કનિષ્કાએ માધવને કોલ લિસ્ટમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ બધી જ જગ્યાએ બ્લોક કરી દીધો હતો.
અને આ જ કારણે માધવનો ગુસ્સાનો પારો વધી રહ્યો હતો.
“અરે મને બ્લોક કરવાનો મતલબ શું છે? હું કોઈ સાયકો છું કે એને હેરાન કરત? સાલું, ભલાઈ કરવાનો જમાનો જ નથી. આપણને એમ કે કોઈને આપણી માટે લાગણી છે તો એ જળવાઈ રહે એવી કોશિશ કરીએ. બસ પોતાને જે જોઈતું હતું એ મળી ગયું એટલે કરી દેવાના બીજાને બ્લોક. ઠીક છે. મારેપણ શું છે? જાય તેલ લેવા. આવશે સામેથી વાત કરવા એક દિવસ.”, માધવ જાત સાથે જ બબડી રહ્યો હતો.
માધવને એટલો બધો ગુસ્સો આવી રહયો હતો કે એણે એકપણવાર કનિષ્કાની પરિસ્થિતિ કે કારણો વિશે જાણવાની કે સમજવાની કોશિશ પણ ના કરી.
૩-૪ દિવસ આમ જ ગુસ્સામાં વીતી ગયા. અદિતીનું પણ કામ અને છોકરાઓની એક્ઝામ ચાલતી હોવાથી એ પણ એક્સ્ટ્રા ટ્યુશન કલાસ લેવામાં વ્યસ્ત રહેતી હતી. છતાંપણ એણે આ વાતની નોંધ લિધી કે માધવ કોઈ કારણસર વ્યથિત છે. પરંતુ એણે કશું પૂછ્યું નહીં. એણે માધવને પોતાની રીતે મથવા દીધો. કહેવા જેવું હશે, કે કોઈ મદદની જરૂર હશે તો માધવ કહેશે જ એવું એપણ જાણતી હતી. હા, એ વાત સાચી કે પોતે તેની જીવનસાથી હતી, એપણ માધવને પૂછી શકતી હતી કે શું થયું માધવ? પણ અદિતી એવું માનતી કે ભલે તમે જીવનસાથી હોવ, તમારી પોતાની થોડી અંગતતા કે પ્રાઈવસી જળવાઈ રહેવી જોઈએ. અર્થાત બધી વાતો છુપાવવી એવું નહીં, પણ જ્યાં સુધી આ બાબતથી સામેવાળાને કોઈ અગવડ પડે એમ ન હોય ત્યાં સુધી મર્યાદા જાળવી રાખવી. એવો જ સ્વભાવ હતો અદિતીનો.
૫ દિવસ વીત્યા અને માધવનો ગુસ્સો હવે શાંત થવા લાગ્યો. હવે તે કનિષ્કાના આમ કરવા પાછળના કારણો વિશે વિચારી રહ્યો હતો.
“કદાચ એ મારા લગ્ન જીવનમાં કોઈ તકલીફ ઊભી ના થાય એ માટે કરતી હોય. અરે મૂરખ ના સરદાર, એ દિવસે એણે આ જ વાત તો કહી હતી, પણ ત્યારે સાહેબને ગુસ્સો એટલો હતો કે એમણે ધ્યાન જ ન આપ્યું.”, માધવ સ્વયં જ બબડીને પછતાવો કરી રહ્યો હતો.
“લાવ એને મેસેજ કરીને સોરી કહી દઉં.”, પછી યાદ આવ્યું, “અલ્યા, ભૂલી ગયો? એણે મને બ્લોક કર્યો છે એટલે તો આ બધી રામાયણ થએલી.”, માધવને પોતાની મુર્ખામી પાર એકલા એકલા હસવું આવી ગયું.
“તુમ ઇતના જો મુસ્કુરા રહે હો..ક્યાં ગમ હે જીસકો છુપા રહે હો?”, અદિતીએ માધવને એકલા હસતો જોઈને આ ગીતની પંક્તિ ગાઈ.
