Red Ahmedabad - 16 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 16

Featured Books
Categories
Share

રેડ અમદાવાદ - 16

૨૦૨૦, જાન્યુઆરી ૧૩, સવારના ૧૦:૩૦ કલાકે, પોલીસ સ્ટેશનમાં

‘કોઇ જાણ નથી.’, મેઘાવીએ સોનલના ટેબલ પર તે દિવસનું છાપું મૂક્યું.

આગળના દિવસે સાબરમતીમાં ખાબકેલ તે વ્યક્તિ, જેનો ના તો ચહેરો જોવા મળ્યો હતો, ના તો તેને પકડી શક્યા હતા. સોનલની ટુકડી હાથમાં આવેલ તક ગુમાવી ચૂકી હતી. સોનલનું નિશાન ધારેલ પરિણામ મેળવી ચૂક્યું નહોતું. તરવૈયાઓને પણ કોઇ સફળતા મળી નહોતી. તે વ્યક્તિને લગતી કોઇ જાણકારી મેળવી શકવામાં અસમર્થ હતા અને તે જ વાત મેઘાવી સવાર સવારમાં સોનલને જણાવી.

‘તો શું આપણે તેને પકડી નહી શકીએ?’, વિશાલ કોમ્પ્યુટર પાસે બેસીને આગળના દિનના ડ્રોન દ્વારા કેદ કરેલ રેકોર્ડીંગ જોઇ રહેલો. પહેલા રવિ અને ત્યાર પછી તે વ્યક્તિ.

‘ઉપરથી તેણે સ્વીકાર્યું કે તે બે હત્યાઓ તેણે જ કરી છે.’, સોનલે છાપાના પાના પલટાવ્યા.

‘હા...! મેં પણ સાંભળ્યું, પણ તે આપણે પેપર પર તેના સ્વીકારનામા એટલે કે સ્ટેટમેન્ટ તરીકે જોઇએ, અને તે ત્યારે જ બને જ્યારે...’, મેઘાવી પેન તેની આંગળીઓમાં રમાડી રહેલી.

‘જ્યારે..., તે સળિયાઓ પાછળ હશે.’, સોનલે દાંત કચકચાવ્યા, ‘હશે નહિ... ઢસડીને લાવો પડશે... કોલરથી પકડીને’

‘પણ તેને પકડીશું કેવી રીતે?’

‘મને લાગે છે કે આપણે કોઇક ચોક્કસ બાબત પર પૂરતું ધ્યાન નથી આપ્યું.’, સોનલે મેઘાવી સામે ઝીણી આંખે જોયું.

‘કઇ બાબત...?’, વિશાલ ટેબલની નજીક આવ્યો.

‘કેસના બધા જ પૂરાવા, પ્રત્યેક સ્ટેટમેન્ટસ, દરેક ખૂણાનો ફરીથી અભ્યાસ કરવો પડશે...’, મેઘાવી સોનલની ઝીણી આંખોનો ઇશારો સમજી ગઇ.

‘હા... અને ખાસ કરીને તે વ્યકિતએ ગઇકાલે જે ઇશારો આપ્યો છે તેના પર પણ વિચારવું પડશે.’, સોનલે મેઘાવી હાથમાં રમાડી રહેલી તે પેન તેના હાથમાંથી આંચકી લીધી.

‘કયા ઇશારાઓ...?’, મેઘાવી સોનલની વાત સમજી ન હોય તેમ તેની સામે જોવા લાગી.

