સન્ ૧૯૩૦ નો સમયગાળો. સમગ્ર દેશમાં આઝાદી માટે ચળવળો ચાલી રહી હતી. અંગ્રેજો દ્વારા ભારતીયો પર દમન અને અત્યાચાર દર દિવસે વધી રહ્યા હતા. ગુજરાત પણ આમાંથી બાકાત રહ્યું ન હતું. અંગ્રેજો ના ડર થી સામાન્ય પ્રજા ઘરની બહાર નીકળતા પણ ખચકાટ અનુભવતી હતી.આ જ માહોલમાં ગુજરાતના કોઈ ગામની આ ઘટના.
સાબરકાંઠા જિલ્લાના ગોરખપુર ગામની વાત. માં અને મધુ મામાના ઘરે થી પરત પોતાના ગામ જઇ રહ્યા હતા. ત્યાંથી નીકળતા મોડું થઈ ગયું પણ ઘરે પહોંચવું પડે એમ હતું કારણકે સવારમાં મધુને શાળાએ પરીક્ષા આપવા જવાનું હતું.ગામ બવ દુર નહોતુ, લગભગ ચાર-પાંચ કિમીનુ જ અંતર. એટલે બંને માં-દિકરી એ ઉતાવળા પગલે ઘર તરફનો રસ્તો પકડ્યો.
મામાના ગામની સીમા પુરી થઈ અને શરૂ થયું તે સમયનું સૌથી પ્રખ્યાત વન કૈબુલ. મધુના ગામમાં પ્રવેશતા પહેલા આ વનમાંથી પસાર થવું પડે. જંગલ ના આ નામ પાછળના કારણ થી તો બધા અજાણ હતા પરંતુ વનની સુંદરતા આગળ તેના આ વિચિત્ર નામનું રહસ્ય ઝાંખું પડી જતું હતું.
અત્યંત કિંમતી એવા ચંદનના વૃક્ષો, ઘટાદાર વડ, દુર દુર સુધી ફેલાયેલા સાગના વૃક્ષો, ધરતી માતા એ ઘાસના રૂપે પહેરેલી લીલી સાડી, વરસાદ વગર ચારેય તરફથી આવતી ભીની માટીની સુગંધ, અને જાતજાતના રંગબેરંગી ફૂલો, તેની આસપાસ નૃત્ય કરી રહેલા સુંદર પતંગિયા. કુદરતે જાણે તેની સુંદરતાનો ખજાનો આ વનમાં વરસાવી દીધો હતો.
ગામમાં પ્રવેશતાં પહેલાં જ આ નયનરમ્ય દ્રશ્ય લોકો ને મોહિત કરી દેતું હતું. ગામનાં વડિલોએ આવનારી પેઢીઓ માટે સાચવી રાખેલી ધરોહર સમાન હતું આ ગામમાં આવેલું વન કૈબુલ .
દિવસના અજવાળામાં આ વન જેટલું મોહક લાગતું રાતના અંધારામાં તેટલું જ ભયાનક એમાં પણ અમાસની રાત નું અંધારું આ રાતને વધારે ડરામણું બનાવી રહ્યું હતુ. ચારેય તરફનો સન્નાટો અને પવનના સુસવાટા વચ્ચે માં- દિકરી ઉતાવળા પગલે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા....
"માં હજી ઘર કેટલું દુર છે?" - મધુએ માંને પુછ્યુ
"બહું દુર નથી. ચાલ આપણે ટ્રેન ના પાટા વાળા રસ્તે જઈએ તો જલ્દી પહોંચી જશું" - માંએ કહ્યું અને બંને પાટા વાળા રસ્તે ચાલ્યા.
માંએ પકડેલા ફાનસના અજવાળે માં-દિકરી ચાલતા હોય છે ને ત્યાં જ અચાનક........
ટક ટક ટક ટક.....
કોઈએ ભારી ભરખમ બુટ પહેરેલા પગનો અવાજ આવ્યો. પરંતુ પવનના સૂસવાટા ના અવાજમાં આ પગરવ દબાઈ ગયો.
"મધુ ઝટ ચાલ દિકરી તારા પપ્પા રાહ જોઈ રહ્યા હશે" - માંએ કહ્યું
" હા માં" - મધુએ કહ્યું
" દિકરી મને તારી શાળામાં શીખવેલી કવિતા સંભળાવ ને" - મધુ નું ધ્યાન ભટકાવવા માંએ કહ્યું
"હાં માં. અમે કાલે જ નવી કવિતા શીખ્યા છે એ સંભળાવું" કહીને મધુએ કવિતા સંભળાવ નું શરૂ કર્યું ને ફરી....
ટક ટક ટક ટક......
પગલાંનો એજ અવાજ પરંતુ આ વખતે અવાજ વધુ નજીકથી આવી રહ્યો હતો. અવાજ એટલો તીવ્ર હતો કે મધુએ પણ પુછી લીધું
" માં આ અવાજ શેનો છે?"
આટલી રાત્રે કોણ હશે? શું કોઈ અમારો પીછો કરી રહ્યું છે? આવા અનેક વિચારોએ ગંગાના મનને ઘેરી લીધું હતું. અંતે ગંગાએ ફાનસને ચારેય દિશામાં ફેરવીને જોયું અને દિકરી મધુનો હાથ પકડીને ચાલવાની ઝડપ એકાએક વધારી. આખરે તે ગામમાં પણ પ્રવેશી ગયા.ઘર નજીક પહોંચ્યા તો જોયું કે મધુના પિતા મોહનભાઈ દરવાજે ઉભા રહીને તેમની રાહ જોઈ રહ્યા હતા.
"ગંગા તમને આટલું મોડું કેમ થયું? હું ક્યારનો તમારી રાહ જોઈ રહ્યો હતો. હજી દસ મિનિટ તમે ના દેખાતા તો હું ગામ વાળા ને લઈને આવવાની જ તૈયારીમાં હતો." - મોહન ચિંતામાં એક શ્વાસે બોલી પડ્યો
"અરે અમે આવી ગયા છે. હવે ચિંતા ન કરો અને ભીતર ચાલો."-. ગંગાએ ઘરમાં પ્રવેશતા કહ્યું
" ચાલ હવે બોલ. તમને મોડું કેમ થયું અને તમે બંને હેમખેમ છો ને?" - મોહન નું મન હજી વિચલિત હતું.
ગંગાએ મધુને સુવડાવી અને પોતે મોહન પાસે આવી ને બેઠી.
" ભાઈના ઘરેથી નિકળતા સ્હેજ મોડું થઈ ગયું હતું પણ મધુની પરીક્ષા હતી એટલે અમે નીકળી આવ્યા. ઘરે વહેલાં પહોંચવું હતું એટલે અમે ટ્રેન ના પાટા વાળો રસ્તો પકડ્યો. ત્યાં કોઈ અમારો પીછો કરી રહ્યું હોય તેમ લાગ્યું, તે કોણ છે એમ જોવા જ્યારે મેં લાલટેન ચારે બાજુ ફેરવી તો જોયું કે અમારી પાછળ...."
" પાછળ શું ગંગા???"- મોહન ગભરાઈ ને બોલી પડ્યો
" અમારી પાછળ હતું માથા વગરનું ધડ વાળું શરીર.."