Pati Patni ane pret - 31 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૩૧

Featured Books
Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૩૧

પતિ પત્ની અને પ્રેત ૩૧

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૧

નાગદાએ નરવીરને ઘરની બહાર નીકળવાની કોઇ તક આપી ન હતી. તેની બધી ઇજાઓ સારી થાય પછી એને બહાર જવાની વાત કરી હતી. નાગદા ઇચ્છતી હતી કે નરવીર જલદી સંપૂર્ણ સ્વસ્થ ના થાય. અને ત્યાં સુધી એ એના બાળકની મા બનવાનું આયોજન કરી લે. આજે તે સ્વાલાના મા-બાપને મળવા બહાર ગઇ ત્યાં સુધીમાં નરવીર ક્યાંક નીકળી ગયો તેની ચિંતા સતાવવા લાગી. પોતે નરવીરને બહાર નીકળતા જોયો જ ન હતો. ઘરનો એક જ દરવાજો છે. તો પછી એ બહાર કેવી રીતે નીકળી ગયો? ફરીથી આખું ઘર શોધી વળ્યા પછી નાગદાને પાકી ખાતરી થઇ ગઇ કે નરવીર નથી. શું તેની પત્ની એને લઇ ગઇ કે પછી પેલો ભગત કોઇ ચાલાકી કરી ગયો? ના-ના એ લોકો સફળ થવા ના જોઇએ. નરવીર મારા કબ્જામાં આવી ગયો છે. મારું ધ્યેય પૂરું કર્યા વગર હું શાંત રહેવાની નથી. ગમે ત્યાંથી એને શોધી લાવીશ. નાગદા નરવીરને શોધવા નીકળતા પહેલાં તૈયાર થવા લાગી.

નાગદા જ્યારે સ્વાલાના મા-બાપને મળવા ગઇ ત્યારે નરવીર ઉભો થઇને દરવાજા પાસે આવી ગયો હતો. એમની સાથે વાત કરીને નાગદા તરત જ પાછી ફરી રહી હતી. પેલું દંપતી કંઇક વિનવણી કરતું હતું પરંતુ નાગદા બહેરી થઇ ગઇ હોય એમ વિચારોમાં જ પાછી આવી રહી હતી. નરવીરે દરવાજા બહાર ઉભા રહેવાને બદલે અંદર જ ઉભા રહીને એને તેમના વિશે પ્રશ્ન પૂછવાનું નક્કી કર્યું હતું. તેને સમજાતું ન હતું કે નાગદા પોતાને બહાર જવા દેતી ન હતી. કોઇને કોઇ બહાનું કાઢીને પોતાને ઘરમાં બેસાડી રાખતી હતી. અને બહારથી કોઇ મળવા આવે તો એને વાડના દરવાજેથી જ વિદાય કરી દેતી હતી. એક યુવતી આવી પહોંચી એને પણ કાઢી મૂકી હતી. આ ઘરમાં કોઇ રહસ્ય છે કે શું? તે મને બહાર જવા દેતી નથી અને કોઇને અંદર આવવા દેતી નથી? નરવીર વિચારમાં ઉભો હતો ત્યારે નાગદા ઘેનમાં હોય એમ દરવાજામાં દાખલ થઇ. તેણે નજીકમાં ઊભેલા નરવીરને જોયો જ નહીં. વિચારમાં તેના ખાટલા તરફ જવા લાગી. નરવીરને થયું કે આ સારો મોકો છે. તે ઝડપથી બહાર નીકળી ગયો અને દોડતો વાડનો દરવાજો ખોલી જે તરફ જવાય એ તરફ ચાલવા લાગ્યો. એની પાસે કોઇ દિશા ન હતી. તે ગામમાં ફરીને લોકોને મળવા માગતો હતો. પોતાના વિશે અને નાગદા વિશે જાણવા માગતો હતો. પોતે તો આટલો સામાન્ય હતો. તો પછી આટલી સુંદર પત્ની કેવી રીતે મળી ગઇ? અમે કેવી રીતે મળ્યા હશે? જેવા વિચારો નરવીરના પગ કરતાં વધારે ઝડપથી મનમાં ચાલી રહ્યા હતા.

