Storyline Panel - Issue 3 - Editing - Darshana Vyas in Gujarati Magazine by વાર્તાવિશ્વ કલમનું ફલક books and stories PDF | વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 3 - સંપાદન - દર્શના વ્યાસ

Featured Books
Categories
Share

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 3 - સંપાદન - દર્શના વ્યાસ



આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ,વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.

રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.

સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓના


'વાર્તા વિશ્વ-કલમનું ફલક' ઇ - સામાયિક અંક -૩
સંપાદક:
દર્શના વ્યાસ'દર્શ'
ભરુચ
મો: 7405544547
ઇમેઇલ: darshanavyas04@ gmail.com

એડિટર ટીમ:
સેજલબેન શાહ
નિષ્ઠાબેન વછરાજાની
ઝરણાબેન રાજા

ગ્રાફિક્સ: ઝરણાબેન રાજા

ચેતવણી:
આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર, મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં.






સંપાદકની કલમે✍️

નમસ્કાર મિત્રો,

*વાર્તા વિશ્વ- કલમનું ફલક* ઇ -સમાયિકનો ત્રીજો અંક એટલે એક વધુ ઊંચું પગથિયું સર્જન તરફનું. દરેક પગલાં સાથે લેખકોની કલમની વધતી જતી સજ્જતા વાર્તામાં સ્પષ્ટ દેખાય છે તેનો આનંદ વાચકોના ઈ-મેઇલ અને કોલ પરથી અનુભવાય છે. આ વખતે ચિત્રો ઉપરથી વાર્તા લેખન હતું દરેક લેખકોએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો. આશા છે આ વખતે પણ આ પ્રયાસને આપ સૌનો સ્નેહ સાંપડશે. વાર્તાવિશ્વ-કલમનું ફલકના તમામ સર્જકોને સ્નેહવંદન,વાચકમિત્રોને સસ્નેહ આભાર.

અસ્તુ...
દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
📲 7405544547
Email: darshanavyas04@ gmail.com














પ્રસ્તાવના


રામસેતુના નિર્માણ સમયે પેલી ખિસકોલીને પાણીમાં જઈ પોતાનું શરીર ભીનું કરી રેતીમાં આળોટી ફરી સમુદ્રમાં જઇ રેતી ખંખેરી યથાશક્તિ આપેલા યોગદાન બદલ જે આત્મસંતોષની લાગણી અનુભવાયેલી અદ્દલ એવી જ લાગણી, અમે વાર્તા વિશ્વ ગ્રુપના સભ્યો પોતાની કલમ દ્વારા ગુજરાતી સાહિત્યમાં કંઇક યોગદાન આપીને અનુભવી રહ્યાં છીએ. અમારા ઇ-સામાયિકનો ત્રીજો અંશ, હા અંક નહિ અંશ જ કહીશ કારણ અમ સૌની ભારોભાર લાગણીઓ અને હૂંફથી સિંચાઇને આપ સૌની સમક્ષ પિરસાયો છે. મા શારદાની કૃપા થકી જ આ કાર્ય સફળ થઈ શક્યું છે. 'વાર્તા વિશ્વ કલમનું ફલક' ના સૌ પરિવારજનોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ.

સેજલ શાહ 'સાંજ'

















શુભેચ્છા સંદેશ


વાર્તાવિશ્વ - કલમનું ફલક ઈ મેગેઝીન આજે ત્રીજા અંકમાં સફળતાપૂર્વક પ્રવેશી રહ્યું છે એ શુભઘડીએ સંપાદકશ્રી અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લેખકગણને પણ ખૂબ ખૂબ અભિનંદન. દિવસોદિવસ વાર્તાવિશ્વનું ફલક વિસ્તરતું રહે અને આપ સહુના શુભહસ્તે ગુજરાતી ભાષાનું સંવર્ધન થતું રહે એવા અંતરના આશિષ.

મીનાક્ષી વખારિયા.
કવિયત્રી, લેખિકા
મુંબઈ.

















શુભેચ્છા સંદેશ


અત્યારે જ્યારે ચોતરફ કોરોનાનો ડર અને માયુસી ફેલાઈ રહ્યાં છે ત્યારે ઉત્તમ વાંચન જ આપણને નિરાશાની ગર્તામાં જતાં બચાવશે. *વાર્તા વિશ્વ-કલમનું ફલક* ઈ મેગેઝિન દ્વારા ઉત્તમ સાહિત્યનું સંપાદન કરીને દર્શના બહેને ઘર બેઠા વાંચનની ઉમદા સામગ્રી પૂરી પાડી છે.
અહીં અપાતા વિષય પર નવલેખકો વાર્તાઓ લખે છે અને આ ઈ મેગેઝિનના પેજ પર એ પ્રકાશિત કરીને એ લેખકોને એક ઓળખ આપવાનું પ્રશસ્ય કામ કરી દર્શનાબહેન અને એમની ટીમે નવા કલમકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

પહેલા અંકનું સફળતા પૂર્વક પ્રકાશન બાદ જોતજોતામાં બીજો અંક પણ પ્રકાશિત થઈ ગયો અને ત્રીજા અંકની તૈયારી ચાલી રહી છે એ ટાણે હું *વાર્તા વિશ્વ-કલમનું ફલક* ઈ મેગેઝિનને ખૂબ ખૂબ સફળતા ઈચ્છું છું. દિન-બ-દિન તેઓ ઉત્તમોત્તમ સાહિત્ય પીરસતા રહે ને નિરાશ થયેલા મનને હકારાત્મક લાગણીઓથી છલકાવી દે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ.

સરલા સુતરિયા
કવિયત્રી, લેખિકા
વડોદરા.











અનુક્રમણિકા

૧ દર્શના વ્યાસ 'દર્શ' - હું, તું અને દરિયો
૨ ભૂમિ પંડ્યા - શશીઆભા
૩ અર્ચિતા દીપક પંડ્યા - કાગળની હોડી અને સમણાંના શઢ
૪ સેજલ શાહ 'સાંજ' - લહેર
૫ રસિક દવે - છૂટાછેડાની ગાંઠ
૬ ઝરણા રાજા 'ઝારા' - દરિયાની તરસ
૭ ડૉ વિનોદ ગૌર - મુસ્કાન
૮ સ્વાતિ મુકેશ શાહ - ચહેરો
૯ કૌશીકા દેસાઈ - હૃદયનો ધબકાર
૧૦ ચિરાગ કે બક્ષી - વિષ્ણુ
૧૧ રીટા મેકવાન 'પલ' - છલકે મોસમ વરસાદની
૧૨ લીના વછરાજાની - બડી દૂર સે આયે હૈ
૧૩ બિપીન ચૌહાણ 'બિપ્સ' - પડછાયો
૧૪ જ્યોતિ આચાર્ય - ભરમ
























1
શીર્ષક: હું, તું અને દરિયો
લેખન: દર્શના વ્યાસ 'દર્શ'

ર્ડો.રસ્તોગીની કેબિન બહાર જ્યારે સૌમિલ બાજપાઈ નીકળ્યો ત્યારે તેને લાગ્યું તેના પગ નીચેથી જમીન સરકી રહી છે. તે બહાર વેઇટિંગ માટે મુકેલ સ્ટીલનાં બાંકડા ઉપર ફસડાઈ પડ્યો. હાથ મસળતાં સ્વગત બોલી રહ્યો, "છ જ મહિના! ધેન આઈ વિલ..." વાક્ય આગળ ન બોલી શક્યો. તાજી જ ધોળાવેલી હોસ્પિટલની ભીંત મોં વકાસી તાકી રહી હોય તેમ લાગતાં તે ઝડપથી ઉભો થયો. પોતાની મેડિકલ ફાઇલ ગાડીમાં બાજુની સીટ ઉપર પટકતાં તેણે સ્ટીયરીંગ ઘુમાવી ગાડી દરિયા કિનારે ઉભી કરી.
હજુ સાંજના છ જ વાગતાં હોય રેતી હજુ તપતી હતી, પણ મનનો ઉચાટ રેતીથી વધુ તપતો લાગતાં તે ગરમ રેતીની પરવાહ કર્યા વીના ઘૂઘવતાં દરિયા સામે તપતી રેતી પર બેસી ગયો. બાવન વર્ષે જિંદગી હાથમાંથી સરી રહી હોય તેમ સૌમિલ અનુભવી રહ્યો. દરિયાનાં ઘૂઘવાટ કરતાં તેના મનનો રઘવાટ કંઈક ગણો વધુ તેના ચહેરા પરથી સ્પષ્ટ થઈ રહ્યો હતો. હાથની મુઠ્ઠી કસતાં તેનું ધ્યાન હાથ પર બાંધેલી ઘડિયાળ તરફ ગયું. 'સેકન્ડનો ભાગી રહેલો કાંટો.. મિનિટ..કલાક ..દિવસો અને મહીના.. છ કે કદાચ તે પહેલાં? ઓહહ!' તે વધુ ન વિચારી શક્યો. તેણે ઘડિયાળ ઉતારી દરિયા તરફ ફેંકી અને માથું પકડી બેસી રહ્યો.

સ્વસ્થ પણ ધીમા પગલે કોઈ બાજુમાં આવી ઉભું રહ્યું પણ સૌમિલને તેની ક્યાં દરકાર રહી હતી. સૌમિલે ફેંકેલી ઘડિયાળ તેના તરફ ધરતાં તે બોલી, "ઘડિયાળ ફેંકવાથી નથી સમય રોકાતો કે નથી વશમાં થતો. તેને જીવવો પડે છે કે પછી પસાર કરવો પડે છે."

સૌમિલે માથું ઉંચું કરી જોયું તો પિસ્તાળીસની ઉંમરની સ્ત્રી માથે વાળ કે આઈબ્રો વિના ઉભી હતી.
સૌમિલ બોલી ઉઠ્યો, "તમને પણ કેન્સર?"

"હા, મને કેન્સર છે હજુ થોડા દિવસ પહેલાં જ કીમોથેરાપી લીધી છે. તમને પણ કેન્સર? આ તમારું બોલવું ..તો શું તમને કેન્સર થયું છે?" સ્ત્રી બોલી રહી.

"હા હું મરી રહ્યો છું. હમણાં જ ડોક્ટરે કહ્યું." સૌમિલનાં અવાજમાં વ્યગ્રતા હતી.

"મિ. કોફી પીશો? આઈ થિંક તમને તેની જરૂર છે. અહીં નહિ મળે આવો સામે જ મારું ઘર છે. બી રિલેક્સ."

સ્ત્રી આગળ ચાલતી થઈ. કશું વિચાર્યા વગર સૌમિલ તેની પાછળ ચાલવા લાગ્યો.
દરિયા કિનારા સામે પાંચસો મીટરના અંતર પર નાનકડી વાંસની
ઝાંપલી ખોલી બંને દાખલ થયાં. નાનકડા બગીચામાં કોફી ટેબલ હતું ત્યાંથી બરાબર સામે દરિયો દેખાતો હતો. અજાણી સ્ત્રીના ઘરમાં ન જતાં સૌમિલ કોફી ટેબલ પર ગોઠવાયો. સૌમિલ તેને ઘર ખોલતાં જોઈ રહ્યો. સફેદ શર્ટ, કાળા સ્કર્ટમાં તે સ્ત્રી ક્રિષ્ચયન હોવાનું સાફ વર્તાય રહ્યું હતું. તેણીએ દરવાજો ખોલ્યો સામે જ એમ્બ્રોઈડરી કરેલ સફેદ રૂમાલ ઉપર જીસસ ક્રાઇસ્ટની છબી પાસે ચાળીસ વર્ષની ઉંમરના પુરુષનો ફોટો મુકેલો હતો. બહારથી સૌમિલ એ તાકી રહ્યો.

થોડીવારમાં સ્ત્રી કોફી ટેબલ પર મૂકતાં બોલી, "હું ક્રિસ્ટીના અલ્મેરા. તમે સામે ફોટો જોયો હશે તે આગ્નેલ અલ્મેરા. મારા પતિ સાત વર્ષ પહેલાં ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. અમને દરિયો ગમતો એટલે અહીં ઘર લીધું હતું, પણ હવે હું એકલી રહું છું. રોજ સાંજે છ વાગે દરિયા કિનારે ચાલવા જઉ બાકીના સમયે ઘરમાંથી દરિયો દેખાય. આજે તમને આમ જોયાં તો થયું તમને રિલેક્સ થવાની જરૂર છે. અરે..હા! આ કોફી..સ્યુગર કેટલી?"

"હું વિધાઉટ સ્યુગર કોફી પસંદ કરીશ. માફ કરશો ..પણ સાચું કહું તો હું આજે મોતથી ખૂબ ડરી ગયો છું. થોડીવાર પહેલાં જ ડૉ. રસ્તોગીએ કહ્યું મને કેન્સર છે અને હવે મારી પાસે છ મહિના જેટલો જ સમય બચ્યો છે. હું ખૂબ વ્યગ્ર છું. મારા ઘરે કોઈ નથી. રાતની નિરવતામાં દરિયો મને ગમે એટલે મોડી રાતે અહીં આવી બેસું પણ આજે...અત્યારે જ આવી જવાયું."

આટલું બોલતાં સૌમિલ હાંફી રહ્યો. ક્રિસ્ટીનાએ કોફીનો કપ ધર્યો. કોફીના બે ઘૂંટ ગળે ઉતારતાં સૌમિલે સ્વસ્થતા ધારણ કરી.

"પત્ની સાથેનાં ડિવોર્સ પછી દીકરાને વિદેશ સ્થાયી કર્યો. ખૂબ બિઝનેસ ફેલાવ્યો. ગયા વર્ષે અમેરિકા દીકરાને ત્યાં એક મહિનો રહ્યો ત્યારે મને સમજાઈ ગયું દીકરો હવે પાશ્ચાત્ય રંગે એટલી હદે રંગાયો છે કે તેને મારી હવે જરૂર નથી. બિઝનેસ ટૂંકાવી મારા માટે જીવવાનું નક્કી કરી અહીં ગોવામાં વિલા લીધી. હું મારા માટે જીવતાં શીખી રહ્યો હતો ત્યાં જ આ કેન્સર.." બોલતાં સૌમિલની આંખ ભીની થઈ.
****
આ ટુંકી મુલાકાત પછી સૌમિલ રોજ સાંજે છ વાગ્યે દરિયા કિનારે આવવા લાગ્યો. ક્રિસ્ટીના સાથે દરિયા કિનારે ચાલતાં ચાલતાં અનેક વાતો થવા લાગી. આ મિત્રતાએ તેને મરતાં પહેલાં જીવી લેતાં શીખવ્યું. ઘડિયાળમાં હવે સૌમિલને આખરી સમય ન દેખાતો પણ સાંજના છ નો સમય બતાવે તે રાહ રહેતી.
આજે ત્રણ મહિનામાં પહેલીવાર એવું બન્યું કે સતત બીજા દિવસે ક્રિસ્ટીના દરિયા કિનારે ન દેખાઈ. સૌમિલને તેની તબિયતની ચિંતા થવા લાગી. તે અવશપણે ક્રિસ્ટીનાનાં ઘરે પહોંચ્યો. તેણે જોયું તે ખૂબ બીમાર અને અશક્ત હતી.
સૌમિલને તેને પુછવાની હવે જરૂર ન જણાયી. ડૉ.ને બોલાવ્યા. દવાઓ સાથે પોતાનો જરૂરી સામાન લઈ તે ક્રિસ્ટીનાનાં ઘરે જ રોકાઈ ગયો.
સતત કાળજી સાથે સેવા કરતાં તે ક્રિસ્ટીનાને થોડું થોડું મરતાં જોઈ રહ્યો હતો, પણ બંનેની આંખોમાં સાથે હોવાની ચમક હતી.
હવે કોઈ દવા કામની નથી પ્રાર્થના જ આખરી ઉમ્મીદ કહી ડૉ. ગયાં. સૌમિલ સાંજે ચર્ચ જઈ પ્રીસ્ટને બોલાવી લાવ્યો. પ્રીસ્ટે પ્રાર્થના પછી હોલી વોટર છાંટી ક્રિસ્ટીનાને ગોડના બ્લૅસીંગ્સ આપ્યાં. રાતનો અંધકાર સૌમિલને વધુ ઘેરો લાગી રહ્યો. તેણે જીસસની છબી પાસે બે મીણબત્તી કરી.ક્રિસ્ટીનાનો હાથ પકડી બેસી રહ્યો.
સવારના પહેલાં કિરણ સાથે ક્રિસ્ટીનાએ ધીમેથી આંખો ખોલી સૌમિલે પકડેલાં હાથની પકડ ઢીલી કરવા જતાં સૌમિલનો ઢળી પડેલો હાથ જોયો. એક ડૂસકાં સાથે ક્રિસ્ટીનાએ સૌમિલનો હાથ જોરથી દબાવ્યો તેની પકડ છૂટી ગઈ અને ગરદન ઢળી પડી.















2
શીર્ષક - શશીઆભા
લેખન - ભૂમિ પંડ્યા
સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. વિરેને ઉતરીને આજુબાજુ નજર કરી. છેવાડાના વિસ્તારનું સ્ટેશન હોવાથી ત્યાં ખાસ ચહેલપહેલ નહોતી. સામાન જાતે જ ઊંચકવો પડશે એમ સમજી જઈ તેણે ખીચોખીચ ભરેલા બે થેલા જમીન પર મૂકયા.એક માણસે દોડતા આવીને પૂછ્યું,"મેમાન લાગો છો? રીક્ષામાં થેલા હું ચડાવી દઉં છું, હારે તમેય ચડી જાવ. ક્યો ન્યાં લગી મેકી જાવ."
વિરેન સરકારી ખાતામાં આર્કિટેક હતો. જે સાઇટ પર તેની જરૂર પડે ત્યાં તેની બદલી થતી હોવાથી આવી મુસાફરી તેની આદત બની ગઈ હતી. તે રિક્ષામાં બેઠો. રીક્ષા વાળાએ પૂછ્યું,"ઉતરવું કોને ઘેર? ઈ તો ક્યો એટલે હમણાં ફટ દઈને પોગાડી દઉં."
વિરેને કહ્યું, "શશીઆભા હવેલી."
રિક્ષા વાળાએ ફરીને તેની સામે જોયું,"હમમ..."કહીને રિક્ષા ભગાવી મૂકી. સામેથી કોઈ માણસે હાથ ઊંચો કર્યો અને બે ઘડી રીક્ષા ઊભી રહી. સામેના માણસે પૂછ્યું,"ઈ બાજુ?"
રીક્ષા ચાલકે ટુંકમાં પતાવતાં કહ્યું,"આ સાહેબને હવેલીએ ઉતારવાના છે."
"સારું ત્યારે ઝટ પાછા ફરિયે."કહીને એ માણસ વિરેનને જોઈને આગળ વધ્યો. રેલ્વે સ્ટેશન પર રીક્ષા ચાલકના ચહેરા પર જે ભાવ હતો એ જ ભાવ આ માણસના ચહેરા પર હતો તે વિરેન જોઈ શક્યો.

