sundari chapter 99 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૯૯

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૯૯

નવાણું

“વરુણ તમે અત્યારે બધાને યાદ કર્યા, સોનલને, કૃણાલને અને એમ પણ કહ્યું કે આ ક્લાસ સાથે, આ ખાસ ક્લાસરૂમ સાથે તમારી અસંખ્ય યાદો જોડાયેલી છે.” ક્લાસરૂમના બારણાને સ્ટોપર માર્યા બાદ સુંદરી વરુણ સામે ઉભી રહી અને બોલી.

“હા, ઓફકોર્સ અને આ ક્લાસરૂમનું મારા માટે ખૂબ મહત્ત્વ છે. મારી લાઈફ અહીંથી હવે ગમે ત્યાં જશે પણ આ ક્લાસરૂમ હું ક્યારેય નહીં ભૂલું.” વરુણે ક્લાસરૂમની ચારેય તરફ નજર ફેરવી રહ્યો હતો.

“સોનલ, કૃણાલ, ક્લાસરૂમ આ બધાનું તમારા જીવનમાં મહત્ત્વ છે, પણ મારું? આ ક્લાસરૂમ અને તમારી સાથે હું કોઇપણ રીતે નથી જોડાઈ વરુણ?” સુંદરીની આંખો હવે વરુણને કરેલા પ્રશ્નનો જવાબ શોધી રહી હતી.

“કેમ નહીં. જેમ સોનલબા સાથેની મિત્રતાનું બીજ આ જ ક્લાસરૂમમાં વાવ્યું હતું તો તમે પણ મને આ જ ક્લાસરૂમમાં સહુથી પહેલીવાર મળ્યા હતા. મેં જ્યારે એમ કહ્યું કે મારી લાઈફ અહીંથી હવે ગમે ત્યાં જશે પણ આ ક્લાસરૂમ હું ક્યારેય નહીં ભૂલું ત્યારે તમે પણ મારી એ મેમરીઝમાં સામેલ જ છો. આપણી મિત્રતા પણ એક રીતે તો અહીંથી જ શરુ થઇ હતીને?” વરુણના ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું.

“મિત્રતા? તમે મને ત્યારે ફક્ત મિત્ર જ ગણી હતી?” સુંદરીએ ફરીથી વરુણને પ્રશ્ન પૂછ્યો.

“ના... તમને બધી ખબર તો છે જ... પણ મારે ફરીથી એ બધું યાદ કરીને તમારું મન નથી દુ:ખાડવું.” વરુણે સત્ય જ ઉચ્ચાર્યું.

“એ જરૂરી નથી વરુણ કે હવે પણ, એટલે આટલું બધું થયા પછી, તમારી સાથે આટલા બધા મહિનાથી જે રીતે ફોન કોલ્સ પર, મેસેજીઝથી કે ઇવન રૂબરૂમાં પણ સમય ગાળ્યા પછી, તમને વધુ સારી રીતે જાણ્યા છે એ પછી શક્ય છે કે એ બધું યાદ કરીને મને દુઃખ ન પણ થાય.

શું એ શક્ય નથી કે કોઈવાર કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિના મન પર પડેલી પોતાની ખોટી છાપ દૂર કરી દે અને પેલી બીજી વ્યક્તિ એને સાવ નવી નજરેથી કે નવી લાગણી સાથે જોવા લાગે? શું કોઈ વ્યક્તિ આખું જીવન અન્ય વ્યક્તિનો સાચો વ્યવહાર જોયા પછી પણ એના ભૂતકાળને યાદ કરી કરીને એના વિષે નકારાત્મક જ વિચારતી હોય? શું આ બાબતે પણ લાગણીઓમાં પરિવર્તન શક્ય નથી વરુણ?” સુંદરીની આંખો હવે ભીની થઇ હતી.

“છે ને? બિલકુલ. પણ એક વખત કડવો અનુભવ થયોને એટલે પછી એ ડર જીવનભર રહેતો હોય છે, આઈ એમ શ્યોર તમે સમજો છો હું શું કહી રહ્યો છું.” વરુણે સુંદરીની દલીલનો જવાબ આપ્યો.

