અમર પ્રેમ
રાકેશ ઠક્કર
રાજેશ ખન્નાએ નિર્દેશક શક્તિ સામંતા પાસે સામે ચાલીને ફિલ્મ 'અમર પ્રેમ' (૧૯૭૨) માગી હતી. સામંતાને અભિનેતા ઉત્તમકુમારની બંગાળી ફિલ્મ 'નિશિ પદમા' (૧૯૭૦) ગમી હતી અને તેના હિન્દી રીમેકના અધિકાર ખરીદી લીધા હતા. તેના પરથી 'અમર પ્રેમ' ની સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી સૌથી પહેલાં તેમણે 'પુષ્પા' ની ભૂમિકા માટે શર્મિલા ટાગોરની પસંદગી કરી હતી. શર્મિલાને ભૂમિકા એટલી પસંદ આવી કે પુત્ર સૈફના જન્મ પછી સૌપ્રથમ 'અમર પ્રેમ' માટે હા પાડી હતી. કેમકે આ એક એવી ભૂમિકા હતી જે તેને ગંભીર અભિનેત્રીની ઓળખ અપાવી શકતી હતી. હીરો 'અનંતા' ની ભૂમિકા માટે સામંતાની પહેલી પસંદ રાજકુમાર હતા. સામંતાએ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે અગાઉ કામ કર્યું હતું પરંતુ તેમનું માનવું હતું કે ફિલ્મમાં હીરોઇનની ભૂમિકા મજબૂત હોવાથી તે તૈયાર થશે નહીં. ફિલ્મની વાર્તા પુષ્પા નામની એક મહિલાની હતી. જેનો પતિ બીજા લગ્ન કરી તેને ઘરની બહાર કાઢી મૂકે છે. તે માની મદદ માગે છે. મા પણ મદદ કરતી નથી. તે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. પણ ગામના માણસ તેને એક વેશ્યાલયમાં વેચી દે છે. ત્યાં પહેલા જ દિવસે આનંદબાબુ તેનાથી આકર્ષાય છે. આનંદબાબુ પરિણીત હોવા છતાં તેની પાસે જાય છે. રાજકુમાર સાથે નક્કી થાય એ પહેલાં રાજેશ ખન્નાને જ્યારે આ ફિલ્મના આયોજનની ખબર પડી ત્યારે તેણે સામંતાને વિશ્વાસ અપાવ્યો કે તે ભૂમિકાને ન્યાય આપી શકશે. તેનો ઉત્સાહ જોઇ શક્તિ સામંતાએ તેને ભૂમિકા સોંપી હતી. રાજેશ ખન્નાએ ભૂમિકા માટે તૈયારી પણ કરી હતી. ભૂમિકાના સંશોધન માટે ઉત્તમકુમારના મોઇરા સ્ટ્રીટ ખાતેના ઘરે ગયો હતો. કેમકે 'અનંતા' ની ભૂમિકા માટે ઉત્તમકુમારની બહુ પ્રશંસા થઇ હતી. ફિલ્મનો કલકત્તાના પેરેડાઇઝ થિયેટરમાં પ્રિમિયર થયો ત્યારે ખન્નાએ કહ્યું હતું કે મેં ઉત્તમકુમારની 'નિશિ પદમા' સોળ વખત જોઇ હતી અને એવું નક્કી કર્યું હતું કે ઉત્તમકુમારના બંગાળી વર્ઝનના અભિનયની સરખામણીએ ૫૦ ટકા પણ આપી શકાશે તો ઘણું હશે. રાજેશ ખન્નાએ ફિલ્મમાં તેનું નામ મૂળ બંગાળી ફિલ્મમાં ઉત્તમકુમારનું હતું એ 'અનંતા' ને સામંતા પાસે બદલાવીને 'આનંદ' કરાવ્યું હતું. રાજેશ માનતો હતો કે ફિલ્મ 'આનંદ' ને કારણે આ નામથી તે દર્શકો સાથે વધારે સારી રીતે અનુસંધાન કરી શકશે. રાજેશની આ ગણતરી સાચી પડી હતી. તેની દેવદાસ જેવી આ ભૂમિકાને પસંદ કરવામાં આવી હતી. સામંતાને 'અમર પ્રેમ' ની સફળતામાં રાજેશ –શર્મિલાના અભિનય સાથે આર.