લેખક તરફથી,
આપ સૌને મારા નમસ્કાર. મારી પ્રથમ નવલકથા "એક શ્રાપિત ખજાનો" ને આપ સૌનો જે પ્રતિસાદ મળ્યો છે એના બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. મારા માટે એ એકદમ અપેક્ષા બહારનું હતું. પણ આપ સૌના સારા પ્રતિસાદથી પ્રોત્સાહિત થઈને હું ફરી એકવાર રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા લાવ્યો છું જેનું નામ છે...'રહસ્યમય ત્રીશૂલ...' આ નવલકથા મારી પ્રથમ નવલકથા 'એક શ્રાપિત ખજાનો' સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે. તો આ વાંચતા પહેલાં એક શ્રાપિત ખજાનો વાંચી લેવા વિનંતી.
એડવેેેન્ચર હંમેશા થી મારો મન પસંદ વિષય રહ્યો છે. આજના વ્યસ્ત જીવનમાં થોડા સમય માટે બધું ટેન્શન સાઇડમાં રાખીને આવી થ્રીલ અને સસ્પેન્સની સફર કરવી માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
એટલે જ હું લાવ્યો છું આ નવલકથા. આ એક એવી વાર્તા છે જેમાં વાત છે છ મિત્રોના એક ગ્રૂપની જેમની એક ટ્રીપ તેમને એક પૌરાણિક રહસ્ય સાથે જોડી દે છે અને પછી શરૂ થાય છે એક સસ્પેન્સ, થ્રીલ, એડવેેેન્ચર થી ભરેલી સફર. તો ચાલો સફર શરૂ કરીએ..
આ વાર્તા અને તેમા આવતા તમામ પાત્રો અને ઘટનાઓ સંપુર્ણપણે કાલ્પનિક છે. એનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. આ રચના પાછળનો હેતુ ફક્ત મનોરંજન છે. અને આ રચનાના કોપી રાઇટ્સ લેખકના હાથમાં છે. તો આ રચના અથવા એનો કોઇપણ ભાગ લેખકની અનુમતિ વગર ઉપયોગમાં લેવો ગૈરકાનુની છે. ©
પ્રકરણ ૧ :
( સપ્ટેમ્બર 2018)
રાત્રિના લગભગ બે વાગ્યા હશે. આખા રૂમમાં ઘનઘોર અંધારુ પથરાયેલું હતું જે સમગ્ર ઓરડાને ભયાવહ બનાવતું હતું. પરંતુ એ નિર્જીવ ઓરડાના એક ખૂણામાં કંઈક હલચલ થઈ રહી હતી જ્યાં એક મીની ટોર્ચનાં આછા પ્રકાશમાં એક પુરુષ કંઈક શોધી રહ્યો હતો. તેની સામે પડેલી એક જુની પુરાણી લાકડાની પેટીમાં પડેલી વસ્તુઓ એ વારાફરતી ચકાસીને પેટીની બહાર મુકી રહ્યો હતો. ટોર્ચ ના આછા સફેદ પ્રકાશમાં તેના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની મુંઝવણ ની રેખાઓ ખેંચાતી દેખાય રહી હતી. અચાનક જ તેના હાથનો એક વસ્તુ સાથે સ્પર્શ થયો અને તેના ચહેરાના ભાવ બદલાય ગયા. એના ધબકારા વધી ગયા. કદાચ એને એ મળી ગયું હતું જેના માટે એ અહીં આવ્યો હતો. એણે એ વસ્તુ બહાર કાઢીને એના પર ટોર્ચનો પ્રકાશ નાખ્યો. એ એક જૂની ડાયરી હતી. ડાયરીના કવરની હાલત જર્જરિત હતી. ઘણા વર્ષો જૂની લાગતી હતી. ડાયરી હાથમાં લઈને તેણે આમ થી તેમ જોયું અને પછી તેણે કંઇક શોધવા માટે ટોર્ચ રૂમમાં ફેરવી. રૂમના બીજા ખૂણે એક લાકડાનું ટેબલ પડેલું જોઇ તે ત્યાં જઈ ને પેલી ડાયરીના જર્જરિત પાના ફેરવવા માંડ્યો. પાના ફેરવતા ફેરવતા તેની નજર એક પાના પર સ્થિર થઈ. તે પેજ પર જે લખ્યું હતું તે વાંચીને તેની આંખોમાં એક ચમક આવી ગઈ અને હોઠો પર એક રહસ્યમય સ્માઇલ. અને પછી પોતાના જમણા હાથની મુઠ્ઠી ટેબલ પર પછાડતા સ્વગત જ બબડ્યો, "યસ્સ... આખરે મને ત્રીશૂળ સુધી પહોંચવાનો રસ્તો મળી જ ગયો." પછી તેનું અટ્ટહાસ્ય સુમસામ વાતાવરણમાં ફેલાઈ ગયું...
