sundari chapter 100 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૧૦૦

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૧૦૦

સો

“પપ્પા, મેં તમને આજથી ચાર વર્ષ પહેલાં આપેલું પ્રોમિસ આજે ફૂલફીલ કરી બતાવ્યું છે.” વરુણે હર્ષદભાઈ સામે ઉભા રહીને કહ્યું.

“એટલે?” હર્ષદભાઈ વરુણના કહેવાનો મતલબ સમજ્યા નહીં.

“એટલે એમ કે કોલેજના પહેલા જ દિવસે તમે મારી પાસેથી વચન લીધું હતું કે મારે મારી જીવનસાથી આ જ કોલેજમાંથી પસંદ કરવાની છે, એ વચનમેં આજે નિભાવ્યું છે. સુંદરી મને મારા સમગ્ર જીવનમાં સાથ આપવા માટે તૈયાર થઇ ગયા છે!” વરુણે એ મોટા સ્મિત સાથે કહ્યું.

“શું? “વ્હોટ? “અહા...” “કયા બાત હૈ?” જેવી પ્રતિક્રિયાઓ સામે બેસેલા તમામના મોઢેથી નીકળી આવી.

બે ઘડી તો સમગ્ર રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને પછી જ્યારે બધાને ખરેખર ખ્યાલ આવ્યો કે વરુણ અને સુંદરીએ એકબીજાને જન્મોજન્મનો સાથ આપવાનું વચન આપ્યું છે ત્યારે બધાં જ ઉભા થઇ ગયા. હર્ષદભાઈ ઉભા થઈને વરુણ પાસે આવી ગયા અને વરુણ તેમને પગે લાગ્યો તો એમણે વરુણને ગળે વળગાડી દીધો.

ત્યારબાદ વરુણ રાગીણીબેનને પણ પગે લાગ્યો એમણે વરૂણનું કપાળ ચૂમી લીધું. ઈશાની તો આ બંનેની પાછળ જ ઉભી હતી તે દોડીને સુંદરીને પાછળથી વળગી પડી. ત્યારબાદ કૃણાલે પણ વરુણને ભેટીને તેને અભિનંદન આપ્યા તો સોનલબાએ સુંદરી અને વરુણ બંનેના હાથ પોતાના હાથમાં લઈને એકબીજાને પકડાવી દીધા.

રાગીણીબેને ઈશારો કરતાં જ ઈશાની રસોડા તરફ ભાગી અને ફ્રીજમાંથી બરફીનું બોક્સ લેતી આવી. તમામે વારાફરતી એકબીજાના મોં મીઠાં કરાવ્યા.

“વાહ! વાહ! વાહ! બહુ સરસ. આઈ એમ સો હેપ્પી. એટલા માટે તો ખરું જ દીકરા કે તેં મને આપેલું વચન નિભાવ્યું, પણ એટલા માટે કે તેં સુંદરી જેવી ડાહી દીકરીને તારા જીવનસાથી તરીકે પસંદ કરી.” હર્ષદભાઈએ એક સાથે તેમને પગે લાગી રહેલા સુંદરી અને વરુણના માથે હાથ મૂકતાં કહ્યું.

“આભાર તો સુંદરીનો માનવાનો હોય, કે એણે આપણા આ ગાંડિયાને હા પાડી.” હવે રાગીણીબેને પોતાને પગે લાગી ચૂકેલી સુંદરીનો ગાલ ખેંચ્યો અને બોલ્યા.

“છેવટે તેં તારી જીદ પૂરી કરી હેં ને?” કૃણાલ વરુણ સામે હસતાં હસતાં બોલ્યો.

“તેં જો આમ ન કરવાની સલાહો ન આપી હોત તો કદાચ આ પોસીબલ ન થયું હોત.” વરુણે પણ હસીને જવાબ આપ્યો.

“હવે તો હું તમને સામેથી ભાભી કહીશ, અત્યારસુધી છૂપું છૂપું ભઈલા સામે જ કહેતી હતી.” સોનલબા સુંદરીને વળગી પડ્યાં.

“અને મારે તમને હવે સોનલબેન કહેવું પડશે, નણંદબા થયા તમે તો.” કહીને સુંદરીએ પણ સોનલબાના ગાલ સાથે પોતાનો ગાલ ઘસ્યો.

