Aage bhi jaane na tu - 31 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 31

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આગે ભી જાને ના તુ - 31

પ્રકરણ - ૩૧/એકત્રીસ

ગતાંકમાં વાંચ્યું....

ખીમજી પટેલ ફરી એકવાર કહાણીને અજીબ મોડ પર લાવીને છોડે છે. રાજીવ અને રતન વાર્તામાં ખૂટતી કડી શોધવાની કોશિશ કરે છે. અનન્યા અને રાજીવ વચ્ચે ફોન પર ટૂંકી વાતચીત થાય છે. રતન અને ખીમજી પટેલ વચ્ચે નાનકડી ચણભણ થાય છે.....

હવે આગળ.....

"હવે સમય બગાડ્યા વગર જે કડી ખૂટે છે એ સીધેસીધી કહી દયો નહિતર પગ કબરમાં જ લટકતો રહેશે અને તમે ઉપર પહોંચી જશો," રતને કમરે ખોસેલી રિવોલ્વર કાઢી ને ખીમજી પટેલના લમણે તાકી દીધી.

"રતનીયા, આ રમકડાથી ખીમજી પટેલ પહેલાં પણ નથી ડર્યો તો હવે શું ખાક ડરશે... ચાલ આ રમકડું એની જગ્યાએ મૂકી દે અને હમણાં તો હું તમને એક ખૂટતી કડીની માહિતી આપું છું પણ....આ રમત મારી સાથે ફરી ક્યારેય નહીં,સમજી ગયો?" ખીમજી પટેલે કમરે ખોસેલી કટાર બહાર કાઢી એની અણી રતનની દાઢીએ દબાવી અને જે માહિતી આપી એનાથી રતન અને રાજીવ બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ.

રતન અને રાજીવ બંને એકમેકના રંગ ઉડી ગયેલા ચહેરા જોવા લાગ્યા. ખીમજી પટેલે કટારને પાછી કમરે ખોસી પલંગ પર બેસી બીડી સળગાવી બેફિકર બની ધુમાડા કાઢવા લાગ્યા.

રતન અને રાજીવ પણ ઉભા થઇ બહાર નીકળી બુલેટ પર સવાર થઈ બજાર તરફ ગયા.

"રતન, તને શું લાગે છે, આ ખીમજી પટેલ સાચું બોલી રહ્યા છે?" રતને ચાની લારી પાસે બુલેટ ઉભી કરી અને બે કટિંગ મસાલા ચાનો ઓર્ડર આપ્યો.

"રાજીવ, હમણાં તો આપણી પાસે એમની વાત સાચી માનવા સિવાય બીજું કોઈ ઓપ્શન નથી અને હમણાં મારું મગજ પણ ચકરાવા ખાય છે, ઘરે જઈને શાંતિથી વિચારીએ કે આપણે આગળ શું કરવું જોઈએ?"

"સાચી વાત છે તારી, મારું મગજ પણ બહેર મારી ગયું છે, જેમ જેમ આ દલદલમાંથી બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ એમ વધુ ને વધુ અંદર ફસાતા જઈએ છીએ."

ફક્ક્ડ મસાલા ચાની લિજ્જત લઈ બંને પાછા ઘરે પરત ફર્યા ત્યારે જોરવરસિંહ આંગણામાં પાથરેલા ઢોલિયા પર બેસી હુક્કાના કશ લઈ રહ્યા હતા.

"ખીમજી પટેલની વાર્તાનો છેડો મળ્યો કે નહીં કે હજી તમે બંને ગડથોલિયાં ખાઈ રહ્યા છો. હજી કહું છું એ માણસથી ચેતીને ચાલજો, એ ક્યારે ફૂંફાડા મારતાં ઝેર ઓકે એ ખબરેય નહીં પડે." જોરવરસિંહે બંનેને પોતાની પાસે બેસવાનો ઈશારો કર્યો એટલે બંને એમની બાજુમાં ગોઠવાઈ ગયા.

"જુઓ, ખીમજી પટેલે તમને બધી માહિતી તો નહીં જ આપી હોય એ વાત તો પાકી જ છે. કાંઈક વિચારવું તો પડશે જ." ફરી હુકકાનો પાઇપ મોઢામાં મૂકી જોરવરસિંહ વિચારે ચડ્યા.

રતન અને રાજીવ ઘરમાં ગયા અને સીધા ઉપર રૂમમાં જઈને બેડ પર આડા પડ્યા. રાજીવ ફ્રેશ થવા ગયો અને રતને રૂમમાં રહેલો લાકડાનો સુંદર કોતરણીની ડિઝાઇનવાળો કબાટ ખોલ્યો અને એમાંથી ખીમજી પટેલે આપેલી તરાનાની આદમકદની તસવીર કાઢી ખોલીને બેડ પર પાથરી દીધી અને બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો.

