એકસો ત્રણ
“શું થયું? ઓલ ઓકે?” સુંદરીએ પૂછ્યું.
“હ... હા... એમને માથું દુઃખતું હતું એટલે હું જરા મસાજ...” ઈશાની હજી ગભરાઈ રહી હતી એને લાગ્યું કે ક્યાંક સુંદરીએ કશું અલગ જ નથી સમજી લીધુંને?
“કશું કહ્યું ડોક્ટરે? હું ગયો હતો એમની કેબીનમાં પણ એ તો નીકળી ગયા હતા.” વરુણે ઇશાનીને પૂછ્યું.
“મને નર્સે ખાલી એટલું જ કહ્યું કે આમને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કર્યા છે. એમને જ્યુસ આપવાનું કહ્યું એટલે હું કેન્ટીનમાંથી આ લેતી આવી. ના પાડતા હતા પીવાની પણ પરાણે દોઢ ગ્લાસ જેટલો જ્યુસ પીવડાવ્યો છે.” ઈશાનીએ સુંદરી અને વરુણને બધીજ માહિતી આપી.
“થેન્ક્સ ઈશુ. તેં મારા શ્યામલભાઈની આટલી બધી કેયર લીધી.” સુંદરી આટલું કહીને ઇશાનીને વળગી પડી.
“ચલ, તને ઘરે મૂકી જાઉં. તેં કશું ખાધું પણ નથી. મમ્મી ઘરે આપણા માટે ટિફિન લઇ ગઈ છે.” વરુણે ઇશાનીને કહ્યું.
“તમે વરુણ હવે ઘરે જાવ અને આરામ કરો. મેં થોડું ખાઈ લીધું છે એટલે હું હવે રાત્રે અહીં જ રોકાઈશ.” સુંદરીએ વરુણને ઘરે જવા માટે આગ્રહ કર્યો.
“હમમ... ઠીક છે. કોઈ જરૂર પડે તો તરતજ કૉલ કરજો, હું આવી જઈશ.” વરુણ સુંદરીની નજીક જઈને બોલ્યો.
“મારે કોલેજ નથી કાલે, ભાભી સવારે હું આવીને તમને રિલીવ કરી જઈશ.” ઈશાનીએ સુંદરીને કહ્યું, જવાબમાં સુંદરીએ હસીને હા પાડી.
વરુણ અને ઈશાની પોતાના ઘરે જતાં રહ્યાં અને સુંદરી તેના ભાઈની સેવામાં કાર્યરત થઇ.
દિવસેને દિવસે શ્યામલની હાલતમાં સુધારો થતો ગયો અને લગભગ દસેક દિવસ બાદ તે ડિસ્ચાર્જ લઈને પોતાને ઘરે ગયો. શ્યામલે પોલીસને પોતે તેના પર થયેલા હુમલામાં કોણ કોણ હતું એ નથી જાણતો એમ કહ્યું, પરંતુ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતી રહી.
હોસ્પિટલમાં ઈશાનીએ દાખવેલી મેચ્યોરીટીથી તમામ તેના પર ખુશ હતાં. હવે ઈશાની દરરોજ સાંજે સુંદરીને ઘરે જતી અને શ્યામલને ડોક્ટરે દોઢ મહિના પછી ફ્રેક્ચર ઠીક થઈ જતાં તેને ચાલવાની કસરત કરવાનું કહ્યું હતું તેમાં મદદ કરતી.
શરુ શરૂમાં શ્યામલે ઇશાનીને અવગણવાની ઘણી કોશિશ કરી પરંતુ ઈશાની પણ વરુણની જ બહેન હતી એટલે શ્યામલને પામવા માટે તે કશું પણ કરવા તૈયાર હતી અને એટલેજ એ સતત તેની સાથે બોલતી રહેતી હતી. છેવટે શ્યામલ ઈશાનીની જીદ સામે ઝૂક્યો અને તેની વાતનો જવાબ આપતા થયો.