* * * * *
( એપ્રિલ 2019)
"હાય રીના, શું કરે છે તુ અત્યારે?" એણે રીનાને પૂછ્યું.
"કંઈ ખાસ નહી પૂજા, બસ મુવી જોવ છું. તુ બોલ કંઈ કામ હતું?" સામે છેડે થી રીના એ જવાબ આપ્યો.
"ભગતસિંહ પાર્ક પાસે એક નવી કોફી શોપ ખુલી છે ચાલને ત્યાં જઈને બેસીએ મજા આવશે." પૂજા એ ઉત્સાહિત સ્વરે કહ્યું.
"ઓકે નો પ્રોબ્લેમ હું ત્યાં આવું તુ પણ સીધી ત્યાં જ આવી જા."
"ઓકે ડન."
રીના અને પૂજા બંને ગુજરાત ના સુરત શહેરના ખ્યાતનામ કોલેજમાં સાથે અભ્યાસ કરતી હતી. પૂજા નું કોલેજમાં ફર્સ્ટ યર પુરૂ થઇ ગયું હતું જ્યારે રીના તેનાથી એક વર્ષ આગળ હતી. બંને અલગ અલગ ક્લાસમાં હોવા છતાં બંને વચ્ચે સારી એવી મિત્રતા હતી. એનું કારણ રીના જ હતી. પૂજા જ્યારે કોલેજના પ્રથમ દિવસે આવી ત્યારે અમુક સીનિયર સ્ટુડન્ટ્સે તેની રેગિંગ કરવાની ટ્રાય કરી ત્યારે રીના એ જ તેને બચાવી હતી. બસ ત્યારથી જ બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી.
પૂજા અત્યારે વિહાર ઓપન ગાર્ડન કોફી શોપમાં રીના ની રાહ જોઈ રહી હતી. સાંજના પાંચ વાગ્યા હતા એટલે વાતાવરણમાં ઉકળાટ ઓછો થઈ રહ્યો હતો. એપ્રિલ મહિનામાં જ આટલી ગરમી પડી રહી હતી. આમેય ઉનાળામાં ગરમીથી ત્રસ્ત લોકો આવા સમયે જ ઘરની બહાર નીકળતા હોય છે. કોફી શોપમાં ધીરે ધીરે લોકોની ભીડ વધી રહી હતી. સામેના પાર્કમાં પણ લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. પૂજા એક ખૂણાના ટેબલ પર બેઠી હતી. તે સાદા રાઉન્ડ કોલર હાફ સ્લીવ બ્લેક ટોપ મા પણ સુંદર લાગતી હતી. તે પોતાના ફોનમાં મશગુલ હતી ત્યારે તેને એક અવાજ સંભળાયો...
"હાય."
તેણે માથું ઉંચકીને જોયું. તે રીના હતી. બ્લૂ ઝભ્ભો અને વ્હાઈટ લેગીસ માં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. પૂજા એ સ્માઇલ સાથે કહ્યું, "આવ બેસ." રીના તેની સામેની ચેર મા બેઠી. ત્યા સુધીમાં વેઇટર બે કોફી ટેબલ પર મૂકી ગયો.
કોફી ના મગ માથી એક સીપ લઇ રીના એ પૂછ્યું, "બોલ પૂજા શુ કામ હતું?"
"કંઇ ખાસ નઇ યાર. આ વેકેશન તો બોરિંગ લાગવા માંડ્યું છે. ચાલો ને આપણું આખુ ગ્રુપ ક્યાક ફરવા જઇએ." પૂજા એ કોફી પીતા-પીતા કહ્યું.
"પણ યાર, આપણા વેકેશનના ફક્ત પાંચ દિવસ થયા છે. તુ આટલી જલ્દી કંટાળી ગઇ?" રીનાએ પુછ્યું.