સોનલે જમણા હાથની પહેલી આંગળી ઉપર કરી અને બાકી મુઠ્ઠી વાળેલી, ‘નંબર એક - જેમણે સાચા ચહેરાઓ છુપાવી ખોટા ચહેરાઓ સાથે દુનિયાને છેતરી હોય’, બીજી આંગળી ઉપર કરી, ‘નંબર બે - સિસ્ટમના પાના ઉથલાવો, ચકાસો... કદાચ તમને કંઇક મળી જાય’, ત્રીજી આંગળી ઉપર કરી, ‘અને નંબર ત્રણ - તમને શું લાગે છે કે તમે મને પકડી પાડશો...? એ તો ચાર સિંહો પણ નથી કરી શક્યા... તો તમે... અને તે અટકી ગયેલો...’, સોનલે મેઘાવી સામે જોયું, ‘આપણે ત્રણ જવાબ મેળવવાના છે, અને ખૂબ જ ઓછા સમયમાં, કારણકે તેની વાત પરથી લાગતું હતું કે તે ત્રીજી હત્યા કરવાની તૈયારી કરી ચૂક્યો છે.’

‘તને કેમ એવું લાગે છે?’, મેઘાવી તેની ખુરસી પરથી ઉઠી અને સોનલ તરફ આવી, ‘શું આ ખરેખર તેણે સામેથી આપણને આપેલ કોઇ તક છે? કે તે આપણને ખોટા રસ્તે તો મોકલી નથી રહ્યોને?’, મેઘાવીએ તેની પેન સોનલના હાથ નજીક ટેબલ પરથી પાછી ઉપાડી લીધી.

‘એટલા માટે કે, તેની આંખોમાં એક રોષ હતો, જ્યારે તેણે ખોટા ચહેરાઓ અને સિસ્ટમની વાત કરી, અને ચાર સિંહો તો સીધો જ ઇશારો છે કે તેણે રાષ્ટ્રીય મુદ્રા દ્વારા આપણને ચાર વ્યક્તિઓ છે, તેવી માહિતી આપી, જેમાંથી બે હત્યાઓ થઇ ચૂકી છે અને...’, સોનલ અટકી.

‘અને... બે બાકી છે, જેમાંથી ત્રીજી ટૂંક સમયમાં થવાની છે.’, મેઘાવીએ સોનલની વાત પૂરી કરી.

‘હા...! જો આપણે તે ત્રીજી વ્યક્તિ વિષે નહિ શોધી શકીએ, તો તેને બચાવવાનું પણ મુશ્કેલ બનશે. મને ખાતરી છે કે જે આપણે ચર્ચા કરી છે અને જે નિષ્કર્ષ પર આવ્યા છીએ, તે જ નિષ્કર્ષ પર ચિરાગ અને જય પણ આવ્યા હશે.’, સોનલે આંખો બંધ કરી. તેનો ફોન રણક્યો. ચિરાગનો જ ફોન હતો.

‘હા... ચિરાગ.’

‘હું કહું તેટલું સાંભળ...’, ચિરાગે વાત પૂરી કરી, ફોન કાપ્યો.

‘શું કહે છે?’, મેઘાવીએ સોનલના ફોન ટેબલ પર મૂકતાંની સાથે જ પૂછ્યું.

‘એજ જે આપણે તારણ કાઢ્યું, અને તેનો એક જ સવાલ છે, જે મને પણ પજવી રહ્યો છે?’

‘કયો?’

‘કે ત્યાં રવિ શું કરી રહ્યો હતો?’

‘એ તો મને પણ પજવે છે… મળ્યું કંઇ?’, મેઘાવી વિશાલની કોમ્પ્યુટર ચેર પર બેઠી.

‘કામ ચાલુ છે, ડ્રોન તેને શોધી કાઢશે.’, વિશાલ સોનલના ટેબલ પાસેથી તેના કોમ્પ્યુટર તરફ ગયો.