“જો એવું હોય તો કોઈ નવા સબંધો બંધાય જ નહીં! નવો સબંધ બાંધવા હિંમતભેર ભૂતકાળની અને ખોટી લાગણીઓને ભૂલી જવી પડે, ભ્રમ અને ડરને દૂર કરવા પડે વરુણ, હું બરોબર કહી રહી છું ને?” સુંદરીએ ભીની આંખે પૂછ્યું.

“તમે બરોબર જ છો, પરંતુ મારામાં એ હિંમત હજી સુધી તો નથી આવી. કદાચ હું માંડમાંડ પરત મળેલા સબંધને ફરીથી ગુમાવવાથી ડરું છું.” વરુણે પોતાની સમસ્યા જણાવી.

“તો પછી એ હિંમત મારે જ દેખાડવી પડશે.” સુંદરીની આંખોમાંથી આંસુની ધાર વહેવાની શરુ થઇ, પરંતુ તેના ચહેરા પર મક્કમતા પણ આવી ગઈ હતી.

“એટલે? હું સમજ્યો નહીં...” વરુણના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એને સુંદરીના આંસુઓની ચિંતા પણ હતી.

સુંદરી વરુણની એકદમ નજીક આવી ગઈ અને હવે સુંદરી અને વરુણ એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં હતાં.

“એટલે એમ કે જે જગ્યાએ હું અને તમે આપણા જીવનમાં સહુથી પહેલીવાર મળ્યા હતાં, મારે આ જગ્યા એટલેકે આ ક્લાસરૂમમાં મારે એ હકીકતનો સ્વીકાર કરવો છે વરુણ કે તમારા અને મારા વચ્ચે કેટકેટલું થઇ ગયું અને એ તમામ અનુભવનો સાર જે હું સમજી છું એ એમ છે કે હું તમને ખૂબ પસંદ કરું છું અને ફક્ત પસંદ જ નથી કરતી પરંતુ તમને ખૂબ ખૂબ ખૂબ પ્રેમ પણ કરું છું! મને લાગે છે કે તમેજ મારા યોગ્ય જીવનસાથી બની શકશો. આઈ લવ યુ વરુણ... આઈ લવ યુ સો મચ!” આટલું કહીને સુંદરીએ વરુણના બંને હાથની આંગળીઓ પોતાની આંગળીઓમાં લઈને દબાવી અને તેના ટેકે પોતાનું કપાળ અડાડીને રડવા લાગી.

બે ઘડી તો વરુણ સ્તબ્ધ થઇ ગયો, તેને ખ્યાલ જ ન આવ્યો કે તેની સાથે હમણાં જ, બે સેકન્ડ પહેલાં શું બની ગયું? તેની આંખો પહોળી થઇ ગઈ, મોઢું ખુલ્લુંને ખુલ્લું જ રહી ગયું. તેની નજર સામે સુંદરી હતી જેને તે ખૂબ પ્રેમ કરતો હતો અને જીવનના અસંખ્ય ચડાવઉતાર પછી સુંદરીએ સામે ચાલીને તેના પ્રત્યેના પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો તો વરુણ સાવ હક્કોબક્કો થઇ ગયો કે સુંદરીના તેના પ્રેમના સ્વીકારનો તે કેવી રીતે જવાબ આપે.

“ખરેખર?” થોડી કળ વળ્યા પછી વરુણ આટલું જ બોલી શક્યો.

“હા, તે દિવસે ગાર્ડનમાં તમે ભૂલથી આઈ લવ યુ બોલી ગયા હતા ત્યારે મેં ના પાડી હતી એટલે આજે જો તમારી ઈચ્છા હોય તો તમે એનો બદલો લઈને મને ના પાડી શકો છો, બુદ્ધુરામ!” આટલું કહીને સુંદરી રડતાં રડતા હસી પડી.

“હું એટલો પણ બુદ્ધુ નથી કે મારી આવનારી સુખી જિંદગીને હું આમ ફટ દઈને ના પાડી દઉં ઓકે? આઈ લવ યુ ટુ....” કહીને વરુણ સુંદરીને વળગી પડ્યો.