"હા યાર પૂજાની વાત તો સાચી છે આપણે બધાએ સાથે ક્યાંક રખડવા જવાની જરૂર છે."
આ અવાજ રીના નો નહોતો પણ એની પાછળથી આવ્યો હતો. પૂજા એ રીના ની પાછળ જોયું. એની આંખો સુખદ આશ્ચર્ય સાથે પહોળી થઈ ગઈ.
એ કબીર હતો. કોલેજ ની દરેક છોકરી નો ક્રશ. ૫'૭" ઉંચો અને સોહામણો તો એવો કે બધી જ છોકરીઓ એની સાથે મિત્રતા કરવા માંગતી હતી. એમા પણ આજે તો તેણે કોલર વાળુ બ્લ્યુ કલરનું પ્લેઇન હાફ સ્લીવ ટીશર્ટ પહેર્યું હતું જેમા તે વધારે હેન્ડસમ લાગતો હતો. જીમમાં ઘડાયેલુ કસરતી શરીર જોઇ કોઇ પણ છોકરી તેના પર ફીદા થઈ જાય.
"કબીર! તુ અહીં શું કરે છે?" કબીરને પોતાની પાછળ ઉભેલો જોઇ રીના એ એને પુછ્યું.
"હું અહીંથી જઈ રહ્યો હતો ત્યારે મેં તમને બંનેને અહીં બેસીને વાતો કરતા જોઇ તો હું પણ આવી ગયો. અને મે તમારી વાતો સાંભળી લીધી. અને મને પૂજા ની વાત મા પોઇન્ટ લાગે છે. તું યાદ કર તો આપણે બધા લાસ્ટ ક્યારે સાથે ફરવા ગયેલા યાદ કરતો?" આટલું કહી કબીરે પૂજા સામે જોયું. પૂજા એ સંમતિસૂચક સ્મિત કર્યું.
રીના બોલી, "હા યાર તારી વાત તો સાચી છે." હવે તે પણ ઉત્સાહમાં આવી રહી હતી. "તો હું રજત અને ગૌતમ ને પણ અહીં જ બોલાવી લવ છું." એમ કહીને તેણી એ પોતાના ફોનમાં અમુક નંબર ડાયલ કર્યા.
ત્યાં સુધી કબીર અને પૂજા એ સંવાદ ચાલુ રાખ્યો. "પૂજા મને એક વાત કે કે તારે કઈ બાજુ ફરવા જવાની ઈચ્છા છે?"
"વેલ... મને પૂછ તો મને તો કોઇ મોટા સીટી કરતા તો કુદરતના ખોળામાં રખડવાની વધારે મજા આવે છે.. યુ નો.. સુંદર વૃક્ષો,. ખળખળ વહેતી નદી, પહાડો,.. વગેરે મને ખુબ જ ગમે છે.... " તેને પોતાની શરમાળ અદામાં કહ્યું.
કબીરને એની પસંદ ખુબ પસંદ આવી. અને આવે કેમ નઇ? એને તો આખેઆખી પૂજા જ પસંદ આવી ગઈ હતી. હા.. એ મનોમન પૂજાને ખૂબ જ ચાહતો હતો. આમ તો કોલેજની ઘણી છોકરીઓ એના પર ફીદા હતી. પણ એ બધી કબીરનું સોહામણું રૂપ જોઈને એને પસંદ કરતી. જ્યારે પૂજાની નજરમાં એને ક્યારેય પોતાના માટે એવું કોઇ આકર્ષણ નહોતું દેખાયું. પણ એ પોતે પણ પૂજાના સુંદર રૂપ કરતા એના શરમાળ સ્વભાવને લીધે વધારે પસંદ કરતો હતો. પણ એ પ્રપોઝ કરવાની હિંમત ક્યારેય ન કરી શક્યો..
"ગૌતમ અને રજત હમણાં આવે છે ત્યાં સુધી આપણે ક્યાં જવું જોઈએ એના ઉપર ચર્ચા કરીએ." રીનાએ ફોન કટ કરતાં કહ્યું.
"હા ઓકે નો પ્રોબ્લેમ." પૂજાએ કહ્યું.
"તારી ક્યાં જવાની ઈચ્છા છે કબીર?" રીનાએ પુછ્યું.