રીક્ષામાંથી ઉતરી વિરેને પૈસા ચૂકવ્યા તેને થયું કે આ માણસ સામાન લેવામાં મદદ કરશે, પણ એ કંઈ બોલે એ પહેલા તો તેણે રિક્ષા ભગાવી મૂકી. હવેલી પાસેથી દરિયો જોઈ શકાતો હતો. દરિયાના મોજા એમના આંગણે પધારેલા મહેમાનનું સ્વાગત કરી રહ્યાં હોય એવું લાગી રહ્યું હતું. વિરેન સાથે લાવેલી ચાવીઓ દ્વારા હવેલીનો મુખ્ય દ્વારા ખોલી અંદર દાખલ થયો. સામાન અંદર મૂકતાં જ તેનું ઘ્યાન એક મોટી ફ્રેમ કરેલી તસ્વીર પર ગયું. લાંબા કાળા વાળ, સુડોળ કાયા અને હાથમાં કલાત્મક ફાનસ લઈને ઉભેલી યુવતીનું ચિત્ર તેનો ચહેરો દેખાતો ન હોવા છતાં અત્યંત સુંદર લાગી રહ્યું હતું.
પાણીમાં યુવતીનું પ્રતિબિંબ એવી સુંદર રીતે ઝીલાયું હતું કે જોનારની આંખ મટકું મારે તો એ દેવી અંતર્ધ્યાન થઈ જવાના હોય. વિરેન વિચારી રહ્યો હતો કે તેની બદલી થઇ ત્યારે જ તેને કલાના આવા સુંદર સર્જન ને માણવાનો મોકો મળ્યો છે અને હજી તો આ હવેલીમાં આવા કેટલાય સર્જન અકબંધ હશે તે બધા તેને માણવા મળશે.

ગામના ઘણા લોકો સાથે તેની ઓળખાણ પણ થઈ ગઈ હતી. તે ઘણી વખત હવેલી વિશે અને તે ચિત્ર વિશે ત્યાંના લોકોને સવાલ કરતો પણ તેને ખાસ માહિતી મળતી નહીં. આજે સવારથી વિરેન બીચ પર કામ કરી રહ્યો હતો.
માછીમારો પોતાની હોડીઓ લાંગરીને ઘરે જઈ રહ્યાં હતા.
એવામાં તેની નજર સામેથી આવતાં એક વૃદ્ધ પર પડી. તેના માટે એ ચહેરો એકદમ નવો હતો. તેઓ વિરેનથી થોડે દૂર આવીને અટક્યા, ખિસ્સામાંથી સિગારેટ કાઢી સળગાવી અને દરિયા સામે મોં રાખીને બેસતા બોલ્યા,"નવા લાગો છો."
વિરેને આવી સ્પષ્ટ ભાષા બોલતા વ્યક્તિને આ જગ્યાએ પહેલી વાર જોયા હતા. તેના દેખાવ પરથી તેઓ સાવ સામાન્ય લાગી રહ્યાં હતા. વિરેને થોડા નજીક જઈને જવાબ આપ્યો,"હા."
"હમમ...અત્યારે અહીંયા કોઈ નવો માણસ હોય એ જ હોય."કહેતા તેઓ દરિયાને જોઈ રહ્યાં હતા. વિરેનને લાગ્યું કે આ વ્યક્તિ પાસેથી નકકી માહિતી મળશે તે વૃદ્ધની બાજુમાં જ બેસી ગયો અને પૂછ્યું,"એવું કેમ?"
વૃદ્ધ બોલ્યા,"ભોળી ગભરુ પ્રજા ડરે છે. ઘણી મોટી વાત છે."
વૃદ્ધ વિરેનની ધીરજની કસોટી લેતા હોય તેમ જરૂર પૂરતાં જ જવાબ આપતા હતા.
"મારે જાણવું છે." વિરેને મક્કમતાથી જવાબ આપ્યો. વૃદ્ધે વાત શરૂ કરી...

"રાજા સૂરજ પ્રતાપ નામે એક રાજા હતા. તેની એકની એક દીકરી હતી "શશીઆભા".
રાજકુમારીનું રૂપ એટલે જાણે સ્વર્ગથી ઉતરેલી અપ્સરા. તેના રૂપના કારણે રાજાએ તેના મુખને જોવા પર પાબંદી લગાવી હતી. અચાનક એક દિવસ રાજકુમારીએ જીદ કરી કે મારું ચિત્ર બનાવડાવો. હ્દયના કટકાની જીદ આગળ રાજા હવે કરે પણ શું? રાજાએ દેશ વિદેશના ચિત્રકારો બોલાવ્યા પણ પછી મુંઝવણ થઈ કે આ બધામાંથી શ્રેષ્ઠ ચિત્ર કોણ બનાવશે એ ખાતરી કેમ કરવી? ત્યારે શશીઆભાએ એક યુક્તિ શોધી કે મા અંબાની સુંદરતમ છબી જે બનાવે એ ચિત્રકારને કામ સોંપીએ. રાજાએ સ્પર્ધા યોજી અને તેમાં જીતે તે ચિત્રકારને મોં માંગ્યું ઈનામ આપવાની ઘોષણા કરી. વિરેન બાળકની જેમ રસપૂર્વક કથા સાંભળી રહ્યો હતો કથા આગળ ચાલી. રાજાને આખરે એ ચિત્રકાર મળ્યો અને તેણે તેને કહ્યું કે માંગ ઈનામ ત્યારે ચિત્રકાર બોલ્યો,"આપના માટે બનાવેલું મારું ચિત્ર મારી કલાનું સર્વોતમ અને અંતિમ ચિત્ર બને એ માટે મને સમયનું બંધન ન આપતા નિજાનંદમાં કામ કરવા મળે એની આજ્ઞા આપો."
તે કલાકાર તેની કલાનું અંતિમ આહવાન કરે છે તો ભલે તેની મરજીથી કરે એમ વિચારીને રાજાએ તેને મંજૂરી આપી પણ ચોખવટ કરી કે,"રાજકુમારીનું ચિત્ર સૂર્યાસ્ત પછી દીવાના અજવાળે જ કરવાનું છે અને એ પણ તેનું મુખ ન દેખાય એવી રીતે જ અને જ્યાં સુધી તે અહીંયા રહે ત્યાં સુધી શશીઆભાને તે જોઈ નહિ શકે."
ચિત્રકારને રહેવાની સગવડ કરી આપી. શશીઆભા નાનપણથી દરિયો જોઈને મોટી થઈ હતી પણ ક્યારેય તેને ત્યાં જવા દેવામાં નહોતી આવી માટે શશીઆભાની ઈચ્છા મુજબ પોતે પાણીમાં ઊભી હોય અને તેનું પ્રતિબિંબ પડતું હોય એ રીતે ચિત્ર બનાવવાનું નક્કી થયું. રોજ સૂર્યાસ્ત થતાં જ ચિત્ર બનવાનું કામ થવા લાગ્યું. ધીરેધીરે ઘૂંટણ સુધીનું ચિત્ર બની ગયું અને હવે પ્રતિબિંબ પણ આબેહૂબ બને એ માટે સ્નાન ગૃહના કુંડમાં દીવાલ તરફ મોં કરીને રાજકુમારી હાથમાં કલાત્મક દીવો લઈને ઉભી રહી ગઈ. ચિત્રકાર પોતાની કલા સાધનામાં મશગુલ હતો એટલામાં દીવાનો પ્રકાશ સહેજ ઝાંખો થયો. રાજકુમારીએ જોયું તો તેલનું પાત્ર તો ત્યાં હતું પણ દાસી ન હતી.રાજકુમારીએ ચિત્રકારને કહ્યું, "એ પાત્ર લઈ આવો આપણે જ તેલ પૂરી દઈએ."
કુંડની વચ્ચે ઉભેલી શશીઆભાએ દીવો આપવા હાથ લંબાવ્યો. તેના હાથ અને ચિત્રકારની આંગળીઓ સ્પર્શ્યા.
સ્નાન ગૃહમાં મહેકતી ફૂલોની સુગંધમાં બન્ને એક થવા જઈ રહ્યાં હતાં ત્યાંજ ચીબરીના અવાજે બંનેનું ધ્યાન ભંગ કર્યું. દીવામાં તેલ પુરાઈ ગયું હોવાથી તેની જ્યોત વધારે પ્રજ્વલિત થઈ અને ચિત્રકારની નજર શશીઆભાના ચહેરા પર પડી.
શશીઆભાનાચહેરા પર ભયાનક ઊઝરડો હતો! શશીઆભાની આંખમાં આંસુ અને ચિત્રકારની આંખમાં સવાલ હતો આ શું? શશીઆભા સમજી ગઈ હોય એમ બોલી,"મારા રૂપના લીધે મારા પિતાજીએ જ મને...".અને ચિત્રકારને વળગી પડી.
તે પણ સમજી ગયો કે આ ઉંમરમાં તે શું ઝંખતી હતી અને દીવો બુઝાવી દીધો. સવારે જ્યારે ચિત્રકારની આંખ ખુલી ત્યારે રાજા અને તેના સિપાહીઓથી તે ઘેરાયેલો હતો. એ પછી તેને રાજકુમારીના રૂમમાં લઈ જવામાં આવ્યો અને રાજકુમારી સાથે જ તેને ઝરૂખામાંથી નીચે આ દરિયામાં ફેંકી દેવામાં આવ્યો.
વિરેને પૂછ્યું," તો પછી એ ચિત્ર કોઈ બીજા કલાકારે પૂરું કર્યું?"
વૃદ્ધ થોડા હસીને બોલ્યા,"એ પૂરું છે જ નહિ,બસ...તને જ દેખાય છે."
વિરને કહ્યું,"હું આ બધી વાતોમાં નથી માનતો અને તમે જે કહ્યું એ પણ મને કોઈ ઉપજાવેલી કથા જ લાગે છે આવું સાંભળીને ગામના લોકો ગભરાય એ સ્વભાવિક છે."
"સિગારેટ છે?" વૃધ્ધે પૂછ્યું.
"કેવો છે આ માણસ!" વિચારતા વિરેને સિગારેટ તેના હાથમાં મૂકી.
"લાઇટર" વૃધ્ધે સતાવહી અવાજે કહ્યું.
વિરેન તેને લાઇટર આપતો હતો ત્યાં તેમણે ઈશારો કરીને તેની સિગારેટ સળગાવી આપવા કહ્યું. લાઇટરના પ્રકાશમાં વૃદ્ધનો ચહેરો જોતા જ વિરેનના હોશ ઉડી ગયા. એ ચહેરા પર એક ઊઝરડો ઉપસી આવ્યો હતો. તેમાંથી તીવ્ર ગંધ આવી રહી હતી. વિરેન ઊભો થાય એ પહેલાં જ તેના પગ ત્યાં ખોડાઈ ગયા. તે ચહેરો વિરેનની એકદમ નજીક આવી ગયો અને ભયાનક અવાજે બોલ્યો..."મારી શશીઆભાને જે જોઈએ તે હું આપીશ. હું તેને ખુશ રાખીશ... તું આવ્યો છે તો હવે મારી શશીઆભા તારાથી તૃપ્ત થશે." અને વિરેન જોરદાર થપાટ સાથે ભેખડ સાથે ભટકાઈને નીચે પડ્યો. તે કંઈ સમજે તે પહેલા જ તેના ચહેરા પર પણ ઉઝરડો ઉપસી આવ્યો. દર્દથી કણસતા વિરેનને અર્ધ ખુલ્લી આંખે દરિયામાંથી કોઈ યુવતી ફાનસ લઈને પોતાની તરફ આવતી દેખાઈ. બીજા દિવસે વિરેનની અર્ધનગ્ન લાશ હવેલી પાસેથી મળી આવી.
















3
શીર્ષક : કાગળની હોડી અને શમણાંના સઢ
લેખન : અર્ચિતા દીપક પંડ્યા


અચ્યુત ખડખડાટ હસી પડ્યો જ્યારે દિત્યાએ પૂછ્યું, "સાચે ડેડી, તમે હોમવર્ક ન કરો તો દાદી ખૂબ ગુસ્સો કરતાં?"
કિશોરી દિત્યાએ સવાલ પૂછ્યો ત્યારે એણે એનાં મનમાં ચાલતાં વિચારોના ચકડોળની ગતિને રોકી લીધી હતી. એણે બધું ધ્યાન પપ્પાની વાતમાં પરોવ્યું.

"અરે દીકરા, ચાલે જ નહીં! મારું રોજનું ભણવાનું પૂરું ન થાય ત્યાં સુધી એ પણ જમે નહીં કે સૂએ નહીં. એક જ ધ્યેય હતો કે બોર્ડ હોય કે મેડીકલ કૉલેજ, પરીક્ષામાં તો અવ્વલ જ રહેવાનું. હું ડૉક્ટર ન બન્યો, ત્યાં સુધી એણે મને ટસનો મસ થવા નથી દીધો!"
"ગજબ કહેવાય ડેડા!"
"યસ બેટા હવે મારી દીકરીનો વારો. ખૂબ ભણશે, ડૉક્ટર બનશે અને પપ્પા મમ્મીની હૉસ્પિટલ સંભાળી લેશે ખરું ને?"

દિત્યાએ મમ્મીની તરફ નજર કરી. મમ્મી, શૈલા પણ ડેડીની વાત સાથે સહમત હોય એમ એમની સાથે નજર મિલાવીને હસી રહી હતી. શૈલાની આંખમાં પણ અચ્યુત તરફનો પ્રેમ અને દિકરી તરફની આશાને દિત્યાએ વાંંચી લીધી હતી. દિત્યાને એ ગમ્યું પણ ખરૂં પણ અપેક્ષામાં ખરા ઉતરી શકાશે? એવી નાની શંકા પણ થઈ.

દિત્યાને મન એના પપ્પા એના આદર્શ હતા. એ ક્યાંય સુધી અહોભાવથી એમને જોતી રહી. અચ્યુત ડૉક્ટર હતા, એટલું જ નહીં એટલા હોંશિયાર હતા કે હંમેશા પ્રથમ ક્રમાંકે જ આવતા. પપ્પાના શબ્દો દિત્યા મનમાં ફરીને ફરી બોલતી રહી. 'જ્ઞાન ક'દિ સાધના વગર નથી મળતું. જરા પણ ચૂક વગર એકેએક દિવસની આ યજ્ઞમાં આહુતિ અપાય તો જ સફળતા મળે અને ઈચ્છિત ધ્યેય સુધી પહોંચાય છે.'
દિત્યાને થોડો મૂંઝારો થયો. ઓરડામાં ગોઠવાયેલા પુસ્તકોનું જ્ઞાન એને કોઈ ઉત્તુંગ શિખર જેવું લાગ્યું. ત્યાં સુધીનું ચડાણ કઈ રીતે સધાશે? એને કારણ વગર ચિંતા થઈ આવી.

દિત્યા ભણવામાં હોંશિયાર જ હતી. દસમી કક્ષામાં ભણતી દિત્યા અત્યાર સુધી તો વર્ગના પરિણામમાં પહેલા પાંચ ક્રમમાં રહેતી. આ વર્ષે એનું મન થોડું ભટકતું હતું. પુસ્તકો સાથે સતત બેસી રહેવું એ એની વૃત્તિ નથી એવું એને લાગતું હતું. એ કલમને બદલે પીંછી મળે તો ખુશ ખુશ થઈ જતી. ભણવા બેસતી વખતે પણ એનો હાથ તો બારીમાંથી દેખાતા દ્રશ્યોને કાગળ પર ઉતારવામાં વ્યસ્ત રહેતો. મુગ્ધાવસ્થાના આ દોરમાં દિત્યા પોતાનું એકાંત શોધી લેતી. મમ્મી પપ્પા બંને ડૉક્ટર હોવાથી બંને વ્યસ્ત રહેતાં એમાં ય મહામારીનો સમય ચાલતો હતો. તબીબી ક્ષેત્રે તેઓ દિવસ રાત એક કરીને સેવાકાર્ય કરી રહ્યાં હતા. એ દિવસોમાં દિત્યાએ રંગોવાળી પીંછી જોડે પાક્કી દોસ્તી કરી લીધી હતી.

અધ્યયનનો ઘણો ખરો સમય હવે લીટી વગરના એ-ફોર સાઈઝના પાનામાં વીતી જતો. કુમળી વયની દિત્યાને એક નવા અનુસંધાન સાથે ગોઠવા લાગ્યું હતું, એ જાણે એની એકલીની નવી દુનિયા હતી, ત્યાં એને ગમતાં રંગો હતાં, અભિવ્યક્તિ હતી. દિત્યા પોતે અનુભવવા લાગી કે આ નવા પ્રકારની આવડત એને નવો જ સંતોષ આપી રહી છે. અત્યાર સુધીની માણેલી રમતની મઝા, પહેરવેશનો શોખ કે પછી ચોકલેટ આઈસ્ક્રીમ ખાધાના સંતોષથી પણ એક કદમ ઊંચે આ આનંદ હતો. દિત્યાને જાણે રંગોની સંગતમાં પોતાના નવા વ્યક્તિત્વની શોધ કરવી હતી.
કૌશલ્ય અને કળાની દુનિયાનો આ વિહાર એના માટે એનાં અસ્તિત્વને માણવાની ક્ષણો હતી.

આજે જેવો ઓનલાઇન વર્ગ પૂરો થયો કે દિત્યા, "ઈટ્સ ટીવી ટાઈમ!" એવા હર્ષના ઉદ્ગાર સાથે કૂદકો મારીને ઊઠી. લંચને બદલે ફ્રીજમાં પડેલા પાસ્તા ગરમ કરીને એ ટીવી સામે ગોઠવાઈ ગઈ. ત્યાં જ ફોનની રિંગ રણકી.
"હેલો ડેડી, શું? મમ્મીને? કૉવિડ? ના ના, પ્લીઝ મારે તમને લોકોને મળવું છે. હું આવું છું ત્યાં. શું? હું દાદી પાસે જઉં? ના ડેડી પ્લીઝ. મને તમારા લોકો વગર ત્યાં નહીં ફાવે. હું ત્યાં જઉં પણ કઈ રીતે?"

અચ્યુતે શાંતિથી એને સમજાવી.
"બેટા, તું એકલી રહે એના કરતાં દાદી પાસે વડોદરા જતી રહે. મમ્મીને કૉવિડ ઇન્ફેક્શન થયું છે એને સંભાળવા હું આપણી હૉસ્પિટલમાં જ છું. ચિંતા ન કરીશ. દાદીને તું જઈશ તો ગમશે. ગાડી લઈને ડ્રાઈવર તને મૂકી જશે. ડૉન્ટ પેનિક! લીસન, એ તારી સંભાળ રાખે તો અમને તારી ચિંતા નહીં."
"ડેડી..પ્લીઝ"
"નો આર્ગ્યુમેન્ટ્સ બચ્ચા. બી અ ગુડ ગર્લ."
દિત્યાથી રડી પડાયું, પણ એને હવે છૂટકો જ નહોતો. એક તો નવી વ્યવસ્થામાં જવાનું અને એ પણ હિટલર જેવા દાદીની સાથે પંદર દિવસ રહેવાનું.
'બાપ રે! દાદી સાથે હું એકલી કેવી રીતે રહીશ? એમના નિયમો અને રેજીમ! એમાં પરીક્ષાની તૈયારીઓ! મારું તો આવી જ બનવાનું!'

