકળથી સ્નેહ થઇ જાય તેને આઝાદ કરવું કઠીન છે. હવે મને પુષ્પ પરના ઝાકળબિંદુ જેટલી પણ ઉમ્મીદ નથી’

‘પણ વૃંદા. તું એકવાર એ વ્યક્તિને મળી તો જો.. શાયદ તારું અનુમાન ગલત પણ સાબિત થાય.. કદાચ તેની કોઈ મજબૂરી હોય.. અથવા ધારણા કરતાં ચિત્ર કૈક જુદું જ નિકળે એવું પણ બને.’ કોઈ ગેર સમજણ ?

‘માનસી, મને ભીખ નથી જોઈતી...મને શ્રધ્ધા છે, અને શ્રધ્ધાને સાબિત કરવાની ન હોય માનસી. અને રહી વાત મળવાની તો...તેને મળવાનું... ? જેના ખ્યાલ માત્રથી મારું ખોળિયું ખળભળી ઉઠે છે. હું તેને મળું, જે મારું છે જ નહીં, કોઈ હક્ક નથી તેને મળવાનો ? અને દર વખતે સ્વ રક્ષણ માટે ગેરસમજણની ઢાલ આગળ કરી સ્વનો લૂલો બચાવ કરવાની કળા તેણે હસ્તગત કરી લીધી છે, તે વાતથી હું ખૂબ સારી રીતે વાકેફ છું. તેના સ્વાભિમાનનો મને પણ ચેપ લાગી ગયો... તેણે કશું કહ્યું નહીં અને, મેં કશું પૂછ્યું નહીં.. તેની મર્યાદા રામ જેવી છે.. અને પ્રેમ શ્યામ જેવો. નશ્વર દેહ જેવા સ્નેહની રાખ ફંફોસવાથી શું મળવાનું ? બસ, પ્રેમ ખુશ રહેવો જોઈએ, શું ફર્ક પડે, તેને હું રાખું કે કોઈ બીજું ?’

‘આજની તારીખે એ વ્યક્તિ વિષે તું કેટલું જાણે છે ?’ દેવલે પૂછ્યું..

‘જેને જીવું છે, તેના વિશે શું જાણવાનું હોય ? એકવાર એટલું લાગી આવ્યું કે, હું નહીં પણ મારી વિશુદ્ધ લાગણી હળાહળ અપમાનિત થઇ રહી છે, ત્યારે સહનશીલતાની સીમા તૂટતાં છેલ્લો કોલ કરેલો... ત્યારે એટલી ખબર પડી કે, તેણે કોઈ.... દેવલ નામની સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં છે, તે રાત્રે સૂતા પહેલાં કયાંય સૂધી અશ્રુધારા સાથે મનોમન એક ગીત ગણગણતી રહી...

‘મુબારકેં તુમ્હે કે તુમ
કિસી કે નૂર હો ગએ
કિસી કે ઇતને પાસ હો
કી સબ સે દૂર હો ગએ...’

વૃંદાના તીક્ષ્ણ પ્રહાર જેવા ગીતના શબ્દો ખૂંચતા દેવલે બોલી
‘તેણે લગ્ન કરી લીધાં એવું મિલિન્દે કહ્યું...’ એવું બોલવા જતી જ હતી, પણ ત્યાં બીજી જ પળે સતર્ક થઈ તેના શબ્દો ગળી જતાં.. વાક્ય ફેરવીને દેવલે પૂછ્યું..

‘એવું તેણે ખુદ કહ્યું ? ’
‘ના...ભૂલથી કોલ તેની પત્ની એ રીસીવ કર્યો હતો, અને...’
આટલું બોલતાં વૃંદાનો સ્વર ગળગળો થઈ ગયો..

‘અને... શું થયું.. કેમ અટકી ગઈ.. ? દેવલે પૂછ્યું..
દેવલ સામું થોડીવાર જોઈ રહ્યાં પછી... વૃંદા બોલી..
‘પહેલીવાર મેં મારા પ્રેમનો બળાપો કાઢ્યો એને તે પણ અજાણતાંમાં તેની પત્ની સામે... હજુ તે શબ્દો વિચારતાં મને એ ખ્યાલથી કંપારી છૂટી જાય છે કે, તે સ્ત્રી પર શું વીતી હશે ? આટલું બોલતાં તો વૃંદાના નયનો નીતરવા લાગ્યાં.