"મારે તો ટ્રેકિંગ કરવાની ઈચ્છા છે." કબીરે કહ્યું. અને એ તિરછી નજરે પૂજા સામે જોઈ રહ્યો. એણે નોટિસ કર્યું કે પૂજા એની પસંદ જાણીને હળવેક થી મુસ્કુરાઇ.
"આમ અચાનક ફરવા જવાની કેમ ઇચ્છા થઇ?" આ અવાજ ગૌતમ નો હતો. થોડીવાર પછી ગૌતમ અને રજત બંને કોફી શોપ પર આવી ગયા હતા. ગૌતમ એક શાંત સ્વભાવનો વ્યક્તિ હતો જે ભણવામાં વધારે ધ્યાન આપતો હતો. જ્યારે રજત એક બિન્દાસ માણસ હતો. ગૌતમ તેના ગ્રે શર્ટ અને બ્લેક જીન્સમા સોહામણો લાગતો હતો. જ્યારે રજત તેના વ્હાઇટ ટીશર્ટ અને લાઈટ બ્લ્યુ ટ્રાઉઝર્સ મા હતો.
આ પાંચેય જણાનુ ગ્રુપ આખી કોલેજમાં ફેમસ હતું. કબીર, રીના અને ગૌતમનું બીજું વર્ષ પુરું થઇ ગયું હતું જયારે પૂજા અને રજત એક વર્ષ પાછળ હતા. છતાં પણ બધા વચ્ચે એક મજબૂત બોન્ડીંગ હતું. બધામાં રજત ભણવામાં નબળો હતો પણ મોજ મસ્તી માં સૌથી આગળ. તેના પપ્પાનો કાપડનો બિઝનેસ હતો. અને પિતાનો એકમાત્ર પુત્ર હોવાથી તેને ભણવાની કોઇ ખાસ ચિંતા પણ નહોતી. કબીર અને રીના ભણવામાં સૌથી આગળ પણ સાથે સાથે લાઇફ ને ખૂબ એન્જોય પણ કરતા. ગૌતમ પણ ભણવામાં હોશિયાર હતો. પૂજા પણ પોતાના ક્લાસમાં અવ્વલ નંબરે આવતી.તેના પોતાના ક્લાસમાં પણ તેના ઘણાં મિત્રો હતા પણ રીના અને એના ગ્રુપ સાથે એને કંઈક અલગ જ મજા આવતી. અને આ પાંચેય ભેગા મળીને કોલેજ લાઇફ ફૂલ એન્જોય કરતા.
હમણાં વેકેશન ચાલી રહ્યું હતું એટલે પુજા ને થયું કે આ ફરવા જવા માટે એક અનુકૂળ સમય છે. તેથી તેણે રીની ને કોફી શોપમાં મળવા બોલાવી હતી. રીના અને કબીરને પણ તેનો આઇડિયા ગમ્યો. તેથી બધાએ ભેગા મળીને ફરવા જવું એવુ નક્કી કર્યું. ક્યાં જવું કેવી રીતે જવું એ વિષય પર હવે ચર્ચા શરૂ થવાની હતી. રજતે બાજુના ખાલી પડેલા ટેબલ ની ચેર ખસેડી લીધી અને વર્તુળાકાર વ્હાઇટ માર્બલ માથી બનેલા ટેબલની ફરતે બેસી ગયા. પુજા ની એક બાજુ કબીર અને બીજી બાજુ રીના બેઠી હતી. રીના એ ચેર ખસેડી જેથી રજતે પોતાની ચેર ગોઠવી અને પોતે પણ ગોઠવાઇ ગયો. ગૌતમ કબીર ની બાજુમાં બેઠો હતો. એટલી વારમાં વેઇટર પાંચ કોફી મુકી ગયો.
"તો.." પોતાનો મોબાઈલ ટેબલ પર મુકતા રજતે કહ્યું, "તો હવે કોઈ મને સમજાવશે કે આમ અચાનક બધાને ફરવા જવાની ઇચ્છા કેમ થઇ?"
"તો સાંભળ," પૂજા એ તેની વાતનો જવાબ આપતા કહ્યુ, "હમણાં જ આપણા બધાની એક્ઝામ પુરી થઇ છે અને તને તો ખબર છે બધા કેવા ટેંશન મા હતા એક્ઝામ ને લઇને અને..."
