સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન
----------------------------------------------------------------------------------------------------------------
સ્વસ્થ રહેવું એટલે શું ? મોટા ભાગની વ્યક્તિઓ શારીરિક સ્વાસ્થ્યને સ્વાસ્થ્યનો પર્યાય સમજે છે. ડોક્ટર વ્યક્તિના સ્વાસ્થ્યનું આંકલન બ્લડ ટેસ્ટ, ઇસીજી, એક્સ-રે વગેરે દ્વારા કરે છે તથા તપાસને આધારે વ્યક્તિને સ્વસ્થ કે અસ્વસ્થ જાહેર કરતા હોય છે. પણ સ્વાસ્થ્યનો સંબંધ માત્ર શરીર સાથે જ નહીં, પરંતુ જીવનના દરેક પાસા સાથે જોડાયેલો છે. એટલે સ્વાસ્થ્યને આપણે તેના પૂર્ણ સ્વરૂપમાં જોવું જોઈએ.
વ્યક્તિ કેવળ પંચમહાભૂતોનો સમુચ્ચય માત્ર નથી; તેનામાં ચિત્ત, મન તેમજ વિવિધ ઇન્દ્રિયોનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિની માનસિક સ્થિતિનો તેના શરીરના સ્વાસ્થ્ય પર ઘેરો પ્રભાવ પડે છે. ઘણીયે બીમારીઓ એવી છે કે, જેને ઉત્પત્તિનું કારણ જે તે વ્યક્તિના મનમાં છે. મન કેવી રીતે શરીર ઉપર પ્રભાવ કરે છે, તેનું ઊંડાણથી વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવેલ છે. વ્યક્તિની મનોસ્થિતિ ‘ નર્વસ સિસ્ટમ’ ના માધ્યમથી’ એન્ડોક્રાઈન ગ્લેનડ્સ’ ના દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, જેનો સીધો પ્રભાવ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. આ રોગ પ્રતિકારક શક્તિને કારણે જ વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે.
જીવનના શારીરિક તેમજ માનસિક સ્તર ઉપરાંત સ્વાસ્થ્યનો નિકટનો અને ઊંડો સંબંધ અધ્યાત્મ સાથે પણ છે, આજે આ ક્ષેત્રમાં સારું એવું સંશોધન પણ કરવામાં આવેલ છે અને તેના ઉપરથી એવા કેટલા પ્રમાણ પણ હાથમાં આવ્યા છે. જેનાથી સિદ્ધ થાય છે કે વ્યક્તિનું સ્વાસ્થ્ય તેના આધ્યાત્મિક સ્તરથી પરિવર્તિત તેમ જ પ્રભાવિત થાય છે. તેથી સંપૂર્ણ તે સર્વાગીણ સ્વાસ્થ્ય ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે નો કેવળ શારીરિક અને માનસિક પાસાંનો જ ક્યાં રાખીએ, પરંતુ આધ્યાત્મિક પાસાઓનોયે પૂરતો ખ્યાલ રાખવો જરૂરી છે.
આજે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ચારેકોર એલોપથીનું પ્રભુત્વ જોવા મળી રહેલ છે. રોજ-બ-રોજ ખુલતી રહેતી નવી હોસ્પિટલો, પરીક્ષણ કેન્દ્ર, દવાની દુકાનો આ વાતની તાજની સાક્ષી છે. આજે સામાન્ય માણસ- પછી તે અમીર હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત, શહેરી હોય કે ગ્રામીણ- પોતાની સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનું સમાધાન એલોપથીમાં જ શોધે છે. સમાજ અને સરકાર પણ મોટેભાગે આજ પદ્ધતિનું અનુમોદન કરે છે, અને આના વિકાસ માટે પૂરો સહયોગ આપે છે. પરંતુ શું એલોપથીમાં સ્વાસ્થ્ય સામે જોડાયેલા દરેક સવાલનો જવાબ છે ? શું ક્યાંક એવું તો નથી ને કે એક તકલીફ દૂર કરતા આ પદ્ધતિ બીજી નવી તકલીફ ઉભી કરી દે છે ? આ પ્રશ્નોના ઉત્તર માટે આપણે એલોપથી પાછળરહેલી વિચારધારાનું થોડું અવલોકન કરવું પડશે. એક સર્જનના અનુભવ અનુસાર તેમના વિચારો પણ જાણવા જેવા છે.