“બસ બસ હવે મારી બાથરૂમ સિંગર. આમ જો..મારા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું તારા બેસુંરા અવાજને કારણે.”, માધવે અદિતીના રાગની મજાક ઉડાવતા કહ્યું.
“ઓ હેલો, મને ખાલી કાનમાંથી નહીં પણ મોઢામાંથી પણ લોહી નીકળતા આવડે છે.”, અદિતીએ પોતાની કુર્તિની લાંબી સ્લીવ્ઝને સહેજ ઉપર ચડાવતા કાંડુ ગોળગોળ ફેરવીને કહ્યું, “તું કહે તો ડેમો દેખાડું. એ પણ ફ્રી માં.”
માધવે અદિતીના પગમાં પડીને ડરી ગયો હોય એવી રીતે બે હાથ જોડીને કહ્યું, “ના માતા ના, આટલામાં જ સમજી ગયો. ખમ્મા કરો હવે.”
બંનેવ જોરજોરથી હસી પડ્યા.
“કેટલા દિવસે આમ તને હસતો જોયો.”, એમ કહીને અદિતી એ માધવના ઓવારણાં લીધા.
“એ, તું કાંઈક નવું શોધ. આવું કરવાનો ફક્ત મારી પાસે જ કોપીરાઇટ છે.”, માધવને ડર લાગતો હતો કે ક્યાંક અદિતી એ ના પૂછે જે એ કહેવા નથી માંગતો. એટલે જ એ મજાક કરવાનું બંધ નહતો કરી રહ્યો.
“પણ તારી પર તો મારો કોપીરાઇટ છેને. હું જોઉં છું હમણાંથી તું હસતો પણ નથી અને કંઈક ગુસ્સામાં અને ચિંતામાં રહે છે. શું વાત છે? કામનું કોઈ ટેનશન છે કે બીજી કોઈ વાત છે?”, અદિતીએ પૂછવાનું નક્કી કરી જ લીધું હતું એટલે એમ થોડી વાતને મજાકમાં જાવા દે.
“અરે..એવી કોઈ સિરિયસ વાત નથી. આ કલ્યાન્ટ્સ એન્ડ ટાઈમે નવા નવા ચેનજીસ માંગ્યા કરે ડિઝાઈનમાં એટલે આવી જાય ક્યારેક ગુસ્સો. ઉપરથી આ કનિષ્કા પણ હવે રિઝાઇન કરે છે.”, માધવે કહ્યું.
“રિઝાઇન કરે છે? કેમ પણ? એ આવી એને હજી વધારે સમય પણ નથી થયો.તે એને કારણ ના પૂછ્યું?”, અદિતીને આશ્ચર્ય થઈ રહ્યું હતું.
“ના.”
“કેમ? હું નહતી મળતી પણ તમે તો દરરોજ મળતા હતા ને? તો કેમ તે કંઈ પૂછ્યું નહીં?”, અદિતીએ કહ્યું.
“કેવી રીતે પૂછું? એણે મને બ્લોક કરી દીધો છે.”, કારણ ખબર હોવા છતાં, માધવથી બ્લોક થયાની વાત કહેવાઈ ગઈ. અર્ધસત્ય તો એણે કહી જ દીધું હતું.
“એવું તો તે શું કર્યુ કે એણે તને બ્લોક કર્યો?”
“નહીં કરવી વાત હોય એને. મને નથી ખબર. તું જ પૂછી લેજે એને. તારી પણ ફ્રેન્ડ છે જ ને એ.” એમ કહીને વાત પતાવવા માટે એ બાથરૂમમાં જતો રહ્યો.
માધવ આજે પહેલીવાર અદિતી સામે જૂઠું બોલ્યો.
