(ભાગ -6 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લાવવા માટે વ્યવસ્થા કરવાની હતી અને હું યોગેશભાઈ જે એક ઉચ્ચ શાળાના ટ્રસ્ટી હતા તેમની સલાહ લેવા માટે જવાની હતી અને હું તેમની ઓફિસ પહોંચી)
તે દિવસે મારે કોલેજમાં લેક્ચર 3 વાગ્યા સુધીના હતા અને મારે યોગેશભાઈને સાંજે 5 વાગ્યે મળવાનું હતું અને તેથી મેં નક્કી કર્યું હતું કે કોલેજમાં લેક્ચર પતાવીને પછી ત્યાંથી ડાયરેક્ટ યોગેશભાઈની ઓફિસ જઈશ. 3 થી 4 નો એક કલાકનો સમય મારી પાસે ફ્રી હતો તેથી મેં તે સમયનો ઉપયોગ લાયબ્રેરીમાં પુસ્તકો વાંચવા એમ વિચાર્યું. લેક્ચર પતાવીને હું લાયબ્રેરીમાં ગઈ અને પુસ્તક વાંચવા શરૂ કર્યું. આ સમય દરમ્યાન પણ મને વિચારો તો રૂપલીના જ આવી રહ્યા હતા કે શું થશે ? એના બાપુ નો ફોન આવશે કે નહીં ? આમ વિચારો ને વિચારોમાં એક કલાક ક્યારે પસાર થઈ ગયો તે ખબર જ ના રહી.
લગભગ 4.15 વાગ્યે હું યોગેશભાઈના ત્યાં જવા નીકળી, આજે રસ્તામાં ટ્રાફિક પણ હતો તેથી સાચવીને કાર ડ્રાઈવ કરતી કરતી હું યોગેશભાઈની ઓફિસ પહોંચી. હું ગઈ ત્યારે બીજા કોઈ મુલાકાતી પણ ત્યાં હાજર હોવાથી તેમના પટાવાળાએ મને દસ-પંદર દિવસ રાહ જોવા કહ્યું તેથી હું ત્યાં સોફા પર બેસીને રાહ જોવા લાગી. થોડી વાર પછી પટાવાળાભાઈએ મને સાહેબ બોલાવે છે તેમ આવીને કહેતા હું યોગેશભાઈની ઓફિસમાં અંદર ગઈ, મને જોઈ યોગેશભાઈએ સસ્મિત આવકાર આપતાં કહ્યું, “આવો, આવો વીણાબહેન”, મેં પણ “નમસ્તે” કહી અભિવાદન કર્યુ. થોડી ઔપરિચારિક વાતો કર્યા બાદ મેં મારૂ એમને આવવાનું કારણ જણાવતાં વિસ્તારપૂર્વક રૂપલી અંગે બધી વાત કરી. લગભગ દસ મિનિટ સુધી મેં મારી વાતની રજુઆત કરી. યોગેશભાઈ થોડો સમય બાદ વિચારીને કહ્યું કે, વીણાબહેન તમારો વિચાર ઘણો જ સારો છે અને મને પણ ખૂબ ગમ્યો છે. પરંતુ એક મુશ્કેલી છે. એટલે મને થોડું આશ્ચર્ય થયું, મેં પૂછ્યું શું મુશ્કેલી છે યોગેશભાઈ? એટલે એમણે કહ્યું જુઓ તમને મારી વાતને શાંત ચિત્તે સાંભળજો, મેં કહ્યું હા બોલોને.