સડક પર મર્સિડીઝ દોડતી હતી એનો થડકો નહોતો જરાય, પરંતુ દિત્યાના હ્રદયમાં ફડકો પડેલો હતો. વારંવાર મમ્મી-પપ્પાને મેસેજ કર્યા કરતી અને નાનકડા મનને તૈયાર કરતી એ વડોદરા ભણી જઈ રહી હતી. રસ્તાં પરના વૃક્ષો, ખેતર અને બીજાં દ્રશ્યોને કાગળ પર ઉતારવાનો એને ઉત્સાહ નહોતો. ડ્રાઈવર અને કેરટેકર એની સાથે હતા પણ વાતચીતના કોઈ હોંશ નહોતા. કદાચ હજુ પણ રડી પડાતું હતું. આંસુ પણ જાણે દિત્યાના ગાલને પંપાળીને અટકી ગયું. ભરતડકે એસી ગાડીમાં એની જરા આંખ મળી ગઈ અને વડોદરા આવી ગયું.

દાદી રાહ જ જોતાં હતાં. એમણે દિત્યાને વહાલથી બોલાવી. ચોકલેટ મિલ્ક શેક બનાવી આપ્યો. દિત્યાને થયું, 'દાદી આમ તો સારા છે! તો મને ભય શેનો છે?'
નાની કિશોરી હતી જલ્દીથી દાદીની રોજનીશી જોડે ગોઠવાઈ ગઈ. હા, ભણવાનો સમય દાદી બરાબર સાચવતા. દિત્યાના તૈયારી કરેલા પ્રશ્નો મોઢે લેતા. આ કાર્યક્રમમાં કિશોરાવસ્થાના નાના મોટા ત્યાગ તો કરવા જ પડ્યા પણ કંઈ ખાસ વાંધો નહોતો આવ્યો. દિત્યાને મન દાદીની છબીમાં ખાસ ફરક નહોતો પડ્યો. એ હતાં જ શિસ્તના આગ્રહી અને દિત્યા એ ક્યાં નહોતી જાણતી? દાદીનો પ્રેમ નાળિયેર જેવો હતો. બહારથી કડક, અંદરથી નરમ અને મીઠો!
દિત્યાને દેખાતો પણ અનુભવ થતો નહોતો.

એક દિવસ અન્ય રોકાણમાં દાદીને થોડી વાર લાગી. દિત્યાને પણ બહુ વખતથી રંગોની પીંછી ફેરવવાનો મોકો નહોતો મળ્યો. એકલી પડવાથી એણે તો હિંમત કરી ભણવાના સમયે પણ ચિત્રકામ કરવાનું શરૂ કરી દીધું. એ ખોવાઈ ગઈ એના કલ્પનાના સ્થાન પર. સુંદર લેન્ડસ્કેપ બનાવવા લાગી. દાદી ક્યારે પાછળ આવી ઊભા રહ્યાં એ ખબર ન પડી.
"દિત્યા, શું કરે છે?"
દિત્યા ચમકી, ગભરાઈ ગઈ રંગની શીશી ફર્શ પર ઢોળાઈ ગઈ. હવે તો એકદમ રડતલ ચહેરે ઊભી થઈ ગઈ. શું બોલવું એ એને સમજણ જ ન પડી. દાદીએ કેરટેકર પાસે બધું સાફ કરાવ્યું અને દિત્યાનો રડવાનો બંધ પણ છૂટી ગયો.
"આટલી બધી ગભરાઈ કેમ ગઈ, દિત્યા?"
"હું ભણવાને બદલે.. "
"ભણવાનો સમય હતો ને?"
"દાદી.."
દિત્યા ડરને લીધે જોઈ ન શકી, પણ દાદીની આંખોમાં તો સ્નેહનાં સરોવરો છલકાતાં હતાં. દિત્યા કંઈ સમજે એ પહેલા દાદીએ એમના હાથમાં એને જકડી લીધી. દિત્યાએ અનેરી હૂંફ અને પ્રેમનો અનુભવ કર્યો. દાદીએ એની આંખો લૂછી. દિત્યા હવે થોડી શાંત પડી.

"દિત્યા, કેમ ડરી ગઈ? પરીક્ષાની તૈયારી બધી જ થઈ ગઈ હતી ને? મનને એક કરતાં વધારે કામ આપીએ ત્યારે એ વધારે એકાગ્રતાથી કામ કરે છે. ખરેખર તો અતિશય કંટાળાજનક પ્રવૃત્તિ કરી હોય તો મનને આનંદમાં લાવવું પણ અત્યંત જરૂરી છે. તેં સમયનો સારો ઉપયોગ કર્યો. સરસ ચિત્ર બનાવ્યું."
"સૉરી દાદી.."
"અરે, આટલી ગભરાય છે કેમ? જો હું તને મારા ચિત્રો બતાવું."
"દાદી, તમારા? શું વાત કરો છો દાદી?"
આ એક અણધારી વાત હતી દિત્યા માટે.

"તને મારો જ શોખ ઉતર્યો લાગે છે દિત્યા."

દિત્યા અવાક્ બનીને સાનંદાશ્ચર્યે ચિત્રો જોતી રહી.

"અરે, દાદી કેટલાં સરસ ચિત્રો! કોઈને ખબર નથી, તમને ચિત્રકામ ગમે છે એમ કેમ? "

દાદી હસ્યાં.
"બેટા, જીવનમાં એક આંખમાં સ્વપ્ન હોવું જોઈએ અને એક આંખમાં જવાબદારી. જ્યારે એ બંને સંતુલિત રીતે સિદ્ધ થાય ત્યારે જ જીવન સાર્થક થાય".

"દાદી, મને તો એવી ખબર છે કે તમે તો ડેડીને ભણવાં માટે જ આગ્રહ કરતાં હતાં?"

"હા, કારણ પણ એની આંખનું સ્વપ્ન જ હતું. તારા દાદા અમારી સામે યુવાન વયે હ્રદયના હુમલાથી ગુજરી ગયા ત્યારે મેં એની આંખમાં ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. એણે તે વખતે પ્રતિજ્ઞા લીધી કે એ પોતે ડૉક્ટર જ બનશે. અચ્યુતની નાની ઉંમર હતી એટલે એ સ્વપ્ન પૂરું કરવામાં મેં મદદ કરી. એ સ્વપ્નનું બાળમરણ ન થાય એ માટે જ મેં એક મા તરીકે કમર કસી હતી. આજે તારા પપ્પાના જીવનમાં કંઈક કરી છૂટ્યાનો આનંદ અને સફળતાનો સંતોષ જોઉં છું ત્યારે મારું શિર ઊંચું થઈ જાય છે. તું કહે, તારે મોટા થઈને શું બનવું છે?"

"દાદી, મારે મારી પાંખની તાકાતથી આકાશે ઊડવું છે."

"પુસ્તકો એ જ્ઞાનનો દરિયો છે તો કલા અને કૌશલ્ય, એ એક મોટું આકાશ છે. આંખમાં સ્વપ્ન આંજીને જીવવાની મઝા કંઈ ઓર જ છે, તારા જીવનની હોડીને શમણાંનું સઢ લગાવી દે, દિત્યા! "

દાદી આકાશમાં ઊડતા પક્ષીઓની હરોળ ભણી જોતાં જોતાં સ્મિત વેરી રહ્યાં હતાં. સ્વપ્નસિદ્ધિ માટે આ વળાંક કેટલો મધુર બની ગયો!



4
શીર્ષક : લહેર
લેખન : સેજલ શાહ ' સાંજ '

"હમમ તું આવી ગઈ?"
"હા"
"શું થયું?"
"કંઈ નહિ."
"આજે ફરી ઝગડો કરીને આવી, હે ને?"
"મેં નથી કર્યો. એમણે શરૂઆત કરી."
"ખરેખર?"
"જો, તારે એમની વકીલાત જ કરવી હોય તો હું જાઉં છું પાછી.."
"અરે... અરે....નારાજ કેમ થાય છે?"
"નારાજ ના થાઉં તો શું કરું? હું જ્યારે પણ એમના વિશે કંઈ કહું એટલે તારી શિખામણો ચાલુ."
"સારું, હવે કશું નહિ કહું બસ. ચલ બેસ અહીં શાંતિથી.
ધરા, એક વાત કહું? માનીશ?"
"બોલ!"
"ધરા તું ક્યાં સુધી આમ ને આમ જીવીશ? પાંચ વરસ થઈ ગયાં. હવે તો જિંદગીમાં આગળ વધ."
"વધી તો ગઈ આગળ! તારા કહેવાથી મેં લગ્ન કર્યા. અંશ પણ હવે મોટો થઈ ગયો. ક્યાં કશું અટકેલું છે?"
"હું એની વાત નથી કરતો. હું શું કહેવા માંગુ છું એ તું સારી રીતે જાણે છે."
"મને ખબર છે કવન, તું શું કહેવા માંગે છે, પણ કવન હું તને નથી ભૂલી શકતી. હું કોશિશ નથી કરતી આગળ વધવાની એવું નથી. મેં ખૂબ પ્રયત્ન કર્યા, પણ નથી કરી શકતી. કવન તું મારી જિંદગી છું. મારો શ્વાસ છું. મારા જીવવાનો એક માત્ર સહારો. હું તારી સાથે ખુલીને રહી શકું છું. જીવી શકું છું. શું હું મારી જ જિંદગીની થોડી ક્ષણો મારી મરજીથી જીવી ના શકું? મારો મારી જિંદગી પર એટલો પણ હક નહિ. તું જ કહે, મેં કંઈ વાતે કમી રાખી? હું મારી ફરજો અને જવાબદારીઓમાં કશે ચૂકી?"
"પણ ધરા, ખોટા તો એ પણ નથી ને?"
"મેં ક્યાં કહ્યું કે એ ખોટા છે. હું સમજુ છું. મને ખબર છે, એ મને ખૂબ ચાહે છે. અંશને પણ ખૂબ પ્રેમ કરે છે, પણ..."
"તો પછી શું ખૂટે છે તારી જિંદગીમાં હજુ?"
"તું, હા....તું ...ખૂટે છે. તારું વહાલ ખૂટે છે."
"ધરા, ભ્રમણાઓમાંથી બહાર આવ. ક્યાં સુધી આ ભ્રમમાં જીવ્યા કરીશ?"
"કવન આખી દુનિયા કોઈ ને કોઈ ભ્રમમાં જ જીવતી હોય છે. તો હું જીવું એમાં ખોટું શું છે? કવન આ ભ્રમ મને જીવાડે છે. જિંદગી હજુ કેટલી બાકી છે ખબર નથી મને, પણ એ વિતાવવા થોડું જીવવું જરૂરી છે."

સામે દરિયામાંથી આવતી પાણીની લહેરો મારા પગને ભીંજવી રહી હતી અને મારા આંસુ મારા હૃદયને. સાંજ પોતાને સમેટી રહી હતી અને હું પણ. દરિયાની લહેરો ઉછળીને થાકીને હવે પાછી દરિયામાં સમાવવા જઈ રહી હતી અને હું પણ....

હજુ ઊભી જ થવાં જતી હતી ત્યાં ખભે સ્પર્શ અનુભવાયો અને અવાજ આવ્યો,"જીવી લે ધરા. હું તને નહિ રોકુ કોઈ વાતે."
"આકાશ તમે, તમે ક્યારે આવ્યા?"
"બસ હમણાં જ, જ્યારે તું કવનને મારી ફરિયાદ કરી રહી હતી." આકાશે દરિયા સામે જોઈને કહ્યું.
"ના.. ના.. હું કોઈ ફરિયાદ નહોતી કરતી. હું તો બસ આમ જ બેઠી હતી."
"ધરા મને ખબર છે કે હું તને કવન જેટલો પ્રેમ નહિ કરી શકું, પણ હું કોશિશ ચોક્ક્સ કરીશ."
"આકાશ તમે ખોટું વિચારો છો. અરે તમે જેટલું કર્યું છે અમારા માટે એટલું તો કોઈ ના કરી શકે. તમે એક વિધવાને નવું જીવન અને એના અનાથ બાળકને પિતાનો પ્રેમ અને વહાલ આપ્યા. તમે અંશ પર જે રીતે વહાલ ઢોળો છો એટલું વહાલ તો કદાચ કવન પણ ન આપી શક્યો હોત. આકાશ હું તો કવનના ગયા પછી સુધબુધ જ ખોઈ બેઠી હતી. જો તમે મારો હાથ ના પકડ્યો હોત તો હું અને અંશ આજે ક્યાં હોત? કેવી સ્થિતિમાં હોત શું ખબર? હું જ પાગલ છું કે તમને સમજી ના શકી અને આ દરિયામાં કવનનો પડછાયો શોધ્યા કરું છું. મને માફ કરી દો. હવે હું અહીં ક્યારેય નહિ આવું."

"ધરા, માફી તો મારે માંગવાની છે તારી અને કવનની. હું તને કેમ સમજી ના શક્યો? ખરું કહું તો હું ધીરે ધીરે તને એટલું ચાહવાં લાગ્યો છું કે કવનની હયાતી ના હોવાં છતાં તારી આંખોમાં એની હાજરી મને કાયમ ખૂંચે છે. હું જાણું છું એ ક્યારેય મને તારાથી અલગ નહિ કરી શકે તેમ છતાં તારા છીનવાઈ જવાનો ડર લાગી જાય છે. એ દૂર રહીને પણ તારી નજીક છે અને હું નજીક રહીને પણ દૂર. બસ આ વાત મને કોરી ખાય છે, પણ તું ચિંતા ના કર. તું તારે જીવજે તારી મરજીથી. ધરા મે તને જે સ્થિતિમાં અપનાવી એ વાતનું અહેસાન લઈને ના જીવતી. મેં કોઈ અહેસાન નથી કર્યું. એટલે એવા કોઈ ભાર સાથે મારી સાથે ના જીવતી. હું પણ એ જ ઇચ્છુ છું કે તું મારી સાથે પણ જિંદગીને એ જ રીતે જીવે, જેવી રીતે કવન સાથે જીવી."
"બસ આકાશ મને માફ કરી દો પ્લીઝ. મેં તમને સમજવામાં ભૂલ કરી."
"રડ નહિ ધરા, હું તારી પાસે એક જ વસ્તુ માંગુ છું કે તું મારી પાસે જ્યારે પણ આવે, પ્રેમથી આવે. કોઈ અહેસાન નીચે દબાઈને નહિ." અને આકાશે ચાલવા માંડ્યું.
પાછળથી કવનનો અવાજ આવ્યો,"ધરા, જા આકાશનો હાથ પકડી લે, આગળ વધી જા."

મેં હળવેકથી આકાશના હાથમાં મારો હાથ પરોવ્યો અને એણે પાછળ દરિયા સામે જોઇ મારા હાથની આંગળીઓની પકડ એના હાથમાં મજબૂત કરતા બોલ્યો,"થેંકસ કવન."

દરિયાની લહેરોનું તોફાન સંપૂર્ણ રીતે શમી ગયું અને એ લહેરો દરિયામાં સમાઈ ગઈ અને હું આકાશમાં....






















5
શીર્ષક :- છૂટાછેડાની ગાંઠ
લેખન : રસિક દવે "બેહદ"
ઋત્વિજે ઉભા થઈ વોર્ડરોબમાં પોતાના હેંગરમાં ભરાવેલા કપડાં પર સરસરી નજર ફેરવી અને અવઢવમાં પડ્યો ક્યા કપડાં પહેરૂં?
આ પહેલા આ પ્રશ્ન એને ક્યારેય થયો ન હતો કેમ કે ઋચા તેના કપડાં, ટાઈ, વોલેટ, રૂમાલ, બેલ્ટ બધું જ તૈયાર કરી આપતી. તેને ક્યા દિવસે ક્યા પ્રસંગે કેવા કપડાં પહેરવા તેની ચોઈસની કોઈ ચિંતા ના રહેતી.
ઓફિસે જતાં પહેલાં નાહીને આવે ત્યારે બધી વસ્તુઓ પહેલેથી હાજર જ હોય.
તૈયાર થાય ત્યાં સુધીમાં નાસ્તો પણ રોજ ડાઈનીંગ-ટેબલ પર ગરમ મીઠી માઇલ્ડ મસાલા ચા સાથે ગોઠવાઈ ગયો હોય.
નાસ્તો કરી તેને આલિંગી, ભાલે હળવી ચૂમી કરી સસ્મિત વિદાય લઈ ઓફિસ જવા નીકળી પડતો અને કંઈક ભૂલાઈ ગયું હોય તેમ પાછો આવી બારણાંમાં ઊભી રહેલી વહાલી ઋચાને ફરી એક ચુંબન કરી મીઠી મુસ્કાન સાથે કારમાં ઓફિસ જવા નીકળી પડતો.

જેમ બળદને ધૂંસરીથી ખાંધ પડે ને ટેવાઈ જાય છે તેમ તેને પણ આ પરાવલંબનની ખાંધ પડી ગયેલી છે એની પ્રતીતિ થઈ.