ત્યારે નાગદા તૈયાર થઇને ઘરને તાળું મારી બહાર નીકળી. તેને થયું કે પોતે બહાર નીકળી રહી છે, પરંતુ જો સ્વાલાના મા-બાપ ફરી ભટકાઇ જશે તો? એ વારંવાર એમને ભ્રમિત કરી શકવાની નથી. પોતાના ધ્યાન બહાર પણ એ જોઇ જશે તો મુશ્કેલી ઊભી થશે. નાગદાને એ દિવસ યાદ આવી ગયો જ્યારે પોતે જયનાનું પ્રેત હતું અને સ્વાલાના શરીરમાં પ્રવેશ મેળવી લીધો હતો.

પોતાની લાશને જ્યારે સળગાવવામાં આવી ત્યારે જીવ આત્મારૂપે નીકળી ગયો હતો અને પોતે પ્રેતનું રૂપ ધારણ કરી લીધું હતું. હવે તે લગ્ન કરવા આઝાદ હતી. ત્યારે એક ભવિષ્યવાણી થઇ હતી. તેમાં કહેવાયું હતું કે તું તારી લગ્ન કરવાની ઇચ્છાને કારણે પ્રેત બનીને ભટકવાની છે. પરંતુ પિતાના સંપૂર્ણ આશીર્વાદ મળ્યા ન હોવાથી તારે કોઇ પુરુષ પસંદ કર્યા પછી તેના બાળકની મા બનવું પડશે. તો જ તું એની સાથે સામાન્ય સ્ત્રી બનીને લગ્નજીવન ગુજારી શકીશ. એ પછી પોતે આ વિસ્તારમાં ભટકતી રહી હતી. પોતે વિચાર્યું કે તે કોઇ વધારે સુંદર યુવતીના રૂપમાં હોય તો યુવાન જલદી મળી જશે. અને બધું સરળ બની જશે. પોતે ગામની બીજી ઘણી છોકરીઓ જોઇ. એ બહુ સુંદર ન હતી. ગામની જ કોઇ છોકરીના શરીરમાં ઘૂસી જાય તો જલદી ખબર પડી જાય. કોઇ અજાણી યુવતીનું શરીર હોય તો પોતાને બહુ વાંધો આવે એમ ન હતો. જયના પ્રેતના રૂપમાં રાત્રે ભટકતી હતી ત્યારે ગામમાં સ્વાલા આવી હતી. તે ચાલ્યા જ કરતી હતી. જાણે ઘરબાર વગરનું ભાન ભૂલેલું કોઇ જાનવર હોય એમ એ ભટકી રહી હતી. તેનું રૂપ આકર્ષક હતું. તેના શરીરમાં ઘૂસીને પોતાનો હેતુ બર લાવી શકે એમ હતી. લગ્ન કરવાની અને લગ્નનું સુખ ભોગવવાની અતૃપ્ત ઇચ્છા સાથે પોતે ઘણા વર્ષ સુધી જયનાના રૂપમાં અને પછી સ્વાલાના રૂપમાં તડપતી રહી હતી ત્યારે નરવીર જેવો નર મળ્યો અને સપનું પૂરું થવાની આશા જાગી પણ અવરોધ વધી રહ્યા છે. નરવીર ન જાણે ક્યાં જતો રહ્યો છે. બબડતી નાગદા સાવધાનીથી ગામમાં ફરવા લાગી. પહેલાં તેને થયું કે ચિલ્વા ભગતને ત્યાં તપાસ કરવી જોઇએ. પરંતુ અત્યારે ત્યાં જવામાં જોખમ હતું. ગામમાં ફરી લીધા પછી નાગદાએ જંગલ તરફ શોધ માટે જવાનો માર્ગ લીધો. તે થોડે દૂર ગઇ ત્યાં જે દ્રશ્ય જોયું એ જોઇને ચોંકી ગઇ.