“જૂઠું બોલવાની શું જરૂર હતી? કહ્યું હોત તો કદાચ અદિતી સમજી જાત. આમ જોઈએ તો મેં કશું ખોટું ક્યાં કર્યું હતું. મળતો જ હતો ને લફરું થોડી હતું. લફરું નહતું તો કેમ ના કીધું કે એકલામાં મળે છે કનિષ્કાને? અદિતીને કહી તો દીધું કે જાતે પૂછી લેજે. એ ખરેખર કનિષ્કાને પૂછશે તો? અને કનિષ્કા અદિતીને બધી વાત કહી દેશે તો? ભલે કહી દેતી અદિતીને, મળતો જ હતો એપણ ફક્ત કનિષ્કા માટે અને મેં ક્યારેય એને હાથ પણ નથી લગાડ્યો. અચ્છા? ફક્ત એની જ માટે મળતો હતો, તને તો જરાય નહતું ગમતું હને? તો જાને બહાર. અત્યારે જ જઈને કહી દે બધું અદિતીને. ડર શેનો લાગે છે? તારા મનમાં ક્યાં કોઈ ચોર છે? કે પછી છે?”, માધવ પોતાની જ સાથે મથી રહ્યો હતો.
એકવાર એમપણ થયું કે અત્યારે જ અદિતીને જઈને બધું કહી દે અને આ વિચારોથી મુક્ત થાય. પણ પછી એમ વિચાર્યું કે, “જોઈએ કનિષ્કા શું કહે છે અદિતીને, પછી જોશું.”
એક અજાણ્યો ડર સતાવી રહ્યો હતો માધવને. અદિતીને ખોઈ બેસવાનો ડર. ના, એણે કનિષ્કાને મળીને કશું ખોટું નહતું કર્યું, પણ અદિતીથી આ વાત છુપાવીને ચોક્કસ ખોટું કર્યું હતું. પણ કદાચ અદિતી પોતાને ના સમજે અને એમ કહે કે તારા મનમાં કનિષ્કા માટે કશું નહતું તો તે વાતને છુપાવી કેમ? ત્યારે જ કેમ કહી ના દીધું મને? અને પોતાને મૂકીને જતી રહે તો?
આ તો ઘર બાળીને તીરથ કરવા જેવું થશે. કનિષ્કાની લાગણી પંપાળવામાં ક્યાંક હું મારું જ બધુ ગુમાવી ના બેસું. એટલે જ માધવે નક્કી કર્યું કે જે વાત કહેવાથી કદાચ તકલીફો થઈ શકે એને ઉખેળવી ના જોઈએ, ત્યાં જ ચૂપચાપ ડાંટી દેવી જોઈએ. અત્યારે એ જ માધવને યોગ્ય લાગી રહ્યું હતું.
પરંતુ આ મન સાલું વાંદરા જેવું છે. જે વસ્તુ કે લાગણીને છે જ નહીં એમ કહીને દબાવવા માંગતા હોવ, એ જ ઉછાળા મારીને ગમે તેમ બહાર આવાની કોશીશ કર્યા કરે.
કનિષ્કા પેલા દિવસ પછી ઓફિસમાં આવી જ નહીં. પીયૂનને કહીને એનો બધો સામન એણે ઘરે જ મંગાવી લીધો, અને પોતાનું અધૂરું કામ પણ એ ઘરે બેસીને જ પૂરું કરવાની હતી.
માધવને એક પ્રકારની રાહત થઈ કે કનિષ્કાનું પ્રકરણ પૂરું થયું. પણ, મનના કોઈક ખૂણે એ ઓફિસ આવે ત્યારે ઈચ્છતો કે કોઈ આવીને એને કહે કે કનિષ્કા મેડમ તમને એમની કેબીનમાં બોલાવે છે. મેસેજની રિંગટોન વાગતી તો એ ચાહતો કે કાશ એ કનિષ્કાનો મેસેજ હોય, અને કહેતી હોય ચાલને ઓફિસ પછી મુવી જોવા જઈએ.
માધવને પણ સમજાતું નહતું કે શું કામ એ આવું ઇચ્છતો હતો? શું જરૂર હતી એને કનિષ્કાની? અદિતી જેટલી સારી પત્ની હોવા છતાંપણ એ કનિષ્કા વિશે શુંકામ વિચારી રહ્યો છે.
