એકસો એક
સુંદરી અને વરુણની ‘રિંગ સેરેમની’ એ જ સ્ટાર હોટેલમાં હતી જ્યાં તેઓ લંચ માટે પહેલીવાર મળ્યાં હતાં. હર્ષદભાઈ અને પ્રમોદરાયે નક્કી કર્યા મુજબ ગણતરીના મહેમાનોને જ આ પ્રસંગે આમંત્રિત કર્યા હતાં તેમ છતાં દોઢસો જેટલા આમંત્રિતો આ પ્રસંગમાં ભાગ લેવા અને સુંદરી તેમજ વરુણને આશિર્વાદ તેમજ શુભેચ્છાઓ પાઠવવા હાજર હતા.
અમદાવાદ શહેરના સહુથી લોકપ્રિય ચહેરાઓમાંથી એક બની ગયેલા ક્રિકેટર વરુણ ભટ્ટની સગાઈ ‘કવર’ કરવા સ્થાનિક અને રાષ્ટ્રીય ચેનલોનો ખડકલો હોટલની બહાર થઇ ગયો હતો. દરેક પત્રકારને આમ તો વરુણ અને તેની થનારી વાગ્દત્તાની બાઈટ જોઈતી હતી પરંતુ એ શક્ય ન લાગતાં હોટલમાં પ્રવેશનાર દરેક મહેમાનોની આગળ પાછળ તેઓ દોડી રહ્યાં હતાં.
એ સ્ટાર હોટેલના વિશાળ બેન્કવેટ હોલને ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. વરુણનો સમગ્ર પરિવાર, કૃણાલ અને સોનલબા સાથે પ્રસંગોચિત પોષાકમાં તૈયાર થઈને આવ્યો હતો. વરુણે સફેદ રંગનો જોધપુરી સ્યુટ ચડાવ્યો હતો અને માથે હલકા ગુલાબી રંગનો ફેંટો કસ્સીને બાંધ્યો હતો અને આ પહેરવેશમાં વરુણ અત્યંત રૂડો લાગી રહ્યો હતો. આમ પણ એની ઉંચાઈ અને કસરતી બદન કોઈને પણ તેના તરફ એક નજર ફેરવવા માટે મજબુર કરી જ દેતું હતું.
બીજી તરફ સુંદરી એ જ હોટેલના પાર્લરમાં તૈયાર થઇ હતી. તેણે પણ આછા ગુલાબી રંગના ચણીયા-ચોળી પહેર્યા હતાં અને માથે ઓઢણી ઓઢી હતી. સુંદરી આમ પણ અત્યંત સુંદર હતી પરંતુ જે રીતે એ તૈયાર થઇ હતી એ જોઇને વરુણ લગભગ પાગલ થઇ રહ્યો હતો. સ્ટેજની એક તરફ ખુરશીઓની હરોળ હતી જ્યાં વરુણના પરિવારના સભ્યો બેઠાં હતાં અને તેની વિરુદ્ધ દિશામાં સુંદરી પરિવાર તેમજ અરુણાબેન બેઠાં હતા.
સ્ટેજની બિલકુલ સામે બેસવાની જે વ્યવસ્થા હતી તેના પર આમંત્રિતો ગોઠવાયા હતા. વરુણ પરિવાર પહેલેથી જ પોતાના સ્થાને ગોઠવાઈ ગયો હતો પરંતુ જ્યારે સુંદરી પોતાના પરિવાર સાથે આ બેન્કવેટ હોલમાં પ્રવેશી ત્યારે તેની જોડે શ્યામલને જોઇને ઈશાની સ્તબ્ધ થઇ ગઈ. સુંદરીની લગોલગ ચાલતો હોવાને લીધે શ્યામલ જરૂર સુંદરીનો સાવ નજીકનો સબંધી હશે એવો વિચાર ઇશાનીને આવતાં વાર ન લાગી.
