"અરે હું સમજાવું જ છું પરંતુ તમે શાંત થઈ જાઓ" સીમા કરગરતાં બોલી.
"હાં તો સમજાવ આ નામર્દને તું.! આ કંઈ વિદેશ નથી કે લોકો આવા નામર્દને એમનાં નેતા તરીકે ચૂંટશે."
"હા...તો ભલે ને હું ગે હોઉં તો શું થયું...! ભ્રષ્ટાચારી કરતાં તો ગે હોવા પર મને ગર્વ છે, અને હું શું કરું મેં જાતે આ પસંદ નથી કર્યું. જેમ તમે એક પુરુષ છો એમાં તમારો કોઈ જ હાથ નથી એમ મારા ગે હોવામાં મારો પણ કોઈ જ વાંક નથી." સક્ષમ રડમસ અવાજે બોલ્યો.
"અરે ઓ...આ શું તે છોકરીની જેમ રડવાનું ચાલું કર્યું છે હે...આ દેશમાં એક મહિલાને શાસન સોંપતા પ્રજા સો વખત વિચારે છે...તો તારા જેવા ને તો....ક્યારેય સત્તા નહિ સોંપે."
"અરે પણ તમે મને એક તક તો આપો." સક્ષમ આજીજી કરતાં બોલ્યો.
"એક જ શરતે આપીશ કે તારે તારી આવી ઓળખાણ કોઈને પણ આપવાની નથી. તું એક સામાન્ય પુરુષ છે એવી જ ઓળખાણ આપવાની છે."
"ના....આ મને મંજૂર નથી." સક્ષમ મક્કમતાપૂર્વક બોલ્યો."
અંદર જોરથી કોઈએ કોઈને લાફો માર્યો હોય એવો અવાજ આવ્યો અને ધડામ દઈને દરવાજો ખૂલ્યો. વિજય પગ પછાડતો બહાર નીકળ્યો. ધૈર્યા એક દિવાલ પાછળ સંતાઈ ગઈ. થોડીવાર પછી સીમા બહાર આવી, પરંતુ એનાં પહેલાં ધૈર્યા ત્યાંથી ફટાફટ નીચે ઊતરીને બહાર નીકળી ગઈ. ધૈર્યા ત્યાંથી સીધી એનાં ઘરે પહોંચી ગઈ. શાવર લીધા બાદ ચા બનાવીને એનાં રૂમમાં આવીને બેઠી. એનાં મનમાં અનેક વિચારો ચાલી રહ્યાં હતાં;
"જો આ સક્ષમ એકવાર મુખ્યમંત્રી બની ગયો પછી મારું રાજનૈતિક જીવન શરૂ થતાં પહેલાં જ પૂરું થઈ જશે અને હું ફકત એક કઠપૂતળી બનીને રહી જઈશ."
એક કૉલ આવતાં ધૈર્યા વિચારોની તંદ્રામાંથી જાગી. સ્ક્રિન પર નામ હતું "કશ્યપ". કશ્યપ એનો બાળપણનો ખાસ મિત્ર. આ મિત્રતા બંનેએ હજી સુધી સાચવી રાખી હતી. ધૈર્યાએ કૉલ રિસિવ કર્યો.
"હેલ્લો... ધૈરૂડી શું કરે છે?"
"જો... કશ્યપયા અત્યારે દિમાગ ખરાબ ના કરતો મારો મૂડ આમ પણ ખરાબ છે."
"ઓહ્...તો મૂડ કેમ ખરાબ છે?"
" ના પૂછ તો જ સારું...!"
"સારું ચાલ નથી પૂછતો.. (હા..હા..હા...)
"પણ હું તો હવે કહીશ જ."
"હા તો એમ સીધાં બોલી ગયાં હોય તો."
"અરે યાર...આ પેલા સીએમ નો છોકરો કૅનેડાથી પાછો આવ્યો છે...તો...."
" ઓહ્...મતલબ તારું પત્તું કટ"
"હાં...એવું જ થવાનું છે."
"અરે તું કેમ આટલું બધું ટેન્શન લઈને ફરે છે. ચાલ, ઘરે આવી જા મૂવી જોઈશું તો મજા પડશે."
"ઈચ્છા તો બિલકુલ નથી પણ આવી જાઉં છું."
ફોન મુકીને ધૈર્યા કાર લઈને કશ્યપનાં ઘરે જવા નીકળે છે. પરંતુ તે ત્યાં જવાને બદલે વિજયનાં ઘરે જવા નીકળી જાય છે. ધૈર્યા ઘરમાં જાય છે તો સીમા-વિજય કામથી બહાર ગયાં હોય છે અને સક્ષમ ઘરે એકલો હોય છે. ધૈર્યાએ અંદર રસોઈ બનાવી રહેલાં બેનને પૂછ્યું;
" ઘરે કોઈ નથી?"