એને ક્યારેક અફસોસ થઈ આવતો,
“ખોટે ખોટી તકલીફને નોતરું આપ્યું, શું જરૂર હતી એવી હરાખપદુડાઈ કરીને બીજાની લાગણીઓને માન આપવાં જવાની. મારી ને પોતાના પગ પર કુલ્હાડી? ખુશ જ હતો ને અદિતી સાથે..પણ ના..ભાઈને તો હીરો બનવું હતું.તો ભોગવો હવે.”, જાત સાથે વાત કરવાની જાણે આજકલ માધવને ટેવ પડી ગઈ હતી.
ગમે તે હોય, પણ એક વાત તો નકારી શકાય એમ જ નહતી કે માધવને કનિષ્કાની યાદ આવી રહી હતી. માધવને જાણે આદત પડી ગઈ હતી કનિષ્કાની. અને આદત ગમે તેવી હોય, સારી કે પછી ખરાબ, છૂટતા વાર તો લાગે જ ને.
એ ચાહતો હતો કે બસ એકવાર કનિષ્કા એની સાથે વાત કરે. કમસેકમ માધવને સોરી કહેવાનો તો મોકો આપે. એ જેટલું કનિષ્કાના વિચારોથી દુર ભાગવાની કોશીશ કરતો એટલું એ તરફ વધારે ધ્યાન જતું. જ્યારે પણ આ બધા વિચારો તેને ઘેરી લેતા ત્યારે એ અદિતીને બમણો પ્રેમ જતાવતો. કદાચ, આમ કરીને તે જે સ્વીકારવા નહતો માંગતો એનાથી એ દૂર ભાગવાની કોશીશ કરી રહ્યો હતો.
આમને આમ ૧૫ દિવસ વીતી ગયા. માધવની રાહનો હજુપણ અંત નહતો આવ્યો. કનિષ્કાએ માધવને હજુપણ અનબ્લોક નહતો કર્યો. હજુ ૧૫ દિવસ અને કનિષ્કા હંમેશા માટે જતી રહેશે. કદાચ એની કરતા ઓછા સમયમાં પણ જતી રહે? અને એ ક્યાં જશે એપણ તેણે નથી કહ્યું. છેલ્લીવાર એને મળી લઉં? ફક્ત સોરી કહેવા. આખરે કનિષ્કાને મળવાનું બહાનું માધવે શોધી જ લીધું.
કોલ તો એ કરી શકે એમ નહતો એટલે એ સીધો કનિષ્કાના ઘરે પહોંચ્યો.
માધવને આમ અચાનક પોતાના ઘરે જોઈને કનિષ્કાને નવાઈ લાગી. એણે તો ક્યારેય વિચાર્યું જ નહતું કે માધવ આવી રીતે આવી જશે. થોડી મિનિટ એકબીજા સામે જોયા કરવા સિવાય કોઈ કશું ના બોલ્યું.
હાલત કદાચ બંનેવની એકસરખી હતી, પણ વાતની શરૂઆત કોણ કરે એ રાહ જોવાઈ રહી હતી. આખરે માધવે જ મૌન તોડ્યું,
“તે મને બ્લોક કેમ કર્યો?”
“તો શું કરું? હું તો આ લાગણીઓના વમળમાં ગૂંચવાઈ જ રહી છું અને સાથે તને પણ એમાં ખેંચુ એવું ઈચ્છતો હતો તું?”
“હું સમજ્યો નહીં.”
“એ જ તો તકલીફ છે માધવ. એ દિવસે તને ગુસ્સે થતો જોઈને મને અંદાજો આવી ગયો હતો કે કદાચ તને પણ મારી આદત પડતી જાય છે.”
“હા, મને તારી આદત તો પાડવા જ લાગી હતી. એ વાત મને આટલા દિવસ તારાથી દૂર રહીને સમજાઈ ગઈ. અને કદાચ..”