વરુણની આંખમાં પણ આંસુ હતા અને સુંદરી પણ રડી રહી હતી. બંને અત્યંત ભાવુક હતા અને બંને માટે પારસ્પરિક પ્રેમનો આ પ્રથમ સ્વિકાર્ય અનુભવ હતો જે બંને માટે નવો હતો આથી નવી લાગણીના અજાણ્યા સમુદ્રમાં બંને એકબીજાને વળગીને ડૂબકીઓ લગાવી રહ્યા હતા.

“તમને ખબર નથી, તમે મને આજે મારું જીવન મને આપી દીધું છે. તમને ખબર નથી હું તમને કેટલો પ્રેમ કરું છું. હું તમને ખૂબ ખુશ રાખીશ... આઈ પ્રોમિસ!” સુંદરીને ભેટીને વરુણ બોલી રહ્યો હતો.

“મને ખબર છે વરુણ કે તમે મને કેટલો પ્રેમ કરો છો. કદાચ તમારા જેટલો પ્રેમ મને આ દુનિયામાં બીજું કોઈજ નહીં આપી શકે. આપણે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીશું અને એકબીજાને ખૂબ ખુશ રાખીશું. પણ તમે અત્યારેજ એક કામ કરીને મને ખૂબ ખૂબ ખૂબ ખુશ કરી શકો છો.” સુંદરીએ વરુણને જવાબ આપ્યો.

“શું?” વરુણે નવાઈ સાથે પૂછ્યું.

“તમે મારી સામે મારું નામ બોલીને મને જે ખુશી આપશો એ દુનિયાની કોઈ તાકાત મને નહીં આપી શકે. તમારા મોઢેથી મારું નામ સાંભળવા માટે હું ચાર-ચાર વર્ષથી વલખાં મારી રહી છું વરુણ... મારું નામ એકવાર તો બોલો વરુણ.” સુંદરીએ વિનંતી કરી.

“સુંદરી... આઈ લવ યુ સુંદરી... સુંદરી યુ આર માય લવ, માય લાઈફ...” વરુણે કહ્યું અને સુંદરીએ પોતાના આલિંગનની પક્કડ વધુ મજબુત બનાવી.

બંને થોડો સમય આ જ અવસ્થામાં રહ્યા. વરુણ સુંદરીની પીઠ પર સતત પ્રેમથી હાથ ફેરવતો રહ્યો અને સુંદરી પોતાના ખભા પર ઝૂકેલા વરુણના માથામાં પોતાની આંગળીઓ અત્યંત સ્નેહથી ફેરવતી રહી.

“હવે આપણે જવું જોઈએ, કોઈક આવી જશે.” સુંદરીએ વરુણને કહ્યું અને બંને આલિંગનમુક્ત થયાં.

“હમમ... મને એક આઈડિયા આવે છે.” વરુણ બોલ્યો.

“શું?” સુંદરીએ ક્લાસરૂમનો દરવાજો ખોલતાં પૂછ્યું.

“મારી લાઈફના દરેક મહત્ત્વના પાત્રો અત્યારે મારા ઘરે જ છે. તો આપણે ઘરે જઈને ફોર્મલી જાહેરાત કરી દઈએ તો?” વરુણે આંખો નચાવી રહ્યો હતો.

“શું વરુણ તમે પણ? એમ અચાનક જ બધાંને આંચકો આપશો?” સુંદરી વરુણ સાથે અસહમત થઇ.

“અરે! મમ્મી પપ્પાને અને ઇશાનીને બધાને ખબર જ છે. તમે શું માનો છો? મારી આ લવ સ્ટ્રગલમાં એ ત્રણેય અને સોનલબેન અને કૃણાલ જો મારી સાથે મક્કમતાથી ઉભા ન રહ્યાં હોત તો આજે હું અહીં ન હોત અને આપણું મિલન પણ ન થયું હોત.” વરુણે સ્મિત સાથે અને પોતાના પરિવાર અને મિત્રો પર ગર્વ કરી રહ્યો હતો.

“એમ તો મેં પણ પપ્પાને અને શ્યામલભાઈને મનાવી લીધા છે. પણ મારે સંજોગો જ એવા હતા કે મારે પપ્પાને કહેવું જ પડ્યું.” સુંદરી બોલી.