ડી. બર્મનના સંગીતની મદદ વધારે મળી હતી. આ ફિલ્મથી પંચમદા અને કિશોરકુમારે પોતાની કાર્યક્ષમતા સાબિત કરી હતી. એ સમયમાં આર.ડી. બર્મનની ઓળખ પશ્ચિમી પ્રકારના સંગીત આપતા સંગીતકાર તરીકેની હતી અને કિશોરકુમાર હલ્કા-ફુલ્કા ગીતો વધારે ગાતા હતા. ત્યારે સંગીતકાર આર.ડી. બર્મને ફિલ્મના દરેક ગીતોને શુધ્ધ રાગ પર આધારિત બનાવીને લોકોનો એ ભ્રમ તોડી નાખ્યો હતો કે પાશ્ચિમી પ્રકારનું જ સંગીત આપી શકે છે. એવું જ કિશોરકુમારે કર્યું. 'ચિંગારી કોઇ ભડકે' ગીત રાગ ભૈરવીમાં હતું. 'યે ક્યા હુઆ' પર રાગ કલાવતીની છાપ હતી. 'કુછ તો લોગ કહેંગે' અને 'બડા નટખટ હૈ' રાગ ખમાજમાં હતા. અસલમાં 'બડા નટખટ હૈ' ગીતની ધૂન પહેલાં અલગ હતી. તે સાંભળીને પંચમદાના પિતા એસ.ડી. બર્મને બદલાવી હતી. બર્મનદાદાનું કહેવું હતું કે ગીતમાં શર્મિલા ટાગોર નટખટ બાળક નંદુને અવાજ લગાવીને શોધી રહી છે. એ પ્રસંગને અનુરૂપ ધૂન નથી. પંચમદાએ 'બડા નટખટ હૈ' માટે ફરી મહેનત કરીને ગીત તૈયાર કર્યું હતું. ફિલ્મ 'અમરપ્રેમ' ના દરેક ગીતે ધૂમ મચાવી દીધી હતી. 'ફિલ્મફેર' પુરસ્કારમાં 'ચિંગારી કોઇ ભડકે' ગીત માટે 'સર્વશ્રેષ્ઠ ગીતકાર' ની શ્રેણીમાં આનંદ બક્ષીનું અને 'સર્વ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક' ની શ્રેણીમાં કિશોરકુમારનું નામાંકન થયું હતું. રાજેશ ખન્ના 'સર્વશ્રેષ્ઠ અભિનેતા' ની શ્રેણીમાં નામાંકિત થયો હતો. અલબત્ત 'અમર પ્રેમ' ને 'ફિલ્મફેર' નો એકમાત્ર પુરસ્કાર મૂળ બંગાળી ફિલ્મના લેખક-નિર્દેશક અને હિન્દી રીમેકના લેખક અરબિંદ મુખર્જીને 'સર્વશ્રેષ્ઠ પટકથા' નો મળ્યો હતો. નવાઇની વાત એ છે કે અરબિંદ બંગાળી હોવાથી તેમણે ફિલ્મનો સ્ક્રીનપ્લે અંગ્રેજીમાં લખ્યો હતો. જેનો લેખક રમેશ પંત દ્વારા હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. એમણે બધા સંવાદ હિન્દીમાં તૈયાર કરી દીધા હતા પણ રાજેશનો 'પુષ્પા આઇ હેટ ટિયર્સ' એટલો પસંદ આવ્યો કે એને અંગ્રેજીમાં જ રહેવા દીધો. અને એ સંવાદ જ સૌથી વધુ લોકપ્રિય થયો હતો. એટલું જ નહીં 'અમરપ્રેમ' નો 'સિગ્નેચર ડાયલોગ' બની ગયો હતો.