પરંતુ આજે છેલ્લા બે વર્ષથી ઋચાની ગેરહાજરીમાં તે અટવાયા કરતો. બેત્રણ શૂટ આમતેમ કરી જોયા અને આખરે સ્કાયબ્લ્યુ શૂટ પર પસંદગી ઉતારી.ઋચાનો આ ગમતીલો રંગ હતો. તે કહેતી, "ઋત્વિજ તને ખબર છે આ રંગ એ આશા અને અરમાનોનો રંગ છે."
પોતે મૂક સંમતિ સૂચક મંદ સ્મિત સાથે તેને જોઈ રહેતો. નાહીને આવ્યો તો ડાઈનીંગ-ટેબલ પર નજર પડી તો ખાલી ટેબલ નજરે પડ્યું. તેણે ગોવિંદાકાકાને પૂછ્યું, "કાકા કેટલી વાર છે? મારે મોડું થાય છે"
ગોવિંદાકાકાએ ગરમ પરોઠા, ચા અને મોલમાંથી તૈયાર લાવેલ ફૂલવડી હાજર કર્યા.
પરંતુ માત્ર થોડી ફૂલવડી અને ચા જ લીધા અને ઝડપથી નાસ્તો પતાવી થઈ ઊભો થઈ ગયો.
ડગલેને પગલે ઋચાની યાદો તેને ઘેરી વળતી પરંતુ હવે એ ભૂતકાળની ભૂતાવળમાંથી મૂક્ત થવું એટલું આસાન ન હતું.
એટલી આદત બનીને ઋચા પડછાયાની જેમ છવાઈ ગઈ હતી.
કોલેજકાળની તેની મિત્ર એવી ઋચાને એક ઢળતી સંધ્યાએ ઉછળતા સાગરની સાક્ષીએ તેણે વેલેન્ટાઈનના દિવસે બીચ પર પ્રપોઝ કરેલું અને ઋચાએ પણ સ્વીકાર કરેલો. પછી વડીલોની સંમતિથી બંને પરિણયથી જોડાયાની અને બે વર્ષ બાદ એક નાની અમથી ગેર સમજના લીધે વાત છૂટાછેડા સુધી આવી પહોચી હતી.
* * ** * * **
"જો ઋચા હવે તું એ ઘર છોડીને આવી છે અને જો તારૂં માન સન્માન ન જળવાતું હોય તો તું ડાઇવોર્સ લઈ લે" નવીનભાઈ ઋચાના પિતા તેને સમજાવી રહ્યાં હતા.
નવીનભાઈ જમાનાના ખાધેલ વ્યક્તિ હતા. તે એ રીતે ઋચાને તાગી રહ્યાં હતા.
"તું કહે તો એક કહેતા એના જેવા એકવીસ હાજર કરી દઉં."
"ના પપ્પા મારી જીદ કહો તો જીદ અને માંગ કહો તો માંગ એ જ છે કે તે મને આવી ને તેડી જાય".
"પરંતુ એને તારી ક્યાં કંઈ પડી છે? જો જરા સરખી પણ લાગણી હોત તો પોતાનો અહમ છોડી તને લેવા ઉઘાડે પગે દોડતો ના આવ્યો હોત!
એ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય અને તેને એનો અહમ હોય તો તું પણ કંઈ નબળા ઘરની દીકરી નથી. તારો બાપ પણ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે. તું પણ મારો દીકરો જ છે."
"પપ્પા હું એક ભવમાં બે ભવ કરવા નથી માગતી. મારી ઈચ્છા માત્રને માત્ર એ જ છે કે તે મને સમજે અને સન્માન આપે. હું જવા તૈયાર છું. એટલે તમે પણ બીજુ કશું જ ના વિચારતા".
ઋચા પણ જોઈ રહી હતી કે આ ઘરમાં હવે તેના પ્રત્યે જે ભાવ અને લાગણી હતી તેમાં ધીમી ગતિએ ઓટ આવી રહી છે. અને આથી જ તેણે છેલ્લા ઉપાય તરીકે ડાઇવોર્સ નોટિસ મોકલી હતી.
આ તેનો આખરી જુગાર હતો.
તે પણ ક્યાં ઋત્વિજને પળભર માટે વિસરી શકી હતી.
દાંપત્યના સુખદ દિવસો તેને પણ અશ્રુધારા વહેવડાવવા મજબૂર કરતાં હતાં.
કેસનો ચુકાદો આવવાનો હતો આથી બંને વિરહીઓ પીડાતા હોવા છતાં કોર્ટમાં હાજર થયા હતાં.
માનનીય ન્યાયાધીશ સાહેબે ફરી એકવાર બંનેને વ્યક્તિગત મળી વિચારવા કહ્યું. બંને અફર રહ્યાં.
ચૂકાદો જાહેર થયો અને બંને કાયદેસર ડાઇવોર્સ લઈ છૂટા પડ્યાં.
અહમ અને સ્વમાનની જીત થઈ. એક નાની અમથી ના એ બે જીવનને રેલ્વેના સમાંતર પાટા જેમ ગોઠવી આપ્યા. લગ્નની છેડાછેડીના ભેગાછેડાના છૂટાછેડા થયા.
સાંજે થાકેલો હારેલો હતાશ ઋત્વિજ ઋચાને જયાં કોલેજ કાળમાં મળતો તે બીચ પર એજ જગાએ જઈ બેઠો. આથમતા સૂરજને દૂ.... ર ક્ષિતિજપાર ધીમે.... ધી... મે ડૂબતો જોઈ રહ્યો. તેને થયું "મારો અહમ મને પણ આમજ ડૂબાડી રહ્યો. થોડું જતુ કર્યું હોત..." .
એ તલ્લીન હતો પોતાના વિચારોમાં
અને કોઈના ઝડપી દોડતા ધસી આવતા પગલાંને બંધ આંખોએ સાંભળતો રહ્યો આંખના વહેતા અશ્રુ સાથે.
તેની પાસે આવી કોઈ બાજુમાં બેઠું હોય અને તેના હાંફતા શ્વાસની ગતિ સંભળાઈ. તેણે આંખો ખોલી બાજુમાં દૃષ્ટિ ઘૂમાવી તો... ઋચાને જોઈ.
મને હતુ જ કે તું અહીં જ હશે" એમ કંઈ છૂટાછેડાથી થોડું જ છૂટી જવાય છે"

"મને પણ હતુ જ કે એમ તું મને થોડી જ છોડી જશે! તું આવીશ જ મને છેલ્લીવાર મળવા. અને કહેવા કે.... "
"ના ઋત્વિજ હું કશું જ કહેવા આવી નથી કે નથી કોઈ ફરિયાદ કરવા. હું તો માત્ર એમ કહીશ કે...
ઋત્વિજે ઋચાનો હાથ હાથમાં જકડી લીધો અને મોં પર હાથ મૂકીને કહ્યું "હવે કશું જ બોલવું નથી બસ આમ જ છૂટાછેડાની ગાંઠ મૈત્રી બની બંધાઈ રહે જીવન પર્યંત."
"હા ઋત્વિજ, બસ હવે તો મને મિત્ર બનાવી સાથે લઈ જા એજ..."
ઢળતા સૂર્યના કિરણોથી બે પડછાયા એકમેકમાં એકાકાર બની રહ્યા, હાથ થામતા એકમેકને સંભાળતા.
*****************

















6
શીર્ષક: દરિયાની તરસ
લેખન: ઝરણા રાજા " ઝારા"

"હેં પપ્પા, દરિયાને કંઈ વળી તરસ લાગતી હશે?"
"હા હોય ને, કેમ નહીં?"
"પણ દરિયો તો પોતે પાણીથી છલોછલ હોય તો એને શેની તરસ?"
"તરસ ફક્ત પાણીની ન હોય ગુડિયા. તરસ હોય લાગણીની, હૂંફની, પ્રેમની અને....."
સુમિત વાક્ય પૂરું કરે એ પહેલા રસોડામાંથી ધારાએ બૂમ પાડી ," આ બાપ દીકરી સવાર સવારમાં પાછી પેલી વાર્તાના શીર્ષક પર દલીલ કરવા બેસી ગયા. તનીષા, ચાલ ઉભી થા અને જમવાની થાળી ચોકડીમાં મૂક રમલી વાસણ ઘસવા આવતી જ હશે."

સુમિતે પોતાના જીવનનો ચિતાર નવલકથાના રૂપમાં આપવાનું નક્કી કર્યું અને "સાગરની તરસ" પુસ્તકનું સર્જન થયું.

સુમિત સાગરની જેમ જ વિશાળ હૃદયનો અને દરેકને હસતે મોઢે સ્વીકારતો અને સમાવી લેતો. સુમિત હતો સાગર જેવો પણ એની તરસ સદા પુરી ન થઇ એમ એને લાગતું.
નાનપણમાં બાર વર્ષની વયે જ માથા પરથી માનો પાલવ છીનવાયો. ઘરમાં બહેન ના હોવાથી ઘરના કામકાજની જવાબદારી રમતો રમવાની ઉંમરે જ સ્વીકારવી પડી. ભણી ગણીને સ્નાતક એન્જીનીયર બનવું હતું પણ એમાં ય એટલા વિઘ્નો નડ્યા કે ડિપ્લોમા કરી નોકરીએ લાગી જવું પડ્યું.

યુવાનીમાં ઘણી યુવતીઓ મળી પણ દિલમાં છેક સુધી એકેય ન ઉતરી. આખરે એક ઉતરી કામિની, પણ એ તરસાવી તડપાવી ચાલી ગઈ. એના પ્રેમમાં સુદબુદ્ધ ખોઈ અનહદ પ્રેમ કર્યો, પણ એ ભાવનાઓ સાથે રમત કરી ગઈ.
સુમિતને પ્રેમ શબ્દથી ડર લાગવા લાગ્યો. એણે મનોમન નક્કી કર્યું હવે આ જંજટમાં પડવું જ નથી, પણ એમાં એનું ધાર્યું થોડું થાય? સાગરને મળવા જેમ ઝરણું આતુર હોય એમ ધારા સુમિતના જીવનમાં ધસમસતી આવી અને એના બંધ દિલના દરવાજા તોડી ફોડી છેક અંદર ઉતરી ગઈ અને જમાવટ કરી જગ્યા બનાવી લીધી.

સુમિતે ઘણાં પ્રયત્ન કર્યા પણ એ જબરી એવો વ્હાલ વરસાવા લાગી કે સુમિતના નિર્ણયની અડગ છત્રી કાગડો બની ઉડી ગઈ અને સુમિત એમાં ભીંજાઈ ગયો. ભીંજાયો પણ એવો કે એકદમ તરબોળ થઇ ગયો અને કામિનીના કેરને સાવ ભૂલી ધારાની લાગણીઓને સમાવી લીધી.

ધારા પણ ખુશ હતી, પણ સુમિત ક્યારેક ડરી જતો કે ધારા કાયમ સાથ આપશે? ક્યારેક વિચારોના વિશ્વમાં ખોવાઈ જતો અને સફાળો બેઠો થઇ હેબતાઈ જતો ક્યાંક ફરી અનહદ પ્રેમના બદલામાં દગો મળ્યો તો? પ્રેમ હવે હદમાં જ કરવો છે એમ નક્કી કર્યું.

ધારાને સુમિતના વિચારોની જાણ થઇ ત્યારે એને થયું," મારા પ્રેમમાં શું ખોટ છે કે સુમિતને આવા વિચાર આવે? કેટલીય માનતાઓ માની, ઉપવાસ કર્યા કે સુમિતને જન્મોજનમ સુધી માંગી લઉ અને સુમિત આવું હીન વિચારે? કેમ? એને વિશ્વાસ આવે એ માટે શું કરવું? એની પ્રેમની તરસ છીપાવવા હું તૈયાર છું પણ વિશ્વાસની તરસ કઈ રીતે છીપાવું? સમજાતું નથી."

કહેવાય છે ને સાચા પ્રેમની સદા જીત થાય છે. ધારાએ પ્રભુ પર શ્રદ્ધા રાખી સુમિતને અવિરત પ્રેમ કર્યો અને સુમિતને એના પ્રેમનો અહેસાસ થયો. બંને લગ્નગ્રંથિથી જોડાયા. પ્રેમની નિશાની રૂપે તનીષા અવતરી. સુમિત અને ધારા ખુશ હતા, પણ તનીષાના જન્મ બાદ ધારા સુમિતને સમય ઓછો આપી શકતી. એક પત્ની સિવાય મા તરીકે પણ ફરજ નિભાવતાં ક્યાંક પત્નીની ફરજ ચૂકાઈ જાય છે એમ સુમિત માનવા લાગ્યો. સુમિતને ધારા સતત એનું જ ધ્યાન રાખે એવું ઈચ્છતો જે કોઈ પત્ની માટે શક્ય નથી. સુમિતની તૃષા ફરી જાગી.

સુમિત વિચારોમાં મગ્ન હતો ત્યાં જ એના મોબાઈલમાં એક મેસેજ આવ્યો,
"હેલો સર, હું તમારી વાર્તા કથાજગત એપ પર નિયમિત વાંચું છું. મને તમારું લખાણ ખૂબ જ ગમે છે. એક પુસ્તકમાં તમે લખેલ વાર્તા વાંચી અને એમાંથી તમારો મોબાઈલ નંબર પણ મળ્યો. આશા છે તમારી આ ચાહકને તમારી નવી વાર્તાઓ મોકલશો. આભાર"
-તમારી ચાહક અવની શાહ

ઉદાસ સુમિતના ચહેરા પર ખુશીની લહેર આવી અને મનોમન વિચાર્યું,'અવની શાહને તો હવે મળવું જ પડશે.'