ઈશાનીએ શ્યામલ સામે અગાઉ જે કશું પણ થયું હતું અથવાતો શ્યામલે જે કોઇપણ વર્તન તેની સાથે કર્યું હતું એ ભૂલી જઈને તેની સામે હાથ હલાવીને તેનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંતુ શ્યામલને ખબર હતી કે વરુણની સગાઈ છે એટલે એની બહેન ઈશાની જરૂર આવી હશે એટલે એણે અગાઉથી નક્કી કર્યા મુજબ વરુણ પરિવાર જ્યાં બેઠો હતો તે દિશામાં જોવાનું સતત અવગણી રહ્યો હતો.
ઇશાનીને ખ્યાલ આવી ગયો કે શ્યામલ તેને અવગણી રહ્યો છે એટલે ફરીથી તેને દુઃખ લાગ્યું અને તેનું મોઢું ફરીથી ચડી ગયું. આ બધું ચાલતું હતું ત્યાં જ હોસ્ટ જે અમદાવાદ શહેરની એક જાણીતી આરજે હતી તેણે સુંદરી અને વરુણને સ્ટેજ પર બોલાવ્યા. ત્યારબાદ પહેલાં સુંદરીએ વરુણની આંગળીમાં વીંટી પહેરાવી અને બાદમાં વરુણે સુંદરીની આંગળીમાં વીંટી પહેરાવી અને બાદમાં તાળીઓના ગડગડાટ તેમજ હર્ષોલ્લાસના અવાજથી રૂમ ભરાઈ ગયો.
સગાઈની વિધિ બાદ તમામને ભોજન ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યું અને ઈશાનીએ આ તક ઝડપી લીધી.
“તમે ભાભીના...?” હોલના એક ખૂણે ઈશાનીથી સંતાઈને ઉભેલા શ્યામલને ઈશાનીએ જ પકડી પાડ્યો.
“ભાઈ છું, સગ્ગો ભાઈ. પણ એનો એવો મતલબ નથી કે...” શ્યામલનું વાક્ય અધૂરું રહી ગયું.
“...કે તમે મને પ્રેમ કરવા લાગશો રાઈટ?” ઈશાનીએ પટ દઈને કહી દીધું.
“હમમ... હું બહુ નાનો માણસ છું, તમે અને વરુણકુમાર બહુ મોટા લોકો છો, હું સમજું છું તમે મારા માટે શું ફિલ કરો છો, પણ મને તમારા પ્રત્યે કોઈજ ફીલિંગ નથી, આઈ એમ સોરી.” શ્યામલે આસપાસ કોઈ સાંભળી ન જાય એ રીતે બોલ્યો.
“તમે એમ કેવી રીતે માની લીધું કે મને તમારા પ્રત્યે કોઈ એવી ફીલિંગ છે? બે ઘડી હસીને વાત કરી લીધી એટલે એવું સમજી લીધું? તે દિવસે પણ તમે મને આવું જ કશું સમજાવી રહ્યા હતા ને? તો આજે મને કહેવા દો. આજે બે સાચા પ્રેમીઓનું મિલન થયું છે એટલે આજે મારે એ વાત તમને કહેવી જ છે. હા તમે મને ગમો છો. એ દિવસથી જે દિવસે રઘુથી તમે મને બચાવી હતી.
કોઇપણ છોકરી ઈચ્છતી હોય છે કે તેને પ્રેમ કરનાર, તેની રક્ષા કરનારો કોઈ મળે, તે દિવસે તમે મારી રક્ષા જ નહોતી કરી પણ મારી કેયર લઈને મને ઘરે પણ મોકલી હતી. મને તમારી મેચ્યોરીટી પણ ગમે છે. તમે શું કરો છો આઈ એમ લીસ્ટ કન્સર્ન! મારા ભાઈએ એનો પ્રેમ પામવા માટે ચાર વર્ષ રાહ જોઈ છે, હું પણ જોઇશ. તમે મને પ્રેમ નહીં કરો તો ચાલશે, પણ તમે મને પ્રેમ કરવા લાગો એનું ધ્યાન હવે હું રાખીશ. હું પણ વરુણભાઈની જ બહેન છું, સગ્ગી... એટલે હવે તો તમેજ મારી લાઈફને સાંભળશો એ નક્કી છે.