"બુન ઈ તો...સક્ષમબાબા એકલાં જ ઘરે છે."
"સારું એ ક્યાં ઉપરનાં રૂમમાં છે?"
"હોવે."
ધૈર્યા વધારે વાત કર્યા વગર સીધી પગથિયાં ચઢીને સક્ષમનાં રૂમ આગળ પહોંચી ગઈ અને દરવાજો ખખડાવ્યો. સક્ષમે બે મિનિટ પછી દરવાજો ખોલ્યો. એની સોજાઈ ગયેલી આંખો જોતાં કોઈ પણ સમજી જાય કે એ હમણાં જ રડ્યો હશે. ધૈર્યાને પોતાનાં બેડરૂમ બહાર જોતાં સક્ષમને થોડું અજીબ લાગ્યું.
"આઈ એમ સોરી, એકચ્યુલી ઘરે બીજું કોઈ હતું નહિ એટલે મારે અહીંયા આવવું પડ્યું." ( ધૈર્યા કચવાતાં સ્વરે બોલી)
"ઈટ'સ ઓહકે! તમે હોલમાં બેસો હું હમણાં જ આવું."
ધૈર્યા હોલમાં સોફા પર બેઠી અને થોડીવારમાં સક્ષમ આવીને સામેનાં સોફા પર બેસતાં બોલ્યો;
"બોલો, શું કામ હતું."
"મારે વિજય સરનું કામ હતું પણ કંઈ વાંધો નહિ હું પછી આવીશ."
"સારું જે કામ હોય મને કહો જ્યારે પપ્પા ઘરે આવશે તો હું કહી દઈશ."
એટલી જ વારમાં વિજય-સીમા અંદર આવ્યાં અને એમને વાત સાંભળી લીધી.
"શું વાત ચાલી રહી છે મારી?" વિજય સોફાં પર બેસતાં બોલ્યો.
"સર, એ..એ...મારે પ્રચારવિભાગમાં વપરાયેલાં પૈસાનો હિસાબ જે ફાઈલમાં લખેલો છે એ ફાઈલ ચેક કરવાં જોઈએ છે. ધૈર્યા વિચારીને બોલી
"સારું હમણાં આપું પરંતુ પૈસા ક્યાંથી આવ્યાં અને એ બધાં પ્રશ્ન મને નાં પુછતાં હો!" (વિજય સ્મિત સાથે બોલ્યો.)
ધૈર્યા હળવું સ્મિત આપીને સોફા પરથી ઊભી થઈ ગઈ અને સક્ષમ પણ ઉપર પોતાનાં રૂમમાં જતો રહ્યો. વિજયે ધૈર્યાનાં હાથમાં ફાઈલ આપી અને ધૈર્યા કાર પાસે આવી. કાર પર જોરથી પગ પછાડતાં ગુસ્સામાં બોલી,
" માય ફૂટ..! આ નાલાયકને અત્યારે જ ઘરે આવવાનું હતું."
ધૈર્યાનાં ગયાં બાદ સક્ષમ અને ધૈર્યાને સાથે જોયાં બાદ વિજયનું રાજનૈતિક મગજ હવે કામે લાગી ગયું હતું. એક અઠવાડિયાં પછી ધૈર્યાનાં ઘરે સીમા અને વિજય સવારનાં વહેલાં પહોંચી ગયાં. સીમા પગથિયાં ચઢતાં બોલી;
"તમે જે કરી રહ્યાં છો એ વિચારીને કરી રહ્યાં છો ને?"
"અરે હા તું બસ મને સાથ આપ."
ધૈર્યાએ દરવાજો ખોલ્યો. વ્હાઈટ શોર્ટ્સ અને બ્લેક ક્રોપ ટી-શર્ટમાં ધૈર્યાને જોઈને વિજય આંખનો પલકારો ચૂકી ગયો અને એને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો. ધૈર્યા થોડી હેબતાઈ ગઈ.
"કોણ આવ્યું બેટા?". ધૈર્યાનાં મમ્મી કિરણબેન બેડરૂમમાંથી બહાર આવતાં બોલ્યાં.
"ઓહ્..., મુખ્યમંત્રીશ્રી પોતે અમારાં ઘરે આવ્યાં છે...!! ધૈર્યા બેસાડ તો ખરી એમને." ઉત્સાહિત થઈને કિરણબેન બોલ્યાં.