7
શીર્ષક : મુસ્કાન
લેખન : ડૉ વિનોદ ગૌડ

ઈશ્વર કૃપાથી જિંદગીમાં સુખી નાનકડું પરિવાર, ધન-દૌલત, ગાડી બંગલો, યશ બધું જ મળ્યુ. બધાં જ ભૌતિક સુખ હાથ વગા હતાં, પણ કોઈ વસ્તુની જાણે ખોટ વરતાયા કરે. કાયમ મારી પત્નિને કહું પણ ખરો,"યાર નિલીમા જિંદગીમાં કંઈક ખૂટે છે. આપણી પાસે વડીલોના આશીર્વાદ અને ઈશ્વર કૃપાથી બધું જ છે, પણ મને લાગે છે કે હું નિરાધાર, જરુરત મંદ લોકો માટે કાંઈક કરું."
“પરેશ હું તમારી અર્ધાંગિની તમારા દરેક કાર્યમાં તમારી સાથે છું. ઘર અને બાળકોની ચિંતા મારા પર છોડી દો, બાપુજીના અંતિમ શબ્દો મને હજીપણ યાદ છે. દીકરા પોતાના માટે તો સહુ કરે, પણ પારકાના મોંઢા પર નાનકડું સ્મિત લાવી શકે તેની જિંદગી સફળ થઈ ગણાય”
નિલીમાના આ શબ્દોએ મારા ઉત્સાહમાં વધારો કર્યો અને મારા જેવી વિચારસરણી ધરાવતાં બીજા ત્રણ મિત્રો સાથે બેસીને ચર્ચાવિચારણા પછી એક એન.જી.ઓ ની સ્થાપના કરી. નામ રાખ્યુ "મુસ્કાન"
ધીમે ધીમે "મુસ્કાને" ઘણાં લોકોને મલકતાં કર્યા અને સાથે સાથે બાપુજીના અંતિમ શબ્દોને ચરિતાર્થ કરવા સાથે મારા મનમાં જે કંઈક ખૂટતું હતુ તે પરિપૂર્ણ કર્યાનો આનંદ. સંસ્થાના કામ માટે એક પછી એક લોકો જોડાતા ગયા.
પેલા કોઈ શાયરના શબ્દો જેવુ 'હમ અકેલે હી ચલે થે જાનીબે મંજીલ મગર, લોગ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.'
મારામાં રહેલ માનવ સ્વભાવે માથુ ઉચકયું, થયું કે હુઁ કેટલા લોકોને સહાય કરું છું.
*****
મારા વ્યાવસાયિક કામ માટે ગયા મહિને જામનગર જવાનું થયુ. એક અઠવાડિયાનું રોકાણ શહેરથી ખાસી દૂર દરિયાકાંઠેની ત્રણ સિતારા હોટલ બ્લુ મૂનમાં હતુ.
રૂમની બાલ્કનીમાંથી ઘુઘવતો દરિયો જોવાનો અદકેરો આંનંદ છોડાય તેમ ના હોવાથી, મારા કામો સત્વરે પતાવી સાંજે જલ્દી હોટલ પહોંચી, રૂમ સર્વિસને કડક મીઠી ચ્હાનો ઑર્ડર આપી, ખુરશી નાખીને દરિયાદર્શન માટે બેઠક જમાવી.
સાંજના સમયે સૂર્યદેવ પોતાના શ્રમિત અશ્વોંને ધીમી ગતિએ પશ્ચિમ દિશાભણી લઈ જતાં હોય અને દરિયાની હળવી હળવી લહેરો જાણે તેમનું સામૈયું કરવા ક્ષિતિજથી કાંઠા તરફ આવી રહી હોય, આ દૃશ્ય જોઇને મનમાં રોમાંચ જાગી ગયુ. સૂર્યદેવના આથમવા સાથે અંધકાર ઘેરાતુ ગયુ. દરિયાની લહેરો દેખાતી બંધ થઈને માત્ર સંભળાવા લાગી, ત્યારે નાછુટકે ખુરશી છોડવી પડી. બાલ્કનીમાંથી રૂમમાં જતાં જતાં અચાનક મારી નજર દરિયા કાંઠે બેઠેલા એક યુગલ પર પડી. અંધારામાં સ્પષ્ટ તો કંઈ દૃષ્ટિગોચર ના થયુ બસ એક ઝાંખો આભાસ. થોડુંધણું કુતૂહલ અને આશ્ચર્ય પણ થયુ કે શહેરથી આટલી દૂર મોડી સાંજે અંધકારમાં સૂના દરિયા કિનારે કેમ બેઠા હશે ?
વિચાર્યુ, હશે કોઈ પ્રેમી પંખીડા. સમાજની નજરોથી દૂર એક બીજાનું સાનિધ્ય માણવાં આવ્યા હશે.
બીજા દિવસે પણ એજ ક્રમ, કડક મીઠી ચ્હા સાથે દરિયાદર્શન પુરૂ થયુ ને રૂમમાં જતાં જતાં ફરી તે યુગલ ગઈકાલના જ સ્થાન પર દેખાયુ .
આજે મનના કુતૂહલે જોર પકડયુ, શું હશે? કોણ હશે? અહિંયાં આટલી દૂર રોજ આવતાં હશે?
રાત્રે પણ એજ વિચારો આવ્યે રાખ્યા. સરખી રીતે ઉંધ પણ પૂરી ના થઈ. સવારે વહેલા ઉઠી જવાયુ. ચ્હા મંગાવી, લાવનાર વેઈટરને પુછી લીધું,”રમેશ, બે દિવસથી જોઉં છું એક કપલ અંધારામાં દરિયાકાંઠે બેઠુ હોય છે, શું ચક્કર છે?”
“અરે સર, તમે પેલા અંકલ આંટીને જોયા હશે, તેઓ રોજ સાંજે અંધારુ થાય પછી કારમાં અહિંયા આવે છે અને મોડે સુધી બેઠા રહે છે. કોઈ સાથે કાંઈ બોલતા નથી. જો કોઈ પાસે જાય તો આંટી વિફરી જાય છે અને ગાળો આપવા લાગે છે. માંડ પેલા અંકલ તેમને શાંત કરે. કોણ છે કાંઈ ખબર નથી, પણ આ તેમનો નિત્યક્રમ.“
હવે મારી ઉત્કંઠાએ માઝા મુકી. સાંજે કામથી પરવારી હોટલે પહોંચ્યો ને કપડા બદલી દરિયા કિનારે, જ્યાં પેલા યુગલની બેઠક હતી તેનાથી થોડુ અંતર રાખી, દરિયાની ખારાશભરી, ઠંડી લહેરને મમળાવતો રીતસર તેમની વાટ જોવા લાગ્યો.
થોડી વાર થઈ અને તેમની કાર આવીને ઉભી રહી. તેમાંથી લગભગ સાંઈઠની વય વટાવી ચુકેલ, પણ ખડતલ અને કસાયેલ બાંધો ધરાવતા એક રૂઆબદાર વ્યક્તિને ઉતરતાં જોયા. તેઓ ઉતરીને કારની ડિક્કીમાંથી બે ફોલ્ડિંગ ચેર કાઢીને લાવ્યા અને ખોલીને તેમની રોજની બેઠક પાસે ગોઠવી. પાછા કાર પાસે ગયા ત્યારે એક અછડતી નજર મારી ઉપર પણ નાખી. મેં સહજ મુસ્કાન સહ માથુ નમાવ્યુ .
મારી નજર તેમના મક્કમ અને સંતુલિત કદમોંને અનુસરી રહી. આસ્તેથી તેમણે કારનુ પાછલું બારણુ ખોલ્યુ.
આસરે પચ્ચીસથી ત્રીસ વચ્ચેની લાગતી, રૂપરૂપના અંબાર સમી યુવતીને ઉતરતાં જોઈ. યુવતીનો હાથ પોતાના હાથમાં લઈને તે સજ્જન તેને ઢાળેલ ખુરશીઓ તરફ ધીમી ગતિએ લઈ આવ્યા. તે યુવતીનો ચેહરો અનેરા આનંદથી જાણે છલકાઈ રહ્યો હતો.
બન્ને ખુરશીઓ પર બેઠા. યુવતીની પીઠ મારા તરફ હતી. છતાંય જાણે તે ખુબ પ્રસન્ન હોય એવુ લાગતુ હતુ .
યુવતીનો હાથ પોતાના હાથમાં લઈને તે સજ્જન હળવે હળવે થપથપાવી રહ્યાં હતાં. યુવતીનુ ધીમુ હાસ્ય મારા કાને સંભળાઈ રહ્યું હતું.
તેમના એકાંતમાં ખલેલ પાડું એવો અસભ્ય નથી. છતાંય તેમની સાથે વાતચીત કરવાની અદમ્ય ઈચ્છાએ જોર પકડ્યુ. તેમના તરફ એક ડગ ભર્યુ ત્યાં પેલા સજ્જન ઉઠ્યા ને કાર તરફ જતાં જતાં બોલ્યા,"ડિયર, આઈ ફોરગોટ ટુ બ્રીંગ વૉટર, વીલ બી બેક ઈન એ મિનીટ."
ત્યાં સુધીમાં તો હું પેલી યુવતીની સામે પહોંચી ગયો ને હંસીને બોલ્યો, "ગુડ ઈવનીંગ મેમ."
અને જાણે કોઈ જવાળામુખી ફાટ્યું હોય તેમ તે ખુરશીમાંથી ઉછળી પડી તેનો ફૂલગુલાબી ચહેરો રાતોચોળ થઈ ગયો. તેણે જોરથી ચીસ પાડી, “ગો અવે યુ લાયર, ડોન્ટ કમ નીયર મી."
હેબતાઈને મારે બે ડગલા પાછળ હઠી જવું પડ્યું.
પેલા સજ્જન જે કારમાંથી પાણીની બોટલ કાઢી ચુક્યા હતા, એકદમ અમારી બાજુ દોડ્યા. પાસે આવીને યુવતીને પોતાના આગોશમાં લીધી અને,“નો હની નો, કાલ્મ ડાઉન, પ્લીઝ સીટડાઉન, આ તો અનિકેતના મિત્ર છે” અને મને આંખના ઇશારે દૂર જવા જણાવ્યું. બે ઘૂંટડા પાણી અને સજ્જનની સમજાવટથી યુવતી શાંત પડીને પાછી બેઠી તો ખરી, પણ તેણીની શંકાભરી આંખોં મારા ઉપર જ મંડાયેલી હતી.
થોડીવાર પછી તે સજ્જન મારી પાસે આવ્યા “સોરી જેન્ટલમેન, હુઁ તેણીના વ્યવહાર માટે દિલગીર છું. શી ઈજ નોટ ઇન હર ઑન."
બાય દ્ વે - આઈ એમ રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ, બી.કે.અરોરા એન્ડ શી ઈજ માઈ ડૉટર ઈન- લૉ ઈલા શર્મા."
"સર, હું પરેશભાવસાર, વડોદરામાં નાનકડો સોફ્ટવેરનો વ્યવસાય છે. જામનગર થોડા કામ માટે આવ્યો છું. બ્લુ મૂનમાં રોકાયો છું. એક એન.જી.ઓ. “મુસ્કાન” થકી લોકોના ચહેરા ઉપર મુસ્કાન લાવવાનો પ્રયાસ કરું છું. નવા નવા માણસોને મળવાનુ મને ગમે છે. બે દિવસ થયા, બાલ્કનીમાંથી આપ લોકોને જોતો હતો તો ઉત્કંઠાવશ આજે મળવા આવી ગયો. તમને મળીને આંનંદ થયો."
"પરેશભાઈ, તમને થતું હશેને કે હું અને મારી પુત્રવધુ રોજ સાંજે અંહિયા શું કામ આવીએ છીએ? શી ઈઝ સફરીંગ ફ્રોમ પીટીએસડી. (પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર)"
“માફ કરશો સર, મને ખબર નહોતી, જો આપને વાંધો ના હોય તો મને જણાવશો કદાચ હું કોઈ મદદ કરી શકું!“
“ઈલા મારા ફૌજી મિત્રની પુત્રી. અનિકેત મારો પુત્ર ભારતીય નૌસેનાનો એક જાંબાઝ સિપાહી.
અનિકેત અને ઈલા બન્ને શાળાકાળના સહપાઠી. મોટા થતાં સુધી તો એક બીજાને જીવનસાથી બનવાના વચન આપી બેઠા. વડીલોની ચકોર નજરોં બહાર આવી વસ્તુ રહી જાય એ બને જ નહીં. બન્ને પરિવારોની સંપૂર્ણ સહમતિ મળી, પછી તો અનિકેત અને ઈલા સાતમાં આકાશે ઉડવા લાગ્યા. તેમની જોડી જોઈને કોઈને પણ વ્હાલ સાથે થોડી ઈર્ષાય થાય. ઈલા મનોવિજ્ઞાન સાથે અનુસ્નાતક થઈ ત્યાં સુધીમાં અનિકેત નેવીમાં કમાંડર બની ગયો.
બે વર્ષ પહેલા તેની પોસ્ટિંગ કૉસ્ટ ગાર્ડ કમાંડર તરીકે જામનગરના દરિયા કિનારે થઈ.
આવી જ એક મેઘલી સાંજે અનિકેતને હાઈકંમાડથી ભારતીય સીમામાં પાકિસ્તાની આતંકવાદીઓની બોટ ઘુસી હોવાના સમાચાર મળ્યા.
અનિકેત પોતાની ટુકડી સાથે ગશ્તી બોટ લઈને નિકળી પડ્યો.
આવુ મહિનામાં બે ત્રણ વાર તો બનતું જ કે ધુસપેઠના સમાચાર મળે અને ભારતીય ગશ્તીદળ પહોંચે તે પહેલા ધુસપેઠિયાઓ પોતાની સીમામાં જતા રહે અને અનિકેતની ટુકડી ચારેક કલાકમાં પાછી પોતાના બેઇઝ પર આવી જાય, પણ એ ગોઝારી સાંજે એવુ ના થયુ, ગશ્તીદળની બોટ બીજા દિવસે સવારે પાછી આવી. જાણવાં મળ્યુ કે તે રાત્રે મધદરિયે સામસામે ગોળાબારી થઈ હતી અને દુશ્મનની બોટને શસ્ત્રોંના મોટા જખીરાને બે આતંકિયો સાથે પકડી પાડવામાં ભારતીય ટુકડી થોડી ખુંવારી વેઠીને સફળ થઈ.”
પરેશભાઈ ત્યારે ખબર નહોતી કે થોડી ખુંવારી એટલે મારુ સર્વસ્વ, મારો અનિકેત, ઈલાની જીવાદોરી, તેનો બાળસખા અને થનાર ભરથાર આ સંગ્રામમાં પોતાની શહીદી આપી ચુક્યો છે.

એક ફૌજીની ખુમારી અને દેશભક્તિ, પિતાના હેતની ઉપરવટ જઈને આ આઘાતને જીરવી ગઇ.
ઈલાને જેવા સમાચાર મળ્યા, તે અવાચક બની ગઈ.
“નો... ઓઓઓ , નોટ પોસિબલ, આવુ બને જ નહીં. મને જતાં જતાં અનિકેતે કહ્યું હતું કે હવે તો અઠવાડિયાનો સવાલ છે. પછી તો મિસ શર્મા, મિસીસ અરોરા થઈ જશે. યુ ઑલ આર લાયર્સ, તે આવશે” અને પછી પછડાટ ખાઈને પડી ગઈ.
ત્રણ દિવસ પછી જયારે ભાનમાં આવી ત્યારે દવાખાનેથી તેના ઘરે નહીં જતાં મારા ઘરે જ રહેવા આવી ગઈ, કારણ કે તેને ભ્રમ છે કે તેના લગ્ન થઈ ચુક્યા છે એટલે સાસરીમાં રહેવુ જોઈએ અને અનિકેત તેની ડ્યુટી કરીને સાંજે આવશે.
સાંજ પડે એટલે એક જ રટણ – અનિકેત હજુ નથી આવ્યો! ચાલોને પપ્પા આપણે તેને લેવા જઈએ. થોડા દિવસોં સુધી અમે તેની આ વાતપર ધ્યાન ના આપ્યુ, તો તેના વ્યવહારમાં હિંસકતા વધતી ચાલી.
ડૉક્ટરની સલાહ પ્રમાણે એક સાંજે તેને અહિંયા લાવ્યો, તે એકદમ શાંતચિત્ત બેસીને દરિયાને જોઈ રહી. અંધારું વધ્યુ તો બોલી,"પપ્પા, ચાલો ઘરે જઈએ. અનિકેતને આવતાં વાર લાગશે."
"બસ પરેશભાઈ ત્યારથી આ રોજનો નિયમ બની ગયો છે. અમે બન્ને અહિંયાં આવીને બેસીએ. લોકો વાસ્તવિકતાથી અજાણ વાતો કરે. ઈલા એના અનિકેતની વાટ જુએ અને હુઁ એના ચેહરા પર આવતી મુસ્કાન."
"આભાર સર, મારી સાથે આ શેયર કરવા બદલ, વંદન છે કમાંડર અનિકેતની શહીદીને અને સલામ છે આપની ખુમારીને. આપની મુસ્કાન જરુર પાછી મળશે.”
આટલુ કહી ભીની આંખોં સાથે હું હોટલ પહોંચ્યો. બાલ્કનીમાં ગયો અને મારી નજર ત્યાં જ પડી. બે ખુરશી, એક યુગલ અને અંધકારમાં ધુધવતો દરિયો.



















8
શીર્ષક:- ચહેરો
લેખન : સ્વાતિ મુકેશ શાહ.


“આપણા સુખમય લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા” બોલતી બોલતી સોનાલી કમલને ઉઠાડવા રુમમાં ગઈ. કમલ ઘસઘસાટ ઊંઘતો હતો. હાથમાં પકડેલો ચાનો કપ બાજુના ટેબલ ઉપર મુકી એક મીઠા ચુંબનથી કમલને ઉઠાડવા પ્રયત્ન કર્યો. "આજે સાંજે આપણે પાર્ટીની વ્યવસ્થા કરવાની છે." તેમ કહ્યું ત્યાં કમલ આળસ મરડતો ઉભો થયો. ઓફીસ જવાનો સમય પણ થવા આવ્યો હતો.

સોનાલી સુરેશભાઈની એકની એક દીકરી હોવાને કારણે કમલને માથે આખા બિઝનેસની જવાબદારી આવી ગઈ હતી. કમલ પહેલેથી ખૂબ મહેનતી છોકરો એવું સોનાલી જાણતી હતી. કોલેજમાં પોતે કમલની નોટ્સ લઈને જ પાસ થતી હતી. દેખાવે સામાન્ય એવો કમલ સોનાલીના મમ્મીને બહુ પસંદ નહોતો, પણ સોનાલીની જીદને કારણે લગ્ન કરાવી આપવા પડ્યાં. સોનાલી ઘણી ચતુર અને હોંશિયાર હોવાથી કમલને પણ બહુ ગમવા લાગી હતી. એમ કરતાં વર્ષો વીતવા લાગ્યા. આજે એમને એમ પાંચ વર્ષ ક્યાં પસાર થઇ ગયા હતાં. બાળક નહિ હોવાનો અફસોસ સોનાલીને ઘણીવાર થઇ આવતો. તેણે ઘણીવાર અનાથાલયમાંથી બાળક અપનાવવા પણ અરજ કરી. છેવટે થાકી હારીને તેણે જીદ પડતી મુકી.

કમલ ઉઠીને સોનાલીને એક મીઠું ચુંબન કરી ફટાફટ નાહવા ગયો. આ બાજુ સોનાલી સવારના રૂટીન કામમાં પરોવાઈ. ઘણા પૈસા અને મોટો બંગલો એટલે સોનાલીના ભાગે નોકરોને સુચન આપ્યા સિવાય કંઈ કામ રહેતું નહિ. કમલને પાર્ટીઓ આપવાનો ઘણો શોખ. સોનાલીના સૌન્દર્યના વખાણ થાય તેમાં તે ખુબ પોરસાતો.. આમ જોઈએ તો કમલ અને સોનાલી દેખાવની દ્રષ્ટિ એ કજોડું લાગે, પણ કમલ ખુબ બુદ્ધિશાળી અને હોંશિયાર. હા, ગુસ્સાવાળો ખરો! એને લીધે સોનાલીને કમલ જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી ઉભે પગે તેની આસપાસ રહેવું પડતું. બધાં કામ તે હસતાં મોઢે કરતી. લગ્નદિવસની રાતની પાર્ટીમાં સોનાલીના નામનો ડંકો વાગી ગયો. શું સરસ વ્યવસ્થા! સુશોભનથી માંડીને જમવાની વાનગીઓ સુધી બધું ફર્સ્ટ ક્લાસ હતું. હવે જો આ હસતી સોનાલીની વાત કરું તો ...

બહુ બધાં ડોક્ટરોની સલાહ લીધી, આઈ વી એફ ટ્રીટમેન્ટ કરવા છતાં કોઈ ફળના મળ્યું. સોનાલીનો ખોળો ખાલી જ રહ્યો. સોનાલી કોઈ દિવસ પોતાનું આ દુઃખ કમલ આગળ જાહેર ના કરે કે પછી બહેનપણી આગળ પણ વ્યક્ત ના થવા દે. આખો દિવસ જયારે જુઓ ત્યારે હસતી ને હસતી.

સોસાયટીમાં થોડે આગળ એક મોટું ઓફીસનું મકાન બનતું હતું તે સોનાલી અવારનવાર આવતાં જતાં જોતી. ત્યાં કામ કરતાં મજુરોના બાળકોને રખડતાં જોઈ સોનાલીનો જીવ કપાઈ જતો. હંમેશા તે બાળકોના ભવિષ્યનો વિચાર કરી દુઃખી થતી. એક દિવસ કમલ સાથે બેઠી હતી ત્યારે તેણે આ વાત કમલને કરી. કમલે તરત કીધું કે તું જ ત્યાં જઈને આવા ગંધારાગોબરા બાળકોને કંઇક શીખવાડવા માંગે છે? પહેલી વાર સોનાલીએ કમલના શબ્દો પ્રત્યે ધ્યાન ના આપ્યું. જીવનમાં પહેલીવાર સોનાલીએ પોતાનો કોઈ કાર્યનો નિર્ણય જાતે લીધો.

બસ પછીતો સોનાલી લાગી ગઈ કામમાં. રોજ ત્યાં જવાનું નક્કી કર્યું. કમલ જેવો ઓફીસ જાય કે સોનાલી પોતાના આ લીધેલા કામમાં લાગી જતી. આ બાળકોને કેમ ભેગા કરવા, બધાં જુદા જુદા પ્રાંતના હોય આ બધું વિચારી પહેલા આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો. બે દિવસમાં મહારાજ પાસે સરસ ગરમ નાસ્તો બનાવડાવી તે લઇ અને પહોંચી ગઈ મકાનની સાઈટ પર. છોકરાઓને અને તેમના માતાપિતાને ભેગા કરી પોતાનો ઉદ્દેશ સમજાવ્યો. સૌ ખુશ અને ચાલુ થયું સોનાલીનું કામ. પહેલા દિવસે બધાને હાથ ધોઈને ખાવા બેસવું, શરીર કેમ ચોખ્ખું રાખવું. એ બધું શીખવાડવા લાગી. બીજા દિવસે તો બધાં માટે ટૂથબ્રશ, ટુથપેસ્ટ, કાંસકો, એમ બધી વસ્તુઓના પાઉચ બનાવી બધાં બાળકોને સમજાવવા લાગી. સોનાલીના આ કાર્યની વાતો ધીમેધીમે પ્રસરવા લાગી. ઘણી ઓળખીતી ફ્રી પડેલી છોકરીઓએ પોતે પણ મદદ કરાવવા તૈયાર છે. એમ કરતા બે ચાર જણા વધારે જોડાયા. સોનાલીની સેવા ધબકવા લાગી.

કમલને તો કલ્પનામાં નહોતું કે સોનાલી આમ કામ કરશે. સોનાલીની વ્યસ્તતા જોઈ કમલ ઘણીવાર અકળાઈ ઉઠતો, પણ પછી સોનાલી કમલને મનાવી લેતી. સોનાલી બાળકો સાથે રહેતી તેથી તે ઘણી ખુશ રહેવા લાગી. સવારના ત્રણ કલાક કયાં પસાર થઇ જતાં તેનો સોનાલીને ખ્યાલ નહોતો રહેતો. સોનાલી પોતાના અસલી મિજાજમાં આવી જતી, પણ જેમજેમ ઘર તરફ ગાડી સરકતી તેમતેમ તેનો મૂડ બદલાતો જતો અને ઘર નજીક આવતાં એ પછી કમલ પત્ની સોનાલી બની જતી. દિવસે દિવસે બાળકો વધવા લાગ્યાં. પૈસાની તો કોઈ કમી નહોતી. સોનાલીનું કાર્ય ક્ષેત્ર ધમધમતું થઇ ગયું.

એવામાં જાણે ઈશ્વરને આ પણ પસંદ ના પડ્યું હોય તેમ કોરોના કાળ શરુ થયો. સોનાલીએ પોતે જાતે મજુરોને ગામ મોકલવાની વ્યવસ્થા કરી. મન થોડું ડગમગી ગયું, પણ એની સાથે કામકરતી એક છોકરીએ કહ્યું, “મેડમ હવે તો તમે તમારા બાળક પાછળ સમય આપી શકશો." ત્યારે પહેલીવાર સોનાલીનું મોઢું પડી ગયું. “બેટા મારે કોઈ બાળક નથી. હશે હવે કંઇક નવું કામ કરીશ.તમે લોકો મારી ચિંતા ના કરતા.”

