ઉર્જા નો આરંભ
"ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોઈ
દો પાટન કે બીચ મેં સાબુત બચા ના કોઈ"
કેટલું વિરલ વાક્ય આ વર્ષો પહેલા સંત કબીરે પોતાના દુહામાં આ કહેલું જે આજે પણ એટલું જ સાર્થક ગણાય છે. કબીરે આ વાક્યને મહાન ફિલોસોફીમાં લીધું એટલે કે જે વ્યક્તિનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. કબીર જેવા મહાન સંત ના પેંગડામાં પગ મૂકવો એ મારા જેવા સામાન્ય જીવ નું કામ નથી પરંતુ વર્તમાન અને સાંપ્રત પ્રવાહોને જોઈને કંઈક લખવાનું મન થઈ જાય એ સ્વાભાવિક છે આ સાહિત્યિક ખંજવાળને મટાડવી ખુબ જ અઘરી છે.
માણસ નો ભૂતકાળ અને આવનાર ભવિષ્ય કાળ આ બંને એવડા મોટા પાટા છે જેમાંથી બચવું ખૂબ જ મુશ્કેલ છે કારણકે આપનો અહંકાર ભૂતકાળમાંથી ઉત્પન્ન થાય છે..અને આ અહંકાર આપણી રોજ બરોજ ની જિંદગી માં અહીં-તહીં, જ્યાં- ત્યાં ટકરાતો જોવા મળે છે. એટલે કે આપણે સાહજિક રીતે કે અસાહજિક રીતે અહંકારને પોષણ તો આપીએ જ છીએ. અને એ વગર આપણને ચાલતું પણ નથી. પરંતુ આનું કારણ શું છે?. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક, ક્યાંકને ક્યાંક અવાર નવાર, અને વારે ઘડીએ સદંતર અહંકારના ઓવારણા લેતો જોવા મળે છે.
આમ જોવા જઈએ તો આપણો અહંકાર આપણી આઇડેન્ટિટી છે જે ભૂતકાળમાંથી જ ઉત્પન્ન થયેલી હોય છે. શું છે આ ભૂતકાળ ? ચાલો એની તરફ જરા નજર કરીએ ભૂતકાળ એટલે બની ચૂક્યું તે અને બીજા શબ્દો માં કહીયે તો ઘટનાક્રમમાં પરોવાઇ ગયેલી યાદશક્તિ એટલે કે સ્મૃતિ .
આ સ્મૃતિ એ મારા મત મુજબ પહેલું પાટન (ઘંટી નું પૈડું ) છે. સ્મૃતિ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે તેમાંથી શીખવા માટે ઘણું બધું છે યાદ રાખવા જેવું ઘણું બધું છે પરંતુ સાયકોલોજીકલ રીતે તેના ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જ અઘરો કારણકે તમે થોડા પણ સાહજિક થાવ તો તરત જ તમારા ભૂતકાળમાં સ્મૃતિમાં ચિત્રો ફટાફટ આકાર લેવા માંડે છે અને આ સ્મુતિ ના ઘણા બધા ચિત્ર અહંકાર કે ભય પ્રેરિત હોય છે અને અણગમો વ્યક્ત કરતા હોય છે એટલા માટે આપણે ઘણીવાર કોઈપણ પ્રકારના કારણ વગર ભૂતકાળ ઢસડાઈ પડતા હોઈએ છીએ અને પૂરે પુરા ઓતપ્રોત થઈ જઈએ છીએ .ભૂતકાળ આપણા ઉપર જ્યારે નકારાત્મક રીતે હાવી થઈ જાય છે ત્યારે એની ચુંગાલમાંથી છટકવું મુશ્કેલ થઇ પડે છે ઘણી વાર આપણે માનસિક રોગના શિકાર થઈ જઈએ છીએ જેની આપણને સુદ્ધાં પણ ખબર પણ નથી હોતી.
સ્મૃતિ જેટલી જરૂરી છે એટલી જ વિહવળ પણ છે કારણ કે સ્મૃતિ વગર આપણે જીવિત ના રહી શકીએ .આપણી હયાતીનું પ્રથમ બિંદુ એટલે આપણા માનસપટ પર છવાયેલી યાદગીરી જે ઘણીવાર આનંદથી અભિપ્રેરિત પણ હોય છે અને દુઃખથી દ્રવિત પણ હોય છે પરંતુ એક વાર જો આપણે આ સ્મૃતિ ઉપર ધ્યાન આપતા થઈ જઈએ તો ચમત્કારોનું સર્જન પણ થઈ શકે છે સાયકોલોજીકલ ભાષામાં કહીએ તો પોઝિટિવ સ્મૃતિને રીપીટ કરતા જઈએ તો અનાયાસ જ ૨૧ દિવસ બાદ માનસ પટ આનંદિત થઈ શકે છે. પરંતુ આ સ્મૃતિપટ પર એટલે કે ભૂતકાળ ઉપર અહંકારી આગનો ઓછાયો પડેલો હોય છે એટલે આપણે લાંબા સમય સુધી હકારાત્મક રહી શકતા નથી. સ્મૃતિપટ એ ચિત્ર પટ છે જે સદંતર ચાલતું જ રહે છે અવનવાં દ્રશ્યો રોજેરોજ સ્મૃતિપટ પર આચ્છાદિત થતાં જોવા મળે છે. પરંતુ આપણી પાસે સમય જ ક્યાં છે કે આપણે આપણા સ્મૃતિપટ ને વાગોળીએ:
આ બાબતમાં ગામડાના અભણ લોકો આપણા કરતા વિશેષ હકારાત્મક સ્મૃતિનું ચયન કરતા જોવા મળે છે આ બાબત ને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ ગુજરાતની પૌરાણિક સંસ્કૃતિ આ આ બાબતમાં અગ્રેસર જોવા મળી છે એટલે જ તો ગામડાના અભણ માણસ અનાયાસ જ ખુશ થઇ શકે છે તેની સરખામણીમાં આપણે કંજૂસ છીએ એમ કહીએ તો અતિશયોક્તિ નથી. હવે મુદ્દાની વાત કરીએ ત્યાં સ્મૃતિ તે આપણા વિનાશનું કારણ પણ છે કબીર એમ કહે છે કે દો પાટન કે બીચ મે સાબુત બચા ના કોઈ પહેલું પાટન સ્મૃતિ છે અને બીજું પાટન એ આપણી કલ્પના છે.