રેતા કોઇ વિધિમાં બેઠી હતી. નાગદા વધારે સાવધાન થઇ ગઇ. તેણે આસપાસ નજર નાખી અને નરવીર દેખાયો. તે એક ઝાડ પાછળ છુપાઇ ગઇ. જો નરવીર રેતા સામે જતો રહેશે તો બધું રહસ્ય ખૂલી જશે. ભલે નરવીર એને અત્યારે ઓળખતો નથી પણ રેતા ઓળખીને એને લઇ જશે. નરવીર રેતાથી થોડે દૂર આંટા મારી રહ્યો હતો. અચાનક નાગદાના મનમાં એક વિચાર આવ્યો. તેના ચહેરા પર એક કુટિલ મુસ્કાન આવી. નાગદાએ થોડીવાર માટે ધ્યાન ધર્યું અને નરવીરના મનમાં એવું ઠસાવી દીધું કે તે નાગદાના વશમાં છે. તેનાથી છૂટવા માટે રેતાનું મંગળસૂત્ર જરૂરી છે. રેતા પોતાના પતિને બચાવવા મંગળસૂત્ર આપી દેશે. એક તીરથી બે શિકાર થઇ જશે. નાગદાએ નરવીરના મનમાં પોતાના વિચારો આરોપિત કરી દીધા. એ જ વખતે રેતાની નજર વિરેન પર પડી. તે ખુશ થઇને તેને મળવા દોડી. વિરેને તેને અટકાવી અને બધી વાત કરી. રેતાએ પોતાનું મંગળસૂત્ર આપી દીધું. એ લઇને વિરેન નાગદાના હુકમ પ્રમાણે એના ઘર તરફ ચાલવા લાગ્યો.

વિરેન ઘર પર પહોંચ્યો ત્યારે નાગદા અગાઉથી ત્યાં આવી ગઇ હતી. નાગદાએ તેના પરનો પોતાનો કાબૂ હટાવી લીધો હતો.

નરવીરને જોઇ નાગદાએ પ્રેમથી કહ્યું:"પ્રિયવર! તમે ક્યાં જતા રહ્યા હતા મને તડપતી મૂકીને?"

"હું...હું..." નરવીરને સમજાયું નહીં કે શું જવાબ આપવો. તેને એ સમજાતું ન હતું કે પોતે ગામલોકોને મળવા નીકળ્યા પછી જંગલના રસ્તે આગળ વધી ગયો હતો અને આમતેમ ભટકતો હતો. એ પછી શું થયું એ યાદ જ આવતું ન હતું. પોતાની યાદશક્તિ વારંવાર જતી રહે છે કે શું? એવો ડર અનુભવી રહ્યો.

"ઓહ! પ્રિયવર! તમે તો મારા માટે મંગળસૂત્ર લાવ્યા છો. મારા માટે આટલો બધો પ્રેમ છે તમને? લાવો મને આપી દો..." નાગદા તેની નજીક પહોંચી ગઇ.

"મંગળસૂત્ર?" નરવીર નવાઇથી પોતાના હાથમાં રહેલું મંગળસૂત્ર જોઇ રહ્યો. પોતે ક્યાં જઇને આવ્યો? આ મંગળસૂત્ર ક્યાંથી લીધું? કેમ કંઇ યાદ આવતું નથી?

"હા..." નાગદાએ પોતાના હાથને નરવીરના ગળામાં હારની જેમ રાખીને કહ્યું.

નાગદા ખુશ હતી કે રેતાનું મંગળસૂત્ર હવે તેના કબ્જામાં આવી જશે. તેની પાસેની શક્તિઓ ખલાસ થઇ જશે. એ હવે કોઇ અવરોધ ઊભો કરવાની કોશિષ કરશે તો એને જવાબ આપી શકાશે. પોતે નરવીરની પત્ની બની જશે. નરવીર પણ પોતાને એની પત્ની માનવા લાગશે.

નરવીર પોતાના હાથમાં મંગળસૂત્ર લઇને એ જ વિચારી રહ્યો હતો કે એ ક્યાંથી આવ્યું હશે? તેની નજર મંગળસૂત્ર પર ગઇ. તેણે નજીક લાવીને ધ્યાનથી જોયું. એના પર અંગ્રેજી અક્ષર કોતરાયેલા હતા.

વધુ બત્રીસમા પ્રકરણમાં...