બસ આટલું બોલી ધીમી ચાલે ગાડીમાં એક ભારે હ્રદયે બેસી ગઈ. હવે તો લોકડાઉન શરુ થયું. કમલ અને સોનાલી આખો દિવસ સાથે ને સાથે. સોનાલીને ઘણી અકળામણ થવા લાગી. ક્યારેક મન થઇ આવતું કે પપ્પાએ આપેલ પિયાનો વગાડું, પણ કમલને એવા અવાજો સહેજ પણ ના ગમે એટલે જયારે કમલ ઘરમાં હોય ત્યારે સોનાલી શાંત રહી હસતો ચહેરો રાખી લેતી. એનો મૂળ ઉદ્દેશ ઘરમાં શાંતિ રહે તે જ હતો અને એ ઉદ્દેશ પરણીને આવ્યાના પહેલા દિવસથી હતો.

કમલે તો ક્યારેક ઓફીસ જવાનું ચાલુ રાખ્યું હતું. સોનાલી ઘણું સમજાવે પણ કમલને એમ કે પોતાની ઓફિસમાં જવામાં વળી કોરોના ક્યાં આવ્યો! એમ કહીને જતો આવતો. એક દિવસ ઘરે આવ્યો ત્યારે ઘણી શરદી લઈને આવ્યો. બે દિવસ પછી ટેસ્ટ કરાવ્યો તો કમલ કોરોના પોઝીટીવ આવ્યો. સોનાલી ચિંતાતુર થઇ. એક રૂમમાં કમલને કવોરંટાઇન કરવો પડ્યો. ડોક્ટરની સલાહ પ્રમાણે સોનાલી દવા, કાઢા વગેરે નિયમિત આપતી, પણ છેવટે તબિયત વધારે બગડતા કમલને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. થોડુક સારું થતા તેને ઘરે આરામ કરવાની સુચના આપી રજા આપવામાં આવી.

ફ્રી સમયમાં હવે સોનાલી કંટાળવા લાગી. જેમજેમ દિવસ જવાં લાગ્યાં તેમ સોનાલીનો કંટાળો વધતો ચાલ્યો. હવે તેના કંટાળાએ માઝા મુકી. હસતાં ચહેરે કમલની સેવા કરવામાં પણ તે કંટાળવા લાગી. મોઢા પરના ભાવ કયાં સુધી બદલાવા ના જોઈએ! હવે તો કમલ પણ એક રૂમમાં છે પછી બહાર પિયાનો વગાડવામાં શું વાંધો!

વર્ષોથી ઢંકાયેલો પિયાનો આજે સોનાલીએ પ્રેમથી ખોલ્યો. એના સ્પર્શ માત્રથી સોનાલીના રૂંવાડા ઉભા થઇ ગયાં. તેણે એક નવા પ્રકારની લાગણી અનુભવી. વગાડવાનું શરું કર્યું ત્યાંતો કમલના રુમાંમાંથી બેલ વાગવા લાગી. સોનાલીને એકદમ દોડવું પડ્યું ત્યારે કમલનો ગુસ્સા ભર્યો ઘાંટો નીકળ્યો,“ આ શું માંડ્યું છે? આ ઘર છે નહિ કે કોઈ બાર.અહીંયા પિયાનો વગાડવાની તારી હિંમત ક્યાંથી થઇ!”

ધ્રુજતી સોનાલીએ બધું બંધ કરી આંસુના સહારે બેસી રહીઁ. એક દિવસ સવારે નાસ્તો આપવા સોનાલી કમલના રૂમમાં ગઈ તો કમલનો રુમ અંદરથી બંધ હતો. માણસો બોલાવી તેણે દરવાજો ખોલાવ્યો. અંદર જોયું તો કમલ ખાટલાની નીચે મૃત હાલતમાં પડ્યો હતો અને એટલે તરત ડૉક્ટર બોલાવ્યા તો તેમણે હાર્ટએટેકથી કમલનું મૃત્યુ થયું તેમ જાહેર કર્યું... સોનાલીના આંસુ રોક્યા રોકાય નહિ. તે હિંમત હારી ગઈ હતી.

મનમાં ને મનમાં તે પોતાની જાતને દોષી માનવા લાગી. રોજ સગા આવતાં પણ સોનાલીનો રડતો ચહેરો જોઈ બે મિનીટ પાસે બેસી જતાં રહેતા. સોનાલીને ખરો દિલાસો આપનાર ખાસ કોઈ હતું નહિ. એક એની બહેનપણી શીલા પણ બહારગામ ગઈ હતી. બે ત્રણ દિવસ બાદ તે આવી તો સોનાલીનો ચહેરો જોઈ એકદમ આઘાત પામી બોલી, “આ એ જ સોનાલી છે જે હંમેશા હસતી રહેતી હતી?” સોનાલી એકદમ શીલાને વળગી અને બોલી, “ હા આ એજ સોનાલી છે જે હંમેશા હસતી રહેતી હતી, ખુબ સુખમાં રહેતી હતી. હવે આજે હું અને તું બેજ છીએ ત્યારે તને કહું કે મેં એ હસતો ચહેરો પહેરેલો હતો. પણ હવે હું થાકી છું એ ચહેરા થી. બાળક ના હોવાને કારણે હું સદાય અંદરથી દુઃખી હતી. પણ કમલને ને દુઃખી ચહેરો જોવો નહોતો ગમતો માટે મેં સુખનો હસતો ચહેરો પહેરી લીધેલો.”

“શીલા હવે તો કમલ પણ નથી રહ્યો માટે મેં નક્કી કર્યું કે હવે આ પહેરેલ ચહેરો ઉતારી પહેલાંની સોનાલી બની જાઉં. જે હસવા સમયે હસી જાણે છે અને રડવા ટાણે રડી પણ જાણે છે.”

“વાહ મારી સખી, હવે મારા દિલને શાંતિ થઇ કે મને મારી પહેલાંની સોનાલી પાછી મળી.”




9
શીર્ષક : હૃદયનો ધબકાર
લેખન : કૌશિકા દેસાઈ

"પાનખરની જાણ ના થાય તો સમજાય,
પણ વસંતનું આગમનના જણાય!!!
તો કેમ મનાય?
સુકાયેલા પાંદડા ન દેખાય તો સમજાય,
પણ નવી કૂંપળો જોઈ, મન ના મલકાય,
તો કેમ મનાય?
દુનિયાનો ઘોંઘાટ ના સંભળાય તો સમજાય,
પણ કોઈ ધિરેકથી કાનમાં લાગણી રેલાવી જાય અને દિલ
ધબકારો, ચૂકી ના જાય,
તો કેમ મનાય?"

આ અંતની લીટીઓ કાનમાં પડતાં જ પ્રતીકે પોતાનુ માથુ મોબાઈલમાંથી કાઢી ઊંચું જોયું. એને કવિતાઓમાં કંઈ રસ ન હતો, પણ આ છેલ્લાં શબ્દો દિલમાં વસી ગયાં એવું લાગ્યું. મંચ પર નજર કરી તો પચ્ચીસ-એક વર્ષની યુવતી પોતાનું કાવ્ય પ્રસ્તુત કરી રહી હતી. ચારે બાજુ તાળીઓનો ગડગડાટ સંભળાયો, પ્રતીકને વન્સ મોર કહેવાની ઈચ્છા થઈ, પણ ચૂપ રહ્યો.
કાર્યક્રમ પૂરો થઈ ગયો પ્રતીકને હાશકારો થયો. પ્રતીક નવો નવો કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે જોડાયો હતો. એનું પી.એચ.ડી પૂરું કરી, તે નોકરી પર લાગ્યો હતો. આજે કોલેજની આર્ટસ ફેકલ્ટી તરફથી વસંતોત્સવનો ભોજન સાથેનો કાર્યક્રમ હતો તેમાં પ્રતીકને આમંત્રણ હતું. એને સાહિત્ય પ્રત્યે રુચિ ન હતી, પણ પોતાના પરમ મિત્ર નૈતીકના આગ્રહને વશ તે આવ્યો હતો.
કાર્યક્રમ પૂરો થયો પણ નૈતિક ક્યાંય દેખાયો નહીં. પ્રતીક વિચારમાં જ હતો કે ભોજન માટે જવું કે ઘરે પરત થઈ જવું જોઈએ, ત્યાં જ નૈતીક ક્યાંકથી આવી ટપક્યો.
"સૉરી પ્રતીક તને કાર્યક્રમમાં કંપની ના આપી શક્યો પણ આટલી સુંદર રચનાઓનો આનંદ મારે કોઈ રસિક જોડે લેવો હતો, તારા જેવા નીરસ જોડે મજા ના આવત એટલે....." એમ કહી તે જોરથી હસવા લાગ્યો. પ્રતીકને ખબર હતી નૈતિક પલ્લવી જોડે બેઠો હશે.
બંને મિત્રો ભોજન ખંડ તરફ ગયા. પ્રતીક જમતાં જમતાં કોઈકને શોધી રહ્યો હોય એવું લાગતાં નૈતિકે પૂછ્યું," કેમ જમવાનું બરાબર નથી, રસોઈયાને શોધે છે?"
પ્રતીકે હસતા હસતા કહ્યું,"ના રસોઈ તો સરસ છે, આતો આજે છેલ્લી કવિતા વાંચનારને શોધતો હતો, સરસ લખ્યું હતું એટલે અભિનંદન આપવા હતા."
"ઓહો! શું વાત છે? તને અને કોઈ કવિતા ગમી વાહ વાહ વાહ!"
જમવાનું પૂરું થયું, પણ પ્રતીકને થોડો અફસોસ રહી ગયો. બંને મિત્રો ઘરે ગયાં. પ્રતીક આજે બહુ ખુશ હતો, કેમ? એ તો તેને પણ ક્યાં ખબર હતી. રાત્રે તે પેલી કવિતાની છેલ્લી કડી યાદ કરતાં કરતાં સૂઈ ગયો. સવારે કૉલેજ જવાના વિચારથી જ તે મનમાં મલકાયો અને સરસ તૈયાર થઈ ગયો. પોતાને અરીસામાં જોતાં જ એને પોતાના વખાણ કરવાની ઈચ્છા થઈ. કૉલેજ તે અને નૈતિક સાથે જ જતાં. બંને ખૂબ સારા મિત્રો હતાં. બંનેએ સાથે પી.એચ. ડી કર્યું અને સાથે નોકરીએ જોડાયા. નૈતિકને આજે પ્રતીક કંઇક જુદો લાગતો હતો, પણ તેણે કશું પૂછ્યું નહીં.
કૉલેજનું સત્ર પતી ગયું હતું એટલે વિદ્યાર્થીઓને વાંચવાની રજા હતી. પ્રતીક અને નૈતિકને કોઈ ખાસ કામ ન હતું તેથી ખાલી હાજરી આપવી જરૂરી હતી. પ્રતીકે સ્ટાફ રૂમમાં પોતાને એકલો જોતાં જ એક પટાવાળાને આર્ટસ ફેકલ્ટી વિશે પૂછ્યું. નૈતીક આસ પાસ ન હતો એટલે તે આર્ટસ ફેકલ્ટી સુધી આંટો મારી આવ્યો પણ ક્યાંય એ જેને શોધતો હતો તે મળ્યું નહીં. નૈતિકને એની બેચેની દેખાઈ ગઈ. તે મનમાં ને મનમાં મલકાયો. થોડા દિવસ એમ જ વીતી ગયાં.
એક દિવસ નૈતિકે પ્રતીકને કહ્યું,"ચાલ આપણે એકાઉન્ટસ ફેકલ્ટીમાં જઈ આવીએ, ત્યાંના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને મળવાનું છે."
પ્રતીકને નવાઈ લાગી,"કેમ જવાનું છે ત્યાં?" તેણે પૂછ્યું.
નૈતિકે કહ્યું,"મારી એક દૂરની બેન છે એને એડમિશન લેવું છે, એટલે થોડી પૂછપરછ કરવાની છે."
ઓફિસના દરવાજે પહોંચ્યા ત્યાં જ નૈતિકનો ફોન વાગ્યો. નૈતિકે પ્રતીકને અંદર જવા કહ્યું. ઓફિસમાં કોઈ હતું નહિ, ટેબલ પર નેમ પ્લેટ વાંચી 'શર્વરી પ્રધાન' પ્રતીકને નામ ખૂબ ગમ્યું. એ હજી કંઈ વિચારે ત્યાં જ એક યુવતી અંદર પ્રવેશી.
"માફ કરજો તમારે રાહ જોવી પડી, એક અગત્યનું કામ હતું એટલે જવું પડ્યું, હું શર્વરી, આપ?"
પ્રતીક તો જાણે ક્યાંક ખોવાઈ ગયો હતો, આતો.... એ જ કવિતા વાળી યુવતી હતી જેને એ આર્ટસ ફેકલ્ટીમાં શોધતો હતો. સામેથી ફરી પૂછવામાં આવ્યું ત્યારે પ્રતીકને ખ્યાલ આવ્યો કે તે સ્વપ્ન નથી જોતો અને તે એની સામે જ બેઠો છે અને તેનું નામ શર્વરી છે. તે મનમાં ને મનમાં મલકાયો. એને થયું જોરથી ચીસ પાડીને પોતાની ખુશી વ્યક્ત કરે, પણ પોતાના મન પર કાબુ રાખી તેણે પોતાની ઓળખાણ આપી,"હું ડૉ પ્રતીક નાણાવટી, ફિઝિક્સનો પ્રોફેસર છું. થોડા સમય પેહલાં જ કૉલેજ જોઇન કરી છે."
"ચા લેશો કે કૉફી?" શર્વરીએ પૂછ્યું.
"હું ચા લઈશ પણ મારી જોડે કોઈ બીજું પણ આવ્યું છે એ બહાર ફોન પર વાત કરે છે."
પટાવાળો આવ્યો એટલે શર્વરીએ તેને બે ચા લાવવાનું કહ્યું.
"તમે કવિતા ખૂબ સારી લખો છો. મેં તમને વસંતોત્સવમાં સાંભળ્યા હતા. મને એમ કે તમે આર્ટસ ફેકલ્ટીમાં હશો."
"કેમ, કોમર્સ કે સાયન્સ વાળા લોકો કવિતા ના લખી શકે? કેમ એમને હૃદય નથી હોતું? જેને તે વાચા આપી શકે" શર્વરીએ નવાઈ પામતાં પૂછ્યું.
પ્રતીકને જરાક સંકોચ થયો,"ના ના એવું નથી કહેવા માંગતો. હૃદય તો બધાને હોય અને દરેક હૃદય કંઇક તો કહેવાં માંગતું જ હોય છે." અત્યારે એનું જ હૃદય આમ તેમ ઉછળી રહ્યું હતું. તે શર્વરીને જોઈ રહ્યો હતો. સાવ સાધારણ દેખાવ વાળી, પણ એક આકર્ષક વ્યક્તિત્વ હતું એનું. આંખો એટલી સુંદર હતી કે પ્રતીકને થયું કે તે ક્યાંક એમાં ખોવાઈ જશે તો બહાર જ નહીં નીકળી શકે. આમ પણ બાહર નીકળવું કોને હતું! પ્રતીક તો શર્વરીની સાદગી અને સુંદરતા જોઈ રહ્યો હતો.
ઓફિસનો દરવાજો ખૂલ્યો
"હાઈ, હું નૈતિક, સોરી જરા ફોનમાં અટવાઈ ગયો હતો." એટલામાં ચા આવી, બંને મિત્રોએ ચાનો સ્વાદ માણ્યો.
"શર્વરી મેડમ, મારે તમારી પાસેથી થોડી જાણકારી લેવી હતી, પણ હવે જેને માટે આ કરવાનું હતું એ આર્ટસમાં રસ ધરાવે છે એવો હમણાં જ ફોન આવ્યો એટલે તમારો સમય બગાડવા માટે માફી માંગુ છું".
"અરે ના ના એમાં શું! ચાલો એ બહાને નવી ઓળખાણ થઈ." એમ કહી શર્વરી હસી. પ્રતીક તો ઘાયલ હતો એને કંઈ સમજ ન પડી. બસ આવજો કહી ત્યાંથી નૈતિક સાથે નીકળી ગયો, પણ હૈયું તો તેનું ત્યાં જ રહી ગયું હતું.
થોડા દિવસો પછી પરીક્ષા શરૂ થઈ. પ્રતીકનું સુપરવિઝન આવ્યું. એના નસીબે સુપરવિઝન કોમર્સના ક્લાસમાં આવ્યું. તેણે જોયું કે છોકરાંઓ બધા ખુશ હતા. એણે એકને પૂછ્યું,"કયુ પેપર છે? આજે બધાં ખુશ છો. કોઈ ચિંતા દેખાતી નથી?"
પેલાએ જવાબ આપ્યો કે,"આજે તો અમારા પ્રિય મેડમનું પેપર છે. એકાઉન્ટસનું.
પ્રતીકે એક ચોક્કસ જવાબની આશાએ બીજો પ્રશ્ન પૂછ્યો," કોણ ભણાવે છે એકાઉન્ટસ?"
જવાબ આપનાર હરખપદુડો હતો તેણે કહ્યું,"એતો શર્વરી મેડમ ભણાવે છે. એ ભણાવે એટલે ચિંતા જ ન હોય. એમનો રેકોર્ડ છે ૧૦૦% પરિણામનો. આપણે ખાતરી આપીએ કે મેડમની બે વાત નક્કી હોય, સો ટકા પરિણામ અને પોતાનું પેપર હોય ત્યારે સાડી." એમ કહી તે મોજમાં આવી ગયો.
પ્રતીકને ખૂબ નવાઈ લાગી પણ જાણે એતો શર્વરીનો ફેન થઈ ગયો હોય એવું લાગ્યું. પેપરનો સમય શરૂ થયો. બધી બાજુ શાંતિ ફેલાઈ ગઈ. પ્રતીકને મનમાં હતું કે પોતાનું પેપર હશે તો શર્વરી આવશે ચોક્કસ. એ વિચારોમાં ને વિચારોમાં સમય ઘણો થઈ ગયો અને પ્રતીકની બેચેની વધી રહી હતી. એને થયું લાવને કોઈ દેખાય તો રિલિવર માટે પૂછું. હજી તો દરવાજા તરફ જવાનું વિચાર્યું ત્યાં જ દરવાજા પર શર્વરી દેખાઈ.
આજે તો તે ખૂબ સુંદર લાગતી હતી. વાદળી રંગની સાડીમાં સજ્જ એ અલગ લાગતી હતી. પ્રતીકે તેને આવકાર આપ્યો. તે સ્મિત રેલાવતી અંદર દાખલ થઈ.
"તો છોકરાંઓ કેવું છે પેપર? આમ તો કોઈ ભૂલ નથી, પણ તમારે કંઇ મુંજવણ હોય તો બોલો.
"અરે વાહ કોઈ ને કોઈ તકલીફ જ નથી વાહ!! તો આ વખતે બધા સરસ પરિણામ લાવશો, બરાબર ને?" એવું કહીને એ મસ્તી ભર્યું હસી.
તેણે પ્રતીકને કહ્યું કે," મારે બધે રાઉન્ડ પતી ગયા છે તમારે ફ્રેશ થવું હોય તો જઈ શકો છો, હું છું અહીઁ."
પ્રતીકને તો ક્યાંય જવું જ ન હતું, પણ એક આંટો મારી પાછો આવી ગયો.
પેપર પૂરું થયું. શર્વરી તો ક્યારની જતી રહી હતી, પણ પ્રતીક એના વિચારોમાં મસ્ત થઈ ધીરે ધીરે પાછળનું કામ આટોપી રહ્યો હતો. નૈતિક તેને શોધતો શોધતો આવ્યો,"ચાલને ભાઈ ક્યાં ખોવાઈ ગયો?" બંને વાત કરતાં કરતાં નીકળ્યા. પ્રતીક ઘરે આવ્યો, પણ આજે એને ચેન નહોતું પડતું. એમાં પાછું યાદ આવ્યું કે કાલે તો રવિવાર છે અને કાલે શું કરશે, એ આખો દિવસ કેમ પસાર કરશે? સવારે મોડો ઉઠ્યો, આખી રાત જાણે વિચારો અને સપનાઓમાં જ પૂરી થઈ એવું એને લાગ્યું. એની નજર સામેથી શર્વરી ખસતી જ ન હતી. ચા પીતા પીતા છાપું વાંચતો હતો ત્યાં જ ફોનની ઘંટડી વાગી. ફોન પર ‌નૈતિક હતો,"ગુડમોર્નિંગ, શું ખબર છે? ચા પીવાઇ ગઇ? સાંજનો‌‌ શું પ્રોગ્રામ છે? આજે સાંજે મારા ઘરે ભેગા થઈએ? બોલ ફાવશે? "
પ્રતીકના જીવમાં જીવ આવ્યો, એને માટે આ રજાનો દિવસ ઘણો અઘરો હતો. તેણે તરત હા કહી. એને વિચાર આવ્યો કે નૈતિકને મળશે તો શર્વરીની વાત કરશે અને થોડી મનમાં શાંતિ થશે. સાંજે પ્રતીક નૈતિકને ત્યાં જવા તૈયાર થયો. આમ તો તે કોઈ દિવસ ખાસ તૈયાર થતો નહિં, પણ આજે શર્વરીના વિચારોમાં સરસ તૈયાર થયો. તે નૈતિકને ત્યાં પોહંચ્યો. એને એમ કે હમણાં નૈતીક દરવાજો ખોલશે, પણ દરવાજો ખુલતાં જ તેને ખબર ના પડી કે તે શું બોલે? સામે તો જીન્સ અને ટીશર્ટમાં શર્વરી ઊભી હતી.
પ્રતીકે તેને આ રૂપમાં પેહલી વાર જોઈ હતી અને તે ખૂબ જ સુંદર લાગતી હતી. શર્વરી આમ તો દેખાવમાં સાધારણ હતી, પણ એનામાં કઈંક કશિશ તો હતી.
"અંદર આવવું છે કે અહીં જ ઉભા રહેશો?" આ સાંભળી પ્રતીક વિચારોમાંથી બહાર આવ્યો અને શર્વરી હસી પડી.
અંદર ગયો એટલે નૈતિક બોલ્યો,"આવ હીરો આને મળ આ છે શર્વરી પ્રધાન, તે પલ્લવીની ખાસ ફ્રેન્ડ છે." બધાં જોરથી હસી પડ્યાં.
પ્રતીકને નવાઈ લાગી કે આ વાત નૈતિકે એને પેહલાં કેમ ના જણાવી, પણ પાછળથી એને ખ્યાલ આવ્યો કે નૈતિકે તેને શર્વરી જોડે પરિચય કરાવવા માટે જ બધું નાટક કર્યું હતું અને હવે તે જાણી ગયો હતો કે પ્રતીકનું દિલ કોને માટે ધબકે છે. એટલે આજે બધાને ભેગા કર્યા હતા. ચારેય જણાએ ભેગા થઈ ખૂબ મજા કરી, સરસ જમવાનું જમ્યા અને પ્રતીકને પણ શર્વરીને જાણવાનો મોકો મળ્યો. છુટાં પડતી વખતે નૈતિકે પ્રતીકને કહ્યું,"શર્વરીને ડ્રોપ કરી દઈશ?" પ્રતીકે હસતાં હસતાં કહ્યું,"ના ડ્રોપ નહીં કરું, પણ લિફ્ટ ચોક્કસ આપીશ".
બંને જણા ત્યાંથી નીકળ્યા. રસ્તામાં પ્રતીકે શર્વરીને પોતાના હૈયાની વાત કહી, તેણે કહ્યું,"શર્વરી હું કવિ તો નથી અને મને તેમાં બહુ ખબર પણ નથી પડતી, પણ આજે મને એમ લાગે છે જાણે હું સૌથી સુંદર કવિતા તારે માટે લખું. તારી આ સુંદર આંખોમાં હું ખોવાઈ જવાં માંગુ છું. હું મારા જીવનના દરેક સૂર્યોદય અને સૂર્યાસ્ત તારી સાથે જોવાં માંગુ છું અને તને સદાય મારી આંખોમાં સજાવવા માંગુ છું."
શર્વરી શરમાઈ ગઈ, પણ પછી એનાથી હસી દેવાયું અને તેણે કહ્યું,"તારા શબ્દો સાંભળ્યા કરું એવું મન થાય છે, પણ ખાલી એવું કહી દીધું હોત કે તું મને પ્રેમ કરે છે તો પણ ચાલત."
બંને જોરથી હસી પડ્યા.

