sundari chapter 97 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૯૭

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૯૭

સત્તાણું

આજે એ દિવસ છે જેની રાહ વરુણને તો હતી જ પરંતુ કદાચ સુંદરી આ દિવસની રાહ વધુ આતુરતાથી જોઈ રહી હતી. આજે સુંદરી જ્યાં પ્રોફેસર છે એ કોલેજ અને વરુણની ભૂતકાળની કોલેજ વરૂણનું સન્માન કરવાની છે. આજે વરુણની મુલાકાત એના ચારેક વર્ષ પહેલાના ભૂતકાળ સાથે ફરીથી થવાની છે. આજે તે એ કોલેજમાં ચાર વર્ષે પરત આવશે જે કોલેજને તેણે દુઃખી હ્રદયે અધવચ્ચે એટલા માટે છોડી હતી કારણકે તેનું સ્પષ્ટપણે માનવું હતું કે તેને કારણે સુંદરીને બદનામી ન વહોરવી પડે.

ચાર વર્ષમાં કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓ બદલાઈ ગયા હતા એટલે એ વખતે સુંદરી અને વરુણ વચ્ચેના સબંધો વિષે અફવા ફેલાઈ હતી તેનું કોઇપણ નિશાન કોલેજમાં બચ્યું ન હતું અને એટલે સુંદરી અને વરુણ બંને રાહતથી અને આનંદથી આ કાર્યક્રમમાં ભાગ લઇ શકે તેમ હતા.

જો કે આ રાહતને જયરાજ મુશ્કેલીમાં મૂકી શકે તેમ હતો, પરંતુ તે જમાનાનો ખાધેલ માણસ હતો આથી એણે સુંદરી અને વરુણના સબંધોમાં ફાચર મારવી હોય કે પછી બંનેને બદનામ કરવા હોય તો કોઈ અન્ય તક તેણે શોધી પડે એવી હતી એવું તે બરોબર સમજતો હતો. જો જાહેરમાં અને એવા સમયે જ્યારે વરુણ એક સેલિબ્રિટી બની ચૂક્યો હતો એવામાં જો તે આવું કરવા જાય તો કદાચ તેનો દાવ જ ઉલટો પડી જાય એમ હતું.

આથી અત્યારે તો એવું લાગી રહ્યું હતું કે વરુણની પહેલી કોલેજમાં તેનું સન્માન કરવા માટે આયોજીત કાર્યક્રમ સમોસુતરો પાર પડી જશે. વરુણને સહપરિવાર આ કાર્યક્રમમાં આવવા ખુદ પ્રિન્સીપાલ ફરીથી વરુણને ઘેર ઇન્વીટેશન કાર્ડ લઈને આવી ગયા હતા અને આથી અત્યારે વરુણની કારમાં, જે વરુણ ખુદ ડ્રાઈવ કરીને આવ્યો હતો તેમાં વરુણ, હર્ષદભાઈ, રાગીણીબેન અને શ્યામલ સાથેની છેલ્લી ઘટના બાદ સ્વાભાવિકપણે દુઃખી દેખાઈ રહેલી ઇશાની બેસીને આવ્યા હતા.

કાર્યક્રમ શરુ થવાનો સમય સવારે અગિયારનો રાખવામાં આવ્યો હતો. વરુણ અને હર્ષદભાઈ બંને સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા આથી તેઓ ઘરેથી એ રીતે નીકળ્યા કે તેઓ તમામ બરોબર દસને પિસ્તાળીસે કોલેજના મુખ્ય દ્વાર પર આવી પહોંચે.

જેવી વરુણની કાર કોલેજના બહારની તરફના દરવાજે આવી પહોંચી કે કોલેજના વિદ્યાર્થીઓ જે તેમના નવા ક્રિકેટસ્ટારની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેઓની અને તેમની સાથે સામાન્ય લોકોની એટલેકે વરુણના ચાહકોની ભીડ તેને ઘેરી વળી. કોલેજે સિક્યોરીટીની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી હતી એટલે ગાર્ડઝે વરુણની આસપાસ ભેગી થયેલી ભીડને સમજાવટ સાથે ખસેડી.