અને વાત રહી નાના-મોટાની તો મને મારા મમ્મી-પપ્પાએ ક્યારેય આ બધું શીખવાડ્યું નથી. ભાઈને જ જોઈ લ્યો, આટલી પોપ્યુલારિટી મળી છે, આટલો મોટો સેલિબ્રિટી થઇ ગયો છે અને એ પણ ટૂંકા સમયમાં તો પણ કેટલો હમ્બલ છે? એટલે નાના-મોટાની વાત તો વચ્ચે લાવતાં જ નહીં.” ગઈકાલ સુધી નિર્દોષ છોકરી જેવું વર્તન કરતી ઈશાની અત્યારે અત્યંત મેચ્યોરીટીથી વાત કરી રહી હતી.
શ્યામલ પાસે ઈશાનીની દલીલોનો કોઈજ જવાબ ન હતો એટલે એ ઈશાની સામે જોયા વગર જ ત્યાંથી બીજે કશે જતો રહ્યો. ઈશાની સ્મિત સાથે શ્યામલ સામે જોતી રહી.
“તું અહિયાં શું કરે છે ઈશુ? ચાલ આપણે ફોટા પડાવવાના છે.” અચાનક જ પાછળથી સુંદરીએ ઈશાનીને બોલાવી.
“ઓહ... ભાભી? તમે? હા.. હા... ચાલો ચાલો.” કહીને ઈશાની સુંદરી સાથે દોરવાઈ.
સુંદરી અને વરુણ એક પછી એક બધા સાથે ફોટા પડાવી રહ્યા હતા. પહેલાં એકબીજાના પરિવારો સાથે અલગ અલગ અને પછી બંને પરિવારોએ એક સાથે ફોટા પડાવ્યા. બંને પરિવારોનો એક સાથે ફોટો પાડવાનો સમય આવ્યો ત્યારે એકદમ ડાબી તરફ શ્યામલ ઉભો રહ્યો અને એકદમ જમણી તરફ ઈશાની ઉભી હતી.
આ બધુંજ જયરાજ દૂર ઉભો ઉભો જોઈ રહ્યો હતો અને મનમાંને મનમાં સળગી રહ્યો હતો. સુંદરી અત્યારે જે રીતે તૈયાર થઇ હતી એ જોઇને એની આ આગમાં એની વાસના ઘી રેડવાનું કામ કરી રહી હતી. એ સમસમીને આ બધું જોઈ રહ્યો હતો અને મનમાં ક્યારે એ સુંદરીનું જીવન બરબાદ કરી નાખે એની યોજના બનાવી રહ્યો હતો.
“પ્રોફેસર જયરાજ?” જયરાજ એની યોજના અંગે વિચારી જ રહ્યો હતો કે તેના જમણા ખભે કોઈએ ટપલી મારી.
“યસ... એન્ડ યુ આર?” જયરાજે પાછળ વળીને એ વ્યક્તિ સામે જોયું.
“આઈ એમ કિશનરાજ જાડેજા, કમિશનર ઓફ પુલીસ, અમદાવાદ.” કિશનરાજે પોતાનો હાથ લાંબો કર્યો.
“ઓહો! માય પ્લેઝર સર.” કહીને જયરાજે પણ પોરસાઈને કિશનરાજ સાથે હાથ મેળવ્યા કારણકે અમદાવાદના પોલીસ કમિશનર સામે ચાલીને તેને મળવા આવ્યા હતા.
“કેન વી ટોક ઇન પર્સન?” કિશનરાજે જયરાજને એક ખૂણામાં આવીને વાત કરવાનો ઈશારો કર્યો.
“શ્યોર, શ્યોર, વ્હાય નોટ?” જયરાજને ના પાડવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો.
