Prem Vicharono - 9 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમ વિચારોનો.... - 9 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

પ્રેમ વિચારોનો.... - 9 - છેલ્લો ભાગ

(ગતાંકથી ચાલુ આસવ લખે છે)
હા મેં નક્કી કર્યું હતું કે હું ખાસ મળવા આવીશ તમને મારા પોતાના વતનમાં. ત્યાં મારા સંતાનો ને એવું લાગ્યું કે હું સ્વરૂપાને ભૂલી નથી શક્યો. આમેય સંપત્તિ વિનાના વડીલો ને સાચવવા ઘણી વાર સંતાનોને સમય નો બગાડ લાગે છે. મારી અધૂરપને ડિપ્રેશન નું નામ આપી દીધું અને ડિપ્રેશનને દૂર કરવાને બદલે આનંદ હોસ્પિટલમાં ઇલાજ માટે મોકલી આપવામાં આવ્યો.

મારો મિત્ર ત્યાં જ સેવા બજાવે એટલે તે એક માત્ર સહારો હતો. હું તમારી સામે અર્ધસત્ય બોલ્યો, મને તે સમયે બધું કહેવું યોગ્ય ન લાગ્યું. અને કદાચ ઇશ્વરે મને તેની આ સજા આપી. મારા મિત્રે સલાહ આપી મારું સાહજિક વર્તન જ મને અહીંથી બહાર કાઢી શકે છે અને બસ તમારી મારી આસપાસ રહેલી હાજરીનો અહેસાસ અને તમને મળવાની આતુરતામાં ડોક્ટરો ના મતે સ્વસ્થ થઈ ગયો.
૧૪મી તારીખે જ્યારે તમે જીત્યા ત્યારે હું બહાર ખુલ્લી હવામાં શ્વાસ લેવા નીકળવાના વિચારમાં જ હતો ત્યાં તે પહેલા જ મારા સંતાનો એ બહાર નીકળી ને ક્યાં જવું તે પહેલેથી નક્કી કરી રાખ્યું હતું. મારા બહાર નીકળવાના આનંદને અવસર વૃદ્ધાશ્રમ ના દરવાજા એ સ્વાગત કર્યું. આ પીડા મારા માટે ઓચિંતી હતી હું નહોતો ઈચ્છતો કે તમે જે દિવસે સૌથી વધારે ખુશ હોય ત્યારે મારી પીડા ના વાદળો ની છાયા આવે બસ આ જ કારણ હતું તમને ન મળવાનું.
તે દિવસથી નક્કી કર્યું પત્રની કલ્પના ને પત્ર માં જ મળી લવું. મારા કારણે કદાચ તમે પણ મુશ્કેલીમાં મુકાઇ શકો એટલે જ મારી ઈચ્છાઓ ને સંકોરી લીધી પત્રથી આમ જ મળતો રહીશ.જેમ વધારે ઇચ્છાઓ રાખીએ તેમ આપણી અપેક્ષાઓ વધતી જાય છે અને ખબર નહીં કેમ મને એવું લાગે છે કે હવે હું પત્રોથી જ સંતોષ માની લવું તમને મળવાનું જો મારા નસીબમાં હશે તો ઈશ્વર ખુદ સંજોગોનું નિર્માણ કરશે. હવે તો પત્ર એ જ મારી જિંદગી સુગન્ધ છે. આતુરતા પૂર્વક રાહ જોઉં છું તમારા પત્રની......

તમારો આસવ

💕ક્યાંક ન પહોંચી શકાયાની વેદના પારાવાર
મારી ને તારી આપણી સંવેદના અનરાધાર 💕


પ્રિય આસવ જી,
શું લખું એ જ સમજાતું નથી તમારી વાત તો વાર્તા જેવી છે તમે આટલી પીડામાંથી પસાર થયા છતા તમે મને મારી વેદના માંથી બહાર લાવી દીધી.... હું આ માટે હંમેશા તમારી ઋણી રહીશ.....
આપણી મિત્રતા ની શરૂઆત જ સંધ્યા થી થઈ છે તો એ હવે આમ જ અવિરતપણે બંનેને આનંદ આપશે. ફરીથી પ્રથમ પત્રના આસવ બની જજો અને હું ઓજસ. તમારી કલ્પનાની પ્રિયા હું જ છું એમ જ સમજજો. કલ્પના ની પ્રિયાને ખુશ થઈને જ પત્ર લખવાના છે .હવે તમારી જવાબદારી થઈ જાય કારણ કે તે પ્રિયાને તમે જ ખુશ રહેતા શીખડાવ્યું છે.
મારી તો જિંદગીને નવી દિશા મળી ગઈ અને એક વાત કહું તમારા માટે એક મોટી સરપ્રાઈઝ છે .મેં અક્ષત ને તમારી બધી વાતો કરી. તે વાતો ના અનુસંધાને મેં અને અક્ષતે તમારા જન્મદિવસ પર ખાસ એક આયોજન કર્યું છે અને તે આયોજન તમારા વિના અધૂરું રહેવાનું છે, તો તમારે તમારા જ શહેરમાં તમારા વતનમાં અમને મળવા આવવાનું છે. મેં ઘણું બધું વિચાર્યું છે જલ્દી મળશું .
આનંદિત ઓજસ