જેવો વરુણ કારમાંથી બહાર આવ્યો કે ભીડની ચિચિયારીઓથી તેનું સ્વાગત થયું. વરુણે બધા સામે નમ્રતાપૂર્વક હાથ જોડ્યા તો કેટલાકની સામે હાથ હલાવ્યો પણ. સિક્યોરીટી ગાર્ડ્સ દ્વારા વરુણ માટે કરવામાં આવેલી જગ્યામાંથી વરુણ કોલેજના મુખ્ય દ્વાર તરફ ચાલવા લાગ્યો અને તેની પાછળ પાછળ તેનો પરિવાર થોડાક ગર્વ અને ઘણાબધા આનંદની સાથે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

વરુણ જેવો કોલેજના મુખ્ય દ્વાર પર પહોંચ્યો કે તેના સ્વાગત માટે કોલેજ દ્વારા ખાસ બનાવવામાં આવેલી સ્વાગત સમિતિના ચેરમેન પ્રોફેસર જયરાજે બુકે ધરીને વરૂણનું સ્વાગત કર્યું અને વરુણની નજર જયરાજની નજર સાથે મળી.

જયરાજને પોતાનું સ્વાગત કરતો જોઇને વરુણ એક ડગલું પાછળ ખસી ગયો, પરંતુ પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી અને જયરાજને પગે લાગ્યો.

“નો... નો... નો... યુ આર પ્રાઈડ ઓફ અવર કોલેજ, એન્ડ ધ હિસ્ટ્રી ડીપાર્ટમેન્ટ. એઝ હેડ ઓફ ધ હિસ્ટ્રી ડીપાર્ટમેન્ટ આઈ ફિલ પ્રાઉડ ટુ બી યોર ફર્સ્ટ પ્રોફેસર! આઈ શુડ હગ યુ!” કહીને જયરાજે વરુણને પરાણે ગળે વળગાડી દીધો.

“ના સર, ગમે તેમ તો પણ તમે મારા વડીલ કહેવાઓ, એટલે તમારા ચરણસ્પર્શ કરવા એ મારો ધર્મ છે.” વરુણે કટાક્ષમાં જયરાજને વડીલ કહ્યો.

કારણકે વરુણને યાદ હતું કે જ્યારે એ એલ.સી લેવા જયરાજ પાસે ગયો હતો ત્યારે તેણે સુંદરી વિષે કેવા શબ્દો વાપર્યા હતા. અત્યારે તો સંજોગોની મર્યાદા પારખી જવી એ જ વરુણ માટે જરૂરી હતું અને હવે વરુણ પાસે જયરાજ સાથે નકામી જીભાજોડી કરીને તેને મોટો બનાવી દેવાનું કોઈ કારણ પણ ન હતું.

“ઓહ ઓહ... આઈ લાઈક ધેટ. ઓન બિહાફ ઓફ ધ કૉલેજ આઈ વેલકમ યુ ધ યુથ આઇકોન એન્ડ ગુજરાત્સ પ્રાઈડ મિસ્ટર વરુણ.” કહીને જયરાજે વરૂણનું વિધિવત સ્વાગત કર્યું.

જયરાજ બાદ કોલેજની બે ગર્લ સ્ટુડન્ટ્સે વરુણને ગુલાબ આપ્યા જેને વરુણે હસીને સ્વીકાર્યા. આ તમામ થોડે દૂર ચાલ્યા ત્યાં પ્રિન્સીપાલ અને અન્ય સ્ટાફ વરુણને આવકારવા ઉભા હતા. વરુણને પ્રિન્સીપાલ ભેટી પડ્યા અને આગળ ચાલવા લાગ્યા.

જેમ જેમ વરુણ પ્રિન્સીપાલ સાથે કોલેજના મુખ્ય બિલ્ડીંગ તરફ આગળ વધી રહ્યો હતો તેમતેમ તેને જુનું બધું જ યાદ આવવા લાગ્યું. ડાબી તરફ કોલેજની એ કેન્ટીન જ્યાં તેણે અને કૃણાલે ખૂબ સમય પસાર કર્યો હતો અને અહીંજ સોનલબાએ વરુણને ભાઈ બનાવ્યો હતો અને અહીંજ તેમણે એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુંદરી સાથે વરૂણનું મિલન જરૂર થશે.

