Two stories clubbed into one. Enjoy!!
1. રુદન ના ભણકારા
"આટલું શું વિચારી રહ્યો છે, ફક્ત એક ઇન્જેકશનનું બોક્સ અદલાબદલી કરવાનું છે. અમે તને આ કામના લાખો રૂપિયા આપી રહ્યા છે, જેનાથી, તારી અને તારા પરિવારની જિંદગી સુધરી જશે. બોલ, આ કામ કરીશ?"
આ રહસ્યમય વાક્ય જે મને એ વખતે નિર્દોષ લાગી રહ્યા હતા, એના પ્રત્યાઘાત આટલા ભયંકર પડ્યા, કે મારી રૂહ સુદ્ધા કાંપી ગઈ.
હું મુકેશ ચોરસ્યા, સીટી જનરલ હોસ્પિટલમાં એક વોર્ડબોય છું. જે લોકોએ મને આ કાર્ય સોંપ્યું હતું, એ કોણ હતા? ક્યાંથી આવ્યા હતા? એ કાંઈ પણ પૂછવાની મને પરવાનગી નહોતી. માસ્ક પહેરેલા માણસોની મેં ફક્ત આંખો જોઈ હતી. કામ થઈ ગયા પછી, મને પાંચ લાખ રૂપિયા મળવાના હતા. મેં મારા આખા જીવનકાળમાં આટલા પૈસા એક સાથે નહોતા જોયા, અને ઘરે આઠ સદસ્યોની જવાબદારી, મારા એકલાના માથે હતી. લાલસા કહો, કે પછી મારી મજબૂરી, હું આ દુષ્ટ કામ કરવા માટે તૈયાર થઈ ગયો.
હોસ્પિટલના સ્ટોરરૂમના કર્મચારી સાથે દોસ્તી વધારી, દારૂ પીવડાવ્યું અને સ્ટોરરૂમની નકલી ચાવી બનાવી લીધી. મોકો મળતા, ઇન્જેકશનનું બોક્સ અદલાબદલી કરી નાખ્યું. બન્ને જોવામાં લગભગ સરખા હતા. સેની સાથે બદલી કરી રહ્યો હતો, એ ખબર હતી, પણ એની જગ્યા એ શું મૂકી રહ્યો છું, એ નહોતી ખબર અને પૂછવાનો અધિકાર પણ નહોતો. કામ પૂરું થતા મને મારા પૈસા મળી ગયા અને એ ટોળું રાતો રાત પલાયન થઈ ગયું, જાણે ક્યારેય આવ્યું જ ન હતું.
અઠવાડિયાની અંદર મારા ખરાબ કાર્યનું પરિણામ દેખાવા લાગ્યું. આખી હોસ્પિટલમાં હાહાકાર મચી ગયો અને એક પછી એક દર્દીઓના મોત થવા લાગ્યા. બધા મૂંઝવણમાં પડી ગયા અને કોઈને કારણ ન ખબર પડી. ઘણા વોર્ડના ડસ્ટબીનમાં મારા અદલાબદલી કરેલા ઇન્જેકશનના ખાલી સિરીંજ પડ્યા હતા. મારા પંદર વર્ષની કારકિર્દીમાં મેં આટલી ચીસો અને રડવાનો ઘોંઘાટ નહોતો સાંભળ્યો, જેટલો મેં છેલ્લા બે દિવસમાં અનુભવ્યો.
જેમ વૃક્ષને ભૂત વળગીને રહેતો હોય છે, એમ જ મારા ગુનાહે મારો પીછો ન છોડ્યો અને દિવસ રાત મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારની ચીસોના ભણકારા મારા કાનમાં પડ્યા કરે છે. દિલમાં ડર અને મોઢા પર પરસેવો રહે છે. કોઈની સાથે વાત નથી કરતો અને નજર હમેશા શરમથી નીચે રાખું છું.
તદઉપરાંત, આજે જે થયું, પછી તો હું જીવવાને લાયક અ જ નથી. આજે અચાનક હોસ્પિટલમાં મારી પત્ની શીલાને જોઈને હું ચોંકી ગયો. તે વેટિંગ રૂમમાં ભયભીત બેઠી હતી.