"બધા થી તારો મતલબ તમે બધા બરોબરને.." રજતે તેની વાત કાપતા કહ્યું. તેના ચહેરા પર હળવી મુસ્કાન હતી જે જોઇને લાગતું હતું કે તેને બધાને પરેશાન જોઇ મજા આવી હતી.
"હા.. હા.. ખબર છે કે તને એક્ઝામની કોઇ ખાસ ચિંતા નથી હોતી પરંતુ અમે બધા ચિંતામાં હતા." ગૌતમે પૂજા ની વાત આગળ વધારતા કહ્યું, "પૂજા તુ બોલ શું કેતી તી?"
ગૌતમ ની વાત સાંભળી રજતના ચહેરા પર અણગમા ના ભાવ ઉતરી આવ્યા. પરંતુ તે કંઈ બોલ્યો નહીં. તેને પૂજા ની વાત સાંભળવી ઉચિત લાગી.
"હા તો હું એમ કેતી તી કે એક્ઝામની ટેંશન ભુલવા તેમજ આપણા બધાન પેપર્સ સારા ગયા છે તો એની ખુશીમાં આપણે સેલિબ્રેટ કરવું જોઈએ." પૂજા એકીશ્વાસે બોલી ગઈ જેથી તેની વાત કોઇ ટોકે તે પહેલાં તે પોતાની વાત પુરી કરી દે.
"હા યારો પૂજા ની વાત સાચી છે. યાદ કરો આપણે ક્યારે સાથે ફરવા ગયેલા." કબીરે કહ્યું.
"27 કલાક પહેલા, ગોપી તળાવ." ગૌતમે રમૂજી શૈલીમાં રોબોટ જેવો અવાજ કાઢતા કહ્યું. તેનો જોક સાંભળી રજત અને રીના ખડખડાટ હસી પડ્યા. ગૌતમ અને રજત એકબીજાને હાથતાળી દઇ કબીરની મસ્તી કરી રહ્યા હતા. પૂજા પણ હળવુ હળવુ હસી રહી હતી. તેને એમ કરતી જોઇ કબીર પણ મંદ-મંદ હસવા લાગ્યો.
"હા..... હા.... વેરી ફની.... પણ હું આઉટ ઓફ સુરત જવાની વાત કરું છું. કોઇ 1-2 વીક લાંબી ટ્રીપ પ્લાન કરવાની જરૂર છે."
"હા યાર અને આવી એકાદ સફર આપણી લાઇફ ટાઇમ મેમરી બની જશે." રીના એ કબીરની વાતમાં સૂર પરોવતા કહ્યું.
"હા યાર તારી વાત તો સાચી છે. આવુ કંઈક કરવાથી મુડ ફ્રેશ થઈ જશે." ગૌતમ પણ ઉત્સાહ મા આવી ગયો હતો.
પછી બધાની નજર રજત સામે મંડાઈ. અને એનું કારણ પણ હતુ. ભૂતકાળમાં ઘણી વખત રજત ને લીધે ફરવા જવાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. રજત ભલે અમીર બાપનો દીકરો હતો છતા પણ તેને ફરવાનો અને ખાસ કરીને ચાલવાનો બહુ કંટાળો આવતો. હા કાર કે બાઇક લઈ ફરવા જવું હોય તો તે હંમેશા તૈયાર રહેતો. પણ ગ્રુપના બાકી સદસ્યોને પગપાળા ફરવાની વધારે મજા આવતી. એવુ ન હતું કે એ લોકો અમીર હતા. પણ પોતાના શોખ પુરા કરવામાં કોઇ બાંધછોડ કરવી પડે એવી ખરાબ સ્થિતિ પણ ન હતી. પણ છતાં પગપાળા યાત્રા કરવી એ લોકોને ગમતી કારણ કે એમા મજા પણ આવે અને સેહત માટે પણ સારૂ કહેવાય. એટલે રજત તેમની સાથે જતો નહીં. પછી તે જૂનાગઢ ફરવાની પ્લાનિંગ હોય કે મનાલી ટ્રેકિંગ કરવા જવાની, રજતને લીધે તે બંને પ્લાન કેન્સલ કરવા પડ્યા હતા. અને મિત્રને છોડીને ફરવા જવામા કોઇ મજા નથી એમ માની તેઓ રજત વગર જતા પણ નહોતા. આખરે હતો તો મિત્ર ને. એટલે આ વખતે રજતને લઈને જ જવો છે એમ વિચારી બધાએ તેની તરફ જોયું.