જાતને મક્કમ કરતાં દેવલે પૂછ્યું..
‘તેની પત્નીની શું પ્રતિક્રિયા હતી ?’
દુપટ્ટાથી આંસુ લૂછતાં વૃંદા બોલી...
‘નિશબ્દ. આજ દિવસ સૂધી મારા પર તેની પત્નીનો અડધા અક્ષરનો મેસેજ સુદ્ધાં નથી આવ્યો..હું એ જ અસમંજસમાં છું કે, મારા કોલની એકમાત્ર ભૂલ માટે તેણે શું શું નહીં ગળ્યું હોય ? બસ.. એ વિચારે જાતને ધિક્કારું છું.’

દેવલ સમસમી ઉઠી. મનોબળ મજબુત કરતાં પૂછ્યું..
‘બની શકે કે, વાસ્તવિકતાની જાણ થતાં તેણે તને માફ પણ કરી દીધી હોય ?

માર્મિક હાસ્ય સાથે વૃંદા બોલી..
‘માફ ? ક્યા સંબંધથી ? ક્યા સંદર્ભમાં ? માનસી હું દિવસ રાત તેના અહેસાનના બોજ તળે દટાઈ રહી છું, એવો અવિરત અહેસાસ થાય છે.’

‘પણ.. વૃંદા તો હવે તું શું કરવા ઈચ્છે છે ? બીમારી એ તને નહીં પણ તે બીમારીને જકડી છે.. અને આ સદંતર અસંગત છે.’

‘માનસી...મેં મારા સ્મરણને મેં દફનાવી દીધા છે, અને હું એક હરતી ફરતી સમાધિ છું..અને આ અંતિમ સનાતન સત્ય છે. માનસી મને એક વાતનો ભરોસો હતો કે, એ વ્યક્તિ કંઈપણ કરશે પણ, મને રડાવશે તો નહીં જ... અને જો તેણે બધું જ કર્યું રડાવવા સિવાય.પણ, તારી સાથે જાત ઉઘાડ્યા પછી એવી પ્રતીતિ થઇ કે, પરિચિત સાથે પ્રેમ કરતાં અપરિચિત સાથે દુઃખ વહેચવું અધિક સુખદ છે. દુનિયામાં ઘણાં લોકો દરિયાદિલ હોય છે, પણ કયારેક જરૂરિયાતથી અધિક સ્વચ્છ જળ દરિયાની માછલી માટે જ ઘાતક સાબિત થાય છે. ઘટના તો ખૂબ ઘટી જિંદગીમાં... અંતિમ ઘટનાનું નામ ઈશ્ક નીકળ્યું.’

હવે દેવલની ધીરજ તૂટી અને આશ પણ ખૂટી. વૃંદાની એક વાતની દેવલે ગંભીરતાથી નોંધ લીધી. સતત બે કલાક માયાના મર્મની તલસ્પર્શી ચર્ચા કરવાં છતાં એકપણ વાર ભૂલથી પણ, વૃંદાના હોઠ પર મિલિન્દનું નામ ન આવ્યું, તે ન જ આવ્યું. હજુ’યે વૃંદા પળે પળ કઈ હદ સૂધી મિલિન્દને શ્વાસે છે, તે કળવું દેવલ માટે દુશ્વાર હતું. દેવલ સ્હેજ વિચારધીન થતાં વૃંદા બોલી...

‘હેય...તું કેમ આટલી ઈમોશનલ થઇને માયૂસ થઇ ગઈ ? મેં તને પહેલાં જ કહ્યું હતું કે, હું દિલના દર્દની દર્દી છું, જો જે તને પણ ચેપ ન લાગી જાય ?
હસતાં હસતાં આટલું બોલી બેડરૂમમાં આવતાં વૃંદા બોલી..

‘મને દુઃખ એ વાતનું થાય છે વૃંદા કે, હું સાવ હેલ્પલેશ છું.’ દેવલ બોલી..
‘અરે યાર.. આજે ચાર મહિના પછી તે મને જેટલી જીવાડી છે, એટલી તો મારા અંગતે પણ નથી જીવાડી,’
એટલું બોલી વૃંદા, દેવલને વળગી પડી.. એ પછી દેવલ તેના આંસુ ન રોકી શકી.’
તે પછી લંચ માટે ઊભા તથા દેવલની પીઠ પાછળની દીવાલ પર ટાંગેલી તસ્વીર જોતા દેવલની નજર તેના પર ચોંટી ગઈ..

-વધુ આવતાં અંકે.