"હવે આપણી વચ્ચે હાજર થશે પ્રતીક નાણાવટી અને તે તેમની કવિતા રજૂ કરશે" આ શબ્દો સાંભળતાં જ પ્રતીકના વિચારો પર પૂર્ણવિરામ મુકાયો અને તે ઊઠી મંચ પર આવ્યો. તેણે બોલવાનું શરૂ કર્યું,"આજે આ વસંતોત્સવ નિમિત્તે હું મારી લાગણીઓની અભિવ્યક્તિ કરીશ. આજે શર્વરી અહીં હાજર નથી. એ અમારે ત્યાં વસંતમાં નવા ફૂલના આગમનની તૈયારીમાં વ્યસ્ત છે એટલે આજે તમારે બધાંએ મને સહન કરવો પડશે." અને હસી પડ્યો. મંચ પરથી થોડી લીપીઓ બોલાઈ,
"તારા વગર જીવન પાનખર હતું એમ નહી કહું, પણ તારા આવ્યા પછી ખીલેલા ફૂલની સુંદરતા જણાઈ છે.
તારા વિના જીવન સુનું હતું એમ નહીં કહું, પણ તારા આવ્યા પછી જીવનમાં પ્રેમનો રણકાર સંભળાય છે.
તારા વિના દિવાળીમાં અંધકાર હતો એમ નહીં કહું, પણ તારા આવ્યા પછી દીવાનો પ્રકાશ ઉજવાય છે.
તારા વિના હૈયાના ધબકાર નહતાં સાંભળ્યા એવું નહીં કહું, પણ તારા આવ્યા પછી દરેક ધબકારનું કારણ સમજાય છે."
આખો‌ હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.











10
શીર્ષક : વિષ્ણુ
લેખન : ચિરાગ. કે. બક્ષી

વિષ્ણુ શેઠ અને સ્નેહલતાનાં લગ્ન એ વખતે ખરાં અર્થમાં શ્રેષ્ઠ રહ્યાં હતાં. વિષ્ણુ એક મોટા ઉદ્યોગપતિ અને સ્નેહલતા એક ઘરરખુ ગૃહિણી. બંનેના પ્રસન્ન દામ્પત્યનું રહસ્ય હતું, એકબીજા માટે પૂરતો સમય ફાળવવો. બંને પોતપોતાની જવાબદારીઓનું એવી રીતે આયોજન કરતાં કે વિષ્ણુ સ્નેહલતા માટે અને સ્નેહલતા વિષ્ણુ માટે જે જ્યારે ઈચ્છે ત્યારે આંખમાં આંખ મેળવીને પ્રેમપૂર્વક પ્રેમનું ટોનિક મેળવી લેતાં.

એમનાં દામ્પત્ય જીવનના બાગમાં એમના પ્રેમના પ્રતીક રૂપે બે ફૂલ ખીલ્યાં હતાં. આરવ અને નીરવ. પતિ-પત્નીમાંથી માતા-પિતા બન્યાનો આનંદ વિષ્ણુ અને સ્નેહલતા બાળકોને સુસંસ્કાર આપીને ઉછેરવામાં માણી લેતાં.

આરવ કોલેજમાં ભણવાની સાથે ઈતર પ્રવૃત્તિઓમાં નામ કમાયો અને ભણતરના અંતિમ પડાવમાં સી. એ. થયો. નીરવ થોડો અંતર્મુખી. ભણવામાં પણ બહુ હોશિયાર નહિ. એ પોલિટિકલ સાયન્સ સાથે બી. એ. થયો અને વિષ્ણુએ એમની ઓળખાણ વાપરીને નીરવને એક કંપનીમાં સ્ટોરમાં નોકરી અપાવી દીધી.

સી. એ. આરવ અને બી. એ. નીરવ એમના ક્ષેત્રમાં હાથ બેસાડતા હતા અને ધીરે ધીરે નિપુણ બનતા જતાં હતા. વિષ્ણુએ એ ખાસ નોંધ્યું હતું કે નીરવ પણ હવે ઈંગ્લીશ સારું બોલી લેતો.

બંને બાળકોના લગ્નનો સમય પાકી ગયો. આરવના લગ્ન સ્નેહા સાથે થયાં અને નીરવના લગ્ન વિભૂતિ સાથે થયાં. વિષ્ણુ અને સ્નેહલતા પહેલાં પતિ-પત્ની પછી માતા-પિતા અને હવે સાસુ-સસરાના પાત્રને યોગ્ય ન્યાય આપવામાં મશગુલ હતાં. એ બંને એમનાં બાળકોનું એ રીતે ધ્યાન રાખતાં કે આરવ અને નીરવના દામ્પત્યજીવન આદર્શ બની રહે.

એક સાંજે જમીને વિષ્ણુ અને સ્નેહલતા એમનાં શયનખંડમાં વાતે વળગ્યાં.

"વિષ્ણુ, તમે પણ એ જ વિચારો છો જે હું વિચારું છું?"

"હા પ્રિયે, હંમેશની માફક આ વખતે પણ તું સાચી છો. મને તારા અને સ્નેહા વચ્ચે મનમેળનો અભાવ દેખાય છે. હું તને ઓળખું છું અને બંને બાળકોને જે રીતે ખાસ કરીને તે ઉછેર્યા છે એ રીતે તું બધું જતું કરીને એ બંને ખુશ રહે એવા પ્રયત્નો કરે જ પણ સ્નેહા કેમ પ્રતિભાવ નથી આપતી?"

"હા વિષ્ણુ, મારું મન પણ ડંખ્યા કરે છે કે મારામાં કઈ એવી કચાશ છે જેને કારણે હું હજુ સ્નેહાને મારી નથી બનાવી શકી? અને હવે તો એની ડિલિવરીને બે જ મહિના બાકી રહ્યાં છે. આવનાર બાળક ઉપર આ કાચાં મનમેળની અસર ના પડે એ મારી મુખ્ય ઈચ્છા છે."

"હા, બસ તું શ્રેષ્ઠ છો જ અને તારી એ જ સદગુણોની ટોપલી આ સમસ્યાને ઉકેલી શકશે. આમ તો મારાથી પુછાય નહિ પણ એક વાત પૂછું? હજુ વિભૂતિ ….."

"વિષ્ણુ!!!"

"ઓકે ઓકે ઓકે…"

શયનખંડનો પ્રકાશ તો ઓલવાઈ ગયો પણ બંનેનાં વિચારોનો પ્રકાશ હજુ અકબંધ હતો.

આરવ અને સ્નેહા ચિરાયુના માતા પિતા બન્યાં. બાળક ચિરાયુમાં વિષ્ણુ અને સ્નેહલતા એમનું બાળપણ શોધતાં અને એમાં અને એમાં જ એ બાળપણ શૈશવમાં ઝડપથી પરિવર્તિત થઈ ગયું. ચિરાયુ દાદા-દાદી પાસે ખૂબ વહાલથી રહે અથવા એમ કહીએ તો ચાલે કે દાદા-દાદી પૌત્રને ખૂબ જ વહાલથી રાખે.

નીરવકાકા પાસે પણ ચિરાયુ લાડ અને જીદ કરે.

"સ્નેહ! તે એક વાત જોઈ? ચિરાયુ હવે ચાર વર્ષનો થયો. મારા ધ્યાનમાં બીજી પણ બે વાત કેટલાય સમયથી અટવાયાં કરે છે એ વાત આજે તને કહેવી છે."

"બોલો વિષ્ણુ …."

"મને તારી અને સ્નેહાની વચ્ચે મનમેળની દિશામાં કોઈ ખાસ સુધારો નથી દેખાતો સાથે સાથે આરવ અને ચિરાયુ વચ્ચે પણ એક સેતુની ખોટ હું જોઈ રહ્યો છું. બાપ દીકરો કેટલી વાત કરે છે? આરવ એ ચિરાયુ સાથે કેટલો સમય વિતાવે છે? યાદ છે? હું આરવ અને નીરવ બંને સાથે આપણી કંપનીએથી આવીને કેટલો સમય વિતાવતો? મારે મારાં બંને બાળકો સાથે એક સંવાદ ટકાવી રાખવો હતો અને એમાં હું મોટે ભાગે સફળ થયો છું. આરવ એટલો વ્યસ્ત છે કે એના દીકરા સાથે સંવાદ ના કેળવી શકે?"

"વિષ્ણુ, આ વાત મને પણ ખૂંચે છે, પણ તમને એક વાત કહું? આ વાતમાં આપણાથી કાંઈ ના બોલાય. સમય બદલાયો છે. સમયના મૂલ્યો બદલાયાં છે. એ બંનેને ચિરાયુને અમુક રીતે ઉછેરવો હોય અને એ પ્રમાણેના ઉછેરમાં આપણને સંવાદનો અભાવ દેખાય એ આપણો પ્રાચીન અભિગમ કહેવાય. તમે બીજી પણ એક વાત કહેવાના હતા, એ કઈ?"

"સ્નેહ, નીરવ અને વિભૂતિ કેવાં પતિ-પત્ની છે? એ બંને વચ્ચે કાંઈ થયું છે? કોઈ ગેરસમજણ કે કોઈ અણબનાવ? શું વાત છે? તું તો આખા દિવસ દરમ્યાન ઘેર હોય છે. જેટલો સમય એ બંને ઘરમાં હોય છે એટલાં સમયમાં એ બંને એકબીજાની સાથે કેટલો સમય વિતાવે છે? વળી એકબીજાની વાતને કાપવામાં તો બંને એક્કા છે. બંને વચ્ચે કોઈ ગંભીર પ્રશ્ન તો નથી ને?"

સ્નેહલતા કાંઈ જ ના બોલ્યા.

વિષ્ણુ સમજી ગયા કે કોઈ તો પ્રશ્ન છે.

એક દિવસ કંપનીમાંથી આવીને જમતી વખતે વિષ્ણુએ બધાં જ કુટુંબીઓને જમ્યાં પછી દીવાનખંડમાં ભેગાં થવા કહ્યું.

બધાં જ અચંબામાં પડી ગયાં. અચરજની વચ્ચે બધાં ભેગાં તો થયાં પણ બધાંની આંખોમાં એક જ પ્રશ્ન હતો, પપ્પા શું કહેશે?

"સ્નેહ અને મારાં બાળકો, આજે તમને બધાંને મારે એક વાત કહેવી છે. મને ગયા અઠવાડીયે મારી તબિયત અસ્વસ્થ લાગતાં મેં ડૉક્ટરને બતાવ્યું હતું અને મેડિકલ રિપોર્ટ પ્રમાણે મારું લીવર ખરાબ થઈ ગયું છે. સ્નેહ! મને માફ કરજે આ વાત મેં તારાથી પણ છુપાવી છે. લીવર જ શરીરમાં એક એવું અંગ હોય છે જેને બદલી નથી શકાતું એટલે એની દવા લેવાની અને એની પાસે જેટલું કામ લેવાય એટલું લેવાનું. કદાચ દસ અઠવાડિયાં પછી મારો ફોટો મૂકવાનો વારો આવે ત્યારે અહીં દીવાનખંડમાં તો એ સારો નહિ લાગે એટલે એને સ્નેહ આપણાં શયનખંડમાં જ.….."

"પપ્પા, તમે આ શું કહો છો? તમને કાંઈ જ નહિ થાય. મારે અબુધાબીના મોટા 'ગેસ્ટ્રોલોજિસ્ટ' સાથે 'ક્લોઝ' સંબંધ છે. ગયા વર્ષે એમનું ગરબડવાળું આર્થિક પાસું મેં સુલટાવી આપ્યું હતું એટલે એમને હું હમણાં જ સંપર્ક કરું છું અને તમારી સારામાં સારી દવાની માહિતી લાવું છું." આરવ બોલી ઉઠ્યો.

સ્નેહલતા તો રોવાનું રોકી જ શકતા નહોતા એટલે એ અવાચક બનીને દિગ્મૂઢ થઈ બેસી રહ્યાં હતાં.

"મારી વાત હજુ પૂરી થઇ નથી. મારી એ ઈચ્છા છે કે મારે ફોટામાં જવાનું આવે એ પહેલાં મારે ત્રણ વાતને સાકાર થતી જોવી છે.

૧.) સ્નેહા અને એમનાં સાસુ વચ્ચે મનમેળ
૨.) આરવ અને ચિરાયુ વચ્ચે અર્થપૂર્ણ સંવાદ જે આજીવન ચાલશે.
અને
૩.) નીરવ અને વિભૂતિ વચ્ચે જે પણ ઘર્ષણ હોય એનો કાયમી નિકાલ.

આ માટે તમે બધાં આજની તારીખ જોઈ લો. આજથી દસ દિવસ પછી આપણે સહુ આ જ રીતે અહીં મળીશું અને આ અંગે આગળ વાત કરીશું."

શયનખંડમાં જઈને સ્નેહ પોતાને રોકી ના શક્યા. "વિષ્ણુ, તમે મારાથી આટલી મોટી વાત છુપાવી? અરે! તમને એટલો વિશ્વાસ નહોતો કે તમારી આ સ્નેહ એનું પોતાનું લીવર કાઢીને તમને આપી દેત અને લીવર બનીને તમારામાં જીવી લેત. વિષ્ણુ આ મને જરાયે ના ગમ્યું. જીવનમાં આ તબક્કે તમે મને નારાજ કરી છે."