“એટલે જ મેં તને બ્લોક કર્યો માધવ. આપણે કદાચ ફરીથી મળત નહીં પણ હું મારી લાગણીઓને વશ થઈને તને ક્યારેક મેસેજ કર્યા કરત, તું રીપ્લાય કરત, અને આ બધાનો કયારેય અંત જ ન થાત. એટલે જ, તને બ્લોક કરીને મેં બધા રસ્તા બંધ કરી દીધા. હું એવું ક્યારેય ન ઈચ્છું કે મારા લીધેથી તારા લગ્ન જીવનમાં કોઈ તકલીફ ઊભી થાય.”
“પરંતુ કનિષ્કા, મને એવું લાગે છે કે હું તને પ્રેમ કરવા લાગ્યો છું.”, આટલા દિવસથી જે વાત એ સ્વીકારી નહતો શકતો એ તેણે કનિષ્કા સમક્ષ સહજતાથી સ્વીકારી લીધી.
“હુંહ..અદિતી સિવાય તું કોઈને પ્રેમ કરી જ ન શકે માધવ. તને ફક્ત મારુ આકર્ષણ છે.”, કનિષ્કા બારી પાસે જઈને ઉભી રહી ગઈ.
“પણ તું એવું કેવી રીતે કહી શકે?”, માધવ પણ કનિષ્કાની બાજુમાં ઉભો રહેતા બોલ્યો.
કનિષ્કા બારીની બહાર રહેલા એક ઘરડાં કપલને જોઈ રહી હતી. એ દાદા, દાદીના વાળમાં ગુલાબનું ફૂલ લગાવી રહ્યા હતા. એ જોઈને મુસ્કુરાતાં કનિષ્કાએ માધવને કહ્યું, “જરા જો એમની સામે. શું વિચાર આવે છે તને એમને જોઈને?”
માધવના ચહેરા પર પણ એમનો પ્રેમ જોઈને સ્મિત આવી ગયું. એણે કહ્યું, “એ જ કે અમે પણ વૃધ્ધાઅવસ્થામાં આવી જ રીતે કોઈ બગીચામાં લટાર મારવા જશું, અને હું આવી જ રીતે અદિતીના વાળમાં એને ગમતું ગલગોટાનું એક તાજું ફૂલ લગાવી આપીશ.”
“બસ. મળી ગયો તને તારો જવાબ? મને પ્રેમ કરતો હોત તો તે ઘરડાં કપલની જગ્યાએ આપણને જોયાં હોત. એટલે જ કીધું કે તને મારુ ફક્ત આકર્ષણ છે. એપણ કદાચ એટલે કેમકે તું જાણે છે કે હું પણ તને પ્રેમ કરું છું. અને જો હજુંય એવું લાગતું હોય તો ડિવોર્સ આપી દે અદિતીને અને કરીલે મારી સાથે લગ્ન.”, કનિષ્કાએ અઘરી વાત કરી નાખી.
“ના, એવું ક્યારેય ન થઈ શકે.”, માધવને જવાબ આપતા સહેજપણ વાર ના લાગી. “એના સિવાય તું કે એ આપી શકું.”
“આ વખતે જરા વિચારીને કહેજે. હવે જો કશું માંગીશ તો તારા માટે આપવું અઘરું પડશે.”
“ના, તું જે માંગે એ હું આપવા તૈયાર છું. આ વખતે હું જ ઈચ્છું કે મારી કોઈ યાદી રહે તારા પાસે. બોલ, શું ગિફ્ટ જોઈએ છે તને?”, માધવે પૂછ્યું.
“મને એક બાળક જોઈએ છે.”
“અચ્છા, તું કોઈ બાળકને દત્તક લઈને એને નવું જીવન આપવા માંગે છે. બહુજ સારો વિચાર છે. હું ચોક્કસ એમાં મદદ કરીશ તારી.”, માધવે કહ્યું.
“દત્તક નહીં માધવ. મને તારાથી એક બાળક જોઈએ છે. તારું અને મારું બાળક.”, કનિષ્કાએ ફોડ પાડ્યો.