એટલે યોગેશભાઈએ વાતની શરૂઆત કરતાં કહ્યું કે, વીણાબહેન તમારા કહેવા મુજબ રૂપલીએ ગામડાની શાળામાં સાત ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો છે ખરૂનેં ? મેં કહ્યું હા બરોબર. પછી તેમણે કહ્યું જુઓ રૂપલીએ ગામડામાં રહેતી છોકરી છે અને ગામડાની શાળામાં ભણી છે. તમને એટલો તો ખ્યાલ હશે જ કે ગામડાની શાળાનું શિક્ષણ અને શહેરની શાળાનું શિક્ષણ બંન્નેમાં થોડો ઘણો તફાવત તો હોય જ છે. ભલે અભ્યાસક્રમ એક જ હોય. ચકાસણી કરો તો શહેરમાં ભણતા વિદ્યાર્થીઓ અને ગામડામાં ભણતા વિદ્યાર્થીઓના આઈ ક્યૂ અલગ અલગ તરી આવે છે.
બીજી વાત એ કે તેમની બોલી અને રહેણીકરણીમાં પણ ઘણો તફાવત હોય છે. ગ્રામ્ય શૈલીની બોલી તેઓ બોલતા હોય છે. જેમકે બહેન ને બૂન, છોકરીને છોડી, છ ની જગ્યાએ સ, દા.ત. પૂછોને બદલે પૂસો, ચાલોની જગ્યાએ હેંડો, સ ની જગ્યાએ હ વગેરે વગેરે. આવી ભાષા તેમની જીવનશૈલીમાં ઘડાઈ ગઈ હોય છે. એમાં એમનો પણ વાંક નથી કારણકે એમનો ઉછેર જ એ રીતે થયો હોય છે, વાતાવરણ એવું મળે કે એમાં જ ઘડાઈ જાય છે. કહેવાય છે ને કે “જેવો સંગ એવો રંગ”.
હુ બધી વાત શાંતિથી સાંભળતી હતી. ઉપરની વાત કહી યોગેશભાઈ થોડું અટક્યા, એટલે મેં તેમને અધવચ્ચે અટકાવતા પૂછ્યું, એટલે યોગેશભાઈ તમે એમ કહેવા માંગો છો કે રૂપલીને તમારી શાળામાં એડમીશન નહી આપો? મારી વાત સાંભળી યોગેશભાઈ બોલ્યા ના વીણાબહેન મેં ક્યાં એવું કહ્યું ? મારી વાત હજુ ક્યાં પૂરી થઈ છે ? તમે સાંભળો તો ખરા. મેં કહ્યું ઓહ, સોરી સોરી.
એટલે યોગેશભાઈએ કહ્યું વીણાબહેન જુઓ તમારા કહેવા મુજબ છોકરી હોંશિયાર છે પરંતુ મેં ઉપર જણાવ્યા મુજબ જે બાબતો છે તે તેનામાં ચોક્કસ હશે જ. અમારી શાળામાં જે વિદ્યાર્થીઓ આવે છે તે હાઈ-પ્રોફાઈલ વિદ્યાર્થીઓ છે. કોઈ બિઝનેસમેનનું બાળક કે કોઈના મા-બાપ ઉચ્ચ સરકારી કે સારી કંપનીમાં નોકરી કરતા હોય છે, અમારી શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખૂબ જ સારી રીતે ધ્યાન આપવામાં આવે છે. કોઈપણ વિદ્યાર્થીને કદી પણ અન્યાય ના થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે. હવે જુઓ આવા વિદ્યાર્થીઓ જે એકદમ હાઈ-પ્રોફાઈલ છે તેમની વચ્ચે હું રૂપલીને એડમીશન આપી દઉં તો શું થાય વિચારો.
રૂપલી બિચારી આવા વાતાવરણમાં ગભરાઈ જશે કારણકે તેણે ગામડાની બહારની દુનિયા જોઈ જ નથી અને એકદમ અલગ વાતાવરણામાં તેને મૂકી દેશો તો એની તેના પર વિપરીત અસર પડી શકે છે.