"રતન, શું શોધી રહ્યો છે આ તસવીરમાં? હું જ્યારે પણ આ તસવીર વિશે વિચારું છું મને અનન્યાની તીવ્ર યાદ આવી જાય છે. ક્યારેક તો એવો પણ વિચાર આવે છે કે ક્યાંક તરાના જ તો પાછી નથી ફરીને અનન્યાના રૂપમાં પણ દિલ કહે છે કે ના એ તરાના નથી. દિલ અને દિમાગમાં એક કશ્મકશ ચાલે છે અને ક્યારેક દિમાગમાં ચાલતી વિચારધારા દિલ પર હાવી થઈ જાય છે તો ક્યારેક દિલમાં ઉઠતી ટીસ દિમાગને દિલની વાત માનવા મજબુર કરે છે."

"રાજીવ, હું તારી મનસ્થિતિ સમજી શકું છું. હું પણ આ ભૂલભુલામણીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યો છું પણ આ કોકડું સુલઝવાને બદલે ઉલઝતું જાય છે. હવે તો ખીમજી પટેલ પાસેથી પણ વધુ માહિતી મળે એવું લાગતું નથી, આપણે જ કોઈ રસ્તો કાઢવો પડશે."

" હા, હું પણ એ જ વિચારી રહ્યો છું, પણ કાંઈ સૂઝતું નથી. એક કામ કરીએ, આજે સાંજે આપણે ખેતરે જઈએ, મને બહુ ઈચ્છા થઈ છે ત્યાં જવાની. ખુલી હવામાં બેસીએ કદાચ કોઈ રસ્તો મળી જાય."

",તેં તો મારા મનની વાત કહી દીધી, સાંજે ખેતરે જઈ આવીએ," રતન રાજીવને ભેટી પડ્યો અને નીચે ઉતરી ગયો. એના ગયા બાદ તરત જ બારણાં પાછળ આછો સળવળાટ થયો એટલે રાજીવ બહાર નીકળી જોવા લાગ્યો પણ ત્યાં કોઈ નહોતું એટલે મનનો ભ્રમ સમજી પાછો અંદર આવ્યો પણ એકવાર જો એણે જરા આગળ જઈ દાદરના કઠેડા પાસે મુકેલી લાકડાની મોટી પેટી પાછળ જોયું હોત તો એના મનમાં રહેલા ભ્રમનો ભમરો જરૂર ઉડી જાત.

"મારા મનમાં પણ ખોટી શંકાઓ ચકરાવા માર્યા કરે છે. ડગલે ને પગલે કોઈનો પગરવ સંભળાયા કરે છે, એવું કેમ લાગે છે કે કોઈ મારી અને રતનની રજેરજની ખબર રાખે છે, અમારો પીછો કરે છે. આ ભ્રમણા જ છે કે પછી ખરેખર કોઈ છે" મનમાં આશંકાનો ભાર લઈ રાજીવે બેડ પર લંબાવ્યું ને આંખો મીંચી થોડીવાર સુધી એમને એમ પડી રહ્યો. આમને આમ જ એની આંખ લાગી ગઈ અને કેટલો સમય વીતી ગયો એની ખબર પણ ન પડી, જ્યારે બારણું ખખડાવવાનો અવાજ સાંભળ્યો ત્યારે રાજીવે જોયું તો સૂરજ માથે આવી ગયો હતો અને માયા જમવા માટે બોલાવવા આવી હતી.

"રાજીવભાઈ, અનન્યાના સપનામાં તમે એવા ખોવાઈ ગયા હતા કે બારણુંય બંધ કરવાનું ભૂલી ગયા. હજી તો સગાઈ અને લગ્ન વચ્ચેનો ગોલ્ડન પિરિયડ તો હજી બાકી છે. હાલો હવે, ઝટ નીચે આવી જાઓ, જમવા ટાણું થઈ ગયું છે, નીચે બધા તમારી વાટ જુવે છે." માયાની નજર રૂમમાં ચારેતરફ ફરી વળી.

"ભાભી, બસ પાંચ જ મિનિટમાં આવું છું," રાજીવ શરમાઇને ઉભો થઇ બાથરૂમમાં ઘુસી ગયો.

માયા રૂમનો દરવાજો બંધ કરી નીચે ઉતરી ત્યાં એની ઓઢણીનો છેડો પાછળથી કોઈ ખેંચી રહ્યું હોય એમ લાગતાં મનમાં ડર સાથે જોવા માટે એ પાછળ ફરી પણ જોયું તો ઓઢણીનો છેડો દરવાજો બંધ કરતા એની બારસાખમાં ફસાઈ ગયો હતો એ જોઈ ને પોતાનો ડર પર મનોમન હસતી એણે દરવાજો ખોલ્યો અને ઓઢણીનો છેડો બહાર કાઢી પાછો દરવાજો બંધ કરવા ગઈ ત્યાં જ એણે રૂમમાં લાલ રંગની બાંધણીની આભલા ભરેલી ઓઢણી ઝરૂખેથી લહેરાતી ઉપર હવામાં અલોપ થતી જોઈ અને એનું હૃદય ધબકારો ચુકી ગયું.

"અરે....ભાભી, તમે હજી અહીં જ ઉભા છો. ક્યાંક મારી જાસૂસી કરી અનન્યા આગળ મારી ચુગલી કરી એનો માર ખવડાવવાનો તો ઈરાદો નથી ને તમારો?" રાજીવે બહાર નીકળી સામે માયાને ઉભેલી જોઈ.