બધાની નજર પોતાની તરફ મંડાયેલી છે એ જોઈને રજત જરા ખચકાયો. "યાર મને કાચે કાચો ખાઈ જવાના હોય એમ શું કામ જોવો છો?"
કબીરે રજતને વોર્નિંગ આપતો હોય તેમ કહ્યું, "જો રજત આ વખતે તારા એક પણ નાટક નઇ ચાલે. તારે બધા સાથે આવવું પડશે."
રજત જરા વિચારવા લાગ્યો. પોતાના લીધે બે ત્રણ વખત ફરવા જવાનો પ્લાન ધૂળમાં મળી ગયો હતો અને આ વખતે પણ જો તેના કારણે તેના મિત્રો ફરવા નહીં જાય તો તેને પણ દુ:ખ થશે. આમેય આવા મિત્રો નસીબદાર ને જ મળે છે જે તેની બધી જ નૌટંકી સહન કરે છે. એટલે એમની ખાતર પણ મારે જવુ જોઈએ.
"ઓ.. કે.. ફાઈન." રજત કોઇ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતો હોય એમ ઉભો થઇ બે હાથ ફેલાવીને બોલ્યો, "હું પણ આવીશ.. બસ."
"વાહ... વાહ..." તેની આ જાહેરાતને તાળીઓના ગડગડાટ થી વધાવી લેવામા આવી. ગૌતમે તો તેની પીઠ થાબડીને તેને શાબાશી પણ આપી.
"તો હવે ક્યાં જઇશું તેના પર ચર્ચા વિચારણા શરૂ કરીએ?" રજતે પોતાની જગ્યા પર બેસીને કહ્યું.
સૌપ્રથમ રીના એ પોતાનો મત આપ્યો, "અમદાવાદ જઇએ તો કેવું રહેશે? ત્યાં ફરવાની પણ ઘણી જગ્યાઓ છે."
"એ આઇડિયા સારો છે પણ અમદાવાદ ખૂબ ક્રાઉડેડ સીટી છે. આપણે ઓલરેડી સુરત જેવા મોટા શહેરમાં રહીએ છીએ તો મારો વિચાર છે કે મુડ ચેન્જ કરવા માટે આપણે કોઇ ખુલ્લી જગ્યામાં જ્યાં શાંતિ હોય એવી જગાએ જવુ જોઈએ." પૂજાએ કહ્યું.
"હું તારી વાત સાથે સહમત છું." કબીરે સહમતિ દર્શાવી.
"તુ તો પૂજાની બધી વાતો સાથે સહમત હોઇશ કે નહીં." ગૌતમે કબીર સાથે ટીખળ કરતા કહ્યું.
"વોટ.. વોટ.. નોનસેન્સ..." ગૌતમની વાતથી કબીર શરમાઈ ગયો. ગૌતમ અને રીના એકબીજા સામે જોઈ સ્મિત કરવા લાગ્યા.
"પણ હું એમ કેતો તો કે આપણે..." રજત પોતાની વાત આગળ ધપાવે એ પહેલાં કબીરના ફોનની રિંગ વાગવા લાગી. કબીર ફોન ઉપાડીને બોલ્યો..
"હેલ્લો, હા મમ્મી બોલ."
"........." સામે છેડેથી કંઇક જવાબ આવ્યો.
"અંકલ આવ્યા છે? હા તો હું હમણાં દસ મિનિટમાં આવું છું." આટલું કહી કબીરે કહ્યુ, "સોરી દોસ્તો, મારા અંકલ કંઇક કામથી મળવા આવ્યા છે એટલે મારે જવું પડશે તમે ડિસ્કશન ચાલુ રાખો પછી જે નક્કી થાય તે મને કેજો."
તેની વાત સાંભળી રીનાએ પણ જાણે કંઈક યાદ આવ્યું હોય એમ ઘડિયાળમાં જોયું. સાંજના છ વાગવા આવ્યા હતા. "યાર મારે પણ જવું પડશે. મારા ફેવરિટ શો નો ટાઈમ થવા આવ્યો છે."