“પણ મને તો ઈશાની જ કહેવાની છે, બેન-ફેન નહીં ઓકે?” ઈશાની હજી પણ સુંદરીને પાછળથી વળગેલી હતી.

“હા, તું તો છે જ સ્વિટ, તને બેન ન કહેવાય.” અને સુંદરીએ ઈશાનીના ગાલને પોતાની હથેળીથી થપથપાવી.

થોડો સમય આ બધું આમને આમ જ ચાલતું રહ્યું. બધાં પોતપોતાની રીતે અચાનક મળેલા આનંદને માણવા લાગ્યા.

“પપ્પા, મારા પપ્પાને...” સુંદરીએ હર્ષદભાઈને પૂછ્યું.

વરુણને સુંદરીનું હર્ષદભાઈને પપ્પા કહેવું બહુ ગમ્યું અને અન્યોએ પણ તેની નોંધ લીધી અને મંદમંદ સ્મિત કર્યું.

“હા, હા, એમને પૂછી લ્યો કે ક્યારે મળવા આવીએ બધા.” હર્ષદભાઈએ સુંદરીને મંજૂરી આપી.

સુંદરીએ પોતાનું ડોકું હલાવ્યું અને થોડે દૂર જઈને તેણે પ્રમોદરાયને કૉલ કર્યો. તમામનું ધ્યાન સુંદરી પર જ સ્થિર થઇ ગયું.

“પપ્પાએ બધાને સાંજે છ વાગ્યે મારે ઘેર આવવાનું આમંત્રણ આપ્યું છે.” કૉલ કટ કરીને સુંદરીએ બધાની સામે જોઇને કહ્યું.

“આપણે બધાં જ ચોક્કસ સાંજે સુંદરીના ઘરે જઈશું. કૃણાલ તું અત્યારે સુંદરીને તારી કારમાં એને ઘેર મૂકી આવ.” હર્ષદભાઈએ કૃણાલને રીતસર હુકમ કર્યો.

“જી અંકલ.” કૃણાલે પોતાનું ડોકું હકારમાં હલાવ્યું.

“અંકલ, હું ઘરેથી સાંજ માટે કપડાં લેતી આવું?” સોનલબાએ હર્ષદભાઈને પૂછ્યું.

“હા કેમ નહીં. તો પછી કૃણાલ તું પહેલાં સુંદરીને એના ઘરે મૂકી આવ અને પછી સોનલને એને ઘરે લઇ જા અને પછી એ સાંજ માટે કપડાં લઈને અહીં પાછી આવી જાય.” હર્ષદભાઈએ પોતાના અનુભવનો ઉપયોગ કર્યો.

ત્યારબાદ બધાં જ હર્ષદભાઈની સૂચના અનુસાર વર્તન કરવા લાગ્યા.

અને સાંજ પડી, બધાં જ તૈયાર થઈને વરુણની અને કૃણાલની કારમાં સુંદરીને ઘેર પહોંચ્યાં. પ્રમોદરાય અને સુંદરી દરવાજે જ બધાંનું સ્વાગત કરવા માટે ઉભા હતાં. સુંદરીએ શ્યામલને પણ સાંજે આવવાનું કહ્યું હતું પરંતુ શ્યામલને અંદાજ હતો જ કે ઈશાની ત્યાં હાજર હશે એટલે તેણે એ સમયે ગ્રાહકો વધુ હોવાનું બહાનું કરીને ના પાડી દીધી.

પ્રમોદરાય તો પહેલેથી જ વરુણના ચાહક હતાં અને પોતાની પુત્રી લોકપ્રિય ક્રિકેટરને પરણશે એ વિચારથી જ એ તો ગદગદ થઇ ગયા હતા. આથી જેવો વરુણ તેમની સામે આવ્યો અને તેમને પગે લાગ્યો કે તરતજ પ્રમોદરાયે તેને ગળે વળગાડી લીધો.

ત્યારબાદ તમામે એકબીજાની ઓળખ આપી અને પ્રમોદરાયના કહેવાથી ઈશાની અને સોનલબા રસોડામાં જઈને એક ડીશમાં સુંદરીએ તૈયાર રાખેલા ગોળ-ધાણા લઇ આવ્યા. બધાં જ ખુશ હતાં.