એક તરફ આ બધું ચાલતું હતું તો બીજી તરફ સુંદરી અને વરુણનો રોમાન્સ ચરમસીમાએ હતો. નવેમ્બર મહિનો આવવામાં હવે થોડો જ સમય બાકી હતો અને પાંચમી નવેમ્બરે આ બંનેના લગ્ન નક્કી થયા હતા. લગ્ન થવાના એક દિવસ અગાઉ સુંદરીનો વરુણને કૉલ આવ્યો અને તેને કહ્યું કે તે તેને મળવા માંગે છે કારણકે તેની પાસે એક મોટા સમાચાર છે. માતાપિતાના સમજાવવા છતાં કે લગ્નના આગલા દિવસે આ રીતે ઘર છોડીને ક્યાંય ન જવાય, સુંદરીની ઈચ્છા પૂરી કરવા માટે વરુણ દોડીને સુંદરીને ઘરે ગયો.
“આવો વરુણ અંદર આવી જાવ.” સુંદરીએ વરુણે બારણા પર મારેલા ટકોરાનો જવાબ આપતાં કહ્યું.
“બોલો શું હતું? બધું ઠીક તો છે ને?” વરુણે ચિંતાતુર સ્વરમાં કહ્યું.
“બધું જ ઠીક છે અને હવે બધું ઠીક જ રહેશે એવા સમાચાર મારી પાસે આવ્યા છે.” સુંદરીના ચહેરા પર આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
“અચ્છા? શું? જલ્દી કહો હવે મારાથી રાહ નહીં જોવાય. કૃણાલીયાને પણ એની આદત કરતાં વિરુદ્ધ મેં ગાડી દોડાવીને અહીં આવવાનો ફોર્સ કર્યો હતો. પ્લીઝ કહી દો કે શું થયું?” વરુણે સુંદરીને લગભગ વિનંતી કરી.
“શાંતિ રાખો એવું કશું જ નથી થયું કે તમને કે મને ચિંતા થાય, પહેલાં પાણી પીવો તો.” સુંદરીએ ટેબલ પર પડેલા જગમાંથી ગ્લાસમાં પાણી રેડીને વરુણ સામે ધરતાં કહ્યું.
વરુણે સુંદરીના આગ્રહનું માન રાખીને આખો ગ્લાસ એક જ શ્વાસે ગટગટાવી લીધો.
“હવે કહો, નાઉ આઈ કાન્ટ વેઇટ.” વરુણે સુંદરીને ગ્લાસ પાછો આપ્યો.
“તમે આપણી સગાઈ વખતે જયરાજને આમંત્રણ આપવાનું મને ખાસ કહ્યું હતું અને પછી ઉમેર્યું હતું કે તમે કશુંક એવું કરશો કે જયરાજ મારો પીછો છોડી દેશે?” સુંદરીએ વરુણને પ્રશ્ન કર્યો.
“હા... તો?” વરુણને ખ્યાલ ન આવ્યો કે સુંદરી શું કહી રહી છે.
“તો પહેલાં મને એમ કહો કે તમે શું કર્યું હતું એ દિવસે જેથી જયરાજ ગભરાઈ જાય?” સુંદરીએ બીજો પ્રશ્ન પૂછ્યો.
“મેં કિશન અંકલની મદદ લીધી હતી. જયરાજ તમારી સાથે જે કરવા માંગતો હતો એ બરોબર તો નહોતું જ? પણ મારે એની સાથે ગુંડાગીરી કરવી ન હતી, પછી વચલા રસ્તા તરીકે મેં કિશન અંકલને વિશ્વાસમાં લઈને વાત કરી, તો એમણે જ મને કહ્યું કે મારે ચિંતા ન કરવી જયરાજનો રસ્તો નીકળી જશે. બસ એમણે એકાંતમાં જયરાજ સાથે વાત કરી લીધી.” વરુણે સુંદરીને જયરાજ અંગેની તેની આખી યોજના જણાવી દીધી.
“તો કિશન અંકલે રસ્તો કાઢી આપ્યો અને એ પણ કાયમ માટે! અને મેં એટલેજ તમને આજે, આપણા લગ્નના એક દિવસ પહેલાં ખાસ બોલાવ્યા, એટલે તમે પણ મારી જેમ આવતીકાલે એકદમ મુક્તમને આપણા લગ્નની વિધિ કરી શકો.” સુંદરીના અવાજમાં અચાનક જ ઉત્સાહ આવી ગયો.