કલ્પના તે ખૂબ જ જરૂરી છે અને તેના વગર આપણે ભવિષ્યના આયોજનો કરી શકતા નથી એટલે કે પ્રગતિ કરવા માટે જીવનને સમૃદ્ધ કરવા માટે જીવનને આગળ લઈ જવા માટે રોજેરોજ આપણે કલ્પનાઓ કરતા હોઈએ છીએ એટલે કે આયોજનો કરતા હોઈએ છીએ. આમ કલ્પના પણ આપણી ઊર્જાનો સંપૂર્ણ હિસ્સો વાપરી કાઢે છે. હવે આપણે કબીર ના દોહા ને સાયકોલોજીકલ રીતે જોઈએ કબીર એમ કહે છે કે ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય મારા મત મુજબ સ્મૃતિ અને કલ્પના નામની ચક્કી સદંતર ચાલતી જોવા મળે છે અને આ જ કારણે મનુષ્ય ગૂંચવાયેલો જોવા મળે છે ક્યાં જીવનની સંપૂર્ણ ઊર્જા મોટાભાગે સ્મૃતિ અને કલ્પનામાં જ વપરાય છે એટલે કે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જ વપરાય છે કમાલની વાત તો એ છે કે મનુષ્ય શરીર અને પ્રકૃતિ આ બંને વર્તમાનમાં છે અને જીવન ઊર્જા પણ પ્રકૃતિ દ્વારા વર્તમાનમાં થી જ મળે છે અને તેનો ઉપયોગ પણ વર્તમાન માટે જ કરવો જોઈએ એટલે કે બી પ્રેઝન્ટ રહેવું જોઈએ એટલે કે હાલ રહેવું જોઈએ પરંતુ આપણા માટે ખુબ જ જટિલ છે.
નાના બાળક શિવાય મોટાભાગના વ્યક્તિઓ ભૂતકાળ તે ભવિષ્યકાળમાં ફસાયેલા હોય છે જેમ જેમ ઉંમર વધતી જાય છે એટલે કે વૃદ્ધ માણસો મોટાભાગે જીવન ઊર્જાને સ્મૃતિ પાછળ વાપરતા હોય છે પરંતુ શરત એ છે કે પોઝિટિવ હોય તો અન્યથા ઘડપણ શાપિત લાગે છે .યુવાન માણસો કલ્પના પાછળ પોતાનો સૌથી વધુ સમય આપતા હોય છે કે જીવન ઉર્જાનો ઉપયોગ કરતા હોય છે આ પણ યથાયોગ્ય છે વર્તમાન યુગમાં કેરિયર કોન્સેપ્ટ ખૂબ જ ખતરનાક છે એની નકારાત્મક બાબતો આપણને ખ્યાલ નથી ભારત જેવો દેશ જ્યાં યુવાનોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે એટલે કે ભારતની ઊર્જા મોટાભાગે કલ્પનામાં વિહાર કરતી જોવા મળે છે.
કલ્પના જરૂરી છે, સ્મૃતિ પણ જરૂરી છે આ બંને કરતા વર્તમાનની સાહજિકતા અત્યંત જરૂરી છે. પરંતુ આપણે કબીરના દોહાની જેમ સાબુત રહી શકતા નથી એટલે કે વર્તમાનમાં રહી શકતા નથી બીજા અર્થમાં કહીએ તો પ્રકૃતિ, શરીર અને મન નો સૌથી મોટો સંબંધ વર્તમાન સાથે છે. મારા મતે સાહજિક રીતે વર્તમાન માંથી પસાર થવું એ જ આપણી મોટી ઉપલબ્ધિ છે. કારણ કે વર્તમાન આપણને કોઈ રસ્તો દેખાડતો હોય એવું અત્યારે લાગતું નથી. પશ્ચિમના દેશો ટેકનોલોજીકલ સામ્રાજ્યને સ્થાપિત કરવા માંગતા હોય એવું પ્રતીત થાય છે જ્યાં પૂર્વના દેશો થોડો ભૂતકાળમાં પણ વાત કરતા જોવા મળ્યા છે. મારો કહેવાનો મતલબ ભારત અને આધ્યાત્મિકતા પર પણ રહેલો છે ,એનો મતલબ એ નથી આપણે અને સ્મૃતિમાં ખપાવી દઈએ.
પ્રાણાયામ- ધ્યાન- યોગ આસનો આ તમામ બાબતો આપણને વર્તમાન શીખવાડે છે અને સાબુત કેવી રીતે રહેવું તેનું સચોટ જ્ઞાન પણ આપે છે એટલે કે દો પાટન કે બીચ સાબૂત રહેવું હોય તો વર્તમાનમાં જીવવાની કળા શીખી લેવી જોઈએ. અને ત્યારે જ આપણે જીવન ઊર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકીશું અને માનવમાંથી મહામાનવ પણ બની શકીશું.
"ચલતી ચક્કી દેખ કર હસત કબીરા રોજ
દો પાટન કે બીચકી રાહ જો દી ખોજ "
માનસિક રસાયણો -6
કીર્તિસિંહ ચૌહાણ
અમદાવાદ