*****

તે જ દિવસે, બપોરના ૦૨:૦૦ કલાકે, અતિથિ ડાઇનિંગ હોલ, બોડકદેવ

અતિથિમાં દાખલ થતાંની સાથે ડાબી તરફ કેસ કાઉન્ટર, અને જમણી તરફ જમવાની માટે ટેબલોની વ્યવસ્થા હતી. તે જ ગોઠવેલા ટેબલોની ત્રીજી હરોળમાં બીજા ક્રમના ટેબલ પર રવિ અને તેનો મિત્ર જમી રહ્યા હતા. તેઓ પ્રતિક્ષામાં હતા, અને જેની પ્રતિક્ષા હતી તે દાખલ થયો. તે જ સફેદ શર્ટ અને બ્લુ ડેનીમમાં સજ્જ વ્યક્તિ, જેને અગાઉ પણ રવિ ઓશ્વાલ અને પુરોહિતમાં મળી ચૂક્યો હતો. તે ચૂપચાપ રવિની સામે આવીને બેસી ગયો. રવિએ તેની સામે ત્રાંસી નજરે જોયું. તે વ્યક્તિના બેસતાંની સાથે જ વેઇટર્સ જમવાનું પીરસવા લાગ્યા, એટલે રવિ કંઇ બોલ્યો નહિ. થાળીમાં ચાર વાટકીઓ શાકથી ભરાઇ ગઇ. સમોસા, કચોરી અને ઢોકળા, ત્રણ પ્રકારના ફરસાણ, પાપડ, કચુંબર, વિવિધ ચટણીઓ, મગની દાળનો ગરમાગરમ શીરો, અંજીર બાસુંદી, રોટલી, પૂરી, દાળ, કઢી, તે વ્યક્તિની પસંદગી પ્રમાણે વેઇટર્સ પીરસી ચાલ્યા ગયા.

‘તું તારા સંદેશ પ્રમાણે કાલે રવિવારીમાં કેમ આવ્યો નહિ?’, રવિ ગુસ્સે થયો.

‘અરે...! સાહેબ, જમતી વખતે ગુસ્સે ના થવાય. ખાધેલું બધું બળી જાય, અને શરીરને કંઇ મળે નહિ.’, વ્યક્તિએ બાસુંદી ચાખી, ‘આહા... બાસુંદી એટલે બાસુંદી બાકી...’

‘તું તારી ફીલોસોફી તારી પાસે રાખ. મને જ્ઞાન આપીશ નહિ. સંદેશો રવિવારીમાં મળવાનો આપે છે અને પહોંચતો નથી. પેલી પોલીસવાળીએ... મને પકડી લીધો હોત. એ તો સમયસર મને જે સૂઝ્યું તે મેં કહ્યું અને તેમને મારી વાત પર વિશ્વાસ બેઠો, તો મને છોડી દીધો. તું તો ના જ આવ્યો, પણ ન આવવાનો કોઇ મેસેજ પણ ના મોકલ્યો. હું બે કલાક રખડીને ઘરે પાછો ગયો.’, રવિ એક જ શ્વાસે બોલી ગયો.

‘સાહેબ...મેં કહ્યું ને જમતી વખતે બધું જ છોડી દેવાનું. ફક્ત જમવાનું. તમે આ શીરાની સોડમ માણો... જાણે તમને સામેથી કોઇ બોલાવતું હોય કે આવો અને મને આરોગો... આ ભીંડાનું શાક... લાંબી ઊભી ચીરીઓ... અને લસણનો વઘાર... રોટલી સાથે ભળી જ્યારે મુખ સુધી આવે એટલે લસણની સુવાસ ફટાક દઇને નાકમાં ઘુસી જાય, પછી ભીંડાનો સ્વાદ...આહાહા...! કંઇ બોલાય જ નહિ. બટાકાનું રસાવાળું ટામેટા સાથેનું શાક, પનીરનું પંજાબી શાક, અને એક કઠોળ... ગુજરાતી થાળીના ચાર અમૂલ્ય રત્નો... પાંચમું રત્ન એટલે મીઠી વસ્તુ, આજે તો બે છે, શીરો અને બાસુંદી, પાછી મારી મનપસંદ, અંજીર. છઠ્ઠું ફરસાણ એ પણ ત્રણ, સાતમું દાળ અથવા કઢી, આઠમું રોટલી, પૂરી કે ભાખરી, અને નવમું ભાત કે ખીચડી. આ સાથે નવરત્નોને શણગારવા ચટણીઓ, છાશ અને પાપડ. અકબરનો દરબાર જેમ નવરત્નોથી સુશોભિત હતો તેમ જ આ થાળી સુશોભિત છે. આવી થાળી તમારી સામે હોય અને તમે ગુસ્સો કરો, તો એક પણ રત્ન શરીરમાં ભળે નહિ. દરેક વસ્તુઓ, ઘટકો, તેમજ વઘારનો સ્વાદ માળીને જમવામાં જે મજા છે ને સાહેબ, તે આ વિશ્વમાં ક્યાંય નથી. એટલે પહેલા આનંદથી જમી લો, હું તમને બધું જ સમજાવીશ. આ મુલાકાતનો કોઇ ચાર્જ પણ નહિ કરૂં.’, વ્યક્તિએ સમોસાને મુખમાં દાખલ કર્યું અને આંખો બંધ કરી સ્વાદને માણવા લાગ્યો.