મેં પૂછ્યુ તો યોગેશભાઈ તમે જ સલાહ આપો હવે હું શું કરૂ ? કારણકે મારે એ છોકરીને આગળ લાવવી છે એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે. યોગેશભાઈ બોલ્યા હવે આગળ એજ વાત ઉપર આવુ છું. સાંભળો રૂપલી સાતમાં ધોરણ સુધી ભણી છે, અહીં શાળામાં આપણે એને એડમીશન આપીએ તો આઠ-નવ અને દસ-અગિયાર એમ બે વર્ષમાં ચાર ધોરણ પૂરા કરાવવાની જવાબદારી મારી. પણ એ પહેલાં જો રૂપલી આવે શહેરમાં તો તમારે સૌ પ્રથમ તો એનું નામ બદલવું પડશે ને પછી છ મહીના કે તેથી વધુ સમય એને પર્સનાલીટી ડેવલોપમેન્ટ માટેના જે અભ્યાસ હોય છે તે ક્લાસીસ કરાવવા પડશે. આમાં એની બેસવા-ઉઠવાથી માંડીને બોલવું-ચાલવું, પહેરવેશ દરેક બાબતોનો સમાવેશ થઈ જશે, અને આ માટે તમારે એને કોઈ જગ્યાએ મોકલવાની નથી કારણકે જો ગામડામાંથી આવેલી એ છોકરી એકદમ બધે મોકલી દેશો તો મૂંઝાઈ જશે. આ માટે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એવા પણ હોય છે જેઓ પર્સનલી આવા ટ્યુશન આપતા હોય છે, જે તમારા ઘરે આવી શકે છે. હું ઘણી વ્યક્તિઓને ઓળખું છુ માટે તમે ચિંતા ના કરશો હું એની વ્યવસ્થા કરી આપીશ.
રૂપલીના પર્સનાલીટી ડેવલોપમેન્ટ ક્લાસીસ પૂરા થયા બાદ ટેસ્ટ લેવામાં આવશે અને એ એમાં ઉત્તીર્ણ થઈ જશે એટલે અમારી શાળામાં એને એડમીશન આપી દઈશું. આટલું બોલ્યા બાદ યોગેશભાઈ શાંત થયા, પાંચ મિનિટ પછી બોલ્યા, બોલો વીણાબહેન હવે કાંઈ મૂંઝવણ છે ? તમને કોઈ પ્રશ્ન છે ? મેં કહ્યું એ તમને મંજૂર છે ?
હું થોડીવાર વિચારોમાં બેસી રહી પછી બોલી, હાશ, યોગેશભાઈ મારા મગજ ઉપરથી ભાર હળવો થયો, તમે ખૂબ જ સારી સલાહ આપી. ખૂબ ખૂબ આભાર તમારો. બસ હવે ડાહ્યાભાઈના ફોનની મારે રાહ જોવાની છે. લગભગ એક-બે દિવસમાં એમનો ફોન આવવો જ જોઈએ. મારૂ મન જરૂર કહે છે કે જરૂર હા પાડશે. એમનો ફોન આવશે એટલે હું તમને તરત જ જાણ કરીશ અને આપણે આગળની વ્યવસ્થા કરીશું બરોબર
યોગેશભાઈ કહે તમે ચિંતા ના કરો વીણાબહેન તમે અમિતભાઈના પરિચિત છો એટલે મારે ચોક્કસ મદદ કરવી જ પડે અને બીજું કે તમે એક સારૂ કામ કરવા જઈ રહ્યા છો તો અજાણ્યા હોત તો પણ હું ચોક્કસ મદદરૂપ થતો.
આટલી વાતો કર્યા બાદ હું યોગેશભાઈની રજા લઈને ઘરે પરત જવા નીકળી. લગભગ આટલી વાતોમાં સાંજના સાત વાગી ગયા હતા, રોનક પણ આવી ગયા હશે, મારી રાહ જોતા હશે એમ વિચારતી હું ઘર તરફ જવા નીકળી. બસ રૂપલીના વિચારો કે ડાહ્યાભાઈનો ફોન આવે એટલી જ વાર હતી
(શું થશે આવશે ફોન ડાહ્યાભાઈનો ? વાંચો આગળ ભાગ – 8)