જમણી તરફ કોલેજનું ગ્રાઉન્ડ જ્યાં વરુણ દરરોજ પ્રેક્ટિસ કરતો. દર રવિવારે સુંદરી પણ એ પ્રેક્ટીસમાં જોડાતી. એ બાંકડો જ્યાં સુધી વરુણ પગમાં બોલ વાગ્યા બાદ સુંદરીના સહારે મેદાનની બહાર આવ્યો હતો અને પછી તેના સહારે જ એ કેબમાં બેસીને ઘરે ગયો હતો. થોડે આગળ ચાલીને વરુણ તમામ લોકો સાથે કોલેજના મુખ્ય બિલ્ડીંગમાં પ્રવેશ્યો.

અહીં તેને એ ચહેરાઓ યાદ આવી ગયા જે તેના અને સુંદરી વિષે વિચારીને તેની સામે જોઇને હસતાં હતા. આ ઉપરાંત કોલેજનો એ પહેલો દિવસ જ્યારે એ અને કૃણાલ પહેલું લેક્ચર ક્યાં છે એ રૂમ શોધવા માટે અન્ય વિદ્યાર્થીઓને પૂછી વળ્યા હતા. મુખ્ય હોલની જમણી તરફ લાઈબ્રેરી જ્યાં વરુણે અજાણતામાં જ જયરાજની મશ્કરી કરી હતી.

“આપણે સીધા હોલમાં જ જઈએ, થર્ડ ફ્લોર, તમને યાદ તો હશેજ, મિસ્ટર ભટ્ટ.” કહીને પ્રિન્સીપાલે વરૂણનું ધ્યાન ભંગ કર્યું.

“ચોક્કસ...” અને વરુણના પગ આપોઆપ ડાબી તરફ વળ્યા જ્યાં કોરીડોરને છેવાડે ઉપર જવાની સીડી હતી જેના પર કોલેજના પહેલા જ દિવસે પહેલા દોડીને વરુણ અને કૃણાલ ફર્સ્ટ લેક્ચરમાં પહોંચી શક્યા હતા.

જો કે વરુણની આંખો અત્યારે સુંદરીને શોધી રહી હતી. સુંદરીએ તેને કહ્યું હતું કે વરુણનું સન્માન કરવાનો આઈડિયા તેણેજ પ્રિન્સીપાલને આપ્યો હતો અને આ કાર્યક્રમ નક્કી કરવા પણ તે જ પ્રિન્સીપાલ સાથે તેને ઘરે આવી હતી તો પછી સુંદરી પણ અહીં હોવી જોઈએ, પણ એ દેખાતી કેમ ન હતી? વરુણ આ બધું વિચારતો વિચારતો સીડીના એક એક પગથિયાં ચડી રહ્યો હતો. પ્રિન્સીપાલ સતત તેને કોલેજ વિષે, તેની પ્રવૃત્તિઓ વિષે માહિતી આપી રહ્યા હતા પરંતુ વરૂણનું ધ્યાન હવે સુંદરી પર ચોંટી ગયું હતું.

એવામાં બધાં પહેલા માળે આવ્યા જ્યાં ડાબી તરફ બે ક્લાસની વચ્ચે વરુણનો એ ક્લાસરૂમ હતો જ્યાં તેણે સુંદરીને પહેલીવાર જોઈ હતી અને એને જોઇને આભો બની ગયો હતો અને તેની જીભ સાવ સિવાઈ ગઈ હતી. સુંદરી પ્રત્યેના તેના પ્રેમના બીજનું અંકુરણ આ જ રૂમમાં થયું હતું. વરુણને આ રૂમનું કાળું બંધ બારણું જોઇને એક વખત મન થયું કે તે પ્રિન્સીપાલને કહે કે બે મિનીટ તે આ ક્લાસમાં જઈને એની યાદ તાજી કરે, પરંતુ પછી થયું કે ઉપર કોલેજના હોલમાં સ્ટુડન્ટ્સ તેની રાહ જોઈ રહ્યા હશે આથી મોડું કરવું યોગ્ય નથી.

ધીમેધીમે સીડી ચડતાં તમામ ત્રીજે માળે આવ્યા જ્યાં દાદરાની બિલકુલ સામે જ કોલેજનો મુખ્ય હોલ હતો. આ રૂમનો દરવાજો ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. આમ તો હા હોલ ખૂબ વિશાળ હતો પણ અત્યારે રૂમમાં બેસવાની તો શું ઉભવાની પણ જગ્યા ન હતી અને હોલના બીજા બે દરવાજાઓની બહાર સુધી વિદ્યાર્થીઓ ઉભા હતા. વરુણના હોલમાં પ્રવેશવાની સાથેજ વિદ્યાર્થીઓઈ ચિચિયારીઓથી હોલ ભરાઈ ગયો.