એલોપથીની એવી માન્યતા છે કે દરેક વ્યક્તિ રોગગ્રસ્ત છે અને તેની ચિકિત્સાની આવશ્યકતા છે. આજે નહીં તો કાલે રોગગ્રસ્ત થશે, એવી આશંકા રૂઢ કરી દેવામાં આવી છે અને તેનાથી બચવાના ઉપાય બતાવાય છે. પણ આનું ન કલ્પેલું પરિણામ એ આવે છે કે, બધુ ધ્યાન રોગો પર કેન્દ્રિત થવાથી રોગી સમાજ ઊભો થઈ રહ્યો છે. એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિ પણ પોતે કોઈને કોઈ રોગનો શિકાર બની જઈ શકે છે એવું માની અમુક અમુક વખતે ‘ચેક-અપ’ કરાવતો રહે છે. એક બાજુ માણસ રોગોના ભયથી વ્યથિથ થઈ રહ્યો છે, તો બીજી બાજુ આ જુદા જુદા ચેક-અપ ને કારણે એકવાર માણસો સ્વસ્થ જાહેર થઈ જાય પછી તદન બેફિકરો બની જાય છે.
આધુનિક ચિકિત્સા પદ્ધતિ દવાઓ દ્વારા રોગના લક્ષણોમાંથી તુરંત રાહત અપાવે છે. રોગોના લક્ષણોમાંથી છુટકારો મેળવવા મોટેભાગે દવાઓ દ્વારા તેમને દબાવી દેવામાં આવે છે. આપણે ભૂલી ગયા છીએ કે રોગોના લક્ષણ તો આપણી અંદરની અસ્થતાંના સંકેત માત્ર છે. તે સંકેતને સમજ્યા વિના દવા મારફતે તેનાથી દૂર ભાગીને રોગને જટિલ તેમજ અસાધ્ય બનાવી રહ્યા છીએ.
આજે દુનિયાના સૌથી વધુ વિકસિત દેશ જેને આપણે ગણી રહ્યા છીએ તે અમેરિકા દેશના આંકડા બતાવે છે કે હોસ્પિટલમાં દાખલ થયેલો દરેક ત્રીજો દર્દી તેના અગાઉના ઉપચાર દરમિયાન ઉભી થયેલ કાંઈને કાંઈ તકલીફથી પીડિત છે અને તેથી જ તેણે હોસ્પિટલમાં ફરી દાખલ થવું પડયું છે.
વ્યક્તિ કઈ રીતે જીવે છે, કેવા વાતાવરણમાં રહે છે,તેની ખાણીપીણી કેવી છે, તેના આચાર-વિચાર કેવા છે, તેના ઉપર તેના સ્વાસ્થ્યનો ઘણો બધો આધાર છે. હૃદયરોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે જીવનશૈલીમાંથી બહાર આવતા રોગો છે. અને આજે આવા રોગોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જવા પામી છે. છેલ્લા 50 વર્ષોમાં આપણી જીવનશૈલીમાં અનેક પ્રકારના પરિવર્તન આવ્યા છે આને પરિણામે કેટલીક સુખસગવડ જીવનમાં આજે જરૂરી મળી રહે છે, પરંતુ તેને માટે આપણને આપણા સ્વાસ્થ્યની બહુ ભારે કિંમત ચૂકવવી પડે છે. આજે માણસ શુદ્ધ હવા-પાણીથી પણ વંચિત થવા જઈ રહ્યો છે. આધુનિક ખેતી પદ્ધતિએ આપણા ભોજનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનું ઝેર ભેળવી દીધું છે. આપણી અતિવ્યસ્તતા આપણને તાજા ખાદ્ય પદાર્થોની જગ્યાએ ‘ ફાસ્ટ ફૂડ’ ભાજીપાવ, પીઝા, કચોરી સમોસા ખાવા મજબૂર કરી રહી છે.