“પ્રમોદભાઈ જો તમને વાંધો ન હોય તો આપણે સગાઈની તારીખ નક્કી કરી લઈએ?” હર્ષદભાઈએ પ્રમોદરાયને પૂછ્યું.

“હા, હા કેમ નહીં. શુભસ્ય શીઘ્રમ! મને અને સુંદરીને તો લગ્ન પણ જલ્દી થાય એનો પણ વાંધો નથી, બરોબરને બેટા?” પ્રમોદરાયે સુંદરી સામે જોઇને તેને પૂછ્યું અને સુંદરીએ શરમાઈને હા પાડી.

“વાહ! અમે પણ બપોરે ઘરે આ જ ચર્ચા કરતાં હતા. નવેમ્બરમાં ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયા ટુર છે, વરુણનું સિલેક્શન એમાં પાક્કું જ છે એટલે જો એ પહેલાં આપણે લગ્ન પણ પતાવી લઈએ તો પછી વરુણ અને સુંદરી એમનું હનીમુન ઓસ્ટ્રેલિયામાં ઉજવી શકે.” હર્ષદભાઈએ પોતાનો વિચાર આગળ મૂક્યો.

“કેમ નહીં. આપણે એ પહેલાં જ બંનેના લગ્ન કરી નાખીશું. મારો દીકરો આજે રાત્રે આવે એટલે એની સાથે બેસીને હું વાત કરીશ. પણ સગાઈ તો આપણે કરી જ નાખીએ.” પ્રમોદરાયે હર્ષદભાઈના વિચારને અનુમોદન આપ્યું.

“સગાઈ આપણે આ ગુરુવારે જ ગોઠવીએ તો? આજકાલ એને રીંગ સેરેમની કહે છે એવું ગોઠવીએ અને ગણતરીના મહેમાનોને બોલાવીએ, વરુણે એક હોટલ જોઈ રાખી છે એસજી રોડ પર, જો તમને વાંધો ન હોય તો આપણે ત્યાં જ એ કાર્યક્રમ ગોઠવીએ.” હર્ષદભાઈએ ફરીથી પોતાનો વિચાર આગળ ધર્યો.

“મને વાંધો નથી, મારા દીકરાને પણ નહીં હોય. ખર્ચાની કોઈજ ચિંતા ન કરતાં હર્ષદભાઈ. આટલાં વર્ષો જે કમાયો છું એ દીકરી-દીકરા માટે જ છે ને?” પ્રમોદરાય જે રીતે બોલી રહ્યાં હતાં, તેમના સ્વભાવમાં આ પ્રકારે આવેલા અચાનક પરિવર્તનથી સુંદરીને પણ આશ્ચર્ય થયું.

“એ આપણે પછી જોઈ લઈશું, એની ચિંતા તમે પણ ન કરશો.” કહીને પોતાની બાજુમાં જ બેસેલા પ્રમોદરાય સાથે હર્ષદભાઈએ હાથ મેળવ્યા.

“બેટા, વરુણકુમારને તારો રૂમ તો દેખાડ?” પ્રમોદરાયે અચાનક જ સુંદરીને કહ્યું.

સુંદરીએ સ્હેજ શરમ સાથે વરુણ સામે જોયું અને વરુણે વળતું સ્મિત કરતાં બંને પોતપોતાની જગ્યાએથી ઉભાં થયાં. સુંદરી વરુણને ઉપરના માળે પોતાના રૂમમાં લઇ ગઈ. રૂમમાં પ્રવેશ કરતાં જ વરુણે સુંદરીને પોતાના આલિંગનમાં લઇ લીધી.

“હં...હં...હં... આટલી ઉતાવળ?” સુંદરી હસતાં હસતાં બોલી.

“કોલેજમાં તો કોઈ આવી જશે એની બીક લાગતી હતી, પણ અહીં તો આપણે બંને એકલાં જ છીએને?” વરુણે પોતાના આલિંગનને મજબૂત બનાવતાં કહ્યું.

“અહીં પણ બધાં છે તો ખરાં.” સુંદરીએ વરુણની છાતી પર પોતાનું માથું મૂકી દીધું.

“બધાં તો નીચે છે ને?” વરુણે સુંદરીનું માથું પ્રેમથી ચૂમતાં જવાબ આપ્યો.