તે બંનેની વાત સાંભળી ગૌતમે કહ્યું, "તો એક કામ કરીએ. આ આજે આમેય મોડું થઈ ગયું છે. હમણાં બે ત્રણ કલાકમાં ડીનર ટાઇમ થઇ જશે. અને આપણી આ ચર્ચા ખૂબ લાંબી ચાલવાની છે. તો આપણે આ ચર્ચા અહીં જ સ્થગિત રાખીએ. કાલે બધા ફરી ભેગા થઈને ડિસ્કસ કરીશું."
ગૌતમની વાત બધાને યોગ્ય લાગી. "તો કાલે સવારે આપણે મારા ઘરે મળીએ." રજતે કહ્યું.
"હા ઓકે." બધાએ તેની વાતને સમર્થન આપતા કહ્યું.
"વેઇટર.." કબીરે વેઇટરને સાદ કર્યો. એક વેઇટર તેમનું બીલ લઇ આવ્યો.બીલ જોઇને કબીરે તેના પેન્ટના પાછળના ખિસ્સામાંથી પાકીટ કાઢી બીલની રકમ ચૂકવી દીધી. પછી બધા એકબીજાને બાય કહી પોતપોતાના ઘર તરફ નિકળ્યા.
* * * * *
"હેલ્લો, શું ખબર છે? જે કામ તને સોંપવામાં આવ્યું હતું તે થયું કે નહીં.?" એક અંધારિયા ખંડમાં ઇઝી ચેર પર બેઠેલા એક વ્યક્તિ ફોન મા કોઇ સાથે વાત કરતાં કહ્યું.
સામે છેડેથી જવાબ આવ્યો, "યસ બોસ, પાર્સલ એની મંજીલ તરફ રવાના થઈ ગયું છે. કાલે તો તે ત્યાં પહોંચી જશે."
"અને પેલા પાંચેય કોલેજ સ્ટુડન્ટ્સ? એમના શું સમાચાર છે?"
"હમણાં એ પાંચેય કોફી શોપ મા ભેગા મળીને ફરવા જવાની પ્લાનિંગ કરી રહ્યા હતા. હવે તેઓ આપણી જાળમાં આસાનીથી ફસાઈ જશે." સામે છેડેથી ફરી જવાબ આવ્યો.
"સરસ.. તો તો તેમને ત્યાં લઈ જવાનું કામ સહેલું થઇ જશે. તેમની ઉપર નજર રાખજે. આપણને આપણી મંજીલ સુધી પહોંચવાની ચાવી છે એ. જોજે કાંઈ ગરબડ ન થાય." બોસ નામક વ્યક્તિના અવાજમાં ગંભીરતા ભળી.
"ઓકે.. બોસ.." સામે છેડેથી ફોન કટ થઈ ગયો.
* * * * *
ચારે તરફ બરફ છવાયેલ હતી. હિમાલય ના હિમાચ્છાદિત પર્વતો પર નીરવ શાંતિ છવાયેલી હતી. એક પહાડની તળ પર એક ગુફા હતી. આ ગુફામાં એક સાધુ તપ કરી રહ્યા હતા. ગુફાની બહાર પવન સૂસવાટા મારી રહ્યો હતો. પણ સાધુનું ધ્યાન એના પર ન હતું. સાધુ તપાસ્યા મા લીન હતા.... પણ, અચાનક તેમના શરીરમાં હલચલ થવા માંડી. એક ઝાટકા સાથે તેમણે આંખો ખોલી. તેમની આંખોમાં આશ્ચર્ય અને ભયનું મિશ્રણ દેખાય રહ્યુ હતું. જાણે એમણે કશુંક જોઇ લીધું હોય. તેમના શ્વાસ ની ગતિ વધી ગઈ હતી. આવો અનુભવ એને આજ પહેલા ક્યારેય નહોતો કર્યો. પણ આ અનુભવ થવાનો મતલબ ખુબ જ ગંભીર હતો. પોતાના શ્વાસ કાબૂમાં આવતા જ એ વ્યક્તિએ હાથ જોડીને આકાશ તરફ નજર કરી. અને એના મોઢામાંથી માત્ર એટલા જ શબ્દો નિકળ્યા,
"હે મહાદેવ, ફિરસે એક બાર ઉસ ત્રીશૂલ કી વજહ સે સંસાર પર ખતરા મંડરાને વાલા હૈ..."
(ક્રમશઃ) (પ્રથમ પ્રકરણ કેવું લાગ્યું એનો પ્રતિભાવ જરૂરથી આપશો... 🙏🙏🙏)
* * * * *