"શું થયું શીલા? હોસ્પિટલ શા માટે આવવાનું થયું?"
મને જોઈને ઉભી થઇ અને વળગી પડી. ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા રડતા બોલી,
"તમારો ફોન ઓફ આવી રહ્યો હતો. મનોજને સતત ઊલટીઓ થવા લાગી, એટલે હું એને હોસ્પિટલ લઈ આવી."
મનોજ મારો આઠ વર્ષનો દીકરો છે.
"મનોજ ક્યાં છે?"
"ડોક્ટર એને અંદર તપાસી રહ્યા છે."
હું ઓપીડીના ચેકપ રૂમ તરફ દોડ્યો. મનોજ હાંફી રહ્યો હતો અને મારું અદલાબદલી કરેલું ઇન્જેકશનનું ખાલી સિરીંજ ડોક્ટરે મારી સામે ડસ્ટબિનમાં નાખ્યું.
મને કાપો તો લોહી ન નીકળે. હવે મારુ મોઢું ક્યાં જઈને છુપાવું? આ દુઃખનો પહાડ ઉપાડવાની મારામાં શક્તિ નથી. બીજા બધાની ચીસોમાં, હવે મને શીલાના અવાજનો ભણકારો સૌથી વધારે
સંભળાય છે. ફાંસીનો ફંદો ગળામાં નાખી દીધો છે, અને જ્યાં સુધી જીવ નહીં નીકળે, ત્યાં સુધી, રુદનનો શોરગુલ કાનમાં ગુંજતો રહશે.
________________________________________________
2.
લત"શું છોકરીની જેમ શરમાઈ છે! શું ના ના કરે છે? એક ગ્લાસમાં કાંઈ નહીં થાય. ચાલ પી જા ગટા-ગટ."
શરૂઆત દોસ્તો પાસેથી મળેલા આવા મહેણાં ટોણા સાથે થઈ હતી. ત્યારે મારા જીવનમાં બધું નિયંત્રિત હતું. ઘર, પત્ની અને મારો ચાર વર્ષનો દીકરો. સુખ શાંતિથી અમે ચટણી રોટલો ખાતા અને આનંદમાં રહેતા.
આજે ત્રણ વર્ષ પછી, મારે ત્યાં લીલા લહેર છે. મારી પાસે ઘણી બધી વસ્તુઓનો ભારી સંખ્યામાં સંગ્રહ થઈ ગયો છે. લિસ્ટ ગણાવું? ખાલી શરાબની બોટલો, સમય, આંસુ, એકલતા અને આ લત!
"વાહ રે તારી માયા! તારી લતમાં છૂટી ગઈ મારી છત્રછાયા."
બસ વધુમાં વધુ શું થયું? નોકરી જતી રહી, પત્ની, પુત્રને લઈને ચાલી ગઈ અને મને મન ફાવે તેમ કરવાની સ્વતંત્રતા આપતી ગઈ. મારે તો ખુશ થવું જોઈએ. પછી આ આંસુ શા માટે? કેમ છાતી પર એક ભાર જેવું લાગે છે, જાણે કોઈએ એક મોટો પથરો મુક્યો હોય? કેમ ગળામાં હમેશા દુઃખનો એક ગોટો વળેલો હોય છે?
ખાલી ઘરમાં બેઠા બેઠા આજુ બાજુ નજર ફેરવી. એક ભૂતિયાં મકાનથી ઓછું નથી લાગી રહ્યું. હજી થોડી સમજ બાકી છે. સાવ પડી ભાંગુ, એ પહેલાં કાંઈક સારું કરી લઉં. ધ્રુજતા હાથે એક ફોન કર્યો અને લથળતી જબાને બોલ્યો,
"હલો, રિહેબ સેન્ટર? એક એડરસ લખો અને મને આવીને લઈ જાવ."
ફોન મુક્યો અને વિચાર કર્યો,
"પહેલા એના લાયક બની જાઉં, પછી માલતીની સામે જાઈશ."
શમીમ મર્ચન્ટ, મુંબઈ
Follow me on my blog
https://shamimscorner.wordpress.com/
________________________________________________