“હમમમ...” સુંદરીએ હવે આગળ કશું જ ન કહ્યું એ ફક્ત વરુણના સ્પર્શને માણવા લાગી અને વરુણની છાતીની અંદર ફક્ત એના માટે જ ધબકી રહેલા હ્રદયના અવાજને સાંભળતી રહી.

લાંબા સમય સુધી બંને આ જ રીતે એકબીજાના સ્પર્શને માણતા રહ્યાં જાણેકે વર્ષો સુધી બંને આ જ પળની રાહ જોઈ રહ્યાં હતાં.

ત્યારબાદ બંને આલિંગન મુક્ત થયાં અને સુંદરીએ વરુણને પોતાનો રૂમ દેખાડ્યો. વરુણ રસપૂર્વક એ બધું જોવા લાગ્યો.

ત્યારબાદ બંને ઘરના મુખ્ય દરવાજા તરફ પડતી બાલ્કનીમાં આવ્યાં અને વાતો કરવા લાગ્યાં.

“તમે તમારા પપ્પા અને શિવભાઈને મારા કરતાં પણ પહેલાં કેમ કહ્યું એના વિષે મને કશું કહેવાના હતાં?” વરુણે યાદ દેવડાવ્યું.

“તમે ગુસ્સે તો નહીં થાવને?” સુંદરીએ શરત મૂકી.

“કેમ? એવું તો શું થયું? અને હું તમારા પર ગુસ્સે થાઉં? આજ સુધી કોણ કોના પર ગુસ્સે થયું છે? એનો રેકોર્ડ જરા ચેક કરી લેજો મેડમ!” વરુણ હસી રહ્યો હતો.

“બહુ સારું!” કહીને સુંદરીએ વરુણ સામે મોઢું બગાડ્યું અને પછી એ પણ હસી પડી.

“એક્ચ્યુઅલી આપણા જયરાજ સર છે ને, એ ઘણા વર્ષોથી મારી પાછળ પડી ગયા છે. એટલું જ નહીં વરુણ એ ડીપાર્ટમેન્ટમાં પણ મને ઘણીબધી જ્યાં ત્યાં અડતા હોય છે. એ ઘણા સમયથી પપ્પાને મારા લગ્ન એમની સાથે થાય એ બાબતે કન્વીન્સ કરવાની કોશિશ કરતાં હતા...” સુંદરી હજી બોલી જ રહી હતી કે...

“... એ જયરાજીયાની તો પથારી ફેરવી દઈશ.” વરુણ ગુસ્સે થઈને બોલ્યો.

“જો! મેં કહ્યું હતું ને કે તમારે ગુસ્સે નથી થવાનું? સાંભળો. એક દિવસ એ અમારે ઘરે એની બહેનને લઈને મારું માંગુ લઈને આવ્યો હતો. એ દિવસે ખબર નહીં પણ કેમ મને એ પાક્કી લાગણી થઇ આવી કે જો હું કોઈને પ્રેમ કરું છું તો એ તમે જ છો અને જો હું કોઈ સાથે સુખી થઈને રહીશ તો એ તમે જ હશો... એટલે પછી મેં પપ્પાને જયરાજની સામે જ કહી દીધું કે હું વરુણને પ્રેમ કરું છું. બસ! પછી ભાઈને કહી દીધું. પણ પ્રોમિસ મી વરુણ, તમે જયરાજને કોઈજ નુકશાન નહીં પહોંચાડો, કારણકે એને લીધે ક્યાંક આપણે બંને તકલીફમાં ન આવી જઈએ.” સુંદરીએ વરુણને વચને બાંધવાનો પ્રયાસ કર્યો.

“ના, હું એને કોઈજ શારીરિક નુકશાન નહીં પહોંચાડું, પણ મારી પાસે એક આઈડિયા છે... હમણાં જ આવ્યો. તમે ચિંતા ન કરો હવે એ તમને કે મને નહીં નડે. બસ એક કામ કરજો મારું, એને કોઇપણ રીતે આપણી સગાઈમાં બોલાવજો, બાકી હું સંભાળી લઈશ.” વરુણના અવાજમાં અને એના ચહેરા પર જબરી મક્કમતા અને વિશ્વાસ છલકાઈ રહ્યા હતા.

સુંદરી આ નવા વરુણને આશ્ચર્યથી આંખો પહોળી કરીને જોઈ રહી.

==:: પ્રકરણ ૧૦૦ સમાપ્ત ::==