"ના....ના.....રાજીવભાઈ, એ તો....એમ થયું કે....." આગળ કંઈ બોલે એ પહેલાં જ રતને બંનેને હાક મારી એટલે એ બંને નીચે ઉતર્યા.

રતન અને રાજીવ જમીને જોરવરસિંહ સાથે બહાર આંગણામાં આવ્યા.

"બાપુ, એક વાત કહો, તમને એવું કેમ લાગ્યું કે ખીમજીબાપાએ પુરી વાત નહિ કરી હોય, શું એવું પણ કંઈક છે જે તમે પણ જાણો છો?" રતને રાનીને ચારો-પાણી આપ્યાં અને આવીને ઢોલિયે બેસી ગયો.

"ના દીકરા, હું જાણતો હોત તો ક્યારનુંય કહી દીધું હોત પણ આ તો ખીમજી પટેલ છે, એમની રગ-રગથી વાકેફ છું એટલે કીધું. તમે સામ-દામ-દંડ-ભેદ બધાનો ઉપયોગ પણ કરશો ને તોય એ માણસના પેટનું પાણી નહિ હલે. એણે કાંઈક તો છુપાવ્યું જ હશે." જોરવરસિંહે દામુને બૂમ પાડી હુક્કો ભરી લાવવા કહ્યું.

"તો બાપુ, હવે તમે જ કહો અમારે શું કરવું? ગમે એ રીતે એમની પાસેથી બધું ઓકાવવું તો પડશે જ અને હવે મારી પાસે સમય પણ બહુ ઓછો બચ્યો છે." રાજીવના ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાઈ આવી.

"વિચારીએ, કોઈક મારગ તો જડી જ જશે," જોરવરસિંહે આશા વ્યક્ત કરી બંનેને હિંમત આપી.

"બાપુ, સાંજે અમે બંને ખેતરે જવાના છીએ, ઘણા દિવસથી હું પણ નથી ગયો એટલે આજે જાતે જઈને જોઈ આવું ને રાજીવની પણ ઈચ્છા છે જરા ખુલ્લા આકાશ નીચે રાત ગાળવાની તો આજે અમારું જમવાનું પણ ખેતરે જ મોકલાવી દેજો, હું ખેતરેથી કોઈને મોકલીશ ઘરે અને ઘડીકમાં આવું છું " કહી રતન ઉભો થયો અને બહાર નીકળી ગયો અને દસેક મિનિટ પછી પાછો ફર્યો ત્યારે એ ઘોડી પર સવાર હતો. ઘોડી પરથી ઉતરીને એણે ઘોડીને રાનીની બાજુના ખૂંટે બાંધી દીધી અને એને પણ ચારો-પાણી આપી આવીને રાજીવની પડખે બેસી ગયો.

"આજે રાજીવને પણ ઘોડેસવારી કરાવું એટલે મારા મિત્ર પરબતની ઘોડી લઈ આવ્યો. આજે અમે બંને ઘોડીએ સવાર થઈ ખેતરે જાશું અને રાજીવની ઘોડીએ બેસવાની પ્રેક્ટીસ પણ થઈ જશે આમેય થોડા દિવસો પછી એનેય ઘોડીએ ચડવું જ પડશે. રાજીવ, ચાલ થોડો આરામ કરી લઈએ, આજે રાત્રે મન ભરીને વાતો કરવી છે અને મિત્રતાને માણવી છે." કહી રતન ઉભો થયો એટલે રાજીવ પણ ઉભો થયો અને બંને પાછા ઉપર રૂમમાં જતા રહ્યા.

માયા પોતાના રૂમમાં ટીવી ચાલુ કરી બેડ પર સૂતી સૂતી રિમોટ વડે ટીવીની ચેનલો બદલી રહી હતી પણ એનું મન મર્કટની જેમ વિચારોની ડાળે કૂદાકૂદ કરી રહ્યું હતું.

"મેં આજે જે જોયું એ સત્ય હતું કે આભાસ, હકીકત હતી કે મૃગજળ, ચલ હતું કે છલ, એ લહેરાતી ઓઢણી ક્યાં અલોપ થઈ ગઈ રામ જાણે. આ વાત હું રતનને કે મા-બાપુને કરું કે નહીં......."

વિચારોના વમળમાં હાલકડોલક થતી માયાની નૈયા કિનારે પહોંચે એ પહેલાં જ એની છાતી પર ધ...ડા...મ... કરતી કોઈ વસ્તુ પડી જે જોઈને માયા છળી પડી અને એની નૈયા કિનારે પહોંચતા પહેલા જ મઝધારમાં ડૂબી જતી લાગી. માયાના મોઢામાંથી 'માડી.....' હળવી ચીસ નીકળી ગઈ અને શ્વાસના આરોહ-અવરોહથી ઉપર-નીચે થતી એની છાતી અને ક્લીવેજ પર ધીમે ધીમે પ્રસ્વેદબિંદુઓ જામી રહ્યા......

વધુ આવતા અંકે......

' આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.


"