પ્રિય પ્રિયા રૂપી ઓજસ....
કેમ તમે મારા મનથી આટલા નજીક છો? જ્યાંથી મારી બધી આશાઓ પૂર્ણ થઈ જાય તમે એક નવા સૂર્યની કિરણ લઈને આવો છો. તમારો દરેક પત્ર મારા માટે આયુષ્યનું એક નવું અરમાન જગાવે છે. દિવસ અને રાત્રી બંને ખુશ ખુશાલ વીતી જાય છે. હું ચોક્કસ આવીશ કારણ કે આ વખતે તમારી સાથે અક્ષત જીને પણ મળવાની ઈચ્છા છે અને મારો જન્મદિવસ તમારા બંનેની સાથે ઉજવાય તેનાથી મોટી સરપ્રાઈઝ શું હોઈ શકે?
આતુર આસવ

💕 ક્ષણે ક્ષણે મહેકતી આ જિંદગી
ને શ્વાસે શ્વાસે ચહેક્તી આ બંદગી💕

પ્રિય. આસવ જી,

' પ્રેમ' વ્યકિતને ક્યાંથી ક્યાં લઇ જાય છે? મને આજે એ દિવસ યાદ આવે છે,જ્યારે હું ઉદાસીન સાંજે અમંગળ વિચારી નદી કિનારે દુઃખી હૃદયે જતી હતી,અને ત્યાં જ શબ્દસેતુ એ મને પોતાનાં તરફ ખેંચી લીધી....

શબ્દસેતુ ખરેખર તો ઈશ્વરે જાણે તમને મળવાનું બહાનું મારા માટે શોધી કાઢ્યું. ડિસ્પ્લે બોર્ડ ની પંક્તિ વાંચી ને થોડી વાર માટે હું પોતાની જાતને ભૂલી પ્રિયા માં પરોવાઇ ગઇ. અને બસ પછી તો મારા કદમ તમારા તરફ અને મારા શોખ તરફ વળી ગયા મારી જાતને પ્રેમ કરવા લાગી.હું કોઈ માટે ખાસ છું તેવો ભાવ જ મને પ્રેરણા આપતો હતો.
લાગણી એક તરફી હોય તો કદાચ એક વ્યક્તિ ખુશ થાય પરંતુ અહીં તો પ્રેમ બંને પક્ષે છે. તમારો પ્રેમ મારામાં ખીલ્યો મારા ફૂલોમાં, મારા બગીચામાં અને મારી જીત ની સુગંધ માં અને મારો પ્રેમ ખીલ્યો તમારી કવિતામાં તમારા વિચારોમાં અને એ દ્વારા 'પ્રેમ વિચારોનો' પુસ્તક દ્વારા......
. હા આજે હું સૌથી વધારે ખુશ થઈ. શબ્દ સેતુના પુસ્તકાલયમાં......જ્યાં તમે મને નવી જિંદગી આપી ત્યાં તમારા અને મારા પત્રોનું પ્રેમ વિચારોનો પુસ્તકરૂપે વિમોચન થયું અને તે પણ તમારા જ હસ્તે.
મેં જ્યારે અક્ષતને તમારા વિશે વાત કરી ત્યારે તેમણે જ મને આ વિચાર આપ્યો કે મારે પણ તમારી મિત્રતાને એક યાદગાર સંભારણું આપવું જોઈએ અને બસ તમારા અને મારા પત્રો પ્રેમ વિચારોનો પુસ્તક રીતે લોકો સમક્ષ આવ્યા પલાશ અને પ્રિયાના પત્ર સ્વરૂપે.....
હજુ આ શરૂઆત જ છે તમારા મનગમતા કાર્યની. હું ઈચ્છું છું કે તમારો પ્રેમ વિચારો દ્વારા ,સાહિત્ય માં આવી જ રીતે વિચારતો રહે .તમારા દ્વારા રચિત સાહિત્ય ની બધી કૃતિઓ મારા હૃદયમાં એક નવું સંસ્મરણ સંચિત કરશે.
તમારી કવિતામાં મારા પુષ્પો અને મારા પુષ્પોમાં તમારા વિચારો ની સુગંધ.....
પ્રેમનું આનાથી વધારે હકારાત્મક સ્વરૂપ હોઈ શકે?
આપણી આ મુલાકાત પણ છેલ્લી મુલાકાત ન હતી .આપણે એકબીજાના વિચારોને પ્રેમ કરી પોતાપોતાના શોખને વાચા આપી દૂર દૂરના પ્રવાસના સાથી પ્રવાસી બનવાનું છે બનાશોને?
આસવ ની ઓજસ........

💕 વિચારો પ્રેમના બન્યા પુસ્તક રૂપી સંભારણા સમયના.....
પ્રેમ, વિશ્વાસ, શ્રધ્ધા તણા ફુલ ખીલ્યા સ્નેહ સંસ્મરણના....💕

(સમાપ્ત)

પ્રેમ વિચારોનો.,.(પત્રો)..…આજે અંતિમ ચરણમાં પહોંચ્યું ત્યારે આસવ અને ઓજસની સાથે સાથે
મારા પ્રિય વાચક વર્ગનો હૃદયપૂર્વક આભાર માનું છું.....
તમારા હૃદય સ્પર્શી પ્રતિભાવોને કારણે જ મારી કલમ એક લઘુકથા માંથી પત્રોની હારમાળા રૂપે લખવા પ્રેરાઇ.....