રવિ અને તેનો મિત્ર એકબીજાની સામે તાકી રહ્યા વ્યક્તિની આંખો વેઇટરના “બાસુંદી” અવાજથી ઉઘડી. તેણે હકારમાં માથું ધુળાવ્યું અને ફરી આંખો બંધ કરી દીધી. રવિ તેની સામે ડોળા પહોળા કરી જોઇ જ રહ્યો. તેનો મિત્ર પણ વ્યક્તિના વ્યવહારથી અચંબિત હતો.

‘હું ત્યાં જ હતો, સાહેબ...!’, વ્યક્તિએ રોટલીનો ટુકડો કર્યો.

‘ત્યાં ક્યાં?’, રવિએ પાણીનો પ્યાલો ઉપાડ્યો.

‘અરે…! ત્યાં જ, રવિવારીમાં...’

‘તો મને મળ્યો કેમ નહિ?’

‘શક્ય નહોતું, હું પોતે જ ફસાયેલો હતો, કે તમારી નજીક હોવા છતાં મારે તમને ઓળખ્યા ન-ઓળખ્યા બરબર રાખવું પડ્યું.’, વ્યક્તિએ બાસુંદીની વાટકી સીધી મોંઢે માંડી.

‘પૈસા મારી પાસેથી લે છે અને કામ બીજાનું કરે છે?’, રવિએ પ્યાલો ટેબલ પર ગુસ્સામાં પછાડ્યો.

પ્યાલાના અવાજથી સુપરવાઇઝર અને વેઇટર્સનું ધ્યાન ટેબલ તરફ ગયું.

‘શાંતિથી... હું દરેકની નજરમાં આવું તે આપણા માટે યોગ્ય નથી.’, વ્યક્તિએ ફરી એક સમોસું ઉપાડ્યું.

‘હવે... અહીં બધે જ સીસીટીવી છે, શું કોઇની નજરમાં આવવું કે નહિ આવવું?’, રવિના ગાલ રાતાચોળા થવા લાગ્યા.

‘સારૂ, સારૂ, તમારા માટે કામની વાત’, વ્યક્તિ અટક્યો અને છાસનો પ્યાલો ગટગટાવ્યો, રૂમાલથી મુખ સાફ કરતાં બોલ્યો, ‘તમારા પછી, તે હત્યારો ત્યાં આવ્યો હતો, સોનલ મેડમે તેના પર ગોળી ચલાવી, પરંતુ તે બચી ગયો, સાબરમતીમાં ગયો પણ બહાર નથી નીકળ્યો... અત્યારી જીવે છે કે નદીમાં સમાઇ ગયો ખબર નથી. તપાસ ચાલુ છે...’, વ્યક્તિએ વાત પૂરી કરી.

‘આગળ શું કરવાનું છે તેના માટે હું ફોન કરીશ,’ બોલતાં બોલતાં જ રવિએ તેના મિત્ર સાથે ખુરસી છોડી અને ત્યાંથી રવાના થઇ ગયો.

*****