" ચિન્ટુ.. હવે જો તે તોફાન કર્યા છે ને તો તારો વારો કાઢી નાખીશ.." ચિન્ટુ તોફાન કરે એટલે એના મમ્મી એના પર આમ જ બરાડે અને ચિન્ટુ જાય સીધો દાદીમાના ખોળામાં . એને વિશ્વાસ હોય આ ખોળામાં એને કોઈ કાંઈ નહીં કરી શકે . ચિન્ટુ દાદીમાનો બહું લાડકો . રાત્રે ચિન્ટુ સુવે નહીં ને દાદીમાને સુવા પણ ન દે અને જીદ્દ કરે વાર્તા સાંભળવાની . દાદીમા પૂછે "મારા ચિન્ટુ ને કઈ વાર્તા સંભળાવુ..?" ચિન્ટુ જવાબ આપે "ઓલી..જંગલ વાળી.." એટલે દાદીમા એમના અંદાજમાં વાર્તા શરૂ કરે....
બહું સમય પહેલાની આ વાત છે . એક મોટું જંગલ હતું . નામ એનું 'અમરવન' .
એક જંગલ ને નામ એનું અમરવન..
બહું અલબેલુ ને અદ્ભુત આ વન...
એમા રહે કંઈ કેટલી જાતના પ્રાણી..
રાત પતે વાત ન પતે એટલી કહાણી..
હાથી , હરણ , સિંહ વાઘની ગર્જના..
વળી નદીમાં ઘર છે માછલી-મગરના..
ભાલુ ઉંઘતુ ને સસલા આમતેમ ભાગે..
ઘુવડ સુવા જાય ને બીજા પંખી જાગે..
જીવડા રાત્રે બોલે પોપટ પાડે સવાર...
કૂદાકૂદ કરતા વાંદરાઓનો નહીં પાર...
આ જંગલમાં હાથીદાદા સૌથી સમજદાર . સવાર પડે ને હાથીદાદાની શાળા શરૂ થઈ જાય . બધા બાળકો એમની પાસે ભણવા જાય . સસલું , હરણ , વાંદરા , કાચબા , પોપટ , કાબર બધા . હાથીદાદા નાના બાળકોને જાત જાતની વાતો કરે જાત જાતનું જ્ઞાન શીખવે .
આટલા પ્રાણીમાં હાથીદાદા સમજદાર..
બાળકોને ભણાવે પડતા વહેલી સવાર...
બાળકોને લખતા અને વાંચતા શીખવે...
એક , બે , ત્રણ...કરી ગણતા શીખવે...
પણ આ વખતે હાથીદાદાની શાળામાં . એક તોફાની વાંદરો આવી ગયો હતો . ને એ વાંદરાનું નામ હતું 'ચિન્ટુ' બધાને હેરાન પરેશાન કરી નાંખે . કોઈને જંપીને બેસવા ન દે . બધા એનાથી ત્રાસી ગયા હતા . બધા એના પર ચીડાય અને એની સાથે બોલે નહીં . એટલે એ વધારે તોફાન કરે .
એક વાંદરો તોફાની ચિન્ટુ એનું નામ..
બસ તોફાન મસ્તી કરવા એનું કામ...
ચિન્ટુ ભાઈ ભારે તોફાની ભારે તોફાની...
કોઈને તપલી મારે ખેંચે પૂંછ છાનીમાની...
કોઈ પર ઉડાડી ભાગે પાણીના છાંટા...
કોઈને કહે લાંબા ને કોઈને કહે નાટા...
હાથીદાદા ચિન્ટુ ને લીધે ખૂબ ચિંતામાં રહેતા . એ કોઈને બરાબર ભણવા ન દેતો . એ તોફાની હતો એટલે કોઈ એની સાથે રહેતું નહીં એટલે એ વધારે ચીડાતો . હાથીદાદાને એના તોફાનની ચિંતા ન્હોતી એમને ચિંતા હતી કે ચિન્ટુ ના ક્યારેય મિત્ર નહીં બને તો એ બગડી જશે . ક્રોધી અને ચીડિયો થઈ જશે અને કાયમ મુંઝાયે રાખશે . હવે હાથીદાદાએ એક યુક્તિ વિચારી .
બીજા દિવસે જ્યારે શાળા શરૂ થઈ . ત્યારે હાથીદાદાએ ચિન્ટુ ને કહ્યું " બેટા..પહેલા આંબાના ડાળ પર ચકલી બેન રહે છે ને...એમને પાંખ પર વાગ્યું છે . જા તો એમને આટલા ચોખા અને પાણી આપી આવ" ચિન્ટુ તો ચોખાની પોટલી અને ગળામાં પાણીની બોટલ લઈ તૈયાર થયો અને ચકલી બેન પાસે . ચકલી બેન તો ચોખા અને પાણી જોઈને રાજી રાજી થઈ ગયા . એમને રાજી જોઈ ચિન્ટુને પહેલી વાર એ લોકોને હેરાન કરતો એનાથી પણ વધુ મજા આવી . પછી તો હાથીદાદા એને કોઈકની ને કોઈકની મદદ કરવા કહે . કોઈ માટે ફળ ભેગા કરે , કોઈ માટે તણખલા , કોઈને ઝાડ પર ચઢતા શીખવે કોઈને ઉતરતા .એને બધાની મદદ કરવાની ખૂબ મજા આવતી . હવે એ શાળામાં પણ બધાની મદદ કરતો કોઈ પેન્સિલ રબર ભૂલી જાય તો એને એ આપે કોઈને પોતાનો નાસ્તો આપે . હવે એને ખબર પડી ગઈ કે બીજાને સુખ આપવાથીજ આપણને સુખ મળે . હવે શાળાના બધા બાળકો એના મિત્ર બની ગયા . ને હાથીદાદાને હાશ થઈ...
આમ દાદીમા વાર્તા પૂરી કરે . ને એમના ચિન્ટુને ખાતરી થાય કે બધાને સુખ આપવું . ચિન્ટુ મોટેથી બરાડે "દાદીમા પછી..??"
દાદીમા કહે "પછી શું.."
હાથીદાદાએ ચિન્ટુને સેવાનું કામ દીધું...
પછી બધાએ ખાધું-પીધું ને રાજ કીધું...