“શું? મને જરા સમજાય એમ કહો.” વરુણે વિનંતી કરી.
“થોડીવાર પહેલાં અરુમાનો કૉલ હતો, એમણે કહ્યું કે આજે જયરાજે કોલેજમાંથી રીઝાઈન કરી દીધું છે. છે ને મસ્ત વાત?” સુંદરીના સુંદર ચહેરા પર લાંબુ સ્મિત આવી ગયું.
“ઓહ માય ગોડ! ના હોય? લાગે છે કિશન અંકલે બહુ મોટો રેચ આપી દીધો હશે એ નાલાયકને!” વરુણ હસી પડ્યો.
“યુ નો અરુમા કહેતાં હતાં કે આપણી સગાઈ પછી આજે સવાર સુધી એટલેકે દોઢ મહિના જેટલો સમય એ રજા પર રહ્યો અને આજે અચાનક જ સવારે આવ્યો અને સીધો જ પ્રિન્સીપાલ સરની ચેમ્બરમાં જતો રહ્યો, રેઝીગ્નેશન લેટર આપ્યો અને એમને કહ્યું કે પ્લીઝ એક્સેપ્ટ ધીસ, મારું પીએફ અને એ બીજા બધા ડ્યુઝની વિધિ કરવાની હોય ત્યારે મને કૉલ કરજો હું આવી જઈશ, અને બસ બીજી જ સેકન્ડે બહાર નીકળી ગયો અને સીધો જ પોતાની કાર ડ્રાઈવ કરીને જતો રહ્યો. છે ને નવાઈની વાત?” સુંદરીનો ઉત્સાહ સમાતો ન હતો.
એવું લાગી રહ્યું હતું કે સુંદરીને જે બાબતનો સહુથી વધુ ડર હતો એ ડર અચાનક જ તેની સામેથી દૂર થઇ જતાં તે આ માટે કેવી પ્રતિક્રિયા આપે તેની સમજણ તેને નથી પડી રહી.
“ધેટ્સ ગ્રેટ, પણ આઈ મસ્ટ સે વન થિંગ.” વરુણ જરા ગંભીર થઈને બોલ્યો.
“શું?” સુંદરીની ભ્રમરો ખેંચાઈ.
“આપણા જયરાજ સર બિચારા તમને ખૂબ પ્રેમ કરતાં હતા, હવે તો મને પાક્કેપાયે વિશ્વાસ થઇ ગયો છે એ બાબતે.” વરુણ હજી પણ ગંભીર મુખમુદ્રા ધારણ કરીને ઉભો હતો.
“વ્હોટ? આ તમે શું કહી રહ્યા છો વરુણ?” સુંદરી મૂંઝાઈ ગઈ.
“હા, જુઓને? આવતીકાલે આપણા લગ્ન છે, પોતાની પ્રેમિકાના લગ્ન કોઈ બીજા સાથે થાય એ કયો પ્રેમી જોઈ શકે? બસ એટલે આજે એટલેકે આપણા લગ્નના બરોબર એક દિવસ પહેલાં જ રીઝાઈન કરીને કોલેજ છોડીને જતાં રહ્યાં કારણકે લગ્ન પછી તમે સેથીમાં સિંદુર ભરીને એની સામે જશો એ તે નહીં જોઈ શકે. બિચારો પ્રેમી.” વરુણે છેલ્લે નિશ્વાસ નાખ્યો.
“તમે પણ વરુણ... આઈ વિલ કિલ યુ!” સુંદરીએ ખોટેખોટો ગુસ્સો કર્યો.
“ધેન કમ એન્ડ કિલ મી!” કહીને વરુણે પોતાના હાથ પહોળા કર્યા.
અને સુંદરી દોડીને વરુણના આલિંગનમાં સમાઈ ગઈ.
“ભગવાન આપણી જોડે છે સુંદરી. લગ્ન પહેલાં કેટલું મોટું વિઘ્ન તેણે દૂર કરી આપ્યું... હેં ને?” વરુણે સુંદરીનું માથું ચૂમતાં કહ્યું.
