ek navi sharuaat in Gujarati Love Stories by Bhumi Gohil books and stories PDF | એક નવી શરૂઆત...

Featured Books
Categories
Share

એક નવી શરૂઆત...

ઘરમાં આજે કંઈક વધારે જ ચહલ-પહલ હતી. વાત એમ હતી કે આજે રુહીને જોવા માટે છોકરાવાળા આવવાનાં હતા. દીકરીવાળું ઘર એટલે કેટલી તૈયારીઓ હોય ! હું પણ સવારથી જ રસોડામાં હતી. નાસ્તો અને જમવાનું બનાવી હજી નેપકીનથી હાથ લૂછી રહી હતી કે મમ્મી આવ્યા અને બોલ્યા, “ખુશી, બેટા કામ પતી ગયું તારું ?”
“હા મમ્મી, બસ બધું થઈ જ ગયું છે, રુહી તૈયાર થઈ ?” મેં કહ્યું.
“હું તને એ જ કહેવા આવી હતી કે જરા રુહીને જોઈ લેને અને એને તૈયાર કરી પછી અખિલ ઉઠ્યો કે નહીં એ પણ જરા જોઈ લેજે. વળી પાછો એ કલાક કરશે !”
“સારું મમ્મી હું હમણાં જ જાવ છું.”
એટલું કહી મમ્મી ડ્રોઈંગરૂમ તરફ વળ્યા અને હું તરત જ રુહીનાં રૂમમાં આવી અને જોયું તો રુહી તૈયાર થઈને સેલ્ફીઓ લઈ રહી હતી. મને જોઈને રુહી મને પણ સાથે ખેંચી ગઈ.

“અરે રુહી !, છોડ મારે બહુ કામ છે” મેં હાથ છોડાવતાં કહ્યું.
“ભાભી પ્લીઝ એક સેલ્ફી અને તમારે શું કામ છે એ મને ખબર છે હો !” રુહીએ ટોન્ટ મારીને મને કહ્યું.
“શું ખબર છે તને ?”
“કેમ વળી, અખિલભાઈને ઉઠાડવા જવું હોય એટલે ઉતાવળ તો હોવાની જ.” કહેતાં તેણે મારા સામે આંખ મારી.
“ઊભી રહે તું !” કેહતા હું એના પાછળ ભાગી ત્યાં જ મમ્મી આવ્યા અને અમને બંનેને મસ્તી કરતા જોઈ રહ્યા.
અચાનક મારુ ધ્યાન ગયું જોયું તો એમની આંખોમાં આંસુ હતા.એ જોઈ હું અને રુહી એમના પાસે ગયા.
“શું મમ્મી તમે પણ રડવા લાગ્યા હજુ તો જોવા જ આવે છે ને ? હું ક્યાં અત્યારે જ સાસરે જતી રહેવાની છું.” રુહીએ કહ્યું.
“દીકરીની મા છું. આંસુ આવવા સ્વાભાવિક છે. કેટલી મોટી થઈ ગઈ મારી દીકરી” કહેતાં એ રુહીના માથે હાથ ફેરવી રહ્યા.
મમ્મીએ અમને બંનેને ગળે લગાવતા કહ્યું, “કંઈ વાંધો નહીં, તું જતી રહીશ તો પણ ભગવાને મને બીજી દીકરી આપી જ છે”
“હા મમ્મી.” મેં પણ ભાવુક થઈને કહ્યું.
“ચાલો બંને ફટાફટ બહાર આવો. મહેમાન આવતા જ હશે અને ખુશી તું, અખિલને ઉઠાડી દે. હમણાં એ લોકો આવી જશે.”
હકારાત્મક ઢબે માથું ધુણાવી હું રૂમમાં આવી. મેં જોયું તો અખિલ હજુ સુતા હતા. મેં એમનો ફોન કાન પાસે મૂકી કોલ કરી રિંગ વગાડી એટલે એ ઉઠ્યા.
મેં એમનાં સામે જોયા વિના જ કહ્યું, “જલ્દી ફ્રેશ થઈ બહાર આવો. હમણાં મહેમાન આવી જશે.”
મારા સામે જોતા તે ઉઠીને બાથરૂમ તરફ ગયા. હું બ્લેન્કેટ સંકેલવા લાગી. મારું મન છ મહિના પહેલા આવી જ તૈયારીઓ કરતા મારા ઘરે પહોંચી ગયું.

(છ મહિના પહેલા)
હું કોલેજથી હજુ આવી જ હતી કે મમ્મી બોલ્યા,
“ખુશી બેટા જલ્દી તૈયાર થઈ જજે. હમણાં જ કમલભાઈ એમનાં પરિવાર સાથે આવતા હશે.”
કશું જ બોલ્યા વગર હું અંદર જતી રહી. રૂમમાં આવતા જ બેગ બેડ પર ફેંકી હું નીચે ફસડાઈ પડી.
કેટલી વાર કહ્યું મેં કહ્યું હતું કે પપ્પા મારે હજુ ભણવું છે, જોબ કરવી છે, પોતાનાં સપનાઓ પુરા કરવા છે પણ એમને તો બસ એમની જવાબદારમાંથી મુક્ત થવું હતું અને મારી ઈચ્છાઓ, મારા સપનાઓ બધાનું એમના માટે કંઈ જ નથી.
બારણે ટકોરા પડ્યા અને મમ્મી બહારથી જ બોલ્યા, “ખુશી મહેમાન ક્યારનાં નીકળી ગયા છે. પહોંચતા જ હશે, તું જલ્દી તૈયાર થઈને બહાર આવ.”

મારા તૂટેલા સપનાઓ અને ઈચ્છાઓને મનનાં એક ખૂણે દબાવીને હું તૈયાર થઇ. ગુલાબી રંગની સાડી પહેરી હું બહાર આવી ત્યારે મહેમાન આવી ગયા હતાા.