સ્વાસ્થ્ય પર અસર કરનારું એક બીજું કારણ, આજે ચારેકોર ભષ્ટાચારનું વાતાવરણ ઉભુ થઈ ગયું છે. નવી નવી હોસ્પિટલો અને જાત-ભાતના નવા પરીક્ષણો ભારોભાર તેમાં બજારુતા પેસી ગયેલ છે.
આ આખીયે પરિસ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન આવે, એમ આપણે સૌ ઇચ્છીએ છીએ. માત્ર શરીરને સાચવવાથી જ નહીં, મૌન તેમજ આત્માની સુખ શાંતિ જાળવીને જ આપણે આપણું સ્વાસ્થ્ય કાયમ વ્યવસ્થિત રાખી શકાય. બીજી વાત એ કે માણસે પોતાના સ્વાસ્થયની જવાબદારી પોતે જાતિ સ્વીકારવી પડે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પોતે સજાગતા દાખવવી પડે. આજે ડોક્ટરોના હાથમાં બધુ સોંપી દઇને આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ અને ઈચ્છા રાખીએ છીએ કે જ્યારે જરૂર પડશે ત્યારે ડોક્ટરો જ આપણને ફરી સ્વસ્થ કરી દેશે. આપણે આપણા શરીરને એક મશીનનો અને ડોક્ટરોને મિકેનીકનો દરજ્જો દઈ દીધો છે.
સાથોસાથ પ્રકૃતિની અસીમ શક્તિને ઓળખવી તે પણ તેટલું જ જરૂરી છે, આ પ્રકૃતિ પોતે એક મહાન ચિકિત્સક પણ છે, આપણે જેટલા એની નિકટતા જઈશું, તેટલા આપણે વધુ સ્વસ્થ થઈ શકીશું. રોગોના લક્ષણો વાસ્તવમાં આપણને સ્વસ્થ બનાવવાની દિશાના પ્રકૃતિના પ્રયાસ છે. જેમ કે, ઉલટી ને ઝાડા અવાંછિત પદાર્થોને શરીરની બહાર કાઢી નાખવાની એક પ્રકારની પ્રાકૃતિક પ્રક્રિયા છે. તેને એકદમ રોકી દેવાથી મૂળમાં સ્વાસ્થયને જ હાનિ થઈ શકે છે.
પ્રકૃતિમાં નિષ્ઠા કાયમ રાખવાની સાથોસાથ આપણે મૃત્યુની સચ્ચાઈનો પણ સ્વીકાર કરવો જરૂરી છે. નહીં તો આપણે ભય મુકતો નહીં બની શકીએ અને આ ભય જ આપણા માનસિક રોગોની જડ છે. શાંત ભાવે યથા સમય મૃત્યુને અપનાવી લેવું એ એક સફળ તેમજ સ્વસ્થ જીવનની પારાશીશી છે.
ભૌતિકવાદમાં ગરક થઈને આપણે આપણા સ્વાસ્થ્ય પર કેવો કુઠારાઘાત કર્યો છે, તે નીચેની પંક્તિઓમાં આબાદ રીતે દર્શાવવામાં આવેલ છે.
We Squander health in Seeking Wealth ;
We Toil, We Hoard, We Save
And Them Squander Wealth In Seeking Health-
Only To Find The Grave.
“પૈસો-પૈસાની લાયમાં આપણે આપણું આરોગ્ય વેડફી રહ્યા છીએ. પૈસો મેળવવા જતા વ્યક્તિ- માનવી પોતાના લોહીનું પાણી કરી નાખે છે. ખૂબ પૈસા ભેગા કરે છે, ખૂબ બચાવે છે અને પછી ફરી આરોગ્ય મેળવવા પૈસાનું પાણી કરે છે- પણ સ્વાસ્થ્યને બદલે તે સમયે ફક્ત મૃત્યુ જ બાકી રહેતું હોય છે.
----------------------------------------------------------------------------------------------------------------
Dipak Chitnis(DMC) dchitnis3@gmail.com
----------------------------------------------------------------------------------------------------------------