“હમમ... તમે બહુ સહન કર્યું વરુણ, મને ખબર છે. આ તમારી તપસ્યાનું જ ફળ છે કે આપણે આવતીકાલે કાયમ માટે એકબીજાના થઇ જઈશું.” સુંદરી વરુણની છાતી પર પોતાના ગાલ અડાડીને બોલી રહી હતી.
“સાચા હ્રદયથી કરેલી તપસ્યા ફળે જ છે અને મને વિશ્વાસ હતો કે વહેલા કે મોડાં સુંદરી મેડમ મારા થઈને જ રહેશે.” વરુણના ચહેરા પર સ્મિત હતું.
“બીજી પણ એક અફવા છે જે અરુમાએ મને કીધી.” સુંદરીએ આલિંગનમાં જ વરુણ સામે ઉપર જોઇને કહ્યું.
“શું? કોઈ બીજો પ્રોફેસર તમારા પ્રેમમાં પડી ગયો છે કે?” વરુણે મશ્કરી કરી.
“ના હવે!” સુંદરીએ હળવેકથી વરુણની છાતીમાં મુક્કો માર્યો.
“તો પછી? શું થયું?” વરુણે પૂછ્યું.
“અરુમા કહેતા હતા કે ડીપાર્ટમેન્ટમાં કંદર્પ બારોટ સર અને હું જ ફૂલ ટાઈમ પ્રોફેસર્સ બાકી રહ્યાં છીએ. કંદર્પ સરને હવે ડોક્ટરેટ કરવું છે એટલે એ એવું કહેતા હતા કે એમને એચઓડી નથી બનવું, એટલે કદાચ પ્રિન્સીપાલ સર મને એચઓડી બનાવશે, ભલે ટેમ્પરરી પણ...” સુંદરીએ આટલું કહીને વરુણી છાતીમાં પોતાનો ચહેરો ઘસ્યો.
“ઓહ વાઉ! ધેટ્સ ગ્રેટ. આ તો ડબલ ગૂડ ન્યૂઝ છે.” વરુણે ફરીથી સુંદરીનું માથું ચૂમી લીધું.
ત્યાંજ વરુણનો સેલફોન વાગ્યો, કૃણાલનો નંબર એમાં ઝબકી રહ્યો હતો.
“હા લ્યા આવું છું. રાહ જો થોડી.” વરુણે છાશિયું કર્યું.
“તમે જાવ હવે. કાલથી તો આપણે સાથેજ રહેવાના છીએ.” સુંદરીએ સ્મિત સાથે વરુણને કહ્યું.
“હા, પણ આ કાલ ક્યારે પડશે?” વરુણે નિશ્વાસ નાખ્યો.
“બહુ જલ્દી પડશે. ચાલો હવે જાવ તો.” સુંદરીએ વરુણનો હાથ પકડ્યો અને તેને ખેંચીને રૂમની બહાર મૂકી આવી અને પોતે ઝડપથી રૂમની અંદર આવી અને બારણું બંધ કર્યું.
ત્યાંજ સુંદરીનો સેલફોન રણક્યો, સુંદરીએ જોયું તો કિશનરાજનો નંબર હતો, સુંદરીએ તરતજ કોલ રિસીવ કર્યો.
“યસ અંકલ... હા બસ મજામાં... હા અંકલ... અચ્છા?... ઓહ... હમમ... હા અંકલ હું સમજી શકું છું... હા... થેન્ક્સ કે તમે મને કૉલ કર્યો... તમે વરુણને હમણાં ન કહેતાં, હું સમય આવે એને બધીજ વાત કરી દઈશ. થેન્ક્સ અગેઇન અંકલ... યસ... હા હું ધ્યાન રાખીશ... જી કાલે મળીએ...” કહીને સુંદરીએ કૉલ કટ કર્યો.
કિશનરાજનો કૉલ કટ થતાં જ સુંદરી આદત અનુસાર પોતાની આંગળી પોતાના દાંત વચ્ચે દબાવીને કશું વિચારવા લાગી.
==:: પ્રકરણ ૧૦૩ સમાપ્ત ::==