હવે બંને જણા કોલેજની બહાર આવેલા પાર્કિંગમાં આવી પહોંચ્યા હતા જ્યાં હવે એકલદોકલ કાર જ પાર્ક કરેલી ઉભી હતી એટલે વરુણને પોતાની કાર શોધવામાં તકલીફ ન પડી. બપોરનો સમય હતો એટલે આસપાસ કોઈ હતું પણ નહીં. વરુણે કારનો દરવાજો ખોલ્યો અને સુંદરીને ઝૂકીને અંદર પ્રવેશવાની વિનંતી કરી. સુંદરી પણ હસી પડી એને તરતજ ખાતરી થઇ ગઈ કે હવે જીવનભર તે આ જ રીતે વરુણના નખરાંઓ પર હસતી રહેશે.

ત્યારબાદ વરુણ કારની ડ્રાઈવર સાઈડ આવ્યો અને તેણે એ દરવાજો ખોલ્યો. પોતે અંદર બેઠો, દરવાજો બંધ કર્યો અને સીટ બેલ્ટ બાંધ્યો અને કાર સ્ટાર્ટ કરી.

“એવા કેવા સંજોગો હતા કે તમે અંકલને અને શિવભાઈને મારા કરતાં પણ પહેલાં કહ્યું?” વરુણે વાતનો દોર ફરીથી સંભાળ્યો.

“એ હું પછી કહીશ, પ્રોમિસ! અત્યારે તો ઘરે જઈએ?” સુંદરીએ વરુણનો પ્રશ્ન ટાળી દીધો.

સુંદરીને અત્યારે આ ઘડીએ જ્યારે તે પોતાના અત્યારસુધીના જીવનની સહુથી મોટી અને સહુથી વધુ આનંદ આપનારી ક્ષણને માણી રહી હતી ત્યારે જયરાજનો મુદ્દો લાવીને વરુણને ગુસ્સે કરવા માંગતી ન હતી અને એમ કરીને તે આ ક્ષણને વેડફવા પણ નહોતી માંગતી.

“જેવો આપનો હુકમ સુંદરીજી!” વરુણે સુંદરીનો જમણો હાથ પોતાના ડાબા હાથમાં લીધો અને કાર ચલાવવાની શરુ કરી.

વરુણની કાર હજી થોડે સુધી જ ચાલી હતી કે વરુણે ઇશાનીને કૉલ કરીને કૃણાલને ઘરે બોલાવી લેવાનું કહ્યું અને ઉમેર્યું કે તે બધાં માટે એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. વરુણના અવાજમાં જે આનંદ હતો તેની સરખામણી થાય એમ જ ન હતી.

પોતાને પ્રેમ કરતો હોવા છતાં વરુણ અત્યારસુધી જે રીતે તેની સામે ઓસંખાતો હતો કે ક્યાંક તેનાથી કોઈ ભૂલ ન થાય અને સુંદરી ગુસ્સે ન થાય, એ તમામ મુશ્કેલીઓ દૂર થઇ જતાં વરુણ હવે એકદમ મુક્ત બનીને વર્તન કરી રહ્યો હતો એ જોઇને સુંદરી પણ ખૂબ ખુશ થઇ રહી હતી.

કોલેજથી વરૂણનું ઘર સાવ નજીક જ હતું એટલે તરતજ એ બંને વરુણના ઘરે પહોંચી ગયા. ઘરની બહાર જ વરુણે કાર પાર્ક કરી અને જેવા ઘરના મુખ્યદ્વાર નજીક એ અને સુંદરી પહોંચ્યા કે ઈશાની દોડતી દોડતી બંને સામે આવીને ઉભી રહી ગઈ.

ઈશાનીએ વરુણ સામે પોતાની ભ્રમરો ઉંચી કરીને પ્રશ્ન કર્યો, વરુણે હાથ ઉંચો કરીને તેને રાહ જોવાનું કહ્યું અને વરુણ સુંદરી સાથે પોતાના ઘરમાં પ્રવેશ્યો જ્યાં સોફાઓ પર હર્ષદભાઈ, રાગીણીબેન, કૃણાલ અને સોનલબા બેઠાં હતાં. તમામના ચહેરાઓ પર એક ખાસ પ્રકારની ઉત્કંઠા જોવા મળી રહી હતી.

==:: પ્રકરણ ૯૯ સમાપ્ત ::==