કિશનરાજ જયરાજને બેન્કવેટ હોલના પુરુષોના ટોઇલેટમાં લઇ ગયા. જયરાજને નવાઈ તો લાગી પણ પોલીસ કમિશનર તેની સાથે કશી મહત્ત્વની વાત કરવા માંગે છે. જેવા કિશનરાજ અને જયરાજ ટોઇલેટમાં ઘુસ્યા કે સાદા ડ્રેસમાં આવેલા બે પોલીસવાળા દરવાજાની આસપાસ ગોઠવાઈ ગયા.
“તમે મને એટલી સારી રીતે નથી જાણતા પ્રોફેસર જેટલું હું તમારા વિષે જાણું છું. આડી અવળી વાત કરવાની મારી આદત નથી અને મારી પાસે એટલો સમય પણ નથી એટલે સીધો જ પોઈન્ટ પર આવું છું કે વરુણ મારો દિકરો છે અને હવે સુંદરી મારી વહુ થવા જઈ રહી છે. વરુણે સુંદરી પ્રત્યેની પોતાની લાગણી એના માતા-પિતા કરતાં પણ પહેલાં મને કહી હતી એટલે અમે બંને એકબીજા માટે કેટલા મહત્ત્વના છીએ અને અમે એકબીજા માટે શું કરી શકીએ છીએ એ તમે સમજી શકો છો.
એટલે પ્રોફેસર જયરાજ સાનમાં સમજી જજો કે વરુણ, કે પછી સુંદરીને કે એમના પરિવારોને તમે સીધી કે આડકતરી રીતે જરા પણ પરેશાન કરવાની કોશિશ પણ કરી છે તો તમારી હાલત શું થશે. એવા કેસમાં અંદર નાખી દઈશ કે કોલેજમાંથી રિટાયર થવાની ઉંમર જતી રહેશે તો પણ અંદરથી બહાર નહીં આવી શકો. ઓકે? સો ટેઈક કેયર ઓફ યોરસેલ્ફ.” આટલું કહીને કિશનરાજ જયરાજના ખભે ટપલીઓ મારીને બહાર નીકળી ગયા.
બહાર નીકળતાંની સાથેજ તેમણે વરુણ સામે “કામ થઇ ગયું છે”નો ઈશારો કર્યો. કિશનરાજની પાછળ પાછળ જયરાજ પણ ટોઇલેટમાંથી બહાર નીકળ્યો અને સીધો બેન્કવેટ હોલની બહાર જ નીકળી ગયો.
બધાં જ આમંત્રિતો ભોજનનો આનંદ માણી રહ્યાં હતા. હર્ષદભાઈ અને પ્રમોદરાય પોતપોતાના સગાંઓને આગ્રહ કરીને જમાડી રહ્યાં હતાં. સુંદરી, વરુણ, રાગીણીબેન અને સોનલબા એકબીજા સાથે વાતે વળગ્યાં હતાં. આ બધાની બાજુમાં બેસેલી ઈશાનીની નજર સતત શ્યામલ પર હતી.
ઈશાનીએ જોયું કે શ્યામલ કોઈની સાથે પોતાના સેલફોન પર વાત કરી રહ્યો હતો અને પછી તે ઝડપથી ચાલતો ચાલતો બેન્કવેટ હોલના પાછળના દરવાજા તરફ ગયો. દસેક મિનીટ સુધી શ્યામલ હોલમાં પાછો ન આવતાં ઇશાનીને થયું કે તે જરા જોઈ આવે કે શ્યામલ ક્યાં છે.
ઈશાની બેન્કવેટ હોલના પાછળના દરવાજેથી બહાર આવી અને લોબીમાં ચાલતી ચાલતાં એક મોટા દરવાજા પાસે આવી જે હોટલના પાછલા ભાગ તરફ ખૂલતો હતો. ઈશાનીએ જોર લગાવીને દરવાજો ખોલીને બહાર જોયું તો તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
==:: પ્રકરણ ૧૦૧ સમાપ્ત ::==