વિષ્ણુ સ્નેહના વાળમાં આંગળીઓ ફેરવતા રહયા અને સ્નેહ ક્યારે ઊંઘી ગયા એ કોઈને ખબર ના રહી.

આજે દસ દિવસ પુરાં થઈ ગયાં છે. આજે સ્નેહ અને સ્નેહા કાંઈ વિશેષ વાતે વળગ્યાં છે. આરવે છેલ્લા ત્રણ દિવસથી ઓફિસમાંથી રાજા લીધી છે અને એ બધાં દિવસો એણે ચિરાયુ સાથે વિતાવ્યા છે. જમવાનું પૂરું થાય એની રાહ આ બંને દ્વંદ્વ જોઈ રહ્યાં છે. આ બાજુ નીરવ હમણાં જ આવ્યો છે અને હાથ ધોઈને જમવા બેસી ગયો છે. વિભૂતિ ઘરના જ પહેરવેશમાં છે અને નીરવને પીરસવામાં મગ્ન છે. વિષ્ણુ આ બધું એમને ત્રેસઠ વર્ષની અનુભવી આંખે જોઈ રહયા છે. ભોજન પત્યું. બધાં દીવાનખંડમાં આવીને ગોઠવાઈ ગયાં. વાતની શરૂઆત સ્નેહલતાએ કરી.

"વિષ્ણુ, તમારી તબિયત કેમ છે?"

"બસ ચાલે છે."

"આજે શરૂઆત હું કરીશ. મારી અને સ્નેહા વચ્ચે જે થોડો વિચારભેદ હતો એ બાબતે અમે બંનેએ સાથે બેસીને વિગતે વાત કરી લીધી છે. ક્યાંક મારે મારા સ્વભાવમાં ફેરફાર કરવાનો છે તો ક્યાંક મારી લાડકી સ્નેહું પણ અનુકૂલન કરશે. વિષ્ણુ, હું અમારાં બંને તરફથી તમને ખાતરી આપું છું કે અમારાં બંનેની માનસિક એકતા અમને શ્રેષ્ઠ સાસુ-વહુનું બિરુદ અપાવશે."

"સરસ."

"પપ્પા, આજે હું કાંઈ નહિ કહું. તમે ચિરાયુને જ સાંભળો"
"દાદાજી, મારા પપ્પા મારી સાથે કેટલું બધું રમ્યા!!! અમે તો પેલી છુક છુક ગાડીમાં પણ ગયા ને પપ્પાએ મને ત્રણ આઇસ્ક્રીમ ખવડાવ્યાં. મને પપ્પા બહુ ગમે છે. હું ને પપ્પા રોજ જ ગેમ રમીશું અને પપ્પા મને બહુ મઝા કરાવશે."

"સરસ બેટા, ખૂબ ખુશ રહો."

"હવે હું એટલે કે નીરવ બોલીશ. આજ સુધી ઘરના બધાં સભ્યો મને ઓછાબોલો, અંતર્મુખી માનતાં રહ્યાં છે પણ આજે હું મારી વાત સ્પષ્ટ કહેવા માંગુ છું. બધાં ધ્યાનથી સાંભળજો. મમ્મી, તું પણ…..પપ્પાને કાંઈ જ થયું નથી. પપ્પાનો રિપોર્ટ નકલી છે. પપ્પાએ જયારે રિપોર્ટની વાત કરી ત્યારે હું ખૂબ ડરી ગયો હતો પણ મેં હિંમત ભેગી કરીને એ રિપોર્ટ મેળવી લીધો.

પપ્પા, સ્ટાર લેબોરેટરીના સ્પેલિંગમાં નીચે જે આડી લીટી છે એ આછાં ભૂરા રંગની છે લીલા રંગની નહિ.

આટલી વાત જાણ્યાં પછી મેં સ્ટાર લેબોરેટરીનો સંપર્ક કર્યો અને તમારે માટે પૂછ્યું. તો એમણે જણાવ્યું કે તમે ત્યાં ગયા જ નથી.

પપ્પા, તમે ખોટું કેમ બોલ્યા? તમારે પેલાં ત્રણ પ્રશ્નોનું સમાધાન જોઈતું હતું એટલે આવાં જુઠ્ઠાણાંની મદદ લેવાની?

અને ચાલો ત્યારે તમને એ વાત પણ કહી દઉં કે તમે તમારા પહેલાં બે હેતુમાં સફળ થયા પણ મારા અને વિભૂતિના પ્રશ્નમાં તમને કોઈ સફળતા નહિ મળે.....“

“બસ નીરવ. તે બહુ કહી દીધું. હવે હું તને નહિ બોલવા દઉં.
પપ્પાને કોઈ બીમારી છે કે નથી એની સાથે મને જરાયે સંબંધ નથી પણ આજે હું પણ નિરવની જેમ એક સત્ય તમારા બધાંની સામે મૂકવા માંગુ છું.

હા, હું અને નીરવ સારું દામ્પત્ય જીવન નથી જીવી રહ્યાં અને એને માટે હું જ જવાબદાર છું.

પપ્પા, તમને અમારા લગ્ન વખતે મારા પિયર પક્ષ સાથે થયેલી ઉગ્ર બોલાચાલીનો ખ્યાલ તો હશે જ. બસ એ મુદ્દે, મેં પણ ગાંઠ બાંધી લીધી હતી કે તમારો આ પૈસાનો ઘમંડ ઉતારીને જ રહીશ, કારણ કે તમે એ વખતે જાનમાં આવનારા માણસો માટે, ભોજનનાં મેનુ માટે, વ્યવહાર માટે જે વાતો મૂકી હતી એના ઉપરથી તમારું વ્યક્તિત્વ લાલચુ જ હશે એમ મેં માની લીધેલું. તમે તો બહુ મોટા વ્યક્તિ એટલે તમને તો હું પહોંચી ના શકું એટલે મેં નક્કી કર્યું કે હું આ વાતનો બદલો નીરવની જિંદગી બરબાદ કરીને જ લઈશ.

મેં નીરવને હેરાન કરવામાં કોઈ કચાશ બાકી રાખી નથી. એનું ખાટું વર્તન મારા દુર્વ્યવહારને કારણે જ છે. આ હકીકત છે અને હવે અત્યારની પરિસ્થિતિ તમને બધાંને જણાવી દઉં. હું જ્યારે છેલ્લે મારે પિયર ગઈ હતી ત્યારે મને ઘણી વાતોની ખબર પડી જેને કારણે મારું મન મને ખૂબ ડંખવા લાગ્યું.

પપ્પા, તમે તો લગ્નનો આખો ખર્ચ ઉઠાવી લેવાના હતા પછી એમાં કેટલાં માણસો હોય કે શું મેનુ હોય એ વાત ગૌણ છે. વ્યવહારમાં અહીંથી મને જે પહેરાવવામાં આવ્યું છે એ મારા કુટુંબમાં છેલ્લાં વીસ વર્ષમાં કોઈ છોકરીને એનાં સસરા પક્ષ તરફથી પહેરાવવામાં આવ્યું નથી.

મને આજે કબૂલવા દો કે મારા પિયર પક્ષે આટલો બધો પૈસો નહોતો જોયો એટલે આ બધી વાતો મને ઊંધી રીતે કહેવામાં આવી હતી.

હવે તો મને એમ લાગે છે કે મારાં પિયર પક્ષની નજર આ ઘરનાં પૈસા ઉપર જ હતી!!!

આ વાક્ય હું ભૂતકાળમાં એટલે બોલી કે હું મારા પિયરની સાથેનો સંબંધ કાયમને માટે તોડી આવી છું અને હવે હું મારા પિયર પક્ષ સાથે કોઈ સંબંધ રાખવાની નથી. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તમે કોઈ મને માફ નહિ કરો અને ના જ કરવી જોઈએ પણ આજે પપ્પા આ ઘરની એકતા, કૌટુંબિક મૂલ્યો, સુખ શાંતિ અકબંધ રહે એને માટે જ્યારે પોતાની તબિયતને હોડમાં મૂકી દેવા તૈયાર થયા ત્યારે મારે સાચી કબૂલાત કરવી જ રહી, કારણ કે જો હું આજે ના બોલી હોત તો ક્યારેય હૈયું ખોલી ના શકત. નીરવને અને એને કારણે તમને બધાંને મેં દુઃખી કર્યા છે. બસ હવે એક જ ધ્યેય છે, આ ઘરમાં ખૂબ સુખ શાંતિ આવે અને મારા ભગવાન મને એનું થોડું ઘણું નિમિત્ત બનાવે."

"તારા નાટક હવે બંધ કર વિભૂતિ. હું તો તને માફ નથી કરતો. મારા પપ્પાના સંસ્કાર એટલાં મજબૂત છે કે તને આ ઘરમાં રહેવાની મંજૂરી રહેશે પણ ……"

"બસ નીરવ અને વિભૂતિ. હું હજુ ફોટામાં નથી ગયો. અને હવે તો મારું નાટક પણ પકડાઈ ગયું. વિભૂતિ બેટા, હું વિષ્ણુ શ્રેષ્ઠ મારી જીવનસાથી સ્નેહલતા સાથે તારી આ નિખાલસ કબૂલાત પછી તને માફ કરું છું.

મને મારી ત્રણેય વાતો આજે સફળતાથી મળી ગઈ.

તમારા આ પપ્પા આજે ખુશ છે.

મોગામ્બો ખુશ હુઆ…"

બધાં ખુશીથી છુટાં પડ્યાં. વિભૂતિ અને સ્નેહલતા ખૂબ ભેટીને રડ્યાં. નીરવ થોડો પીઘળતો દેખાયો પણ એના મ્હોં ઉપર આ ભાવ ના આવે એને માટે એ સભાન હતો.

વિભૂતિએ મમ્મીને શુભ રાત્રી કહેતાં કહ્યું," મમ્મી, આવતી કાલે સવારે પપ્પાને ચ્હા આપવા હું જઈશ."

"ચોક્કસ બેટા".

એમના સ્વભાવ પ્રમાણે સ્નેહલતા વહેલા ઉઠી ગયા અને દરવાજો બંધ રાખ્યો જેથી વિભૂતિને પપ્પાને ચ્હા આપવાનો વિશેષ આનંદ રહે.

“પપ્પા ચ્હા” બોલતાં બોલતાં વિભૂતિએ દરવાજો ખોલ્યો. પપ્પા કાંઈ ના બોલ્યા.

"પપ્પા હજુ નારાજ છો?....

પપ્પાઆઆઆ!"

વિભૂતિથી ચીસ પડાઈ ગઈ.

"પપ્પા તમારે મારા હાથની ચા પીવાની હતી, પપ્પા તમારે મને પાસે બેસાડીને હજુ તો સંસ્કારના પાઠ ભણાવવાના બાકી હતાં, પપ્પા, તમારો પ્રેમ તો હજુ મેં ચાખ્યો જ ક્યાં છે?"

જાણે પપ્પાનો નિશ્ચેતન ચહેરો કહી રહ્યો હતો કે બેટા મારું કામ તો પૂરું થઈ ગયું. આમ તો હું મારી સ્નેહ સાથે જ છું પણ હવે એને સાચવવાની જવાબદારી તમને સોંપી.

હવે મારો ફોટો ક્યાં મૂકશો..?






11

શીર્ષક : છલકે મોસમ વરસાદ ની...
લેખન : રીટા મેકવાન ' પલ '
ધરા એકલી ઓટલા પર બેસીને આકાશની રાહ જોતી હતી. આકાશ એક વરસ માટે ભણવા ગયો હતો. ધરા મનોમન બોલી, "આકાશ, આજે રમામાસી કહેતાં હતાં કે કાલે તું આવવાનો છે અને હું ..તારી ધરા...આ મેઘલી સાંજે, કાળા ડીબાંગ વાદળો અને સાંબેલાધાર વરસાદ સાથે વાતો કરી તને યાદ કરું છું. યાદ છે આકાશ! જ્યારે તું એક વર્ષ માટે ભણવા જવાનો હતો. તેની આગલી સાંજે આવા તોફાની તાંડવ કરતાં મોસમી વરસાદી સાંજે આપણે ગામના તળાવ પાસે મળ્યા હતાં સાથે પલળ્યાં હતાં, એકમેકને ભીનો સ્પર્શ આપ્યો હતો. આકાશ મારા ભીના વાળ તારા પર ઝાટકી હું ભાગવા ગઈ અને તેં મને પકડીને બાહોમાં ભરી દીધી હતી. તારા આગમનની રાહ જોતી આ ધરા યાચક બની, ક્ષિતિજે ઉભી રહી, મેઘને દૂત બનાવી સંદેશો કહેવડાવું છું કે મારા આકાશને લઈને આવો.
આકાશ, ખબર છે..! રમા માસી મારી બાને કહેતાં હતાં કે આકાશ આવે એટલે ધરા અને આકાશના ઘડિયાં લગ્ન લેવા છે.
આકાશ, જલદી આવ...આ મોસમ, ભીની ભીની ઋતુ, વરસાદી સાંજ મને તારી યાદોથી, તારા સ્પર્શથી તરબતર કરી રહી છે. આ ધરા તારા પ્રેમની યાચક બની તારી રાહોમાં નજર બિછાવી, તારી રાહ જુએ છે. આકાશ મારે તારામાં ઓગળવું છે. તારા પ્રેમમાં પીગળવું છે."
આકાશ આવવાનો છે એ જાણીને ધરા આખી રાત સૂતી નહોતી અને બીજે દિવસે ખરેખર આકાશ આવ્યો. ધોધમાર વરસાદ અને બન્ને જણાં એ જ જગ્યાએ પહોંચી ગયાં. જ્યાં એક વરસ પહેલાં મળીને છુટાં પડ્યાં હતાં. એ જ તળાવનો કિનારો અને બન્ને જણાં એકલાં અને…

નિર્જન સ્થળે ધરાને આલિંગવા
આકાશ ઝૂક્યું...





12
શીર્ષક : બડી દૂર..સે આયે હૈં.
લેખન : લીના વછરાજાની


એક સન્નાટો હતો. સર સર સર હવાના અવાજ સિવાય કોઈ બીજો અવાજ નહોતો.

આમ તો બે હજારની વસ્તી ભેગી થઈ હતી. પૃથ્વી સહિત દરેક ગ્રહ, ઉપગ્રહ પર ઉત્પાત મચાવતાં, માનવજાત સહિત દરેકને ડરાવતાં, બિહામણી હરકતો અને ભયાનક દેખાવથી દરેકનો શ્વાસ થંભાવી દેતાં ભૂત, પ્રેત, ચુડેલ, પિશાચ, ડાકિની, શાકિની જેવી આખી નાત એકદમ આઘાતમાં હતી.

એકલાં માથાવાળા પિશાચે કહ્યું,“મહાનાયક, આવી પરિસ્થિતિ તો ક્યારેય નથી જોઈ.”

ખી ખી ખી ખી બિહામણું હસતી રહેતી કાળા મોઢાંવાળી ભૂતડી રોતલ અવાજે બોલી,“આપણે તો જ્યાં પ્રગટ થઈએ ત્યાં ડરનો પ્રચંડ માહોલ બની જાય પણ હમણાં બે મહિનાથી તો કોઈ બીતુંય નથી બોલો!”

પચ્ચીસ ફૂટ ઉંચા પ્રેતે ગળું ખંખેરીને કહ્યું,“કાલે હું પૃથ્વી પર એક સ્મશાનની બહાર ઉભો હતો. બે સાયકલ સવાર અને ત્રણ બાઈકવાળાને બીવડાવવા ગયો. પહેલાં તો લોકો ધ્રૂજી જતા, બૂમો પાડતા, પણ કાલે નવાઈની વાત એ બની કે, એ બધાએ મને ધમકાવી નાખ્યો.
“ઓયે, જા અહીંથી, તારા કરતાં વધુ ડર પેલા નાનકા જંતુએ ફેલાવ્યો છે.”

અને આમ જ દરેકે પોતાની વાતમાં માત્ર પૃથ્વી પર ફેલાયેલી ભયાનક બિમારી વિશે વાત કરી.

લાલચોળ આંખ, લાંબા નખ, વિકરાળ ચહેરાવાળા મહાનાયકને અચરજ થયું. એણે કહ્યું,“ડરશો નહીં. આપણું કામ ડરાવવાનું છે. આપણે બીજાને હેરાન-પરેશાન કરવા અને મારવા જ મૃત્યુ બાદ જન્મ લીધો છે. આમ ન જ ચલાવાય. હું પોતે જઈને તપાસ કરીશ.”

રાત્રે બાર વાગે મહાનાયક સાદા માનવવેશમાં પૃથ્વી પર નીકળ્યો.
એક દવાખાના પાસે એણે વિરામ લીધો ત્યાં તો બે પોલીસવાળાએ એને રોક્યો.
“એય, ક્યાં જાય છે?”

“સ્મશાન જાઉં છું.”

“પોલીસની મજાક કરે છે?”

“ના. તું મને ઓળખતો નથી. હું પ્રેતજગતનો સહુથી મોટો મહાનાયક છું.”

“તું કોરોનાને ઓળખે છે? અત્યારે તને વળગી જશે તો તું ક્યાં જઈશ એય નહીં સમજાય.”

જ્યાં પોલીસે એનો હાથ પકડ્યો ત્યાં..
“તને તાવ છે. ચાલ કવૉરન્ટાઈનમાં. હમણાં કોરોના બહુ ફેલાયેલો છે અને તું કાળજી રાખવાનો બદલે ચેપ ફેલાય એમ બહાર રખડે છે?”

અને મહાનાયકને કંઈ સમજાય એ પહેલાં તો એને એકાંતવોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યો.

એ કોરોનાની રાહ જોતો રહ્યો,
આ બીકાળવો વાઇરસ આવે તો જોઉં તો ખરો કે મારાથીય વધુ કેવો ભયાનક છે! જેણે અમારી દુનિયામાંય આટલો ભય ફેલાવ્યો છે તે!

પણ એક કલાકમાં તો એ એકાંતવાસમાં પાગલ જેવો બની ગયો. હાથમાં ખોસેલી નળી અને માસ્ક હટાવીને ઝનૂનપૂર્વક અદ્રશ્ય થઈને પ્રેતજગત પહોંચી ગયો.

હાંફતા, અકળાયેલા, ચિમળાઈ ગયેલા મહાનાયકને માંડ શાતા વળી.
આ સમગ્ર જગતમાં પ્રસરેલા
નવા કિરદારને કોઈએ ન જોયા છતાંય આટલો જબરદસ્ત ભયાવહ માહોલ ખડો કરી દેવા બદલ મહાનાયક સ્તબ્ધ હતો.

સભામાં એણે એલાન કર્યું,