અહીં પણ સિક્યોરીટીની પૂરતી વ્યવસ્થા હોવાથી સ્ટુડન્ટ્સ કાબૂમાં હતા. વરુણ હજી પરિસ્થિતિને સમજે ત્યાંજ...

“વેલકમ મિસ્ટર ભટ્ટ!” સુંદરીનો મીઠ્ઠો અવાજ તેના કાને પડ્યો.

સુંદરી એક મોટો બુકે લઈને સ્ટેજના કિનારે ઉભી હતી.

“ઓહ હાઈ!” સુંદરીને ક્યારની શોધી રહેલા વરુણથી આપોઆપ બોલાઈ ગયું.

સુંદરીએ વરુણને કાયમ કાતિલ લાગતા પોતાના સ્મિત સાથે તેને બુકે આપ્યો જેનો વરુણે સહર્ષ સ્વીકાર કર્યો અને પછી સુદરી અને વરુણ બંનેએ હાથ મેળવ્યા.

“પ્લીઝ કમ...” સુંદરીએ હસીને વરુણને સ્ટેજ પર આવવાનો ઈશારો કર્યો.

વરુણે સ્ટેજ પર ચડવાની સાથેજ દર્શકો સામે હાથ હલાવ્યો અને ફરીથી સમગ્ર હોલ શોરબકોરથી ભરાઈ ગયો.

“અમને નહીં મળો કેપ્ટન?” અચાનક જ વરુણની પાછળથી એક અવાજ આવ્યો.

વરુણે તરતજ પાછળ જોયું તો પ્રોફેસર શિંગાળા હતા, કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસર.

“અરે ગુરુજી...” કહીને વરુણ તેમને વળગી પડ્યો.

“તું ગમે તે ટીમમાં રમે વરુણ, અને હું રિટાયર થઇશ ત્યાં સુધી હું કોલેજની ગમે તેટલી ટીમોને કોચિંગ આપીશ પણ મારા માટે તો આપણી કોલેજનો કેપ્ટન સદાય તું જ છે અને રહીશ.” પ્રોફેસર શિંગાળાએ વરુણને કાનમાં કહ્યું.

વરુણ આ સાંભળીને ખૂબ ખુશ થયો અને પ્રોફેસર શિંગાળા સાથેનું તેનું આલિંગન વધુ મજબુત બન્યું.

“પ્લીઝ ટેઈક યોર સીટ વરુણ, તો આપણે પ્રોગ્રામ શરુ કરીએ.” અચાનક જ પ્રિન્સીપાલના અવાજે બંનેનું ધ્યાન ભંગ કર્યું.

“યસ સર.” કહીને વરુણે પ્રિન્સીપાલે જે ખુરશી તરફ ઈશારો કર્યો હતો તે તરફ ચાલવાનું શરુ કર્યું.

“પ્રોગ્રામ પતે એટલે ઘરે જવાની ઉતાવળ ન કરતાં.” વરુણ તેની ખુરશી તરફ ચાલી જ રહ્યો હતો કે સુંદરીએ તેને હળવે સાદે તેના કાનમાં કહ્યું.

“આઈ નો, લંચ કરીને જવાનું છે અમારે બધાએ.” વરુણે પણ ધીરે અવાજે જવાબ આપ્યો.

“એ તો કોલેજનું કામ છે, મારે તમારું પર્સનલ કામ છે, સમથિંગ સ્પેશિયલ.” આટલું કહીને સુંદરી માઈક રાખ્યું હતું એ તરફ ચાલવા લાગી કારણકે સમગ્ર કાર્યક્રમનું હોસ્ટીંગ એ કરી રહી હતી.

સુંદરીના માઈક તરફ ચાલવાની સાથે જ વરુણને લાગ્યું કે હવે આ સમથિંગ સ્પેશિયલનો કીડો સમગ્ર કાર્યક્રમમાં તેનું ધ્યાન બિલકુલ લાગવા નહીં દે.

વરુણને વારેવારે એક જ વિચાર આવી રહ્યો હતો કે સુંદરીને આમ અચાનક તેનું શું કામ પડ્યું?

==:: પ્રકરણ ૯૭ સમાપ્ત ::==