Janaki in Gujarati Moral Stories by Hetal Chaudhari books and stories PDF | જાનકી

Featured Books
Categories
Share

જાનકી

રોજની જેમ સાંજના ૬ વાગતા જ જાનકી ધરની બહાર નીકળી ગઈ.ડાર્ક રેડ લિપસ્ટિક, ભડકાઉ મેકઅપ, ટાઇટ જીન્સ પર ટૂંકી ટીશર્ટ, બેફિકર થઇ પર્સ ઝૂલાવતી તે મોં પર બિન્દાસ ભાવ લઇ શેરીમાંથી બહાર નીકળી, ત્યારે તેના જીવને હાશ થઇ.

ઘરમાંથી નિકળી શેરીમાંથી પસાર થઇ બહાર આવતાં માંડ પાચ મિનિટથી પણ ઓછો સમય થતો, પણ તે તેને ખુબ જ મુશ્કેલ લાગતો, કેમકે રોજ આજ સમયે જ્યારે તે ઘરની બહાર નીકળતી કે બીજી સ્ત્રીઓ તેને જોઇ મોં મચકોડતી. ઘરનાં કોઇ પણ પુરૂષને બહારથી હાથ પકડીને ઘરમા ખેંચી લઇ જવાતો. જોકે એ પુરૂષોની આંખોમાં પણ પોતાને ભોગવી લેવાની લાલચ તે સ્પષ્ટ જોઇ શકતી. પણ તે એક હાઇ ક્લાસ કોલગર્લ હતી જે એક રાતના ૨૦ થી ૫૦ હજાર સુધી ચાર્જ કરતી.જે ચૂકવવાનું આ સામાન્ય ચાલીમાં રહેતા એ પુરૂષોનું ગજુ ન હતું અને એટલે જ દ્રાક્ષ ખાટી એમ વિચારી તેઓ પોતાની પત્ની આગળ શરીફ જ બની રહેતા.

જાનકીને સ્ત્રીઓની તિરસ્કૃત અને પૂરૂષોની વાસનાયુક્ત બંને નજરોથી ખૂબ અકળામણ થતી. જેમ બને તેમ નફ્ફટ અને બિન્દાસ દેખાવાનો પ્રયત્ન કરતી પણ અંદરથી આખેઆખી હચમચી જતી. સ્કાયસ્ટાર હોટલનુ એડ્રેસ આપી ફટાફટ રીક્ષામાં બેઠી, રિક્ષાવાળો તેને ઓળખતો એટલે આ સમયે ચાલીને નાકે આવી ઉભો જ હોય.તે જાનકીની મજબૂરી પણ સમજતો એટલે તેના ધંધા વિશે જાણતો હોવા છતાંય ક્યારેય તેને ગંદી નજરથી ન જોતો. રિક્ષાની ગતિ સાથે વિચારોની ગતિ પણ તેજ થઇ ગઇ. તેની આંખો સામે ભૂતકાળ તરવરવા લાગ્યો.

બાપ એક નંબરનો દારૂડિયો હતો, જેને ઘરની કોઇ પડી ન હતી અને તે તેરેક વર્ષની હતી ત્યારે આંખ સામે માને સળગી મરતાં જોઇ હતી. માને તો એના દારૂડિયા પતિથી છૂટકારો મળી ગયો, પણ તે અને બીજા બે માસુમ નાના ભાઈઓ હવે આ દારૂડિયાના ત્રાસનું નિશાન બન્યાં. પોતાનું ભણવાનું તો છૂટી ગયું પણ પોતે ગમે તે કામ કરી ઘરમાં બે પૈસા લાવતી, તે પણ બાપ પીવામાં વાપરી કાઢતો. એટલુ સારૂ હતું કે આટલા મોટા શહેરમાં નાનકડી શેરીમાં બાર બાય બારનું નાનકડું ભલે ખોલી જેટલુ પણ પોતાનું ઘર હતું એટલે માથા પર છત હતી.

બંને ભાઈઓ સરકારી સ્કુલમાં ભણતાં એટલે બપોરનું ખાવાનું સ્કૂલમાં મળતુ અને રાતે ગમે તેમ આજુબાજુનું કામ કરી ખાવાનો જોગ કરી આપતી. શેરીની જ એક સ્ત્રીએ તેને શહેરના પોશ ગણાય એવા એરિયામાં કામે લગાડી આપી. તે કામ કરતી તે શેઠની જ નજર તેનાં પર બગડી, મજબુરીએ તેને નાની ઉંમરે ધણું શીખવી દીધું હતું. ચૌદ વર્ષની કુમળી વયે પોતાનું કૌમાર્ય ગુમાવી એક હજાર રૂપિયા હાથમાં આવતાં જ આજે પોતે ભાઇઓ સાથે બેસીને ઘરાઇને ખાઇ શકશે એ વિચારમાત્ર થી તે ખુશ થઇ ગઇ હતી.

પછી તો શેઠ અને શેઠના દોસ્તો,દોસ્તોનાં દોસ્તો આમ તેનું નેટવર્ક વધતુ જ ગયું. આમને આમ આજે વીસ વર્ષની નાની ઉંમરે જ તે શહેરની મોસ્ટ ડિમાન્ડિંગ કોલગલૅ બની ગઇ હતી.

બાપ તો દારૂ પી પીને જ મરી ગયો, પણ પોતાના અધુરા રહી ગયેલા સપનાઓ ભાઇઓ પાસે પુરા કરાવા હતાં. બંને ભાઈઓને ખૂબ ભણાવવા હતા,મોટા માણસ બનાવવા હતા.બંને ભાઇઓ પણ ભણવામાં ખુબ તેજ હતાં. બંને ડોક્ટર બનવાના સપના જોતાં અને બસ તેમના એ સપનાઓ પૂરાં કરવા પોતાની જાતને તે નિચોવતી જતી હતી. એમ પણ તેનું નામ જાનકી હતું બીજાના સુખ માટે જાતને નિચોવવાનું તો તેના નામમાં જ હતુંને.

બ્રેક સાથે રીક્ષા હોટલના પાર્કિંગમાં ઉભી રહી વિચારોને ખંખેરતી, રિક્ષા ચાલકને પૈસા ચૂકવી, મોઢા પર નકલી હાસ્ય લહેરાવતી તે હોટલના પગથિયાં ચઢી ગઈ.